વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: આગ

( 453 ) આગની જ્વાળાઓમાં ફરી એકવાર ઝડપાયું કેલીફોર્નીયાનું રમણીય શહેર સાન ડિયેગો

આગની જ્વાળાઓમાં ઝડપાએલ  સાન ડિયેગોનાં બે દ્રશ્યો 

અમેરિકાની પશ્ચિમે પેસિફિક સમુદ્રને અડીને આવેલું કેલીફોર્નીયા સૌન્દર્યથી ભરપુર એક રાજ્ય છે . આ રાજ્યના મોટા શહેર લોસ એન્જિલસની નજીક જ પેસીફિક સમુદ્રને કિનારે આવેલું સાન ડિયેગો એ બીજા નંબરનું અગત્યનું જોવા લાયક સ્થળોથી ભરપુર રમણીય શહેર છે .

સાન ડિયેગો શહેર જ્યાં હું રહુ છું ત્યાં વર્ષ દરમ્યાન સરેરાસ તાપમાન ૭૦ ડીગ્રીથી ૭૫ ડીગ્રી વચ્ચે રહેતું હોય છે . એટલા માટે ટ્રાવેલ એન્ડ લીઝર ના વાર્ષિક સર્વે પ્રમાણે સાન ડીયેગોને ઉનાળુ વેકેશન માટેના અમેરિકાના સર્વ શ્રેષ્ઠ શહેર તરીકે એની ગણતરી કરી છે .

સાન ડિયેગો વિશેનો આ વિડીયો જોવાથી એની રમણીયતા અને એના સી વર્લ્ડ જેવા મશહુર જોવા લાયક સ્થળોનો સહેજે ખ્યાલ આવી જશે ,

ઉનાળુ વેકેશન માટે જ્યાં આ સીઝનમાં મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે એ સાન ડિયેગો શહેર છેલ્લા ચાર દિવસથી હાલ હું જ્યારે લખી રહ્યો છું ત્યારે શહેરના નવ વિસ્તારોમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું છે .

નીચેની એ .બી.સી. ન્યુઝ અને સાન ડિયેગોના અખબાર યુનિયન ટ્રિબ્યુનની બે લીંક ઉપર ક્લિક કરીને એમાં મુકેલા વિડીયોમાં આ આગના દ્રશ્યો અને એનો અહેવાલ જાણી શકાશે .  

NINE CONFIRMED FIRE IN SAN DIEGO -ABC NEWS  

COMPLETE FIRE COVERAGE OF SAN DIEGO COUNTY FIRES  -U.T. 

સાન ડિયેગો ઉંચી ટેકરીઓ વચ્ચે વસેલું શહેર છે .કેલીફોર્નીયામાં વરસાદ બહું પડતો નથી . પાણીની ખેંચ રહેતી હોય છે  ઉનાળામાં જ્યારે ગરમી વધુ પડે અને આ સીઝનમાં પવન પણ ફૂંકાતો હોય છે એટલે ટેકરીઓ ઉપર ઉગી નીકળેલા સુકા ઝાંખરા અને ઘાસમાં આગ લાગવાનો ભય વધુ રહેતો હોય છે .પવનને લીધે ફેલાતી આગને કાબુમાં લેવાનું ફાયર બ્રિગેડ માટે બહું મુશ્કેલ બની જતું હોય છે . 

હું જ્યાં રહું છું ત્યાંથી આગ થોડી દુર છે એટલે અમોને બહું ભય નથી . પરંતુ મારો બીજો દીકરો જે સાન ડિયેગોમાં જ રહે છે એના ઘરની નજીકમાં જ આગ આવી ગઈ હતી . શહેરના સતાવાળાઓએ  આપેલ ચેતવણીની નોટીસ મુજબ એના કુટુંબને ઘર છોડી એના ધંધાના સ્થળે થોડો સમય જતા રહેવું પડ્યું હતું . પવનની દિશા બદલાતાં એનું ઘર બચી ગયું હતું અને એ લોકો સહીસલામત ઘરમાં પાછાં આવી ગયાં હતાં . 

કોણ જાણે કેમ સાન ડિયેગો શહેરને વાઈલ્ડ ફાયરનો શાપ લાગ્યો લાગે છે .

આ અગાઉ ઓક્ટોબર ૨૦૦૩માં કેલિફોર્નીયાના ઇતિહાસમાં કદી જોઈ ના  હોય એવી સીડાર ફાયર  તરીકે ઓળખાતી સૌથી મોટી આગનો  સાન ડિયેગો શહેરએ અનુભવ કર્યો હતો . આ વખતે ઈસ્ટ કાઉન્ટીની આગમાં ૩૦૦૦ મકાનો આગની જ્વાળામાં બળીને ભસ્મીભૂત થઇ ગયાં હતાં અને ૧૭ માણસો આગમાં સપડાઈને બળી મૂઆં હતાં . આ આગ વખતે મને અને મારા બે પુત્રોના પરિવારને વ્હાલા ઘરને રામ ભારોસે છોડીને લોસ એન્જેલસ રહેતી મારી દીકરીને ત્યાં આગ કાબુમાં આવી ત્યાં સુધી ત્રણ-ચાર દિવસ માટે રહેવા જવું પડ્યું હતું . શહેરમાં આગ બુઝાતાં જ્યારે સાન ડિયેગો સહીસલામત ઘરમાં પાછા આવ્યા ત્યારે જીવને ટાઢક થઇ હતી .

આવો જ એક બીજો વિચ ક્રીક નામનો વાઈલ્ડ ફાયર સાન ડીયેગોમાં ઓક્ટોબર ૨૦૦૭મા થયો હતો . આ આગમાં લગભગ ૨૦૦૦ મકાનો નાશ પામ્યાં હતાં અને ૧૫ માણસોએ એમના જાન ગુમાવ્યાં હતા .

અમેરિકાના પશ્ચિમ ભાગ , મધ્ય ભાગ અને પૂર્વ ભાગમાં હવામાનમાં જમીન અને આસમાન જેટલો ફેર રહેતો હોય છે . પશ્ચિમમાં સાન ડીયેગોમાં સરેરાસ હવામાન ૭૦-૭૫ ડીગ્રી વચ્ચે રહેતું હોય , વરસાદની અછત હોય ,ત્યારે પૂર્વના રાજ્યોમાં ૫ થી ૧૫ ડીગ્રીએ બરફની વર્ષા થતી હોય , મધ્યમાં ટોર્નેડોનાં તોફાનોમાં મકાનોનો નાશ અને જીવ હાની થતી હોય , તો કોઈ રાજ્યમાં વરસાદથી પુર આવતું હોય  .

આમ અમેરિકામાં ઠેર ઠેર હવામાન છેલ્લા કેટલાંક વર્ષોથી વિચિત્ર રીતે બદલાઈ રહ્યું છે. આ ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે થાય છે એવો નિષ્ણાતોનો મત છે . આ બદલાતા રહેતા હવામાનને લીધે કેટલું બધું મિલકતોનું નુકશાન અને જીવ હાની થઇ રહી છે .

અમેરિકામા એના ઉપાય માટેનું કામ રાજકીય પક્ષોના ગ્લોબલ વોર્મિંગ અંગેના મતમતાંતરોના ઝગડામાં ખોરંભે પડ્યું છે  એ કેટલું આશ્ચર્ય જનક કહેવાય ! ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા માટેનાં પગલાં લેવામાં જે ઢીલ થઇ રહી છે એ ખરેખર વખોડવા લાયક છે .

વિનોદ પટેલ