આજની પોસ્ટમાં પ્રસ્તુત નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર દિવ્યાંગ બાળક ઉત્તમ મારૂની સત્ય કથા અન્ય દિવ્યાંગ કે સબળ બાળકો માટે ખુબ જ પ્રેરણારૂપ છે.
બે આંખે અંધ ઉત્તમ મારૂને શ્રીમદ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે.એ એક સારો ગાયક, તબલાવાદક અને સંગીતના બધા રાગોનો જાણકાર છે.
ભારત સરકાર તરફથી એને એની આશ્ચર્યજનક સિધ્ધિઓ માટે રાષ્ટ્રપતીના હસ્તે ”બાલશ્રી એવોર્ડ ” આપવામાં આવ્યો છે.
આજે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ એ શિક્ષક દિવસ છે.બાળકોને જો બાળપણથી જ કુટુંબીજનો અને શિક્ષકો તરફથી પ્રેમ અને માર્ગ દર્શન મળે તો તેઓ કેવી પ્રગતિ સાધી શકે એને માટે બાળક ઉત્તમના વિકાસનો ગ્રાફ એક ઉત્તમ ઉદાહરણ છે.
દિવ્યાંગ ઉત્તમ મારૂની આ સત્ય કથા વાંચ્યા પછી ઈશ્વર કૃપાનો આ જાણીતો સંસ્કૃત પ્રાર્થનાનો શ્લોક યાદ આવી ગયો.
એક વખત અચુક વાંચજો – રૂવાટા ઉભા કરી નાખે તેવી રાજકોટની સત્યઘટના
લેખક …શ્રી શૈલેષ સગપરીયા
થોડી લાંબી વાત છે પણ વાંચજો જરૂર.
થોડા વર્ષો પહેલા રાજકોટના એક નર્સિંગ હોમમાં એક પ્રસુતાએ દિકરાને જન્મ આપ્યો. પરિવારમાં નવા સભ્યનું આગમન થયુ એટલે દાદીએ ફોન જોડીને દાદાજીને આ ખુશખબર આપ્યા. દાદા પણ પૌત્ર જન્મના સમાચાર મળતા ખુબ આનંદીત થયા.
થોડી વારમાં બાળકના દાદીએ ફરીથી દાદાને ફોન કર્યો. આ વખતે દાદીનો અવાજ ખુબ ભારે હતો. એમણે દુ:ખી હદયે એમના પતિને વાત કરતા કહ્યુ, “ભગવાને આપણને પૌત્ર આપ્યો પણ એને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ નથી. હવે આપણે શું કરીશું ?” દાદાએ પત્નિને સાંત્વના આપીને ભગવાન પર ભરોસો રાખવા કહ્યુ.
થોડા દિવસ પછી હોસ્પીટલમાંથી આ ખોડખાપણવાળા બાળકને ઘરે લાવવામાં આવ્યો. જુદા-જુદા ડોકટરોએ જુદા-જુદા અભિપ્રાયો આપ્યા. એક ડોકટરે તો એમ પણ કહ્યુ કે આ બાળકને ઇન્જેકશન આપીને શાંત કરી દઇએ કારણકે જો જીવશે તો તમે પણ દુ:ખી થશો અને બાળક પણ દુ:ખી થશે.
બાળકના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને કહ્યુ, “જુઓ, આવડી મોટી દુનિયામાં આવો છોકરો ભગવાને આપણને જ કેમ આપ્યો ? ભગવાનને આપણા પર કેટલો મોટો વિશ્વાસ હશે કે હું આ છોકરાને જે ઘરે મોકલું છું ત્યાં બધા એને સાચવશે. ભગવાને આપણા પરિવાર પર મુકેલા વિશ્વાસને આપણે તુટવા નથી દેવો. આપણે બધા સભ્યો એની થોડી થોડી જવાબદારી વહેંચી લઇએ અને એને મોટો કરીએ.”
