વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: નવીન બેન્કર

1101 – ગફુરચાચા   ( એક રેખાચિત્ર ) … નવીન બેન્કર

૭૫ વર્ષ વટાવી ગયેલ હ્યુસ્ટન નિવાસી  મારા સહૃદયી મિત્ર શ્રી નવીન બેન્કરએ એમના પડોશી મુસ્લિમ બિરાદર  ગફુર ચાચા નું સુંદર શબ્દ ચિત્ર એમના ઈ-મેલમાં  વાંચવા માટે  લખી મોકલ્યું છે . મને એ ગમ્યું  એટલે નવીનભાઈના આભાર  સાથે આજની પોસ્ટમાં વાચક મિત્રો સાથે શેર કરું છું.

આ લેખ વાંચતાં અબ્દુલ ચાચાનું એક કાલ્પનિક ચિત્ર મારા મનમાં ઉભું થયું એને મેં પેન સ્કેચ મારફતે રજુ  કરવાનો પ્રયાસ કયો છે.  વિ .પ. 

ગફુર ચાચા   ( એક રેખાચિત્ર ) .. શ્રી નવીન બેન્કર 

 

 

Navin Banker

ગફુરચાચા મારા સાખ પાડોશી છે.અમે મુસ્લીમ બહુમતિવાળા કોન્ડોમિનિયમમાં રહીએ છીએ.ઉપરના માળે બે મુસ્લીમ ફેમિલી અને બાજુમાં એક મુસ્લીમ ફેમિલી, ઉપરાંત ચોથા જોડકામાં અમે એટલે કે હું અને મારી પત્ની. અમારી અને ગફુરચાચાની વચ્ચે એક કોમન દિવાલ છે.એક સાઈડની દિવાલ પર, બાથરૂમ, ક્લોઝેટ અને સ્ટડીરૂમ પર કોમન પાર્ટીશન છે. એટલે હું એને સાખ પાડોશી કહું છું. 

આ ગફુરચાચાના પત્નીનું નામ સકીનાચાચી. એમની પરિણીત દીકરીનું નામ ફરાહખાન અને હેન્ડસમ જમાઇનું નામ અબ્દુલ મજીદ.પણ એ પોતાને સલમાનખાન તરીકે ઓળખાવે છે. એની પત્ની અને ઘરના સભ્યો પણ એને સલમાન તરીકે જ સંબોધન કરે છે. આમ તો મને ય એનું સાચું નામ ખબર જ ના પડત, પણ એક વખત મેઇલમેન ( ટપાલી) ભુલથી એની ટપાલ મારા મેઇલ બોક્સમાં નાંખી ગયો અને એમાં ટેક્સાસ ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક સેફ્ટીની અંગત નોટીસ હતી એના પરથી મને ખબર પડી ગઈ.

ફરાહ અને સલમાન યુવાન છે અને તેમને બે વ્હાલાં લાગે એવાં નાનકડાં સંતાનો છે.અમને ફરાહ અને સલમાન ઘણીવાર મદદરૂપ થાય છે. પલંગ કે કબાટ ખસેડવું હોય કે પાર્કીંગ લોટમાંથી તેલનો ડબ્બો અને ચોખાની ગુણ ઘરમાં લાવવી હોય ત્યારે સલમાન જ કામ લાગે. એ લોકો પોતાને અસલી મુસ્લીમ ગણાવે છે. ‘અમે આગાખાની નથી. અમે તો હૈદ્રાબાદના ‘સૈયદ’ છીએ’.મારી પત્ની પણ પોતાને અસલી વૈષ્ણવ-મરજાદી- ગણાવે છે તેમ. પાડોશી તરીકે લાગણીના સંબંધ ખરા પણ રોટી-વહેવાર નહીં. ફરાહ કોમ્યુટર પ્રોગ્રામર છે અને સલમાન એન્જિનિયર છે. બન્ને જોબ કરે છે. ગફુરચાચા અને સકીના ચાચી ઘરમાં જ રહે. બન્ને કાર ચલાવતાં નથી અને અંગ્રેજી પણ નથી શીખ્યાં- મારી પત્નીની જેમ જ.

આટલી પુર્વભૂમિકા પછી આપણે મૂળ વાત પર આવીએ. 

ગફુરચાચાને પહેલાં તો હું સલમાનનો બાપ સમજતો હતો, પછી ખબર પડી કે એ સલમાનનો સસરો છે અને એ ફરાહનો બાપ છે. દીકરી, માબાપને રાખે છે અને ગફુર ચાચાના ત્રણે દીકરા જુદા જુદા શહેરોમાં નોકરી કરે છે અને પોતાની પત્નીઓ સાથે અલગ રહે છે.

અમેરિકામાં ઘરડા માબાપ સીટીઝન ન થયાં હોય ત્યાં સુધી એમને મેડીકલ, ફુડ કૂપન, સોશ્યલ સીક્યોરિટીના લાભો મળે નહીં એટલે દીકરાઓને, માબાપનો ‘ભાર’ ઉઠાવવો પાલવે નહીં. અમદાવાદમાં પણ હું ઘણાં અપંગ ઘરડાં માબાપને ઓળખું છું કે જેમના દીકરા અને દીકરીઓ અમેરિકામાં ખાધે પીધે સુખી હોવા છતાં અપંગ માબાપને બોલાવતાં નથી કારણ કે એ લોકો આવે એના પહેલા ત્રણ કે પાંચ વર્ષનો ભાર તો સંતાનોએ જ ઉપાડવો પડે ને ! 

