વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Tag Archives: કાવ્ય સંકલન
1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ
ફેબ્રુવારી 3, 2018
Posted by on પ્રોફ. નિરંજન ભગત – મે ૧૮ ૧૯૨૬ – ફેબ્રુઆરી ૧, ૨૦૧૮
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગુરુવાર, તારીખ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮ નાં રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષની વયે તેમણે ગુરુવારે છેલ્લો શ્વાસ લીધો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાઓથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા સ્વ.ભગત સાહેબના જીવન અને સાહિત્ય ક્ષેત્રે એમણે કરેલ પ્રદાનની શ્રી ભવેન કચ્છી દ્વારા અપાએલ માહિતી વાંચવા અને ઓડિયો સાંભળવા અહી ક્લિક કરો.
ચિત્રલેખામાં પરિચય ..
ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી.
વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહે ખાસ તૈયાર કરેલો પરિચય લેખ વાંચવા માટે આ લીંક પર ક્લિક કરશો . http://chitralekha.com/niranjanbhagat.pdf
સ્વ.ઉમાશંકર જોશી અને સુંદરમની કક્ષાના કવિ અને સાહિત્યકાર આદરણીય નિરંજન ભગત સાહેબને હાર્દિક શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્યકાર….નિરંજન ભગત
સર્જક અને સર્જન….ગુજરાતી સાહિત્ય અકાદમી …
Niranjan Bhagat Prastavik-his contribution to Gujrati Sahitya and one man university -madhu kapadia
નિરંજન ભગતનાં કાવ્યોનો રસાસ્વાદ- મધુ કાપડિયા
વિનોદ વિહારની અગાઉની પોસ્ટ નંબર 675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત લિખિત લેખમાં નિરંજન ભગતના અન્ય ગીતોનો પણ આસ્વાદ કરો.
નિરંજન ભગત….Niranjan Bhagat
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
कविताकोश पर एक रचना
વિકિપિડિયા પર
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર સરસ શ્રદ્ધાંજલિ
નામ
-
નિરંજન નરહરિભાઇ ભગત
જન્મ
-
૧૮ – મે , ૧૯૨૬ ; અમદાવાદ
અવસાન
-
૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ
અભ્યાસ
-
એમ. એ.
વ્યવસાય
-
અધ્યાપન
જીવન ઝરમર
-
બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
-
‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
-
નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
-
ઉત્તમ વક્તા
-
પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
-
‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
મુખ્ય રચનાઓ
-
કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
-
વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
-
અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
-
સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
-
ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
-
તંત્રી – ગ્રંથ, સાહિત્ય
સન્માન
-
૧૯૬૯ – રણજિતરામ સુવર્ણચંદ્રક *
-
૧૯૫૩ – ૫૭ – નર્મદચંદ્રક *
-
૨૦૧૫ – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ
-
સૌજન્ય —ગુજરાતી પ્રતિભા પરિચય , શ્રી સુરેશ જાની
( 1040 ) ત્રણ મંદિર કાવ્યો …..શ્રી પી.કે.દાવડા
એપ્રિલ 8, 2017
Posted by on ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી હમઉમ્ર અને સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાએ એમની નવી ઈ-મેલ શ્રેણીમાં મિત્રોને દરરોજ એક મંદિર કાવ્ય ( એવાં કાવ્ય કે જેમાં મંદિર કે ભગવાનનો નિર્દેશ કરવામાં આવ્યો હોય),અને એ કાવ્ય ઉપરના ટૂંકા વિવરણ સાથે મિત્રોને વાંચવા માટે મોકલ્યાં હતાં.આ માટે તેઓએ શ્રી માવજીભાઈ મુંબઈવાળાના બ્લોગની સહાય લીધી હતી.
