વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ઈ-વિદ્યાલય

1264 નાનું નામ, મોટાં કામ ….- ડો. મૌલિક શાહ

સૌજન્ય .. ઈ-વિદ્યાલય

નાનું નામ, મોટાં કામ ….- ડો. મૌલિક શાહ

અબ્દુલના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.

     આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટિક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે, વિટામિન સી અને આયર્ન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે. બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે; જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે.

     આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતાં. સવિતાબહેન અંદાજે ૪૦  વર્ષની વયનાં આનંદી સ્વભાવનાં અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ.  સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતું.  સવિતાબેનના આ નાનકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા.

     એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો.  બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં.  અબ્દુલ પથારીમાં પડ્યો હતો.  માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેનને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ.

     પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયું. કારણકે, અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજિત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે, આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.

       પણ હવે મોટુ સંકટ હતુ –  અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ. અનેક પ્રશ્નો ખડા થયા. જેમકે શહેરમાં કોણ હાથ ઝાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ.

     પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસૂઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો. એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ. 

     હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઊતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તકમાંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો.

      આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળીને તેમનો આભાર ન માની શક્યો કારણકે, તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયાં. ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી. 

      પણ મને ખૂબ આનંદ છે કે, સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતાં તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ. આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ – આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે.
(આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)      

ડો. મૌલિક શાહના અન્ય અનુભવો …

અહીં..ઈ-વિદ્યાલય ની આ લીંક પર

1263 બાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે …ગીતા માણેક

સૌજન્ય- સંદેશ/ઈ-વિદ્યાલય

બાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે …ગીતા માણેક

જીવનની સંધ્યા સારી વીતે એવી ઝંખના હોય તો તૈયારી તો સવારથી જ કરવી પડે.

     અમારા એક વડીલ એ વખતે અમને બાળકોને કહેતાં કે વૃદ્ધ બનવાની તાલીમ લો. એ વખતે ગુસ્સો પણ આવતો અને ક્યારેક હાસ્યસ્પદ પણ લાગતું. જીવનમાં બર્થ-ડે ઉમેરાતા જાય, વાળમાં સફેદી આવવા માંડે, દાંત પડવા માંડે, આંખે મોતિયો આવી જાય. આ બધું તો આપોઆપ થાય એમાં તાલીમ શું લેવાની?

     પરંતુ જેમ સમજણ આવતી ગઈ ત્યારે એ વડીલની વાતોનો અર્થ સમજાવા માંડયો. સામાન્યતઃ ઉંમર વધતી જાય એટલે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિઝ જેવાં રોગ પ્રવેશવા માંડે છે. જો કે આજના જમાનામાં તો આ બધા રોગને આવવા માટે વૃદ્ધત્વ સુધી રાહ જોવી નથી પડતી. આ બધું આગોતરું તો નહીં જ પણ સિનિયર સિટીઝન થયા પછી પણ ન આવે એ માટેની તાલીમ બાળપણથી જ મળવી જોઈએ. મતલબ કે બાળપણ અને યુવાનીમાં સ્વાસ્થ્યના મહત્ત્વની સાથે સાથે એને જાળવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું જળવાઈ રહે. આપણી દાદીઓ કહેતી મૂળો મોગરી અને દહીં બપોર પછી નહીં. અથવા દૂધપાક પછી છાશ પીવા મળતી નહીં કારણ કે દહીં અને દૂધ વિપરીત આહાર કહેવાય. સ્વાસ્થ્ય સાચવવાના આવા મૂળભૂત નિયમો અજાણતાં જ મનમાં કોતરાઈ જતા. શરીર એ ભલે પ્રકૃતિ તરફ્થી મળેલી ફ્રી ગિફ્ટ હોય પણ સ્વાસ્થ્યની જાળવણી તો આપણે જ કરવી પડે એ પ્રવચનો આપીને નહીં પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા કરાવી લેવામાં આવતું.

