વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: જીવન ચરિત્ર

1300 .. એકતા અને અખંડિતતાના હિમાયતી:ભારત રત્ન ડો બી.આર આંબેડકર

ભારત રતન ડો.બી.આર.આંબેડકરના જન્મ દિવસે સ્મરણાંજલિ

(૧૪ એપ્રિલ ૧૮૯૧ ૬ ડિસેમ્બર ૧૯૫૬)

એકતા અને અખંડિતતાના હિમાયતી:ડો બી.આર આંબેડકર

14મી એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર. આબેડકરની જન્મ જયંતી છે.

ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂલ્ય સંદેશ હોય છે. આવા મહાન પુરૂષોમાંના એક ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

અસ્પૃશ્ય ગણાતી એવી મહાન જાતિમાં એમનો જન્મ થયો હતો. એ કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી. એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો. વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી. જાતિભેદના કડવા અનુભવ થયા પછી તેઓ પ્રતિજ્ઞા કરી કે જે સમાજમાં હુ જન્મયો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.

ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી. એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો. જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે. પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ મનુસ્મૃતિની જાહેરમાં હોળી કરી અને મૂક નાયકમરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

નાસિક પાસે એક નાના ગામમાં મહારાષ્ટ્રના અંત્યજોને હિન્દુ મંદિરમાં પ્રવેશ મેળવવાના એમના અધિકાર માટે તેમણે પાંચ વર્ષ સત્યાગ્રહ કર્યો. એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી કે હુ જન્મ્યો છુ હિન્દુ, પણ હિન્દુ તરીકે મરીશ નહી‘.

ડો. બાબાસાહેબ માનતા હતા કે અંગ્રેજો જ્યા સુધી દેશ નહી છોડે ત્યાં સુધી પોતાના અધિકાર સલામત નથી. જો અંગ્રેજો જતા રહેશે તો બહુજન સમાજનુ ભવિષ્ય યુરોપના શોષિતો કરતા પણ વધુ ભયાનક બની જશે. સ્વરાજ માંગનારની ઝાટકણી કાઢતા લખ્યુ કે પોતાના ઘરની ગંદકી કાઢવા હજુ જે લોકો તૈયાર નથી તેમને સ્વરાજ માંગવાનો નૈતિક અધિકાર નથી. તેઓ એવુ પણ માનતા હતા કે આઝાદી થોડી મોડી મળશે તો ચાલશે પણ અસ્પૃશ્યોના મહાકાય પ્રશ્નો પહેલા ઉકેલવા જોઈએ. સામાજિક, આર્થિક સ્વતંત્રતા વગરની રાજકીય સ્વતંત્રતાનુ કોઈ મૂલ્ય નથી. જે બાબતે ગાંઘીજી સાથે પણ વૈચારિક સંઘર્ષ થયો હતો જેનુ પરિણામ પૂનાનો ઐતિહાસિક કરાર હતો.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી. એમના શબ્દો આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલાજ પ્રસ્તુત લાગે છે.

જો આપણે લોકોની લોકો માટેની અને લોકો વડેની સરકારના સિધ્ધાંતોને વરેલુ બંધારણ સાચવી રાખવુ હોય તો આપણા પથમાં વેરાયેલા અનિષ્ટોને ઓળખવામાં ઢીલ ન દાખવીએ

એમણે એક ચેતવણી એ પણ આપી હતી કે જો આપણે બે બાબતો તરફ વિશેષ ધ્યાન નહી આપીએ તો આ લોકશાહી પરંપરા તૂટી જશે. એક તો એ કે સમાનતા સામાજિક સ્તરે થવી જોઈએ અને બીજુ એ કે આર્થિક અસમાનતા દૂર કરવી જોઈએ. આપણો સમાજ સ્તરીય, અસમાનતા ઉપર આધારિત છે. એટલેકે એકને ઉપર ને ઉપર લઈ જવા અને બીજા સ્તરને નીચેની નીચે તરફ લઈ જવા.