ગફુર ચાચાને હું જતાં આવતાં જોતો. ક્યારેક પાર્કીંગ લોટમાં કારને અઢેલીને સિગરેટ ફુંકતા હોય તો ક્યારેક જમાઈની કારમાં મોહમ્મદ રફીના ગીતો સાંભળતા હોય. ક્યારેક મેઇલ બોક્સ પાસેની ફુટપાથ પર, ગાર્બેજ કેન નજીક પલાંઠી વાળીને બેઠા હોય અને સિગરેટ ફુંકતા હોય. છ ફુટ બે ઇંચની ઉંચાઇ, સફેદ લાંબી દાઢી, ભરાવદાર સફેદ વાળ, અને મુસ્લીમ ડ્રેસમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ચાચાને જોઇને,  મારી મરજાદી પત્નીને બીક લાગે. એમને એમાં કોઇ આતંકવાદી દેખાય. અમે ૧૯૭૯ની સાલમાં, પહેલીવાર ન્યુયોર્ક આવેલા ત્યારે પણ એને ‘કાળિયાઓને’ જોઇને ડર લાગતો. ટીવી પર બધા શો માં ગુનેગારો મોટેભાગે કાળિયા જ હોય એટલે એના મનમાં એવી વાત ઠસી ગયેલી. 

ગફુરચાચા સવારમાં ઉઠીને, બહાર પરસાળમાં આરામ ખુરશી પર ટેલીફોન લઈને જમાવી દે અને એમના જેવા નવરા ડોસાઓ સાથે લાંબી વાતો કરે-મોટેમોટેથી.  આ પરસાળ શબ્દ ઘણાંને નહીં સમજાય. અમારા કોન્ડોમિનિયમમાં અમારૂં ઘર, નીચેના ફ્લોર પર છે એટલે અમને પ્રવેશદ્વાર પાસે  લોબી મળે. આ લોબી એટલે જ પરસાળ. મારી પરસાળમાં મારી પત્ની મારા જુના મેગેઝીનો, પુસ્તકો, જુતાં , તુલસીનો છોડ, લીમડો ને એવું બધું મુકે છે. એટલે મારે માટે આરામ ખુરસી મુકવાની જગ્યા નથી.પણ મારા દિવાન ખંડમાં સોફામાં બેઠાં બેઠાં, મને ગફુરચાચાની બુલંદ અવાજે થતી વાતો સંભળાય. અસ્સલ હૈદ્રાબાદી ઉર્દુ લઢણમાં બોલાતી વાતો મીઠી લાગે. કોમેડીયન મહેમુદની ઘણી ફિલ્મોમાં એ ભાષા સાંભળવા મળતી હતી-ખાસ કરીને ‘કુંવારાબાપ’ ફિલ્મમાં.હ્યુસ્ટનના હૈદ્રાબાદી મુસ્લીમ ડોક્ટરો પણ એ ભાષા બોલતા હોય છે. ( નામ નથી લખતો). હેરીસ કાઉન્ટીમાં ટેલીફોન માટે ‘વોનેજ’ ની સગવડ હોવાથી ચાચાની વાતો કલાક-દોઢ કલાક લાંબી ચાલે. એમની ઉંમરમાં પ્રાઇવસીની તો જરૂર હોય જ નહીંને ! હું  વિશિષ્ટ લોકોની બોલીની મીમીક્રી સરસ કરી શકું છું એટલે મને આ વાતો ન્યુસન્સ નહોતી લાગતી. ગફુરચાચાને કારણે મને જીવંત પાડોશનો અહેસાસ થતો. 

આટલા સારા સંબંધો હોવા છતાં, મેં ક્યારેય એમના ઘરમાં પ્રવેશ નહોતો કર્યો- મારી પુષ્ટી માર્ગીય મરજાદી પત્નીની બીકે. 

બે ત્રણ દિવસથી ચાચાનો અવાજ નહોતો સંભળાયો એટલે મને થયું કે ચાચા બિમાર તો નહીં પડ્યા હોય ને ! હોસ્પિટલાઇઝ તો નહીં થયા હોય ને ! 

મેં , એમના જમાઇ સલમાનખાનને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગફુરચાચા તો હૈદ્રાબાદ ગયા છે અને છ માસ પછી આવશે. સકિનાચાચી નથી ગયાં . ૭૩ વર્ષના ચાચા ૬૫ વર્ષની પત્નીને મુકીને આટલા લાંબા સમય માટે ઇન્ડીયા કેમ ગયા ? તો..એમની સકિના ચાચીએ જવાબ આપ્યો કે દીકરીના બે તોફાની બારકસોને સાચવવા માટે એમને અહીં રહેવું પડ્યું.

મેં સકિના ચાચીને કહ્યું-‘ મારે મારી મરજાદી પત્ની સાથે ગમે તેટલા  મતભેદો હોય પણ હું એને આ ઉમ્મરે એકલી તો ઇન્ડિયા ન જ જવા દઉં. કોણ જાણે ક્યારે આ જિન્દગીની શામ કયા ખુણામાં ઢળી પડે !’ 

આ ચાચાની એક આડવાત કરી દઉં. મને ઝડપથી ચાલીને પાર્કીંગ લોટમાં કાર ચલાવતાં કે મોટેથી મોહમદ રફી સાહેબનાં દર્દીલાં ગીતો ની ટેપ સાંભળતાં કે  સીસોટીમાં એ ગીતોને વગાડતા સાંભળીને ગફુરચાચાએ મને એકવાર કહેલું કે- ”તમે તો નવીનભાઇ હજી જુવાન છો એટલે આ સીસોટી વગાડી શકો છો અને કાર ચલાવતા હોવાને કારણે તમારે ઘરમાં યે પુરાઇ રહેવું નથી પડતું એટલા નસીબદાર છો.’ ત્યારે મેં એમને કહેલું- ‘ચાચા મને તો  ૭૭ વર્ષ થયાં . હું જુવાન ક્યાં છું  ?’ ગફુરચાચાએ કહ્યું હતું- ‘તો તો તમે મારાથી ચાર વર્ષ  મોટા છો અને તમે મને ચાચા કહો છો? હવેથી માત્ર ગફુર જ કહેવાનું. ” પણ હું એમને ક્યારેય ગફુર ન કહી શક્યો. 

હવે મને એમની ટેલીફોન પરની, બુલંદ અવાજે થતી વાતોનો અવાજ સંભળાતો નથી. અને ખાલી ખાલી પાડોશનો અહેસાસ થયા કરે છે. 

સલામ આલેકુમ, ગફુરચાચા ! 