     વ્યાયામશાળામાં જઈને કસરત કરવી, ઘરમાં સૂર્યનમસ્કાર કરવા કે પછી જુદી-જુદી શારીરિક પ્રવૃત્તિઓ દૈનિક જીવનનો ભાગ હતી. આ બધા થકી એક સ્વસ્થ શરીરનો મજબૂત પાયો બંધાતો અને એ આદત બની જતી. શરીર સ્વાસ્થ્યના આ પાઠ બાળપણમાં જ શીખીને એને અમલ કરનાર વ્યક્તિનાં શરીરને નિશ્ચિતપણે વૃદ્ધાવસ્થા મોડી આવવાની. આવી વ્યક્તિનું ઉંમર વધ્યા પછી પણ આરોગ્ય સારું રહે અને પરિણામે પરાધીનતા ન આવે.

  તો થઈને આ બાળપણથી જ વૃદ્ધ થવાની તાલીમ!

     વૃદ્ધત્વ આકરું ન બને એ માટે બાળપણ અને યુવાનીમાં જ બચત કરવાનો પાઠ ભણાવવો આવશ્યક બને છે. આજે બધી જ ચીજવસ્તુઓ લોન પર ઉપલબ્ધ છે. શિક્ષિત યુવાવર્ગના પગાર તો તોતિંગ હોય છે. પણ એક મોટો હિસ્સો હપ્તાઓ ભરવામાં નીકળી જાય છે. એ સિવાય લક્ઝરીઝને આપણે જરૂરિયાતો ગણવા માંડયા છીએ. લેટેસ્ટ મોબાઈલ, કાર, ઉપકરણો આ બધું અનિવાર્ય થઈ ગયું છે. આપણા બાપદાદાઓ ન છૂટકે કરજો લેતા હતા. આમાં કંજૂસાઈની વાત નથી, પણ આપણી ચાદર પ્રમાણે પગ લાંબા કરવાનું દેશી ગણિત છે.

     જુવાનીમાં જ્યારે કમાણી કરવાની ક્ષમતા વધુ હોય ત્યારે આવકનો એક હિસ્સો બચાવવો જોઈએ એ આપણે વડીલોને જોઈને શીખતા. બચતનો આ પાઠ બાળપણથી શીખવ્યો હોય તો જિંદગીના અંતિમ હિસ્સામાં પોતાની બચતના જોર પર સ્વમાનભેર જીવી શકાય!

     લેખની શરૂઆતમાં જે વડીલની વાત કરી હતી તેઓ કાયમ કહેતા કે, પોતાની જાત સાથે સમય વીતાવવાની ટેવ પાડો. સામાન્યતઃ આપણે સતત કોઈની કંપનીમાં રહેવાનું પસંદ કરીએ છીએ. એકલા પડતાં જ અસ્વસ્થ થઈ જઈએ છીએ. પરંતુ ઉંમર વધતાંની સાથે જ જીવનસાથી, હમઉમ્ર મિત્રો કે સ્નેહીઓને આપણે સ્મશાનમાં વળાવવા જવું પડે એવું બને, સંતાનો પોતાપોતાના સંસારમાં રચ્યાપચ્યા હોય ત્યારે કેટલી એકલતા સાલે છે! બાળપણથી જ પોતાની જાત સાથે થોડો સમય વીતાવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં એકલતા ભેંકાર નથી લાગતી.

     નિવૃત્તિ પછીના ખાલીપામાં ઘણાં લોકો પોતાના માટે અને પરિવારજનો માટે મુસીબત બની જતા હોય છે. જે મળે તેની પાસે કયાં તો ભૂતકાળના પ્રસંગોનું કંટાળી જવાય એટલી વાર બયાન કરતા રહે છે અને નહીં તો બીમારીના રાગ આલાપતા રહે છે અથવા સંતાનોના જીવનમાં ચંચૂપાત કરતા રહે છે. રસ તરબોળ રહી શકાય એવો એકાદ શોખ હોય તો પોતાની જિંદગી મજેથી વીતે જ પણ પરિવારજનોને ય નડતરરૂપ ન બનીએ. એ શોખ સંગીત, વાંચન, બાગકામ, ચિત્રકામ કે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિ હોઈ શકે. આ શોખ સિત્તેર વર્ષે કેળવવામાં મુશ્કેલી પડે. એના માટે તો સાત કે સત્તરમા વર્ષથી શરૂઆત કરવી પડે.