ડો. આંબેડકરની આ ચેતવણી આજે પણ સાચી પડી છે. આઝાદી પછીના પાંચ દાયકાનો વિકાસ સાવ ઉલટી દિશામાં થયો છે.અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થઈ ગઈ છે, થતી જાય છે.

સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા. ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

આજે આપણે ડો. આંબેડકરના આદર્શ જીવનમંત્રને આત્મસાત કરીએ એજ એમને આપેલી આપણી સાચી અંજલી હશે.

 -ડો. રાજે શ મકવાણા

સૌજન્ય —

http://gujarati.webdunia.com/article/gujarati-stories/dr-b-r-ambedkar-109041400037_1.html

 

 

‘ભારતીય બંધારણના ઘડવૈયા’ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે વધુ માહિતી આ લીંક પર…

ડો.બાબા સાહેબ  આંબેડકર …વિકિપીડિયા

1265 અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ  ..લેખક ઘનશ્યામદાસ બિરલા

અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ 

લેખક ..ઘનશ્યામદાસ બિરલા

મહાદેવભાઈ સાથે પહેલો પરિચય ક્યારે થયો તે તો આજે મને યાદ નથી. લાંબા વખતની ગાઢ મૈત્રીના થરની નીચે એ તિથિ એ ભૂલાઈ ગઈ છે, પણ જ્યારે હું તેમનાં મધુર સંસ્મરણો ઉપર દૃષ્ટિપાત કરું છું, ત્યારે મને એમ લાગતું જ નથી કે તેઓ મૃત્યુ પામ્યા છે. છતાં જ્યારે વિચારું છું કે તેઓ આપણા સારું સદાયને માટે અપ્રાપ્ય બની ગયા છે, ત્યારે એક ઊંડો નિશ્વાસ નીકળી જાય છે. મૃત્યુ આ જીવનનો નૈસર્ગિક અંત છે, અને મૃત્યુને અંતે જીવન જ હશે એમ સમજવું જોઈએ. તો પણ સ્વજનનું મૃત્યુ – અને તે પણ સુજનનું મૃત્યુ – ઊછળતા હૃદયને મૂર્ચ્છિત બનાવી દે છે, તેથી જ તો ભર્તુહરિએ કહ્યું છે કે,

‘સમજાતું નથી કે આ જગત વિષ છે કે અમૃત!’

મહાદેવભાઈનાં સંસ્મરણો લખવાનું મારે માટે સહેલું છે તેટલું જ મુશ્કેલ પણ છે. એટલાં અસંખ્ય સંસ્મરણો છે કે ક્યાંથી આરંભ કરું અને ક્યાં તેનો અંત લાવું? બધાં જ સંસ્મરણો અત્યંત સુખદાયી છે. મહાદેવભાઈ ચિડાયા હોય કે ક્રોધમાં હોય એવું જોયાનું મને યાદ નથી. હાસ્ય તો તેના ચહેરા ઉપર આઠે પ્રહર રમ્યા કરતું. મહાદેવભાઈ ભાવુક શ્રદ્ધાળુ હોવાં છતાં પણ વ્યવહારિક હતા. તેઓ દરેક ક્ષણ કામમાં મગ્ન રહેતા હતા. આળસનું તો તેમનામાં નામ પણ ન હતું. જ્ઞાનના તેઓ ભંડારરૂપ હતા. ગંભીર હોવા છતાં પણ વિનોદવૃત્તિ ઓછી ન હતી. બાપુના મંત્રીપદને તેઓએ ગૌરવપૂર્વક શોભાવ્યું. અને અંતે બાપુની સેવા કરતા મૃત્યુ પામ્યા. રાજાજીએ સાચું જ કહ્યું છે કે, ‘મહાદેવભાઈના મૃત્યુથી બાપુ અનાથ બની ગયા છે.’

કોઈ એક માનનીય વ્યક્તિને પત્ર લખતાં મહાદેવભાઈએ લખ્યું હતું કે, ‘હું બાપુના મંત્રી, સેવક અને પુત્રસમુચ્યયરૂપ છું.’ મેં મહાદેવભાઈને ત્રણે સ્વરૂપમાં જોયા છે. મારે તો મહાદેવભાઈ સાથે ગાઢ મૈત્રી હતી, તેથી એમના મંત્રીપદનો મારે માટે કશો વિશેષ અર્થ ન હતો, છતાં તેઓ મારી પાસે બાપુના મંત્રી બની આવી શકે તેવો એકવાર આકર્ષક અનુભવ થયો છે, ત્યારથી તેમના ગુણોનો હું વધુ પ્રશંસક બન્યો.

