વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ચિંતન

1269 મારી ૮૩મી જન્મ જયંતીએ …. વિચાર મંથન/પ્રાસંગિક અછાંદસ રચનાઓ 

૨૦૦૮,જાન્યુઆરીમાં જન્મ દિવસે ગાંધી આશ્રમ.           અમદાવાદની મુલાકાત વખતે મહાત્મા ગાંધીજીની ”My Life is My Message ”લખેલ તસ્વીર સાથે મારા એક મિત્રએ ઝડપેલી મારી એક તસ્વીર 

 

વહાલાં મિત્રો/સ્નેહી જનો

સૌ પ્રથમ તો તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મારા ૮૩મા જન્મ દિવસે મને ફોન કરી,ઈમેલ, વોટ્સેપ વી.માધ્યમો દ્વારા દિલી શુભેચ્છાઓ પાઠવી મારા આ અગત્યના દિવસને ઉલ્લાસમય બનાવવા માટે સૌ મિત્રો અને સ્નેહીઓનો ખુબ આભાર વ્યક્ત કરું છું.દર વરસે જન્મ દિવસે આપના હુંફાળા સંદેશાઓથી મન પ્રસન્ન થઇ જાય છે.       

      રેસ્ટોરંટમાં પરિવાર જનો સાથે સમૂહ ભોજન

મિત્રો,

જિંદગીની જંજાળો વચ્ચે આપણું જીવન ચક્ર ચાલતું જ રહે છે. દરેક જન્મ દિવસે જીવનમાં એક વર્ષ ઉમેરાઈ જાય છે.જીતની બઢતી હૈ ઉતની હી ઘટતી હૈ યહ જિંદગી! અનુભવો અને યાદોની ગઠરીમાં અવનવું જીવન ભાથું બંધાતું જાય છે.પ્રભુ રૂપી કુંભાર એના સદા ફરતા રહેતા ચાકડા પર આપણા જીવનને અવનવા ઓપ આપતો રહે છે .

મારી નીચેની અછાંદસ રચનાઓને મારી જીવન સંધ્યાએ આજે જન્મ દિવસે થોડી મઠારીને મુકું છું જેમાં જિંદગી વિશેનું મારું પ્રાસંગિક ચિંતન જોવા મળશે.

ક્ષણો,ઘડીઓ,મીનીટો,કલાકો,દિવસો,મહિનાઓ,

વર્ષો વટાવતી,મારી જીવન યાત્રા ચાલતી રહી,

ખભે બેસનાર બાળકો,ક્યારે ખભા સુધી આવી ગયા,

બાળકોને ખભે લેતા થયા,એની પણ ખબર ના રહી.

આવીને ઉભો ૮૩ ના પગથારે,૮૨ વર્ષ પૂરાં કરી. 

કેટ કેટલું બની ગયું જિંદગીની નવરંગી રાહમાં

ચિત્રપટની જેમ સ્મૃતિ પડદે આજે દેખાઈ રહ્યું ! 

વધતી જતી જિંદગી સાથે મૃત્યુ સમીપ સરતું રહે,

ભૂલી એ બધું,પ્રેમથી ઉજવવી જ રહી વર્ષગાઠને.

વાંચવા જેવું લખવું યા લખવું ગમે એવું જીવવું,

એને બનાવી એક જીવન મંત્ર આજે જીવી રહ્યો,

પૂરો સંતોષ અને આનંદ છે જીવન યાત્રા થકી,

મિત્રો ઘણા બધા આવી મળ્યા જીવન પથમાં,

સ્નેહી જનોની હુંફથી જ જીવન રસ ટકી  રહ્યો,

જિંદગીની ઠોકરો,પ્રશ્નો અને ભૂલોએ શીખવ્યું ઘણું,

સુખ દુ:ખના પ્રસંગોથી ભરેલી હોય છે આ જીંદગી,

એવા વિચારોમાં મારી આજ મારે બગાડવી નથી,  

જીવનનો આજનો આનંદ ટકી રહે એ જ પ્રભુને પ્રાર્થના .

મારે મન જિંદગી શું છે ? 

રેત યંત્રની રેતીની જેમ સતત સરતી રહે જિંદગી,

હરેક પળે એના રંગો બદલતી જ રહે, આ જિંદગી,

સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,

ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.

 

મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,

પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજા લઈએ,

દરેક પળને મન ભરીને જીવી લેવાનું ના ભૂલીએ,

કેમકે જીવનમાં બધી તકો ફરી ફરી મળતી નથી. 