નવીન બેન્કર  ( લખ્યા તારીખ- ૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ) 

પ્રતિભાવો આવકાર્ય છે. (પણ જરૂરી નથી). 

With Love & Regards, 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog

navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

1051- હેપ્પી મધર્સ ડે … ત્રણ વાસ્તવિક દ્રશ્યો ….. નવીન બેન્કર

Navin Banker

હ્યુસ્ટન નિવાસી ૭૫ વર્ષીય મિત્ર નવીન બેન્કર ના  ઈ-મેલમાંથી સાભાર … 

શ્રી બેન્કરે શાંતિલાલ ગરોલીવાલાના પાત્ર દ્વારા ત્રણ વાસ્તવિક પ્રસંગોનું વ્યંગ્ય સાથે જે આબાદ નિરૂપણ કર્યું છે એ  વાંચવા અને સમજવા જેવું છે …વિ.પ.

  

હેપ્પી મધર્સ ડે  ( ત્રણ દ્રશ્યો ) -શાંતિલાલ ગરોળીવાલા-

દ્રશ્ય પહેલું-

(૧)   “ભઈ શાંતિકાકા, હું સરલા બોલું છું. આજે સિનિયર્સની મીટીંગમાં, મધર્સ ડે નો મોટો પ્રોગ્રામ છે એમાં જવા માટે મને રાઈડ આપશો ?”

સરલાબેન ૮૫ વર્ષના દાદી છે. ચાર ચાર દીકરીઓ અને બબ્બે દીકરા, એ બધા ય પાછા ૬૦ ની આજુબાજુનાં. એમને ય વસ્તાર છે. સરલાબેને એમના વસ્તારના બાળોતિયા ( ડાયપર્સ ) બદલ્યા ય છે અને ધોયા ય છે. આ બધાં, અમેરિકામાં જ અને એક જ શહેરમાં રહે છે. પણ ૮૫ વર્ષની મા ને, સિનિયર્સની મીટીંગમાં લઈ જવાનો કોઇને સમય નથી.

“આ ઉંમરે ઘરમાં પડ્યા રહેતા હો તો ! ઘરમાં બેસીને ભગવાનનું નામ લેવાને બદલે તમારે સિનિયર્સની મીટીંગો અને પિકનિકોમાં રખડવાનાભાચકા થાય છે ? કોઇ નવરૂં નથી તમારી પાછળ ભટકવા માટે !”

-“ભઈ, રજીસ્ટ્રેશનના બે ડોલર તમે આપી દેશો આજે ? મારી સોશ્યલ સિક્યોરિટીના પૈસા તો એ લોકો લઈ લે છે અને મંદીરમાં ભેટ મુકવા કે સિનિયર્સની ફી આપવા માંગુ તો વડકા ભરે છે વહુઓ !”

દ્રશ્ય બીજું-

મીટીંગમાં એક  સજ્જન માઇક પરથી ‘મા’  અંગે ભાવુક બનવાનું નાટક કરતાં  ‘મા ‘વિશેની કોઇકની કવિતા વાંચી રહ્યા છે જેમણે ક્યારે ય પોતાની માને એક દહાડો ય પોતાના ઘરમાં રાખી નથી. અત્રે હું એ કવિતાના શબ્દો લખવાનો મોહ ટાળું છું.

દ્રશ્ય ત્રીજું-

એક  સંસ્થાની કમિટીના હોદ્દેદારોના ઇલેક્શનમાં , એક ઉમેદવાર પોતાને વોટ આપવાની અપીલ કરતું પ્રવચન આપી રહ્યા હતા.

“હું તમારી  સેવા કરવા માટે, આ ઉમેદવારીપત્ર ભરૂં છું. તમે મને વોટ  આપશો તો હું આપણાં  સિનિયરોને માટે——-“

સ્ટેજના કઠેડા પાસે, ઉભેલા એક વૃધ્ધ અશક્ત પુરૂષે, પેલા ઉમેદવારને કશુંક દબાયેલા અવાજે કહ્યું અને એ ઉમેદવારનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. “ તમે મારી જોડે અહીં આવ્યા’તા ? જેની જોડે આવ્યા હતા એની પાસે રાઈડ માંગો. હું તમને નહીં લઈ જઉં. ટળો અહીંથી.”

પેલો વૃધ્ધ અશક્ત પુરૂષ ત્યાંથી ખસી ગયો. ધીમે પગલે, જ્યોર્જ બ્રાઉન સેન્ટરના એ વિશાળ હોલના શોરબકોર વચ્ચેથી નીકળીને, ડાઉનટાઉનના એ નિર્જન વિસ્તારમાં આવેલા મેટ્રો ના બસ સ્ટેન્ડ પાસે આવીને , અંધારામાં ઉભો રહી ગયો. એકાદ કલાક પછી, શાંતિલાલ ગરોળીવાલા પોતાની કારમાં ઘેર જવા નીકળ્યો ત્યારે એની નજર પેલા બસ સ્ટેન્ડ પર ઠંડીમાં, મફલર અને ટોપી પહેરેલા એ વૃધ્ધ પુરૂષ પર પડી અને એ ઓળખી ગયો કે આ તો પેલા ઉમેદવારનો હડધુત થયેલો બાપ છે.

શાંતિલાલે એમને રાઈડ આપતાં કહ્યું-‘ આટલી રાત્રે તમને બસ મળશે ? અને આ હોમલેસ કાળિયાઓની બસ્તીમાં,  બસ સ્ટેન્ડ પર ઉભા રહેતાં તમને ડર નથી લાગતો ?’