આવાં નવ મંદિર કાવ્યોમાંથી મારી પસંદગીનાં ત્રણ મંદિર કાવ્યો શ્રી.પી.કે.દાવડા તથા શ્રી માવજીભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
મંદિર કાવ્યો …. શ્રી પી.કે.દાવડા
રામને મંદિર ઝાલર બાજે …… કવિ- સુન્દરમ્
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય
શેઠની મેડિએ થાળીવાજું, નૌતમ ગાણાં ગાય
મંદિરની આરતી ટાણે રે
વાજાનાં વાગવા ટાણે રે
લોકોના જૂથ નિતે ઊભરાય
એક ફળિના ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ
ત્રીજી માકોરબાઈ રાંડેલી, કોડી કને ના દામ
લોકોનાં દળણાં દળતી રે
પાણીડાં કો’કના ભરતી રે
કાઢી ખાય રોટલો કરતી કામ
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કે’વાય
રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળ થાય
ફળિના એક ખૂણામાં રે
ગંધાતા કો’ક ખૂણામાં રે
માકોરના મહેલ ઊભેલા જણાય
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત
ધાન લઈને દળવાં બેસે, રામની માગી ઓથ
ઘરેરાટ ઘંટી ગાજે રે
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે
ગાજે જેમ દુકાળિયાનું મોત
ગોકુળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ
માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહ્યો સાસ
મુઠ્ઠીભર ધાન બચાવવા રે
સીતાના રામ રીઝાવવા રે
પેટાવ્યો પેટમાં કાળ-હુતાશ
શેઠના ઘેરે, રામને મંદિર, સાકર-ઘીનાં ફરાળ
પારણામાં કાલ કરવા ભજિયા દળવા આપીદાળ
દળાતી દાળ તે આજે રે
હવાયેલ દાળ તે આજે રે
ઉઠાળે માકોર પેટ વરાળ
અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય
દળી જો દાળ ના આપે રે
શેઠ દમડી ના આપે રે
બીજો ઉપવાસ માકોરને થાય
અન્ન ખાતી તોય અન્નનો દાણો ન દેતી ઘંટીઆજ
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ
હજી દાળ અરધી બાકી રે
રહી ના રાત તો બાકી રે
મથી મથી માકોર આવે વાજ
શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર
ભોમનો ભાર ઉતારવા આજે જન્મ્યા’તા કિરતાર
પરોઢના જાગતા સાદે રે
પંખીના મીઠડા નાદે રે
ડૂબે માકોરનો ભૂખ પોકાર
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ
માકોરની મૂરછા ટાણે રે
ઘંટીના મોતના ગાણે રે
કાળો એક કાગ કળેળે નિસાસ
-સુન્દરમ્
વિવરણ …
જેમનું નામ સાહિત્યના એક યુગ સાથે જોડાયલું છે,(ઉમાશકર-સુન્દરમ યુગ), એવા કવિ સુન્દરમની આ કવિતા મારા કોઈ પ્રતિભાવની મોહતાજ નથી.દબાયલા કચડાયલા લોકોની તરફેણમાં સમાજ સામે આક્રોશ વ્યક્ત કરતી એમની અનેક કવિતાઓ પ્રખ્યાત છે.શેઠ અને માકોર ડોસી, સમાજના સાચા પ્રતિકો છે.સાહિત્યકારો લખે છે, સાહિત્યપ્રેમીઓ વાંચે છે, અને પરિસ્થિતિ જેમની તેમ જ રહે છે.ક્રાંતિની ધમકીઓ તો દાયકાઓથી અપાય છે,પણ દૂર દૂર સુધી ક્યાંયે એના એંધાણ દેખાતા નથી. સમાજની આ દારૂણ અસમાનતા દર્શાવવા મંદિરનો તો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે.
પી. કે. દાવડા
પ્રભુજીને પડદામાં રાખ મા …. -ઇન્દુલાલ ગાંધી
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા
-ઇન્દુલાલ ગાંધી
વિવરણ ..
આજે પણ ઘણાં મોટાં અને જાણીતાં મંદિરોમાં માત્ર થોડી ક્ષણો જ પ્રભુ દર્શન માટે પડદો હટાવવામાં આવે છે.લોકો ધક્કા-મૂક્કી કરી, જરા એક ઝલક મેળવે ન મેળવે ત્યાં સુધીમાં તો પડદો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રીયામાં ભક્તો તો ઠીક, ભગવાન પણ પોતાના ભક્તોને જોઇ શકતા નથી.
ઈંદુલાલ ગાંધીની કવિતાઓમાં કરૂણતા ભારોભાર ભરી હોય છે, યાદ કરો આંધળીમાનો પત્ર. અહીં પણ એ પૂજારીને કરગરીને વિનંતી કરે છે કે પ્રભુજીને પડદામાં ન રાખ, આતો તારા આત્મા ઉપર પડદો ઢાંકી દેવા જેવું કામ તું કરે છે. એ કહે છે, પવનથી દીવો હોલવાઈ જશે એવા બહાના કાઢીને, પવન રોકવા પડદો ઢાંકું છું એવી દલીલ ન કર. એક તો માત્ર ક્ષણવાર જ પડદો હટાવે છે, અને તેમાંયે વળી તું વચ્ચે ઊભો રહીને દર્શન કરતાં રોકે છે, પણ તું એ ભૂલી જાય છે કે જે શરીરથી તું દર્શન રોકે છે, એ તો એક દિવસ બળીને ભસ્મ થઈ જવાનું છે . ત્યાર પછીની બે કડીઓમાં તત્વજ્ઞાનની ભાષામાં સમજાવે છે કે જે થઈ રહ્યું છે એ ખોટું છે.