 

જીવન રાહમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે,

રોદડાં રડવામાં સમય ગુમાવવા ટૂંકી છે જિંદગી,

માટે જેવી પણ હોય જિંદગી, ખોટી ચિંતાઓ છોડી,

હસતા રહેવું, હાસ્ય એ જ ઔષધ છે જિંદગી માટે. 

થોડું લઇ લીધું તો ઘણું બધું આપ્યું પણ છે,પ્રભુ,

ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું ભાગ્ય શું ઓછું છે!

પાડ માનું પ્રભુ તારો,પડકારો ઝીલવાના બળ માટે,

ભાંગી પડી મનથી,ભાગી ના જાઉં,એવી હિમત માટે.

 

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ દેવો સહેલો નથી,

જો જવાબ ટૂંકમાં હું સમજાવું તો? જિંદગી શું નથી  !

 

જીવનની સફળતા શેમાં ? 

જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,

જીવનમાં જે આપ્યું એનાથી જ જિંદગી બની જાય છે,

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખીએ,

કદીક કોઈ એક હાથ દુખી જન તરફ પણ લંબાવીએ.

 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,

જ્યારે જઈશું ત્યારે બધું પાછળ મુકી જવાના છીએ,

જીવીએ છીએ ત્યારે કંઇક એવું કામ કરીને જ જઈએ,

લોકો યાદ કરે,જનાર જણ ખરે ખેલદિલ જીવ હતો!

સુખ – દુખ નું  કાવ્ય 

જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ

ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે

ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે

પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે. 

  

જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જણાય છે

ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.

સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે

જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે

દુખના અંધકારમાં આભમાં તારાઓ ટમટમે છે

તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે

સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે

દુઃખમાં તારાઓ  ભાવી સુખની પહેચાન છે .

 

જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે

સુખ યા દુખ  એ જીવન સિક્કાની બે બાજુ છે

 

સુખી થયા,ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.

દુખી થયા, શોક ના કરો,દુખ પણ કાયમી નથી. 

વિનોદ પટેલ 

 

મારી ૮૩ મી વર્ષ ગાંઠને અનુરૂપ મને ગમતી અન્ય લેખકો – કવિઓ રચિત રચનાઓ …

 ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ

 બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું.

ઉમાશંકર જોશી

 

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

રજની પાલનપુરી

(બક્ષી સાહેબના બક્ષીનામાના એક લેખમાંથી સ્વ.ને વંદન સાથે )

લહેર પડી ગઈ, યાર ચંદ્રકાંત બક્ષી

મારું મન

વિપરીત સ્થિતિમાં પણ

શાંત રહી શકતું હોય

 

હું ખડખડાટ

હસી શકતો હોઉં

અને

ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

 

મને ભૂખ

અને થાક

અને પ્યાસ

લાગી શકતાં હોય

 

મહારોગ

કે

દેવું ન હોય

 

મારું પોતાનું એક ઘર હોય

અને

એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી

ખાઈ શકતો હોઉં

 

ચાય ની ચૂસકી લેતાં લેતાં

શનિવારની સાંજે

મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને

જીવનના છેલ્લા દિવસ

સુધી બસ આટલું રહી શકે તો..

 

મરતી વખતે હું કહીશ..

લહેર પડી ગઈ, યાર !

ચંદ્રકાંત બક્ષી

શબ્દની આરપાર જીવ્યો છું……ગઝલ.. અમૃત ઘાયલ

શબ્દની આરપાર જીવ્યો છું,

હું બહું ધારદાર જીવ્યો છું

 

સામે પુરે ધરાર જીવ્યો છું,

વિષ મહી નિરવિકાર જીવ્યો છું

 

ખુબ અંદર બહાર જીવ્યો છું,

ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

 

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ,

હું સદા બારોબાર જીવ્યો છું

 

મંદ ક્યારેય ન થઇ મારી ગતી,

આમ બસ મારમાર જીવ્યો છું

 

આભ ની જેમ વિસ્તર્યો છું,

સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

 

બાગેતા બાગ સુર્યની પેઠે,

આગમાં પૂરબહાર જીવ્યો છું

 

હું ય વરસ્યો છુ જીવનમાં,

હું ય બહુ ધોધમાર જીવ્યો છું

 

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ,

સર્વથા શાનદાર જીવ્યો છું

– ‘અમૃતઘાયલ

 

છેલ્લે, મને ગમતી ‘’અંકુશ’’ હિન્દી ફિલ્મની આ સુંદર પ્રાર્થના, એના પાઠ અને વિડીયો સાથે … 

इतनी शक्ती हमे देना दाता

Lyrics ..

