૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૭નો દિવસ “વિશ્વ માતૃભાષા દિવસ-“International Mother Language Day “તરીકે વિશ્વમાં ઉજવાયો.ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરી માતૃભાષાનું ગુણ ગાન કરવામાં આવ્યું.
એક એન.આર.આઈ.ગૌરવ પંડિત અને એમનાં પત્ની શિતલ પંડિતના ભાષા પ્રેમને રજુ કરતા અખબારી સમાચાર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસએ એમના બ્લોગ નીરવ રવેમાં પ્રસિદ્ધ કર્યા છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.વિશ્વ માતૃભાષા નિમિત્તે એ કિસ્સો પ્રેરક બનશે.
*દોઢ વર્ષની પુત્રીને ગુજરાતી શીખવવા અમેરિકાની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ દઈ દંપતિએ વતન ભાવનગરમાં વસવાટ કર્યો : *કાઠિયાવાડી સંસ્કૃતિ મુજબ પુત્રીના ઉછેર તથા લાલનપાલન બાદ પરત અમેરિકા જવા રવાના થયા.
ભાવનગર : આજ ૨૧ ફેબ્રુ. ના રોજ ઉજવાતા ‘‘ઈન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે” નિમિતે માતૃભાષા ગુજરાતી માટે ગૌરવરૂપ કિસ્સો યુ.એસ. સ્થિત ગુજરાતી દંપતિ ગૌરવ પંડિત તથા શિતલ પંડિતનો છે. જેમણે પોતાની દોઢ વર્ષની પુત્રી તાશી ગુજરાતી ભાષા શીખે તે માટે ‘‘ગોલ્ડમેન સેક ” ની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ આપી દઈ ૨૦૧૫ ની સાલમાં વતન ભાવનગરમાં સંયુક્ત પરિવાર સાથે વસવાટ કરવાનું પસંદ કર્યુ હતું.
પુત્રી સાડાત્રણ વર્ષની થઈ અને ગુજરાતી ભાષા બોલતા શીખી ગઈ. કાઠિયાવાડની સંસ્કૃતિ મુજબ ઉછેર થયો તથા સૌરાષ્ટ્રનો ગઢ ગિરનાર સહિતના સ્થળો બતાવી તેઓ તાજેતરમાં યુ.એસ. પરત ફર્યા છે. જ્યાં હવે પુત્રીને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યુ છે.તથા બંનેએ જુદી જુદી કંપનીમાં નોકરી પણ શરૂ કરી દીધી છે.
આમ વિદેશમાં ૧૫ વર્ષનો વસવાટ હોવા છતાં પોતાના સંતાનના ઉછેર માટેના પ્રાથમિક ગાળામાં વતનમાં આવી તેમણે ગુજરાતના સંસ્કાર તથા માતૃભાષા ગુજરાતીનું આ ગૌરવ પંડિત દંપતીએ ગૌરવ વધાર્યુ છે.
Gaurav Pandit and his wife Sheetal
આ જ સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજજરના સૌજન્યથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.કોમ ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો .
ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )
ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.
ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.
શું શું સાથે લઇ જઇશ હું ? શું શું સાથે લઈ જઈશ હું ? શું શું સાથે લઈ જઈશ હું ? કહું ? લઈ જઈશ હું સાથે ખુલ્લા ખાલી હાથે પૃથ્વી પરની રિદ્ધિહૃદયભર વસન્તની મ્હેંકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય શિલાનું મૌન ચિરંતન વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન તણી શાન્ત શીળી સ્મિતશોભા અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા પ્રિય હૃદયોનો ચાહ અને પડઘો પડતો જે આહ મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંઘુ તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો સ્વપ્ન-દાબડો (સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ) – અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ વઘુ લોભ મને ના બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં લઈ જઈશ હું સાથે ખુલ્લા બે ખાલી હાથે ખુલ્લા બે ખાલી હાથે ?
– ઉમાશંકર જોષી
સતત બઘું એકઠું કર્યા કરતાં માણસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું આ જગતમાંથી શું શું સાથે લઈ જઈ શકીશ ? આમ તો કહેવાય છે કે ખાલી હાથે આવ્યા હતાં અને ખાલી હાથે જવાના છીએ.
સાવ ખાલી હાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતાં, સાવ નગ્ન જન્મયા હતાં અને માણસો જાણે બઘું જ લઈને જવાના હોય એમ આયોજનો કર્યા કરે છે. પરદેશમાં તો દફન માટે અગાઉથી જગ્યાઓ પણ બુક કરાવી રાખે છે.
