ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
જાણો સ્ટીવ જોબ્સના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો

એપલ કંપનીએ કહ્યું કે વિશ્વ આજે જીવવાલાયક છે તેમાં સ્ટીવનો ફાળો છે. એ જ કંપનીના સીઇઓ-મિત્રની દગાખોરીને કારણે તેને એપલ કંપની છોડવી પડી હતી. જોકે નવા જુસ્સારૂપી પાસવર્ડ સાથે એ તેની જિંદગીમાં ફરી ફરીને પ્રોગ્રામિંગ કરતો જ રહ્યો અને કમ્પ્યુટરની દુનિયામાં ખૂંપી ગયો. ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં.
એકવાર કારમાં સાથે જતાં જતાં સ્ટીફન વોઝને કહ્યું કે આપણે તેને વેચીએ અને એક કંપની બનાવીએ. વોઝને આ વિચાર ગમી ગયો અને સ્ટીવે પોતાની કાર અને વોઝે કેલ્કયુલેટર વેચીને કંપની બનાવી. સ્ટીવે કહ્યું કે જ્યાં સુધી બીજું કંઇ ન સૂઝે ત્યાં સુધી તેનું નામ રાખીએ – એપલ. આમ જન્મ થયો દુનિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત એપલ કંપનીનો.
નેકસ્ટ નામની કંપની શરૂ કરીને તેણે ફરી નવી શરૂઆત કરી. બે વર્ષમાં સ્ટીવ ફરી બેઠો થયો અને ફરી પોતાની જુની કંપની એપલને હંફાવવા લાગ્યો. પિકસર કંપનીના નેજા હેઠળ તેણે પહેલી કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી.૧૯૯૩માં ફરી તેનું ચકડોળ નીચે આવ્યું. ધંધાકીય રીતે તેની કંપનીઓમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થઇ. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ ”ટોય સ્ટોરી ”એ તેને જાણે રાખમાંથી બેઠો કર્યો.
સ્ટીવ ૧૭ વર્ષનો હતો ત્યારે તેણે એક વાત વાંચી હતી – એવી રીતે જ કામ કરો કે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. કનેકટ ધ ડોટ્સ એ વિચાર સ્ટીવ જોબ્સે આપ્યો. કરુણતા એ છે કે મૃત્યુ નામનું છેલ્લું જીવનબિંદુ બહુ જલદી કનેકટ થઇ ગયું.
ત્રણ એપલે દુનિયા બદલી છે. પહેલું એપલ, આદમે ઇવને ખવડાવ્યું એ. બીજું ન્યૂટને અને ત્રીજું સ્ટીવ જોબ્સના હાથમાં હતું તે. છેલ્લા બે દાયકામાં એપલે આપણી સૌની દુનિયા બદલી નાખી છે.
હવે એપલનું વિશ્વ બદલાઇ ગયું છે કારણ કે એપલ કંપનીના સહસ્થાપક ૫૬ વર્ષના સ્ટીવ જોબ્સ એકચ્યુઅલ વર્લ્ડ છોડીને ‘વર્ચ્યુંઅલ વર્લ્ડ’માં પહોંચી ગયા છે. માત્ર ૫૬ વર્ષની ઉંમરમાં સ્ટીવે જીવનની અનેક ચડતી-પડતી જોઇ , દુનિયા જોઇ અને છતાં નાસીપાસ થયા વિના દુનિયાને બદલવા માટે પોતે ચેન્જ એજન્ટ બની રહ્યા.
રોલર કોસ્ટર રાઇડ જેવી હતી તેની જિંદગી અને જેટલી વાર આ માણસ નીચે પડ્યો એટલી વાર તે ફરી ઉપર ચડ્યો અને ટોચે પહોંચ્યો.કમ્પ્યુટર જગતમાં તેણે ક્રાંતિ આણી દીધી અને દુનિયાભરના લોકોના હાથમાં આઇ-ફોન પકડાવીને તેણે એકબીજાને જોડી દીધા પણ પોતે કવરેજક્ષેત્રની બહાર પહોંચી ગયો. સ્વાદુપિંડના કેન્સરની બીમારીએ એપલનો આત્મા છીનવી લીધો.