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

हम चले नेक रस्ते पे हम से

भूलकर भी कोइ भूल हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

हम चले नेक रस्ते पे हम से

भूलकर भी कोइ भूल हो ना

इतनी शक्ती हमे देना दाता

मन का विश्वास कमजोर हो ना

दूर अज्ञान के हो अँधेरे

तू हमें ज्ञान की रोशनी दे

हर बुराई से बचते रहे हम

जितनी भी दे भली ज़िन्दगी दे

बैर हो ना किसी का किसी से

भावना मन में बदले की हो ना

हम ना सोचें हमें क्या मिला हैं

हम यह सोचे किया क्या हैं अर्पण

फूल खुशियों के बाँटे सभी को

सब का जीवन ही बन जाये मधुबन

अपनी करुना का जल तू बहा के

कर दे पावन हर मन का कोना

Itni Shakti Hame Dena Data || Tripty Shakya || Latest Devotional Video

 

 

 

( 965 ) કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો

શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી જય વસાવડા એ આધુનિક યુગના યુવકો-યુવતીઓના લોક પ્રિય લેખકો અને વક્તાઓ છે.આ બન્ને ય ગુજરાતી પ્રતિભાઓનાં આધુનિક વિચારો ધરાવતાં પ્રેરક પ્રવચનો સાંભળવાની વિદેશોમાં પણ ખુબ માગ હોય છે.

અખાતી દેશ મસ્કતમાં ઘણાં વર્ષોથી અનેક ગુજરાતીઓ વસ્યા છે અને ત્યાં જઈને ખુબ નામ અને દામ કમાયા છે.મસ્કત ગુજરાતી સમાજ-ઓમાન યોજિત એક અમારંભ પ્રસંગે આમંત્રિત આ બન્ને વક્તાઓ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાએ જે પ્રેરક પ્રવચન કર્યું હતું એના યુ-ટ્યુબ પર ઓક્ટોબર ૭,૨૦૧૬ ના રોજ મુકેલ વિડીયો સાંભળ્યા અને મને એ ખુબ જ ગમી ગયા.

આ વિડીયોની લીંક મોકલવા માટે યુ.કે.નિવાસી બેન હિરલનો હું આભારી છું.વિનોદ વિહારના વાચકો માટે આ ચારેય રસસ્પદ વિડીયો  શેર કરતાં આનંદ થાય છે.

કાજલ ઓઝા વૈદ્યએ એમના પ્રવચનમાં સ્ત્રી-પુરુષો વચ્ચેના લગ્ન જીવનના પ્રશ્નો વિષે સુંદર ચર્ચા કરી છે અને દાખલા દલીલો સાથે લગ્ન જીવનની વાસ્તવિક વાતો ખુબ જ પ્રભાવિત કરે એવી એમની રમુજી જબાનમાં રજુ કરી છે. એવી જ રીતે જય વસાવડાએ પણ એમની પ્રભાવિત કરે એવી કાઠીયાવાડી રસીલી જબાનમાં જીવન માટે પોષક અને પ્રેરક વાતો કરી છે જે માણવા જેવી છે.

દરેક પરિણીત યુગલે સાથે બેસીને કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડાના પ્રેરક વક્તવ્યોના આ ચારેય પ્રેરક વિડીયો આરંભ થી અંત સુધી માણવા જેવા છે .

Kajal Oza Vaidya  At Oman Part 1

Kajal Oza Vaidya  At Oman Part 2

Jay Vasavda At Oman … Part -1

Jay Vasavda at Oman Part -2

કાજલ ઓઝા-વૈદ્ય ના ઉપરના વિડીયો જો તમોને ગમ્યા હોય તો નીચેની લીંક ઉપર ક્લિક કરીને આવા બીજા ઘણા રસિક અને પ્રેરક વિડીયો સાંભળવાની મજા માણો.
https://www.youtube.com/channel/UCavDtqy5q1bTKEBPPFcW14w

કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડા નો પરિચય

( નીચે ક્લિક  કરીને વાંચો )

કાજલ ઓઝા-વૈદ્ય  (સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય )

જય વસાવડા … (સૌજન્ય-વીકીપીડીયા )

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ  

 

 

( 651 ) ચૂંટણીની સફળતા -નિષ્ફળતા …..( ચિંતન )….. વિનોદ પટેલ

જેની કાગ ડોળે રાહ જોવાઈ રહી હતી એ દિલ્હી એસેમ્બલીનાં, ટી.વી. ઉપર નિષ્ણાતોના બધાએ પોલ અને વરતારાને આંબી જતાં પરિણામો  બહાર આવી ગયાં .

