ડો. ગુણવંત શાહ મારા એક પ્રિય લેખકોમાં મુખ્ય છે. એમનાં ઘણાં પુસ્તકો મારા અંગત પુસ્તક સંગ્રહમાં મેં વસાવ્યાં છે.
ડો.ગુણવંત શાહને તાંજેતરમાં જ ભારત સરકારે પદ્મશ્રીના ખિતાબથી નવાજ્યા છે .

એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.
સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં ગુણવંત શાહને પદ્મશ્રી વિષે કવી મૃગાંક શાહ ની એક પ્રસંગોચિત કાવ્ય રચના મોકલી હતી એ અત્રે પ્રસ્તુત છે.
ગુણવંત શાહને પદ્મશ્રી
પરિવારનો અને વાચકોનો પ્રેમ મળ્યો ને હવે આ પદ્મશ્રી,
માન વધ્યું છે તમારું કે પછી કદાચ એવોર્ડનું તમારા થકી ?
રવિવારે લાખો લોકોની સવાર પડે વિચારોના વૃંદાવનથી,
ઘરમાં એ કૉલમ જે પહેલા વાંચી લે એ ગણે પોતાને લકી.
એવોર્ડ ભલે મોડો મળ્યો પણ તમારી કદર થઈ એ નક્કી,
સારું થયું, તમારા ચાહકોની પ્રાર્થના પ્રભુ સુધી પંહોચી શકી.
તમારા લેખો વાંચીને કંઈ કેટલાય વાચકોની આંખો છલકી,
ને તમારી લોકચાહનાની બુલંદી તો છેક આસમાનને અડકી.
લેખન, પ્રવચન અને અન્ય ક્ષેત્રોમાં તમારી પ્રતિભા ઝળકી,
ધરતી કેટલું તપ કરે ત્યારે મળે વ્યક્તિ તમારા જેવી સરખી.
દેશ, કાળના સીમાડા મિટાવીને તમે જ્ઞાનની તાકાત પરખી,
તમારું ઉચિત સન્માન થતું જોઈ ગુજરાતની પ્રજા બહુ હરખી.
–મૃગાંક શાહ
25-1-2015
આજની પોસ્ટમાં ડો. ગુણવંત શાહ લિખિત મને ગમેલા બે લેખો મુક્યા છે.
૧. પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા
૨. ઉપનિષદના ઋષિ કેવા હતા? ઋષિ વિનોબા જેવા હતા!
ગાંધી યુગના આ બે પ્રહરીઓ સાથે ડો.શાહે સારો એવો સમય સંપર્કમાં રહ્યા છે અને સમય વિતાવ્યો છે. અત્યંત સાદગી ભરી જીવન ચર્યાથી સો વર્ષનું સેવામય જીવન જીવી શકાય છે એનું ઉમદા ઉદાહરણ એટલે પુ. રવિશંકર મહારાજ .
આજે પ્રસ્તુત આ બે લેખોમાં વિચારક અને લેખક ડો. શાહે એમના જીવનના અનુભવો અને પ્રસંગોને એમની પોતાની રસાળ શૈલીમાં રજુ કર્યા છે ,એ સૌને વાંચવા અને વિચારવા ગમે એવા છે.
વિનોદ પટેલ
========================
પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા – Dr.Gunavant Shah
જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા. મહાશિવરાત્રિ એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે.
મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી, પરંતુ પૂરા છ મહિના પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્્ભાગ્ય! મેં ગાંધીજીના દૃષ્ટિબિંદુથી મહારાજને નથી જોયા, પરંતુ c/o મહારાજ ગાંધીજીને જોયા! એ પદયાત્રા વિનોબાજીના ભૂદાન આંદોલનના ભાગરૂપે 1957માં થઇ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરિત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મિત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓલપાડ, ચોર્યાસી, કિમ, બારડોલી, વ્યારા, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વિચારયાત્રા પણ ચાલતી રહેલી. પૂજ્ય મહારાજ રાંદેરમાં મારા ઘરે જ રહેલા ત્યારે મારી રેલે સાઇકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા થેલા એ સાઇકલ પર ભેરવાઇ જતા. મહારાજે એ સાઇકલનું નામ પાડ્યું: ‘યાંત્રિક ગધેડો’
બારડોલી તાલુકામાં પદયાત્રા દરમિયાન ભારે વરસાદ તૂટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગાં કરવા મથતી હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે? કેટલાંક ગામોમાં ઘૂંટણપૂર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મૂકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે? મહારાજે યજમાને આપેલું ટીનોપોલની સફેદીમાં શોભતું ધોતિયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં અને પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં તેથી ઉછીના લીધેલા પહેરણની સફેદાઇને કારણે તેઓ જુદા જુદા લાગ્યા! એમનાં ઊજળાં કામોથી આખું ગુજરાત પરિચિત ખરું, પરંતુ અત્યંત ઊજળાં કપડાંમાં એમને કોઇએ ક્યારેય જોયા નહીં હોય. હજી યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસ્તી ખાસી હતી. પૂજ્ય મહારાજને હઠીલો કબજિયાત પજવતો હતો. રમણનું કામ રોજ રાતે મૂઠી ભરીને હરડે આપવાનું રહેતું. વૈદ્યરાજ રસિકભાઇએ આ સૂચન કર્યું હતું. હરડે પણ નિષ્ફળ જતી. આવી કબજિયાત છતાં મહારાજ પૂરાં 100 વર્ષ જીવ્યા હતા. તેઓ બોચાસણમાં આત્મસ્થ થયા.
