વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ડોનાલ્ડ ટ્રમ્પ

( 1012 ) ટ્રમ્પકાર્ડ વિશ્વને શીર્ષાસન કરાવશે ! ……સાંપ્રતઃ મનોજ ગાંધી

આજની પોસ્ટમાં થોડી અમેરિકાના રાજકારણ અને  એના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત .

અમેરિકાના નવા પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી અમેરિકાનું રાજકીય વાતાવરણ આજકાલ ખુબ ગરમ રહ્યા કરે છે.૨૦મી જાન્યુઆરીએ ટ્રમ્પ સાહેબે સત્તા ધારણ કરી એ પછી આજદિન સુધીમાં એમણે ઘણા એક્ક્ષિક્યુટીવ ઓર્ડર બહાર પાડ્યા છે જેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખુબ ચર્ચા જગાવી છે.

સંદેશ.કોમમાં પ્રગટ શ્રી મનોજ ગાંધીના લેખમાં એમણે ભારતમાં રહ્યા અમેરિકાના ચર્ચાસ્પદ પ્રમુખ ટ્રમ્પ વિષે સરસ રાજકીય વિશ્લેષણ કર્યું છે.સંદેશ.કોમ અને શ્રી મનોજ ગાંધીના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકોને વાંચવા માટે પ્રસ્તુત કરેલ છે….વિનોદ પટેલ

ટ્રમ્પકાર્ડ વિશ્વને શીર્ષાસન કરાવશે!….સાંપ્રતઃ મનોજ ગાંધી 

tramp-sandeshઆજકાલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદમાં આવી ગયા છે. પ્રમુખ બન્યા પછી પણ તેમની બોલી ઉપર નિયંત્રણ આવ્યું નથી.

હજુ તો ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધાને ગણતરીના જ દિવસો થયા છે, ત્યાં વળી તેમણે આડેધડ નિવેદન કરવા માંડયા છે. તેમણે સાત દેશોના નાગરિકોને અમેરિકા આવવા સામે પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરાત કરવા સાથે જ ફરીથી ટ્રમ્પે અમેરિકનો તથા વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે. તેમના આ નિવેદનને પગલે તેમના સમર્થકો તથા વિરોધીઓ વચ્ચે પણ પ્રોક્ષીવોર ફાટી નીકળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ઘણા વિરોધીઓ ઊભા કરી દીધા છે, તેમાં આ નિવેદને ભડકો કર્યો છે. સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધીને ટ્રમ્પના ટીકાકારો મુસ્લિમ બેન કહે છે, તો ટ્રમ્પના સમર્થક અમેરિકાને ફરી મહાન બનાવવાના ચૂંટણી વચનને પાળવાના નિર્ણય તરીકે લેખાવે છે!

ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે જે પ્રતિબંધ લાધ્યો છે, તેના સૂચિતાર્થ ઘણા છે. સીરિયા, ઈરાન, ઈરાક, લીબિયા, સોમાલિયા, લેબનોન અને યમન સહિતના સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી કરી છે. આ દેશોના નાગરિકોને એરપોર્ટ પરથી જ વિદાય કરવાનો નિર્ણય ટ્રમ્પ તંત્રે લીધો છે. એ ખરું કે અત્યારે તો અદાલતે તેની સામે આંશિક સ્ટે મૂક્યો છે અને વિરોધ પ્રદર્શનો પણ યોજાઈ રહ્યા છે. આ સાતે દેશોના નાગરિકો ભલે બેવડી નાગરિકતા ધરાવતા હોય તો પણ તેમને પ્રવેશ આપવાનો નન્નો ભણી દીધો છે. આ નિર્ણયની પ્રતિક્રિયા ઉગ્ર આવી રહી છે. અરે, ફ્રાંસ તથા બ્રિટને પણ આ નિર્ણયની ટીકા કરી છે ! આતંકવાદને નામે પણ આ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકાય નહીં એવું વલણ એ દેશોએ અપનાવ્યું છે !

