વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: દીપોત્સવી

1248- નવા વર્ષને નવપ્રકાશિત કરીએ, હેપ્પી દિવાળી….ચાલો. ….ભવેન કચ્છી

ઘરની સફાઈ તો થઈ ગઈ પણ તમે જ્યાં પ્રત્યેક ક્ષણ વસો છો તે મનની સફાઈ કરી ખરી ?

આ જે દિવાળીનો પર્વ…ચાલો, આપણને નવા વર્ષમાં નવપ્રકાશિત, નવપલ્લવિત, નવસંચારિત અને નવપ્રેરિત નવા માનવી બનાવી શકે તેવા આ તારામંડળના કુમળા તેજ અને તણખાંમાંથી જીવન દ્રષ્ટિનો ઉજાસ પ્રાપ્ત કરીએ. 

મનના ઘરની ડિઝાઇન કેવી ? 

આપણે બંગલો, ડુપ્લેક્સ કે ફલેટમાં નથી રહેતા. આપણે આપણા મનમાં વસીએ છીએ. હા, તે જ આપણું કાયમનું સરનામું છે. ત્યાં કોઈ સ્કેવર ફીટ કે સ્કેવર યાર્ડનું માપ નથી. તે વિશાળ અને અનંત વ્યાપેલું છે. તમે ગમે તેટલા મોટા દિવાનખંડ, શયન કક્ષ, વરંડા, ગરાજ, બાથરૂમ, બગીચા અને સુશોભન સાથે રહેતા હો તો પણ તમને સુખની અનુભૂતિ તો જ થશે. જો મન રૂપી ઘર પારદર્શક, સાફ-સુથરૂ, દિવ્ય દ્રષ્ટિ સાથેનું હશે.

દિવાળીના તહેવાર પૂર્વે પ્રત્યેક ઘેર સફાઈ થતી હોય છે. ઘણા તો એ હદે મનોબીમાર હોય છે કે રોજેરોજ ઘર, કપડા, વાસણને ચમકાવે. પલંગની ચાદર પર એક કરચલી કે જમીન કે ફર્નિચર પર ધૂણની રજકણ સુદ્ધા ચલાવી ના લે. આખો દિવસ આ સફાઈ, ધોલાઇમાં જ આવી ચિવટ બતાવતાં પૂરો કરી દે. જ્યારે પુરૂષો તેના કબાટ, ફાઈલ, પાસબુક, ડાયરીમાં આવી કાળજી બતાવતાં વર્ષ પૂરું કરે છે.

પણ આપણા મનની અસ્તવ્યસ્તતા અંગે ક્યારેય વિચારતા જ નથી હોતા. મનના એક ખૂણામાં સતત ઇર્ષા સળવળાટ કરે છે. બીજા ખૂણામાં વ્યક્તિઓ અને સમાજ તરફથી અપેક્ષાઓ ઉધઇની જેમ મનને ફોલી ખાય છે. કેટલીયે ખંધાઇ અને ચાલાકી આપણા મનના કક્ષની શેતરંજી હેઠળ આપણે છુપાવીને ફરતા હોઇએ છીએ. 

આપણા મનના કક્ષની જમીન પર વ્યર્થ ચિંતા, નકારાત્મકતા અને બીજા સાથેની તુલના ઠેર ઠેર વિખરાયેલી પડી છે. આપણા  મનના ઘરની શીશીઓમાં ગુરૂતાગ્રંથિ લીક થતી હોય છે. મોહ, લોભ, ક્રોધથી વાસણો ઉકળીને ઉભરાઇ રહ્યા છે. જૂના પૂર્વગ્રહોના વાસણો કાટ ખાઈ ચૂક્યા છે. 

દિવાળી નિમિત્તે ચાલો, આ મનના ઘરની સફાઈ કરીએ. મન છે તો જ દુનિયા સ્વર્ગ છે કે નર્ક છે. એટલે જ ‘મન મંદિર’ શબ્દનું પ્રયોજન થાય છે. પણ આ મનના ઘરની સફાઈની એક ખાસિયત પણ છે. તે તમારા વતી બીજા કોઈ કે નોકર સાફ કરી આપી શકે તેમ નથી. તે તમારે જ સાફ કરવું પડે. તો નવા વર્ષનો સંકલ્પ કરીએ કે તન દુરસ્ત અને મન દુરસ્ત રહીએ.