આઝાદી પહેલાંના સમયમાં આવાં સુંદર મંદિર કાવ્યો રચાયાં છે.
પૂજારી પાછો જા …… -કૃષ્ણલાલ શ્રીધરાણી
ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા
મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા
એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા
દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા
માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા
ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા
-કૃષ્ણલાલ શ્રીધરાણી
વિવરણ …
સ્વ. કૃષ્ણલાલ શ્રીધરાણીની આ કવિતામાં એમણે મંદિરના પ્રવર્તમાન વાતાવાવરણને સજ્જડ રીતે વખોડી કાઢ્યો છે. આરતી વખતે થતો નુકસાનકારક દેશીબેલ્સનો અવાજ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે એટલો અગરબત્તીઓનો ધુમાડો એ બન્ને હકીકત છે. એમણે પોતાની નારાજગી ભગવાન (મૂર્તિ)ના મુખે કહેવડાવી છે. રોષે ભરાઈને ભગવાન કહે છે,મને ફૂલમાળા ન પહેરાવીશ, એનાથી તો હું અભડાઈ જઈશ,મને તારૂં નૈવેદ પણ નથી ખપતું, ઓ પૂજારી (અને ભક્ત) તું મારી નજરથી દૂર થા. મંદિરની આ પાષાણની દિવાલોમાં મને શા માટે કેદમાં રાખ્યો છે?
ત્યારબાદ એક પછી એક તર્ક બધ્ધ કારણો આપીને આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, એ આક્રોશ સાથે કહે છે,અખાની જેમ.
આ કાવ્યથી વધારે જોરદાર રીતે મંદિરની કુરીતિઓ વિષેનું કોઈ કાવ્ય કદાચ કોઈએ નહીં લખ્યું હોય.આવી તો કેટલીયે કવિતાઓ, કેટલાય લખાણો અને કેટલાયે વાર્તાલાપો થઈ ગયા,પણ મંદિરોની સંસ્કૃતિમાં લેશમાત્ર પણ ફરક પડ્યો નથી. હવે તો કેટલાક મંદિરોમાં દર્શન કરવા માટે પણ ટીકીટ ખરીદવી પડે છે.
પી. કે. દાવડા
https://davdanuangnu.wordpress.com/
રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા...
( 733 ) શ્રી ગુણવંત વૈદ્ય ની સાહિત્ય પ્રસાદી …..
જૂન 11, 2015
Posted by on બ્લોગ વિનોદ વિહાર અને ફેસ બુક ગ્રુપ પેજ “મોતી ચારો “મુખ્યત્વે મારા સ્વ-રચિત સાહિત્ય સર્જન કે પછી અન્ય ગમતી જીવન પ્રેરક રચનાઓ, ચિત્રો, વિડીયો વી. સંપાદન કરી ગમતાનો ગુલાલ કરવાનું અને સહૃદયી મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું મારા માટે એક સારું માધ્યમ બની ગયું છે. બીજી રીતે ન મળી શકાય એવા સમરસીયા સાહિત્ય પ્રેમી મિત્રો બ્લોગ અને ફેસબુકના માધ્યમથી આવી મળે છે તેનો આનંદ છે.

GUNVANT VAIDYA
આ માધ્યમથી જ મને સાહિત્ય પ્રેમી ફેસબુક મિત્ર શ્રી ગુણવંત વૈદ્ય અને એમની સાહિત્ય રચનાઓ મારફતે એમનો પરિચય થયો . આ સાહિત્ય પ્રેમી મિત્ર એમના ફેસ બુક ગુજ પ્રિયા ગ્રુપ પેજ પર એમની વાર્તાઓ ,લેખો ,કાવ્યો, વી. અવાર નવાર રજુ કરતા હોય છે એ વાંચવા લાયક હોય છે.શ્રી ગુણવંત વૈદ્ય દ્વારા ફેસ બુક ઉપર મુકાતી એમની કૃતિઓ સિવાય અન્ય રીતે મને એમનો પરિચય નથી. હાલ બર્મિંગહામ, યુ.કે ના રહેવાસી આ સાહિત્ય રસિક ફેસ બુક મિત્રએ એમનું શિક્ષણ University of Wolverhampton માં લીધું છે .
આજની પોસ્ટમાં એમની કેટલીક મને ગમેલી સાહિત્ય પ્રસાદી એમના આભાર સાથે પોસ્ટ કરું છું.
શ્રી ગુણવંત વૈદ્યની બે ચોટદાર લઘુ વાર્તાઓ …
દફતર….
હું ખૂબ થાક્યો હતો. ભરબપોરના આકરા તાપમાં ચાલીને હું હાંફી ગયો.
