વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: દીપોત્સવી પર્વ

( 967 ) દિલમાં દીવો કરવાનું પર્વ …. દીપોત્સવી પર્વ ….

વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ નહી ત્યાં સુધી દિવાળીમાં ફક્ત દીવા પ્રગટાવીને ખુશ થવાથી કામ નથી પતી જતું નથી.

દીપોત્સવી પર્વમાં અનેક મિત્રો તરફથી ઈ-મેલ, સ્માર્ટ ફોન અને વોટ્સએપ મારફતે ઘણા સરસ વિચારવા જેવા ચિત્રાંકિત દિવાળી સંદેશાઓ મળતા હોય છે. એવા મને ગમેલા કેટલાક સંદેશાઓ આ પોસ્ટમાં રજુ કર્યા છે.

વિનોદ વિહારના આજના દીપોત્સવી અંકમાં દિવાળી તથા નુતન વર્ષ અંગેની આવી નીચેની ચિત્રાંકિત સાહિત્ય સામગ્રી માણો. 

સુરતના મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલેલ આ ચિત્રમાં દિવાળી ખરેખર શું છે એ સરસ રીતે સમજાવ્યું છે.

diwali-chiman

આ ચિત્રમાંનો દિવાળીનો સદેશ ગાંઠે બાંધવા જેવો છે.દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે જો તમારા હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની  સફરમાં એકલા પડી ગયા છે એમને મળો, એમની સાથે પ્રેમથી વાત કરો,એમની આંખોની ઉદાસી  દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરો,જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરો.

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામો તો ખરી દિવાળી-નવું વર્ષ  ઉજવ્યું કહેવાય .

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક  જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય. 

નીચેના બે ચિત્રોમાં પણ બે મહાન આધ્યાત્મિક આત્માઓ- ઓશો અને આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પણ સૌને   ભીતરમાં અજવાળું કરવાની શીખ આપી છે .

diwali-osho

 (ચિત્ર સૌજન્ય- શ્રી શરદ શાહ ,અમદાવાદ)

ગુજરાતીમાં અનુવાદ

દિવાળીનો દીપક 
અને એનો બહારનો પ્રકાશ
કેટલો મનોહર લાગે છે !
પરંતુ 
મનુષ્યની અંદર પડેલું અંધારું 
એ દુર કરી શકતો નથી !
ભીતરમાં ધ્યાનની
રોશની જો પ્રગટે તો 
જિંદગીનો હરેક દિવસ 
દિવાળી, દિવાળી જ છે.

ઓશો

અનુવાદ વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકરજી નો ચિત્ર-સંદેશ

diwali-quote-sri-sri

ગુજરાતીમાં અનુવાદ

દિવાળી આવે એટલે

માત્ર દિવાઓ પ્રગટાવ્યા

એટલે દિવાળી ઉજવાઈ ગઈ

એમ રખે માનતા !

મુદ્દાની વાત તો એ છે કે

તમારી ભીતર જ્ઞાનના

દીપકના પ્રકાશથી

તમે જાતે પ્રકાશિત થવા જોઈએ

કે જેથી તમે જીંદગીમાં

બીજા ઘણા માણસોના

જીવન માર્ગમાં

પ્રકાશ પાથરી શકો.

 

શ્રી શ્રી રવિશંકરજી

(આર્ટ ઓફ લાઈફ ના પ્રણેતા)

sri-sri-ravishankar-jpg

 

નવું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૩  

ન્યુ જર્સીના શ્રી વિપુલ દેસાઈ એ મોકલેલ નીચેના ચિત્ર પર ક્લિક કરી દિવાળી-નવા વર્ષ અંગેના વિવિધ ચિત્ર- સંદેશ માણો.

diwali-sal-mubaarak-vipul

નવા વર્ષ વિશેની મારી એક કાવ્ય રચના

નવા વરસે ….

new-year

 

દિવાળીમાં ગૃહ-ગાયત્રી પૂજનનું ચિત્ર  

gayatri-chiman

ऊँ भू:  भुव :स्व: तत् सवितु वरेण्यं

भर्ग: देवस्य धियो यो : प्रचोदयात् 

અર્થ- તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

diwali-taramandal-new

આપણી આ જિંદગી એક સતત લખાતું પુસ્તક છે.હિંદુ કેલેન્ડર-પંચાંગ મુજબ સંવત વર્ષ  ૨૦૭૩ના પહેલા દિવસે આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું પ્રથમ કોરું પાનું ખુલે છે. આ શુભ દિવસે એમાં વર્ષભર સારું કાર્ય કરવાના મનોભાવની નોધ લખીને એની શુભ શરૂઆત કરીએ કે જેથી વર્ષાન્તે જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે સંતોષની અનુભૂતિ થાય.

