Tag Archives: અમેરિકા ડો.ગુણવંત શાહ
જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક પદ્મશ્રી ડો.ગુણવંત શાહના પ્રસીદ્ધ પુસ્તક ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર અને સહર્ષ પ્રસ્તુત છે.
આ બે પ્રકરણોમાંથી વાચકોને અમેરિકા વિશેની ઘણી જાણવા જેવી માહિતી લેખકની આગવી શૈલીમાં વાંચવાની મજા પડશે એવી આશા છે.
વિનોદ પટેલ

કોલમ્બસના હીન્દુસ્તાનમાં.. ડો. ગુણવન્ત શાહ
(પૃથ્વીનું પાદર અમેરીકા : અમેરીકાને હું પૃથ્વીનું પાદર કહું છું. અમેરીકાને ‘મેલ્ટીંગ પૉટ’ કહેવામાં આવે તે યોગ્ય છે. સમગ્ર વીશ્વની પ્રજાઓ અહીં આવીને રહી પડી છે અને સુખી થઈ છે. દુનીયાનાં અનેક ગામોમાં અમેરીકન ડૉલર પહોંચ્યા છે. આવી ઉદારતા અન્ય કોઈ દેશે બતાવી નથી.
(અમેરીકાને અબ્રાહમ લીંકન જેવા લીબરલ મહામાનવનો વૈચારીક વારસો મળ્યો છે. પરીણામે અમેરીકન પ્રજાને ખુલ્લા મનનો લોકતાંત્રીક મીજાજ પ્રાપ્ત થયો છે. સવારે ફરવા નીકળેલી અમેરીકન યુવતી, સામે મળેલા અજાણ્યા પરદેશીને સ્મીતપુર્વક ‘ગુડ મોર્નીંગ’ કહે છે. એવું સ્મીત અન્ય કોઈ દેશમાં જોવા ના મળે.
(અમેરીકામાં સમૃદ્ધીનાં દુષણો એવાં કે ગરીબીનાં દુષણોને પણ વટાવી જાય. ગરીબી અને સરમુખત્યારીનાં દુષણોથી ઘેરાયેલા દેશોની પ્રજાને, અમેરીકા ખેંચે છે અને ખેંચાયેલા અસંખ્ય લોકો ત્યાં કાયમી ધોરણે રહી પડે છે.
(આ પુસ્તક ચીલાચાલુ અર્થમાં પ્રવાસવર્ણન નથી. એમાં ‘તરણા ઓથે ડુંગર’ની માફક દરેક ઘટનાની પાછળ સંતાયેલી સમસ્યા કે વીશ્વની સંકુલ પરીસ્થીતીનું વીવરણ સહજ રીતે નીમીત્ત બનતું રહે છે. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને ‘પ્રવાસ સમ્વેદન’ કહેવાની ગુસ્તાખી કરી છે. વાચકોને અમેરીકા સદેહે જઈને બધું જોવાની જરુર નથી. ત્યાં ગયા વીના પણ અમેરીકાને સમજી શકાય છે. આ પુસ્તક એવી સમજણને સંકોરે એવા આશયથી લખાયું છે.
૧૯૬૯માં ત્રીસ હજાર જેટલી ગ્રાહક સંખ્યા ધરાવતા ‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી સ્વ. કાંતીભાઈ શાહે જ આ લેખમાળાને ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’ એવું આ શીર્ષક આપેલું.
– ગુણવન્ત શાહ)
માણસ બધે સરખા ….પ્રકરણ : બે
ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો; પણ અમેરીકાની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યાનો રોમાંચ હજી આજેયે યાદ છે.
અમેરીકામાં જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું તે પરથી વીશ્વની સમસ્યાઓ અંગેની સમજ પણ વધુ ઉંડી બની. એવીયે પ્રતીતી થઈ કે ભારતનું તટસ્થ–દર્શન પણ ભારત બહારથી વધુ સારી રીતે થઈ શકે છે. પોતાની માતા કેવી છે તે જાણવા માટે પણ બાળકે માતાના ગર્ભની બહાર આવવું પડે છે.
