તાંજેતરમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં પાકિસ્તાન તરફી એક ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ બ્લાસ્ટ હુમલામાં સી.આર.પી.એફના 40 જાંબાજ જવાનો દેશ માટે શહીદ થઇ ગયા.
દેશભરમાં આ આતંકવાદી હુમલાથી હાહાકાર મચ્યો છે.દેશવાસીઓમાં ઊંડા દુખ અને આક્રોશની લાગણી પ્રવર્તે છે.ટી.વી.,ઈન્ટરનેટ તથા પ્રિન્ટ અને ફેસબુક-વોટ્સેપ જેવાં સોસીયલ મીડિયા પર શહીદોને શ્રધાંજલિ આપતા સંદેશ ફરી રહ્યા છે.
એક મિત્ર તરફથી મને ઈ-મેલમાં એક સૈનિકની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતી અંગ્રેજીમાં એક નીચે મુજબની કવિતા મળી જે વાંચતાં જ મારા દિલને સ્પર્શી ગઈ. આ કવિતામાં એક જાંબાજ સૈનિકની ખુમારી વ્યક્ત થાય છે.
ઉપરની કવિતાનો મારો ગુજરાતીમાં કરેલો ભાવાનુવાદ નીચે પ્રસ્તુત છે.
એક સૈનિકની આખરી ઈચ્છા
માભોમની રક્ષા કાજે લડતાં લડતાં,
યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,
મારા દેહને શબ પેટીમાં પેક કરી,
મારા વતનમાં કુટુંબને મોકલાવજો.
મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને,
મારી છાતી ઉપર હળવેથી મુકજો.
મારી શોક કરતી માતાને કહેજો કે,
દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.
મારા પિતાને કહેજો,ઝુકી ના જશો,
મારી બાબતે તનાવ હવે નહી રહે.
ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે,
મારી બાઈકની ચાવી હવે એની થઇ ,
મારા તરફથી એને છેલ્લી ભેટ માને.
મારી બહેનને કહેજો કે શોક ના કરે.
તારો વ્હાલો ભાઈ કંઈ મર્યો નથી,
સુર્યાસ્ત પછી લાંબી નિદ્રા લઇ રહ્યો.
મારા દેશ બાંધવોને પણ કહેજો કે,
આંસુ ના સારે મારા જવાના શોકમાં.
કેમકે,હું દેશનો એક વીર સૈનિક છું,
વીર જવાનો જન્મે છે જ મરવા માટે.
જવાન મરતો નથી,શહીદીને વરે છે,
એની કુરબાનીની ગાથાઓ અમર છે.
ભાવાનુવાદ … વિનોદ પટેલ
ઉપર મુજબ કવિતાની રચના કરી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની શહીદ સૈનિકો અંગેની બે અમર કાવ્ય રચનાઓ (૧) કોઈનો લાડકવાયો અને (૨) કસુંબીનોરંગ નું સ્મરણ મારા અંતર મનમાં રમી રહ્યું હતું.
આ બે કાવ્ય રચનાઓ અને યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત કરેલ છે.
કોઈનો લાડકવાયો …રક્ત ટપકતી સો સો ઝોળી
રાષ્ટ્રી શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણી
કોઈનો લાડકવાયો કાવ્ય એ એક નર્સ અને અમેરિકન કવયિત્રી Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના મૂળ અંગ્રેજી ગીતનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કરેલું સુંદર ગુજરાતી રૂપાંતર છે.આ ગીતના શબ્દો ખુબ જ હૃદયસ્પર્શી છે.
અમેરિકાના સિવિલ યુધ્ધમાં યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે એમાં એની ઓળખ કરવા આવેલી કોઈને કોઈ માતાનો લાડકવાયો સૂતો છે.માતાઓની એના મૃત દીકરાના શોકની વ્યથાનું કરુણ નિરૂપણ આ કાવ્યનો મધ્યવર્તી વિચાર છે.
જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેના સ્વરે આ દિલને સ્પર્શી જતી સ્વ.મેઘાણીની આ અમર રચનાને માણો.
કોઈ નો લાડકવાયો- Praful Dave & Chorus
રાજ, મને લાગ્યો
કસુંબીનો રંગ … ઝવેરચંદ મેઘાણી
શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ વગેરેની શહીદી પછી આ ગીતની રચના કરવાની મેઘાણીને પ્રેરણા થઇ હતી.દેશ માટે યુદ્ધમાં જીવનનું બલીદાન આપનાર શહીદોનું વહેલું રક્ત એ જ કસુંબીનો રંગ છે.લોકગીતોના ડાયરાના પ્રોગ્રામોમાં દેશ માટે ખપી જવાનું આહવાન આપતું આ ગીત રંગ જમાવતું હોય છે.
Kasumbi No Rang – Harsh Patel | Zaverchand Meghani
છેલ્લે આ દેશ ભક્તિનું પ્રખ્યાત ગીત …
“Aye Mere Watan Ke Logo” (Hindi: ऐ मेरे वतन के लोगों)
A patriotic song written by Kavi Pradeep
૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી પ્રેસીડન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને પ્રથમ વડા પ્રધાન નહેરુજી ની હાજરીમાં પ્રથમ વખત આ દેશ ભક્તિનું કવિ પ્રદીપ રચિત ગીત સ્વર કિન્નરી લતા મંગેશકરે ગાયું હતું. આ ગીત સાંભળીને નહેરુની આંખમાં આંસુ આવ્યાં હતાં
ઝવેરચંદ મેઘાણી લિખિત આ લોક કથા એમના જાણીતા લોક કથાઓના પુસ્તક ” સૌરાષ્ટ્રની રસધાર – ભાગ ૫ ”માંથી લીધી છે.
” સૌરાષ્ટ્રની રસધાર ” ના પાંચ ભાગોની લોક કથાઓ એ સ્વ. મેઘાણીનો લોક સાહિત્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી સમૃદ્ધ બન્યું છે. આ કથાઓ એકઠી કરવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગામો ખુંદી વળ્યા હતા.સૌરાષ્ટ્રની લોક બોલીમાં લખાએલી આ કથાઓમાં સૌરાષ્ટ્રની ધરતીની મહેંક છે જે રસ ધાર નામને સાર્થક કરે છે.
આ અગાઉની મેઘાણી ના જન્મ દિવસની પોસ્ટના અનુસંધાનમાં , આજની પોસ્ટમાં રજુ કરેલ એમની ”કરિયાવર ” લોક કથા મેઘાણીની લેખન શૈલીનો એક અદ્દલ નમુનો છે જે વાચકોને પોસ્ટને અંતે નીચે આપેલ સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગો વાંચવા માટે પ્રેરશે.
વિનોદ પટેલ
કરિયાવર … લોક કથા …. ઝવેરચંદ મેઘાણી
“આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!”
“ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.”
“અરે, બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઇ! એકેએક ચીજ ઉતારી લે. મેંથી એ નહિ જોયું જાય, બેટા! મને એ માંડ્યચાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”
નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે. સાત ખોટની એક જ દીકરી હીરબાઇને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઇ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના-જે કાંઇ પિતાના ભર્યાભાદર્યા ઘરમાં હતું, તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઇ રહ્યાં છે.
“હાઉં બાપુ! હવે બસ કરી જાઓ.” હીરબાઇએ આડા હાથ દીધા.
“પણ હું મેલું કોના સાટુ, બાપ? હું તો હવે બે ચોમાંસા માંડ જોઇશ. અને તારું ગામતરું થયે તો આ પિતરાઇઓ આહીં તને થોડા ડગલુંયે ભરવા દેવાના છે?”
દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે.
“હીરબાઇ,” ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ- તારો ભાઇ થાય એની ડોકે બાંધવાની આશાએ; પણ સૂરજે સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય…. હશે! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પે’રાવજે, હો!”
