વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ચિંતન લેખ.કૃષ્ણકાંત ઉનડકટ

1217- મારે પણ એક ઘર હોય! તમારી પાસે ‘ઘરનું ઘર’ છે? દૂરબીન’ …..કૃષ્ણકાન્ત ઉનડકટ

(લેખક શ્રી ‘કૃષ્ણકાન્ત ઉનડકટ દિવ્ય ભાસ્કર’ દૈનીકની રવિવારીય પૂર્તિ ‘રસરંગ’માં ‘દૂરબીન’ કૉલમમાં લખે છે. આ લોકપ્રિય કૉલમનો તા. 15 જુલાઈ, 2018નો આજની પોસ્ટમાં લેખકના આભાર સાથે પ્રસ્તુત લેખ તમને જરૂર ગમશે.)

મારે પણ એક ઘર હોય! તમારી પાસે ‘ઘરનું ઘર’ છે? ….‘દૂરબીન’…
–કૃષ્ણકાન્ત ઉનડકટ

સુખનું સૌથી મોટું સરનામું પોતાનું ઘર છે. માત્ર ઘર હોય એ પૂરતું નથી; ઘરે જવાની ઉતાવળ પણ હોવી જોઈએ. કહેવાય છે : ‘જેને ઘરમાં સુખ નથી મળતું એને ક્યાંય સુખ મળવાનું નથી.’

‘હવે તો એમ થાય છે કે જલદી ઘરે પહોંચી જાઉં’. લાંબો સમય બહારગામ ગયા હોઈએ ત્યારે થોડાક દિવસ તો વાંધો નથી આવતો; પછી એમ થાય છે કે હવે જલદી આ દિવસો જાય તો સારું! ફરવા ગયા હોય પછી પણ જ્યારે આપણે ઘરે આવી જઈએ ત્યારે હાશ થાય છે. ઘરનું ઘર એ દરેક વ્યક્તિ માટે એક ગજબનું સપનું છે.

એક યુવાનની આ વાત છે. તેણે કહ્યું હતું કે મારા પિતાએ મારા માટે ઘણું બધું કર્યું છે; પણ જો કોઈ ઉત્તમ કામ કર્યું હોય તો એ છે કે એમણે મારા માટે સરસ મજાનું ઘર બનાવી રાખ્યું છે. જો એ ઘર ન હોત તો હું કેમ કરીને મારું ઘર બનાવત? દરેક મા-બાપને એમ હોય છે કે દીકરાને વારસામાં ઘર આપતા જઈએ. દીકરી તો સાસરે ચાલી જવાની હોય છે. દીકરી માટે છોકરો જોવા જાય એ પહેલાં મા-બાપ સૌથી પહેલા એ તપાસ કરાવતા હોય છે કે એની પાસે ‘ઘરનું ઘર’ છે કે નહીં?

એક સરસ મજાનો સાચો કિસ્સો છે. મુંબઈમાં એક ફેમિલી ચાલીમાં રહેતું હતું. દીકરીને ભણાવવા માટે મા-બાપ ઘર ખરીદતા ન હતાં. દીકરી પાછળ જ બધો ખર્ચ કરતાં હતાં. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. એ ભણી ગણીને ડોક્ટર થઈ. મા-બાપે પછી દીકરીને લગ્ન માટે પૂછ્યું. દીકરીએ ના પાડી. તેણે કહ્યું કે મારું એક સપનું પૂરું થઈ જવા દો પછી લગ્નનું કહીશ. એક દિવસે દીકરીએ ઘરે આવીને મા-બાપના હાથમાં કાગળિયાં મૂક્યાં. દીકરીએ કહ્યું કે, આ તમારા માટે ફ્લેટના પેપર્સ છે. તમારા માટે ગિફ્ટ. હવે તમે મારા માટે છોકરો શોધો તો મને વાંધો નથી. મને ડૉક્ટર બનાવવા માટે તમે આખી જિંદગી ચાલીમાં રહ્યાં છો એ મને ખબર છે. મા-બાપને એવું ફીલ થયું કે અમારી આખી જિંદગી વસૂલ થઈ ગઈ.

