ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” એ ઈ-મેલમાં “થેંકયુ ” પર એક મજાનું કાવ્ય મોકલ્યું છે એ માટે એમને થેંકયુ કહી નીચે કાવ્ય પ્રસ્તુત કરું છું.
ખરી રીતે થેંક યુ એમ બે શબ્દો છે પણ વહેવારમાં એ એક શબ્દ થેંક્યુ બની ગયો છે –
થેંકયુ !
વાત વાતમાં બધાથી, બોલાય થેંક્યુ!
કામ ભલે નાનું કે મોટું, કહેવાય થેંક્યુ!
સરી પડે છે થેંક્યુ સૌના મુખથી એવું,
સેક્રેટરીનેતો વારંવાર, સંબોધાય થેંક્યુ!
માગે પતિ જો પાણી આપે જઈ પત્ની,
કોણ જાણે ત્યારેતો, ના કહેવાય થેંક્યુ!
મહત્તા વધી કે ઘટી રહી છે આ શબ્દની,
કે’વા જેવા ટાણે, રોકી કેમ રખાય થેંક્યુ?
મજા માણે સૌ મફતમાં, થેંક્યુ કહી ‘ચમન’,
ગોળ વગરની મીઠાશ ભૈ, જો બોલાય થેંક્યુ!
*ચીમન પટેલ ‘ચમન’ (૨૮જુન’૧૫)
ગુંજન સામયિકના તંત્રી, લોસ એન્જેલસ વાસી ૮૬ વર્ષીય સાહિત્યકાર મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત ની એક ટૂંકી વાર્તા “વાત વાતમાં થેંક્યું “વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ થઇ હતી એને આ કાવ્ય સાથે વાંચવા નીચે પ્રસ્તુત છે.
વાત વાતમાં થેંક્યુ ? .. ( ટચુકડી વાર્તા ) ..
લેખક- આનંદરાવ લિંગાયત
વડોદરામાં રહેતા, સહેજ મોટી ઉંમરના એક સજ્જને ઓટો રીક્ષા ભાડે કરી.
૪૦ મિનીટ જેટલો લાંબો રસ્તો હતો.રીક્ષા ડ્રાઈવરે એ સજ્જને આપેલા સરનામા પ્રમાણે રીક્ષા એમના ઘર પાસે લાવીને ઉભી રાખી.
“ થેંક્યુ ભાઈ, લે આ તારા ભાડાના પૈસા “
“એમાં થેંક્યુ શેનું કાકા ? તમે પૈસા આપ્યા , હું તમને ઘેર લઇ આવ્યો. આ તો સીધો વહેવાર છે .એમાં થેંક્યુ ક્યાં આવ્યું ? કાકા, તમે અમેરિકાથી આવ્યા છો ?”
પૈસા ગણતાં ગણતાં રીક્ષા ડ્રાઈવર બોલ્યો.
“ના, ભાઈ , કેમ ?”
“એટલા માટે કે આ અમેરિકાવાળા કોઈક વાર મારી રીક્ષામાં બેસે છે ત્યારે અમથા અમથા, વાત વાતમાં થેંક્યું ..થેંક્યું ..કરતા સાંભળ્યા છે .”
“ ભાઈ, મેં તો તને સાચા દિલથી થેંક્યું કહ્યું છે.અને તે એટલા માટે કે આટલી ગીર્દી અને ટ્રાફિકમાં પણ તું બહુ સાચવીને રીક્ષા ચલાવતો હતો .બેદરકારીથી જો ક્યાંક એક્સીડન્ટ કરી નાખ્યો હોત અને મારાં હાડકાં જો તૂટ્યાં હોત તો આ ઉંમરે રુઝાત નહિ .ભાઈ એ ૪૦ મિનીટ માટે મારી જિંદગી તારાં હાથમાં હતી .રોજ ઘણા વૃદ્ધોની,સ્ત્રીઓની અને બાળકોની જિંદગી તારા હાથમાં હોય છે .અત્યારે તેં બરાબર સાચવીને મને સલામત રીતે ઘરે ઉતાર્યો … માટે થેંક્યું કહ્યું .”
રીક્ષાવાળો સુનમુન થઈને વિચારમાં પડી ગયો.