આપની જીવન નવલકથાના બાકીના બધાં જ પ્રકરણો આકર્ષક અને સંતોષપૂર્ણ,સુંદર અને પ્રેરક બને એવી શુભ કામનાઓ.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રો, સ્નેહી જનોને સંવત ૨૦૭૩નું નવું વર્ષ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ સભર અને નિરામય નીવડે એવી મારી હાર્દિક શુભ ભાવનાઓ.

ૐ સર્વે ભવન્તુ સુખિન:।

સર્વે સન્તુ નિરામયા:।

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।

મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।

શાંતીમંત્ર

ॐ सहनाववतु,
सह नौ भुनक्तु ,
सहवीर्यम् करवावहै
तेजस्विना वधितमस्तु,
मा विद्विषावहै!

 ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।

 

( 804 ) દીપોત્સવી પર્વ ….તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ ….

DIWALI-VRP-FINAL

દીપાવલી પર્વ એટલે …

વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,

લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ.

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ .

પરમ કૃપાળુ પરમાત્મા આપને અને આપનાં પરિવાર જનોને

સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ છે .

‘સર્વેપિ સુખીનો સન્તુ
સર્વે સન્તુ નિરામયાઃ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિદ્ દુઃખમાપ્નુંયાત।।’’

(સર્વ જનો સુખી થાઓ. સૌ કોઈ નિરોગી રહો. સૌનું કલ્યાણ થાઓ અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન રહે, એ જ શુભકામના.)

“તમસો મા જ્યોતિર્ગમય”

નવા વર્ષ ની મારી અભિલાષા ..મારી એક સ્વ-રચના

Dipak-animation

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

સંસાર સાગરના તોફાનોમાં મારી જીવન નૌકાને,

સ્થિર રાખી સુપેરે હંકારવાની કૃપા કરવા માટે,

દીન દયાળુ પ્રભુનો આભાર માનવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,

જીવનને જોશથી  જીવી જવાનું મને બહું જ ગમે.

વિનોદ પટેલ

પ્રેમળ જ્યોતિ…પ્રાર્થના ….નરસિંહરાવ દિવેટિયા

કવી સ્વ.નરસિંહરાવ દિવેટિયા દિવેટિયા રચિત નીચેની પ્રાર્થના

મને મારા વિદ્યાર્થી કાળથી બહુ ગમે છે.

સાબરમતી આશ્રમમાં પૂજ્ય મહાત્મા ગાંધીના સાન્નિધ્યમાં મથુરાબહેન ખરેના

સ્વરે આ પ્રાર્થના અવાર નવાર ગવાતી હતી.

પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધકાર

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળ

મુજ જીવનપંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ દૂર નજર છો ન જાય

દૂર માર્ગ જોવાને લોભ લગીર ના એક ડગલું બસ થાય

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર

આપ બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ

હવે માગું તુજ આધાર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

ભભકભર્યાં તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ

વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ

મારે આજ થકી નવું

પર્વ પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર

નિશ્વે મને તું સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર

દાખવી પ્રેમળ જ્યોતિની સેર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ

ધસધસતા જળ કેરા પ્રવાહો સર્વ વટાવી કૃપાળ

મને પહોંચાડશે નિજ દ્વાર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ

દિવ્યગણોનાં વદન મનોહર મારે હ્રદયે વસ્યાં ચિરકાળ

જે મેં ખોયાં હતાં ક્ષણવાર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ

-નરસિંહરાવ દિવેટિયા

આ પ્રાર્થના ગીત નો વિડીયો નીચે મુક્યો છે .

આ દીપોત્સવી અને નવા વર્ષના ઉત્સવી માહોલમાં હૃદયના ભાવથી ગાયકની સાથે ગાઈએ.

Premal Jyoti Taro | Ishwar Allah Tere Naam |

આભાર અને અભિનંદન

મિત્રો

મને જણાવતાં હર્ષની લાગણી થાય છે કે આજની તારીખે વિનોદ વિહારના માનવંતા મુલાકાતીઓની સંખ્યા 240,187  સુધી પહોંચી ગઈ છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા વાચકોની સંખ્યા 297 ની થઇ છે .  

આ સૌ મુલાકાતી મિત્રોનો આભાર માનું છું અને દિવાળી અને નવા વર્ષનાં સૌને અભિનંદન અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

સૌને સાલ મુબારક

વિનોદ પટેલ

Diwali-Taramandal-2

(559) લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો… કોડીયું ..(કાવ્ય )… – જુગલકીશોર વ્યાસ ….દીપોત્સવી અંક ભાગ -૩

લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો…

કોડીયું

(ઉપજાતી)

 

dipa_l

દીપાવલીના નવપર્વની બધે

જામી છ જાહોજલી શી બજારમાં !