ખમીર, ખંત, દ્રષ્ટિ, નિખાલસતા, મહેનત, દુનિયાદારી, દોસ્તી, દોસ્તની દુશ્મની આ બધા જ શબ્દો તેણે નાનપણમાં શીખી લીધા અથવા તો તેનો અનુભવ કરી લીધો. સ્ટીવ જોબ્સ કઇ માટીનો હતો એ અભ્યાસનો વિષય છે. મેનેજમેન્ટના લોકો માટે એ કેસ સ્ટડી છે પણ તેના જીન્સનું ડિકોડિઁગ કરવું મુશ્કેલ છે.
સાનફ્રાન્સિસ્કોની એક વિદ્યાર્થિની જોન સિમ્પસન અને મૂળ સીરિયાના અબ્દુલફતહ જોનનાં લગ્ન વિનાના પ્રેમસંબંધનું પરિણામ એટલે સ્ટીવ. આ બંનેનાં રંગસૂત્રો સ્ટીવની રગોમાં દોડતાં હતાં. સ્ટીવનાં માતા-પિતા એ વખતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં અને તેમણે પુત્રને દત્તક આપી દીધો. જોકે સ્ટીવની અસલી માએ સ્ટીવને ભણાવવાનું વચન લીધું અને પછી જ તેને દત્તક આપ્યો. સ્ટીવનાં પાલક મા-બાપ બન્યા પોલ અને કાલરા.
સ્ટીવ જોબ્સની વાત કરતી વખતે એક સ્પષ્ટતા કે તેણે આપેલી ટેક્નોલોજીની ભેટની વાત કરવાને બદલે આ માણસની વાત માંડવી છે. જરા હળવા હલેસે. આપણે ત્યાં સુપરહિટ થયેલી ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મનો હીરો આમિર ખાન જે રીતે કોલેજમાં વિચારે છે કંઇક એવી જ હાલત સ્ટીવની હતી. એટી એન્ડ ટીના ફોનના ડબ્બામાંથી મફતમાં ફોન કરી શકાય એવી ટ્રિક સ્ટીવ અને તેના સાથીદાર વોઝે શોધી કાઢી હતી. અદ્દલ ક્રિએટિવ ભેજું. દરેક પ્રકારની નવી ટેક્નોલોજીમાં આ જીવડાને રસ પડે પણ ગોખેલું ભણવામાં રસ નહોતો પડતો.
તેનાં પાલક માતા-પિતાએ તેમની આખી જિંદગીની કમાણી તેને કોલેજમાં ભણાવવા માટે ખર્ચી નાખી,પણ સ્ટીવના મનમાં તો કંઇક જુદું જ ચાલતું હતું. આખરે કોલેજ પડતી મૂકી. ગેરકાયદે હોસ્ટેલમાં રહેવા માટે જમીન પર પણ સૂઇને દિવસો વિતાવ્યા. કોકની બોટલો ભેગી કરીને તેમાંથી કમાણી થયા પછી અઠવાડિયે એક વાર સારું ખાવા ભેગો થતો. કડકીના દિવસો હતા એટલે ભૂખ્યા રહેવું પડતું. એમાં ઉપવાસની ફિલોસોફીમાં રસ પડ્યો. તે માનવા લાગ્યો કે જો માત્ર ફ્રૂટ્સ ખાઇએ તો પછી શરીરનો કચરો નીકળી જાય અને નહાવાની જરૂર જ ન રહે!