બોક્સિંગની રમત

જીવન બોકસિંગની રમત જેવી છે… તમે જ્યારે હરિફના બોક્સિંગ પંચથી અધમૂઆ થઇ … જમીન પર ચત્તાપાટ પડી જાવ છો ત્યારે રેફરી તમને પરાજીત જાહેર નથી કરતો પણ તમે જ્યારે જમીન પરથી ઉભા થવાની ના પાડો છો ત્યારે તમને પરાજીત જાહેર કરે છે.

પાણીમાંથી છાસ બને ?

પાણીને ગમે તેટલી વલોવશો તો પણ તેમાંથી છાશ ના જ બને. કાંટાને ગમે તેટલું પાણી પીવડાવશો તો પણ ગુલાબ નહીં ઉગે કોઇની 

પ્રકૃતિ સ્વીકારો. તેની જાતને બદલવા માંગતો વ્યક્તિ પોતે ઇચ્છશે તો જ તે બદલાઈ શકશે પણ તમે તે માટે તમારો વ્યર્થ સમય ન ખર્ચો…. બીજ સ્વયં ફૂટતું હોય છે.

સ્વભાવનું મેનેજમેન્ટ

છીએ એના કરતા

ઓછા દુ:ખી થવાની કળા

…અને……

હોઇએ એના કરતા

વધુ સુખી હોવાની અનુભૂતિ

…એટલે…..

”સ્વભાવનું મેનેજમેન્ટ”

ઓશોવાણી

એક ઘરમાં કેટલાયે વર્ષોથી એક ગિટાર ધૂળ ખાતુ પડી રહ્યું હતું. બાપ-દાદાના જમાનાના ઘણા ઘરો એવા હોય છે જ્યાં વર્ષોથી કોઈ ચીજ એમને એમ જ પડી હોય બસ તે જ હાલ ગિટારના હતા. ભૂલથી કોઈ બાળક તેના તાર છેડે અને અવાજ કરે તો ઘરના સભ્યો અકળાઇને કહેતા કે આ ઘોંઘાટ બંધ કર. કોઈ વખત એવું પણ બનતું કે ઘરમાં ફરતી બિલાડી છલાંગ મારે અને ગિટાર પડી જાય તો રાત્રે બધા ડરના માર્યા ઊંઘમાંથી ઊઠી પણ જતા. 

હવે આ ગિટાર ઘરના સભ્યોને ઉપદ્રવ સમાન અને ઘરની શોભા બગાડનાર લાગતી હતી. ઘરના સભ્યોએ નક્કી કર્યું કે આમ પણ નકામી, ખલેલ પહોંચાડતી, ધૂળ ખાતી ગિટારને ફેંકી દઇએ. તેઓએ ઘર નજીકના ઉકરડામાં તે ગિટારને તુચ્છ ભાવ સાથે ફેંકી દીધી. 

હજુ તો ઘરના સભ્યોએ ગિટાર ફેંકી જ હશે ત્યાં ઉકરડા પાસેથી પસાર થઈ રહેલ ભિખારીએ તે ગિટાર લઈ લીધી. તેણે તેની સફાઈ કરી. તારને ઠીકઠાક કર્યા. તેણે તારનો ઝણઝણાટ આંગળીઓ ફેરવીને શરૂ કર્યો. રસ્તાના નાકે બેસીને તે એવી કર્ણપ્રિય રીતે ગિટાર વગાડતો હતો કે રસ્તા પરથી પસાર થતા રાહગીરો તેને સાંભળવા થંભી જતા, કમાણી તો થઈ જ પણ યશ, કિર્તિ અને કરારો પણ થયા.

