વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ધર્મ

( 516 ) “મિચ્છામી દુક્કડમ :” ….ક્ષમાપના…. સૌએ અપનાવવા જેવી ભાવના

mahaavir-sandesh

 જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો અંતિમ દિવસ  મિચ્છામી દુક્કડમ :  એટલે કે અન્યોન્ય ક્ષમાપના માટેનો દિવસ છે .

આ દિવસની મહત્તા દર્શાવતો મારો એક લેખ ” મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ ‘વિનોદ વિહારમાં અગાઉ તારીખ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૨ ની પોસ્ટમાં મુકાયો હતો એમાં સહેજ સાજ ફેરફાર કરી આજની પોસ્ટમાં મુક્યો છે .

આશા છે આ પોસ્ટ માંના વિચારો આપને ગમશે અને મનનીય જણાશે .

વિનોદ પટેલ

============================

મિચ્છામી દુક્કડમ ….ક્ષમાપના….સૌએ અપનાવવા જેવી ભાવના

વિનોદ પટેલ

ગણેશચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ દર વર્ષે મોટે ભાગે સાથો સાથ આવતા તહેવારો છે .

ગણેશચતુર્થીથી એક સપ્તાહનો ગણેશોત્સવ ઘણાં સ્થળોએ ખુબ ધામધૂમ થી ઉજવાય છે . ગણપતિ બાપ્પા મોરિયા .. જેવા નાદો તેમ જ અવનવા કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠે છે . ધાર્મિક જનો વિઘ્નહર્તા દેવ ગણપતિનું,સ્થાપન,અર્ચન અને પૂજન કરે છે .

પર્યૂષણ પર્વ પણ જૈન સમાજનો એક સપ્તાહનો ધાર્મિક ઉત્સવ છે. આ પર્વના છેલ્લા દિવસે જૈન બંધુઓ અને ભગિનીઓ દેરાસરોમાં સાંજે પ્રતિકમણ બાદ એક બીજાને મિચ્છામી દુક્કડમ : પાઠવે છે .

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.

ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે.

ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા

૨.અપરાધ ક્ષમા

૩.વિપાક ક્ષમા

૪.વચન ક્ષમા અને

૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી અનુભવતો જ હોય છે.આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે. ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો ફાયદો છે ?    

જૈન ધર્મની આ ઉમદા પરંપરા અપનાવીએ અને  મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી  કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે  માફી માગીએ.કેટલો સરસ મિચ્છામી દુક્કડમ  નો સંદેશ છે !

અંતે ,

પેનથી નહીં, પ્રેમથી

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી

શબ્દોથી નહીં,સ્નેહથી

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ 

વિનોદ પટેલ ,સાન ડિયેગો

Ganesh

વેબ ગુર્જરી અને શ્રી મહેન્દ્રભાઈ  શાહના સૌજન્યથી લાભ લ્યો
 ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન  જોવાનો -નીચેની લીંક ઉપર ક્લિક કરીને.

ગણેશ ચતુર્થીને અનુલક્ષીને મહેન્દ્ર શાહનાં ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન

( 489 ) નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ મુલાકાત ……..શ્રી શ્રી રવિશંકરજી

 

Sri Sri Ravishankarji discussing a point  with PM Narendra Modi

Sri Sri Ravishankarji discussing a point with PM Narendra Modi

આર્ટ ઓફ લીવીંગ સંસ્થા ના પ્રણેતા વિશ્વ વિખ્યાત શાંતિના દૂત શ્રી શ્રી રવિશંકરજી ના એક બ્લોગમાં વિહાર કરી રહ્યો હતો ત્યારે મારી નજરે એમાં પોસ્ટ થયેલો શ્રી શ્રી  રવિશંકર લિખિત લેખ    MY FIRST MEETING WITH NARENDRA MODI મારી નજરે પડ્યો .

આ લેખ ખુબ રસથી વાચ્યા પછી મને થયું વી.વી, ના વાચકો માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને એક પોસ્ટમાં પ્રગટ કર્યો હોય તો કેવું,

આ વિચારની પરીપુરતી રૂપે આ લેખનું ગુજરાતીમાં ભાષાંતર કરીને નીચે પ્રસ્તુત કરેલ છે .