અદાલત અને અન્ય રાષ્ટ્રોની ટીકા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ નેશન ફર્સ્ટના નામે સાત દેશોના નાગરિકોને પ્રવેશવા દેવાનો ઈન્કાર કરી રહ્યા છે. હા, ટ્રમ્પે પાકિસ્તાન સામે ખુલ્લંખુલ્લા કોઈપણ નિર્ણય ટાળ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાને તહેરિક પાર્ટીના ઈમરાન ખાને ટ્રમ્પના નિર્ણયને વધાવી લીધો છે ! એ ખરું કે તે સામે ઈમરાન ખાનની ગણતરી એવી છે કે બધા પાકિસ્તાનમાં રહે તો દેશનો ઉદ્ધાર થાય. ઇમરાન ખાનની પોતાની ગણતરી છે તો ટ્રમ્પની પોતાની ગણતરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રવાદના નામે જીતી આવ્યા છે, એ જોતાં તેઓ પોતાની મહત્ત્વતાને વળગી રહે એમ છે. છતાં તેઓ એકસાથે અનેક માન્યતાઓ-પરંપરાનો દાટ વાળી દેશે એમ છે. અહીં નોસ્ત્રાદેમની આગાહી પણ યાદ આવી જાય કે, શું ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ સામસામે યુદ્ધે તો નહીં ચઢે ને ? અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરના આતંકવાદી હુમલા બાદ બીજો મોટો આતંકવાદી હુમલો હજુ સુધી થયો નથી. એ જોતાં ટ્રમ્પ તેમના વલણથી મુસ્લિમોને ઉશ્કેરે એમ લાગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાત રાષ્ટ્રના નાગરિકોને પ્રતિબંધ ફરમાવતા અમેરિકા આતંકવાદ સામે બાથ ભીડશે એમ લાગતું નથી. ટ્રમ્પ ઇસ્લામિક આતંકવાદની સામે લડત આપવાના મૂડમાં હોય તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ઉછરતા આતંકવાદને પણ નજર સમક્ષ રાખવો પડે. ઉપરાંત ભારતની પીડા પણ ધ્યાનમાં લેવી પડે, એ વિના આતંકવાદનો ખાતમો બોલાવી શકાય એમ નથી. શરણાર્થીઓના મામલે પણ ટ્રમ્પને રાષ્ટ્રસંઘની લપડાક પડી છે, પરંતુ તેથી ટ્રમ્પનો ટ્રમ્પકાર્ડ બદલાય એમ નથી. તેમનું આ વલણ આ વર્ષે અમેરિકાનું આતંકવાદ સામેનું વલણ સ્પષ્ટ કરી દેશે. હવે ટ્રમ્પ વિઝા ઉપર નિયંત્રણ લાવવા બિલ લાવી ચૂક્યા છે. આ બિલ પાસ થાય તો લઘુતમ વેતન વધુ આપવું પડશે જેથી વિદેશી પ્રોફેશનલો મોંઘા પડશે જેથી ભારતીયોને ફટકો પડશે. ઉપરાંત હવે વિદેશી વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ રહી શકશે નહીં. આ કાયદાનો અમલ થાય તો દોઢેક લાખ ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવું પડી શકે. આ સંજોગોમાં ભારતીયોને મોટો ફટકો પડી શકે.

અત્યારે ટ્રમ્પે અમેરિકામાં આવતા વિદેશીઓને પ્રતિબંધિત કરી દેવા માટેની જાહેરાત કરી દીધી છે. ત્યારે એ ચર્ચા પણ બળવતર બની છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વહેલા જન્મીને સત્તા પર આવ્યા હોત તો અમેરિકાને વિશ્વકક્ષાએ નામના અપાવનાર કેટલીય હસ્તીઓનું શું થયું હોત?

આ વિશ્વ પ્રસિદ્ધ હસ્તીઓમાં સૌથી પહેલું નામ તો આઈન્સ્ટાઈનનું જ આવે. સાપેક્ષવાદથી બ્રહ્માંડના રહસ્યને ઉકેલી નાખનારા આઈન્સ્ટાઈન કંઈ મૂળ અમેરિકન નથી, તેમનો જન્મ તો જર્મનીમાં થયો હતો, પરંતુ નાઝીવાદી હિટલરે યહૂદીઓને ત્રાસ આપવા માંડયો, જેના સંકેત મળી જતાં અમેરિકા ગયેલા આઈન્સ્ટાઈન કેટલાય વર્ષ સુધી અલગ-અલગ સ્થળે રહ્યા બાદ ૧૯૪૦માં અમેરિકી નાગરિક બની ગયા હતા. બીજી એવી હસ્તી મેડલિન અલબ્રાઈટ છે, જેઓ પહેલાના ચેકોસ્લાવિયામાં જન્મ્યા હતા. તેમનો પરિવાર ૧૯૪૮માં ગ્રેટ બ્રિટન ગયો હતો અને ત્યાંથી અમેરિકા આવીને વસ્યો હતો.