હવે ઘરના જે સભ્યો હતા તેઓને લાગ્યું કે આ તો એ જ ગિટાર જે વર્ષોથી ધૂળ ખાતી હતી, પજવતી હતી એને ઉકરડાને હવાલે કરેલી. તેઓ તે ભિખારી પાસે ગયા. જો કે હવે તે ભિખારી નહતો રહ્યો. ઘરના સભ્યોએ કહ્યું કે, ”લાવ આ ગિટાર તો અમારી છે. તું તો જાણે જ છે કે અમે તેને અમારા ઘરની સામેના ઉકરડામાં ફેંકી હતી.”

ભિખારીએ મર્મવેધ નિવેદન કર્યું કે ‘ગિટાર એની છે જેને વગાડતા આવડે છે જે તેનું કામણ અને મહત્તા સમજે છે. તમે ગિટાર ઘરે લઈ જશો તો ફરી તમને તે ઘરમાં પછી ભંગારને સ્થાન આપ્યું તેમ લાગશે. તમારી ઘરની જગા રોકનારું જણાશે. તમારી શાંતિમાં ખલેલ પહોંચાડશે’ ભિખારી ઉમેરે છે ‘કે મારા વ્હાલા સજ્જનો તમને ખબર છે આ જ ગિટાર તમને વગાડતા આવડે તો તમને ગહરી શાંતિની અનુભૂતિ પણ કરાવી શકે તેમ છે. બધુ જ વગાડવા પર નિર્ભર કરે છે.’

જીવન પણ એક ગિટાર છે. પણ આ જીવનની ગિટાર કહો કે વીણા કહો તેને વગાડતા બહુ ઓછા લોકોને આવડે છે. આ જ કારણે આપણને તે ગિટાર ભંગાર, હેતુહિન, શાંતિ માટેની બાધારૂપ અને બોજ સમાન  લાગે છે. આપણે જીવનને બગીચાની જગાએ ઉકરડાને હવાલે કરી દઇએ છીએ.

જેને જીવન જીવતા આવડે છે તેની પ્રેરણા લેવાની જગાએ ઇર્ષા કરીએ છીએ. આપણે એવા અજ્ઞાાનમાં રાચીને ફરી ફેંકી દીધેલી ગિટારને મેળવવા જઇએ છીએ જાણે ગિટારમાં સુખ સમાયેલું છે. ના ગિટારમાં નહીં તેને વગાડવામાં, તેના તારને છેડવામાં, લયબદ્ધ કરીને લીન થવામાં જ દિવ્ય સુખ છૂપાયેલું છે. જીવન અને મનરૂપી ગિટાર અને તેના તાર બંને તમારા હાથમાં છે.

 ધૂળ ખંખેરો, તેને ઓળખો, શાંતિના સ્ત્રોતને જ અશાંતિના સ્ત્રોત તરીકે જોવાનું અજ્ઞાાન ત્યજો.

વકીલની મજા

માણસ પોતાની ભૂલો માટે

ખૂબ સરસ ‘વકીલ’ બને છે.

જ્યારે

બીજાની ભૂલો પર

સીધો ”જજ” બની જાય છે.

પૂર્ણવિરામનું મહત્વ 

પકડો, મત જાને દો.

પકડો મત, જાને દો

ઉપરની બે લીટી સરખી છે માત્ર પૂર્ણવિરામ આમ તેમ થઈ જવાથી દુ:ખી થવાનું અને સુખી થવાનું કારણ સમજાઇ જશે !?

કિસ્મત

જીવન કિસ્મતથી ચાલે છે સાહેબ,

એકલા મગજથી ચાલતુ હોત તો

અકબર નહિં બિરબલ રાજા હોત.

અંગત કોણ ?

આપણું અશ્રુ વિનાનુ રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!!

કેમ છો કહેનારા તો હજાર મળશે પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈ અંગત જ મળશે.

‘કુલી’ની ભૂમિકા

અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘કુલી’ના ગીતની પંક્તિ

”સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ,

લોગ આતે હૈ લોગ જાતે હૈ

હમ યહાં પે ખડે રહ જાતે હેં”

આ પંક્તિ રેલવે સ્ટેશન પર જીવન ગુજારતા ‘કુલી’ની છે.