સ્ટીવ પછી એ જ રીડ કોલેજમાં કેલિગ્રાફીની કળા શીખ્યો. જે કળા પછીથી મેકિન્ટોશ કમ્પ્યુટરના ફોન્ટ્સમાં જોવા મળી. સ્ટીવે તો એવું કહ્યું હતું કે જો હું એ કેલિગ્રાફી ન શીખ્યો હોત તો દુનિયાભરનાં કમ્પ્યુટર પર વાંચવા મળતા અક્ષરો કંઇક જુદા જ હોત. તળપદી ભાષામાં કહીએ તો સ્ટીવ ઠરીઠામ નહોતો થતો.
એક કંપનીની નોકરી વખતે તે જર્મની ગયો અને પોતાની ઓળખ માટે ભારતમાં પણ આંટો દઇ ગયો. ભારતમાં યોગીઓને મળ્યો પણ તેને કંઇ મજા ન આવી એટલે પાછો પહોંચ્યો માદરે વતન અમેરિકા. ઓરેગોનમાં ગર્લફ્રેન્ડ સાથે એપલ ઉગાડતા ફાર્મમાં રહ્યો, ઘણીવાર તે માત્ર એપલ ખાઇને ચલાવતો. સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ એ વિચાર પણ તેણે કદાચ આ સ્વાનુભવ પરથી આપ્યો હતો.
નાનપણનો ગ્રીક મિત્ર સ્ટીફન વોઝ હેલવેટ પેકાર્ડ કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. તેણે એક કમ્પ્યુટર ડિઝાઈન કર્યું હતું. તેણે સ્ટીવને બતાવ્યું. એકવાર કારમાં સાથે જતાં જતાં સ્ટીફન વોઝને કહ્યું કે આપણે તેને વેચીએ અને એક કંપની બનાવીએ. વોઝને આ વિચાર ગમી ગયો અને સ્ટીવે પોતાની કાર અને વોઝે કેલ્કયુલેટર વેચીને કંપની બનાવી. સ્ટીવે કહ્યું કે જ્યાં સુધી બીજું કંઇ ન સૂઝે ત્યાં સુધી તેનું નામ રાખીએ – એપલ. આમ જન્મ થયો દુનિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત એપલ કંપનીનો.
જુદી જુદી દિશાએથી મિત્રો જોડાતા ગયા અને સફરની શરૂઆત થઇ ગઇ. ૫૦૦ ડોલરની કિંમતે પચાસ કમ્પ્યુટર્સનો ઓર્ડર મળ્યો. સ્ટીવના ગેરેજમાં જ તેમણે પાર્ટ્સને એસેમ્બલ કરવાનું કામ શરૂ કરી દીધું. આજથી બરાબર ૩૫ વર્ષ પહેલાં ૧૯૭૬માં બંનેએ ભેગા મળીને એપલ કમ્પ્યુટરની સ્થાપના કરી. એ વખતે લાકડાના બોક્સમાં કમ્પ્યુટરની ડિલિવરી કરવામાં આવતી હતી. પણ સ્ટીવ અને તેના સાથીદારો માટે સોનાનો સૂરજ ઊગવામાં હતો. પર્સનલ કમ્પ્યુટરનું આખું બજાર તેમણે ઊભું કર્યું.
સફળતા મળી એટલે જુની મિત્ર પાછી આવી અને તેણે દાવો કર્યો કે તે સ્ટીવની એક દીકરીની મા છે. સ્ટીવ તેનો પિતા હતો પણ સફળતાએ તેને જાણે દીકરી આપી! કરુણતા એ હતી કે તે પણ એવું જ કરવા જઇ રહ્યો હતો જેવું તેનાં મા-બાપે તેની સાથે કર્યું હતું. જોકે સ્ટીવે દીકરી લીસાના નામે એક કમ્પ્યુટર લોન્ચ કર્યું. કંપનીની ગાડી પ્રગતિના પાટા પર દોડવા માંડી અને સ્ટીવને જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો – એપલમાંથી એપલ સિવાયનો સ્વાદ.
સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વોઝની જોડીએ ઈતિહાસ રચ્યો. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તે ટાઇમ મેગેઝિનના કવર પર ચમકી ગયો. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ટાઇમના કવર પર ચમક્યા તેના બે વર્ષ પહેલાં. અમેરિકાની યુવાપેઢી માટે સ્ટીવ આઇકોન બની ગયો. ક્રિએટિવ, જિનિયસ, વિઝનરી, ઇનોવેટર એવાં વિશેષણો સ્ટીવ માટે વપરાવા માંડ્યાં. સ્ટીવે પેપ્સી કંપનીના એક્ઝિક્યુટિવને પંસદ કરીને તેણે એપલનો સીઇઓ બનાવ્યો.
૧૯૮૫માં સ્ટીફન વોઝે કંપની છોડી અને સ્ટીવ જોબ્સને સીઇઓ સાથેની માથાકૂટને કારણે કંપની છોડવી પડી. વિધિની વિચિત્રતા જુઓ કે કંપની શરૂ કરનારાઓએ કંપની છોડવી પડી. જે સીઇઓને સ્ટીવે પોતે નોકરીએ રાખ્યો હતો એ જ મિત્રએ દગાખોરી કરી અને સ્ટીવની સામે કાવાદાવા કર્યા. કંપનીના માલિકમાંથી તે સાવ રસ્તા પર આવી ગયો. ત્રીસમા વર્ષે તો એ ટોચેથી નીચે પટકાયો.
જોકે એપલ છોડવાનો સમય એ સ્ટીવ માટે મધ્યાંતર હતો. મિત્રોની દગાખોરી આ માણસની હાર્ડ ડિસ્ક ક્રેશ ન કરી શકી. નવા જુસ્સા રૂપી પાસવર્ડ સાથે એ તેની જિંદગીમાં ફરી ફરીને પ્રોગ્રામિંગ કરતો જ રહ્યો અને કમ્પ્યુટરની દુનિયામાં ખૂંપી ગયો. જીવનનાં સમાધાનો અને ચડાવ-ઉતાર અને સામે આવતા પ્રશ્નોની વણજાર જ તેને કમ્પ્યુટરની દુનિયામાં અવ્વલ રાખી શકી. ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં. સતત કંઇક નવું આપવાની તેની ઇચ્છાએ તેને હંમેશા હરીફથી આગળ રાખ્યો.
તેના જીવનના પ્રોગ્રામિંગનું ડાયનેમિઝમ જ તેના કમ્પ્યુટરની તમામ શોધોમાં જોવા મળે છે. તેના જીવનમાં એટલી નાટકીય ઘટનાઓ છે કે તે તેની સગી બહેન મોના સિમ્પસનને વર્ષા પછી મળ્યો. તેને દત્તક આપી દીધા પછી તેનાં અસલી મા-બાપે લગ્ન કરી લીધાં હતાં અને તેની એક સગી બહેન છે એવી તેને વર્ષો પછી ખબર પડી. પોતાના અંગત જીવનના અનુભવને કારણે પત્ની અને બાળકો વિશે તે હંમેશાં બોલવાનું ટાળતો. દુનિયાનો શિરસ્તો છે કે જે લોકો તમને પછાડવા ઉપર તળે થતા હોય છે એ જ લોકો તમારી સફળતા વખતે ચરણોમાં આવીને બેસે છે. એક આડ વાત – ગયા અઠવાડિયે જ જાહેર થયેલા નોબેલ પુરસ્કારમાં આ વખતે કેમેસ્ટ્રીનો પુરસ્કાર મેળવનાર વિજ્ઞાનીની આવી જ દશા કરી હતી. જે વાત લોકોએ હસી કાઢી હતી એ જ લોકોએ તેમની શોધનો સ્વીકાર કર્યો અને પોંખ્યા. ખેર, આપણે સ્ટીવની વાત કરતા હતા. નવા વિચારની શોધ કરવાનું કામ તેણે બંધ ન કર્યું. નેકસ્ટ નામની કંપની શરૂ કરીને તેણે ફરી નવી શરૂઆત કરી. બે વર્ષમાં સ્ટીવ ફરી બેઠો થયો અને ફરી પોતાની જુની કંપની એપલને હંફાવવા લાગ્યો. પિકસર કંપનીના નેજા હેઠળ તેણે પહેલી કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી. ૧૯૯૩માં ફરી તેનું ચકડોળ નીચે આવ્યું. ધંધાકીય રીતે તેની કંપનીઓમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થઇ. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ ટોય સ્ટોરીએ તેને જાણે રાખમાંથી બેઠો કર્યો. બીજી બાજુ એપલની હાલત માઇક્રોસોફ્ટ સાથેની હરીફાઇને કારણે બગડી રહી હતી. આવા સમયે પોતાના જ બાળક – એપલ કંપનીના તારણહાર તરીકે ખુદ સ્ટીવ પોતે જ આગળ આવ્યો.