‘ હવે ડર શાનો, શાંતિભઈ ? જે લુંટાવાનું હતું એ તો  લુંટાઇ ગયું છે. પત્ની એની દીકરીને ઘેર એના પૌત્રોની ચાકરી કરવા બીજા શહેરમાં રહે છે. દીકરો ખમતિધર છે પણ એની વહુને હું દીઠો ય ગમતો નથી. મારી કમાણીમાંથી ખરીદેલા, મારા કોન્ડોમાં હું પડ્યો રહું છું. ગુરૂવારે સાંઇબાબાના મંદીરમાં,શનિવારે, વડતાલના સ્વામિનારાયણ મંદીરમાં અને રવિવારે બોચાસણવાળા સ્વામિનારાયણના મંદીરમાં જમવાનું પતાવી દઉં, રવિવારે આર્ય સમાજ કે દુર્ગાબરીના મંદીરમાંથી ખાવા મળી જાય છે. વચ્ચે વચ્ચે , પ્રદીપના કે વિરાટભઈના મંદીરમાં  ( અહીં લોકો ગણેશજીનું મંદીર કે મહાદેવજીનું મંદીર નથી બોલતા ) કે ‘હવેલી’માં ઉત્સવ હોય ત્યારે ભોજનની વ્યવસ્થા થઈ જાય છે. કોઇ સાંજે, ‘ભોજન’વાળા વધેલું ફેંકી દેતા હોય ત્યારે મને ભરી આપે છે. મેટ્રો ની બસનો ફ્રી પાસ છે મારી પાસે, એટલે કારની જરૂર નથી રહેતી. આખી જિન્દગી રોકડેથી પગાર લીધેલો એટલે સોશ્યલ સિક્યોરિટી પણ માત્ર ત્રણસો ડોલર જ મળે છે. શાંતિભાઈ, નસીબદાર છો તમે -કે તમારે, સંતાનોના હડસેલા કે વહુના મહેણાંટોણાં ખાવા નથી પડતા.’

ઇન્ડીયામાં રહેતા લોકો એમ માને છે કે અમેરિકામાં બધા ડોલરોના ઝાડ પરથી ડોલરોનો પાક લણે છે પણ આવી વાસ્તવિકતા એમને કોણ કહે ?  શાંતિલાલ ગરોળીવાળો જ કહે ને ? તમારૂં ્ચિત્ત સંવેદનશીલ હશે તો તમને પણ આવા પાત્રો મળી જ રહેતા હશે. પણ મોટાભાગના જાડી ચામડીવાળા લોકો ‘આપણે શું ?’ની  મનોવૃત્તિ રાખીને બધું ભુલી જતા હોય છે. અને તેમની પાસે શાંતિલાલ જેવી ભાષા-સમૃધ્ધિ નહીં હોવાને કારણે વ્યક્ત કરી શકતા નથી.  બાકી, સાચું કહેજો તમે આ બધા પાત્રોને નથી ઓળખતા ? આ પાત્રો તમને સંસ્થાઓની મીટીંગોમાં , મંદીરના બાંકડાઓ પર નથી મળતા ? 

With Love & Regards,

NAVIN  BANKER   713-818-4239   ( Cell)

My Blog : navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

 

( 770 ) મારો લાલિયો કુતરો …… લેખક- શ્રી નવીન બેન્કર

હાલ હ્યુસ્ટન નિવાસી મારા મિત્ર શ્રી નવીન બેન્કર મૂળ અમદાવાદના વતની છે અને એમના આ જન્મ સ્થળને એ દિલો જાનથી ચાહે છે.

અમદાવાદમાં ૬૦ વર્ષ પહેલાં વિતાવેલા એમના બાળપણની વાતો અને એમની પોળના એમને પ્રિય લાલિયા કુતરાની વાતો એમની રસિક શૈલીમાં રજુ કરતો એક સરસ લેખ મોકલ્યો છે. એક હાસ્ય લેખના સ્વરૂપનો આ લેખ મને ગમ્યો એટલે એમના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

અગાઉ વિનોદ વિહારમાં એમનાં અમદાવાદ નાં ભૂતકાળનાં સ્મરણો વિશેના આવા લેખો પ્રસિદ્ધ થયા છે.

જેના ઉપરથી શ્રી બેન્કરને આ લેખ લખવાની પ્રેરણા થઇ એ શ્રી પી.કે. દાવડા નો લેખ ” અમેરિકામાં પાળેલા કુતરા” ને પણ એમના આ લેખમાં લેખના એક ભાગ તરીકે મુક્યો છે. આ લેખ માં શ્રી દાવડાજીએ અમેરિકામાં કુતરાઓને કુટુંબના એક સભ્ય જેવું જ જે સન્માન આપવામાં આવે છે એની સુંદર માહિતી આપી છે એ પણ તમને વાંચવી ગમશે.

શ્રી .પી.કે.દાવડા એ જ એમની જાણીતી મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં શ્રી નવીન બેન્કરનો કરાવેલ પરિચય અહીં વાચો.

વિનોદ પટેલ 

Dog in pole

મારો લાલિયો કુતરો …… લેખક- શ્રી નવીન બેન્કર

Navin Banker

Navin Banker

આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ? ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી.

સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટે ભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલાં ગાય કુતરાની રોટલી નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં.

હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ ન હોતા. હેમુબેન એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા.

કિશોર વયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય) પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણી વાર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો.

એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.

અમેરિકામાં પાળેલા કુતરા

અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.

અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.

અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.

અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.

આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્ત બધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.

માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારે માબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે.

(પી કે. દાવડા )

આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.

મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.

ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.

આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું. અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,

લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…

હું સમજી ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫

( 703 ) મેસેજ મળી ગયો …….. ( વાર્તા) ……..લેખક- શ્રી. નવીન બેન્કર

મારા હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી નવીન બેન્કર એ એમના ઈ-મેલમાં એક વાર્તા મોકલી છે એને આજની પોસ્ટમાં પ્રકાશિત કરું છું.આ વાર્તા કોઈ સત્ય ઘટના ઉપર જાણે કે આધારિત હોય એવો અહેસાસ ઉત્પન્ન કરે છે .વાર્તાનો અંત રસસ્પદ છે.

આ વાર્તા પહેલાં લેખકે જે નોંધ મૂકી છે એ એટલી જ રસસ્પદ છે.