દુનીયામાં ગમે ત્યાં જાઓ, માનવની મર્યાદાઓનો તેમ જ માનવની સુજનતાનો પરચો બધે મળવાનો. જીવવાની ઢબ–છબમાં અને રીતરીવાજોમાં તફાવત દેખાય, તે ઉપરછલ્લો. પોપડો ઉખેડીને જોઈએ તો ઘણું બધું સરખું દેખાય. વળી કેટલીક વૃત્તીઓ દેશની આર્થીક અને સામાજીક પરીસ્થીતી સાથે પણ સંકળાયેલી છે. ખલીલ જીબ્રાને કહ્યું હતું તેમ, તમે ગીત ગાઓ તે ભુખ્યો માણસ પેટથી સાંભળે છે. પ્રામાણીકતાનાં ધોરણો પણ ગરીબી અને અમીરી સાથે સંકળાયેલાં છે. બાકી, માનવમન તો બધે જ સરખું. એટલે જ મોટા ભાગની આજની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે. ભુખ અને ભડકા વગરના વીશ્વ માટેની આધારશીલા પણ આ જ છે ને!
● માનવમન જો એક ન હોત તો આપણાં જાહેર પાયખાનાંઓમાં નજરે પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?
● જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ–રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?
● જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે રહે ? અને ‘ગાંધી’ ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની આંખમાં આંસુ શા માટે આવે ?
● જો એમ ન હોત, તો પસ્તી ખરીદનારો આપણને ત્રાજવાનો કસબ બતાવે તે જ રીતે, વૉશીંગ્ટનનો પેલો મીઠાબોલો દુકાનદાર બે વરસની ગૅરંટી સાથે બાર ડૉલરમાં જે ઘડીયાળ આપણને વળગાડે તેને બે મહીનામાં જ હાર્ટ એટેક કેમ આવે ?
● જો એમ ન હોત, તો માર્ટીન લ્યુથર કીંગનો રંગભેદ સામેનો અહીંસક સત્યાગ્રહ સફળ થાય ખરો ?
ટુંકમાં, એમ લાગ્યા વીના રહેતું નથી કે દેશપરદેશના સેઢા–સીમાડા ભુલી જઈએ તો અડધો જંગ જીતી ગયા જાણવો. ડૉ. ફાર્મરે કહેલી મજાક યાદ આવે છે. તેમણે કોઈ અમેરીકનને પુછ્યું, ‘તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, ‘હું અમેરીકામાં જનમ્યો છું માટે.’ ડૉ ફાર્મરે તરત સામે પુછ્યું : ‘બીલાડીનાં બચ્ચાં ઓવન(ભઠ્ઠી)માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?’
પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : ‘ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ ‘આપણા’ પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.’ ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે.
સાપેક્ષતાનું સમીકરણ ‘E=mc2’ કોઈ એક દેશનું જ હોઈ શકે ? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.
એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ–સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : ‘મુક્ત હરીફાઈ.’ એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ.
અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : ‘ધ લોન્લી ક્રાઉડ’(એકલવાયું ટોળું). આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય છણાવટ થઈ છે. આજે મહાનગરોની ભરચક વસ્તીમાં માણસ સાવ એકલો છે. રમેશ પારેખ કહે છે તેમ : ‘પોતાની કડકડતી એકલતા લઈ, સૌ બેઠા છે ટોળાને તાપણે.’ થોડો વખત પણ ત્યાં રહેનારને આવો અનુભવ થયા વીના રહેતો નથી.
ન્યુ યૉર્કમાં વર્ષો પહેલાં વીજળીનો પ્રવાહ ખોટકાયો ત્યારે બનેલો પ્રસંગ છે. બહુમાળી મકાનના કોઈ મજલા પર રહેતા પાડોશીઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. અચાનક ગૃહીણીને ખ્યાલ આવે છે કે પડોશણને ત્યાં નવજાત શીશુ માટે કદાચ દુધ નહીં હોય. અંધારું પ્રગાઢ છે; પરન્તુ એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : ‘આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં!’
ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : ‘મારે આ મીણબત્તીઓની જરુર નથી.’
મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે ભેટો થાય પછી તેને આત્મીય ગણવાનું અને સામેની વ્યક્તીતાને માન આપવાનું અમેરીકનોને ગમે છે. એમની નીખાલસતા અને ઋજુતા આપણને સ્પર્શે જ. અમેરીકા વીસ્તારમાં મોટો હોવા છતાં વસ્તારી ન ગણાય. વીસ્તારના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. અહીંની પ્રજા અજાણ્યાને સ્મીત કરી બોલાવે; ફાંફાં મારનારને ‘હું તમને મદદ કરી શકું?’ – કહી સહાય કરે; સામાવાળાની વાત સાથે અસમ્મત થાય તોય મોં નહીં બગાડે; પરદેશીને પ્રેમથી જમાડે અને ફેરવે.
