વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ઓશો

1285 બુદ્ધને શિષ્યએ પૂછ્યું, ‘કર્મ એટલે શું ?’…..હોરાઈઝન ….. ભવેન કચ્છી

બુદ્ધને શિષ્યએ પૂછ્યું, ‘કર્મ એટલે શું ?’  …હોરાઈઝન – ભવેન કચ્છી

રાજાએ નગરચર્યા દરમ્યાન એક દુકાન નજીક થોભી જઈને ફરમાન કર્યું કે,‘આ વેપારીને ત્રણ દિવસ પછી ફાંસી આપી દેજો’

ઓશોએ ભગવાન બુધ્ધના ઉપદેશને સમજાવવા એક મર્મવેધી પ્રસંગ કહ્યો છે.

શિષ્ય : ભગવાન, કર્મ શું છે?

ભગવાન : હું તમને એક વાર્તા કહું છું.

એક વખત એક રાજા હાથી પર બેસીને નગરચર્યાએ નીકળે છે. સાથે તેનો મંત્રી પણ હોય છે. નગરચર્યા દરમ્યાન અચાનક રાજા એક દુકાન પાસે થોભી જાય છે. તે દુકાન ચંદનના લાકડાઓની હોય છે. દુકાનમાં ચંદનના લાકડાઓનો મોટો જથ્થો ખડકાયો છે. વેપારી ગાદી પર મોં વકાસીને બેઠો છે.

અચાનક રાજા આ ચંદનના લાકડાની દુકાન પાસે થંભી જતા મંત્રીને આશ્ચર્ય થયું. મંત્રી કંઈ કહે તે પહેલા જ રાજાએ ફરમાન કર્યુ કે આ ચંદનના લાકડાના વેપારીને ત્રણ દિવસ પછી ફાંસીને માંચડે ચડાવી દેજો. વેપારીને માથે તો આભ ફાટયું. બધાને સંભળાય તેમ તે આક્રંદ કરવા માંડયો. સહુ સારા વાના થઈ જશે તેમ કહી અન્ય વેપારીઓએ તેમને સાંત્વના આપી. આ દરમ્યાન તો રાજાની સવારી આગળ નીકળી ગઈ હતી.

આ તરફ મંત્રીને પણ આશ્ચર્ય થયું કે રાજાએ આ વેપારીને અને તેની દુકાનને પણ પહેલી વખત જોઈ હશે. શા માટે રાજાએ વેપારીને સીધી જ મોતની સજા જાહેર કરી દીધી ? તેની બેચેની વધતી હતી. તેને કારણ જાણવામાં અને નિર્દોષ વેપારીનું કમોત ના થાય તેવી લાગણી પેદા થઈ. તેની પાસે વેપારીને મૃત્યુદંડથી બચાવવા માટે ત્રણ જ દિવસ બાકી હતા.

રાજા નગરચર્યા બાદ ફરી મહેલ પધાર્યા. મંત્રીજી ઘરે આવ્યા અને વેશપલટો કરી ચંદનના લાકડાના વેપારી પાસે ગયા. વેપારીનું મોં રડી રડીને લાલ થઈ ગયું હતું. તે ધ્રુજારી પણ અનુભવતો હતો. વેશપલટો કરી મંત્રીજી ગ્રાહકના સ્વાંગમાં ગયા હતા.

ગ્રાહકને (મંત્રી) વેપારીએ ફરી રડી પડતાં કહ્યું કે મને રાજા ત્રણ દિવસ પછી શૂળીએ ચઢાવવાના છે. ગ્રાહક બનેલા મંત્રીએ માંડ શાંત પડેલા વેપારીને કહ્યું કે ”તારો કોઈ દોષ નથી અને આટલી આકરી સજા? સાચું કહે તેં ક્યારેય રાજાની નજરમાં ચઢે તેવું દોષિત કૃત્ય મન, વચન કે કર્મથી કર્યું છે?”