માનો જણ્યો ભાઇ એ વખતે હીરબાઇને સાંભરી આવ્યો, આજ ભોજાઇ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીઠડાં લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઇ ન રહ્યું. હીરબાઇએ એકાંતે આંસુ ઠાલવ્યાં.
પચીસેક ગાડાંની હેડ્યો ભરાઇ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઇએ નાહીધોઇ, અણાતને અરધે વળે તેવાં વસ્ત્રાભૂષણો સજી,રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી, એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઇની ઘડી પારખી ગયાં હોય તેમ મોંમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઇના હાથપગ ચાટવાં લાગ્યાં.
“બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઇએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી.
“અરે બેટા, બોલાવવાની કોને ખબર છે? તારા ભેળી કાંઠે બાંધતી જ જા ને, બાઇ!” એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.
આગળ દીકરીનું વેલડું, પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ; અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં; એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ. હીરબાઇ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે… અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન દાદા તોડિયું,
દાદા, ગાળ નો દેજો જો!
અમે રે લીલા વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદા કેરા દેશમાં,
કાલે જાશું પરદેશજો!
એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઇનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઇએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઇ ભાઇઓનાં છેટેથી ઓવારણાં લીધાં.
“કાકા, મારા બાપને સાચવ-“
એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા, “ગાડાં પાછાં વાળો.”
“કાં, શીદ પાછા વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું.
“તું નિર્વંશ છો, ડોસા! અમે કાંઇ નિર્વંશ નથી. અમે કાંઇ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!”
“અરે ભાઇ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઇ એને હું કરિયાવર પણ ન દઉં? અને હવે હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને?”
“તું તો ઘણુંય લૂંટાવી દે! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઇક સાંભળશો!”
હીરબાઇએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઇઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઇ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું: “બસ બાપુ, પતી ગયું, હાલો, પાછા વળો. ભાઇ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારા નથી.”
“પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઇનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો “કાઠી!” હીરબાઇએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. “કાઠી, આજ કજિયાનું વેળુ નથી: અને તું મૂંઝામા. સૌ પાછા વળો.”
ગાડાં પાછાં વળ્યાં. હીરબાઇ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઇને હીરબાઇ બોલી, “કાઠી, તારે હૈયે ધરપત રાખ: તને સંતાપવો નથી.” એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં બોલી: “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે-અને મારી વાટ્ય જોવી મેલી દેજે.”
“કાં?”
“કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઇ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને! હવે તો પારણામાં ભાઇને હીંચોળીને જ આવીશ. નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી તું વાટ્ય જોઇશ મા. તને રાજીખુશીથી રજા છે. ઘર કરી લેજે. આલે, આ ખરચી.” આટલું કહી બાઇએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઇ ગયો.
વળતા દિવસથી હીરબાઇએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલા આઉવાળી સાત કૂંઢી ભેંસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે, “ભાઇ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને – મારો બાપ કરું! ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો.”
ભરવાડોએ એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબ્બે જણ બદલાય ત્યારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને…અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંય શોભે? અને તું મારી ધારણા મેલી દે, બા! મા’મહિનાનું તો માવઠું કે’વાય.”
“કાંઇ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ.
એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના-ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોં માગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો. એક વરસ અને એક દીકરો, બીજું વરસ, બીજો દીકરો; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી ભાયાતોએ સાંભળી. રાત ને દિવસ બહેન તો પોતાના ભાઇઓને નવરાવવા-ધોવરાવવામાં, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતાજોતામાં કોઇ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈને દરબારગઢમાં દોડી: “બા, વધામણી! ધાંધલ આવી પહોંચ્યા છે!”
આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી.
