ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Tag Archives: ગુજરાત મિત્ર
ગુજરાત મિત્ર,સુરત અખબારના તારીખ ૧૬મી ઓગસ્ટ ૨૦૧૭ ના અંકમાં ” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમમાં પ્રસિદ્ધ શ્રી હરનીશ જાનીનો લેખ,સાભાર પ્રસ્તુત છે .
ઈમિગ્રેશન અને અમેરિકા..હરનીશ જાની
‘ટ્રમ્પસાહેબ ઈમીગ્રેશન ઓછું કરવાના મુડમાં કેમ છે?’
ટ્રમ્પ સાહેબ જે વાત ઈલેક્શન પહેલાં કરતા હતા .તે વાત હવે અમલમાં મુકવાના છે. વાત છે ઈમિગ્રેશન ઓછું કરવાની. અમેરિકનો ખુશ છે. તેમના જોબ તેમનાથી વધુ હોશિયાર ઈમિગ્રન્ટસ્ લઈ લેતા હતા. તે હવે તેમના માટે રહેશે. હાલ દર વરસે દસ લાખ ઈમિગ્રંટસ્ આખી દુનિયામાંથી અમેરિકા આવે છે. હવે પછીના દસ વરસમાં ધીમે ધીમે તે સંખ્યા ઘટીને પાંચ લાખ થશે. અને આ પાંચ લાખમાં ભણેલા અને કોઈ હુન્નર જાણકાર લોકોને જ લેવામાં આવશે. અભણ અને સિનીયોરોને નહીં, જે ગવર્મેંટના વેલફેર ચેક ,કોઈ પણ જાતનુ કામ કર્યા સિવાય, લેતા થઈ જાય છે.
૧૯૬૫ પછી ઈમિગ્રેશનની નીતિ હતી. તેમાં ભણેલા કે અભણ ઈમિગ્રંટસ્ કાયદાઓ પ્રમાણે આવતા હતા. આમાં ભારતીયોએ ચિંતા કરવા જેવું નથી. જો તમારા લોહી– સંબંધવાળા સગા અમેરિકામાં રહેતા હોય તેને માટે કોઈ બંધી નથી. એટલે કે ભારતીય મૂળના અમેરિકન સિટીઝન પોતાના મા બાપ, બાળકો અને ભાઈ બ્હેનને સ્પોન્સર કરીને ગ્રિન કાર્ડ અપાવી શકે છે. તે ચાલુ રહેશે. પણ નવા ઈમિગ્રંટસ્ ને બરાબર ચકાસીને લેવામાં આવશે. મતલબ કે અમેરિકાને મજૂરોની જરૂર નથી કે નથી જરુર એવા લોકોની કે જે કામ કર્યા સિવાય વેલફેરના ચેક લેવા માંડે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા આવવું હોય તેને માટે દરવાજા ખુલી ગયા છે. કારણ કે ભારતનો કોટા ઓછો થઈ ગયો પણ અભણ અને સિનીયરોને લેવામાં નહીં આવે તો એમાં યંગ છોકરા છોકરીઓને તે લાભ મળશે.