વિનોદ પટેલ

==================================

નોંધ- આ વાર્તા દિલથી યુવાન હોય એવા સ્ત્રીપુરુષો માટે જ છે. પ્રેમ, સેક્સ, સ્ત્રીપુરુષના જાતિય મનોભાવોના આલેખનથી તમારુ નાકનું ટીચકુ ઉંચુ થઈ જતું હોય તો આ વાર્તા ના વાંચશો. પુરુષની સ્ત્રીલોલુપ વૃત્તિ પર કટાક્ષ કરતી આ વાર્તાનો વિષય બ્લોગર્સની વાર્તાઓથી જુદો છે. અલબત્ત, આ વાર્તા અશ્લીલ નથી જ. હું તો લગ્નેતર સંબંધોના વિષયો પર લખવામાં એક્ષ્પર્ટ છું.— નવીન બેન્કર 

મેસેજ મળી ગયો …….. ( વાર્તા) ……..લેખક- શ્રી. નવીન બેન્કર 

હ્યુસ્ટનના ઇન્ડિયા હાઉસમાં પેલા  ‘આપ’થી જાણીતા થઈ ગયેલા કવિ. લેખક અને હિન્દી ભાષાના પુરસ્કર્તા એવા કુમાર બિશ્વાસનો કાર્યક્રમ હતો. 

એ દિવસે  બીજી ઓગસ્ટ  અને શનિવાર હતો. 

નચિકેત, પાર્કીંગ લોટમાં આમંત્રિતોની કારોનું વ્યવસ્થિત  પાર્કીંગ કરાવવા માટે વોલન્ટીયર તરીકે ફરજ બજાવતો હતો. હ્યુસ્ટનની ખ્યાતનામ હસ્તીઓ ગાડીઓ લઈને આવતી હતી..શ્રી. રવિ કંકરીયા, શ્યામ પંજવાણી, વિજય સિરોહી,આભા દ્વિવેદીજી,  કવિશ્રી. નૌશા અસ્સાર, પત્રકાર વંશિકા વિપીન…ને એવા તો ઘણાં જાણીતા ચહેરાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમ શરુ થવાની તૈયારીમાં જ હતો અને પાર્કીંગ એરિયા ભરચક થઈ ગયો હતો ત્યાં જ એ અત્યંત સ્વરુપવાન  સ્ત્રી કાર લઈને પ્રવેશી. નચિકેત એને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયો.  વી.આઈ.પી.માટે સ્પેશ્યલ કોરીડોરમા જગ્યા રાખેલી ત્યાં, એ રુપાળી સ્ત્ર્રીની કાર પાર્ક કરાવીને, નચિકેતે કૃતકૃત્યતા અનુભવી હતી. 

હેન્ડસમ  કુમાર બિશ્વાસ, શાયરાના અંદાઝમાં બમ્બૈયા સ્ટાઇલથી, શાયરી ફટકારી રહ્યા હતા- 

કોઇ  દિવાના  કહેતા હૈ,  કોઇ પાગલ સમજતા હૈ,

મગર, ધરતીકી બેચેનીકો બસ બાદલ સમજતા હૈ.

મૈં તુઝસે દૂર કૈસે હૂં, તૂ મૂઝસે  દૂર કૈસે  હૈ,

યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ.. 

શ્રોતાઓ સ્ટેન્ડીંગ ઓવેશન સાથે વાહ વાહ પોકારી રહ્યા હતા. 

પાર્કીંગનું કામ પુરુ થઈ જતાં, નચિકેત પણ હોલમાં આવીને પાછલી સીટ પર ગોઠવાઇ ગયો હતો. પેલી શાયરી પર સ્ટેન્ડીંગ ઓવેશન વખતે  નચિકેત અને પેલી ખુબસુરત નાઝનીનની નજરો મળી અને ઔપચારિક પરિચય થયો હતો. એનું નામ સુહાસિની હતું.  નિર્દોષ ડાયવોર્સી હતી અને, જ્યાં દેશી લોકો વધુ રહેતા હતા એવા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. બાળકોની જંજાળ ન હતી. કોઇ કન્વીનીયન્સ સ્ટોરમાં કાઉન્ટર સંભાળતી હતી. 

નચિકેત પણ  એની ઉંમરની ચાલીસીમાં છે. યુવાન અને વાચાળ માણસ છે. પરિણીત પણ છે. પત્ની સીધી સાદી  ‘શાન્તાબેન’ છે. સારી છે. પણ  મોટાભાગના રસિક પુરુષોને  ‘SEVEN  YEARS  ITCH’ નો અનુભવ થતો જ હોય છે. એકધારી જિન્દગીમાં થોડીક થ્રીલ અને રોમાંચ અનુભવવા માટે  મોટાભાગના પુરુષો તલપાપડ થતા જ હોય છે.  હા ! કોઇ શરમાળ હોય, હિમ્મત વિનાના હોય, ધર્મભીરુ હોય એ જ આખી જિન્દગી ઘરના દાળભાત ખાઈને જીવતા હોય છે.

 બાકી કલાકાર હોય, લેખક હોય, કવિ હોય, સંગીતકાર હોય, વાચાળ હોય, સ્માર્ટ હોય તો ક્યારેક ને ક્યારેક તો એના જીવનમાં પેલી ‘નિવેદીતાઓ’ આવતી જ હોય છે. કોઇ સ્વીકારે કે ના સ્વીકારે. (‘નિવેદીતા’ એટલે ‘ઇતના ના કરો પ્યાર’ સિરિયલની અભિનેત્રી). ઇન્ડીયા હાઉસ અને એવી અન્ય સંસ્થાઓમાં  નચિકેત વોલન્ટીયર તરીકે સેવા આપે, સેલીબ્રીટીઝના ફોટા પાડે, ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે ઇન્ટરવ્યુ લે એટલે ચહેરાથી કોમ્યુનિટીમાં બધા ઓળખે. એ દિવસે તો કશી વાત થઈ શકી ન હતી પણ બીજી મુલાકાત ગુજરાતી સમાજની પોંક પાર્ટી વખતે થઇ. 