ઝાડુને બદલે વેક્યુમ ક્લીનર ?!!!

ઝાડુને બદલે વેક્યુમ ક્લીનર ?!!!

આ પરિણામોમાં શ્રી અરવિંદ કેજરીવાલની નેતાગીરી હેઠળ આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૭ બેઠકો ઉપર જ્વલંત ,અણધાર્યો અને આશ્ચર્યકારક વિજય હાંસલ કરીને એક ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરી દીધો. એક વખત ટીકાઓ અને ટિખળનો ભોગ બનનાર ઉપર પ્રસંસાનાં ફૂલોની દેશ અને દુનિયામાંથી વર્ષા થઇ રહી છે . ઇતિહાસનું પાનું ફરી ગયું છે અને ભાજપ હાલ ટીકાઓ અને ટીખળોનો સામનો કરી રહ્યું છે !

તાંજેતરમાં જ પાંચ સ્ટેટમાં લોકસભાની ચુંટણીમાં ઉપરા ઉપરી સારી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી પોતાની સરકારો રચનાર અને મધ્યસ્થ સરકારનો વહીવટ સંભાળનાર ભારતીય જનતા પક્ષને દિલ્હીમાં સમ ખાવા પુરતી ૭૦ માંથી માત્ર   ૩ બેઠકો પ્રાપ્ત થઇ અને મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરેલ ,લોખંડી મહિલા કહેવાતી શ્રીમતી કિરણ બેદીની નામોશી ભરી હાર થઇ .મોદીનો વિજય રથ આમ દિલ્હીમાં ખોટવાતો નજરે પડ્યો !અબકી બાર મોદી સરકારને બદલે અબ કી બાર કેજરીવાલ નો આશ્રય જનક ચુકાદો લોકોએ આપ્યો !

શીલા દીક્ષિતના મુખ્ય મંત્રી પદે આ જ દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કરનાર કોંગ્રેસ પક્ષને ઝીરો- એક પણ બેઠક ઉપર વિજય ના મળે એ કેવું કહેવાય ! મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન દિલ્હી પુરતું તો કેજરીવાલે સત્ય કરી આપ્યું !કોંગ્રેસની નેતાગીરીમાં હાલ એક જ કુટુંબનો જે ઈજારો પ્રવર્તે છે એમાંથી મુક્ત થઇ કોઈ બહારની સક્ષમ નેતાગીરી માટે વિચારવાનો કોંગ્રેસીઓ માટે સમય ક્યારનો ય પાકી ગયો છે!હજુ ય રાહુલને બદલે પ્રિયંકા ગાંધીને લાવવાની વાતો કોંગ્રેસમાં ફરતી થઇ એ કેવું કહેવાય ! 

આમ આદમીની હાલની રાજકીય સુનામીના માહોલમાં એ નોધવા જેવું છે કે આ જ કેજરીવાલની પાર્ટીને એક વર્ષ અગાઉ ભાજપ કરતાં ઓછી સીટો મળેલી અને લોકસભાની ચુંટણીમાં તો એમને દિલ્હીમાં એક પણ બેઠક પ્રાપ્ત થઇ ન હતી. આજની કોંગ્રેસ જેવી સ્થિતિમાં તેઓ હતા.વારાણસીમાં તેઓ પોતે ભાજપ સામે લોકસભાની સીટ હારી ગયા હતા અને આખા દેશમાં ૪૦૦ ઉમેદવારો ઉભા રાખેલા એમાંથી ફક્ત ચાર ઉમેદવારો જ જીત્યા હતા !મોટા ભાગના ઉમેદવારોએ તો એમની ડીપોઝીટો પણ ગુમાવી હતી !

આમ રાજ્કારણ કે જીવનમાં હાર કે જીત એ કાયમી નથી હોતી.સફળતા- નિષ્ફળતાનું  ચક્ર ચાલતું જ રહે છે .

આજના રાજકીય માહોલમાં મને આ અછાંદસ કાવ્ય અને કેટલાંક હાઈકુ

રચનાની પ્રેરણા થઇ, જે નીચે પ્રસ્તુત છે.

સફળતા અને નિષ્ફળતા !

સફળ થઇ ગયા ! વાહ ! અભિનંદન ,

પણ જરા એ  ગર્વ ના કરો,

કેમકે , 

સફળતા ક્યાં કાયમી હોય છે ?

નિષ્ફળતા મળી ! આહ ! દિલાસો, 

પણ જરાએ દુખી ના થાઓ, 

કેમકે,

નિષ્ફળતા પણ ક્યાં કાયમી હોય છે ?