ઉમાશંકરભાઈએ ૧૯૫૪ની સાલમાં આ કાવ્ય રચ્યું છે. કવિતાનાં આરંભમાં પોતે પોતાની જાતને પૂછે છે હું શું શું સાથે લઈ જઈશ? અને પછી જાણે આપણને કહેતાં હોય એમ કહે છે કે હું આ સાવ ખાલી ખુલ્લા હાથે પૃથ્વી ઉપરની સમૃદ્ધિ, રિદ્ધિ, પૃથ્વીનો વૈભવ લઈ જઈશ. વસંતની મહેંકી ઉઠેલી ઉજ્જ્વળ મુખશોભા, વરસાદની સાંજે વૃક્ષની ડાળીમાં ઝીલાયેલો તડકો, હૃદયમાં ઉમટેલો શુદ્ધ અઢળક ઉમળકો, માણસો-મનુષ્ય જાતિનાં પગમાં જે ક્રાંતિ તરવરી રહી છે એ ક્રાંતિ અને હિમાલયની શાંતિ હું મારી સાથે લઈ જઈશ.
પશુઓની ધીરજ, પક્ષીઓનાં નૃત્ય, પથ્થરોનું ચિરંતન મૌન, વિરહમાં છૂપાયેલું મિલન, અંધારની અંદર પણ જાણે હૃદયનાં નિચોડ જેવી ચમક્યા કરતી તારાઓની આભા, જે પ્રિય હૃદય છે એ બધાંઓની ચાહના અને જ્યાં જ્યાં દુઃખનો પડઘો પડ્યો છે તે હૃદયો તે સંબંધોનાં સ્મરણો હું મારી સાથે લઈ જઈશ. ખૂબ પરિચિત મિત્રોની ગોઠડીઓ, કોઈ અજાણ્યાં માનવીની આંખની લૂછેલી ભીનાશ, સપનાંઓનો ખજાનો ભરેલી ઉંઘ એ હું સાથે લઈ જઈશ. અને કવિ છેલ્લે કમાલ કરે છે. નાનાં બાળકોની આંખોમાં જે અનંત આશાઓ ચમકી રહી છે, હું મારી સાથે તે લઈ જઈશ. આમ તો પ્રત્યેક માણસ ખાલી હાથે આવ્યો હોય છે અને ખાલી હાથે જવાનો હોય છે. પ્રત્યેક માણસ ખાલી હાથે જ આ દુનિયામાંથી જાય છે પણ જો તમે હૃદયમાં કોઈનો પ્રેમ, આ પૃથ્વીનું સૌંદર્ય, કોઈને કરેલી મદદનો સંતોષ જો લઈને જાવ છો તો એ હાથ ખાલી નથી રહેતા. હાથ અને હૃદય બંને ભર્યાં-ભર્યાં બની જાય છે.
ઉમાશંકરની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.
તેમની થોડીક પંક્તિઓ અહીં સહજ યાદ આવે છે.
ચારે બાજુ લોકો પૈસા ભેગા કરી-કરીને ઉંચા મહેલો બાંધી રહ્યાં છે જે દુઃખી છે એ લોકોને શોષી રહ્યાં છે પણ એ મહેલો બાંધનારાઓએ ચેતી જવાની જરૂર છે કે જ્યારે એ ભૂખ્યાં માણસો ક્રાંતિ કરશે ત્યારે એ મહેલ ખંડેર બની જશે અને એ પછી એમની ભૂખની આગમાં બઘું જ બળી જશે.
ખંડેરની એક કણી પણ હાથ નહીં લાગે.
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાઘશે.
ઉમાશંકરનાં બે મુક્તકોએ મને અનેકવાર જીવાડ્યો છે. આપ સૌને પણ એ પ્રેરણા આપે એવાં છે. ક્યારેક આપણે ખૂબ મોટા માણસોને સાવ ટૂંકા મનનાં, સાવ કલ્પના ન હોય એવું વર્તન કરતાં જોઈએ છીએ. ક્યારેક મોટા માણસો સાવ છીછરા નીકળે છે અને ક્યારેક સાવ નાનો માણસ એક ઉમદા માનવી અને અનેક ગુણોથી સંપન્ન નીકળે છે.
જીવનમાં નિષ્ફળતાઓ તો મળ્યા કરે પણ એનો અર્થ એ નથી કે એ નિષ્ફળતાઓથી નિરાશ થઈ બેસી જવું. નિષ્ફળતાઓ મળ્યા પછી જ ખરા અર્થમાં જીંદગીના પાઠ શીખાતાં હોય છે. નિષ્ફળતા તો સફળતાની જનેતા છે.
કંઈક આ જ સંદર્ભના ઉમાશંકરનાં બે ચિરંજીવ મુક્તકો જોઈએ.
મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. * મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈંક હું જીંદગીમાં.
આભાર- સૌજન્ય- ગુજરાત સમાચાર .કોમ
દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે.
તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો. તેમના
જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.
સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા.
ગુજરાતી સાહિત્યના ગૌરવ સમા કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે વધુ જાણો
વાચકોના પ્રતિભાવ