તમને ખબર છે ઘણા લોકોને વારસામાં મળેલું ઘર પણ ગમતું હોતું નથી. એનું કારણ એ હોય છે કે એના સપનાનું ઘર જુદું હોય છે. એક દીકરાએ મા-બાપને કહ્યું કે તમારું ઘર તમને મુબારક. મારે તો મારું ઘર લેવું છે. મેં એ ઘરમાં તમારા માટે પણ સુવિધાઓ કરાવી છે. તમે આવશો ને?

એક યુવાનની પીડા તો વળી સાવ વિચિત્ર છે. એ ગામડામાંથી શહેરમાં આવ્યો. ખૂબ કમાયો. બંગલો બનાવ્યો. મા-બાપને ગમે એવું બધું કરાવ્યું. એક દિવસ મા-બાપને કહ્યું કે તમે હવે મારી સાથે રહેવા આવી જાવ. પિતાએ ના પાડી. અમને શહેરમાં નહીં ફાવે. અમારે તો આ ગામ અને આ ઘર જ બરાબર છે. આ વાતે ઝઘડો થઈ ગયો. દીકરાએ કહ્યું કે તમને મારી લાગણીની કદર જ નથી. દીકરાના ઘરમાં રહેશો તો કંઈ નાના નહીં થઈ જાવ!

આખરે એક વડીલે તેમને સમજાવ્યા કે જેમ તારા બંગલા પ્રત્યે તને લગાવ છે એમ તારાં મા-બાપને પણ ગામડાનું ઘર વહાલું છે. એ એમનાથી નથી છૂટતું તો રહેવા દે. આ ઘટનાને પ્રેસ્ટિજ ઇસ્યુ ના બનાવ. પિતાની લાગણી સમજ. આવું ઘણા સાથે બનતું હોય છે, દીકરાના ઘરે થોડા દિવસો રોકાવવા આવીને મા-બાપ પાછાં ચાલ્યાં જાય છે.

દરેક ઘરની એક કથા હોય છે. એ ઘરની ખરીદી પાછળ સંવેદનાઓ હોય છે. મોટાભાગના લોકોએ ઘર ખરીદ્યું હોય ત્યારે ખેંચાઈ જ રહ્યા હોય છે. માંડ માંડ મેળ કરીને જ ઘર બનાવ્યું હોય છે. ઘણાનું કિસ્મત તો વળી સાવ જુદું જ હોય છે. નોકરી કરવા કોઈ શહેરમાં આવે ત્યારે ભાડે રહેવું પડતું હોય છે અને વતનમાં મોટું ઘર ખાલી પડ્યું હોય છે. શહેરમાં આવ્યા પછી પણ; એક જ સપનું હોય છે કે એક નાનકડું ઘર બની જાય તો હાશ. પતિ-પત્ની માટે સૌથી સુંદર સપનું ઘરનું જ હોય છે. આમ કરાવીશું અને તેમ કરાવીશું એવાં સપનાં જિંદગીને રોમાંચક બનાવે છે. જે લોકો ઘર બનાવી નથી શકતા એની વેદના કલ્પના બહારની હોય છે.

ઘર વિશે હમણાં એક સર્વે થયો છે. આમ તો આ સર્વે બ્રિટનનો છે; પણ આખી દુનિયાના લોકોને એક સરખો લાગુ પડે છે. બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે જે લોકો ભાડાના ઘરમાં રહે છે એ લોકોમાં ડિપ્રેશનનો ખતરો વધુ રહે છે. ઘર બનાવી ન શકવાની પીડા સતત તેના મન પર હાવી રહે છે. 7500 લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.