પરિવર્તનશીલ હોય છે બધુ જગમાં ,

પરિવર્તન એ જ એક માત્ર એવું છે ,

જે હમ્મેશાં કાયમી હોય છે !

બાકી બધું જ ,

બદલાતું રહે છે, દિન પ્રતિ દિન ,

એક વર્તુળ-ચક્ર નાં પરિઘ બિંદુઓની જેમ !  

વિનોદ પટેલ 

પ્રસંગોચિત કેટલાંક હાઈકુ 

ચાખો, ચખાડો, 

ચુંટણીની ચટણી,

ચટાકેદાર !

——————

એકને ઘેર,

દિવાળી,ખાજાં,વાજાં,

બીજે અંધાર ! 

————————-

મોટી સભાઓ,

વચનો, પ્રવચનો,

કામ ના લાગ્યાં !

——–———–

ચૂંટણી જંગે ,

પ્રજાનું દીલ, જાણી

શકાય છે શું ?

——————–

ચુંટણી ખેલ,

રમો ખેલદિલીથી,

ના ગાળા ગાળી !

————————-

હાર કે જીત

ગર્વ કે દુખ ત્યાગો,

કાલ અજાણ ! 

  

 

 

 

( 634 ) મારા ૭૯મા જન્મ દિવસે –ગત જીવન-ફલક પર એક નજર,થોડું આત્મ મંથન અને ચિંતન ….. વિનોદ પટેલ

 જીવનના વિવિધ તબક્કે ઝડપાયેલી મારી તસ્વીરોમાંથી પસંદગીની કેટલીક .

૧૫મી જાન્યુઆરી ૨૦૧૫,એક ઓર જન્મ દિવસનું આગમન !

જીવન યાત્રાનાં ૭૮ રંગારંગ વર્ષ થયાં પૂરાં .

આવીને ઉભો ૭૯મા વર્ષને પ્રવેશદ્વાર .

રાજી થવું કે નારાજ થવું ?

જેટલી વધી એટલી જ ઘટી ગઈ જિંદગી !

કુલ આયખામાં થયો એક વર્ષનો વધારો,

નિર્મિત આયુષ્યમાં થયો એક વર્ષનો ઘટાડો !

રંગુનની ધરતી પર ,૭૮ વર્ષ પહેલાં ,

જન્મ લીધો હતો ખુબ સુખ સાયબીમાં,

સંજોગો બદલાયા , જીવનના રાહ બદલાયા.

જીવન નવલ કથાનાં પાછલાં પૃષ્ટો જોતાં જોતાં,

ગત ૭૮ વર્ષનો જો હું હિસાબ માંડું છું તો ,

૪ વર્ષની ઉંમરે રંગુનમાંથી વિશ્વ યુદ્ધને લીધે ભાગીને આવવું પડ્યું, વતનના ગામ ડાંગરવામાં.

કમનશીબે ગામમાં પોલીયો વાયરસના શિકાર બન્યા પછી શરુ થયા જીવનના પડકારો,

પ્રાથમિક શિક્ષણ,સ્કુલ ગામની શાળામાં .ગામમાં બાળપણની ગ્રામ્ય જીવનની અવનવી જિંદગી,ખેતી -વગડાના અનુભવોની યાદો સાથે પૂરાં થયાં જીવનનાં ૧૨ વર્ષ.

કિશોર વયે ડાંગરવાથી કડી, બોર્ડીંગ-આશ્રમ સાથેની હાઈસ્કુલ ,સર્વ વિદ્યાલયમાંમાંથી એસ.એસ.સી થયા .૩૫૦ છાત્રો વચ્ચે રહી આશ્રમમાં અને સ્કુલમાં ગુરુઓ દ્વારા જીવનનો ખરો પાયો નંખાયો,

અમદાવાદમાં કોમર્સ કોલેજ,બી.કોમ,એમ.કોમ.એલ.એલ.બી.,

આમ અભ્યાસમાં પાણીની જેમ વહી ગયાં ૨૬ વર્ષ, ઘણી યાદો મુકીને.

હવે શરુ થયું,ઓછી મજા ,વધુ જવાબદારી, ગંભીરતા સાથેનું  પૈસા રળવા માટેનું સંઘર્ષમય અને પરિશ્રમી જીવન .

જોતરાયા જીવન ઘાણીના બળદની જેમ નોકરીમાં .

લગ્ન થયાં , ઘર સંસાર અને સામાજિક જીવન શરુ થયું .ઘર સંસારના શરૂના વરસોમાં જ પ્રથમ જન્મેલ પુત્ર નૈમેષને એની દસ મહિનાની કુમળી વયે ગુમાવ્યાનો આઘાત સહન કરવો પડ્યો.