ઘણાં વર્ષો પૂર્વેની વાત છે. ગાંધીજી દિલ્હી આવ્યા હતા અને હરિજનનિવાસમાં ઊતર્યા હતા. આ જ સમયમાં કવિ સમ્રાટ ટાગોર પણ ‘વિશ્વભારતી’ માટે ફંડ કરવા નીકળ્યા હતા. તેઓ પણ દિલ્હી આવી પહોંચ્યા. કવિ સમ્રાટનો કાર્યક્રમ એ હતો કે સ્થળે સ્થળે પોતાની નાટ્યકળા લોકોને બતાવે અને પછી લોકો પાસે પૈસાની માગણી કરે. આ વસ્તુએ ગાંધીજીનું હૃદય વીંધી નાખ્યું. ગુરુદેવ જેવી મહાન વિભૂતિ વૃદ્ધાવસ્થામાં પૈસા એકઠા કરવા ફરે, અને તે પણ કેવળ સાઠ હજાર રૂપિયા માટે, અને પોતાની નાટ્યકલા અને નૃત્યનું પ્રદશન કરે, એ વાત ગાંધીજીને અસહ્ય લાગી. હું તો ગાંધીજીને હંમેશાં મળતો હતો, પણ તેઓએ મને આ સંબંધી કશું કીધેલું નહિ, તેમની વેદના વધતી જતી હતી. જ્યારે તેમને આ વેદના અસહ્ય થઈ ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાનું બધું દર્દ કહી સંભળાવ્યું.

રાતનો એક પહોર વીત્યો હશે. હું હજી નિદ્રાવશ થયો ન હતો. નિદ્રાની રાહ જોતો પથારીમાં સૂતો પડ્યો હતો. બત્તી બુઝાવી દીધી હતી. અચાનક કોઈના પગરવથી હું જાગી ઊઠ્યો : ‘કોણ છે?’ મેં પૂછ્યું તો મહાદેવભાઈ ઓરડામાં આવીને પલંગ પાસે બેઠા. ‘મહાદેવભાઈ, તમે! રાત્રે કેમ? છે તો બધું કુશળ ને?’ ‘હા, બધું કુશળ મંગળ છે. થોડી વાતચીત કરવી છે.’ હું પલંગમાંથી ઊઠવા જતો હતો ત્યાં તો મહાદેવભાઈએ કહ્યું, ‘સૂઇ રહો. સૂતાં સૂતાં જ વાત કરી લઈએ, ઊઠવાની કંઈ જરૂર નથી.’ વળી, હું ઊઠવા ગયો, પણ અંતે મહાદેવભાઈના આગ્રહથી સૂઈ રહ્યો. ‘કહો, શું વાત છે?’ મેં કહ્યું.

બસ, પછી તો મહાદેવભાઈની વાગ્ધારા ચાલી. એને શબ્દબદ્ધ કરવાની મારી શક્તિ નથી. જે ઓજ અને કળાથી તેમણે ગાંધીજીની મર્મવેદનાનું ચિત્ર દોર્યુ હતું, તે ખરેખર જોવા લાયક હતું. આખુંયે દૃશ્ય મારી આંખ સામે રમી રહ્યું. મહાદેવભાઈની વાણીમાં ભાવુકતા હતી, મૃદુતા હતી અને તેજસ્વિતા હતી. ગુરુદેવનાં ગુણગાન, ગુરુદેવને આ વૃદ્ધાવસ્થામાં થોડા એવા પૈસા માટે નાચવું પડે એ આપણું દુર્ભાગ્ય અને બાપુની અંતરવેદના – આ બધી વસ્તુઓનું મર્મસ્પર્શી ચિત્ર મારા હૃદય ઉપર અંકિત થતાં મને રડવું આવી ગયું. ‘બાપુએ કહ્યું કે, ઘનશ્યામદાસને કહો કે તેઓ પોતાના શ્રીમંત મિત્રોને લખે અને છ જણ મળીને દશ દશ હજારની રકમ ગુરૂદેવને આપી હિન્દુસ્તાનને આ શરમમાંથી બચાવી લે. અને ગુરુદેવને નિશ્ચિંત કરીને શાંતિનિકેતન પાછા મોકલી આપે.’ મહાદેવભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કરતાં આ શબ્દો કહ્યા.