સૌ ઉત્સવે આ નવપર્વ – તેમની

શક્તી–મતી, ત્રેવડ, ભાવભક્તી 

ને માન્યતા સૌસહુની પ્રમાણે.

  

ને પર્વ તો નીર્જીવ –ને કશી શી

હોયે પડી – ધુમ ફટાકડાતણા

ઘોંઘાટમાં નેય પ્રકાશ કેરી

જામી બધે ઝાકઝમાળ – હો ત્યાં ! 

  

લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો

લક્ષ્મી વીનાના સહુ કોઈનો ના !

પ્રદર્શનો શાં ધનસંપત્તીનાં

ચારે દીશે વ્યાપી રહ્યાં ઝળાંઝળાં !

  

કો અેક ખુણે બસ બેસી પેલો

નાણાંતણી રેલમછેલ જોતો,

ને કાલની ચીંતવતો રહેતો

એ ભુખ જે ચોક્કસ લાગવાની !

વધ્યુંઘટ્યું જે મળશે ઠીબામાં 

તે ઠાંસીને પેટ ભરે કદાચે.

 

દીપાવલીના તહેવાર મધ્યે

જગી રહ્યું ઝાંખુ શું કોડિયું તે

ફેલાવતું ક્ષીણ પ્રકાશ –

રાખી નીચે આસન અંધકારનું !

  

અંધારની બેઠક રાખી કોડિયું

પ્રકાશને પાથરવા મથે જો ! 

 

– જુગલકીશોર.

સૌજન્ય-આભાર-  નેટ ગુર્જરી 

============================

 દિવાળી : યુવાનોનો તહેવાર -ફાધર વાલેસ 

“દિવાળીના સાચા અર્થ, ઊંડા અર્થ પ્રમાણે તે વિશેષ રીતે યુવાનોનો તહેવાર છે. કારણ કે દિવાળી એ સમર્પણનું પર્વ છે, અને સમર્પણની વૃત્તિ ને બલિદાનની ઉદારતા તો યુવાન હૃદયનાં જ લક્ષણ છે. દિવાળી સમર્પણનો તહેવાર છે. બલિ રાજા મસ્તક નમાવીને પોતાનું સર્વસ્વને પોતાની જાતને જ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. દીવો પોતાના અંતરનું તેલ બાળીને રજનીને પ્રકાશમય બનાવે છે. દારૂખાનું પોતાનું પેટ ફાડીને છોકરાઓના દિલમાં ઉલ્લાસ પાથરે છે. કાળદેવતા વસંતની લહરીઓ અને વર્ષાનો પાક છોડીને કાતિલ શિયાળાને શરણે જવાની તૈયારી કરે છે. કાળ ને રાજા ને દીવો યુગોના યજ્ઞમાં પોતાની જાતને હોમી દે છે. અને પૃથ્વી પર દિવાળી સર્જાય છે. સમર્પણનો તહેવાર. બલિદાનનું પર્વ. આત્મવિલોપનનો ઉત્સવ. અને આનંદથી બલિદાન આપવાની તૈયારી તો યુવાનોની પાસે જ છે. યુવાનની દિવાળી એટલે ઉદાર દિલની દિવાળી, બલિદાનની દિવાળી, જીવનદાનની દિવાળી. તમારા દરેક કાર્યમાં તમારું જીવન છે. એની કરકસર કરશો નહિ. તમારી દરેક નાની-મોટી સેવામાં તમારો પ્રાણ છે. એનો હિસાબ રાખશો નહિ. દિવાળીના મંગળ દીવાની જેમ બળતા રહો, દુનિયાને પ્રકાશ ને હૂંફ આપતા રહો, અંધકારમાં રોશનીનો મેળો જમાવતા રહો. ધનતેરસની ભાવનાથી તમે પોતે દુનિયામાં મંગલ દીપ બનો. અને તમારી દિવાળી, તમારી યુવાની, અમર રહેશે.”