આપણું પણ કંઇક આવું જ નથી…?

વર્ષો આવતા અને જતા રહે છે આપણે, આપણો સ્વભાવ, આદતો, પ્રકૃતિ અને અહંકાર હજુ ઠેરના ઠેર છે. સમય વીત્યો છે ચહેરો અને કદ કાઠી બદલાઈ છે આપણે તો એના એ જ રહ્યા. જીવનના સીમકાર્ડમાં પણ પ્લાન બદલીએ.

આધુનિક ‘પંચ’ તંત્ર

દિવાળીના તહેવાર નિમિત્તે હળવી શૈલીમાં પણ બોધ લઈએ.

પહેલી વાત : દરેક માણસ પાનકાર્ડ અને આધાર કાર્ડમાં દેખાય છે તેટલો ખરાબ નથી હોતો.

બીજી વાત : દરેક માણસ તેની પત્ની સમજે છે તેટલો ખરાબ નથી હોતો અને એની મા (માતા) સમજે છે એટલો સારો પણ નથી હોતો.

ત્રીજી વાત : દરેક માણસ એમ ઇચ્છે છે કે તેની પત્ની મિસ યુનિવર્સ જેવી દેખાય  અને ઘરમાં કામ મણિબેન જેવું કરે.

ચોથી વાત : દરેક પત્ની એવું ઇચ્છે છે કે તેનો પતિ અંબાણી જેટલું કમાય અને વ્યવહાર-વર્તન મનમોહનસિંઘ જેવું કરે.

પાંચમી વાત : નસીબ તો મોદી જેવું હોવું જોઈએ. સવાલ પૂછવા વિપક્ષમાં કોઈ નેતા નહીં અને ઘરમાં — નહીં.

કયું વરુ જીતશે ?

એક વૃદ્ધ તેના પૌત્રને વાર્તા કહી રહ્યા હતા

”મારા લાડલા, આપણા મનમાં બે વરૂઓ વચ્ચે જોરદાર લડાઈ ચાલતી રહેતી હોય છે. જેમાંથી એક વરુ ખૂબ જ ખૂંખાર, ઝેરીલું, ક્રોધથી ભરેલું છે. જેને આપણે ઇર્ષા, લઘુગ્રંથિ, અહંકાર તરીકે ઓળખી શકીએ… અને બીજું વરૂ સૌમ્ય, શાંત, ઉમદા, ઉદાર, આશાવાદી, દયાળુ અને સત્યપ્રેમી છે. બંને વરૂ એકબીજાને પછાડવા એકબીજા પર હાવી થવા (લડાઇ-સંઘર્ષ) કરતા રહે છે. બંને ભારે તાકતવર પણ છે.”

દાદાનું વાર્તા કથન જારી જ હતુ ત્યાં પૌત્રએ પૂછી કાઢ્યું કે ”દાદા, બેમાંથી ક્યું વરૂ જીતે છે ?” દાદાએ પૌત્રમાં વિચારવાની શક્તિ પ્રબળ બને તે રીતે ઉત્તર આપ્યો કે ‘તું જે વરૂને ખોરાક આપીને તગડુ બનાવીશ,  તે વરૂ જીતશે.’

છેલ્લી બે-ત્રણ પંક્તિનું અંગ્રેજી :

The boy thought and asked.

” Grand Father, Which Wolfwins ?”

The old man quitely replied

“The one you feed.”

…નવા વર્ષમાં આવી પ્રેરક વાતો આચરણમાં મુકી શકીએ તેવી શુભેચ્છા.

સૌજન્ય-સાભાર ..