ટ્રમ્પસાહેબની વાતમાં વજુદ છે. સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં અમેરિકામાં યુરોપના ગોરા લોકો ઈમિગ્રન્ટ તરીકે આવતા હતા. તેમનો રંગ ગોરો હતો. અને ધર્મ અમેરિકનોના જેવો જ હતો. અને તે લોકોને ઈંગ્લિશ નહોતુ આવડતું પણ ધીમે ધીમે તેમણે ભાષા શીખી લીધી. કોઈએ પણ અમેરિકનોને ઈંગ્લિશની સાથે ઈટાલિયન કે ફ્રેંચમાં એરપોર્ટના સાઈન બોર્ડ કે ગવર્મેંટના ફોર્મ બનાવવાની ઝુંબેશ નથી ઉપાડી, અને તે અમેરિકન કલ્ચરમાં ભળી ગયા.આથી અમેરિકાને “મેલ્ટીંગ પોટ” કહેવાય છે. આજે સ્પેનિશ બોલતા મેક્સિકન અને બીજા લેટિન અમેરિકાના દેશોએ અમેરિકામાં ફરજિયાત સ્પેનિશ ઘુસાડ્યું છે. સ્કુલોમાં બધા વિષય સ્પનિશમાં શિખવાઠવાની માંગણી છે. એટલું ઓછું હોય તેમ એડિસન ન્યૂ જર્સીની સ્કુલોમાં ગુજરાતી શિખવાડોની ઝુંબેશ ચાલુ થઈ છે. પછી બંગાળી અને તામિલની વાતો થશે, પછી અમેરિકનોને ઈમિગ્રંટસ્ ગમે ખરા? આપણું કલ્ચર ? જ્યાં ત્યાં પાન ખાઈને થુંકવાનું અને મોટે મોટેથી વાતો કરી ઘોંઘાટ કરવાનું.
૧૯૮૬માં એડિસનના ઓક ટ્રી રોડ પર તુટી ગયેલા મકાનો સાથે ભેંકાર સ્લમ એરિયા હતો. ઈમિગ્રંટસ્ નો આભાર કે આજે ત્યાં સેંકડો સ્ટોર્સનું બજાર થઈ ગયું છે. ઈમિગ્રંટસ્ જોબ લાવ્યા અને ઈકોનોમીને બચાવી. જ્યારે અભણ મેક્સિકનો અને બીજી પ્રજા રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં મજુરીના કામ કરવા લાગી. શરુઆતમાં અમેરિકન લોકોને ગ્રિનકાર્ડની ખબર જ નહોતી. તમારી પાસે સોશિયલ સિક્યુરીટી નંબર હોય તો નોકરી મળી જતી. અને સોશિયલ સિક્યુરીટીની આફિસમાં જાવ તો ત્યાં તે નંબર મળી જતો. ૭૦ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકન લોકો ગ્રિનકાર્ડ ચેક કરતા થયા. અને સોશિયલ સિક્યુરીટીવાળા પણ વિઝા ચેક કરતા થયા.
૧૯૬૫ના કાયદાથી દુનિયા આખીના લોકો અમેરિકા આવતા ગયા છે. જો ભારતીય ઈમિગ્રંટસ્ ની વાત કરું તો શરુઆતના વરસોમાં સ્ટુડન્ટસ્ આવતા હતા. તેમને માન મળતું હતું. ૧૯૬૯ના વરસે વિલીયમ્સબર્ગ ,વર્જિનીયાની કોલેજમાં હતો ત્યારે થેન્કસ્ ગિવીંગને દિવસે મને અને બીજા સ્ટુડન્ટ ગાંધીને ડિનરના બે બે ત્રણ ત્રણ આમંત્રણ આવ્યા હતા. લોકો ડિનરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ્ હોય તો સારું. એમ માનતા હતા.લોકો ફોરેન સ્ટુડન્ટને માન આપતા.
આજે ન્યૂ જર્સીની રટગર્સ યુનિ.ને હું પ્રેમથી ગુજરાત યુનિ. કહું છું. ત્યારે સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને અને ફેંટાવાળા સરદાજીને જો કોઈ અમેરિકન જોતા તો તેમને રસ્તામાં જ ઉભા રાખી તેમના ફોટા પાડતા. આજે અમેરિકનો સરદારજીઓને ગોળી મારે છે. તેમને ખબર જ નથી કે તાલિબાન કોણ અને સરદારજી કોણ. આજે એક નહીં પણ સેંકડો સાડી પહેરેલ સ્ત્રીઓ શેરી ગરબા ગાય છે. મોડી રાત સુધી અવાજ કરી અને સામાન્ય અમેરિકનને સુવા નથી દેતા. તે તેમને ક્યાંથી ગમે?
