૧૫ મી જુન ૨૦૧૪ ના દિવસે રવિવારે સંતાનો દ્વારા એમના પિતાને ખાસ યાદ કરી ફાધર્સ ડે ઉજવાયો .
આ પ્રસંગના માહોલમાં આજની પોસ્ટમાં મારા મિત્ર , “જીવન જીવીએ , સંવેદનોને સથવારે “ બ્લોગના સંપાદક ડો. જગદીશ જોશી લિખિત શ્રાવણી નામની એક વાર્તા એમના આભાર સાથે મૂકી છે એ વાંચવા જેવી છે .
આ વાર્તામાં પરદેશમાં અભ્યાસ કરતી દીકરી ૧૫ દિવસની ટૂંકી રજાઓમાં વતનમાં રહેતાં માં-બાપની સરપ્રાઈઝ વિઝીટે આવે છે .
એ વખતે પિતા માંદગીના બિછાને દુખી થતા જોતાં જ પિતાની સેવામાં પુત્ર સમોવડી બનીને લાગી જાય છે એનું સુંદર ચિત્રણ આ વાર્તામાં લેખકે કર્યું છે .
શ્રવણની જેમ આવતાં વેંત જ પપ્પાની સેવામાં લાગી ગયેલ દીકરીનું નામ મગરૂર મા-બાપે શ્રાવણી આપી દીધું .
આંધળા મા -બાપને કાવડમાં બેસાડી ચાર ધામની યાત્રા કરાવી એમની સેવા કરતા સત્ય યુગના શ્રવણની વાત જાણીતી છે .
અગાઉ વિનોદ વિહારની આ પોસ્ટ નંબર ૩૩૩ માં ૨૧મી સદીના શ્રવણ કૈલાશપુરી બ્રહ્મચારીની ની સત્ય ઘટના વિડીયો સાથે આલેખી છે .
ડો.જોશી લિખિત વાર્તા વાંચતા તમને લાગશે કે વાર્તાનું નામ “શ્રાવણી ” કેટલું ઉચિત છે .
વિનોદ પટેલ
===============================
શ્રાવણી ………( ટૂંકી વાર્તા )………..ડો.જગદીશ જોશી
‘કેમ ? આજે શ્રાવણી ન આવી ?’
ડોક્ટરની સામે દરદીના સ્ટુલ પર બેસુ તે પહેલાં ડોક્ટરનો સવાલ આવ્યો. મારા ચહેરા પર દોરાયેલું મોટું પ્રશ્નાર્થ જોઈ ડોક્ટરે ચોખવાટ કરી, ‘અરે તમારી દીકરી, રોજ તમને લઈને આવતી હતીને ?’
પરદેશ ભણતી દીકરી વેકેશન પડતા, ભણતરનો ભાર ઉતારવા મમ્મી-પપ્પાને મળવા ઇન્ડીયા સરપ્રાઈઝ વીઝીટમાં આવી. ડોરબેલ વગાડતા મમ્મીએ દરવાજો ખોલ્યો, આશ્ચર્ય ભાવ સાથે દીકરીને બથમાં તો લીધી, પણ મોઢા પર અંદર રહેલા દર્દે તરત ડોકીયું કર્યું. દીકરીને પણ આ ઝલક પકડાઈ ગઈ. ‘મમ્મી શું છે ? પપ્પા ક્યાં છે ?’
‘દીકરા, (રી) આજે બે દિવસથી તાવ ચડ્યો છે, ખબર નહીં, પણ ઉતરતો નથી, સુરેશભાઈ પણ બહારગામ છે.’
‘અરે ! એમાં એટલી ચિંતા શું કરે છે. હું આવી ગઈને !’