આપણે ત્યાં પણ એવા લોકો છે જેનાં મન અને મગજ પર સતત એ ભાર રહે છે કે યાર ઘરનો મેળ નથી પડતો. ઘરની જાહેરાતો, હોમ સ્કીમની ડિટેઇલ્સ અને હોમ લોનની વિગતો પર સતત નજર રાખતા આવા લોકોને એક જ વિચાર આવતો હોય છે કે ક્યાંય મેળ પડે એમ છે ખરો? ઘરના ઘરનો મેળ પડી જાય ત્યારે માણસ બહુ જ ખુશ હોય છે. ઘરની સાથે જિંદગી જોડાયેલી હોય છે. ઘર નાનું હોય કે મોટું, એનાથી બહુ લાંબો ફેર પડતો નથી. એ વાત જુદી છે કે ઘર હોય એને પણ મોટું અને વધુ સુવિધાઓવાળું ઘર લેવાનું સપનું હોય છે. આમ છતાં; એને એક સંતોષ તો હોય જ છે કે આપણી પાસે ઘર તો છે!

જેની પાસે ઘર નથી, જે લોકો ભાડાના ઘરમાં રહે છે એની વાત, એની વેદના અને એનો વલવલાટ જેની પાસે ઘર છે, એને ક્યારેય સમજાતો નથી. તમારી પાસે ઘરનું ઘર છે? જો હોય તો તમે નસીબદાર છો. અલબત, ઘર થઈ જાય એ પછી એ ઘર ખરા અર્થમાં ઘર બને એનું ધ્યાન રાખવાનું હોય છે. મકાનને ઘર બનાવવાની આવડત પણ દરેકમાં નથી હોતી. સ્વર્ગની કલ્પનામાં ઘરની વાત હોતી નથી; પણ સાચું સ્વર્ગ તો એ જ હોઈ શકે કે દરેક માણસની પાસે પોતાનું ઘર હોય.

પેશ-એ-ખિદમત

મૈં ઇસ દુનિયા કો અકસર દેખકર કે હૈરાન હોતા હૂં,
ન મુજ સે બન સકા છોટા સા ઘર, દિન રાત રોતા હૂં,
ખુદાયા તુને કૈસે યે જહાં સારા બના ડાલા?

આનંદ બક્ષી

કૃષ્ણકાંત ઉનડકટ

ઈ-મેલ સંપર્ક – kkantu@gmail.com

સોર્સ : http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/15072018/14RASRANG-PG7-0.PDF

સાભાર …શ્રી ઉત્તમભાઈ ગજ્જર … એમના ઈ-મેલમાંથી 

ઘર એટલે ઘર ……… વિનોદ પટેલ

આજની ઘર વિશેની પોસ્ટ ના સંદર્ભમાં વિનોદ વિહાર, સહિયારું સર્જન – ગદ્ય અને શબ્દોનું સર્જન એમ ત્રણ બ્લોગમાં પ્રગટ મારો લેખ ” ઘર એટલે ઘર ” નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

ઘર એટલે ઘર ..……… વિનોદ પટેલ

( 578 ) નવા વર્ષમાં શું નવું કરવા જેવું છે?…. (દૂરબીન)….શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

સાપ ગયાને લીસોટા રહ્યા ની જેમ દીવાળી-નવા વર્ષનું પર્વ હમેશની જેમ થોડો સમય જન જીવનમાં ઉત્સાહનાં પુર રેલાવીને ઓસરી ગયું.નવા વરસે કરેલા સંકલ્પો પણ ભુલાઈ ગયા !દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એ કહેવતને યાદ અપાવે એમ સૌ પોતપોતાની જિંદગીની ચીલા ચાલુ ઘટમાળમાં જોતરાઈ ગયાં .

