ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી.પી.કે.દાવડા એમના ઈ-મેલમાં ચૌદમી સદીથી વીસમી સદી સુઘીના ભક્ત કવિઓ અને તેમની રચનાઓ વિષે એમના અભ્યાસ પૂર્ણ લેખો મિત્રોને વાંચવા માટે લગભગ દરરોજ મોકલે છે .
એમની આ ઈ-મેલ પ્રસાદીમાંથી આદ્ય ભક્ત કવિઓ અખો, ભોજો અને ધીરો તથા દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન,રસાસ્વાદ સાથે દાવડાજીના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
અખો, ભોજો અને ધીરો
અખો ભગત
સોળમી સદીના જન્મેલો અખો અને અઢારમી સદીમાં જન્મેલા ભોજો અને ધીરો, આ ત્રણે આપણા મધ્યકાલીન ભક્ત કવિઓ છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન કાયમને માટે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. આ ત્રણ કવિઓમાં જે એક વાત સરખી છે તે છે, સમાજની બુરાઈઓ સામે તેમનો તીખો આક્રોશ.
એ સમયે રૂઢીચુસ્ત લોકોની સમાજ ઉપર જબરી પકડ હતી. જરા વાંકું પડે તો તમને નાત બહાર મૂકી, તમારી સાથે રોટી-બેટીનો વ્યહવાર બંધ કરી, તમને સમાજમાં અછૂત બનાવી દેતા. એવા સમયે આ ત્રણે જણાએ જે હિમ્મત દેખાડી અને આકરા શબ્દોમાં સમાજને છેતરનારા ઢોંગી લોકોને ખુલ્લા પાડ્યા, એથી આજે પણ લોકો આશ્વર્યચકિત થઈ જાય છે.
શરૂઆત અખા ભગતથી કરૂં. અખાની વાતોમાં સીધા હુમલા છે. ગોળ ગોળ કે ફેરવીને વાત કહેવાનું અખાને ફાવતું નથી. એના ઘા પણ જનોઈ વાઢ હોય છે, એક ઘા ને બે કટકા. શબ્દોને શણગારીને મુકનારાઓમાંનો એ નથી. આપણા આજે પણ ચલણમાં રહેલા ધાર્મિક રીત-રિવાજો વિષે એ કહે છે,
“એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”
પૂજાના આ પ્રકારને મૂરખ કહેવાની હિમ્મત તો અખો જ કરી શકે. અને ઈશ્વર તો એક જ હોય, આપણા તો કેટલા બધા દેવી-દેવતા છે?
બીજા એક છપ્પામાં એ કહે છે,
“વૈષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પતાવળાં ભરે,
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝું ખાય,
કીર્તન ગાઈને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.”
વૈષ્ણવો જેવા શક્તિશાળી સમાજની આવી ટીકા કોઈ કરી શકે ખરા? પણ વાત તો સાચી છે, આજે પણ!
ભક્તિના પ્રકાર ઉપર પ્રહાર કરતાં અખો કહે છે,
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંયા હરિને શર્ણ;
કથા સુણી સુણિ ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
અખાએ માત્ર ધાર્મિક રીતરિવાજો વિષે જ નથી લખ્યું, સમાજના બીજા અનેક કુરીવાજો વિષે કડક શબ્દોમાં આસરે ૭૦૦ છપ્પા લખ્યા છે. અખાએ જે વાતોને આજથી પાંચ સદીઓ પહેલા વખોડી છે, એ વાતો એક અથવા બીજા સ્વરૂપે આજે પણ સમાજમાં પ્રચલિત છે. મુઠ્ઠીભર અંધ શ્રધ્ધા નિર્મૂલનવાળા આમાં કંઈ મોટો ફેરફાર કરાવી શક્યા નથી.
“ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.”
આ છપ્પામાં આપણાં ધર્મગ્રંથોના જુદા જુદા અર્થ કરતા કહેવાતા ધર્મગુરૂઓ માટે અખો કહે છે કે આવા પોતાની મરજી મુજબ અર્થ કરનારા ગુરૂઓએ અંદર અંદર જ એકબીજાની ટીકા કરી છે, એક ગુરૂએ કાઢેલા અર્થને બીજો ગુરૂ નકારે અને પોતાને આગલા કરતાં વધારે જ્ઞાની દર્શાવવાની કોશીષ કરે, એની અખો ઝાટકણી કાઢીને કહે છે, કે બધા અંધારાકુવામાં હવાતિયાં મારો છો, પણ એક નિર્ણય ઉપર આવતા નથી.