પપ્પાના હાલચાલ પુછ્યા, હિંમત બંધાવી, દીકરી થાક, જેટલેગ બધુ ભુલી જઈ કામે લાગી ગઈ. જુના મિત્રોને ફોન કરી એક્સપર્ટ ડોક્ટરનો નંબર મેળવ્યો અને એપોઈન્ટમેન્ટ લઈ લીધી. તાવમાં શક્તિ ગુમાવી બેઠેલા પપ્પાને ટેકો કરી ડોક્ટરને ત્યાં લઈ ગઈ, ત્યાંથી લેબોરેટરી, એક્સ રે અને આવી તો કેટલીયે કાર્યવાહીઓ ધડાધડ પુરી કરી દીધી. ત્રણ કલાક થઈ ગયા, હજી તો ઈન્ડીયાનું ફક્ત પાણી જ પીધું હતું, પણ પપ્પાના રોગનું નિદાન થઈ ગયું, દવાઓ આવી ગઈ, પહેલો ડોઝ પણ લેવાય ગયો. થાકોડામાં પપ્પાની આંખ લાગી ગઈ. મમ્મીને પણ હાશ થઈ અને દીકરી બોલી, ‘મમ્મી, હવે તારા હાથની ચા પીવી છે, મશીનની ચા પી પીને કંટાળી ગઈ છું. ચોવીસ કલાકથી જાગું છું’. બસ પછી તો મા-દીકરી, ચા અને વાતો, વર્તમાનનો લોપ થયો, ભુતકાળ જીવંત થયો.
બીજા દિવસે પપ્પા થોડા ઠીક થયા. દીકરીના સાર સમાચાર પુછ્યા. જમ્યા પછી દવાનો બીજો ડોઝ. આ વખતે કંઈક દવાઓ થોડી વધારે હતી. દવાઓ પેટમાં ગઈ ને જાણે ઝંઝાવાત આવી ગયો. પપ્પા ગોટપોટ, બેસાય નહી, ઉભા થવાય નહી, પેટમાં ભયંકર લાય બળે, લોકલાજે બુમો પણ પડાય નહીં. ‘બસ… બસ આ છેલ્લી દવા, હવે ભલે, જે થવાનું હોય તે થાય પણ મારે દવાઓ નથી લેવી.’ સાંજ સુધીમાં તો શરીરના બધા સાંધા પકડાઈ ગયા. દીકરી તો દોડી સુરેશભાઈને (ફેમીલી ડોક્ટર) ત્યાં. ત્યાંથી એમનો મોબાઈલ નંબર મેળવી, ફોન લગાડ્યો, ‘અંકલ, પપ્પા …ને દેખાડ્યું હતું અને દવા લીધી હતી. એક ડોઝમાં તો વાંધો ન આવ્યો પણ બીજા ડોઝ પછી તો બહુ તકલીફ છે.’ ‘જો દીકરી, આજની રાત કાઢી નાખો, હું રાત્રે આવી જવાનો છું, સવારે ક્લીનીક પર લઈ આવજે, પેટમાં બહુ બળે તો ઠંડું દુધ થોડું થોડું આપતી રહેજે.’
બીજા દિવસે સવારે, પથારીમાંથી માંડ ઉઠી શકતા પપ્પાને ટેકો કરી, દીકરા સમોવડી બની, ગાડીમાં લઈ ગઈ સુરેશભાઈના ક્લીનીકે. સુરેશભાઈએ કેસ હીસ્ટ્રી જાણી, અગાઊના ડોક્ટરે પ્રીસ્ક્રાઈબ કરેલી દવાઓ જોઈ તારણ કાઢી લીધું, ‘જો તમને ઝેરી મેલેરીયા છે એ નક્કી, એમાં આ જ દવાઓ આપવી પડે, પણ આજદીન સુધી તમે પેઈનકીલરથી આગળ વધ્યા નથી, આથી આ બધી એન્ટીબાયોટીક્સ એ તમારા માટે મુશ્કેલી ઉભી કરી છે. હવે થોડું લાબું ચાલશે, પણ હું તમને લગભગ રોજ તપાસીને દવા આપીશ તે તમારે લેવાની છે.’ વીસ વર્ષથી સંબંધમાં આવેલા ફેમીલી ડોક્ટરે કેસ હીસ્ટરીની સાથે સાથે કુટુંબની સાથેના સબંધોની ઘનિષ્ટતા સાથે તારણ કાઢી લીધું. ‘હમણાં રોજ તારા પપ્પાને અહી લાવવાની જવાબદારી તારી.’
પછી તો રોજ ક્લીનીક પર જવાનો સીલસીલો અને આખો દિવસ પપ્પાની સારસંભાળમાં દીકરી ખોવાય ગઈ, ભણતરનો ભાર ઉતારવાનું કે એક વર્ષ પછી પરદેશથી આવ્યા પછી જુના મિત્રોને મળવાનું અને તેમની સાથે કોલેજકાળના જુના સંસ્મરણો વાગોળવાનું વિસરી જવાયું. પંદર દિવસમાં તો પપ્પા હાલતા-ચાલતા થઈ ગયા અને રીટર્ન ફ્લાઈટની ટીકીટનો કન્ફર્મેશનનો મેસેજ પણ આવી ગયો.
