ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Tag Archives: ડો.દિનકર જોશી
”જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે. તેને મેળવતાં આવડવું જોઈએ.”-ચાંપશી ઉદ્દેશી
૬૦+ પ્લસ ઉંમરના વાચકોને બાદ કરતાં ઘણા યુવાન વયના વાચકો ‘નવચેતન’ નામના ગુજરાતી માસિક અને એના તંત્રી ચાંપશી વિ. ઉદ્દેશી વિષે બહુ જાણતા નહિ હોય.
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારના સંવર્ધન માટે આ માસિક મારફતે ચાંપશીભાઈએ અગત્યની સેવા બજાવી છે.એમના માટે ‘નવચેતન’નું હોવું એ જ એમનો શ્વાસ બની ગયો હતો.’નવચેતન’ને ટકાવી રાખવા એમણે પત્નીના દાગીના સુધ્ધાં વેચી નાખ્યાં હતા.
આ નવચેતન માસિક એમના અને એમના ગયા પછી એમના અનુયાયીઓએ ૯૭ વર્ષ સુધી ટકાવી રાખ્યું હતું.
આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર નવચેતન માસિકના તંત્રી ચાંપશી વિ. ઉદ્દેશીનો જાણીતા લેખક ડો. ડૉ. દિનકર જોશીએ એમના લેખમાં સુંદર શબ્દોમાં પરિચય કરાવ્યો છે.
ડો.દિનકરભાઈ જોશીના આભાર સાથે એમના લેખને આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
નવચેતન’-એક ઘીનો દીવો
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી
નામ એનો નાશ અને કશું જ કાયમી નથી આ વાત આપણે સહુકોઈ બહુ સારી રીતે જાણીએ છીએ અને આમ છતાં ઓલવાઈ જતા દીવાની જ્યોતને સહેજ વધુ સંકોરીને ઘીના છેલ્લા ટીપાં સુધી એનો પ્રકાશ પામી લેવા પ્રયત્ન કરીએ છીએ. આવો પ્રયાસ ઘીના દીવા માટે જ થાય, ધૂમાડો ઓકતી કોઈક ભઠ્ઠીના અંગારા માટે આવો પ્રયાસ ન થાય. આજે આવા એક ઘીના દીવાની વાત કરવી છે.
ભગવાન બુદ્ધે એમની અંતિમ ક્ષણે એમને ટોળે વળીને બેઠેલા ભિક્ષુઓને કહ્યું હતું-‘આ કાયા શૂન્યમાં ઓગળી જાય એ પહેલાં તમારે કંઈ પૂછવું છે?’ ભગવાન મહાવીરે પણ નિર્વાણની ક્ષણે એમના અનુયાયીઓને જે ઉપદેશ આપ્યો એ ‘અંતિમ દેશના’ તરીકે જાણીતો છે.
કુરુક્ષેત્રના મહાયુદ્ધના ૧૦મા દિવસે પિતામહ ભીષ્મ પડ્યા. પડતાવેંત પ્રાણત્યાગ કરી શક્યા હોત, પણ એમણે એમ નથી કર્યું. રૂંવાડે રૂંવાડે શરશય્યાની વેદના વેઠીને એમણે પ્રાણ ટૂંકાવ્યા છે અને આ વેદનાસિક્ત સમયગાળામાં શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું છે- ‘પિતામહની જીવન જ્યોત અનંતમાં વિલિન થઈ જાય એ પહેલાં એમની પાસેથી છેલ્લું જ્ઞાન લઈ લ્યો.’ પિતામહે પ્રાણ ટકાવ્યા અને પાંડવોને છેલ્લાં જ્ઞાનના પવિત્ર પ્રવાહથી પરિપ્લાવિત કર્યા.
ગુજરાતી ભાષામાં હવે જુવાન વાચકોની ભારે તંગી વર્તાય છે ત્યારે ૬૦ પ્લસના જે વાચકો આપણી પાસે છે એમને આજે ‘નવચેતન’ નામના ગુજરાતી માસિકની યાદ આપવી છે. જેઓ ૬૦ પ્લસના નથી, પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કાર સાથે પોતાને સંકળાયેલા માને છે એમના કાને આ એક વાત મૂકવી છે. સાંભળજો, ધ્યાન લઈને સાંભળજો! (સાંભળજો એટલે કે વાંચજો!)
૧૯૨૨માં પેટવડિયું રળવા કચ્છ છોડીને કલકત્તામાં વસેલા એક સાહિત્યપ્રેમી જુવાનને થયું કે ગુજરાતથી આટલે દૂર રહીને વસતા ગુજરાતીઓને સારું વાંચન મળી રહે એ માટે એક સામયિક શરૂ કરવું જોઈએ. એણે એકલા હાથે બાથ ભીડી. સામયિક પ્રગટ કરવા અને એમાંથી નફો રળી લેવા આજે જે ગણતરીઓ મંડાય છે એવી કોઈ ગણતરી આ યુવાનનાં અંતરમાં નહોતી. પોતાની સાહિત્યિક સૂઝસમજ પ્રમાણે જે કંઈ ગુજરાતી વાચકોને લહાણી કરવા જેવું હતું એ કરી છૂટવાની જ ઉમ્મીદ એના મનમાં હતી. આ માસિકનું નામ ‘નવચેતન’ અને આ યુવાનનું નામ ચાંપશી વિ. ઉદ્દેશી.