અહીં અખાએ સતસંગમાં એકઠા થતા શ્રોતાઓ ઉપર કોરડો વિંઝતા કહ્યું છે કે મારગ ક્યાંથી મળે? આંધળા સસરાને દોરી જનારી વહુએ તો ધૂંધટો તાણેલો છે. શણઘટ એટલે લાજ કાઢેલી. આવા લોકો સતસંગમાં ઉંધુંચત્તું સમજે છે, અને એનો અમલ કરે છે. જેવી રીતે આંખમાં કાજળ આંજવાનું કહ્યું હોય તો એને ગાલ ઉપર લગાડવાનું સમજે છે.
છેલ્લી પંક્તિમાં અખાએ કમાલ કરી છે. એક તો કથા કહેનાર પોતે માંડ માંડ સમજે છે, જેમ ઊંડા (અછતવાળા) કુવામાંથી પાણી માંડ માંડ મળે, અને તેમાં સાંભળવાવાળાની હાલત ખોબામાંથી પાણી મોઢામાં જવાને બદલે આંગળીઓ વચ્ચેથી નીકળી જાય, એના જેવી હોય, તો એ શું શીખી શકે?
આજે પણ રોટલા ખાવાને બદલે એને બનાવવામાં કેટલા ટપાકા થયા એની ચર્ચા કરતા ભાષાવિદોને આજથી ચારસો વર્ષ પહેલા અખાએ તમાચો માર્યો છે, છતાંયે કૂતરાની પૂંછડી ક્યાં સીધી થઈ છે?
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર”
એક વધારે છપ્પો જોઈ લઈયે.
“આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે
ધીરા ભગત
અઢારમી સદીમાં અખાની જેમ ધીરા ભગતે પણ કુરીવાજો સામે આક્રોશ ઠાલવ્યો. એમણે પણ તે સમયની ધાર્મિક માન્યતાઓ અને ક્રીયાકાંડની ઠેકડી ઉડાડતા પદો રચ્યા. એમના પદો કાફી રાગમાં ગવાતા એટલે એ ધીરા ભગતની કાફીઓ નામે પ્રસિધ્ધ છે. ધીરાએ એની સૌમ્ય શબ્દોવાળી ભજનની પંક્તિઓમાં બહુ સમજવા જેવી વાતો કહી છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ.
“જીવ નહિં એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,
ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ..”
અહીં એણે માત્ર સાચી હકીકતનું જ બયાન કર્યું છે, જે આજે પણ અસ્તિત્વમાં છે. લાકડાની અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, એને દૂધે નવડાવવામાં આવે છે, અન્નકૂટના ઢગલાઓ એની સામે મૂકવામાં આવે છે, અને બીજી બાજુ ભૂખથી ટળવળતા, દવાદારૂને અભાવે મરણશરણ થતા જીવતા માણસોની કોઈ પરવા કરતું નથી. એ જ ભજનમાં ધીરો આગળ કહે છે,
નહાવાથી શરીર તો સાફ થશે, પણ મનમાં ભરેલો મેલ નહિં સાફ થાય, સાપ દરમાં ઘૂસી જાય પછી રાફડા ઉપર લાકડી પછાડવાથી શો ફાયદો? મનમાં કૂળકપટ રાખી બહારથી દેવદર્શન અને ધરમદાન કરવાથી કોઈ ફાયદો નહિં થાય.
ક્યારેક તો ધીરો પોતે નિરાશ થઈને કહે છે,
“કોને કહું કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર,
એક દેશ એવો રે, બુધ્ધી થાકી રહે તહીં,
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિં.”
મારો કહેવાનો અર્થ જ કોઈ સમજતું નથી, આખો ડુંગર ઘાસ નીચે છુપાઈ ગયો છે, લોકોને ઘાસ દેખાય છે, ડુંગર જ દેખાતો નથી.
ધીરાએ કેટલીક ભવિષ્યવાણી પણ પોતાના કલિયુગની એંધાણી નામના પદોમાં કરી છે. એણે કહ્યું છે કે આવતા સમયમાં,
“વરસો વરસ દુકાળ પડે, અને વળી સાધુ કરશે સૂરાપાન,
આ બ્રાહ્મણ માટી ભરખશે, અને વળી જોગી બોગી થાશે;
બાવા થાશે વ્યભિચારી, આ છે કલિયુગની એંધાણી.”