આ લેખમાં આજથી ૧૪ વર્ષ પહેલાં મિલેનિયમ વર્ષ ૨૦૦૦ માં શ્રી શ્રી અને નરેન્દ્ર મોદીનો સૌથી પ્રથમ મેળાપ કેવી રીતે થયો એનું રસસ્પદ વર્ણન તેઓએ કર્યું છે .

આ લેખના છેલ્લા પ્રેરેગ્રાફ્માં શ્રી મોદી હજુ વડા પ્રધાન તરીકે ચૂંટાયા પણ ન હતા એ સમયે શ્રી શ્રી ગુરુજીએ એમનો દ્રઢ વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે જે દેશમાં મોદી વર્ષો સુધી આવકાર્ય ગણાયા ન હતા એ દેશ અમેરિકામાં એક દીવસે મોદીને એક મોટા લોકશાહી દેશના વડા તરીકે માનપૂર્વક આવકારાશે .

શ્રી શ્રી રવિશંકરજીની આ આગાહી કેટલી સાચી પડી છે ! આ સપ્ટેમ્બર ૨૦૧૪ના આખરમાં  અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આમન્ત્રણથી ભારતના વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદી અમેરિકા આવી રહ્યા છે જ્યાં એમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે .

સમય સમય બળવાન છે ……..

વિનોદ પટેલ 

==================

નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ મુલાકાત ……..શ્રી શ્રી રવિશંકરજી

જ્યારે નવું મિલેનિયમ વર્ષ નજીક આવી રહ્યું હતું ત્યારે પશ્ચિમના દેશોમાં જાણે કે મોટી આપત્તિ આવવાની હોય અને પૃથ્વીનો અંત આવી જવાનો હોય એવી ભીતિ સેવાઈ રહી હતી. માણસો આવી ભયજનક માનસિક અવસ્થામાં એમના ઘર વેચી રહ્યા હતા અને ખાવા પીવાની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા હતા. આવા વખતે હું એક કાંઠેથી બીજા કાંઠે મુસાફરી કરી રહ્યો હતો અને સૌને વિશ્વાસ આપતો હતો કે આવું કશું બનવાનું નથી . પ્રભુનો પાડ માનો કે પૃથ્વીનો કોઈ વિનાશ ના થયો અને પહેલાંની જેમ બધો વ્યવહાર રાબેતા મુજબ ચાલતો રહ્યો .

ઓગસ્ટ,૨૦૦૦માં યુ.એન. દ્વારા બોલાવાયેલ મિલેનિયમ વિશ્વ શાંતિ શિખર પરિષદને સંબોધવા માટે હું ન્યુયોર્ક શહેરમાં હતો.આ સભાની શરૂઆતમાં એ વખતના યુ.એન.સેક્રેટરી જનરલ કોફી આનનએ સંબોધન કર્યું હતું.

ભારતમાંથી મોટી સંખ્યામાં આવેલ પ્રતિનિધિઓ એમાં હાજર હતા .કદાચ પહેલી જ વખત કેશરી વસ્ત્રો ધારણ કરેલ સ્વામીઓ આટલી મોટી સંખ્યામાં યુ.એન. ની આવી પરીષદમાં હાજર રહ્યા હશે .

આ સભામાં જે વ્યક્તવ્યો અપાતા હતા એનો તરત જ વિવિધ ભાષાઓમાં તરજુમો કરવામાં આવતો હતો પરંતુ એમાં હિન્દી ભાષાનો જ અપવાદ હતો . આને લીધે ત્યાં હાજર ઘણા ભારતીય સ્વામીઓ અને આચાર્યોને સભાની કાર્યવાહી અને અપાતા પ્રવચનોની ભાગ્યે જ ખબર પડી હશે . એ વખતે મને લાગ્યું હતું કે આવા મોટા પ્રસંગો માટે જરૂરી વધુ સારી વ્યવસ્થા શક્તિ અને કાર્યક્ષમતા આપણે બતાવી શક્યા હોત .