ગોરા કે કાળા અમેરિકનોમાં હાલ બેકારી પ્રવર્તે છે. ઈમિગ્રેશનના આ નવા કાયદા મુખ્યત્વે મેક્સિકનોને આવતા અટકાવવા માટે બન્યા છે. મુસ્લીમોને અટકાવવાના બધા પ્રયત્નો સુપ્રિમ કોર્ટની મહેરબાનીથી નિષ્ફળ ગયા છે. હવે વાત મુશ્લીમની કરો તો અમેરિકનો મુશ્લીમ અને ઈન્ડિયન વચ્ચેનો ભેદ ક્યાંથી સમજવાના છે? અને આમ જોઈએ તો જરાય ભેદ નથી. માનવું અઘરું છે પણ એવા મેક્સિકનો છે જે રહે છે મેક્સિકોમાં પણ જોબ કરવા અપડાઉન કરે છે. મતલબ કે છુપી રીતે આવે જાય છે. અમેરિકનો બોર્ડર પર વોલ બાંધે તો મેક્સિકનો ટનલો બાંધશે.
જે ભારતીયો વરસોથી ટેક્ષ ભરીને અહીં જીવે છે . તેઓને પણ, કદી કામ ન કર્યું હોય અને મફતમાં વેલફેરના લાભ લેતા હોય એવા ઈમિગ્રંટસ્ ક્યાંથી ગમે?
છેલ્લી વાત–
મારી બાયપાસ સર્જરી પછી મને રૂમમાં લાવવામાં આવ્યો. ત્યાં મેં જોયું કે ટેબલ પર એક ફૂલદાનીમાં મોટો ગુલદસ્તો મુક્યો હતો. જોઈને આશ્ચર્ય થયું, મેં નર્સને કહ્યું કે, મારા માટે ફુલ? મારા ગુજરાતી મિત્ર તો ન મોકલે. તો નર્સ બોલી , “હોસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોમવાળા હ્રદય રોગના દર્દીઓને ગુડ લક માટે મોકલે છે. સાથે એમનું બિઝનેસ કાર્ડ પણ મુક્યું છે.”
-Harnish Jani
E mail- harnishjani5@gmail.com

Photo Guj Sahitya Parishad
ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના હાસ્ય-કટાક્ષ મિશ્રિત લેખો સુરતના અખબાર ગુજરાત મિત્રમાં દર બુધવારે” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” કોલમમાં નિયમિત પ્રકાશિત થાય છે.મોટા ભાગના એમના લેખો અમેરિકાના જન જીવન ઉપર આધારિત હોય છે.
ગુજરાત મિત્રના તારીખ ૧૧મી જાન્યુઆરી ૨૦૧૭ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી હરનીશભાઈનો એક લેખ “અમેરિકન બોલી–અમેરિકામાં” એમના અને ગુજરાત મિત્રના આભાર સાથે વિનોદ વિહારની આજની ૧૦૦૦ મી પોસ્ટમાં મુક્યો છે.
હરનીશભાઈ લગભગ ચાર દશકાથી અમેરિકામાં વસે છે એટલે અમરીકન જન જીવનનો એમને સુંદર જાત અનુભવ છે.એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષા વિષે એમણે પ્રકાશ પાડ્યો છે.
જેમ ગુજરાતી ભાષા વિષે કહેવાય છે કે બાર ગાઉ બોલી બદલાય એમ અમેરિકામાં પણ જુદા જુદા રાજ્યોમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચારની લઢણમાં થોડો થોડો ફેર જણાતો હોય છે.અમેરીકા આવતા ભારતીયોને શરૂઆતમાં અહી બોલાતી ઈંગ્લીશ ભાષા સારી રીતે સમજવામાં થોડો સમય લાગે છે પણ પછી વાંધો નથી આવતો.હરનીશભાઈએ એમની આગવી હળવી શૈલીમાં લખેલ એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષાની ઉપયોગી માહિતી આપી છે એ જરૂર વાંચવી ગમશે.