બાળકો, એમનું શિક્ષણ, સંસારની તડકી-છાંયડીના અનુભવો મળ્યા .

કસોટીનો કાળ વીત્યા પછી ,ભાડાના મકાનમાંથી સગવડ વાળા સોસાયટીના પોતાના બંગલામાં માતા-પિતા , સપત્ની ,બાળકો સાથે ૨૨ વર્ષની સુખી સહ જીવન ની જિંદગી એ મારા જીવનનું મોટું સંભારણું છે.

કઠવાડા-અમદાવાદ એક જ ગ્રુપ કંપનીમાં ૩૫ વર્ષની સળંગ જોબમાં દામ સાથે નામ કમાયો ,ટોપ મેનેજમેન્ટ સાથેના કૌટુંબિક સંબંધો બંધાયા વિગેરે અનેક યાદો મગજમાં અકબંધ પડી છે.

દરમ્યાન ,ત્રણ ભાઈઓ , બે પુત્ર ,પુત્રીનું  અમેરિકા ગમન શક્ય બન્યું.

૧૯૯૨ એપ્રિલમાં  ૩૦ વર્ષના સુખી દામ્પત્ય બાદ ધર્મ પત્ની કુસુમની એમની ૫૨ વર્ષની ઉંમરે ચીર વિદાય પછી એકાકી જીવનની શરૂઆત .

૧૯૯૫માં મારાં પુ.માતુશ્રી અને ૨૦૦૭ માં પુ. પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયાં છે.કુસુમ અને માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી મારી સાથે રહ્યાં અને મને ખુબ મોરલ સપોર્ટ  આપ્યો હતો.મારા હૃદયની ખુબ નજીકની આ  ત્રણ વ્યક્તિઓની ખોટ વર્તાય છે.

૧૯૯૪ માં જોબમાંથી નિવૃત્તિ લઇ લીધા બાદ ગ્રીન કાર્ડ લઇ અમેરિકા ,કેલીફોર્નીયામાં થયેલ આગમન .

આ રીતે પૂરાં થયાં જીવનનાં કભી ખુશી -કભી ગમ અને પડકારો સાથેનાં જિંદગીનાં ૫૮ વર્ષ.

નવી જ રીતભાત વાળા નવા દેશ અમેરિકામાં, સારી રીતે  સેટ થયેલ સંતાનો ,પરિવારજનો સાથે શરુ થયો નિવૃત્તિ કાળ.

નિવૃતીકાળમાં વાચન,લેખન,ભ્રમણ,ગુજરાતી બ્લોગ પ્રવૃત્તિ દ્વારા શક્ય સાહિત્ય સેવા ,ચિંતન,મનન,લેખન,મિત્ર પરિચયો,મિત્ર સંપર્ક વિગેરેમાં નીજાનંદ…..વિનોદ વિહાર ….

વતન અમદાવાદની વિદાય બાદ અમેરિકામાં આવ્યાને આજ કાલ કરતાં ૨૦ વર્ષ પૂરાં થઇ ગયાં એની ખબર પણ ના પડી !

આમ પૂરાં થઇ ગયાં આજે જીવનનાં ૭૮ વર્ષ !

૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન ,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી  ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી,  અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૭૮ વરસે અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુ કૃપા માનું છું.

આમ અનેક મેઘ ધનુષી રંગો નિહાળ્યા છે જિંદગીના,

૭૮ વર્ષના પડકાર ભર્યા,ધબકતા વર્ષોમાં.

કોને ખબર છે,શું પડ્યું છે ભાવિના ભંડારમાં ,

પ્રભુ ભરોસે જીવન નૌકા સ્થિર ગતિએ ચાલી રહી છે હાલમાં .

જીવન સંધ્યાનો આ સોનેરી સમય ચિંતન,મનન,આંતર યાત્રા , અને આત્મ ખોજનો સમય છે .નિવૃતિનો આ સોનેરી સમય આનંદથી જીવવા મનગમતી પ્રવૃતિમાં મન પરોવવાથી અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.

મારી જીવન યાત્રા દરમ્યાન મેં જે મેળવ્યું છે અને મેળવી રહ્યો છું એ બીજાઓને વિનોદ વિહારના માધ્યમથી વહેંચવા  માટેનો મારાથી શક્ય એટલો પ્રયત્ન હું કરી રહ્યો છું.

