વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: દિલનો દોરો

( 892 ) સ્વ. જય ગજ્જરને હાર્દિક શ્રધાંજલિ / “દિલનો દોરો … વાર્તા… જય ગજ્જર

જીવન એક નાટક

આ જીવન સદા ભજવાઈ રહેલું એક નાટક છે,

આપવામાં આવેલું પાત્ર સૌ ભજવતા હોય છે,

સમયની સાથે નાટકના ખેલ બદલાતા રહે છે,

પોતાને આપેલો પાઠ પૂરો થઇ જતાં દરેક પાત્ર,

એક પછી એક એમ સ્ટેજ પરથી વિદાય લઇ લે છે.

એ પાત્રના જીવન ખેલ પર ભલે પડદો પડી જાય,

પણ એણે ભજવેલો  પાઠ સદા યાદ રહી જાય છે .

વિનોદ પટેલ

કેનેડા નિવાસી પણ મૂળ મારા વતનના ગામ ડાંગરવાની નજીકના ગામ પાનસરના વતની અને જાણીતા સાહિત્યકાર અને વાર્તા લેખક જય ગજ્જર નું માર્ચ ૩૧, ૨૦૧૬ ના રોજ ગાંધીનગર, અમદાવાદ મુકામે દુખદ અવસાન થયું છે.પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે.

વિનોદ વિહાર તરફથી સ્વ. જય ગજ્જરને હાર્દિક શ્રધ્ધાંજલી.

સ્વ.ગજજરની ઘણી વાર્તાઓ મેં વાંચી છે જેમાં એમના જીવન અનુભવોનું સુંદર નિરૂપણ જોવા મળે છે.કેનેડા નિવાસી મિત્ર શ્રી કિશોર પટેલ – શબ્દસેતુ‘ના સૌજન્યથી સ્વ. જય ગજ્જર ની એક હૃદય સ્પર્શી વાર્તા “દિલ નો દોરો “ એમની યાદમાં નીચે પ્રસ્તુત છે.

શ્રી જય ગજ્જરનો પરિચય એમના જ શબ્દોમાં અહીં વાંચો .

વિનોદ પટેલ 

સ્વ.જય ગજ્જર

                  સ્વ.જય ગજ્જર

દિલનો દોરો

“બેટા,આજ મને લેવા આવવાનો છે ને?” સવારે ઉઠતાં રાયચંદે દીકરા વિવેકને ફોન કર્યો.

“કેમ આજ વળી શું છે?” જરા ગુસ્સામાં વિવેકે સવાલ કર્યો અને ઉમેર્યું, “હા.. હા… ફાધર્સ ડે છે ને?”

ત્યાં જ વહુ મોટેથી વચ્ચે બોલી,

“હજુ તો નવ વાગ્યા છે! અમારી ઉંઘ બગાડી! રેસ્ટોરન્ટમાં ખાવાનો બહુ અબળખો છે તો બપોર સુધી રાહ જોવી જોઇએ ને!”

દીકરા કે વહુનો ગુસ્સો વધે એ પહેલાં રાયચંદ શેઠે ફોન મૂકી દીધો અને ઘડિયાળ સામે આંખ માંડી બાજુની ખુરસીમાં બેસી કંઈક યાદ કરવા લાગ્યા…

“ડેડ,વિશાળ બંગલો છે,આંગણામાં બબ્બે મર્સિડિઝ કાર છે,લાખો ડોલર બેંકમાં છે,ધીકતો ધંધો છે, હવે શું જોઈએ? હવે કામનો ભારણ ઓછો કરી ભકિત સાથે સાથે આરામ કરો!” ત્રીસ વર્ષના વિવેકે પત્ની નેહાની ચઢવણીથી એના ડેડીને સલાહ આપી.

રાયચંદને દીકરાના શબ્દો બાપ પ્રત્યેના પ્રેમના લાગતાં સલાહ ગમી. કશું જ વિચાર્યા વિના બધું વિવેકને નામે કરી દીધું. વેપારની જવાબદારીનો ભાર ઘટતાં મન પ્રફુલ્લિત રહેવા લાગ્યું. સમય કયાં વીતતો હતો એની ખબરે ન પડતી.

વિવેકનો ભાર ઓછો કરવાને બહાને નેહાએ ઘરનો અને વેપારનો કબજો મેળવી લીધો.ઘરમાં જ ઓફિસ કરી. એક પર્સનલ સેક્રેટરી રાખ્યો.સમય જતાં, નિકટતા વધતાં, નેહાનું એની સાથે લફરું વધતું ગયું.વિવેક તો ધંધામાં ડૂબેલો રહે એટલે કશું એની જાણમાં ન આવતું.ઘરમાં રહેતો ડોસો વહુને એક આડખીલી લાગવા માંડયો.

નેહા અવાર નવાર ફરિયાદ કરવા લાગી.

“તારા ડેડી બપોરે જમીને પ્લેટ પણ સિંકમાં મૂકતા નથી… જમતી વખતે ચારે બાજુ એંઠવાડ પાથરે છે…ટોઇલેટની આસપાસ પાણીના છાંટા ઉડાડે છે… બહારથી ઘરમાં આવે ત્યારે બૂટમાં મણ કચરો લઈને આવે છે… ચારે બાજુ ચોપડાનાં થોથાં પાથરે છે… કામવાળી કંકુ આવે ત્યારે રોજ ફરિયાદ કરે છે… મને લાગે છે એમને માટે ઘરડાંનું ઘર જ સારું! શાંતિ તો ખરી! ત્યાં એ એમની રીતે રહી શકે!”

રોજે રોજના કકળાટથી કંટાળી વિવેક અશ્રુભીની આંખે એના ડેડીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

ડેડ દર અઠવાડિયે તમને મળવા આવીશ! કહી સાંત્વન આપ્યું. બેચાર મહિના તો ક્રમ જળવાયો.પછી મહિને… બે મહિને… કે ચાર મહિને ડેડીને મળવા જવા લાગ્યો. છેલ્લે આવેલો ત્યારે કહેતો ગયેલો કે ફાધર્સ ડે ને દિવસે જરૂર આવીશ ડેડ!

દીકરાનું મોઢું જોવા તલસતા રાયચંદે એ યાદ અપાવવા ઉઠતાંજ દીકરાને ફોન કર્યો.રાયચંદ હૈયું ખોલે એ પહેલાં વહુ નેહાના શબ્દો કાને પડતાં ફોન મૂકી દીધો હતો.

રાયચંદને દિલ ખોલવું હતું…

“મરેલી મા યાદ આવે છે… ને આ જીવતો બાપ… તારી મા વહુનું અર્ધું કામ ઉપાડી લેતી અને આ બાપ ભાર રૂપ હતો ખરું ને… વહુએ એવું તે શું ભરાવ્યું છે દીકરા…આજ તો તું આવે ત્યારે બધી જ ચોખવટ કરવી પડશે….”

અને તૂટતા જતા શબ્દોની ગડમથલમાં હૈયાનો ભાર વધતો ગયો. ઘડિયાળનો કાંટો રાતના અગિયારે પહોંચી ગયો હતો.દીકરાની રાહ જોતા રાયચંદની આંખો દિલનો દોરો પડતાં મીંચાઈ ગઈ હતી. ચોખવટ કરવા કદી ખુલી જ નહિ!

જય ગજજર – વિદાય… માર્ચ ૩૧, ૨૦૧૬

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ

ઓજસ પાલનપુરી

સૌજન્ય- શબ્દ સેતુ