      આપણે કોણ જાણે ક્યારે અને કેમ માનતા થઈ ગયા છીએ કે, ધર્મ અને આધ્યાત્મ વૃદ્ધાવસ્થાનો ટાઇમપાસ છે. એક જમાનામાં બાળકોને ભગવદગીતાના શ્લોક પાકા કરાવવામાં આવતા અને આવા ગ્રંથ શીખવા-સમજવા માટે પાઠશાળામાં મોકલવામાં આવતા. અનાસક્તિનો પાઠ સાઠ વર્ષ પછી શીખવા બેસીએ તો પાકા ઘડે કાંઠા ચડે ખરાં? પરંતુ મારા આ શરીર સહિત જગત આખું મિથ્યા છે એવી થોડીક પણ સમજણ બાળપણમાં જ બુદ્ધિમાં પ્રવેશી ચૂકી હોય તો સંતાનોને પાંખ આવતાં જ્યારે તેઓ ઊડવા માંડે ત્યારે છેવટના વરસો તેમના ઝુરાપામાં ન વીતે.

    જીવનની સંધ્યા સારી વીતે એવી ઝંખના હોય તો તૈયારી તો સવારથી જ કરવી પડે.

ઈ-વિદ્યાલયમાં આ જ લેખ-વિડીયો સાથે …

બાળકો,વાલીઓ અને શિક્ષકો અને શિક્ષણના મુક્ત મંચ સમા ઈ-વિદ્યાલયનું ૭૫+વર્ષે ઉત્સાહથી સંચાલન કરી રહેલ મિત્ર શ્રી સુરેશ જાનીએ ઈ-વિદ્યાલયમાં આ જ લેખને અંતે વિડીયો મુકીને બાળકો માટે આ લેખની ઉપયોગીતા ખુબ વધારી છે.

વિડીયો સાથેનો આ લેખ વાંચવા આ લીંક પર ક્લિક કરો.

ઈ-વિદ્યાલયની આ વેબ સાઈટના જુદા જુદા વિભાગો પર જાણીતા લેખકો અને શિક્ષણ શાત્રીઓએ લખેલ બાળકો માટે ખુબ ઉપયોગી અને પ્રેરક લેખો પોસ્ટ કરવામાં આવે છે. આપનાં બાળકો અને  મિત્રોને આ લેખો,વિડીયો અને અન્ય માહિતી વાંચવા પ્રેરી ઈ-વિદ્યાલયના સંચાલકોને ઉત્સાહિત કરવા આગ્રહ ભરી વિનતી છે. 

વિનોદ પટેલ 

1212 – દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા……વિનોદ પટેલ

દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા

 “What counts in life is not
the mere fact 
that we have lived. 
It is what difference 
we have made
to the lives of others
 that will determine
the significance 
of the life we lead.”

– Nelson Mandela

   ૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાની ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં જ ગાંધીજીના પગલે ચાલીને નેલ્સન મંડેલાએ પણ ગોરી હકુમત સામે અહિંસક લડત ચલાવી હતી અને ૨૭ વર્ષનો લાંબો કારમો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ગોરી હકુમતની રંગભેદની નીતિ અને અન્યાય સામે સંઘર્ષની આગેવાની લઈને છેવટે દક્ષિણ અફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવવામાં તેઓ સફળ રહ્યા હતા.નેલ્સન મંડેલાને એટલે જ ‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી ‘તરીકે પણ સંબોધવામાં આવે છે. 

   એમનું પુરૂ નામ નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) છે.નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા . 

   મંડેલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાં રહીને પાસ કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. નેલ્સન મંડેલાએ ત્યાં ફોર્ટ હેર વિશ્વ વિદ્યાલય અને વિટવોટર સ્ટ્રાન્ડ વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.

    કોલેજ જીવનના દિવસોથી તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતા. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એ.એન.સી.)ના સદસ્ય બન્યા.તેઓ આ દળની યુવા પાંખના  સ્થાપક સભ્ય હતા .