“કાકા, લોકોની જિંદગી મારા હાથમાં હોય છે એ તો મેં કદી વિચાર્યું જ નહોતું.સાચું કહું ? કોઈક વાર રાત્રે દારુ પી ને પણ હું રીક્ષા ચલાવતો હોઉં છું.હવે કદી એવું નહિ કરું, કાકા.મારે લોકોને મારવા નથી.”
“ બહુ આનંદની વાત છે, ભાઈ “
સજ્જન ધીમે ધીમે પોતાના ઘરનાં પગથીયાં ચઢવા લાગ્યા.રીક્ષાવાળાએ રીક્ષા ચાલુ કરી .કાકા હજુ તો ઘરમાં પગ મુકે તે પહેલાં ભરરરર કરતો રીક્ષાવાળો પાછો આવ્યો …..મોટેથી બુમ પાડીને બોલ્યો .
“ કાકા, હું આજથી દારુ જ છોડી દેવાનો છું “
બન્ને જણા આનંદથી હસી પડ્યા અને….
એકી સાથે સામ સામે બોલી ઉઠ્યા ……થેંક્યુ..!
— આનંદરાવ લિંગાયત

વાચક મિત્રો,
વી.વી.ની આજની પોસ્ટમાં લોસ એન્જેલસ નિવાસી મારા ૮૩ વર્ષના યુવાન મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતની એક હૃદય સ્પર્શી વાર્તા ”વિરલ પતી or A Rare Husband” પ્રગટ કરતાં આનંદ થાય છે.
જૂની કહેવત છે કે સંસાર સુખની પ્રાપ્તિ માટે સંસારની ગાડીનાં બન્ને પૈડાં સરખાં ચાલવાં જોઈએ ….જો એ સરખાં ના ચાલે તો આ ગાડીને ખોટકાતાં વાર ના લાગે .
આ વાર્તાના મુખ્ય પાત્ર રઘુભાઈ એક અનોખા પતિ છે . તમે પતિવ્રતા પત્નીઓની વાર્તાઓ ઘણી વાંચી હશે પણ રઘુભાઈ જેવા પત્નીવ્રતા પતિઓની વાર્તા કદાચ બહુ જ ઓછી વાંચી હશે.
આ વાર્તામાં રજુ કરવામાં આવેલો રઘુભાઇ સાથેનો ઇન્ટરવ્યુ સૌને વિચાર કરતા કરી મુકે એવો છે .વાર્તા લેખક આનંદરાવ રઘુભાઈને એક ”વિરલ પતી or A Rare Husband” કેમ કહે છે એનું રહસ્ય તમે આ વાર્તા પૂરી વાંચશો એટલે સમજાઈ જશે.
આ વાર્તા વિશેનો આપનો પ્રતિભાવ આવકાર્ય છે.
વિનોદ પટેલ
તો હવે વાંચો શ્રી આનંદરાવની આ હૃદયસ્પર્શી પ્રેરક વાર્તા ……
શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો
ટૂંક પરિચય

અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા વાર્તા લેખકોમાં શ્રી આનંદરાવ લિંગાયતનું નામ ખુબ જાણીતું છે.
આ દેશમાં ગુજરાતી ભાષાને ઉત્તેજન મળે એ માટે ઘણાં વર્ષો પહેલાં એમણે શરુ કરેલું “ગુંજન “નામના ગુજરાતી સામયિક ને પ્રકાશિત કરવાનું કઠિન કામ તેઓ એમની ૮૩ વર્ષની જૈફ ઉંમરે પણ આજે એવા જ ઉત્સાહથી કરી રહ્યા છે.
ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાઓને એમની આગવી શૈલીમાં બાખુબી ગુંથી લેતી શ્રી આનંદરાવની હ્રદય સ્પર્શી વાર્તાઓનાં આજ સુધીમાં બહાર પડેલ ચાર પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ…અને (૪)કાશી કામવાળી ને વિવેચકોએ વખાણ્યા છે.
આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ વધુ પરિચય આ લીંક ઉપર ક્લિક કરી વાં ચો.
વિનોદ વિહારમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ શ્રી આનંદ રાવની વાર્તાઓ/લેખો વી. સાહિત્ય સામગ્રી વાચવા માટે અહીં ક્લિક કરો.
વાચકોના પ્રતિભાવ