‘મહાદેવભાઈ, બાપુની વ્યથા હું બરાબર સમજી શકું છું; પણ તમે આટલી મોડી રાતે આવી કડકડતી ઠંડીમાં શું કામ આવ્યા? બાપુ પોતે જ નિર્ણય કરી શકતા હતા. હું કોની પાસે ભિક્ષા માગવા જાઉં? બાપુને કહો કે જે કાંઈ આપવાનું હોય તે મારી પાસેથી માગી લે અને ગુરુદેવને આપી દે.’ મેં એમ કહ્યું તો ખરું, પણ એનું શ્રેય તો મહાદેવભાઈને હતું, કેમ કે એમના શાંત પરંતુ માર્મિક વ્યક્તવ્યે મારા માટે બીજો કોઈ નિર્ણય જ રહેવા દીધો ન હતો.

એક ચતુર કલાકારના માટીના પિંડાને પોતાની આંગળીઓની કરામતથી જે રીતે મનમાન્યું રૂપ આપે છે તે રીતે મહાદેવભાઈએ લોકોના મન ઉપર મનમાની અસર ઉપજાવીને પોતાને અનુકૂળ બનાવી લેવાની શક્તિ હસ્તગત કરી હતી, અને તે શક્તિ અદ્ભુત હતી. તેની કલમમાં પણ એવું જ ઓજ હતું અને વાણીમાં પણ કાંઈ ઓછી કળા નહોતી. પારંગત મંત્રીને કોઈ વાર વિનમ્ર, કોઈ વાર ઉદાસીન, કોઈ વાર સહનશીલ, કોઈ વાર અસહિષ્ણુ, કોઈ વાર ભાવુક તો કોઈ વાર વ્યવહારિક બનવાની જરૂર પડે છે. મહાદેવભાઈ જરૂરિયાત અનુસાર આ ભાવોને પ્રદર્શિત કરી શકતા હતા.

ઠક્કરબાપાએ સિત્તરમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેના કેટલાક મિત્રોએ તેમની સિત્તેરમી જયંતી ઊજવવાનો નિર્ણય કર્યો. તે નિર્ણય તો સાવ દમ વિનાનો હતો. સિત્તેરમી વર્ષગાંઠને લક્ષ્યમાં રાખીને સિત્તેરસો એટલે સાત હજાર રૂપિયા એકઠા કરવા એટલો જ એ નિર્ણય હતો. ગાંધીજીએ આ વાત સાંભળી ત્યારે કહ્યું કે, ‘ઠક્કરબાપાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે માત્ર સિત્તેરસો! સિત્તેર હજાર કે સિત્તેર લાખ નહિ? ઓછામાં ઓછા સિત્તેર હજાર તો એકઠા કરવાના જ.’  પણ આ સિત્તેર હજારની રકમ પણ યોજકોને પહાડ જેવી લાગી. જયંતીના દિવસો નજીક આવવા લાગ્યા પણ ધારેલી રકમ એકઠી થઈ શકી નહિ. છેવટે ગાંધીજીએ મહાદેવભાઈને મુંબઈ મોકલ્યા. ત્યાં તો પૈસાનો વરસાદ વરસવા લાગ્યો અને બે દિવસમાં એક લાખ વીસ હજાર એકઠા થઈ ગયા. થોડા વર્ષ બાદ ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે ફરી ગાંધીજીએ મહાદેવભાઈને પૈસા લેવા માટે મુંબઈ મોકલ્યા. નિર્ણય એવો હતો કે ત્રણેક લાખ એકઠા કરવા, પણ સાત-આઠ લાખ એકઠા થઈ ગયા. સૌથી વિશેષ આશ્ચર્યની વાત તો એ હતી કે ‘ચમડી તૂટે, પણ દમડી ન છૂટે’ એવા કેટલાક લોકો પાસેથી પણ મહાદેવભાઈને સારી એવી રકમ મળી હતી.