   નેલ્સન મંડેલાએ એ.એન.સી .પક્ષના યુવા પાંખના વડા તરીકે શરૂઆતમાં ત્યાંની લઘુમતી ગોરી હકુમતના બહુમતી અશ્વેત પ્રજા માટેના અન્યાયી કાયદાઓ સામેની લડત મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને અહિંસક ચળવળથી શરૂઆત કરી હતી.પરંતુ જ્યારે આને નબળાઈ માનીને ગોરી હકુમતે અશ્વેત  અહિંસક સરઘસો ઉપર ગોળીબાર કરીને સો ઉપરાંત માણસોને મોતને શરણ કર્યા ત્યારે અંગ્રેજોની આંખ ઉઘાડવા માટે અંગ્રેજ સરકારના હિતોની જગાઓ ઉપર બોમ્બ નાખેલા ભૂગર્ભમાં રહીને નેલ્સન મંડેલા અને એમના સાથીઓએ કામચલાઉ સમય માટે હિંસાનો રસ્તો અપનાવેલો.

   ૧૯૬૦માં સરકાર સામેની હિસક લડત માટે મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા પણ અંતે પકડાયા.એમની સામે  દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એમના બચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલાએ કોર્ટમાં કહ્યું હતું કે  ‘’મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’’

    દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આવ્યું  હતું.

Nelson Mandela’s prison cell 
on Robben Island

    આ જેલમાં કેદીઓને આખો દિવસ તાપમાં પથ્થર તોડવાની મજુરી કરવી પડતી હતીઆ કારાવાસમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું. જેલમાં કેદીઓને દર છ મહિને ફક્ત એક જ પત્ર મળતો. મંડેલાએ ગોરી હકુમત તરફથી અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ જ તેઓ જીવતા હતા.

     મંડેલાએ એમની આત્મકથા ‘લૉન્ગ વૉક ટુ ફ્રીડમ’ માં એમના ૨૭ વર્ષના કારાવાસની આપવીતી વિષે સવિસ્તાર લખ્યું છે.આ આત્મકથામાં એક જગાએ એમણે લખ્યું છે કે ‘’ મારી દીકરી ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી એ પછી મેં એને જોઈ જ ન હતી.એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.(નેલ્સન મંડેલા : લૉન્ગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471)

    નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતનો અહેસાસ કરી  કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !

નેલ્સન મંડેલાને જે જેલમાં રાખવામાં હતા એ 

Victor Verster Prison, emmershoek સામે 

એમનું સ્ટેચ્યુ એમના પ્રમુખ બન્યા બાદ 

ઉભું કરવામાં આવ્યું હતું એની એક તસ્વીર.

    જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેઅમારી લડત ચાલુ રહેશે.’

   મંડેલાની ગેરહાજરીમાં એમનાં પત્ની વીની મંડેલાએ અહિંસક લડતની આગેવાની સંભાળી લીધી હતી . મંડેલા એક હિંસક ચળવળના નેતા તરીકે જેલમાં ગયેલા અને ૨૭ વર્ષ પછી જ્યારે બહાર આવ્યા ત્યારે આંતરિક મનોમંથનોએ એમને સમ્પૂર્ણ રીતે અહિંસામાં માનતા ગાંધીવાદી બનાવી દીધા હતા.સરકારે આપેલ અસહ્ય ત્રાસ માટે એમણે એને માફ કર્યા હતા.જેલ બહાર આવી ગોરી હકુમત સાથે વાતચીતનો દોર ચાલુ રાખી ગોરી સરકારનું હૃદય પરિવર્તન કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.

   1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી.

નેલ્સન મંડેલાના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .

મંડેલા ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .

સાઉથ આફ્રિકાના  પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને નેલ્સન મંડેલાએ જે પ્રથમ ઐતિહાસિક પ્રવચન કરેલું  એ નીચેના વિડીઓમાં સાંભળો .

 Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994

૧૯૯૪ થી ૧૯૯૯ સુધી દક્ષિણ આફ્રિકાના  પ્રમુખપદે રહીને આઝાદ બનેલા દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા હતા.નેલ્સન મંડેલા વધુ સમય માટે પ્રમુખ પદે રહી શક્યા હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને દેશને માટે આજીવન કામ કરતા રહ્યા હતા.

