Tag Archives: ક્રિસમસ ૨૦૧૭


ક્રિસમસ સ્ટોરી-“કૃતિકાનો ભાઈ !”
ક્રિસમસ પ્રસંગે ત્રણ વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા શાંતાકલોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ શાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .કૃતિકાએ માગેલી એ ભેટ કઈ છે એ જાણવા મારી ક્રિસમસ પ્રસંગની આ ટૂંકી વાર્તા વાચો …..
“કૃતિકાનો ભાઈ !”
ગલગોટા જેવી ત્રણ વર્ષની ભગવાનની એક અદભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલે એવી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જાય.પપ્પા સાથે ક્રિસમસ ટ્રી અને એને શણગારવાની નવી ચીજ વસ્તુઓની ખરીદીમાં પપ્પા સાથે હોવાનો ગર્વ એના ખુશખુશાલ ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવે.
ક્રિસમસ ટ્રીને પહેલાંની સાચવીને રાખેલી અને નવી ખરીદેલી અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી શણગારાતું ત્યારે કૃતિકા પણ વસ્તુઓ લાવી આપીને પપ્પા-મમ્મીને મદદ કરતી.ઘર પણ વીજ તોરણોથી ચમકી ઉઠતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકાની આંખમાં પણ ચમક આવી જતી.વ્હાલી દીકરી કૃતિકાને ખુશ ખુશાલ જોઇને એનાં ગર્વિષ્ઠ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .
કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા, માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ ,હસતા અને હસાવતા અને ઘંટડી વગાડતા પેલા જાડિયા શાંતાકલોઝ . આ શાંતાકલોઝ દર વર્ષે ક્રિસમસ વખતે શહેરના મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બાળકોને માટે આ શાંતાકલોઝ એક મિત્ર બની જતા.
દોઢ-બે વર્ષની હતી ત્યાં સુધી હો… હો… હો… અવાજ કરતા શાંતાકલોઝની બીકથી કૃતિકા એની નજીક પણ જતી ન હતી , પણ આજે ત્રણ વર્ષની ઉંમરે તો એ હસતી કુદતી શાંતા પાસે જઈને હાથ મિલાવતી અને એના ખોળામાં પણ બેસી એની સાથે ફોટો પાડવાનું પપ્પાને કહેતી હતી.કૃતિકાના બાળ માનસમાં એક વાત કોતરાઈ ગઈ હતી કે શાંતાકલોઝ બાળકોને એમને જોઈએ એવી નવીન ભેટ એના કોથળામાંથી આપે છે .
એક દિવસે મમ્મી-પપ્પા ત્રણ વર્ષની કૃતિકાને લઈને એને શાંતાકલોઝ બતાવવા માટે શહેરના મોલમાં લઇ ગયા .મોલમાં મોટી ખુરશીમાં બેઠેલા શાંતાને જોતાં જ કૃતિકા દોડીને એના ખોળામાં બેસી ગઈ.મુખ પર સ્મિત વેરતા એના પપ્પાએ ખુશખુશાલ કૃતિકાની એક યાદગાર તસ્વીર એમના કેમેરામાં કેદ કરી લીધી.
ત્યારબાદ શાંતાએ કૃતિકાને માથે હાથ ફેરવતાં ફેરવતાં વ્હાલથી પૂછ્યું :
“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું મારા આ કોથળામાંથી તને આપું,”
કૃતિકાના મમ્મી-પપ્પા અને શાંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.
કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર શાંતા કોથળામાંથી હાથ નાખીને એને આપશે.
ખુબ વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા શાંતાને કહી જ દીધી :
” શાંતા મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”
આવી અજબ માગણીથી શાંતા સાથે એના મમ્મી -પપ્પા પણ વિચારમાં પડી ગયા.
શાંતાએ એની પ્રેગ્નન્ટ મમ્મીના પેટ તરફ એક દ્રષ્ટિ કરી કૃતિકાને સમજાવતાં કહ્યું :
“ બેટા ,આજે તો આ નાના બાબલાભાઈનું રમકડું લઇ જા ,ત્રણ ચાર મહિના પછી તને એક નાનકડો ભાઈ જરૂર મળશે જા ”
માતા-પિતા અને શાંતા એકબીજાની સામે જોઈને ખુબ હસી પડ્યાં !
ક્રિસમસ બાદ પણ કૃતિકા શાંતાએ એને ભેટ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !
-વિનોદ પટેલ
નવા વર્ષ ૨૦૧૮ માટે ની એક અછાંદસ રચના
૨૦૧૮ ના નવા વર્ષનું સ્વાગત
નવા વરસે નવા થઈએ
જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ
ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં
કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું
ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી
આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.
નવા વરસે નવી આશાઓ સાથે નવલા બની
નવેસરથી જીવનના નવા ચોપડામાં
નવા આંકડા પાડી જમા બાજુમાં વધારો કરીએ
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર
જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી
૨૦૧૮ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.
ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૮ નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