આગળ એ કહે છે,
“ રાજતો રાણીઓના થાશે, અને વળી પુરૂષો થાશે ગુલામ,
ગરીબની અરજી કોઈ સાંભળશે નહિં,અને સાહેબને કરશે સલામ,
એની બેની રોતી જાશે અને સગપણમાં સાળી રહેશે,
ધરમ કોઈનો રહેશે નહિં અને એક પ્યાલે વરણ અઢાર,
આ છે કલિયુગની એંધાણી.”
આમાની બધી ભવિષ્યવાણી વત્તેઓછે અંશે સાચી તો પડી જ છે.
ભોજા ભગત
ભોજાનું આ ભજન સદીઓથી ગવાતું આવ્યું છે અને આજે પણ લોકપ્રિય છે.
પ્રાણિયા, ભજી લેને કિરતાર, આ તો સ્વપનું છે સંસાર…..
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે, ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.
છેલ્લી બે રચનાઓની ભાષા ચાબખા કરતાં અલગ છે. એ અખા કરતાં નરસિંહ અને ધીરા જેવી છે.
આજે ચાર-પાંચ સદીઓ પછી પણ સમાજમાં આ ત્રણે સંતોએ વર્ણવેલી બદ્દીઓ પ્રવર્તમાન છે. અંધ શ્રધ્ધા નિર્મૂલવાળાઓની હત્યા થઈ જાય છે. દેશની સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો જ દેશને આમાંથી મુક્તિ અપાવવાને બદલે અખા અને ધીરાના સમયમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.
આપણે આજે અખાને, ધીરાને અને ભોજાને સાહિત્યકારો તરીકે મૂલવીયે છીયે, પણ હકીકતમાં આ ત્રણે સમાજ સુધારક હતા. રૂઢીચુસ્ત લોકોએ એમનું બહુ સાંભળ્યું નહિં અને એમને હળધૂત કર્યા એટલે ઈતિહાસકારોએ એની બહુ નોંધ લીધી નથી.
–પી.કે.દાવડા
દાસી જીવણનાં બે ભજન
અઢારમી સદીમાં થઈ ગયેલા કૃષ્ણભક્ત જીવણદાસ પુરૂષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. એમના પદો આજે પણ લોકપ્રિય છે. દાસી જીવણ સૌરાષ્ટ્રની મીરાંબાઈ કહેવાય છે. એમની થોડીક પ્રખ્યાત પંક્તિઓનો રસપાન કરીયે.
એમની બંગલાનો બાંધનાર કવિતા ખૂબ લોકપ્રિય છે.
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ,
ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ,
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, બંગલો કોણે રે બનાવ્યો?
આ ભજનમાં શરીરને એક મકાન સાથે સરખાવવામાં આવ્યું છે, પણ ખુલાસો કર્યો છે કે આ ઈંટ, પથ્થર અને ચૂનાથી ચણાયલું મકાન નથી, આ તો પાણીની બનેલી હવેલી છે. આપણે આજે જાણીયે છીએ કે આપણા શરીરના વજનનું ૮૦ % વજન પાણી (પ્રવાહી) નું છે. આ મકાનના દસ દરવાજાની વાત તો અનેક જગ્યાએ કહેવાઈ ચૂકી છે, પણ અહીં જીવણે નવસો નવાણું બારીઓની વાત કરી છે, એ બારીઓ વિશે તો હું પણ કંઈ નથી જાણતો. આ મકાનનો માલિક ઈશ્વર છે. આ મકાનનો ભાડુત એટલે આપણો જીવ. મકાન માલિકની નોટીસ આવે એટલે મકાન ખાલી કરે જ છૂટકો.
આમ રૂપકો દ્વારા સંતો આપણને સમજાવતા રહ્યા છે કે Every product has an expiry date, એટલે સમય રહેતાં એનો સદઉપયોગ કરો.
દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન
દાસી જીવણનું આ ભજન મેં મારા નાની અને દાદીના મોઢે ઘણીવાર સાંભળ્યું છે. આ ભજનમાં સંબંધોની સચ્ચાઈ ખૂબ સરસ રીતે ઉઘાડી પાડી છે. જે શરીરને પંપાળવા માટે આપણે કેટલું સાચું-ખોટું કરીએ છીએ, એ શરીરનું આખરે શું થાય છે એ વાત જીવણે બેજીજક કહી સંભળાવી છે. અંતિમ ચાર પંક્તિઓમાં સાચો બોધ છે, પણ કેટલું ગ્રહણ થાય છે એ પ્રત્યેકની જાગૃતિ ઉપર અવલંબે છે.
વાચકોના પ્રતિભાવ