આવા દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા

નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા જ નહી પણ સમસ્ત વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.૧૦ ડિસેંબરે જોહનિસબર્ગ સ્ટેડિયમમાં મંડેલાની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી . આ સભામાં દુનીયાભરમાંથી લગભગ ૧૦૦ દેશોના સર્વોચ્ચ હોદ્દાધારીઓએ હાજરી આપી હતી .વરસતા વરસાદમાં લોકોની જંગી મદનીએ ગૌરવ પૂર્વક મંડેલાના જીવન અને કાર્યોને ભવ્ય અંજલિઓ આપી હતી.

દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી હતી.અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે યાદગાર શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

નેલ્સન મંડેલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતાં પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ ઉપરાંત ભારત તરફથી રાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’થી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.આ ઉપરાંત વિશ્વ ભરમાંથી મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયાં હતાં.

આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવનજીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ સ્વ. નેલ્સન મંડેલાને સાદર પ્રણામ અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .

     જીવનભર સંઘર્ષ કરી દક્ષિણ આફ્રિકાના એક  નાના ગામમાં ઘેટાં ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની ..

નેલ્સન મંડેલાની રંગ બેરંગી ભાતીગર જીવન યાત્રાની ઝલક નીચેના વિડીયોમાં નિહાળો.

Read more details on Nelson Mandela on following web sites –

વિકિપિડિયા પર

તેમના નામથી શરૂ થયેલી
માનવતાવાદી વેબ સાઈટ
પર જવા અહીં ક્લિક કરો

Nelson Mandela’s Inspiring Quotes

https://youtu.be/rYnptwetqIE

વિનોદ પટેલ,સાન ડીએગો,કેલીફોર્નીયા

ઈ-વિદ્યાલયમાં પ્રથમ વાર આ જ લેખ પોસ્ટ થયો છે એની લીંક.
https://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_765.html#more

( 686 ) ‘ઓન લાઈન શાળા ‘…ઈ-વિદ્યાલય.. યજ્ઞકાર્યમાં સહભાગી થશો ?

મહાત્મા ગાંધીના જન્મ દિવસ , ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ  ‘ઓન લાઈન શાળા ‘ નો  એક  પ્રયોગ સુ.શ્રી હિરલ શાહએ મિત્રો અને વડીલોના સહકાર અને આશીર્વાદથી શરૂ કર્યો  હતો. આ ઓન લાઈન શાળાનું નામ હતું ” ઈ-વિદ્યાલય “.

શરૂઆત થતાં જ થોડા સમયમાં યુટ્યુબ ચેનલ પર ૧ લાખથી વધુ અને વેબસાઇટને ૧.૫ લાખથી વધુ વિઝીટ મળી અને ત્યારબાદ મુલાકાતીઓનો સતત વધારો થયા જ કરે છે.

ઈ-વિદ્યાલય શું છે એ જાણવા આ પ્રતિક પર ‘ક્લિક’ કરો.

logo

અગાઉ વિનોદ વિહારમાં  નીચેની બે પોસ્ટમાં બેન હિરલ શાહ અને એમના સ્વપ્નના સર્જન ઈ-વિદ્યાલયનો પરિચય આપવામાં આવ્યો છે.

( 430) હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય )

( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

ઉપરની એક પોસ્ટના પ્રતિભાવમાં હિરલ લખે છે …..

Guardian_2

હિરલે છેલ્લે ઉમેર્યું હતું “દરેક જણ જે ઇવિદ્યાલય પ્રોજેક્ટ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. તે સર્વેનો દિલથી આભાર.”

હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા બધા નવા પ્રયોગો, સવલતો, ક્ષિતિજો સાથે. આ શુભ કાર્યને બીરદાવતો / આવકારતો એક લેખ ‘ ગુજરાત ગાર્ડિયન’ માં શ્રીમતિ કલ્પનાબેન દેસાઈએ લખ્યો છે .આ લેખને એમના આભાર સાથે નીચેના ચિત્ર પર ક્લિક કરી વાંચવા માટે વિનંતી છે .

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

 

આ લેખમાંથી લીધેલો એક ફકરો ….