બીજી ઇનિંગમાં સ્ટીવ વધુ ઝનૂની કામ કરવા માંડ્યો અને એપલ કંપનીને ફરીથી ઊભી કરવા તે કમ્પ્યુટર અને ૨૧મી સદીના પહેલા દાયકામાં મોબાઇલની દુનિયામાં છવાઇ ગયો. ૨૦૦૦ની સાલમાં એ પોતે જ બનાવેલી કંપનીનો ફરી સીઇઓ બન્યો. આઇપોડની ક્રાંતિ કરીને તેણે વોકમેનને માર્કેટમાંથી ફેંકી દીધું. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આઇપોડની મોનોપોલી બની ગઇ. એ પછી આવ્યો આઇફોન. કંપનીઓના મર્જર અને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજીઓ બનાવીને બીજી ઇનિંગમાં સ્ટીવ સતત રાજ કરતો રહ્યો.
પણ કમનસીબે અંગત જિંદગીમાં તે હારની નજીક પહોંચી ગયો હતો. ૨૦૦૩માં તેને સ્વાદુપિંડની સમસ્યાની ખબર પડી. ૨૦૦૪માં કેન્સરની ખબર પડી અને આખરે સર્જરી કરાવી. એ પછી લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું. આઇપેડ સાથે સ્ટીવે ફરી પોતાની એની એ જ ઊર્જા બતાવવાની કોશિશ કરી. એપલ અને સ્ટીવ જોબ્સ ફરી સમાનાર્થી બની ગયા અને બિલિયોનરની યાદીમાં સ્થાન પામ્યાં. જોકે કદાચ તેને મોતનો અણસાર આવી ગયો હોવો જોઇએ. તેણે એપલના સીઇઓ તરીકે રાજીનામું આપી દીધું હતું અને તેને કંપનીએ ચેરમેન બનાવી દીધો હતો. દેવાળિયા જેવી હાલતમાંથી એપલ કંપનીને તેની સફળતાની ટોચે પહોંચાડી ત્યારે તેના હીરો સ્ટીવ પાસે બહુ ઓછો સમય બચ્યો હતો. સ્ટીવ ખરેખર બદલાઇ ગયો હતો.
સ્ટીવ માનતો કે જો તેને કંપનીમાંથી જવું ન પડ્યું હોત તો કદાચ આ કડવો પણ જરૂરી પદાર્થપાઠ ભણવા ન મળત. એ કહેતો કે મેં મને હંમેશાં ગમતું કામ જ કર્યું છે અને કદાચ એ જ મારી સફળતાનું રહસ્ય છે. જ્યાં સુધી તમને ગમતું કામ ન મળે ત્યાં સુધી તેની શોધ કરતાં રહો અને એકવાર મળશે પછી એની મજા જ કંઇક જુદી હશે.
-મનીષ મહેતા
સૌજન્ય-
સ્ટીવ જોબ્સ વિષે અગ્રેજીમાં વિશેષ માહિતી – વિકિપીડિયા પર
વાચકોના પ્રતિભાવ