દરેક વક્તાને બોલવા માટે પાંચ મીનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો . મેં મારું પ્રવચન આ મુકરર સમયમાં પૂરું કર્યું હતું. મારા પછી શ્રી સત્યનારાયણ ગોએન્કાને બોલવાનો વારો હતો .એમણે આ નિયત સમય પછી પણ બોલવાનું ચાલું જ રાખ્યું. એમને બેસી જવા માટે એક બે અને ત્રણ વખત સભા પ્રમુખે ઘંટડી વગાડી ચેતવણી આપી પણ એની દરકાર કર્યા વગર એમણે બોલે રાખ્યું.પરિણામે એમને અટકાવીને મંચ ઉપરથી ઉતારી દેતાં ભારતીય પ્રતિનિધિ મંડળ માટે શરમજનક અને દુખદ પરિસ્થિતિ સર્જાઈ ગઈ !

આ સભા પૂરી થતાં અમે બધા પ્રતિનિધિઓ લોબીમાં બેઠા હતા . મારી બિલકુલ સામેની બાજુ વાદળી રંગનો સફારી શૂટ પરિધાન કરેલ એક ભાઈ બેઠા હતા.ગોયેન્કાજી એ ભાઈની બાજુમાં બેસીને ફરિયાદ કરી રહ્યા હતા કે ૧૮ કલાકની મુસાફરી કરીને ભારતથી આટલે દુર આવ્યા અને અડધો કલાક પણ બોલવા માટે ના આપવામાં આવે એ કેવું કહેવાય ! થોડા સમય પછી, આ મિલેનિયમ વિશ્વ શાંતિની શિખર પરિષદ માટે ભારતીય પ્રતિનિધિ મંડળના કો-ઓર્ડીનેટર ડો. બી.કે.મોદીએ વાદળી રંગનો સફારી શૂટ પહેરેલા ભાઈની મને ઓળખાણ કરાવતાં કહ્યું ‘ આ આર.એસ.એસ.ના પ્રચારક શ્રી નરેન્દ્ર મોદી છે .’

નરેન્દ્ર મોદીએ મારું અભિવાદન કરતાં કહ્યું ‘તમારું પ્રવચન ટૂંકું અને બિલકુલ મુદ્દાસરનું હતું. બધા લોકોએ એની પ્રસંશા કરી હતી .’ મને મનમાં થયું ,આમ કહીને તેઓ મને અભિનંદન આપી રહ્યા હતા કે સભામાં ગોયેન્કાજી બાબતે જે કાંઈ બન્યું એ વિષે કોઈ ગુઢ સંદેશ આપી રહ્યા હતા એ બાબતે હું ચોક્કસ ન હતો .

જવાબમાં મેં ફક્ત મુખ ઉપર સ્મિત કર્યું અને ત્યાંથી થોડો દુર ખસી ગયો. આ રીતે થઇ હતી મારી નરેન્દ્ર મોદી સાથેની સૌથી પ્રથમ મુલાકાત અને અન્યોન્ય વાતચીત .

મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એના થોડા મહિનાઓ બાદ ડીસેમ્બર ૨૦૦૧ માં અમદાવાદ ખાતેના અમારા એક કોઓરડીનેટર ભાઈ મેહુલે મને ફોન કર્યો . આ ફોનમાં એણે જણાવ્યું કે વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી એને ખબર પડી છે કે નવી બનેલી મોદી સરકારને મુશ્કેલીમાં મુકવા માટે તોફાનો કરાવવાની યોજના ઘડાઈ રહી છે .ફેબ્રુઆરી ૨૦૦૨માં હુલ્લડો ફાટી નીકળ્યા જેની અસરથી આખો દેશ શોક, દુખ અને અવિશ્વાસના માહોલમાં ઘેરાઈ ગયો.

કારસેવકોને ગાડીના ડબ્બામાં જીવતા જલાવી દીધાના કમનશીબ બનાવ પછી જે પ્રમાણમાં હિસા ફાટી નીકળી એનો કોઈનાથી બચાવ થઇ શકે એમ નથી અને કરવો પણ ના જોઈએ .

