Tag Archives: થેન્ક્સ ગીવીંગ ડે ૨૦૧૬

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે .
થેન્ક્સ ગીવીંગ ડે નો ઈતિહાસ જોતાં મૂળ ભૂત રીતે તો એ મૂળ પાયોનીયર પ્રજા દ્વારા વર્ષ દરમ્યાન સારો પાક લેવા માટે અને છેલ્લું વર્ષ સારું ગયા માટેનો આભાર વ્યક્ત કરવા આ દિવસે ખાણી પીણી સાથે આનંદ કરીને ઉજવાતો હતો.
ગત વર્ષ ૨૦૧૫ના નવેમ્બર ૨૫,૨૦૧૫ ના થેંક્સ ગીવીંગ ડે ની પોસ્ટ થેન્ક્સ ગીવીંગ ડે અને આભારવશતા પણ વાંચશો.
થેન્ક્સ ગીવીંગ ડે ને અનુરૂપ મારી અછાંદસ રચના..
ઓ પ્રભુ ,તારો આભાર !
અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,
સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,
માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,
સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,
આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,
કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના.
આ દિવસને અનુરૂપ એક બોધ કથા
પ્રભુનો આભાર માનવાનું ન ચૂકો…..બોધકથા …..
એક મોટી ઈમારતના બાંધકામનું કામકાજ ચાલી રહ્યું હતું.આ બાંધકામના સુપરવાઈઝરે એક દિવસ આ ઈમારતના છઠા માળેથી નીચે ભોંય તળીયે કામ કરી રહેલ એક કારીગરને કંઇક સુચના આપવા માટે બુમ મારી .
બિલ્ડીંગના કામકાજ માટે થઇ રહેલ શોર બકોરમાં આ કારીગરે સુપરવાઈઝરે ઉપરથી જે બુમ મારી હતી એ સાંભળી નહી. એતો એના કામમાં જ મગ્ન હતો .
આથી આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે ઉપરથી ૧૦ રૂપિયાની કરન્સી નોટ નીચે ફેંકી .એને એમ હતું કે નોટ જોશે એટલે એ ઊંચું જોશે.
આ નોટ કામ કરી રહેલા આ કારીગરની બાજુમાં જ જઈને પડી.કારીગરે આ કરન્સી નોટ લઈને બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યાં વિના પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને જે કામ કરતો હતો એ કરવાનું ચાલું રાખ્યું.
આ કારીગરનું ધ્યાન એના તરફ ફરી ખેંચવા માટે સુપરવાઈઝરે ફરી ઉપરથી ૫૦૦ રૂપિયાની નોટ ફેંકી પરંતુ આ વખતે પણ કારીગરે પહેલાં કર્યું હતું એમ જ આ નોટને લઈને ખિસ્સામાં મુકી દીધી અને એનું કામ કરવાનું ચાલું રાખ્યું . આ નોટ ક્યાંથી આવી -કોણે નાખી એનો સહેજ પણ વિચાર ના કર્યો .
આ કારીગરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે હવે એક નવી તરકીબ અજમાવી . સુપરવાઈઝરે એક નાનો પત્થર નીચેથી ઉપાડીને છઠા માળેથી આ કારીગરની ઉપર ફેંક્યો જે બરાબર આ કારીગરના માથે જઈને વાગ્યો .
અચાનક આ પથ્થરના પ્રહારથી કારીગર ચમકી ગયો અને આ વખતે જ એની ડોક ઉપર કરીને જોયું . એ વખતે સુપરવાઈઝરે કારીગરને એના કામકાજ અંગે જે સુચનાઓ આપવાની હતી એ આપી .
આ સુપરવાઈઝર-કારીગરની કથા આપણા જીવનની હકીકતો સાથે બિલકુલ મળતી આવે છે .
ભગવાન આપણી સાથે સંપર્કમાં રહેવા હંમેશાં પ્રયત્ન કરતો હોય છે . આ સુપરવાઈઝરની માફક ઉપરથી બુમો મારતો હોય છે પરંતુ આપણને આપણા સ્વાર્થને વશ થઇને જિંદગીના ઢસરડા કરવામાંથી માથું ઊંચું કરીને એની તરફ જોવાની જોવાની પણ ફુરસદ નથી.ભગવાન સાથે વાતચીત કરવા તરફ દુર્લક્ષ્ય સેવીએ છીએ .
ભગવાન એના તરફ ધ્યાન ખેંચવા આપણને પ્રથમ કોઈ પણ સ્વરૂપે નાની ભેટ મોકલી આપે છે. આપણે આ વખતે એટલું પણ વિચારતા નથી કે એ ભેટ ક્યાંથી આવી અને કોણે મોકલી છે.આપણે તો આ કથાના કારીગરની જેમ આ ભેટને આપણા ખિસ્સામાં મૂકી દઈ બીજું બધું ભૂલીને આપણા સંસારિક કામોમાં મગ્ન રહેતા હોઈએ છીએ .
ત્યારબાદ ભગવાન આપણને મોટી ભેટ મોકલે છે. પરંતુ જે ભેટ આપણને પ્રાપ્ત થઇ એના માટે પોતાની જાતને બહું નશીબદાર માનીએ છીએ અને એના માટે ગર્વ કરતા થઇ જઈએ છીએ.આપણને આ બધી ભેટો મોકલી આપવા માટે ભગવાનને યાદ કરવાનું કે એના માટે એનો આભાર માનવાનું પણ ભૂલી જઈએ છીએ .
આવા સંજોગોમાં ભગવાન છેવટે આપણું ધ્યાન એના તરફ ખેંચાય એટલા માટે નાની મોટી ઉપાધીઓ રૂપી પથ્થર આપણા ઉપર ફેંકતો હોય છે .ત્યારે જ સફાળા આપણને ભાન આવે છે. મુશ્કેલીઓ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ છીએ અને એની સાથે વાતચીત કરવાનું ચાલું કરીએ છીએ .
આ આખી કથાનો મુદ્દાનો બોધપાઠ એ છે કે ……
જ્યારે જ્યારે પણ ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપે નાની-મોટી ભેટો મોકલી આપે એ દરેક વખતે તરત જ આપણે એને યાદ કરીને એનો આભાર માનવામાંથી ચુક્વું ના જોઈએ .
આપણને ભગવાન ઉપાધિઓ રૂપી નાનો પત્થર આપણા માથે મારીને આપણને યાદ કરાવે ત્યાં સુધી એની રાહ જોવી ના જોઈએ .
કોઈએ સરસ કહ્યું છે કે ” સુખમાં સાંભરે સોની , દુઃખમાં સાંભરે રામ !”

વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