Guardian_1

ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો હશે- જેમની પાસે થોડોક પણ ફાજલ સમય હશે- નિવૃત્ત વયસ્કો, શિક્ષિત ગૃહિણીઓ, વેકેશનમાં શું કરવું એવી મુંઝવણ વાળા કિશોર /કિશોરીઓ / યુવાનો / યુવતિઓ. એ સૌને આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા વિનંતી છે. અને જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.

  • તમારી વેબ સાઈટ પર ઈ-વિદ્યાલયનો લોગો મુકીને

  • શૈક્ષણિક વિડિયો/ સોફ્ટવેર સંબંધી મદદ કરીને

  • ગુજરાતની શાળાઓ અંગે માહિતી આપીને

  • આર્થિક સહયોગ આપીને

  • આ શુભ કાર્યના સમાચાર  તમારા મિત્રો/ સંબંધીઓને પહોંચાડીને 

પ્રેરણા સાભાર- સન્મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ સૂર સાધનાનો લેખ  

યજ્ઞકાર્યમાં સહભાગી થશો ? 

( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

શ્રી પી..કે.દાવડાજી તરફથી એમની” મળવા જેવા માણસ” ની પરિચય શ્રેણીમાં ઈ-વિદ્યાલયના સર્જક હીરલબહેનનો પરિચય કરાવતો લેખ ઈ-મેલમાં મળ્યો એને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે .

આ અગાઉ વી.વી. ની પોસ્ટ નમ્બર ૪૩૦માં હિરલ શાહના ઈ-વિદ્યાલયના વિચાર ઉપર વધુ પ્રકાશ પાડીને એમનો પરિચય કરાવતો મારો એક લેખ હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય ) એ નામે પ્રગટ થયો હતો .આ લેખને અહીં ક્લિક કરીને વાંચો .

ઈ-વિદ્યાલયની શરૂઆત વખતે શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રો સાથે મને પણ આ યજ્ઞ કામમાં થોડી ઘણી આહુતિ આપવાની તક મળી હતી. આ વખતે મને બેન હિરલ અને એની ઈ-વિદ્યાલય માટેની ધગશનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારબાદ એના ઈ-મેલ મળતા એથી પરિચય વધુ બળવત્તર થતો રહ્યો.

વિનોદ પટેલ

======================================================

હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા  

HIRAL SHAH  MILAN SHAH

હીરલબહેનનો જન્મ ૧૯૮૦ માં અમદાવાદમાં થયો હતો. માતા-પિતાને વરસોની ઈંતેજારી બાદ સંતાન પ્રાપ્તિ થઈ એટલે દીકરીને પુષ્કળ લાડમાં ઉછેરી. હીરલબેનના પિતાએ ઈલેક્ટ્રીકલ એંજીનીઅરીંગના ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો, પણ બાંધકામના વ્યવસાયમાં કાર્યરત હતા. હીરલબેનના માતાએ ઈતિહાસનો વિષય લઈ બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

હીરલબહેનનો બાળમંદિરથી ૧૨ મા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ અમદાવાદના નવરંગપુરાની એક ગુજરાતી માધ્યમની શાળામાં થયો.અભ્યાસમાં તેજસ્વી હોવાથી કોઈ મુશ્કેલી ન આવી. અભ્યાસ ઉપરાંત શાળાની ઈત્તર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહથી ભાગ લીધો. સામાન્ય અભ્યાસ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી હીંદી, સંસ્કૃત અને ડ્રોઈંગ જેવી પરીક્ષાઓમાં પણ ભાગ લઈ સફળતા મેળવી. ગણિતના શિક્ષક શ્રી યજ્ઞેશભાઇની ઘણીવાતોએ એમના માનસપટ પર ઉંડી અસર છોડી.