  સુહાસિની પોંક, ઉંધીયુ અને જલેબીની ડીશો તૈયાર કરતી હતી અને  નચિકેત દેશીઓના ટોળાને લાઇનમાં વ્યવસ્થિત ઉભા રહેવા આગ્રહભરી વિનંતિ કરતો હતો ત્યારે  કોમન ટોપીક પર વિચારવિનિમય કરતાં, વાતચીતનો સંબંધ બંધાયો. ‘ આપણા સાલા દેશી લોકો શિસ્તમાં સમજતા જ નથી. એક વ્યવસ્થિત લાઇન કરવાને બદલે, ચાર ચાર લાઇનો કરી નાંખે અને ટોળામાં જ, ઘુસવાની આદ્ત છે એમને. હેન્ડીકેપ્ડ પાર્કીંગમાં પણ ગાડીઓ પાર્ક કરી નાંખે. નાટકમાં પણ મોડા આવીને ખોટી સીટો પર બેસી ગયા હોય. અમદાવાદમાં તો જમીનના એટલા પૈસા આવી ગયા છે અને બ્લેકમનીને કારણે ઘેરેઘેર ગાડીઓ આવી ગઈ છે પણ ટ્રાફિકસેન્સ વગરના સાલા દેશીઓ……વગેરે વગેરે… જેવા બળાપાના સૂરો વચ્ચે , ફોન નંબરની આપ-લે થઈ ગઇ. 

સુહાસિનીના સ્ટોર પર બે-ચાર મુલાકાતો પણ થઈ. એ પછી, નચિકેતને થયું કે હવે ખોટી લાળ પાડ્યા વગર એને સિનેમા જોવાનું આમંત્રણ આપીને, આગળ વધવું જોઇએ. 

આમે ય, જિન્દગીની ચાલીસીએ પહોંચેલા પુરુષો, પેલા ટીન એજર છોકરાઓની જેમ છ છ મહિના સુધી ફીલ્ડીંગ ના ભરે. અને જે કામ કરતા ટીનએજર છોકરાઓને બે જ મીનીટ લાગે  એ કામ ચાલીસીએ પહોંચેલા અનુભવી પ્રેમીઓ-  યુ નો આઇ મીન ! 

સિનેમા થિયેટર એ પ્રેમીજનો માટે મળવાનું આદર્શ સ્થળ ગણાય. એક જમાનામાં, અમદાવાદમાં ભીખાભાઇ પાર્કના કે વિક્ટોરીયા ગાર્ડનના અંધારા બાંકડા કે યુનિવર્સિટી પાછળના ખુલ્લા ખેતરો  પ્રેમીઓના આદર્શ મિલનસ્થળો હતા. હ્યુસ્ટનમા  એ.એમ.સી. થીયેટર્સના પહેલા શો આવા આદર્શ સ્થળ ગણાય. ડોલરિયા દેશમાં ડોલરની લાહ્યમાં બપોરના પહેલા શોમાં કાગડા જ ઉડતા હોય. અમિતાભ કે સલમાનના નવા પિક્ચરના પ્રિમિયમ શોમાં  પણ પરાણે પાંચ દેશીઓ જોવા મળે. છોકરી ફિલમ જોવા આવવાનું  આમંત્રણ સ્વિકારે એટલે સમજી જવાનું કે હવે  સ્વાભાવિક લાગે  એવા અછડતા સ્પર્શથી શરુ કરીને ક્રમિક તબક્કે છૂકછૂક ગાડી આગળ વધી શકે. 

‘તમે  મૂવી જુઓ છો કે નહીં ?’

‘જોઇએ ક્યારેક  બે ડોલરમાં  ડુપ્લીકેટ  ડીવીડી  લાવીને ફુરસદના સમયે.’

‘મને તો ડીવીડીમાં મૂવી જોવાની મજા જ ના આવે. થીયેટરના વિશાળ પડદા પર સ્ટીરીયોફોનિક સાઉન્ડ અને ફુલ સાઇઝની બિપાશા બાસુ કે કેટરીના કૈફને અંગોને હિલોળા આપી આપીને ડાન્સ કરતી જોવાની મજા થિયેટરમાં જ આવે, બાકી.’

‘તમે તો બહુ બેશરમ છો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ કહ્યું.

‘તમને વાંધો ન હોય તો આપણે ,તમારી રજાના દિવસે એક વખત એ/એમ/સી માં ‘મીસ્ટર એક્સ’ જોવા જઈએ. અદ્ર્ષ્ય થઈને વીલનોની ધોલાઇ કરતા  કીસીંગ એક્સપર્ટ ઇમરાન હાશ્મીનું લેટેસ્ટ  મૂવી છે. તમે આવશો ?’

‘જોઇએ હવે. સમય મળે એના પર આધાર છે. તમે ફોન કરજો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ, તોફાની આંખો નચાવતા જવાબ આપ્યો. છોકરીઓ જાણતી જ હોય છે કે સિનેમાના અંધકારમાં કેવા ગલગલીયા થતા હોય છે ! 

નચિકેતને હવે સ્વર્ગ હાથવેંતમાં લાગ્યું. 

સુહાસિની…સુહાસિની..સુહાસિની..એમ મોટેથી બુમો પાડીને એ નાચી ઉઠ્યો. 

રુપાળી સ્ત્રીના સાન્નિધ્યમાં ગૂસપૂસ ગૂસપૂસ વાતો કરતાં કરતાં, મૂવી જોવાની ક્ષણોના રોમાંચની કલ્પના માત્ર એની ચાલીસીએ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરીને ચાર્જ કરવા પુરતી હતી. 

પોતાની પત્નીને સવારથી જ કહી રાખ્યું હતું કે આજે સાંજે પ્રેક્ષા મેડીટેશન સેન્ટરમાં હરીશ ભાવસારે એના નવા નાટકના ગ્રાન્ડ રીહર્સલમાં મને બોલાવ્યો છે એટલે જરા મોડુ થશે. નચિકેત જેવા માણસોને આવા જુઠ ડગલે ને પગલે બોલવા જ પડતા હોય છે. 