નફો નહોતો કરવો પણ નુકસાન સુદ્ધાં કેટલું વેઠી શકે? ચાંપશીભાઈ માટે તો ‘નવચેતન’નું હોવું એ જ શ્ર્વાસ બની ગયો હતો. ‘નવચેતન’ને ટકાવી રાખવા એમણે પત્નીના દાગીના વેચી દીધા. ‘જીવન ઘડતર’ નામના એમના આત્મકથનાત્મક પુસ્તકમાં એમણે લખ્યું છે-‘નવચેતન’ જો ટકાવી રાખી ન શકાય તો આત્મહત્યા કરવાના વિચારો સુદ્ધાં કર્યાં. કલકત્તામાં ટકવું અઘરું છે એવું લાગ્યું. ત્યારે ૧૯૪૧માં ‘નવચેતન’ને ચાલુ રાખવાના એકમાત્ર ઉદ્દેશથી વડોદરા આવ્યા. જે કોઈ સારું સાહિત્ય એમને લાગ્યું એ સમયના નવા જૂના સહુ લેખકો પાસેથી એકત્રિત કર્યું અને ‘નવચેતન’માં પ્રકાશિત કર્યું. આમ છતાં વડોદરાનો વસવાટ લાંબો ન નભ્યો. એમણે ફરીવાર વડોદરાથી કલકત્તા પુનરાગમન કર્યું. આવું કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ, ‘નવચેતન’નો એકેય અંક અટકવો ન જોઈએ. આમ છતાં સંઘર્ષ ઓછો ન થયો. કલકત્તામાં બીજા બે વરસ ઝઝૂમ્યા પછી ચાંપશીભાઈએ ‘નવચેતન’ની સવારી અમદાવાદમાં ખસેડી.
સાહિત્ય વિશે ચાંપશીભાઈની એક ચોક્કસ સૂઝ હતી. આજે આપણે જેને સુષ્ઠુ સુષ્ઠુ કહીએ છીએ એને ચાંપશીભાઈ સાહિત્યમાં શિખર ઉપર બેસાડતા પણ એમાં ક્યાંય અપ્રામાણિકતા નહીં. મારી ઉપરના એક પત્રમાં એમણે લખ્યું છે-‘તમને જે ગમ્યું એ બેલાશક ઊંચા અવાજે કહો અને એનો સ્વીકાર પણ કરો, પરંતુ જે ન ગમ્યું હોય એના વિશે અભિપ્રાય ઉચ્ચારતા સંકોચ કદી ન રાખવો. તમારી રુચિ ભિન્ન હોય એવું બને પણ એમાં અપ્રામાણિકતા કદી ભળવા દેશો નહીં’ દુર્ભાગ્યે આ પત્ર આજે સચવાયો નથી પણ એમાં જે લખાણ હતું એનો ભાવ કંઈક આવો હતો. રુચિ ભેદ ચાંપશીભાઈ સ્વીકારે પણ અપ્રામાણિકતા એમને બિલકુલ સ્વીકાર્ય નહીં.
૧૯૫૦થી ૧૯૭૦ના ગાળામાં જેમણે વાર્તા લેખનની શરૂઆત કરી એવા અનેક લેખકો માટે ‘નવચેતન’ માસિકનું એક વિશિષ્ટ સ્થાન હતું. ‘નવચેતન’માં દર મહિને ત્રણથી ચાર ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થતી પણ એની વિશેષતા આ વાર્તા કરતાંય વિશેષ, વાર્તાના આરંભે તંત્રી સ્થાનેથી પોતાની જે નોંધ પ્રગટ કરતા એમાં રહેતી હતી. આ નોંધ જે તે લેખકોને મન તો મહત્ત્વની રહેતી જ પણ વાચકોના મનમાં પણ વાર્તા વિશે એ વાંચ્યા પહેલાં જ એક ભૂમિકા નિર્માણ કરી દેતી.
‘નવચેતન’માં ચાંપશીભાઈ પોતે જ એ મહિનામાં રજૂ થયેલી ચાર કે પાંચ ફિલ્મો વિશે પોતાના ચોક્કસ અભિગમોથી રૂઢ એવા અવલોકનો લખતા. ફિલ્મો પાસેથી પણ સાહિત્યની જેમ જ એમની અપેક્ષા તો સુષ્ઠુ સુષ્ઠુની જ. એમના આ અભિગમ સમક્ષ કલા, કેમેરા, ગીત સંગીત વગેરે પાસાંઓ ત્યારે ગૌણ બની જતા, પણ એ સારા પાસાંનો ઉલ્લેખ કર્યા પછી પણ જો ફિલ્મ એમના પેલા ‘સુચારૂ’ અભિગમમાં બેસતી ન હોય તો વાચકોને તમે આ નહીં જુઓ એ જ સારું છે એમ સ્પષ્ટ અભિપ્રાય આપતા સંકોચ ન રાખતા.