હુલ્લડો બાદ થોડા સમયમાં જ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્વયંસેવકો એ પીડિતોની સારવાર અને રાહત કેન્દ્રોની પ્રવૃતિનું કામ શરુ કરી દીધું.મેં શાહ આલમ કેમ્પ સહીત અમદાવાદમાં શરુ કરેલ બીજા રાહત કેન્દ્રોની જાતે ફરીને મુલાકાત લીધી.હિંદુ તેમ જ મુસ્લિમ એમ બન્ને કોમોના આ તોફાનોનો ભોગ બનેલા માણસોના દુખ દર્દોને સાંભળ્યા .એમની વાતોની સંવેદનશીલતા એક   હોરર સ્ટોરીને મળતી આવે એવી હતી .હું મુખ્ય મંત્રીને મળ્યા સિવાય બેંગ્લોર પરત આવી ગયો અને અમદાવાદનાં અમારાં રાહત કેન્દ્રોનું કામકાજ ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું હતું.    

બન્ને કોમની જાણીતી વ્યક્તિઓને હું મળ્યો જેથી એમની વચ્ચે સંવાદ જળવાઈ રહે .કેટલાક માણસોએ એવો આરોપ પણ મુક્યો કે સંઘ પરિવારે જ લઘુમતી કોમ પર હુમલો કરી શકાય એ હેતુથી ટ્રેનને આગ ચોપી હતી. પરંતુ હું એમની સાથે સંમત ન હતો

આવી ગંભીર પરિસ્થિતિના માહોલમાં મારે નરેન્દ્ર મોદીને બીજી વખત મળવાનું થયું.૨૦૦૪ માં ફરીથી મેં ગુજરાતની મુલાકાત લીધી .ત્યાં સુધીમાં તો મોદીની વિરુદ્ધમાં યુદ્ધની રેખાઓ ખેંચાઈ ચુકી હતી . મોદીને ઉતારી પાડી ટીકાઓ કરવાની જાણે કે એક ફેશન થઇ ગઈ હતી. આવા માહોલમાં મોદીને માટે જરા પણ સારું બોલે એના ઉપર કોમવાદી કે આર.એસ.એસ. કે વિશ્વ હિંદુ પરિષદનો સિક્કો લાગી જતો હતો .

મેં મોદીને મળી આ બાબતમાં એ શું વિચારે છે એ જાણવાનું નક્કી કર્યું. અમારી બેઠક શરુ થતાં જ મેં મોદીની આંખમાં આંખ પરોવીને પૂછ્યું ‘ મુખ્ય મંત્રી તરીકેની તમારી સત્તાઓનો ઉપયોગ કરીને તમે આ હુલ્લડોને રોકવા માટે તમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા ખરા ?’

મારા આવા સીધા સવાલથી તેઓ અચંબામાં પડી ગયા .તરત જ પોતાની જાતને સંભાળી લઇ આંખમાં આંસુની ભીનાશ સાથે મોદીએ જવાબ આપ્યો ;’ગુરુજી મારા વિરુદ્ધ થઇ રહેલા પ્રચારને તમે પણ શું સાચો માની લીધો ! ‘

એ પછી અમારે આગળ વધુ વાત કરવાની ના રહી . મને ખબર હતી જ કે મોદીએ આ હુલ્લડોમાં કોઈ ભાગ ભજવ્યો ના જ હોય . એક મુખ્ય પ્રધાન કેવી રીતે એની જાતે એનું મુખ કાળું કરે કે એની આબરૂનો નાશ કરે . એવું બની જ ના શકે

થોડી મીનીટો અમે શાંતિથી બેસી રહ્યા. મેં મોદીને હૈયા ધારણ આપી કે સત્ય એમના પડખે છે અને એક દિવસ આખો દેશ એમની સાચી ઓળખ કરશે .’