શ્રી હરનીશભાઈના ગુજરાત મિત્રમાં અને અન્યત્ર પ્રગટ ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયા છે એને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
વિનોદ પટેલ
અમેરિકન બોલી–અમેરિકામાં ….. હરનિશ જાની
મારા સસરાજીના એક મિત્રના જમાઈ અમેરિકા આવવાના હતા. ત્યારે તેઓ બન્નેને ચિંતા હતી કે જમાઈનું અમેરિકામાં શું થશે? જમાઈએ તો ગુજરાતી વિષયમાં આર્ટસની ડિગ્રી લીધી હતી. તેમને અંગ્રેજી જરાયે આવડતું નહોતું પણ મોટા ભાઈની સિટીઝનશીપ પર તેમને અમેરિકન વીઝા મળ્યો હતો. ત્યારે હું ભારત ફરવા ગયો હતો. બન્ને મુરબ્બીઓએ મને અમેરિકામાં બોલાતા ઈંગલીશ માટે સવાલો પૂછ્યા. મેં તેમને સમજાવ્યું કે જમાઈએ કયા પ્રકારની નોકરી કરવી છે. તેના પર આધાર રાખે છે. લેબર જોબ કરવો હોય તો જીભ ન ચાલતી હોય તો ય કામ ચાલશે. પરંતુ ગવર્મેન્ટ જોબ કે કોઇ શૈક્ષણીક સંસ્થામાં નોકરી કરવી હોય તો સાચું અને ચોખ્ખું અંગ્રેજી બોલવું પડે. આજકાલ તો ભારતીયોના સ્ટોર અને બિઝનેસીસ એટલા બધા છે કે અંગ્રેજીનો શબ્દ પણ ન આવડતો હોય તોય પૈસા કામાવાય. છેવટે કશું ન આવડતું હોય તો પણ કોઈ હિન્દુ મંદિરમાં ભગવાનને શરણે ગોઠવાઈ જાય તોય ઉધ્ધાર થઈ જાય. ભગવાન તો અંતર્યામી છે. એ તો કોઈપણ ભાષા બોલ્યા સિવાય મનની વાત જાણી લે છે. અહીંના કેટલાય ઈમિગ્રંટસ્ અમેરિકન ને ‘હી ડોન્ટ નો નથીંગ ‘ બોલતા સાંભળ્યા છે. ત્યારે મને મારી વાત સાચી લાગી છે.
એક જમાનો હતો કે અમેરિકા આવતા સ્ટુડન્ટે પોતાને ઈંગ્લીશ ભાષા આવડે છે તે સાબિત કરવા ટોફેલનો જુદો ટેસ્ટ આપવો પડતો હતો. તે ટેસ્ટના માર્ક્સને આધારિત તેમને અહીંની કોલેજોમાં એડમિશન મળતું. હું ૧૯૬૯માં સ્ટુડન્ટ હતો. મેં ટોફેલની પરિક્ષા તો આપી હતી. એટલું જ નહીં પણ અમેરિકનોની દિનચર્યા પર યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફર્મેશન સર્વિસીસમાં ફિલ્મ પણ જોઈ હતી. અને અહીં મ્હોં ખોલ્યા સિવાય ફોર્ક–નાઈફથી કેવી રીતે ખાવું તે પણ બતાવવામાં આવ્યું હતું. આ એક જાતની અમેરિકા આવતાં પહેલાંની તૈયારી જરુરી હતી. એક જાતનો કોર્ષ હતો.
સૌ પહેલાં આવતા સ્ટુડન્ટસ્ ને માટે કોઈ ગેરેન્ટી નહોતી એટલે આ બધાં ટેસ્ટ હતા. અરે, અમારે મેડિકલ એક્ષામ આપવી પડતી હતી અને એક્ષ રે પણ લેવડાવવો પડતો હતો. આજે કાયદા તેના તે રહ્યા છે. અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સિટીઝનના સગાં વહાલાં ટોફેલ બોફેલ વિના આવી શકે છે. યુનિ.માં ભણવું છે કોને? હવે આપણા લોકોનું કલ્ચર પણ બદલાઈ રહ્યું છે.