એમની આ ફિલ્મો પરત્વેની વિશેષતા એ હતી કે તેઓ હંમેશાં ટિકિટ ખરીદીને જ ફિલ્મ જોતા. કોઈ થિયેટર કે વિતરક પાસેથી કોમ્પ્લિમેન્ટરી પાસ ક્યારેય સ્વીકારતા નહીં, આમ કરવાથી પોતાની તટસ્થ વિવેકબુદ્ધિ પર અજાણતાય અસર પડે એવું એ ચોક્કસપણે માનતા અને કહેતા પણ ખરાં. ફિલ્મના આ શરૂઆતના શોની ટિકિટ પોતે બુકિંગ વિન્ડો ઉપર લાઈનમાં ઊભા રહીને ખરીદતા. ક્યારેય કોઈ પાસેથી કોઈ ફેવરની અપેક્ષા રાખીને બાંધછોડ કરતા નહીં.
ચાંપશીભાઈને પહેલીવાર મળવાનું થયું ‘સંદેશ’ દૈનિકની અમદાવાદ ખાતેની કચેરીમાં. ‘સંદેશ’ ભવનમાં એક માળિયા ઉપર ત્યારે ચાંપશીભાઈ ‘નવચેતન’નું કામકાજ સંભાળતા. ધોતિયું, આખી બાયની પહેરણ, માથે ટોપી પહેરીને ચાંપશીભાઈ ‘નવચેતન’ના અંકો ઉપર ગ્રાહકોને મોકલવા સરનામા કરી રહ્યા હતા. દુબળો પાતળો દેહ અને ઉપસી આવેલા હાડકાંવાળો ચહેરો. એ મુલાકાતમાં જ ચાંપશીભાઈએ જે સલુકાઈ અને સમભાવથી વાત કરી એ આજ સુધી મારું સંભારણું રહ્યું છે-‘તંત્રીને સમય ન હોય’-એવી કોઈ વિભાવના ત્યારે જન્મી નહોતી. ચાંપશીભાઈમાં તો નહીં જ.
૧૯૮૪માં ચાંપશીભાઈ અવસાન પામ્યા. એમના અવસાન પછી, એમણે પોતાના હયાતિ કાળમાં જ માનસપુત્ર તરીકે ઉત્તરાધિકારી નીમેલા સદ્ગત મુકુંદભાઈ શાહે આ ‘નવચેતન’ યાત્રા આગળ ચલાવી. મુકુંદભાઈના દેહવિલય પછી પ્રીતિબહેને એને એકાદ દશકો સંભાળ્યું. નફો કરવાનો હેતુ તો કદી હતો જ નહીં. નફો થયો પણ નહીં. નુકસાન વેઠતા રહ્યા. મુકુંદભાઈની કુસુમ પ્રકાશન નામની સંસ્થા આ નુકસાન સરભર કરતી રહી પણ આમ ક્યાં સુધી ચાલે? છેલ્લા બે-ત્રણ વરસથી આપણા નીવડેલા સંપાદક અને લેખક તથા ચિત્રકાર રજની વ્યાસે ‘નવચેતન’ની નવેસરથી કાયાપલટ કરી, એને રૂપકડું સામયિક બનાવ્યું.
પણ ૧૯રરમાં પ્રગટેલો આ ઘીનો દીવો ર૦૧૮ના એપ્રિલ મહિનાના અંક સાથે ૯૭ વરસની પ્રકાશ યાત્રા પછી બુઝાઈ ગયો છે. આપણે એને બુઝાવા નથી દેવો. વધુ બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછા બીજા વધુ ત્રણ વરસ આ દીવામાં ઘી પૂરીને આપણે એના પ્રકાશને શતાબ્દી સુધી પહોંચાડવો જોઈએ.
આ લેખના આરંભે બુદ્ધ, મહાવીર અને ભીષ્મ પિતામહની જે વાત કરી છે એને સમાપનમાં સાંકળી લઈએ. ચાંપશીભાઈ આપણને કોઈ અંતિમ ઉપદેશ આપતા નથી ગયા, પણ વધુ ત્રણ વરસ માટે આપણે આ દીવાની વાટ જો સંકોરી ન શકીએ તો એક પ્રજા તરીકે આપણા સંસ્કાર અને સાહિત્ય પ્રેમ વિશે આવતીકાલની પેઢી શંકા તો અવશ્ય ઉઠાવશે. અંબાણી અને અદાણીથી ઊભરાતા ગુજરાતમાં આ ત્રણ વરસ પૂરતું ‘નવચેતન’ને જીવાડી રાખવું એ કંઈ અઘરું કામ નથી. ‘નવચેતન’ની શતાબ્દી પૂરી થાય અને એનો શતાબ્દી અંક ગુજરાતની પ્રજા સમક્ષ ધરી શકાય એ જ તો એમનું સાહિત્યિક તર્પણ કહેવાશે. આ તર્પણ કરવામાં આપણે ઊણા ન જ ઉતરીએ.
સૌજન્ય- Bhupendra Jesrani -એમના ઈ-મેલમાંથી
વાચકોના પ્રતિભાવ