ત્યાર પછીનાં વર્ષો દરમ્યાન , જ્યારે જ્યારે હું ગુજરાતની મુલાકાત લેતો હતો ત્યારે તેઓ આવતા અને મારી સાથે મેડીટેશનમાં થોડી મીનીટો બેસતા.ઘણીવાર તેઓએ ગ્રામ વિસ્તારો માટે શું કામ કર્યું છે એની મને માહિતી આપતા.તેઓ જાણે છે કે ગ્રામ્ય વિકાસ એ મારો ગમતો વિષય છે . કોઈવાર તેઓ અમારા સત્સંગના કાર્યક્રમમાં પણ ભાગ લેતા હતા .મોદી મા દુર્ગાને ચુસ્ત રીતે માને છે અને તેઓ જે પ્રકારનો મજબુત આધ્યામિક રસ ધરાવે છે એનાથી ઘણા ઓછા લોકો વાકેફ હશે .

છેલ્લા ઘણા વર્ષોથી જે દેશમાં મોદીની હાજરી આવકાર્ય ન હતી એ અમેરિકા દેશમાં જ હું એમને પ્રથમ વખત મળ્યો હતો. છેલ્લે તેઓ ૨૦૦૦ના વર્ષમાં અમેરિકા ગયા હતા ત્યારે એક નિષ્ઠાવાન કટિબદ્ધ સામાજિક કાર્યકર તરીકે ગયા હતા . છેલ્લા ૧૪ વર્ષોમાં સમયના પુલ નીચેથી ઘણું પાણી વહી ગયું છે . હવે પછીની શ્રી મોદીની અમેરિકાની મુલાકાત દુનિયાની મોટામાં મોટી લોકશાહી દેશ ભારતના એક વડા તરીકેની હશે એમ મને લાગે છે .

——————————————–

 આ લેખને અંગ્રેજીમાં વાચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો .

Thanks–http://srisriravishankar.org/my-first-meeting-with-narendra-modi/

===============================================

ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૦ માં શ્રી શ્રી રવિશંકર અને શ્રી મોદીનો પ્રથમ મેળાપ થયો ત્યારબાદ બન્ને વચ્ચે ગુરુ-શિષ્ય સંબંધ બળવત્તર થતો ગયો છે .

૨૬મી મેં ૨૦૧૪ન રોજ શ્રી નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા એ રંગારંગ સમારંભમાં શ્રી મોદીના આમન્ત્રણથી તેઓનું આગલી હરોળમાં સન્માન કરી આવકાર આપવામાં આવ્યો હતો અને એમના આશીર્વાદ મેળવ્યા હતા .

શ્રી નરેન્દ્ર મોદીના પુસ્તક સાક્ષીભાવ નું લોકાર્પણ એમના આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં શુક્રવાર તા. ૭ મી માર્ચ ર૦૧૪ના રોજ યોજાએલ સમારંભમાં કરવામાં આવ્યું હતું .

નરેન્દ્ર મોદીને પ્રજાએ હંમેશાં રાજનેતા તરીકે જોયા છે, પરંતુ તેમનું આધ્યાત્મિક વલણ બહુ ઓછા લોકો સમક્ષ આવ્યું છે  આ પુસ્તકમાં સ્પષ્ટપણે નિરૃપણ કરાયું છે.

શ્રી શ્રી રવિશંકરજીએ શ્રી મોદીના સાક્ષીભાવ પુસ્તકના વિમોચન સમારંભમા પ્રવચન કરતાં કહ્યું હતું કે “હાલ આશા ગુમાવી બેઠેલા દેશના હજ્જારો યુવાનોમાં આ પુસ્તકથી આશાનો સંચાર થશે.દેશના કમળને એક શેરની જરૂર હતી, તે તો મળી ગયો. હવે આ શેરમાં પણ એક કમળ ખીલ્યું છે.”-શ્રી શ્રી રવિશંકરજી.

આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકરજી એ આપેલ પ્રેરક સંદેશનો વિડીયો નીચે પ્રસ્તુત છે .

Speech of Sri Sri Ravishankar ji at Narendra Modi’s book release function

CLICK ON THIS LINK TO SEE VIDEO

http://www.youtube.com/watch?v=XJBGKnQpvJk