વિવિધા .. ગુ.સ… ભવેન કચ્છી 

સૌજન્ય- શ્રી વિપુલ દેસાઈ … સુરતી ઊંધિયું 

CLICK FOLLOWING LINK FOR AUDIO

સુખી થવાના દીવાળીના પાંચ દીવસો-જય વસાવડા

Diwali Greetings-1

( 578 ) નવા વર્ષમાં શું નવું કરવા જેવું છે?…. (દૂરબીન)….શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

સાપ ગયાને લીસોટા રહ્યા ની જેમ દીવાળી-નવા વર્ષનું પર્વ હમેશની જેમ થોડો સમય જન જીવનમાં ઉત્સાહનાં પુર રેલાવીને ઓસરી ગયું.નવા વરસે કરેલા સંકલ્પો પણ ભુલાઈ ગયા !દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એ કહેવતને યાદ અપાવે એમ સૌ પોતપોતાની જિંદગીની ચીલા ચાલુ ઘટમાળમાં જોતરાઈ ગયાં .

આ વિષય ઉપર જાણીતા વિચારક અને કટાર લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટએ એમના નીચેના લેખમાં સુંદર જન જીવન અવલોકન રજુ કર્યું છે. સંદેશમાં પ્રગટ એમનો આ પ્રેરક લેખ આજની પોસ્ટમાં વાચકોના આસ્વાદ માટે  અને એના ઉપર મનન કરી અમલ કરવા માટે એમના આભાર સાથે પ્રસ્તુત કર્યો છે.

Krishnkant Unadkat

શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ શ્રી કૃષ્ણકાંત ઉનડકટના ઘણા ચિંતન લેખો અને પરિચય  આ લીંક ઉપર વાંચીશકાશે .

વિનોદ પટેલ

======================================

નવા વર્ષમાં શું નવું કરવા જેવું છે? : (દૂરબીન) : કૃષ્ણકાંત ઉનડકટ

તહેવારો ગયા અને બધું જ પાછું હતું એનું એ જ થઈ ગયું. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે, આકસ્મિક ઘટનાઓને તો પહોંચી વળાતું હોય છે, રોજિંદી ઘટના જ કંટાળાજનક હોય છે. આપણું જીવન જ જાણે ફિક્સ શિડયુલમાં ગોઠવાઈ ગયું છે. એવું જડબેસલાક થઈ ગયું છે કે તેમાં જરાયે સ્પેસ જ નથી બચતી. સવારે પથારીમાંથી ઊઠવાથી માંડીને રાતે પથારીમાં પડવા વચ્ચેના સમયમાં જિંદગી એકસરખી જ જીવાતી રહેતી હોય છે. માણસની જિંદગીમાં શું હોય છે? સ્ટુડન્ટ્સ માટે સ્ટડી, હાઉસવાઇફ માટે ઘરનું કામ અને બધાની સુવિધા સાચવવાની ચિંતા, જેન્ટ્સ માટે કાં તો ઓફિસ અથવા તો ધંધો. બધાને ગોલ પૂરા કરવા હોય છે. જિંદગી જાણે એક સિલેબસ બની ગઈ છે જે પરીક્ષા પહેલાં પૂરો કરવાનો છે.

નવું વર્ષ આવે ત્યારે કંઈક નવું કરવાની તમન્ના જાગે છે, પણ સમય સાથે આ તમન્ના ક્યાં અલોપ થઈ જાય છે એ જ સમજાતું નથી. વળી, એ જ ફરિયાદો આવવા લાગે છે કે બહુ જ બિઝી રહેવાય છે, મરવાનીય ફુરસદ નથી, પોતાના લોકો માટે પણ સમય બચતો નથી, મારે જે કરવું છે એ કરી જ શકતો નથી. ઘણા લોકોએ નવા વર્ષમાં રિઝોલ્યુશન પાસ કર્યા હશે. અમુકના તો અત્યાર સુધીમાં તૂટી પણ ગયા હશે. ઘણા લોકોએ મુદત પાડી હશે. દિવાળીથી નક્કી કર્યું હતું પણ હવે દેવદિવાળીથી શરૂ કરીશ. આવું બધા સાથે થતું હોય છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. સવાલ એ છે કે તમારી અંદર કંઈ બદલ્યું કે નહીં? નવા વર્ષમાં કંઈ નવું તત્ત્વ ઉમેરાયું કે નહીં?

