પેઇન્ટિંગનું બ્રશ પકડેલી સહેજ ધ્રૂજતી હાથની આંગળીઓ કેનવાસ પાસે પહોંચતાની સાથે સ્થિર થઇ જાય છે. ૧૦૨ વર્ષનાં ઇઝરાયેલી દાદીમા તોવા બર્નલિંસ્કી નવા સોલો એક્ઝિબિશન માટે સજ્જ થઇ ગયાં છે. વીસ વર્ષના ગાળા પછી થઇ રહેલા પહેલા પ્રદર્શનની તૈયારી વખતે તેમના ચહેરા પર ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે.
તેમના મુખ્ય ચિત્રોમાં ગ્રે અને બ્લૅક ફૂલો છે જેનું સૌંદર્ય પ્રકાશના કિરણો દ્વારા વ્યક્ત કરવામાં તેમણે સફળતા મેળવી છે. તેમના પેઇન્ટિંગ્સમાં ઇઝરાયલના વિસ્તારો અવાવરુ અને વેરાન દેખાય છે. ખાલી ખુરશીઓ જીવનનો ખાલીપો વ્યક્ત કરે છે. તેમના પોર્ટે્રટ્સમાં પરિવારનાં સભ્યો ઝાંખા દેખાય છે અને એનું કારણ આપતા દાદીમા કહે છે કે ‘હવે એમાંનું કોઇ નથી રહ્યું. બસ, હું ને મારી સ્મૃતિઓ જીવીએ છીએ.’
૧૯૧૫માં પોલૅન્ડમાં જન્મેલાં આ દાદીમાએ જીવનમાં ઘણી યાતનાઓનો સામનો કર્યો છે. મિસ તોવા લગ્ન પછી તરત પોલૅન્ડ છોડીને ૧૯૩૮માં એ સમયે પેલેસ્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પતિ સાથે જઇને વસ્યાં.જોકે,બીજે જ વર્ષે નાઝીના અત્યાચાર અને સંહારની યાતના ભોગવવાનો વખત આવ્યો. એટલે તેમના મોટા ભાગના પેઇન્ટિંગ્સમાં જીવનમાં અનુભવાતા ખોટ અને દરદ દેખાય છે. યુવાન વયે આઇસક્રીમની લિજ્જત માણી હતી એ ક્ષણોના ચિત્રોમાં ચમક અને મોહક રંગો ધ્યાન ખેંચે છે. એપ્રિલમાં તેમની ૧૦૨મી વરસગાંઠ નિમિત્તે દોરેલા ચિત્રમાં ભૂરું આકાશ, લીલાછમ ઘાસની હરિયાળી અને રણપ્રદેશમાં રેલાતા સૂર્યકિરણોનો સુંદર સમન્વય જોવા મળે છે. એ સમયે તેમણે કહ્યું હતું કે ‘અચાનક જ રંગ મારી આંખોમાં પાછા ફર્યા.’ અત્યારે ચાલી રહેલા તેમના પ્રદર્શન માટે તેમને સાથ અને સહકાર મળ્યા છે. આ ઉંમરે તેમની સ્થિરતા માટે તેમને સલામ મારવી પડે.
———————————–
રામ રાખે એને કોણ ચાખે!
૭૪ વર્ષનાં દાદીમા શ્રીમતી માર્શ જે અકસ્માતમાંથી ઊગરી ગયાં એની તસવીર જોઇને તમે પણ બોલી ઊઠશો કે રામ રાખે એને કોણ ચાખે! આ વર્ષે મે મહિનામાં એક ગોઝારા અકસ્માતમાંથી ઉગરી ગયેલાં દાદીમા પ્રમાણિકપણે સ્વીકારે છે કે ‘એ તો નિર્વિવાદપણે ચમત્કાર જ હતો. કોઇ મારી રખેવાળીની ચિંતા કરી રહ્યું હતું અને એટલે જ આવા ભીષણ અકસ્માતમાંથી બચીને હું પાછી હરતીફરતી થઇ ગઇ.’ ટ્રાફિકમાં અટવાયેલી મિસિસ માર્શની કાર સાથે ૮૦ કિલોમીટરની ઝડપે આવી રહેલી સિમેન્ટ ભરેલી એક ટ્રક પાછળથી અથડાઇ અને કારનો કચ્ચરઘાણ વળી ગયો. દૃશ્ય જોનારા લોકોએ તો માની જ લીધું કે દાદીમા અવસાન પામ્યા હશે, પણ તેઓ ભાન ગુમાવી બેઠા હતા. તેમનો શ્ર્વાસ ચાલી રહ્યો હતો. એ ક્ષણ યાદ કરીને મિસિસ માર્શ કહે છે કે ‘કારના પાછલા દરવાજે કોઇએ ઠક ઠક કર્યું એટલું જ મને યાદ છે. મને ભાન આવ્યું ત્યારે હું ઍમ્બ્યુલન્સમાં હતી. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે મને કહ્યું કે તમારો અકસ્માત થયો છે.’