— ફાધર વાલેસ

સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014

ફાધર વાલેસનાં પરિચય સ્થળો

Father valles

=======================================

Diwali-2014 Message from President Barack Obama . He attended ceremony of pooja and lighting diyas-lamps in White House

દીપોત્સવી અંક …. ભાગ-૧  અને ભાગ-૨ 

( 557 ) શુભ દીપાવલી ….. નુતન વર્ષાભિનંદન …. ( દીપોત્સવી અંક-ભાગ-૧ )

(558 ) દિવાળી- તહેવારોનું સ્નેહ સંમેલન..સંકલનઃ શ્રી વિનોદભાઇ માછી/ દીપોત્સવી અંક – ભાગ-૨

(558 ) દિવાળી- તહેવારોનું સ્નેહ સંમેલન..સંકલનઃ શ્રી વિનોદભાઇ માછી/ દીપોત્સવી અંક ભાગ-૨

આ અગાઉની પોસ્ટ નમ્બર ( 557 ) શુભ દીપાવલી ….. નુતન વર્ષાભિનંદન …. ( દીપોત્સવી અંક ) ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં શ્રી વિનોદભાઈ માછીએ એમના ઈ-મેલમાં મોકલેલ પ્રસંગોચિત લેખ “તહેવારોનું સ્નેહ સંમેલન…દિવાળી”એમના આભાર સાથે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

આ લેખમાં શ્રી માછીએ ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,નૂતન વર્ષ અને ભાઇબીજ- આ પાંચ તહેવારો વિષે અલગ અલગ ઉપયોગી જાણવા જેવી માહિતી સંપાદિત કરીને પીરસી છે.

આશા છે આપને આ માહિતીસભર લેખ માણવાનું ગમશે  .

લેખની નીચે નવા વર્ષનો સંદેશ આપતાં બે પ્રેરક કાવ્યો અને વિડીયો પણ આપને જરૂર ગમશે  .

વિનોદ પટેલનાં

સૌને સાલમુબારક  . 

==============================

તહેવારોનું સ્નેહ સંમેલન…દિવાળી  ….. વિનોદભાઈ માછી  

દિવાળી એટલે આનંદનો ઉત્સવ,ઉલ્લાસનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ..કાળીચૌદશ..દિવાળી..નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે. 

ધનતેરસઃ 

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ.જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે  આંધળી દોટ મુકાય છે.આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને..જો દાન,પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી. 

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે.દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી.તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું. જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય.જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા,પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે. 

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે.ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે..આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી,ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે,ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે. 

 !! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે !! 

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે.વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે.લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે.વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી…સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત…૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી…અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી…! 

કાળીચૌદશઃ 

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.મનુષ્યમાં રહેલા કુવિચારો..દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે. 

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. 

જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે.

૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ…સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ…રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે. 

દિવાળીઃ 

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે.વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે.સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે.દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ.રાગ-દ્વેષ,વેર-ઝેર,ઇર્ષ્‍યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ. 

દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે.લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે.દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા) 

દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે.  જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે.આનાથી આનંદ..આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ.દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી.દિવો એ જ્ઞાનનું પ્રતિક છે.મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે. 

નૂતન વર્ષ(બેસતું વર્ષ)…

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે…વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે. 

આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે.માણસ મંગળ સુધી પહોંચ્યો છે,પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે.તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.

પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે. 

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે. 

ભાઇબીજઃ 

આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે.બલીરાજા દાનવીર હતા.આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે.આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે.ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે.બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી. 

સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

નૂતન વર્ષમાં સહુ સુખીસમૃદ્ધ બનેસહુ શાંતિમય જીવન જીવેએવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓનૂતન વર્ષના નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો

નૂતનવર્ષાભિનંદન

 સંકલનઃ શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)

મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫

 ======================================================

નૂતન વર્ષ શાંતિ-સૂક્ત • ઉશનસ્

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,

હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,

એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો

એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે

સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;

એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !

એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો …

ઉશનસ્

(જીવનકાળ : 28 સપ્ટેમ્બર 1920 – 06 નવેમ્બર 2011)

===================== 

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું  – ચિત્રભાનુ 

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

 

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,

દીનદુ:ખીયા ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,

કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે

મૈત્રી ભાવનું…

 

માર્ગ ભૂલેલાં જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,

કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું,

માનવતાની શુભ્ર ભાવના, હૈયે સૌ માનવ લાવે,

વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાયે

મૈત્રી ભાવનું…

 

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

 – ચિત્રભાનુ

ઉપરના પૂજ્ય ચિત્રભાનુજી રચિત પ્રેરક ગીતને  નીચેના વિડીયોમાં

સુ..શ્રી ગાયત્રી કામત ના સુરેલા કંઠે સાંભળો  .  

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ……

Singer : Gayatri Kamat at Juhu Haveli , Mumbai on 17 th March,2013