વેપારીને હૃદય ઠાલવવાની તક મળી હોય તેમ તે ગ્રાહક (મંત્રી)ને કહેવા માંડયો, ”ભાઈ, સાચું કહું છું હો… મારી ચંદનના લાકડાની આ દુકાનમાં કેટલાયે મહિનાથી ખાસ કોઈ ઘરાકી જ નથી. હું ભારે આર્થિક ભીડ ભોગવી રહ્યો છું. લાખોપતિ બનવાના સ્વપ્ન સાથે મેં ચંદનના લાકડાની આ દુકાન કર્જે લઈને કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી હું એવો વિચાર પોષી રહ્યો છું કે રાજા મૃત્યુ પામે તો મારો બેડો પાર થઈ જાય. સતત એ જ મનન… એ જ રટણ… અરે ઈશ્વરને પણ પ્રાર્થના કરવા માંડયો કે રાજાનું મૃત્યુ થાય…. જો રાજાનું

મૃત્યુ થાય તો બજારમાં મારી જ દુકાન સૌથી મોટી હોઈ તેમને અગ્નિદાહ આપવાના ચિતા પરના ચંદનના લાકડાની ખરીદી મોં માગ્યા ભાવે મારી દુકાનેથી જ થાય. નગરજનો પણ ફૂલની જગાએ ચંદનના લાકડાને ચિતા પર ચઢાવવા મારી દુકાનેથી જ ખરીદી કરે. રાજાના મૃત્યુ વિચાર અને હૃદય ધબકાર જાણે સાથે ગોઠવાઈ ગયા હતા.

તે પછી વેપારી પશ્ચાતાપ સાથે રડી પડતાં કહે છે કે હું કેટલો અધમ છું. આપણા રાજા કેટલા મહાન અને પ્રજા વત્સલ છે. મારા સ્વાર્થે આવા શ્રેષ્ઠ રાજવીના મોતને મેં ઝંખ્યું… ભગવાન તેને શતાયુ બક્ષે અને હું સજાને લાયક જ છું.”

ગ્રાહક (મંત્રી)નું દિમાગ છક્કડ ખાઈ જાય છે.

તે ભારે આશ્ચર્ય સાથે મનોમન જ્ઞાાન પામે છે કે ”અહા…હા… એક વ્યક્તિના બીજી વ્યક્તિ માટેના વિચારની આ હદે સુક્ષ્મ અસર! રાજા માટેનો અભાવ… તેના મૃત્યુનો ઇંતેજાર… સતત તે માટેનું ચિંતન… રાજાના હૃદય સુધી પ્રતિક્રિયાત્મક સંસ્કારને જન્મ આપી ગયું?” રાજાને વેપારીની દુકાન પાસેથી પસાર થતા જ વેપારીના નકારાત્મક આંદોલનોનો પડઘો પડયો… અને જે વેપારી રાજાના મૃત્યુનું ચિંતન કરતો હતો તે જ રાજાને બસ વિના કારણે તે વેપારી માટે ધૃણા જન્મી અને તેણે વેપારીને મોતની સજા ફટકારી દીધી હતી.

ગ્રાહકે (મંત્રી) વેપારીની આવી નિખાલસ કબુલાત પછી સાંત્વના આપી કે ”આશા રાખો રાજાના હૃદયમાં ભગવાન વસે અને તમારી સજા માફ થાય.” તેમ જણાવી ગ્રાહકે (મંત્રીએ) વેપારીને કહ્યું કે મને તારી દુકાનના તેં અલગ રીતે સાચવી રાખેલા સુગંધીદાર શ્રેષ્ઠ ચંદનના લાકડાની ગઠરી બનાવી આપ. વેપારીને પણ આ ગ્રાહક માટે સદ્ભાવના જાગી હોઈ તેણે રાજા-મહારાજા અને ઉચ્ચ સંતો માટે અલગ જાળવી રાખેલી ચંદનના લાકડાઓની ગઠરી પેક કરી આપી. વેપારીએ ભારે ઉંચા દામનું ચંદન ગ્રાહકને ભારે વળતર સાથે ખુશીથી આપ્યું.