આ વિષય ઉપર જાણીતા વિચારક અને કટાર લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટએ એમના નીચેના લેખમાં સુંદર જન જીવન અવલોકન રજુ કર્યું છે. સંદેશમાં પ્રગટ એમનો આ પ્રેરક લેખ આજની પોસ્ટમાં વાચકોના આસ્વાદ માટે  અને એના ઉપર મનન કરી અમલ કરવા માટે એમના આભાર સાથે પ્રસ્તુત કર્યો છે.

Krishnkant Unadkat

શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ શ્રી કૃષ્ણકાંત ઉનડકટના ઘણા ચિંતન લેખો અને પરિચય  આ લીંક ઉપર વાંચીશકાશે .

વિનોદ પટેલ

======================================

નવા વર્ષમાં શું નવું કરવા જેવું છે? : (દૂરબીન) : કૃષ્ણકાંત ઉનડકટ

તહેવારો ગયા અને બધું જ પાછું હતું એનું એ જ થઈ ગયું. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે, આકસ્મિક ઘટનાઓને તો પહોંચી વળાતું હોય છે, રોજિંદી ઘટના જ કંટાળાજનક હોય છે. આપણું જીવન જ જાણે ફિક્સ શિડયુલમાં ગોઠવાઈ ગયું છે. એવું જડબેસલાક થઈ ગયું છે કે તેમાં જરાયે સ્પેસ જ નથી બચતી. સવારે પથારીમાંથી ઊઠવાથી માંડીને રાતે પથારીમાં પડવા વચ્ચેના સમયમાં જિંદગી એકસરખી જ જીવાતી રહેતી હોય છે. માણસની જિંદગીમાં શું હોય છે? સ્ટુડન્ટ્સ માટે સ્ટડી, હાઉસવાઇફ માટે ઘરનું કામ અને બધાની સુવિધા સાચવવાની ચિંતા, જેન્ટ્સ માટે કાં તો ઓફિસ અથવા તો ધંધો. બધાને ગોલ પૂરા કરવા હોય છે. જિંદગી જાણે એક સિલેબસ બની ગઈ છે જે પરીક્ષા પહેલાં પૂરો કરવાનો છે.

નવું વર્ષ આવે ત્યારે કંઈક નવું કરવાની તમન્ના જાગે છે, પણ સમય સાથે આ તમન્ના ક્યાં અલોપ થઈ જાય છે એ જ સમજાતું નથી. વળી, એ જ ફરિયાદો આવવા લાગે છે કે બહુ જ બિઝી રહેવાય છે, મરવાનીય ફુરસદ નથી, પોતાના લોકો માટે પણ સમય બચતો નથી, મારે જે કરવું છે એ કરી જ શકતો નથી. ઘણા લોકોએ નવા વર્ષમાં રિઝોલ્યુશન પાસ કર્યા હશે. અમુકના તો અત્યાર સુધીમાં તૂટી પણ ગયા હશે. ઘણા લોકોએ મુદત પાડી હશે. દિવાળીથી નક્કી કર્યું હતું પણ હવે દેવદિવાળીથી શરૂ કરીશ. આવું બધા સાથે થતું હોય છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. સવાલ એ છે કે તમારી અંદર કંઈ બદલ્યું કે નહીં? નવા વર્ષમાં કંઈ નવું તત્ત્વ ઉમેરાયું કે નહીં?