જિંદગીમાં કંઈ પણ નવું બને ત્યારે કંઈક તો નવું થવું જ જોઈએ. આપણી જિંદગીમાં માત્ર એક દિવાળી વધુ ઉમેરાઈ જાય એ પૂરતું નથી, થોડીક જિંદગી પણ ઉમેરાવી જોઈએ. હા, ફેર થતો હોય છે, પણ એ ફેર લાંબું ટકતો નથી. આપણે જલદીથી પાછા મૂળ સ્થિતિમાં આવી જઈએ છીએ. ફિલ્મ જોઈને નીકળીએ પછી થોડોક સમય એની અસરમાં રહીએ છીએ. કોઈ સારું પ્રવચન સાંભળીએ ત્યારે થાય છે કે વાત તો સાચી છે, જિંદગી આમ જ જીવવી જોઈએ. કંઈક સારું વાંચીએ ત્યારે એને યાદ રાખવાનું નક્કી કરીએ છીએ. કોઈ વળી પુસ્તકમાં ગમતી લીટીની નીચે અંડરલાઇન કરે છે. એ વાત જુદી છે કે પછી આપણે એ પુસ્તક ખોલતા હોતા જ નથી. આવું કેમ થાય છે? કારણ કે આપણે ફટ દઈને આપણી ઓરિજિનલ સ્થિતિમાં આવી જઈએ છીએ. સારા વિચારો બધાને આવતાં જ હોય છે. સુંદર જિંદગીની કલ્પનાઓ બધા સેવતા જ હોય છે, પણ એ વિચારો ટકતા નથી. બીજા વિચારો હાવિ થઈ જાય છે અને આપણે બધા પાછા હતા એના એ જ થઈ જઈએ છીએ!

દિવાળીના તહેવારો પછી સામાન્ય રીતે આપણેે ત્યાં લાભપાંચમથી નવા વર્ષનું કામ શરૂ થાય છે. પાંચમે આપણે શેનું મુહૂર્ત કરીએ છીએ? પાછા હતા એવા જ થઈ જવાનું મુહૂર્ત? ઓફિસમાં રજા પૂરી થઈ એટલે કામ ચાલુ થઈ ગયું. હા, આપણે બધાએ આમ તો રોજેરોજ જે કરતાં હોય એ જ કરવું પડે છે, પણ એમાં કંઈ ચેઇન્જ ન થઈ શકે?

થોડાક હળવા રહેવાનું નક્કી ન કરી શકીએ? હસવાનું થોડુંક વધારી ન શકીએ? આપણે જે કંઈ કરીએ છીએ એ ટેન્શન રાખીને જ કરીએ છીએ. ટેન્શનની એવી આદત પડી ગઈ છે કે આપણને હસવું ફાવતું નથી! આપણને આદત જ નથી હોતી! કામ તો ટેન્શનમાં થાય. આપણે બધું જ ફોર્માલિટી ખાતર કરીએ છીએ. હસીએ પણ ત્યારે જ જ્યારે હસવું પડે છે. હસીશું નહીં તો ખરાબ લાગશે એવું વિચારી આપણે હસવાનું પણ નાટક જ કરતા હોઈએ છીએ. ખડખડાટ હસવું હવે દુલર્ભ થતું જાય છે. લોકો હસવામાં પણ વિચાર કરે છે. હું હસીશ તો લોકો શું માનશે? ઘણા તો એવું પણ માને છે કે હસીશ તો લોકો એવું માનશે કે હું મારા કામ પ્રત્યે સિરિયસ નથી. એવું નથી હોતું.

તમે એવું ઇચ્છો છો કે તમને કામનો થાક ઓછો લાગે? તો કામ કરવાની સ્ટાઇલ બદલાવો. કામ વિશેના વિચારો બદલાવો. કામ તો કરવું પડવાનું જ છે. હસીને કરો કે મોઢું ચડાવીને, ટેન્શન રાખીને કરો કે હળવાશથી, તમારું કામ તમારે જ કરવાનું છે. કામ કેમ કરવું એ તમે તમારી રીતે નક્કી કરો. ઓફિસમાં બે વ્યક્તિ એકસરખું જ કામ કરતી હોય છે છતાં એકનું કામ શ્રેષ્ઠ રીતે થતું હોય છે અને બીજાના કામમાં વેઠ થતી હોય છે. આનું કારણ માણસનો કામ પ્રત્યેનો એપ્રોચ જ હોય છે.