“બાપુ.” હીરબાઇએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો!” એમ બોલીને હીરબાઇએ ગાડાં ભર્યાં; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું: ગામ વળાવવા હલક્યું; ચોરો આવ્યો; માફાની ફડક ઊંચી થઈ; હીરબાઇએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું “આવો, કાકા અને ભાઇઓ! હવે ફરો આડા!”
“ના….રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”
“શેના કહો? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો.”
[આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડાં ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઇ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે.]
સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ . ૧ થી ૫ ની લોક કથાઓ નીચે ક્લિક કરીને વાંચો.
ઇન્ટર નેટ ભ્રમણ દરમ્યાન કળા કરેલ આ મોરનાં ચિત્રો જ્યારે મેં જોયાં કે તરત મને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ખુબ ગવાતી રચના” મારું મન મોર બની થનગાટ કરે” નું સ્મરણ થયું.
આમે ય મને બાળપણથી જ મોર ખુબ ગમે છે.એના પીંછાંના રંગો મને ખુબ ગમતા .નાના હતા ત્યારે ખેતરમાંથી વેરાયેલાં મોરનાં પીંછાં વીણી ઘેર લાવીને એકઠાં કરતા અને એક જાગીરની માફક સાચવતા.મા એ પીંછાં બાંધીને એની નાની સાવરણી ભગવાનની મૂર્તિ સાફ કરવા માટે બનાવતી એ યાદ આવે છે.તમને તો ખબર હશે જ કે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
આ રહી રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ આખી સુંદર કાવ્ય રચના .
મારું મન મોર બની થનગાટ કરે…રચનાઃ ઝવેરચંદ મેઘાણી
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે મન મોર બની થનગાટ કરે
નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે
કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને આ ગીત રચવાની પ્રેરણા ગુરુવર્ય શ્રી રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્ય Nav Dhan ઉપરથી મળી હતી .
મેઘાણીનું આ ગીત હિન્દી ફિલ્મ રાસલીલામાં જ્યારે ગવાયું એથી ખુબ મશહુર થઇ ગયું .
ફિલ્મમાં આ ગીત જાણતા ગુજરાતી ગાયક ઓસમાન મીરના કંઠે ગવાયું હતું. નીચેના વિડીયોમાં એમને આ ગીત ગાતા સાંભળીને તમને અહેસાસ થશે કે મેઘાણીના લોકગીતોમાં એમણે એમનું હૃદય નીચોવી દઈને ધરતીની મહેંકનો કેટલો સુંદર અહેસાસ કરાવ્યો છે.રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એની યોગ્યતા મેઘાણીએ એમની આવી ઘણી અમર રચનાઓ મારફતે પુરવાર કરી બતાવ્યું હતું.
આ ગીતને ફિલ્મ રાસલીલાનાં કેટલાંક દ્રશ્યો સાથે ગવાતું સાંભળો .
MOR BANI THANGHAT KARE(RaamLeela)
Music-by Osman Mir, Aditi Paul
મેઘાણીના આ લોક ગીતને લોક ગાયકો એમના ડાયરાના પ્રોગ્રામોમાં પણ ઘણી વાર ગાતા હોય છે.
આ વિડીયોમાં લોક ગાયક શ્રી ચેતનભાઈ ગઢવીને આ જ ગીતને ગાતા સાંભળો.આ વિડીયોમાં જે રીતે કળા કરતા મોરનાં અવનવાં ચિત્રો મુકાયાં એથી તમને પણ આ વિડીયો વિશેષ ગમી જશે.
===============
મન મોર બની થનગનાટ કરે નો સુંદર રસાસ્વાદ
અનાવૃત …….લેખક- શ્રી જય વસાવડા
માવજીભાઈ.કોમ ના સૌજન્યથી મેઘાણીના આ સદા બહાર ગીતનો જાણીતા લેખક શ્રી જય વસાવડાની એવી જ રસિક શૈલીમાં કરેલ રસાસ્વાદ નીચેની લીંક ઉપર માણો.
વાચકોના પ્રતિભાવ