જિંદગીમાં કંઈ પણ નવું બને ત્યારે કંઈક તો નવું થવું જ જોઈએ. આપણી જિંદગીમાં માત્ર એક દિવાળી વધુ ઉમેરાઈ જાય એ પૂરતું નથી, થોડીક જિંદગી પણ ઉમેરાવી જોઈએ. હા, ફેર થતો હોય છે, પણ એ ફેર લાંબું ટકતો નથી. આપણે જલદીથી પાછા મૂળ સ્થિતિમાં આવી જઈએ છીએ. ફિલ્મ જોઈને નીકળીએ પછી થોડોક સમય એની અસરમાં રહીએ છીએ. કોઈ સારું પ્રવચન સાંભળીએ ત્યારે થાય છે કે વાત તો સાચી છે, જિંદગી આમ જ જીવવી જોઈએ. કંઈક સારું વાંચીએ ત્યારે એને યાદ રાખવાનું નક્કી કરીએ છીએ. કોઈ વળી પુસ્તકમાં ગમતી લીટીની નીચે અંડરલાઇન કરે છે. એ વાત જુદી છે કે પછી આપણે એ પુસ્તક ખોલતા હોતા જ નથી. આવું કેમ થાય છે? કારણ કે આપણે ફટ દઈને આપણી ઓરિજિનલ સ્થિતિમાં આવી જઈએ છીએ. સારા વિચારો બધાને આવતાં જ હોય છે. સુંદર જિંદગીની કલ્પનાઓ બધા સેવતા જ હોય છે, પણ એ વિચારો ટકતા નથી. બીજા વિચારો હાવિ થઈ જાય છે અને આપણે બધા પાછા હતા એના એ જ થઈ જઈએ છીએ!

દિવાળીના તહેવારો પછી સામાન્ય રીતે આપણેે ત્યાં લાભપાંચમથી નવા વર્ષનું કામ શરૂ થાય છે. પાંચમે આપણે શેનું મુહૂર્ત કરીએ છીએ? પાછા હતા એવા જ થઈ જવાનું મુહૂર્ત? ઓફિસમાં રજા પૂરી થઈ એટલે કામ ચાલુ થઈ ગયું. હા, આપણે બધાએ આમ તો રોજેરોજ જે કરતાં હોય એ જ કરવું પડે છે, પણ એમાં કંઈ ચેઇન્જ ન થઈ શકે?

થોડાક હળવા રહેવાનું નક્કી ન કરી શકીએ? હસવાનું થોડુંક વધારી ન શકીએ? આપણે જે કંઈ કરીએ છીએ એ ટેન્શન રાખીને જ કરીએ છીએ. ટેન્શનની એવી આદત પડી ગઈ છે કે આપણને હસવું ફાવતું નથી! આપણને આદત જ નથી હોતી! કામ તો ટેન્શનમાં થાય. આપણે બધું જ ફોર્માલિટી ખાતર કરીએ છીએ. હસીએ પણ ત્યારે જ જ્યારે હસવું પડે છે. હસીશું નહીં તો ખરાબ લાગશે એવું વિચારી આપણે હસવાનું પણ નાટક જ કરતા હોઈએ છીએ. ખડખડાટ હસવું હવે દુલર્ભ થતું જાય છે. લોકો હસવામાં પણ વિચાર કરે છે. હું હસીશ તો લોકો શું માનશે? ઘણા તો એવું પણ માને છે કે હસીશ તો લોકો એવું માનશે કે હું મારા કામ પ્રત્યે સિરિયસ નથી. એવું નથી હોતું.

તમે એવું ઇચ્છો છો કે તમને કામનો થાક ઓછો લાગે? તો કામ કરવાની સ્ટાઇલ બદલાવો. કામ વિશેના વિચારો બદલાવો. કામ તો કરવું પડવાનું જ છે. હસીને કરો કે મોઢું ચડાવીને, ટેન્શન રાખીને કરો કે હળવાશથી, તમારું કામ તમારે જ કરવાનું છે. કામ કેમ કરવું એ તમે તમારી રીતે નક્કી કરો. ઓફિસમાં બે વ્યક્તિ એકસરખું જ કામ કરતી હોય છે છતાં એકનું કામ શ્રેષ્ઠ રીતે થતું હોય છે અને બીજાના કામમાં વેઠ થતી હોય છે. આનું કારણ માણસનો કામ પ્રત્યેનો એપ્રોચ જ હોય છે.