સુહાસિની મોટેભાગે ચળકતુ બ્લ્યુ કે ગુલાબી રંગના વસ્ત્રો પરિધાન કરે છે એટલે પોતે પણ ગુલાબી રંગનું શર્ટ અને બ્લ્યુ કલરનું પેન્ટ પહેરીને તૈયાર થઈને બેઠો. છેક સાંજે જ, ક્લીન શેવ દાઢી કરી અને પુછોની કટ પણ કરી દીધી. બૂટને પોલીશ કરી દીધું. હાથની આંગળીઓના નખ પણ કાપી દીધા. 

સાંજે સાત વાગ્યે ફોન કરીને પુછ્યું કે  ‘નીકળે છે ને ?’  સામેથી જવાબ મળ્યો-‘‘આજે તો જોબ પર ખુબ કામ હતું તેથી થાકી ગઈ છું. આજે અનુકૂળ નહીં પડે. કાલે જઇશું.’ 

બીજે દિવસે ફરી તૈયાર થઈને ફોન કર્યો તો સામેથી જવાબ આવ્યો-‘ મેનોપોઝનો દુખાવો શરુ થયો છે. હવે કાલે વાત.’ 

અનુભવી નચિકેત સમજી ગયો કે મેનોપોઝનો દુખાવો એટલે ચાર દિવસનો ત્રાસ. એટલે ચાર દિવસ પછીના રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. 

વહેલી સવારે, કોમ્યુટર પર, ગુગલમાં, એ.એમ.સી-૩૦ ડનવેલ ના શો ટાઇમીંગ ચેક કરી લીધા. આખા દિવસના બધા જ શોનું લીસ્ટ બનાવી રાખ્યું. કદાચ સુહાસિની આજે ય કોઇ બહાનુ કાઢે કે સવારનો શો અનુકૂળ નહીં પડે તો પાછળના બીજા બધા શોમાંથી એકાદ કહી શકાય. 

ફરી રીપીટેશન…નવી બ્લેડથી શેવ કર્યું…હાથની આંગળીઓના નખ કાપ્યા..ગુલાબી શર્ટ અને બ્લ્યુ પેન્ટ પર ઇસ્ત્રી ફેરવી લીધી.. અને દસ વાગ્યે ફોન કર્યો- 

સામેથી જવાબ આવ્યો- ‘ છ દિવસની જોબ પછી એક રજા આવી એમાં કામનો ઢગલો થઈ ગયો છે. લોન્ડ્રી કરવાની છે. ઘર સાફ કરવાનું છે.ગ્રોસરી લાવવાની છે. મેનોપોઝનો દુખાવો પણ ચાલુ જ છે. એટલે આજે તો નહીં ફાવે. ફરી ક્યારેક.’ 

નચિકેતે મૂવીનું લીસ્ટ ફાડી નાંખ્યું. 

એને મેસેજ મળી ગયો હતો.

*********************************************** 

નવીન બેન્કર                                     લખ્યા તારીખ- ૨૦ એપ્રિલ ૨૦૧૫ 

Navin Banker  (713-818-4239)
My Blog :http://navinbanker.gujaratisahityasarita.org/

Ek Anubhuti : Ek Ahesas.  

( 700 ) ૫૨ વર્ષ જૂની મારા લગ્નની કંકોત્રી …….. શ્રી નવીન બેન્કર

હ્યુસ્ટન નિવાસી મારા ૭૫ વર્ષના મિત્ર શ્રી નવીન બેન્કર એમની માતૃભુમી અમદાવાદની યાત્રા પતાવી થોડા દિવસો પહેલાં જ એમની અમેરિકાની કર્મભૂમિના શહેર હ્યુસ્ટન આવી ગયા છે.એમનો એક હાસ્ય રસિક લેખ બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો- વાર્તા ત્રણેક બ્લોગોમાં પ્રકાશિત થઇ હતી એ ઘણા વાચકોએ વાંચી હશે . 

જીવનના ડૂબતા સૂર્યની સંધ્યાએ જીવનનાં જૂનાં સંસ્મરણો વાગોળવાની અને એને સહૃદયી મિત્રોમાં વહેચવાની મજા કોઈ ઓર હોય છે .દીલને સારું લાગે છે. 

શ્રી નવીનભાઈને મેં મારી છેલ્લી પોસ્ટ “(698 ) જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ” અન્ય મિત્રો સાથે એમને પણ ઈ-મેલમાં વાંચવા માટે મોકલી હતી .

આ ઈ-મેલના જવાબમાં એમણે જે બે ઈ-મેલ મોકલ્યા એ વિનોદ વિહારની

આજની ૭૦૦ મી પોસ્ટનું નિમિત બની ગઈ !

પ્રથમ ઈ-મેલમાં એમણે લખ્યું  ….

“આજની આ ઇ-મેઇલે તો  જિન્દગીને હચમચાવી મૂકી. બચ્ચનજીના કાવ્યો, આપનો સુંદર અનુવાદ, દાવડાજીનું કાવ્ય….. મને ય ૭૫ વર્ષ થયા છે. પત્ની સાથે ૫૨ વર્ષનું દામ્પત્યજીવન છે. ઘણી સુખદ અને દુખદ યાદો છે. પણ હું કવિ નથી. ગદ્યમાં તો જરુર લખી જ શકું. આજથી જ એ યાદોનું પુસ્તક લખવું શરુ કરી દઉં ?’

અને વળતી બીજી ઈ-મેલમાં જ એમણે ૫૨ વર્ષ પહેલાં ૧૯૬૩માં અમદાવાદ,સાંકડી શેરી,ઝાંમ્પડીની પોળમાં થયેલ એમનાં લગ્નની અમદાવાદની છેલ્લી મુલાકાત વખતે એમને મળી આવેલ કંકોત્રી એટેચ કરી એના વિશેનાં સંસ્મરણો વાગોળતો સરસ ટૂંકો લેખ મોકલ્યો છે એ આ રહ્યો ……

“અમદાવાદના રોકાણ દરમ્યાન, કાગળો ફેંદતાં, આ આમંત્રણ પત્રિકા મારા હાથમાં આવી ગઈ.