દુનિયામાં એવા કેટલા લોકો છે જે પોતાનું કામ એન્જોય કરે છે. તમે એન્જોય કરો છો? યાદ રાખો, જે કામ એન્જોય કરે છે એને જ સફળતા મળે છે. તમારે સફળ થવું હોય તો કામને એન્જોય કરતા શીખી જાવ. એમાં તમારે બીજું કંઈ જ કરવાનું નથી. માત્ર તમારા વિચારો અને વર્તનમાં જ થોડાક ફેરફાર કરવાની જરૂર છે. નવા વર્ષમાં આ કરવા જેવું છે. માત્ર એટલું નક્કી કરી લો કે હું મારું કામ એન્જોય કરીશ, મારા કામમાંથી છટકીશ નહીં, કોઈ એસ્ક્યુસીઝ શોધીશ નહીં. આપણે મોટાભાગે બહાનાં શોધતા હોઈએ છીએ. આ બહાનાં દ્વારા આપણે આપણને જ છેતરતા હોઈએ છીએ.

નવું શરૂ થવાનું હોય ત્યારે કંઈક નવું અને એકડે એકથી શરૂ કરવાનો વિચાર આવે છે. એક ચિંતકે સરસ વાત કરી કે આપણે નવા માટે કેટલી બધી રાહ જોતા હોઈએ છીએ? નવા વર્ષથી આમ કરીશ, બર્થડેથી તો આવું જ કરવું છે, આ એનિવર્સરીથી આટલું તો ચેઇન્જ થવું જ છે. કોઈ દિવસ ઊગે ત્યારે એમ કેમ નથી વિચારતું કે આજનો દિવસ નવો છે, હવે હું કંઈક નવું કરીશ. દિવસ તો દરરોજ નવો જ હોય છે, તો આપણે દર દિવસે કંઈ નવું ન કરી શકીએ? એટલિસ્ટ સવારે બ્રશ કરતી વખતે આપણું મોઢું મિરરમાં જોતા હોઈએ ત્યારે આપણી જાતને એટલું ન કહી શકીએ કે આજનો દિવસ નવો છે, એટલિસ્ટ હું આજનો દિવસ ગઈ કાલની જેમ જ નહીં જીવું, હું આજની દરેક ક્ષણ એન્જોય કરીશ. મારા કામમાં મન પરોવીશ. બધા સાથે પ્રેમથી વાત કરીશ. આપણે આપણી આજ ઉપર મોટાભાગે તો ગઈકાલને જ સવાર રાખીએ છીએ અને એટલે જ આપણને કોઈ દિવસ નવો નથી લાગતો અને બધા જ દિવસો ચીલાચાલુ અને બોરિંગ લાગે છે.

ફ્રેશનેસ નાની-નાની વાતોથી પણ આવી શકે છે. મજા માત્ર પાર્ટીમાં જ આવે એવું નથી, મોટાભાગની મજા નાની-નાની ઘટનાઓ અથવા અમુક હળવી પળોમાં આવતી હોય છે. આપણે દર વખતે મોટિવેશનનું માહાત્મય ગાયા રાખીએ છીએ. હંમેશાં બહારથી અને બીજા પાસેથી મોટિવેશનની અપેક્ષા રાખીએ છીએ. આપણે પોતે ક્યારેય આપણા મોટિવેટર બનીએ છીએ ખરાં? તમે એવું વિચારો છો કે હું જે કંઈ કરું છું એ મારા માટે કરું છું. નોકરી કરનારા મોટાભાગના લોકો એવું જ વિચારતા હોય છે કે હું તો કંપની માટે કામ કરું છું.