શરુઆતમાં આવતા સ્ટુડન્ટસ્ અમેરિકન કલ્ચર જાણતા હતા અને અમેરિકન સોસાયટીમાં ભળવા માંગતા હતા. અને બાળકોને પણ ઈંગ્લીશ આવડે તો સારું. એમ સમજીને તેમની સાથે ઈંગ્લીશમાં બોલતા. હવે ભારતીયો વધી ગયા છે. જે અદરો અંદર ગુજરાતી, હિન્દી, પંજાબીમાં કામ ચલાવે છે. એટલું જ નહીં પણ આપણું કલ્ચર બધે પ્રસરાવે છે. જેવું કે–પાન ખાઈને જ્યાં ત્યાં થુંકવું, જાહેર જગ્યાએ મોટે મોટેથી વાતો કરવી. દરેક વાતમાં ભાવ તાલ કરવા. વિ. વિ. એટલે અમેરિકન ઈંગ્લીશ પણ ભારતીય લઢણમાં બોલે છે.
હવે અમેરિકા દેશ ખૂબ મોટો છે. તેમાં દુનિયા આખીના લોકો વસે છે. વસે છે એટલું જ નહીં દરેક જણ સાથે પોત પોતાનું કલ્ચર લાવે છે. અને તેને લીધે અમેરિકન કલ્ચર વધુને વધુ વિકસે છે– ખીલે છે. બીજા કશાની વાત ન કરીએ અને ફક્ત ન્યૂ યોર્ક શહેરની જ વાત કરીએ તો ન્યૂ યોર્કમાં લિટલ ઈટાલી નામનો લત્તો છે.ન્યૂ યોર્કમાં જ વેસ્ટ ઈન્ડિઝના કરેબિયન આઈલેન્ડઝ્ના લોકો, પોલેન્ડના લોકો, આઈરીશ નેબરહુડ (લત્તો) પણ છે.આવા દરેક જુદા જુદા એરીયા મળે. ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ પર લિટલ ઈન્ડિયા છે. જ્યાં તમને સાડી અને ધોતિયાં દેખાય. અને ધ્યાનથી સાંભળો તો ચરોતરી બોલતા મંગરા માસી પણ સંભળાય.
ન્યૂ યોર્કના ક્વીન્સ એરિયામાં સેન્ટ્રલ અમેરિકાના સ્પેનિશ બોલતા લોકો રહે છે. હવે આ બધી પ્રજા પોતાની લઢણમાં ઈંગ્લીશ બોલે છે. જે તેઓને અંદરો અંદર સમજાય છે. બીજી પ્રજાને તેમાં ગરબડ થાય છે. મારા પોલેન્ડના મિત્રો ઘરમાં પોલિસ ભાષા બોલે છે. ઈટાલીયનો ઘરમાં ઈટાલિયન ભાષા બોલે છે અને યુરોપમાં રમાતી ફૂટબોલની મેચો જુએ છે. તો સવાલ થાય કે અમેરિકન ઈંગ્લીશ કેવું? અને કોણ બોલે છે?