મધ્યમવર્ગી કુટુંબ હોવા છતાં મા-બાપ હીરલની ઈતર પ્રવૃતિના ખર્ચની બાબત આનાકાની ન કરતા. એમના પિતા કહેતા, “આ બધા અનુભવો તને ઘણું શીખવશે. જરૂર પડશે તો અમે વધારે મહેનત કરીશું,” ધાર્મિક કુટુંબમાં જન્મેલી હીરલ ૧૦મા ધોરણ સુધી રોજ સવારે દેરાસર અને સાંજે પાઠશાળામાં જતી. વેકેશનમાં પણ તે પ્રવૃત્તિમય રહેતી. ઘણીવાર વેકેશનમાં પણ આવતા ધોરણના પુસ્તકો ખરીદીને અગાઉથી વાંચી અને સમજી લેવાની એની આદત એને વર્ગમાં આગળ રહેવામાં મદદરૂપ થતી. ૧૦મા ધોરણમાં સારૂં પરિણામ આવવાથી માતા-પિતાએ હીરલને લ્યુના સ્કૂટર ભેટ તરીકે આપેલું અને ત્યારે ઉત્સાહમાં હિરલે ભણી ગણીને ખૂબ પૈસા કમાઈ પિતાને કાર ભેટ આપવાનું વચન આપેલું.

૧૨મા ધોરણમાં થોડા ઓછા માર્કસ આવવાથી હીરલબહેનને એંજીનીઅરીંગના ડીગ્રી કોર્સમાં એડમીશન ન મળ્યું. એમણે તરત બીજો રસ્તો વિચારી લીધો અને એંજીનીઅરીંગના ડીપ્લોમા કોર્સમાં એડમીશન લઈ લીધું. સારા નશીબે ડીપ્લોમાના આખરી વર્ષમાં એમનો ગુજરાતમાં ચોથો નંબર આવ્યો. નિયમ અનુસાર પ્રથમ છ વિદ્યાર્થીઓને ફ્રી સીટ સાથે ડીગ્રી કોર્ષના બીજા વર્ષમાં એડમીશન મળે એટલે હીરલબહેનને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના ડીગ્રી કોર્ષમાં એડમીશન મળી ગયું. આ અભ્યાસ એમણે સ્કોલરશીપ અને ફેલોશીપ મેળવી પુરો કર્યો. આ અભ્યાસ દરમ્યાન હીરલબહેન પાંચમા સેમીસ્ટરમાં હતા ત્યારે એમના પિતાને એક ગંભીર અકસ્માત નડ્યો. ત્યારે આર્થિક મુશ્કેલીઓ વેઠીને હીરલબહેને B.E. ની ડીગ્રી ડીસ્ટીંકશન સાથે મેળવી.

ભણતર પૂરૂં થયું કે તરત જ એમને નિરમા કોલેજમા વિઝીટીંગ લેકચરરની નોકરી મળી. થોડા સમય બાદ એક નાની સોફટ્વેર કંપનીમાં  નોકરી મળી.આ સમય દરમ્યાન પૂજ્ય અજય સાગરજી મહારાજ સાહેબનો પરિચય થયો અને એમની પાસેથી જીવન ઘડતર માટે ઘણું ઉપયોગી ભાથું બાંધ્યું.

૨૦૦૬માં એમને બૅંગલોરમાં મલ્ટી નેશનલ કંપની લ્યુસન્ટ ટેકનોલોજીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ જ સારા પગારની જોબ મળી. હવે એમનું મમ્મી-પપ્પા માટે કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું, સાથે સાથે એમની બહેન અને ભાઇની કારકિર્દી માટે પણ મદદરૂપ થવાની તક મળી. અહીં એક વરસમાં જ એમનું  સિનિયર સોફ્ટવેર એન્જીનિયર તરીકે પગાર વધારા સાથે પ્રમોશન થયું.

એમની બૅંગલોરમાં જોબ પોસ્ટીંગ દરમ્યાન હીરલબહેન, મિલન શાહના પરિચયમાં આવ્યા અને આ દોસ્તી પ્રેમલગ્નમાં પરિણમી. મિલનભાઇ પૂનાની સિમેન્ટેક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. ૨૦૦૮ માં લગ્ન  જોબમાં ખલેલ ન પડે એટલે મિલનભાઇએ પોતાની નોકરી છોડી. પણ ઘણાં પ્રયત્નો બાદ હીરલબેનની ના છતાં મંદીના મોજા નીચે, મિલનભાઇનું નવી જોબનું લોકેશન પૂના જ રહ્યું. હીરલબહેન પૂના જાય તે પહેલાં  જ મિલનભાઈને ઓન-સાઈટ એસાઇન્મેન્ટ માટે યુ.કે. જવાનું થયું. હવે હીરલબેને પોતાની નોકરી છોડીને મિલનભાઈ સાથે યુ. કે. પ્રયાણ કર્યું. આ બધું લગ્ન પછીનાએક વર્ષમાં જ બન્યું.