આ છોકરા પર એક પછી એક 8થી વધુ ઓપરેશન થયા. બાળકના દાદાએ એને પગભર કરવા માટે શાળામાં દાખલ કર્યો. શરૂઆતમાં તો કોઇ શાળા એને સ્વિકારવા તૈયાર ન થઇ પછી એક શાળામાં એને એડમીશન મળ્યુ અને આ છોકરો ભણવામાં બીજા બાળકો કરતા પણ ધીમે ધીમે આગળ નીકળી ગયો અને શાળામાં પ્રથમ નંબર લાવતો થયો. ત્યાર પછીતો દાદાજીએ બાળકને ઓર્ગન, તબલા, બ્રેઇલ લીપી, કમ્પ્યુટર શીખવાડ્યા અને છોકરો બધામાં પાવરધો થયો.
દાદાને ઇચ્છા કે પૌત્ર સારો ગાયક બને એટલે એને ગાયકીના વર્ગોમાં મોકલવાની શરૂઆત કરી.તાળવું ન હોવા છતા ખુબ સારા ગાયન દ્વારા આ છોકરાએ એના કલાગુરુને પ્રભાવિત કર્યા અને કલાગુરુએ આ છોકરાની ગાયકીનો એક પ્રોગ્રામ રાજકોટના હેમુ ગઢવી હોલમાં કર્યો. ઉભા રહેવાની પણ જગ્યા ન મળે એવી જનમેદની વચ્ચે એકથી એક ચઢીયાતા ગીતો ગાઇને એણે બધાના દીલ જીતી લીધા.
આ છોકરાનું નામ છે ઉત્તમ મારુ અને એને તૈયાર કરનાર એના દાદાજી કુવરજીભાઇ મારુ. આજે આ છોકરાને 80થી વધુ ગીતો યાદ છે અનેક શ્લોકો અને પ્રશ્નોના જવાબો એને મોઢે છે. દુનિયા અને ભારતની સામાન્ય જ્ઞાનની અદભૂત સમજ ધરાવે છે.
મિત્રો, તમારા સંતાનને ક્યારેય સામાન્ય નહી સમજતા. જો તમે એને યોગ્ય વાતાવરણ પુરુ પાડો તો એ ખીલ્યા વગર રહે જ નહી. બાળકોના વિકાસ માટે જરૂર હોય છે કુવરજીભાઇ જેવા સમર્પણભાવની અને થોડી ધીરજની.
તારીખ ૭ મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ જ્ઞાન જ્યોત વિદ્યાલય સુરતના સ્મૃતિ ભવનમાં ૧૦ થી ૧૨ વર્ગના વિદ્યાર્થીઓ તથા અન્ય ભાવકોની હાજરીમાં ” હમ હોંગે કામિયાબ ” કાર્યક્રમમાં ઉત્તમ મારૂ .વક્તા હતા ડે.ડીરેક્ટર શ્રી શૈલેશભાઈ સગપરીયા.
દિવ્યાંગ ઉત્તમ મારૂ અને એના દાદા કુંવરજીભાઈ સાથે સ્પીક બિન્દાસના શ્રી દેવાંગ વિભાકરે લીધેલ ઇન્ટરવ્યુ
Interview of Uttam Maru Published on May 18, 2012
નીચેની યુ-ટ્યુબની Uttam Maru ચેનલ ની લીંક પર ક્લિક કરી વન્ડર બોય ઉત્તમ મારું ના અનેક સંગીતના પ્રોગ્રામ સાંભળી શકાશે અને એના વિષેની અન્ય માહિતી મેળવી શકાશે.
આજની પોસ્ટમાં બે નવી માઈક્રોફિક્શન વાર્તાઓ(૧) સાવચેતી ! અને (૨) દિવ્યાંગપ્રસ્તુત કરેલ છે .
માઈક્રોફિક્શન … સાવચેતી !
રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.
જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.
રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.
“અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !”
માઈક્રોફિક્શન … દિવ્યાંગ
સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.
કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.
આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.
કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.
મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.
વિકલાંગએ કહ્યું “બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો”
મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :”ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “
–વિનોદ પટેલ,સાન ડીએગો
“બેઠક”-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી,
માઈક્રોફિક્શન કોને કહેવાય અને કોને ના કહેવાય એ સમજાવતો એક વિગતવાર લેખ જાણિતા બ્લોગર મિત્ર શ્રી જીગ્નેશ અધ્વર્યુએ એમના બ્લોગ અક્ષરનાદ પર મુક્યો છે એને નીચેની લીંક પર વાંચી શકાશે.
વાચકોના પ્રતિભાવ