જે લોકો પોતાના માટે કામ કરે છે એ જ આગળ વધી શકે છે. પગાર સાથે કામની સરખામણી કરીને કામ કરતા લોકો પણ દુઃખી થતા રહે છે. પગાર ચોક્કસપણે મહત્ત્વનો છે, પણ પગારની અસર તમારા કામ પર ન થવા દો. એક એડ આવતી હતી કે, ઇતને પૈસે મેં ઇતના હી જ મિલેગા… આવો એટિટયૂડ સરવાળે આપણી ક્ષમતા જ ઘટાડતો હોય છે. આપણે આગળ વધવું હોય છે, સફળ થવું હોય છે, પણ આપણો એટિટયૂડ અને એપ્રોચ બદલવો હોતો નથી. પરીક્ષા આવે ત્યારે જ આપણને એમ થાય છે કે પહેલેથી મહેનત કરી હોત તો સારું હતું, ત્યારે એવું પણ નક્કી કરીએ છીએ કે નવી ટર્મ શરૂ થાય એટલે પહેલેથી જ બધી તૈયારીઓ કરવા માંડવી છે, પણ નવી ટર્મ શરૂ થાય ત્યારે એવું થતું નથી. નવા વર્ષે પણ મોટાભાગે એવું જ થતું હોય છે!

આપણે આપણા ચોકઠામાંથી જ બહાર નીકળતા નથી. ઓફિસ કે બિઝનેસના સ્થળે જવાનો રસ્તો પણ આપણે બદલતા નથી,ઓફિસમાં ગયા પછી પણ આપણે મેકેનિકલી એક જ રીતે કામ કરતા હોઈએ છીએ. જરાકેય કંઈ આઘુંપાછું થાય તો આપણાથી સહન થતું નથી. આપણે જરા અમથો ફેરફાર પણ સહન કરી શકતા નથી અને ઇચ્છા રાખીએ છીએ જિંદગી બદલવાની! કંઈ બાંધછોડ જ કરવી ન હોય તો કંઈ છે બદલવાનું કેવી રીતે?

નવા વર્ષમાં બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં, માત્ર વિચારોમાં થોડોક બદલાવ લાવીએ. થોડાક વધુ સારા વિચારો કરવાનું નક્કી કરીએ, થોડાક ખોટા અને ખરાબ વિચારો ટાળવાનો પ્રયાસ કરીએ, હું જે કંઈ કરીશ એને એન્જોય કરીશ અને જે કંઈ કરીશ એ મારા માટે કરતો હોય એવી રીતે કરીશ, થોડુંક હસવાનું વધારીશ અને ફરિયાદ કરવાનું ઘટાડીશ, નવા મિત્રો બનાવીશ અને બધા સાથે નમ્રતાથી વર્તીશ, કોઈને ખોટી રીતે સારું નહીં લગાડું અને કોઈનું ખોટું નહીં લગાડું. આ બધા જ રિઝોલ્યુશન બહુ સહેલા છે,કોઈ વ્યસન છોડવા જેટલા અઘરા નથી. વ્યસન છોડવાનું રિઝોલ્યુશન એટલે છૂટતું નથી કારણ કે એ આપણને સતત યાદ આવે છે, ક્રેવિક થાય છે, આપણું બોડી ડિમાન્ડ કરે છે અને આ બીજા રિઝોલ્યુશન એટલે ટકતા નથી, કારણ કે આપણે એ યાદ રાખતા નથી, ભૂલી જઈએ છીએ. ઘણા લોકો નોટિસ બોર્ડ પર સુંદર પીન મારીને અમુક સુવાક્યો અને નિર્ણયો લખી રાખે છે, પણ એ બધા નોટિસ બોર્ડને બદલે દિલમાં રહેવા જોઈએ. સારું હોય તેને યાદ કરતું રહેવું પડે છે. વધારે નહીં તો થોડોક તો બદલાવ લાવો,થોડો થોડા બદલાવ તમને ક્યારે આખા ને આખા બદલી નાખશે એની તમને ખબર જ નહીં પડે! તમે ચાલવાનું શરૂ કરો, મંજિલ તો નજીક ને નજીક આવતી જ રહેવાની છે.

 kkantu@gmail.com

સૌજન્ય–આભાર …સંદેશ .કોમ ….શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

Source-  http://www.sandesh.com/article.aspx?newsid=3002940