કોઈ પણ નેશનાલિટી હોય પણ તેમની ચોથી પાંચમી પેઢી પછી તેમની ભાષા અને ખરું અમેરિકન રૂપ લે છે. અને ખરા અમેરિકન બને છે. પરંતુ ભાષા પાછળ બીજા પરિબળો કામ કરે છે. તેમાંનું એક તે આ વિશાળ દેશની ભૂગોળ– જો દરેક સ્ટેટની વાત ન કરીએ અને ફક્ત દિશા પ્રમાણે જોઈએ તો સાઉથના અમેરિકનો વાતો કરતા હોય તો આપણને તે ગાતા હોય એમ લાગે, દક્ષિણના રાજ્યો ધાર્મિક બહુ. ઘણી બધી ચર્ચો ત્યાં છે. તે રાજ્યોને બાયબલ બેલ્ટ કહેવાય છે. એટલે તેમના અવાજમાં લ્હેકા હોય છે. ન્યૂ યોર્કમાં ત્રીસ વરસ રહ્યા પછી , હું વર્જિનીયામાં રહ્યો છું. ત્યાંના લોકો મારા ન્યૂ યોર્કના ઉચ્ચારો પકડી પાડતા. શરુઆતમાં મને અમેરિકન ગાયનો નહોતા ગમતા પણ પછી દક્ષિણના ગાયકો–જ્હોની કેસ– કેની રોજર્સ–ગ્લેન કેમ્બલ–ડોલિ પાર્ટનના ગીતો ગમવા માંડ્યા. તેમના ગીતોમાં મને હિન્દી ગાયનો સંભળાતા. પછી મેં બીજીઝ– જેક્શન ફાઈવ(માયકલ જેક્શન)ના સંગીત વસાવ્યા. અને મારી જેમ બોલિવુડના બીજા મ્યુઝિક ડાયરેક્ટરો બપ્પી લહેરી અને અન્નુ મલિક જેવાને પણ સંભળાવા લાગ્યા.
ટેક્ષાસમાં વળી જુદા ઉચ્ચાર. આફ્રિકન અમેરિકનોના જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ. ૮૦ના દાયકામાં તેમણે ગોરા અમેરિકનોથી જુદા પડવા ફોનીક્ષ –જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ ચાલું કર્યું હતું પરંતુ બિલ કોસ્બી–જેસી જેક્સનઅને બીજા બધા કાળા લિડરોએ સમજાવ્યું કે આપણે જો ગોરા અમેરિકનોની સાથે બિઝનેસ કરવો હોય તો તેમના જેવું ઈંગ્લીશ બોલો. અને ભણો. આજે ગોરા કાળાના ભેદભાવ વિના સૌ અમેરિકનો છે. તેમ છતાં આજે અમેરિકામાં સેંકડો ઉચ્ચારોવાળું ઈલીશ બોલાય છે.
હા, એક વાત કહેવી પડશે કે બ્રોડકાસ્ટિંગના–રેડિયો અને ટી.વી.ના એનાઉન્સરોના ઉચ્ચારો સીધા એક સરખા હોય છે. તેમ છતાં કેટલાક અપવાદો જરૂર હોય છે. હું તેને સાચું અમેરિકન ઈગ્લીશ ગણું છું. પછી તે ટીવી એનાઉન્સર જાપાનીઝ હોય, ભારતીય હોય કે આફ્રીકન અમેરિકન હોય. પરંતુ સૌ સરખા ઉચ્ચારોવાળું અમેરિકન ઈંગ્લીશ બોલે છે.
છેલ્લી વાત–
એક નાના શહેરમાં એક દાનેશ્વરી એ ગાંડાની હોસ્પીટલમાં સ્વીમીંગ પુલ બનાવવા માટે દાન કર્યું .દર્દીભાઈઓના મનોરંજન માટે તેની જરૂર હતી. વરસ પછી તે દાનેશ્વરીએ હોસ્પીટલના ડાયરેક્ટરને ફોન કર્યો કે “સ્વીમીંગ પુલનું કામ કેટલે આવ્યું? ‘ ડાયરેક્ટરે જણાવ્યું પુલ બની ગયો છે. અને દર્દીભાઈઓ એનો લાભ ઊઠાવે છે. તો દાનેશ્વરીએ ગભરાઈને પૂછયું કે‘ કોઈ ડૂબી જશે એવો તમને ડર નથી લાગતો?‘ તો ,ડાયરેક્ટરે શાંતિથી જવાબ આપ્યો કે “ના અમને એવો ડર નથી. સ્વિમીંગ પુલમાં હજુ પાણી જ નથી ભર્યું.!”
-હરનીશ જાની
સંપર્ક :
Harnish Jani
4, Pleasant Drive, Yardville, NJ08620
Email harnishjani5@gmail.com.
Phone 609-585-0861
પરિચય

વાચકોના પ્રતિભાવ