આવા ચંદનના લાકડા લઈ મંત્રી સીધા પહોંચ્યા રાજાના દરબારમાં. ચંદનની સુગંધથી સમગ્ર મહેલ મઘમઘી ઉઠયો. રાજાએ મંત્રીને કહ્યું કે ”મારા જનમારામાં આવા સોનાની લાકડી જેવા ચંદન અને આવી મહેકને મેં માણી નથી. મારા રોમેરોમમાં સુગંધી શીતળતા વ્યાપી ગઈ છે. મંત્રીજી કહો તો ખરા આ અલભ્ય જેવું ચંદન ક્યાંથી લાવ્યા?”

મંત્રીએ ભારે સહજતા ધારણ કરીને કહ્યું કે ”રાજન… આ તો હું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પેલો ચંદનનો વેપારી છે ને… જેને તમે ફાંસીની સજા જાહેર કરી છે તેણે મને બૂમ પાડી બોલાવ્યો અને દુકાનમાં બેસાડી કહ્યું કે ”લો મંત્રીજી…

મૃત્યુ પામતા પહેલા મારી ઈચ્છા છે કે આપણા ઉમદા અને શ્રેષ્ઠ રાજાને હું આમાંથી દુર્લભ એવા ચંદનના લાકડા ભેટમાં આપવા ઈચ્છું છું.”

અગાઉ જ્યારે વેપારી રાજાના મૃત્યુ માટેના અધમ વિચાર બદલ પશ્ચાતાપ કરતો હોય છે તે જ વેળા રાજાના મનમાં પણ વેપારી માટે સજા કંઈ વિના કારણ કઠોર જાહેર થઈ છે તેમ વિચાર સ્ફૂર્યો હતો. આ સુક્ષ્મ અને અકળ પ્રક્રિયા છે. બરાબર આ જ વિચાર મંથન વખતે રાજા તે વેપારી દ્વારા મોકલાયેલા ચંદનના લાકડાની ભેટ મેળવે છે. તેનો વેપારી માટેનો સદ્ભાવ વધુ વિકસે છે. રાજા વિચારે છે કે ”હું કેવો નિર્દય અને જુલમી છું. જે વેપારી મારા માટે આવી ચાહના અને સદ્ભાવના રાખે છે તેના માટે હું મોતની સજા ફરમાવું છું.”

રાજા મંત્રીને કહે છે કે ”જાવ, તે વેપારીને કહો કે રાજાને તેમની નિમ્ન સોચ બદલ પસ્તાવો થાય છે અને તમારા પરની મૃત્યુદંડની સજા પરત ખેંચવામાં આવે છે… વેપારીને એમ પણ કહેજો કે નિયમિત રીતે મહેલ અને પૂજા માટે ચંદનના લાકડા હવે રાજા તમારી પાસેથી ખરીદશે.”

ઓશો વાર્તા પૂરી કરી શિષ્યોને કહે છે કે

”તમે પુછતા હતા ને કે કર્મ શું છે? …તેનો ઉત્તર છે આપણા વિચારો જ કર્મને જન્મ આપે છે અને તેનો પ્રત્યુત્તર પણ સામી વ્યક્તિ, સમાજ અને સંજોગો તે જ રીતે પડઘો પાડીને પરત આપે છે… ફરી તેમાંથી નવું કર્મ અને તે જ રીતે ધ્વનિ… પ્રતિધ્વનિ… કર્મ… પ્રતિકર્મની સાંકળ રચાતી જાય છે. આપણા વિચારો તે જ કર્મ છે. વિચારો જ તેનું ફળ નક્કી કરે છે.”

તમે કોઈને ચાહી ના શકો તો તેનાથી દૈહિક કે વૈચારિક અંતર કેળવો… પણ તેના માટે ઇર્ષા, અદેખાઈ કે તેની લીટી નાની કરી તમારી લીટી મોટી કરવાનો પ્રયત્ન ના કરો.