ધીરે ધીરે રાજનીતિમાં આગળ વધીને તેઓ અમેરિકાના પહેલા મહિલા વિદેશ મંત્રી બન્યા હતાં.

આજકાલ ગૂગલનો વધુ પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને કોઈપણ પ્રશ્ન હોય એનો જવાબ આપણે ગૂગલ પર જ શોધીએ છીએ, એ સુવિધા ઊભી કરવા પાછળ સર્ગેઈ મિખાઈલોવિચ બ્રિન છે. તેઓ આજે ભલે અમેરિકાના આંત્રપ્રેન્યોર ગણાતા હોય, પણ તેમનો જન્મ તો રશિયામાં થયો હતો. રશિયાના મોસ્કો ખાતે યહૂદી પરિવારમાં તેમનો જન્મ થયો હતો, એ પછી પરિવાર અમેરિકા આવી ગયો હતો.

ચૂંટણી પ્રચાર વખતે જ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સાથેની અમેરિકાની સરહદે દીવાલ ચણી દેવા માટે કહેતા રહ્યા હતા અને હવે તો એ દિશામાં આગળ વધશે એવા સંકેત પણ આવ્યા છે. એ ખરું કે હજારો લોકો મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસે છે, પરંતુ આજે હોલિવૂડમાં છવાઈ ગયેલી અભિનેત્રી સલમા હાયેકનો જન્મ મેક્સિકોમાં જ થયો હતો. ૧૯૯૧માં તેનો સિતારો ચમકવા માંડયો છે. હાલમાં જ અમેરિકાની જાણીતી અભિનેત્રી મેરિલ સ્ટ્રીપે એક પુરસ્કાર સમારોહમાં કહ્યું હતું કે, જો બહારથી આવતા લોકો ઉપર પ્રતિબંધ વર્ષોથી ચાલતો હોત તો હોલિવૂડ આજે સાવ ખાલી હોત ! એવું જ અભિનય ક્ષેત્રેનું બીજું નામ છે – જેકી ચૈન, ચૈન પણ હોંગકોંગમાં જન્મ્યો હતો, ત્યાંથી તે પોતાની કૂંગ ફૂની કળાથી હોલિવૂડમાં છવાઈ ગયો હતો. રમત-ગમતની દુનિયામાં પણ અમેરિકાને નામના અપાવનારાઓમાં ઘણા પરદેશી છે. એવું જ એક નામ યાઓ મિંગ છે. અમેરિકામાં બાસ્કેટ બોલનું ઘેલું લગાડનારા યાઓ મિંગ ચીનથી અમેરિકા આવીને વસ્યા છે. ૨૦૦૨માં તેમને હ્યુસ્ટન રોકેટ્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારે બાસ્કેટ બોલની દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. એ જ રીતે મોબાઈલની દુનિયામાં આઈફોનનું સ્થાન બે વેંત ઊંચું છે.

આઈફોનની સાથે એપલનું નામ જોડાયેલું છે, એ કંપનીની સ્થાપના કરનારાઓમાં એક સ્ટીવ જોબ્સ છે, જે સીરિયાના ઈમિગ્રાંટ પરિવારના હતા. એ જ રીતે આજે પત્રકારત્વની દુનિયામાં જે પારિતોષિક જોસેફ પુલિત્ઝર સાથે જોડાયેલું છે એ જોસેફ પુલિત્ઝર હંગેરીમાં જન્મ્યા હતા ને ૧૮૬૪માં અમેરિકાના બોસ્ટન પહોંચ્યા હતા. અમેરિકામાં રહીને ભારતીયોએ પણ અમેરિકાના વિકાસમાં સિંહફાળો આપી ચૂક્યા છે, તે પણ ના ભૂલાય.

ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ આતંકવાદ સામે બાથ ભીડવાની તૈયારી કરે છે, તો બીજી તરફ નેશન ફર્સ્ટના નામે ઉદારીકરણની નીતિ સામે વિશ્વને વિચારતંુ કરી મૂકશે. અત્યાર સુધી સ્વાર્થી અમેરિકાએ પ્રદૂષણને ધ્યાનમાં રાખી અનેક ઉદ્યોગો બીજા દેશમાં ઊભા કર્યા હતા. ઉપરાંત ત્રીજા વિશ્વની ગરીબ પ્રજાની મજબૂરીનો લાભ લઈ ઓછી મજૂરીથી કામ ગરીબ રાષ્ટ્રોમાં કરાવ્યા હતા. ઉદારીકરણને પગલે ચીન સસ્તી મજૂરીને કારણે હરણફાળ ભરી શક્યું છે તો બીજી તરફ અમેરિકામાંથી ઘણા ઉદ્યોગો સસ્તી મજૂરીનો લાભ લેવા અન્ય દેશોમાં ગયા. સરવાળે, અમેરિકામાં ઉદ્યોગો ઓછા થયા જેને પગલે રોજગારી ઘટી. હવે તેના દુષ્પરિણામો જોવા મળતા અમેરિકા ગભરાયું છે. બેરોજગારી વધી રહી છે, ત્યારે ટ્રમ્પે નેશન ફર્સ્ટના નારા સાથે દેશમાં રોજગારી વધે એ માટે સ્વદેશીનો નારો લગાવ્યો છે.

વેલ, અમેરિકાનો યુ ટર્ન ભારતને પણ વિચારતું કરી મૂકશે. જો અમેરિકન કંપનીઓ રોકાણ કરવા આગળ ન આવે તો ? ચીન તો ભારતથી નારાજ જ છે, ત્યારે વિદેશી રોકાણ ક્યાંથી વધશે ? અમેરિકાની જેમ બીજા દેશો પણ નેશન ફર્સ્ટની દિશામાં વિચારવા માંડશે તો વિદેશોમાં ફરીથી ઉદારીકરણથી રૂઢીવાદી યુ ટર્ન શરૂ થશે. અમેરિકાની જેમ બધા જ દેશો પોતાના દેશમાં જ રોકાણ કરવા માંડશે તો ગરીબ દેશોનો ઉદ્ધાર થઈ નહીં શકે. બધા જ દેશો પોતાને ત્યાં જ રોકાણ કરતા થઈ જાય તો બીજા દેશોને આર્થિક ટેકો નહીં મળે. બેરોજગારીની સમસ્યા બધા જ દેશોને સતાવી રહી છે, એ જોતા બધા જ દેશોએ ટ્રમ્પની વેવલેન્થમાં વિચારવું પડશે. બધા જ દેશો પોતાની સમસ્યાના ઉકેલ માટે પોતાના દેશની કંપનીઓ પોતાને ત્યાં જ રોજગાર રાખે એ માટે પ્રયાસ કરશે. એ સંજોગોમાં ઉદારીકરણ હારી રહ્યું છે એમ કહેવાય.

ભારતમાં ઉદારીકરણની નીતિના ગયા વર્ષે જ ૨૫ વર્ષ પૂરા થયા છે અને વધુ વિદેશી રોકાણ ઊંચા વિકાસદર માટે જરૂરી છે, ત્યાં જ ટ્રમ્પે જે ફતવો જારી કર્યો છે તે જોતા હવે ભારત સહિતના દેશોએ પણ ઉદારીકરણ અંગે વિચારવું પડશે. આપણે ત્યાં તો મોરારજી દેસાઈનું ઈકોનોમિક્સ પણ એ જ પ્રકારનું હતું. દેશના ઉત્પાદનો પહેલા દેશને મળે તો મોંઘવારી રહે જ નહીં. એ કટોકટી પછીની મોરારજી દેસાઈની સરકારમાં પ્રજાએ જોયું છે. ટ્રમ્પ જુદી રીતે એ જ દિશામાં છે, ત્યારે ભારત અને વિશ્વનું શંુ થશે ?

manoj.gandhi@sandesh.com

 સૌજન્ય: સંદેશ.કોમ

( 990 ) ખૂબસૂરત’ અંદાજ મોદીનો : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ ! …… વિનોદ પંડયા

modi-notes

ખૂબસૂરત’ અંદાજ મોદીનો : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ !
લાઈવ વાયરઃ વિનોદ પંડયા

મોદી વિરોધી એવા ટીકાકારો કહે છે કે ડિમોનિટાઇઝેશનથી કાળું નાણું અટકવાનું નથી. કબૂલ છે.પણ શરૂઆત તો ક્યાંકથી કરવી પડે ને! ડિમોનિટાઇઝેશનથી બાબુઓ ફ્ફ્ડી ઊઠયા છે. મોદી કહે છે કે લાંબી લડાઇની હજી તો આ શરૂઆત છે