અને ‘શ્રાવણી’ ભણતરનો ભાર ઉતાર્યા સિવાય, માબાપની ચિંતાના ભાર સાથે, જીવનની કડવી વાસ્તવિકતા સાથે, ભણતરનો ભાર વેંઢારવા ફરી ઉડી ગઈ……
‘અરે… ક્યાં ખોવાય ગયા ? તમારી દીકરીનું મેં નવું નામ આપી દીધું,… શ્રાવણી …..શ્રવણની જેમ તમારી સેવા કરવા બદલનો સરપાવ !’
(આજના પ્રસંગનું ‘કથાબીજ’ (મારી ભાષામાં ‘તુક્કો’) વિનોદભાઈની એક પોસ્ટ અને મારા જાણેલા એક વાસ્તવિક પ્રસંગ પરથી. ઉપરનો પ્રસંગ ‘બ્લેક એન્ડ વાઈટ’માં લખી નાખ્યો છે, સંવેદનાના રંગો તમારે પુરવાના. ‘અ’સાહિત્યકારની કૃતિની એ જ તો મજા છે – વાંચનાર પોતાના ‘રંગો’ પુરી શકે.)
ડો. જગદીશ જોશી
=========================================================
આભાર- સૌજન્ય-ડો. જગદીશ જોશી……જીવન જીવીએ , સંવેદનોને સથવારે
========================================================
ઉપરની ડો. જોશીની શ્રાવણી વાર્તાના અંતે એમણે મારી જે પોસ્ટ નો નિર્દેશ કર્યો છે એ પોસ્ટમાં મુકેલ મારા જીવનની એક સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા ” સફળ સફર ” નીચ્રની લીંક ઉપર ક્લીક કરીને વાંચો
સફળ સફર ( સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા ) લેખક -વિનોદ આર.પટેલ
====================================

કેટલીક વાર માનવીના જીવનમાં બનતી સત્ય ઘટનાઓ સાહિત્યકારોની કલ્પનાઓના ઘોડાઓ ઉપર સવાર થઈને લખેલી વાર્તાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે એની વધુ ખાત્રી કરવી હોય તો મારા મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ સૂર્ સાધનામાં પોસ્ટ થયેલી અને મેં રી-બ્લોગ કરેલી સત્યકથા “કાવડમાં શ્રવણ “અહીં ક્લીક કરીને વાચો ,
===========================================
” પપ્પા “
મિત્ર મુર્તઝા પટેલે એમના ફેસબુક પેજ ઉપર” પપ્પા ” વિષે સુંદર લખ્યું છે .
એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે .
“જે તેના લગ્ન પહેલા આખો ‘પ’ હોય, લગ્ન કર્યા બાદ ‘અડધો પ્ ‘ થઇ જાય અને તેના બાળકના
જન્મ બાદ ‘પા’ થઇ જાય છે તે પૂજ્ય: ‘પપ્પા’. “
“જેની આગળ ખુદને ખુલ્લા મૂકીને, કન્ફેશન કરી અસલ ઓળખ મેળવી શકીએ એ: ‘ફાધર’. “
“જે પોતાના બાળકનાં ગમા-અણગમાને, દુઃખ-દર્દને, મુશ્કેલીઓને, નાદાનીને,
ગુસ્સાને ‘પી’ નાખે છે એ: ‘પિતા’.”
” જે બાપ પોતાના બાળકને જ્યાં સુધી (તેના જેવો) બાપ બનતા ન જોઈ લે ત્યાં સુધી તેની
‘દાદા’ગીરી ચાલુ રાખવાનો પૂરો હક ધરાવે છે.”
– અને એટલે જ એવા સિલસિલાને ‘બાપદાદા’ કહેવાય છે.
“બાપ ક્યારેય ‘ડેડ’ ન હોઈ શકે. એ તો સદાય જીવંત છે. આદમથી જન્મેલાં
‘આદમી’માં કે ‘મનુ’થી પેદા થયેલાં ‘માનવી’માં….”
– | ઈજીપ્તથી બાર વર્ષિય ‘બાબા’…મુર્તઝા પટેલના ‘બાપ દિન’ નિમિત્તે ખાસ પ્રકાશિત થયેલા બાપીકા બોલ. | –
મુર્તઝા પટેલ
વાચકોના પ્રતિભાવ