જુદા જુદા ક્ષેત્રોની સફળ વ્યક્તિઓની ખાસિયતો પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે અને બેસ્ટ સેલર બન્યા છે. આ પુસ્તકોના લેખકોએ સફળ વ્યક્તિઓના અભ્યાસ પરથી એ તારણ મેળવ્યું છે કે, તેઓ તેમના વિચારો અને દ્રષ્ટિને સામેની નકારાત્મક વ્યક્તિ, ઘટના કે સંજોગો પર દ્વેષ રાખી તેમના જેવા બનવાનો પ્રયત્ન નથી કરતા પણ પોતાની આગવી પ્રકૃતિ અને સંસ્કાર કેળવીને હકારાત્મક વલણ દાખવે છે.

તેઓ નિરીક્ષણ કરી તેમાથી સારા પાસાની પ્રેરણા લઈને પોતાનામાં સુધારો કરીને પ્રતિભાવ આપે છે. તેઓ જેવા છે ત્યાંથી મન, વિચાર, વર્તનથી વધુ ઉપર તરફ ઉઠવા પ્રયત્નશીલ છે. તેઓ તેમના દ્વારા સંસ્કારોનું સિંચન કરતા રહે છે અને મિથ્યાભિમાન કે અહંકારમાં રાચતા નથી . ૯૯ ટકા નાગરિકો જેવા નહી પણ તેઓ અલ્પસંખ્યક એવા છતાં ઉમદા અને ઉત્તમ વ્યક્તિઓને જ ફોલો કરે છે. સામી વ્યક્તિને પ્રેમ ના કરી શકે તેમ હોય તો તેને ધિક્કારતા તો નથી જ.

‘તું તારા રસ્તે સુખી હું મારા રસ્તે સુખી’ જેવો દ્રષ્ટિકોણ કેળવે છે. જો વ્યક્તિની પાસે ભૌતિક સંપત્તિ અને સુખ સુવિધા હોય અને છતાં તે દુ:ખી, પીડીત, ઇર્ષ્યા અનુભવે તો એકસો ટકા તે જ પોતે તેની સ્થિતિ માટે દોષિત છે અને તેની વૈચારિક પ્રક્રિયાનું તેમજ અન્ય જોડેના વર્તનનું તેણે ઘીર્બગૈહય કરવું રહ્યું.

ઘણા લોકો પીંછી જેવા હળવા થઈ જવાય તેવો સાવ સીધો હળવો પ્રતિભાવ નહીં આપી પહાડ જેટલો બોજ અનુભવતા હોય તેમ જીવન વ્યતિત કરે છે. વ્યક્તિ વિના કારણ પ્રકૃતિને વશ, વારસાગત ઉછેર કે સામી વ્યક્તિને તેના અજ્ઞાાનની ફૂટપટ્ટીથી માપીને તેમની લાગણી પર કઠોરતાનો પેપરવેઇટ મૂકીને જીવતર પૂરું કરે છે. ઘણાં લઘુતાગ્રંથિ અને અસલામતી અનુભવતા તેમના વટમાંથી બહાર નથી આવતા…

ઘણી વખત તો સામી વ્યક્તિને ખબર પણ નથી હોતી અને નકારાત્મક વ્યક્તિ મનોમન કે તેના જેવી જ બીજી વ્યક્તિ કે સમુહને બડાશ મારે કે ”જોયું ને…કેવું સંભળાવી દીધું… આપણે પણ કંઈ કમ નથી… તેને મેં તો જાણી જોઈને ભાવ જ ન આપ્યો. મોટો માણસ હોય તો તેના ઘરનો આવા તો કેટલાયે જોયા.”

બસ આવા કોમનમેનથી સમાજ ભરલો છે. જે અનકોમન એટલે કે અસાધારણ, ઉમદા અને સફળ તરીકે આદર પામે છે તેનામાં ખરેખર આગવી ગુણવત્તા તો હોય જ છે… તે કબૂલવું રહ્યું.

Source

https://www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-columnists-3-february-2019-bhaven-kachhi-horizon