હજારો યાતનાઓ સહન કરીને પણ દેશ સામૂહિકપણે નરેન્દ્ર મોદીની પડખે ઊભો રહી ગયો છે તે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની કૃત્રિમ સમાજ વ્યવસ્થાથી કેટલા તંગ આવી ગયા છે. ભ્રષ્ટાચાર કાળા નાણાંનો પિતા છે. ધારો કે તમામ જવાબદાર લોકો આવકવેરો ભરી દે અને સરકારી બાબુઓ અને પ્રધાનો એ આવક ચાંઉ કરી જાય તો ટેક્સ ભરવાનું કોઇ ઔચિત્ય રહેતું નથી.દેશના અનેક પ્રમાણિક કરદાતાઓ હમણાં સુધી આ અવઢવથી પીડાતા હતા. કર ભરીને પણ ફાયદો શો છે ? એવો સવાલ લોકો પૂછી રહ્યા હતા. ભ્રષ્ટાચારનો ભોરિંગ ત્યાં જ અટકતો નથી. બાબુઓ અને પ્રધાનો મૂળ કામ કરવાને બદલે પ્રજાને રંજાડીને, ડરાવીને પૈસા કમાવાના નવા રસ્તાઓ શોધવામાં રચ્યા પચ્યા રહે છે.

આ આખો રસસ્પદ લેખ સંદેશ.કોમના સૌજન્યથી 

અહીં ક્લિક કરીને વાંચો.

ભારતના વડા પ્રધાન મોદીજીનો વિશ્વ ફલક પર ચમકારો

તાંજેતરમાં વિશ્વનાં જાણીતાં બે મેગેઝિન, ટાઈમ-TIME અને ‘ફોર્બ્સ’-FORBES એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને દરેક ભારતીયને ગૌરવ અપાવે એવા સમાચાર આપ્યા છે.

‘ટાઈમ’ મેગેઝિન દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં રીડર્સ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૬ ની ‘પર્સન ઓફ ધ યર’ માટેની હરીફાઈમાં, અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પૂતિનને પાછળ રાખીને ઓનલાઈન વોટિંગમાં સર્વાધિક ૧૮ ટકા મતો મેળવ્યા હતા.

જોકે, ‘ટાઈમ’ મેગેઝિનએ પર્સન ઓફ ધ યરની ૭મી ડિસેમ્બરે જે જાહેરાત કરી એમાં ઓછા મત હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પને આ માન આપ્યું છે.

હું TIME મેગેઝીન લવાજમથી મંગાવું છું. એના ડીસેમ્બર ૧૯, ના અંક ના કવર પેજ પર ડોનાલ્ડ ટ્રમ્પ નો આ ફોટો છાપ્યો છે.

time-person-of-the-year

કવર પેજ પર DONALD TRUMP ના  નામ નીચે આ મેગેઝીને એમની ઓળખ PRESIDENT OF THE DIVIDED STATES OF AMERICA એ રીતે આપી છે એ ઘણી સૂચક છે !

અગાઉ આ સિદ્ધિ હાંસલ કરી ચૂકેલી વ્યક્તિઓના નામ છેઃ ફેસબુક સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ (2010), ઈબોલા ફાઈટર્સ (2014) અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (2015).

આ વિષે વિગતવાર સમાચાર ગુજરાત સમાચાર .કોમની

 આ લીંક પર ક્લિક કરીને વાંચો.

વધુમાં,વિશ્વના બીજા જાણીતા મેગેઝીન ‘ફોર્બ્સ’એ ટોચના 10 શક્તિશાળી લોકોની યાદી જાહેર કરી એમાં શ્રી નરેન્દ્ર મોદીને 9મા સ્થાને મૂક્યા છે.

આ અંગેના વિગતવાર સમાચાર ચિત્રલેખા.કોમની
આ લીંક પર ક્લિક કરીને વાંચો.

એક ગુજરાતી અને ભારતીય તરીકે ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના ફલક ઉપર મેળવેલ આવી સિધ્ધિઓ ગૌરવશાળી છે.આ પ્રાપ્ત કરવા બદલ એમને સલામ સાથે અભિનંદન .