મારા આ બ્લોગ વિનોદ વિહાર ના મારા પરિચયના પેજ પર મુકેલ મારા કાવ્ય” મને શું શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ :

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી

વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,

જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

નીવૃતીકાળની નવરાશની પળોની આ રહી બીજી કેટલીક

ચિંતન પ્રસાદી ….

મન, માનવ અને મનન

પ્રભુને મન થયું એટલે એક દિન ,

એણે બનાવ્યો માનવ મનવાળો.

પડ્યો માનવ, મનના ચકરાવામાં,

ભૂલ્યો પછી એ, મનન, પ્રભુ નામનું .

જીવન અને  સંઘર્ષ

જિંદગી જીવવી કદી સહેલી નથી હોતી,

જીવન સંઘર્ષ વિના આગળ વધાતું નથી,

હથોડાના પ્રહારો એ ખમે નહી ત્યાં સુધી,

પથ્થર પણ ભગવાન બની પૂજાતો નથી.

મારે મન -જિંદગી શું છે ?

રેત યંત્રની રેતીની જેમ જિંદગી,સતત સરતી રહે,

હરેક પળે આ જિંદગી એના રંગો બદલતી જ રહે,

સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,

ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.

 

મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,

પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજામાણીએ.

દરેક પળને મન ભરીને જીવી લેવાનું ભૂલવું નહી,

કેમ કે જીવનમાં આ જીવન એક જ વાર મળે છે.

 

જીવન રાહમાં મુશ્કેલીઓ પાર વગરની ભલે હોય,

સદા હસતા રહેવાનો મિજાજ એક ઔષધી રૂપ છે.

રોદડાં રડવામાં સમય ગુમાવવા જિંદગી ટૂંકી છે.

માટે જેવી પણ હોય જિંદગી, ચિંતાઓ છોડી દઈ,

સદા હસતા રહેવું, હસાવતા રહેવું એ જ એક ધર્મ.

 

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ  સહેલો નથી,

જવાબ ટૂંકમાં સમજાવું ? આ જિંદગી શું નથી  !

 

જીવનની સફળતા શેમાં ?

જીવનમાં મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખો,

કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.

 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,

જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,

લોકો યાદ કરે ,જનાર એક સજ્જન માણસ હતો .

વિનોદ પટેલ

પ્રભુનો પાડ …..

Thank you God

જીવન-માર્ગ  મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો,

માર્ગના દરેક પગલે, કર ગ્રહી, પ્રભુ મારો ચાલી રહ્યો,

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

સુણી સાદ મારો,માર્ગદર્શક બની, એ સદા દોરી રહ્યો.

 

થોડું લઇ લીધું છે તો ઘણું બધું પ્રભુ તેં આપ્યું પણ છે,

ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સદભાગ્ય શું ઓછું છે!

પ્રભુ પાડ માનું તારો પડકારો ઝીલવાની શક્તિ માટે,

ભાંગી પડી મનથી, ભાગી ના જાઉં ,એવી હિમત માટે.

દિવસે દિવસે સ્વની સાથે રહેવાનો,વાતો કરવાનો ,મહાવરો વધતો ચાલ્યો છે.પ્રભુએ ભલે શારીરિક દ્રષ્ટીએ થોડું લઇ લીધું હોય તો સામે કેટલું બધું આપ્યું છે એ માટે એનો પાડ માનવાનું કેમ ભૂલું .

કવિ ઉમાશંકર જોશી કહે છે એમ –

“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ

 બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “

અમેરિકામાં ત્રણ સંતાનોનો સુખી અને પ્રેમાળ પરિવાર-જોઇને મન હરખાય એવાં ૬ પૌત્રો-પૌત્રીઓની અનેરી ભેટ. આમ ૭૯ વરસે ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું સુખ છે !

VRP-WITH 6 G.K.-REVISED

મારાં ૬ પૌત્ર -પૌત્રીઓ સાથેની એક તસ્વીર -ક્રિસમસ ૨૦૧૪ 

સંતાનો, કુટુંબી જનો , સ્નેહી જનો, મિત્રો-બ્લોગર મિત્રો- અને વિશાળ ભાવક અને વાચક વર્ગ સહિત, સૌનો નિસ્વાર્થ પ્રેમ એ કેટલી બધી અમુલ્ય મૂડી છે !

કુદરતની કરામતો ન્યારી છે, ક્યારે ? કેમ? શું શું ? ક્યાંથી ? તમારી સામે ધરી દેતી હોય છે ! આનંદ આનંદ।…  પરમાનંદ ની અનુભૂતિ …

યાદ આવે ,ગની દહીંવાલાની આ પંક્તિઓ …

આજ ભલેને તારી હોડી

 મજલ કાપતી થોડી થોડી,

યત્ન હશે તો વહેલી મોડી,

એ જ ઊતારશે પાર,

ખલાસી! માર હલેસાં માર.