દુનિયામાં એવા કેટલા લોકો છે જે પોતાનું કામ એન્જોય કરે છે. તમે એન્જોય કરો છો? યાદ રાખો, જે કામ એન્જોય કરે છે એને જ સફળતા મળે છે. તમારે સફળ થવું હોય તો કામને એન્જોય કરતા શીખી જાવ. એમાં તમારે બીજું કંઈ જ કરવાનું નથી. માત્ર તમારા વિચારો અને વર્તનમાં જ થોડાક ફેરફાર કરવાની જરૂર છે. નવા વર્ષમાં આ કરવા જેવું છે. માત્ર એટલું નક્કી કરી લો કે હું મારું કામ એન્જોય કરીશ, મારા કામમાંથી છટકીશ નહીં, કોઈ એસ્ક્યુસીઝ શોધીશ નહીં. આપણે મોટાભાગે બહાનાં શોધતા હોઈએ છીએ. આ બહાનાં દ્વારા આપણે આપણને જ છેતરતા હોઈએ છીએ.

નવું શરૂ થવાનું હોય ત્યારે કંઈક નવું અને એકડે એકથી શરૂ કરવાનો વિચાર આવે છે. એક ચિંતકે સરસ વાત કરી કે આપણે નવા માટે કેટલી બધી રાહ જોતા હોઈએ છીએ? નવા વર્ષથી આમ કરીશ, બર્થડેથી તો આવું જ કરવું છે, આ એનિવર્સરીથી આટલું તો ચેઇન્જ થવું જ છે. કોઈ દિવસ ઊગે ત્યારે એમ કેમ નથી વિચારતું કે આજનો દિવસ નવો છે, હવે હું કંઈક નવું કરીશ. દિવસ તો દરરોજ નવો જ હોય છે, તો આપણે દર દિવસે કંઈ નવું ન કરી શકીએ? એટલિસ્ટ સવારે બ્રશ કરતી વખતે આપણું મોઢું મિરરમાં જોતા હોઈએ ત્યારે આપણી જાતને એટલું ન કહી શકીએ કે આજનો દિવસ નવો છે, એટલિસ્ટ હું આજનો દિવસ ગઈ કાલની જેમ જ નહીં જીવું, હું આજની દરેક ક્ષણ એન્જોય કરીશ. મારા કામમાં મન પરોવીશ. બધા સાથે પ્રેમથી વાત કરીશ. આપણે આપણી આજ ઉપર મોટાભાગે તો ગઈકાલને જ સવાર રાખીએ છીએ અને એટલે જ આપણને કોઈ દિવસ નવો નથી લાગતો અને બધા જ દિવસો ચીલાચાલુ અને બોરિંગ લાગે છે.

ફ્રેશનેસ નાની-નાની વાતોથી પણ આવી શકે છે. મજા માત્ર પાર્ટીમાં જ આવે એવું નથી, મોટાભાગની મજા નાની-નાની ઘટનાઓ અથવા અમુક હળવી પળોમાં આવતી હોય છે. આપણે દર વખતે મોટિવેશનનું માહાત્મય ગાયા રાખીએ છીએ. હંમેશાં બહારથી અને બીજા પાસેથી મોટિવેશનની અપેક્ષા રાખીએ છીએ. આપણે પોતે ક્યારેય આપણા મોટિવેટર બનીએ છીએ ખરાં? તમે એવું વિચારો છો કે હું જે કંઈ કરું છું એ મારા માટે કરું છું. નોકરી કરનારા મોટાભાગના લોકો એવું જ વિચારતા હોય છે કે હું તો કંપની માટે કામ કરું છું.