મારો મીત્ર કીમ સીબલી હાલ ઓહાયો યુનીવર્સીટીમાં છે. એન આર્બરમાં એને ત્યાં જમવા ગયેલો ત્યારે એણે કનૈયાલાલ મુનશીની ‘તપસ્વીની’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ વાંચવા આપેલો. એ અનુવાદ શ્રી એચ. એમ. પટેલે કર્યો હતો. કીમની દીકરીનું નામ છે આનંદી. કીમને હીન્દી આવડે છે અને એને ભારતમાં ખુબ રસ છે.
અમુક કામ કરવાને કારણે કોઈ માણસ ઉંચો કે નીચો બનતો નથી. પુરુષાર્થથી તદ્દન છેવાડેનો માનવી પણ ટોચ સુધી પહોંચી શકે છે એવાં અનેક ઉદાહરણો છે. પ્રમુખ લીંકનનો જન્મ લાકડાની કોટડીમાં થયેલો અને એનું બાળપણ લાકડાં ફાડવામાં અને ગામેગામ ભટકવામાં વીતેલું. બેન્જામીન ફ્રેન્ક્લીન ફેરીયો હતો. થોમસ જેફરસન બીબાં બનાવતો હતો. પ્રમુખ જ્હોન એડમ્સ ખેડુતનો દીકરો હતો. હર્બર્ટ હુવર અને પ્રમુખ આઈઝનહોવર લુહારના દીકરા હતા. જાણીતી ફાઈવ–સ્ટાર હૉટલોની આંતરરાષ્ટ્રીય ચેઈન ‘હીલ્ટન હૉટલ’નો માલીક સાવ સામાન્ય કક્ષાએથી શરુ કરીને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો. હીલ્ટન હૉટલોમાં દરેક રુમમાં એની આત્મકથા રાખેલી હોય છે; ગ્રાહકોને મફત લઈ જવાની છુટ સાથે. પ્રમુખ ટ્રુમેન ખેડુતનો દીકરો હતો. પ્રમુખ જોન્સન ખેડુતનો દીકરો હતો અને એક જમાનામાં એમણે વાળંદની દુકાનમાં નોકરી કરેલી. આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.
દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે.
અને છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.
NRI મીત્રોને …છેલ્લું પ્રકરણ : ૨૮
અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો? લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર !
એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી–પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય.
બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : ‘ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા આ મીત્ર વલ્લભભાઈને ત્યાં રહેવાનું છે. કાલે હું તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : ‘ગુણવન્તભાઈ, હું વર્ષોથી ‘નવનીત– સમર્પણ’ વાંચું છું. એમાં તમારી લેખમાળા ‘આપણે પ્રવાસી પારાવારના’ કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !’ મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચન્દ્ર, ભગવતીકુમાર શર્મા ઈત્યાદી. આવો પેટછુટો અને દીલછુટો અસ્સલ સુરતી મળવો મુશ્કેલ!
જે મીત્રો વાંચવાનું ચાલુ રાખે છે તે સૌ જુદા પડી આવે છે. વળી, આદરણીય મોરારીબાપુના ભક્તો પણ જુદા પડી આવે છે. અમેરીકાનાં હજારો ઘરોમાં બાપુને કારણે માતૃભાષા, નીર્વ્યસનીપણું અને રામાયણની સુગન્ધ ટકી રહી છે. આવાં કેટલાં ઘરો અમેરીકામાં હશે? એમની ભલમનસાઈનો ગેરલાભ લેનારા લોકોને હું બરાબર ઓળખું છું. આવા શ્રદ્ધાળુ લોકોને હોંશે હોંશે છેતરાતા જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ!
NRIની મારી મૌલીક વ્યાખ્યા આવી છે.
NRI એટલે ‘એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.’(One who ‘Naturally Returns to India’) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો–આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું.
તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે!
અન્તે આ પ્રવાસ–સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :
નથી કશુંય અષ્ટંપષ્ટં,
નથી કશુંયે ગોળ ગોળ,
નથી કોઈની શેહશરમ,
નથી રે કોઈ ભેદભરમ!
હૈયું તેવું હોઠે રે મનવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા,
માહ્યલો જેમાં બનતો રે કાજી,
રામજી એમાં રાજી રે રાજી,
ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ,
સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!
ડો.ગુણવન્ત શાહ
લેખક સમ્પર્ક :
ડો. ગુણવન્ત શાહ
‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા–390 020
સૌજન્ય/સાભાર …
પુસ્તક પ્રાપ્તિ અને અન્ય વિગતો ..
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય

Dr. Gunvant Shah
વાચકોના પ્રતિભાવ