તેમની હાલત કેવી હતી? આઠ પાંસળી ભાંગી ગઇ હતી. કરોડરજ્જુ પણ તૂટી ગઇ હતી. છાતીનું હાડકું વાંકું વળી ગયું હતું તેમ જ ઠેર ઠેર ઉઝરડા પડ્યા હતા અને ઘણી જગ્યાએ સોજા આવી ગયા હતા. જોકે, નવાઇની વાત એ છે કે તેમને એક ટાંકો નહોતો લેવો પડ્યો. એક મહિનો હૉસ્પિટલમાં સારવાર લીધા પછી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. પોતાની જાતને બડભાગી ગણાવનાર શ્રીમતી માર્શ ઘરે બે દિવસ આરામ કરીને મિત્રો સાથે ફિલ્મ જોવા ઉપડી ગયાં હતાં. જાણવા જેવી વાત એ છે કે તેમના પિતા કાર મિકેનિક હોવાથી તેમનો ઉછેર કાર વચ્ચે જ થયો હતો અને તેમનો ભાઇ માત્ર ૨૭ વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
————————-
વિઝા નકાર્યો, ઉત્સાહ વધાર્યો
ઉત્સાહ અને ઉમંગને ઉંમર સાથે સંબંધ નથી હોતો. ચંદીગઢના ચમત્કારી દાદીમાનું બિરુદ મેળવનારા ૧૦૧ વર્ષનાં મન કૌર ગયા મહિને ચીનમાં શરૂ થયેલી સ્પર્ધામાં આ વર્ષના પ્રારંભમાં ન્યુ ઝીલૅન્ડમાં મેળવેલી સિદ્ધિનું પુનરાવર્તન કરવા ઉત્સુક હતાં , પણ નસીબ બે ડગલાં આગળ ચાલ્યું. આયોજકો તરફથી અંગત આમંત્રણ ન મળ્યું હોવાનું કારણ આપીને ચીને તેમનો વિઝા નકાર્યો છે. આ વર્ષે ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરમાં યોજાયેલી ૧૦૦ મીટર રેસમાં વિજેતાપદ મેળવનારા આ દાદીમા તેમના ૭૯ વર્ષના પુત્ર ગુરદેવ સિંઘ સાથે ચીનના રુગાઓ શહેરમાં યોજાયેલી ૨૦મી એશિયા માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લઇ ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસ તેમ જ ગોળા ફેંક અને ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેવા માગતા હતા. જોકે, માજી નથી નિરાશ થયાં કે નથી નસીબને દોષ આપી નિ:સાસા નાખી રહ્યાં. બલકે આગામી રેસની તૈયારીમાં લાગી ગયાં છે. અત્યારે પતિયાલામાં ટ્રેઇનિંગ લઇ રહેલા આ દાદીમા કહે છે, ‘થોડી નિરાશા એટલા માટે થઇ કે દેશનું નામ રોશન કરવાની અને મેડલની સંખ્યા વધારવાની એક તક હાથમાંથી સરી ગઇ. ચીન જવા ન મળ્યું તો કંઇ નહીં. મને તો સ્પર્ધા માટે પ્રૅક્ટિસ કરવામાં કે એમાં ભાગ લેવામાં આનંદ આવે છે. હવે પછીની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કેમ કરી શકાય એ જ મારું લક્ષ્ય છે.’ મજાની વાત એ છે કે તાલીમ ઉપરાંત ડાયેટની કાળજી રાખીને ફિટનેસ જાળવવાને તેઓ પ્રાધાન્ય આપે છે.
૯૩ વર્ષની ઉંમરે ઍથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કરનારાં શ્રીમતી કૌરે આ વર્ષે ૨૪ એપ્રિલે ઑકલૅન્ડની સ્પર્ધા એક મિનિટ અને ૧૪ સેકંડમાં જીતી હતી. આ ઉપરાંત અમેરિકામાં યોજાયેલી માસ્ટર્સ સ્પર્ધામાં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અનેકો માટે તેઓ પ્રેરણારૂપ સાબિત થયાં હતાં.
ઉપરની જવાંમર્દ દાદીમાઓની સત્ય કથાઓ વાંચ્યા બાદ ૯૦ વર્ષનાં ફિગર સ્કેટીંગનાં ખેલાડી દાદીમા Yvonne Dowlen ની એક બીજી પ્રેરક કથા નેશનલ જ્યોગ્રાફીની આ ટૂંકી ફિલ્મમાં એમના જ મુખે સાંભળો .