જે લોકો પોતાના માટે કામ કરે છે એ જ આગળ વધી શકે છે. પગાર સાથે કામની સરખામણી કરીને કામ કરતા લોકો પણ દુઃખી થતા રહે છે. પગાર ચોક્કસપણે મહત્ત્વનો છે, પણ પગારની અસર તમારા કામ પર ન થવા દો. એક એડ આવતી હતી કે, ઇતને પૈસે મેં ઇતના હી જ મિલેગા… આવો એટિટયૂડ સરવાળે આપણી ક્ષમતા જ ઘટાડતો હોય છે. આપણે આગળ વધવું હોય છે, સફળ થવું હોય છે, પણ આપણો એટિટયૂડ અને એપ્રોચ બદલવો હોતો નથી. પરીક્ષા આવે ત્યારે જ આપણને એમ થાય છે કે પહેલેથી મહેનત કરી હોત તો સારું હતું, ત્યારે એવું પણ નક્કી કરીએ છીએ કે નવી ટર્મ શરૂ થાય એટલે પહેલેથી જ બધી તૈયારીઓ કરવા માંડવી છે, પણ નવી ટર્મ શરૂ થાય ત્યારે એવું થતું નથી. નવા વર્ષે પણ મોટાભાગે એવું જ થતું હોય છે!

આપણે આપણા ચોકઠામાંથી જ બહાર નીકળતા નથી. ઓફિસ કે બિઝનેસના સ્થળે જવાનો રસ્તો પણ આપણે બદલતા નથી,ઓફિસમાં ગયા પછી પણ આપણે મેકેનિકલી એક જ રીતે કામ કરતા હોઈએ છીએ. જરાકેય કંઈ આઘુંપાછું થાય તો આપણાથી સહન થતું નથી. આપણે જરા અમથો ફેરફાર પણ સહન કરી શકતા નથી અને ઇચ્છા રાખીએ છીએ જિંદગી બદલવાની! કંઈ બાંધછોડ જ કરવી ન હોય તો કંઈ છે બદલવાનું કેવી રીતે?

નવા વર્ષમાં બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં, માત્ર વિચારોમાં થોડોક બદલાવ લાવીએ. થોડાક વધુ સારા વિચારો કરવાનું નક્કી કરીએ, થોડાક ખોટા અને ખરાબ વિચારો ટાળવાનો પ્રયાસ કરીએ, હું જે કંઈ કરીશ એને એન્જોય કરીશ અને જે કંઈ કરીશ એ મારા માટે કરતો હોય એવી રીતે કરીશ, થોડુંક હસવાનું વધારીશ અને ફરિયાદ કરવાનું ઘટાડીશ, નવા મિત્રો બનાવીશ અને બધા સાથે નમ્રતાથી વર્તીશ, કોઈને ખોટી રીતે સારું નહીં લગાડું અને કોઈનું ખોટું નહીં લગાડું. આ બધા જ રિઝોલ્યુશન બહુ સહેલા છે,કોઈ વ્યસન છોડવા જેટલા અઘરા નથી. વ્યસન છોડવાનું રિઝોલ્યુશન એટલે છૂટતું નથી કારણ કે એ આપણને સતત યાદ આવે છે, ક્રેવિક થાય છે, આપણું બોડી ડિમાન્ડ કરે છે અને આ બીજા રિઝોલ્યુશન એટલે ટકતા નથી, કારણ કે આપણે એ યાદ રાખતા નથી, ભૂલી જઈએ છીએ. ઘણા લોકો નોટિસ બોર્ડ પર સુંદર પીન મારીને અમુક સુવાક્યો અને નિર્ણયો લખી રાખે છે, પણ એ બધા નોટિસ બોર્ડને બદલે દિલમાં રહેવા જોઈએ. સારું હોય તેને યાદ કરતું રહેવું પડે છે. વધારે નહીં તો થોડોક તો બદલાવ લાવો,થોડો થોડા બદલાવ તમને ક્યારે આખા ને આખા બદલી નાખશે એની તમને ખબર જ નહીં પડે! તમે ચાલવાનું શરૂ કરો, મંજિલ તો નજીક ને નજીક આવતી જ રહેવાની છે.

 kkantu@gmail.com

સૌજન્ય–આભાર …સંદેશ .કોમ ….શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

Source-  http://www.sandesh.com/article.aspx?newsid=3002940