‘સાહેબ જરા…’ નો એક તીણો અસ્પષ્ટ અવાજ મારા કાને પડ્યો પરંતુ એને ખાસ ધ્યાન ન આપીને હું આગળ ચાલતો જ રહ્યો. મારું ગળું પણ સુકાતું હતું. વીસેક ડગલાં જેટલું ફરી ચાલીને હું ઊભો રહી ગયો. પાણી પીવાની તીવ્ર ઈચ્છાથી મારી પાસેની બોટલનું ઢાંકણ ખોલતાં મેં આગળ પાછળ નજર ફેરવી. ત્યાં જ ધડામ કરીને પાછળ કોઈના પડવાનો અવાજ સંભળાયો.
મેં ત્યાં નજર કરી. એક વૃદ્ધને કદાચ ગરમીને કારણે ચક્કર આવી ગયા હતા. એ જોઈ તે સમયે ત્યાંથી પસાર થતી એક બાળકીએ ખભેથી દફતર ઉતારી બોટલ કાઢી તે વૃદ્ધને પાણી પીવડાવ્યું.
‘હા….શ’ ના તૃપ્તિઅવાજે ‘સાહેબ જરા…’ ના ધ્વનિની યાદ પણ મને તાજી કરાવી જ દીધી અને તે સાથે મારા હાથમાંની અધખુલ્લી બોટલ નીચે પડી જ ગઈ અને મારી આંખમાંથી પણ દડ દડ દડ ….
મારા બંને હાથથી મેં મારું મોં છૂપાવી દીધું. મને ખૂબ દોષી માનતો હું સ્થિતપ્રજ્ઞ સમ ઊભો જ રહ્યો.
તેવામાં….. ‘અંકલ, તમારી આ બોટલ…’ કહેતા એણે હસીને નીચેથી ઉપાડીને એ બોટલ મારી સામે ધરી.
હું હાર્યો હતો. મારા પ્રત્યે મને ખૂબ ધિક્કાર થયો. પેલા વૃદ્ધ પણ જાણે મને કહેતા હતા, ‘તારું પાણી તને મુબારક, જા.’
પેલી બાળકીએ તો માનવતાની વધુ એક સિક્સર જ ફટકારી દીધી હતી !!!
હું જે પાઠો ભણીને ભૂલ્યો હતો તે આ બાળકી જીવનમાં લાવી ચુકી હતી.
જાણે કશું જ ન બન્યું હોય એમ રમતાં રમતાં પછી એ ત્યાંથી જતી રહી.
‘હું કેમ એ ન કરી શક્યો?’ નો મૂંઝવતો સવાલ ભૂલીને પછી તો મેં પણ બાળક બનીને ભાવજીવન જીવવા દફતર ઉપાડી પુસ્તકોના પાઠો જીવનમાં ઉતારવાનો સંકલ્પ જ દીધો !!..
ગુણવંત વૈદ્ય.
=======================
કાચીંડો*…. લઘુ કથા
આ વાર્તા ખુબ ટૂંકી માઈક્રો ફિક્શન ટાઈપ છે પણ એમાંનો ભાવ અને સંદેશ મેક્રો ટાઈપ છે. સમાજમાં જે બનતું જોવામાં આવે છે એનું આ વાર્તામાં સરસ નિરૂપણ છે.વાર્તાની ખૂબી એના શીર્ષક -કાચીંડો-માં છે .
*કાચીંડો એ ગરોળીની જાતનું ખાસ કરી જંગલમાં દેખાતું પ્રાણી- જંગલી ગરોળી છે જેનું અંગ્રેજી નામ છે chameleon.આ પ્રાણી એના રંગો અવાર નવાર બદલતું હોય છે. એની જીભ પણ લાંબી હોય છે.
વૃદ્ધ મા એના દીકરા માટે મનોમન કાચીંડો કહે છે એમાં એના દિલનું દર્દ બોલે છે એ તમે આ લઘુ કથા વાંચશો એટલે સમજાઈ જશે .
કાચીંડો*
” આજે દાળ કેમ આટલી પાતળી બનાવી ?”
પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ મા ને ત્રાડ જ નાખી .
“શિલ્પા વહુએ બનાવી છે આજે ….” વૃધ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો .”
“જો કે બની છે ખુબ જ સ્વાદિષ્ટ ” પુત્રનો સૂર છેક સરગમનો નીચલા “સા ” પર પછડાયો હતો.
તત્કાળ પુરતો વૃધ્ધા એ નિરાંતનો દમ લીધો અને મનોમન બબડી “કાચીંડો “*
ગુણવંત વૈદ્ય
—–
વાચકોના પ્રતિભાવ