યુ. કે. માં બન્ને પાસે વર્ક પરમીટ હતી એટલે હીરલબહેને પણ એક સ્ટાર્ટઅપ કંપનીમાં R & D માં નોકરી લીધી. અહીંના હવામાન અને નોકરીની દોડધામની હીરલબહેનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એમણે વિચાર્યું, “કારકિર્દી માટે જિંદગી નથી પણ જિંદગી માટે કારકિર્દી છે”, આથી એમણે કારકિર્દીમાંથી વિરામ લીધો.

પ્રવૃતિ વગર બેસી રહેવાનું હીરલબહેનના સ્વભાવમાં નથી. નોકરી છોડ્યા બાદ તરત તેઓ યુ.એસ.એ. ની ઈ-જૈના લાયબ્રેરીની એજ્યુકેશન કમિટીમાં મેમ્બર બનીને પુસ્તક સંપાદન અને અનુવાદના કામમાં લાગી ગયાં .http://www.jainlibrary.org/  અને લીડ્સમાં જૈન સત્સંગ અને ઉત્સવોમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું. સાથે સાથે ઇ-વિદ્યાલય અંતર્ગત યુ-ટ્યુબચેનલ પર ગણિત અને ગુજરાતી વિષયના વિડીયો બનાવવા શરુ કર્યા.

દરમ્યાન પ્રેગનન્સી વખતે ડોકટરી સલાહ મુજબ અમદાવાદ માતા-પિતા સાથે રહેવા જતાં રહ્યાં  . મા-બાપ પાસે ફરી લાડ-કોડમાં સમય પસાર કરી દીકરી જિના ના જન્મ બાદ યુ. કે. પાછા આવી ગયાં .

ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને પણ મથામણ કર્યા કરતાં. એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. તેઓ વિચારે છે કે સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યારે નસીબ થશે? બધાને એક સમાન ભણતર કેવી રીતે મળે? અંગ્રેજીમાં તો ઘણું સહજતાથી ઉપલબ્ધ છે પણ ઉંચા સ્વપ્ના સેવતા, ગુજરાતી માધ્યમમાં ભણતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?  આ પ્રશ્નોના જવાબરૂપે એમણે વિચાર્યું કે ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું. ૨જી ઓકટોબર ૨૦૧૩માં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-વિદ્યાલયને નેટજગત પર ગુંજતુ કર્યું. આ કામ હજી શરૂઆતની સ્થિતિમાં છે, એમ છતાં એક વર્ષમાં સાડા ચાર લાખ લોકોએ મુખ્ય વેબ સાઈટ  http://evidyalay.net/ અને બે લાખ લોકોએ યુ ટ્યુબમાં મૂકાયલા વિડીયોસની મુલાકાત લીધી છે.

e -vidyalay

 ઈ-વિદ્યાલયનો લોગો

આ લીંક ઉપર ક્લિક કરીને  ઈ-વિદ્યાલયની મુલાકાત લેવા પહોંચી જાઓ.  

ઇ-વિદ્યાલય યુ-ટ્યુબ ચેનલને યુટ્યુબ-એજ્યુકેશન વિભાગમાં સમાવવામાં આવી છે. જે ગુજરાતી ભાષાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ છે. આ કાર્યને સફળ બનાવવા એમણે સૌને આગળ આવી શક્ય હોય તે મદદ કરવાની અપીલ કરી છે.

જિનાની દેખભાળને વધારે મહત્વનું ગણી હમણાં નોકરીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હોવાથી, ઘરે બેસીને M.B.A. નો અભ્યાસ અને શોખ ખાતર હાઈડ્રોફોનિક ખેતીમાં સમયનો સદઉપયોગ કરે છે.

hIRAL SHAH-2

           (હીરલબહેન, પતિ મિલન અને પુત્રી જિના સાથે)

–પી. કે. દાવડા