વૃધ્ધાવસ્થામાં નડેલ એક ગંભીર રોડ અકસ્માત અને સ્ટ્રોકની બીમારીમાંથી પ્રબળ મનોબળથી ઉભાં થઇ જઈને ફરીથી સ્કેટિંગ રમવાનું શરુ કરનાર આ દાદીમાને સલામ.
90-Year-Old Figure Skater Will Warm Your Heart with Her Amazing Talent | Short Film Showcase-National Geographic
સુરત નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી એ સમાચાર જાણી આનંદ થયો કે જેની રાહ જોવાતી હતી એ ‘સન્ડે ઈ.મહેફીલ’ની એક વધુ ઈ.બુક ‘ગરવું ઘડપણ ’હવે તૈયાર થઈ ગઈ છે.
આ ઈ-બુકની શરુઆત શ્રી ગુણવંત શાહના લેખ ‘સિનિયર સિટીઝન’થી થાય છે અને અંતમાં કવી મૃગાંક શાહની રચના ‘છેલ્લે તો આપણે બે જ હોઈશું’ મુકવામાં આવી છે.
આ ઈ-બુક વયસ્કો માટે ખાસ વાંચવા જેવી છે.એમાં જાણીતા લેખકોના અનુભવો અને વાચન આધારિત લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા લેખો ઉત્તમભાઈના જાણીતા બ્લોગ ‘સન્ડે ઈ.મહેફીલ’માં પ્રગટ ઘડપણ અંગેના લેખોમાંથી પસંદ કરવામાં આવ્યા છે.પચાસની પાસે પાસે પહોંચેલા દરેકને માટે આ લેખો દીશા સુચક થાય એવા છે.
આ ઈ-બુકની ઉપયોગીતા ઈ-બુકમાંના લેખોની વિવિધ સામગ્રીની નીચેની અનુક્રમણિકા પરથી જ જાણી શકાશે.
આ ઈ-બુક નું નામાભિધાન ઈ-બુકમાં છેલ્લે મુકવામાં આવેલ આદરણીય લેખિકા શ્રીમતી અવંતિકાબેન ગુણવંતના લેખ “ગરવું ઘડપણ’ …વૃદ્ધ થતાં શીખીશું ?” પરથી કરવામાં આવ્યું છે.ગુજરાતી પ્રતિભા પરિચયમાં અવન્તીકાબેન ગુણવંત નો પરિચયઆ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
આ લેખ અગાઉ વિનોદ વિહાર ની પોસ્ટ નંબર 951 /9-10-2016 થી પ્રકાશિત થયેલ છે.અવંતીબેન મારાં સુપરિચિત લેખિકા છે.નીચેની લીંક પર ક્લિક કરીને આખો લેખ વાંચો.
આ ઈ-બુકની આખરમાં પરીશિષ્ટ પ્રમાણે ઘડપણનાં ગીતો મુકવામાં આવ્યાં છે એ પણ ખુબ મજાનાં છે. આ ગીતોમાં છેલ્લે કવિ મૃગાંક શાહ નું સુંદર ભાવવાહી ગીત છે એનો પણ આસ્વાદ માણીએ.
છેલ્લે તો આપણે બે જ હોઈશું…
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
જે કહેવું હોય એ કહી લે,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા
છેલ્લે તો આપણે બે જહોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે,
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.
હાથની પકડ છુટશે,
કાચનો ગ્લાસ પડીને ફુટશે,
ત્યારે કાળજી લઈને કાચ વીણવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
કાન સાંભળતાં અટકી જશે,
મોઢામાંથી શબ્દો છટકી જશે,
ત્યારે વાતને ધીરજથી સમજાવવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું
શરીર પડખા ઘસશે,
આંખોમાં ઉજાગરા વસશે,
ત્યારે એકબીજાના માથે હાથ ફેરવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ડાયાબીટીઝ, બીપી આવી પડશે,
સત્તરસો ગોળીઓ ખાવી પડશે,
ત્યારે એક્બીજાને એ યાદ દેવડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું કહીશ કે હું પહેલો જઈશ,
તું કહીશ કે તું પહેલી જઈશ,
ત્યારે એક બીજાનાં ભવીષ્ય ભાખવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
મનમાં ગમગીની થશે,
આંખો જ્યારે ભીની થશે,
ત્યારે એક બીજાનાં આંસુડાં લુછવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
–મૃગાંક શાહ
babham@hotmail.com
..વડોદરા..
આશા છે આપ સૌને આ ઈ-બુક જરૂર ગમશે.
અગાઉની ત્રણ ડઝન જેટલી બધી જ ઈ.બુકસની જેમ, આ ઈ.બુક આપણા ‘લેક્સિકન’ની નીચેની લીંક પરથી મફત ડાઉનલોડ થઈ શકશે.
વાચકોના પ્રતિભાવ