 

Invitation Card of My Marriage-1963

મારી પત્નીનું નામ તો કોકિલા છે. પણ મારી બહેનનું નામ પણ કોકિલા હોવાથી, મારા વહાલા દાદીમા- વિદ્યાબા-એ, મારી પત્નીનું નામ વર્ષા રાખ્યું હતું અને એ જ નામે મેં મિત્રો માટે આ કાર્ડ છપાવ્યા હતા- માત્ર પચ્ચીસ કાર્ડ. એક મિત્રએ મિત્રદાવે છાપી આપ્યા હતા.  એ મિત્રને મળવા હું અમદાવાદના એના નિવાસસ્થાને ગયેલો.  એ મિત્ર વર્ષોથી સંપુર્ણ પથારીવશ છે અને મરવાને વાંકે જિન્દગી પસાર કરી રહ્યો છે. એની પત્ની બિઝનેસ સંભાળે છે.

હા… તો  આપણે વાત કરતા હતા મારા લગ્નની કંકોત્રીની.. મારી પત્નીને મેં ક્યારેય વર્ષાના નામે બોલાવી નથી અને તેણે પણ એ નામ સ્વીકાર્યું ન હતું. માત્ર ઘરમાં અને પડોશમાં બધા એને એ નામે બોલાવતા.  હું પણ એને કોકી કહીને બોલાવી શકતો ન હતો.’કોકી’ કહેવાથી પેલી ‘કીક’ ન લાગે એટલે મેં એને ‘બકુ’ કહેવું શરુ કરેલું અને એણે પણ મને ‘બકુ’ ના નામે જ સંબોધન કરવાનું શરુ કરેલું જે આજપર્યંત ચાલુ છે. ઘણાં મિત્રોના બાળકો તો આજે ય અમારા અસલી નામ જાણતા જ નથી અને અમને બકુમાસા અને બકુમાસી તરીકે જ ઓળખે છે. સાહિત્યસરિતા કે સિનિયર ગ્રુપમાં પણ બધાં ‘બકુબેન’ તરીકે જ સંબોધન કરે છે. 

હમણાં, વિનોદ વિહાર બ્લોગ પર મારા બ્લોગર મિત્ર શ્રી. વિનોદભાઇ પટેલે હરિવંશરાય બચ્ચનના બે કાવ્યો, એના પોતે કરેલા અનુવાદો અને શ્રી. પી. કે. દાવડા સાહેબે પોતાની સદગત પત્નીને અનુલક્ષીને લખેલું કાવ્ય મૂક્યું એ વાંચીને, મને થયું કે હું પણ  મારા બાવન વર્ષના ખાટામીઠા દામ્પત્યજીવનની યાદો લખવા માંડું. 

બસ…. તો આ સાથે એ કાર્ડ એટેચમેન્ટમાં મૂક્યું છે. 

Navin Banker  (713-818-4239)

My Blog : 

http://navinbanker.gujaratisahityasarita.org/

Ek Anubhuti : Ek Ahesas.  

લગ્નના ૫૦ વર્ષ બાદ-નવીનભાઈ અને કોકિલાબહેન

લગ્નના ૫૦ વર્ષ બાદ-નવીનભાઈ અને કોકિલાબહેન

 શ્રી નવીનભાઈનો પરિચય અને વિનોદ વિહારમાં પ્રગટ એમના લેખ 

આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

( 625 ) મારાં સંસ્મરણો…..સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ ……. શ્રી નવીન બેન્કર

હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી મારા મિત્ર શ્રી  નવીન બેન્કરએ એમનાં અમદાવાદનાં ભૂતકાળનાં સંસ્મરણો વિષેનો એક સરસ લેખ ખાસ વિનોદ વિહાર માટે લખી એમના તારીખ ૧૨-૧૨-૫૦ના ઈ-મેલથી મોકલ્યો છે. આ માટે હું એમનો આભારી છું.
જે વાચકો અમદાવાદમાં રહેલા છે અને હાલ રહે છે એ સૌને આ લેખમાં વિશેષ રસ પડશે.

આજે તો અમદાવાદના રસ્તાઓ ઉપર મોટર ગાડીઓ ખુબ દેખાય છે અને સાઈકલ સવારો દિવસે દિવસે ખુબ ઓછા થતા જાય છે.

આજથી ૫૦ વર્ષ પહેલાનું અમદાવાદના રસ્તાઓ ઉપરનું ચિત્ર કઇંક જુદું જ હતું. શાળા,કોલેજ, નોકરી તથા એક જગાથી બીજી જગાએ જવા માટે સાઈકલ એ ઘર ઘરનું અગત્યનું વાહન હતું. મને બરાબર યાદ છે કે ત્યારે સાઈકલનું ખુબ જતન કરવામાં આવતું.નવી સાઈકલ જોતરાય એ વખતે અને દશેરાના દિવસે સાઈકલને કંકુનો ચાંલ્લો કરી ફૂલનો હાર પહેરાવવામાં આવતો.

શ્રી બેન્કરે ભૂતકાળમાં એમની સાઈકલ પ્રત્યે એમને કેવો લગાવ હતો એ વિષે લખ્યું છે:

“૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી.આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતાં જે આનંદ નથી આવતો એ સાયકલ ચલાવતાં આવતો હતો.”

મને આશા છે, શ્રી બેન્કરે ભૂતકાળમાં અમદાવાદની સાંકડી શેરીની પોળનું એમનું જીવન, એમની સાયકલ અને કુટુંબીજનો વિષે એમના આ રસસ્પદ લેખમાં જે સરસ શબ્દ ચિત્રો ઉપજાવ્યાં છે એને માણવાની મજા પડશે.

શ્રી નવીન બેન્કર નો પરિચય.

અગાઉ વિનોદ વિહારની નીચેની બે પોસ્ટમાં શ્રી નવીનભાઈ બેન્કર નો વિશદ પરિચય કરાવવામાં આવ્યો છે .

 

નવા વર્ષ ૨૦૧૫ની અનેક શુભેચ્છાઓ સહીત,

વિનોદ પટેલ 

—————————————————–