મારી શ્રધ્ધા

જીવનમાં એવું કોઈ કામ કે એવો,

કોઈ પણ પ્રશ્ન એવો કઠિન નથી,

જેને હું અને મારો ભગવાન એમ ,

બે ભેગા મળી, ઉકેલી ના શકીએ .

અંતે ,એક અજ્ઞાત કવિની આ રચના રજુ કરી વિરમું છું.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

મારી આજ સુધીની જીવન યાત્રાને સહ્ય અને સરળ બનાવવા તથા  નિવૃતિના આ સોનેરી કાળમાં ને સ-રસ  અને આનંદનો અનુભવ કરાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.

તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૫ ,

૭૯મો જન્મ દિવસ ….                     વિનોદ પટેલ, સાન ડિયેગો.

 

આજના મારા ૭૯મા જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી નીચેના વિડીયોમાં માણો. 

જીવન અંજલિ થાજો મારૂ,

જીવન અંજલિ થાજો….

ભૂખ્યા કાજે ભોજન બનજો,

તરસ્યાનું જળ થાજો….

દીન દુઃખીયાના આંસુ લુછતાં

અંતર કદી ન ધરાજો….

સત્યની કાંટાળી કેડી પર,

પુષ્પ બની પથરાજો….

ઝેર જગતના ઝિરવી ઝિરવી,

અમૃત ઉરના પાજો….

વણથાક્યા ચરણો મારા નીત,

તારી સમીપે ધાજો….

હૈયાના પ્રત્યેક સ્પંદને,

તારૂં નામ રટાજો….

વમળોની વચ્ચે નૈયા મુજ,

હાલક ડોલક થાજો….

શ્રધ્ધા કેરો દીપક મારો

નવ કદી ઓલવાજો….

જીવન અંજલિ થાજો મારૂ, જીવન અંજલિ થાજો…. 

 

( 588 ) હસવા માટે સમય કાઢો,કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.

 Father of the Nation laughing with a laughing child

Father of the Nation laughing with a laughing child

If a busy man like Gandhiji can laugh heartily and share lighter moments, why not we ? Take Time to Laugh.

Take time to laugh –હસવા માટે સમય કાઢો.

નેટ ચર્યા કરતાં(વિક્રમ રાજા નગર ચર્યા કરતા એમ જ સ્તો !)એક પ્રેરક અંગ્રેજી કાવ્ય રચના વાંચવામાં આવી .એ ગમી જતાં એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે .તમોને પણ ગમે એવી છે.

કેટલાક લોકો કહેતા હોય છે કે હું બહુ કામમાં છું, મને બિલકુલ સમય મળતો નથી વિગેરે .આવી ફરિયાદો છતાં એવી કેટલીક બાબતો છે જે માટે કોઇપણ રીતે સમય કાઢીને નીચેના અંગ્રેજી કાવ્યમાં કહ્યું છે એટલી બાબતો માટે જો સમય ફાળવશો તો એ તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવશે.

અંગ્રેજી ના જાણતા વાચકો માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને અંગ્રેજી કાવ્ય નીચે મુક્યો છે.

 Take time to laugh 

Take time to laugh;it is the music of the soul.

Take time to think;it is the source of power. 

Take time to read;it is the foundation of wisdom. 

Take time to play;it is the secret of staying young. 

Take time to be quiet;it is the opportunity to seek God. 

Take time to be aware;it is the opportunity to help others. 

Take time to love and be loved;it is God’s greatest gift. 

Take time to be friendly;it is the road to happiness. 

Take time to dream;it is what the future is made of. 

Take time to pray;it is the greatest power on earth.”

(Source– Mother Teresa Prayer CardClick this link to read)

 અનુવાદ ……. 

હસવા માટે સમય કાઢો,

કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે. 

વિચારવા માટે સમય કાઢો,

કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.

 

વાંચવા માટે સમય કાઢો,

કેમ કે વાચન એ વિદ્વતાનો પાયો છે.

 

રમવા માટે માટે સમય કાઢો,

કેમ કે રમત ગમત એ યુવાન રહેવાની ચાવી છે.

 

મૌન પાળવા માટે સમય કાઢો,

કેમ કે મૌન એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.

 

સમજણ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..

 

લોકોને પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,

કેમકે પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.

 

મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.

 

સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,

કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે. 

 

અને છેલ્લે,

પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,

કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.

વિનોદ પટેલ