સાચોસાચ મહાદેવભાઈ ગાંધીજીના માત્ર મંત્રી જ નહિ પણ તેમની બીજી કાયા બની ગયા હતા, ગાંધીજીના વિચારો તેઓ એટલે સુધી પીને પચાવી ગયા હતા કે તેઓ માત્ર ગાંધીજીના મંત્રી જ નહિ પણ સમય આવ્યે ગાંધીજીના સલાહકાર અને સંચાલક સુદ્ધાં બની બેસતા.

થોડા સમય પહેલાં એક અંગ્રેજી વર્તમાનપત્રનો પ્રતિનિધિ ચાલુ પરિસ્થિતિ ઉપર ગાંધીજીનું નિવેદન લેવા આવ્યો. ગાંધીજીએ જમતાં જમતાં નિવેદન લખાવવા માંડ્યું. હું જોતો હતો કે મહાદેવભાઈની કલમ એવી સફાઈથી ચાલતી હતી કે જાણે તેમના વિચારોને રોમેરોમમાં ઉતારી તેઓ બાપુથી અભિન્ન થઈ ગયા હતા.

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કેટલીયે વાર મહાદેવભાઈએ ગાંધીજી સાથે ચર્ચા કરીને તેમના ઉપવાસ સંબંધી વિચારો ઉપર પ્રહાર કર્યા હતા – કેટલીયે વાર ઉપવાસ સંબંધી નિર્ણયોને ફેરવ્યા હતા. આજે એવું કોણ છે કે જે ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરે? એવા મંત્રી ક્યાં હોય છે કે જે મંત્રી પણ હોય અને સલાહકાર પણ હોય, જે સેવક પણ હોય અને પુત્ર પણ હોય?

કદાચ બધાને ખબર પણ નહિ હોય કે મહાદેવભાઈએ કેટલાંક વર્ષ પહેલાં ‘ગીતા’નો અંગ્રેજીમાં ટીકા સાથે પ્રમાણિત અનુવાદ કર્યો હતો. મહાદેવભાઈનો જ્ઞાનનો ભંડાર અનુપમ હતો. પાશ્ચાત્ય તત્વજ્ઞાન વિશે તેમને જેવું જ્ઞાન હતું તેટલું જ તેમને આપણાં શાસ્ત્રોનું જ્ઞાન હતું, અને તેથી જ તેઓ ‘ગીતા’નો અનુવાદ કરવાના શાસ્ત્રીય અધિકારી બન્યા હતા. પોતે કરેલ અનુવાદમાંથી કેટલાક ભાગ કોઈ કોઈ વાર મને તેઓ સંભળાવતા હતા, અને તે મને અત્યંત આકર્ષક લાગ્યા હતા. એ અનુવાદ આજ સુધી પ્રગટ થયો નથી. કેટલીયે વાર છપાવવા માટે મેં તેમને આગ્રહ કર્યો, પણ મૂળ વાત એ હતી કે ગાંધીજીની સેવા-ચાકરીમાંથી અનુવાદ છપાવવાની ફુરસદ ન મળી. ગાંધીજીના સંબંધમાં જુદે જુદે સમયે લખેલી એટલી બધી નોંધો તેમની પાસે હતી કે ગાંધીજીની વિસ્તૃત જીવનકથા માટે એ એક અત્યંત ઉપયોગી સામગ્રી બને. હું તેમને કહ્યા કરતો હતો કે, ‘મહાદેવભાઈ, ગાંધીજીની વિસ્તૃત જીવનકથા ક્યારેક પણ તમારે જ લખવાની છે.’ અને તેઓ ઉલ્લાસથી હામ પણ ભીડતા. પણ એ દિવસ આવ્યો નહિ. ‘મન કી મન હી માંહી રહી.’

(તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાદેવભાઈ દેસાઈના થયેલા નિધન પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ આપવા લખાયેલો લેખ)

સ્વ. મહાદેવભાઈ દેસાઈ વિષે વિશેષ માહિતી સ્ત્રોત ..

૧. મહાદેવભાઈ દેસાઈ

 

 

 

 

 

સૌજન્ય .. ગુજરાતી પ્રતિભા પરિચય

 

૨. Mahadev Desai

https://www.mkgandhi.org/associates/Mahadev.htm

 

3.મહાદેવભાઈ દેસાઈ .. વિકિપીડિયા 

1212 – દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા……વિનોદ પટેલ

દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા

 “What counts in life is not
the mere fact 
that we have lived. 
It is what difference 
we have made
to the lives of others
 that will determine
the significance 
of the life we lead.”

– Nelson Mandela

   ૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાની ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં જ ગાંધીજીના પગલે ચાલીને નેલ્સન મંડેલાએ પણ ગોરી હકુમત સામે અહિંસક લડત ચલાવી હતી અને ૨૭ વર્ષનો લાંબો કારમો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ગોરી હકુમતની રંગભેદની નીતિ અને અન્યાય સામે સંઘર્ષની આગેવાની લઈને છેવટે દક્ષિણ અફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવવામાં તેઓ સફળ રહ્યા હતા.નેલ્સન મંડેલાને એટલે જ ‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી ‘તરીકે પણ સંબોધવામાં આવે છે. 

   એમનું પુરૂ નામ નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) છે.નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા . 

   મંડેલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાં રહીને પાસ કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. નેલ્સન મંડેલાએ ત્યાં ફોર્ટ હેર વિશ્વ વિદ્યાલય અને વિટવોટર સ્ટ્રાન્ડ વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.

    કોલેજ જીવનના દિવસોથી તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતા. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એ.એન.સી.)ના સદસ્ય બન્યા.તેઓ આ દળની યુવા પાંખના  સ્થાપક સભ્ય હતા .

   નેલ્સન મંડેલાએ એ.એન.સી .પક્ષના યુવા પાંખના વડા તરીકે શરૂઆતમાં ત્યાંની લઘુમતી ગોરી હકુમતના બહુમતી અશ્વેત પ્રજા માટેના અન્યાયી કાયદાઓ સામેની લડત મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને અહિંસક ચળવળથી શરૂઆત કરી હતી.પરંતુ જ્યારે આને નબળાઈ માનીને ગોરી હકુમતે અશ્વેત  અહિંસક સરઘસો ઉપર ગોળીબાર કરીને સો ઉપરાંત માણસોને મોતને શરણ કર્યા ત્યારે અંગ્રેજોની આંખ ઉઘાડવા માટે અંગ્રેજ સરકારના હિતોની જગાઓ ઉપર બોમ્બ નાખેલા ભૂગર્ભમાં રહીને નેલ્સન મંડેલા અને એમના સાથીઓએ કામચલાઉ સમય માટે હિંસાનો રસ્તો અપનાવેલો.

   ૧૯૬૦માં સરકાર સામેની હિસક લડત માટે મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા પણ અંતે પકડાયા.એમની સામે  દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એમના બચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલાએ કોર્ટમાં કહ્યું હતું કે  ‘’મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’’

    દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આવ્યું  હતું.

Nelson Mandela’s prison cell 
on Robben Island

    આ જેલમાં કેદીઓને આખો દિવસ તાપમાં પથ્થર તોડવાની મજુરી કરવી પડતી હતીઆ કારાવાસમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું. જેલમાં કેદીઓને દર છ મહિને ફક્ત એક જ પત્ર મળતો. મંડેલાએ ગોરી હકુમત તરફથી અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ જ તેઓ જીવતા હતા.

     મંડેલાએ એમની આત્મકથા ‘લૉન્ગ વૉક ટુ ફ્રીડમ’ માં એમના ૨૭ વર્ષના કારાવાસની આપવીતી વિષે સવિસ્તાર લખ્યું છે.આ આત્મકથામાં એક જગાએ એમણે લખ્યું છે કે ‘’ મારી દીકરી ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી એ પછી મેં એને જોઈ જ ન હતી.એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.(નેલ્સન મંડેલા : લૉન્ગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471)

    નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતનો અહેસાસ કરી  કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !

નેલ્સન મંડેલાને જે જેલમાં રાખવામાં હતા એ 

Victor Verster Prison, emmershoek સામે 

એમનું સ્ટેચ્યુ એમના પ્રમુખ બન્યા બાદ 

ઉભું કરવામાં આવ્યું હતું એની એક તસ્વીર.

    જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેઅમારી લડત ચાલુ રહેશે.’

   મંડેલાની ગેરહાજરીમાં એમનાં પત્ની વીની મંડેલાએ અહિંસક લડતની આગેવાની સંભાળી લીધી હતી . મંડેલા એક હિંસક ચળવળના નેતા તરીકે જેલમાં ગયેલા અને ૨૭ વર્ષ પછી જ્યારે બહાર આવ્યા ત્યારે આંતરિક મનોમંથનોએ એમને સમ્પૂર્ણ રીતે અહિંસામાં માનતા ગાંધીવાદી બનાવી દીધા હતા.સરકારે આપેલ અસહ્ય ત્રાસ માટે એમણે એને માફ કર્યા હતા.જેલ બહાર આવી ગોરી હકુમત સાથે વાતચીતનો દોર ચાલુ રાખી ગોરી સરકારનું હૃદય પરિવર્તન કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.

   1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી.

નેલ્સન મંડેલાના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .

મંડેલા ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .

સાઉથ આફ્રિકાના  પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને નેલ્સન મંડેલાએ જે પ્રથમ ઐતિહાસિક પ્રવચન કરેલું  એ નીચેના વિડીઓમાં સાંભળો .

 Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994

૧૯૯૪ થી ૧૯૯૯ સુધી દક્ષિણ આફ્રિકાના  પ્રમુખપદે રહીને આઝાદ બનેલા દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા હતા.નેલ્સન મંડેલા વધુ સમય માટે પ્રમુખ પદે રહી શક્યા હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને દેશને માટે આજીવન કામ કરતા રહ્યા હતા.

આવા દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા

નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા જ નહી પણ સમસ્ત વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.૧૦ ડિસેંબરે જોહનિસબર્ગ સ્ટેડિયમમાં મંડેલાની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી . આ સભામાં દુનીયાભરમાંથી લગભગ ૧૦૦ દેશોના સર્વોચ્ચ હોદ્દાધારીઓએ હાજરી આપી હતી .વરસતા વરસાદમાં લોકોની જંગી મદનીએ ગૌરવ પૂર્વક મંડેલાના જીવન અને કાર્યોને ભવ્ય અંજલિઓ આપી હતી.

દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી હતી.અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે યાદગાર શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

નેલ્સન મંડેલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતાં પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ ઉપરાંત ભારત તરફથી રાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’થી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.આ ઉપરાંત વિશ્વ ભરમાંથી મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયાં હતાં.

આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવનજીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ સ્વ. નેલ્સન મંડેલાને સાદર પ્રણામ અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .

     જીવનભર સંઘર્ષ કરી દક્ષિણ આફ્રિકાના એક  નાના ગામમાં ઘેટાં ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની ..

નેલ્સન મંડેલાની રંગ બેરંગી ભાતીગર જીવન યાત્રાની ઝલક નીચેના વિડીયોમાં નિહાળો.

Read more details on Nelson Mandela on following web sites –

વિકિપિડિયા પર

તેમના નામથી શરૂ થયેલી
માનવતાવાદી વેબ સાઈટ
પર જવા અહીં ક્લિક કરો

Nelson Mandela’s Inspiring Quotes

https://youtu.be/rYnptwetqIE

વિનોદ પટેલ,સાન ડીએગો,કેલીફોર્નીયા

ઈ-વિદ્યાલયમાં પ્રથમ વાર આ જ લેખ પોસ્ટ થયો છે એની લીંક.
https://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_765.html#more