
૧૫મી ઓગસ્ટ ૨૦૧૫, એટલે ભારતનો ૬૮ મો સ્વાતંત્ર્ય દિવસ
આજથી ૬૮ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજી રાજ્યની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો .જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એ દિવસથી એક નવા સ્વતંત્ર ભારતના ઇતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું .
હવે ૬૮ વર્ષની સ્વતંત્રતા બાદ આજે એક પ્રશ્ન જન માનસમાં ઉભો થાય છે કે શું ભારત દેશની ગામડાઓમાં રહેતી છેવાડાની પ્રજાને સ્વાતંત્ર્યનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં છે ખરાં ? અત્યાર સુધી રાજ્ય કરી ગયેલી સરકારોના નેતાઓના દેશમાંથી ગરીબી દુર કરવાના બોદા હાકલા પડકારા છતાં હજુ ગરીબી ખરેખર દુર થઇ છે ખરી. ?હકીકત તો એ છે કે આજે ગરીબો અને ધનિકોની આવક વચ્ચેની ખાઈ રોજ બરોજ વધતી જ જાય છે .
ચીલા ચાલુ રીતે આ સ્વાતંત્ર્ય દિવસના દિવસે ગાંધીજીના નામને નેતાઓ યાદ કરશે.એમનાં ગુણ ગાવામાં કોઈ કચાસ નહી રાખે.ગાંધીનાં બાવલાંનું ઉદઘાટન કરશે .પરંતુ એમના બોધેલ સીધાંતોના અમલનું શું ? એ પ્રશ્ન હજુ વણ ઉકલ્યો જ રહ્યો છે.ગાંધીજી કહેતા હતા કે જ્યાં સુધી સ્વતંત્રતાનાં ફળ સમાજના છેવાડાના ગરીબ માણસ સુધીના પહોંચે ત્યાં સુધી ખરી આઝાદી મળી ના કહેવાય .
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે સાત મહાપાતકો ગણાવેલાં એ યાદ આવે છે:
૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન
૪. નીતિ વગરનો વહેવાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ અને
૭. મૂલ્યો વગરનું રાજકારણ.
આજની પરિસ્થિતિમાં આ ગાંધી મુલ્યો ઉપર વિચાર કરવા જેવો છે.હકીકત તો એ છે કે આજે ગાંધી કથિત આ મુલ્યો વિસરાઈ ગયાં છે.

ગાંધી ચિત્ર
– ચિત્રાંકન વિનોદ પટેલ
સ્વ. શેખાદમ આબુવાલાની ગાંધી વિશેની એક ગઝલની આ પંક્તિઓ યાદ આવી જાય છે.
ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
– શેખાદમ આબુવાલા.
આ સંદર્ભમાં,આજના ૬૮મા સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ મારી આ કાવ્ય રચના અત્રે ફરી રજુ કરું છું જે આજની દેશની હાલત વિષે ઘણું કહી જાય છે .
ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?
અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે
વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે
નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે
ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે
અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા
કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?
એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે
સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો
જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?
ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !
ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે
રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા
શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો
ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !
સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો
ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને
એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી
અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે
ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?
ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?
–વિનોદ પટેલ, સાન ડિયાગો ,કેલીફોર્નિયા
=======================
આજની આ ગાંધી મુલ્યોને સ્પર્શતી પોસ્ટના સંદર્ભમાં મને ગમેલો જાણીતા કટાર લેખક શ્રી દેવેન્દ્ર પટેલનો સંદેશની રેડ રોઝ કોલમમાં પ્રકાશિત એક લેખ “ ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?” વાંચવા જેવો છે.
આ લેખમાં ગાંધીજી જણાવે છે કે ….
ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ
સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ
મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે
ગાંધીજીના સ્વપ્નના સ્વરાજ વિશેના વિચારો કેવા હતા એ જાણવા માટે નીચેના ગાંધીજીના આ ચિત્ર ઉપર ક્લિક કરી આ આખો પ્રેરક લેખ વાચો.

સૌજન્ય- સંદેશ.કોમ
================
આ પોસ્ટના મથાળે કુચ કરતા ગાંધીજીનું ચિત્ર મુક્યું છે એમાં મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ નું પ્રસંગોચિત એક કાવ્ય અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ કાવ્ય ઝીણા અક્ષરમાં છે એટલે કદાચ વાંચી ના શકાય તો આ આખું આ સરસ કાવ્ય નીચે આપું છું.
ફરફર ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)
જોમ હામ સમર્પણ લહરે
ફરફર ફરક ત્રિરંગા
જશ્ન ગૌરવ તું આઝાદીનું
ગાય હિમાલય ગંગા
પુણ્ય સ્મરણીય વંદન અમારા
ક્રાન્તિકારી લડવૈયા
લોકશાહી જનશક્તિ જ્યોતિ
કોટિ બાહુ રખવૈયા
પર્વત સરીતા સાગર ધીંગા
નવયુગ દર્શને ઝૂમે
તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી
સબરસ થઈ એ ઝૂમે
ગાંધી પથ છે માનવતાનો
સર્વધર્મ સરવાળો
શ્રમ આદર એ સૌરભ જગે
દેશ ઝૂમે નિરાળો
ચંદ્ર મંગલની વાત જ કહી
ફરફર ફરક ત્રિરંગા
સાત સૂરોની સંગમ ભૂમિ
જન જન ઉર ઉમંગા
વાચકોના પ્રતિભાવ