બારડોલીથી પાંચ-સાત કિલોમીટર છેટે બારાસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અંતેવાસી શ્રી નરહરિ પરીખની સ્થિતિ અત્યંત ગંભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર હતી. મહારાજે તો બારડોલી ચાલતા જ જવાનો આગ્રહ રાખ્યો. નરહરિભાઇ તો જીવંત હોવા છતાં ઇન્દ્રિયાતીત બની ચૂક્યા હતા. તે જ દિવસે નરહરિભાઇનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તૂટ્યો, પરંતુ મહારાજની પદયાત્રા અતૂટ રહી! નરહરિભાઇના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કિમ પાસેના પિપોદરા ગામેથી નીકળી ત્યારે મોહનભાઇએ અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પૂજ્ય જુગતરામભાઇના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે. આગલી રાતે જુગતરામકાકા બીજા દિવસે સવારે નાસ્તો મળે તેની ચોક્સાઇ કરી લેતા અને અંગ્રેજી છાપું અચૂક વાંચી લેતા.
મહારાજ મળસકે ચારેક વાગે જાગી જતા, પરંતુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી, પરંતુ તપખીરની દાબડી જેવડી ગુટકોગીતા હાથમાં રાખતા. જરૂર પડે તો શ્લોક જોઇ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં: મહારાજ, જુગતરામભાઇ અને બબલભાઇ મહેતા. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ ગામે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઇ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઇ તે ગઇ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો.
બીજા સંત કેદારનાથજી તો કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વખત રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રાત રહેલા. તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વિનાનું પરિશુદ્ધ અધ્યાત્મ કેવું હોય. પ્રાત: સ્મરણીય મહારાજ ખાદીધારી સાધુ હતા.
એક અંગત વાત સંકોચપૂર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઇ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાંત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઇએ આવીને કહ્યું: ‘ગુણવંતભાઇ! મહારાજ તમને બોલાવે છે.’ આશ્ચર્ય થયું કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઇ ઓરડામાં બેસીને રેંટિયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે સૌ પદયાત્રીઓ આરામ કરતા અને ઊંઘ પણ આવી જતી. મળસકે ઊઠીને દસ-પંદર કિલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઊંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટિયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઇ જતા પણ જોયા હતા.
મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું: ‘ગુણવંત તારા વિવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઇની દીકરી માટે.’ હું આવા પ્રસ્તાવ માટે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો. મહારાજે વાત કહી ખરી, પરંતુ આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું: ‘હું વિચારીશ.’ હર્ષકાંતભાઇ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું: ‘હું આશ્રમમાં રહું છું છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.’ મને આવી બાબતમાં મહારાજ કરતાં પણ હર્ષકાંતભાઇ વધારે શ્રદ્ધેય જણાયા! ત્યાં જ વાત પૂરી થઇ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઇ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું: ‘યોર વૂડહેવબિન મધર.’ તે દિવસે બાળકોએ મારી મશ્કરી ધરાઇને કરી. એ સ્ત્રી પણ માતા બની ચૂકી હતી. મને એક મહાન આપત્તિમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું સદગત હર્ષકાંત વોરાનો આભારી છું. હર્ષકાંતભાઇ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને M.Sc. થયા હતા અને મેથેમેટિક્સ સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું બચી ગયો રે બચી ગયો! આવો નિખાલસ નાગર મેં જીવનમાં બીજો જોયો કે જાણ્યો નથી.
પૂજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યંત આદરપૂર્વક સરદાર પટેલને ‘સરદારસાહેબ’ તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે ગટરના પાણીનો નિકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઇને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગામલોકોને ગામ ખાલી કરવા માટેના હુકમની તૈયારી કરી. નરહરિ પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં નડિયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું: ‘તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.’ મહારાજ તો સડક થઇ ગયા! થોડી વાર ચૂપ રહીને માત્ર એટલું જ બોલ્યા: ‘તો ત્યાં જમીન લેવા આવજો, હું ત્યાં મળીશ.’ સરદાર મહારાજનો મિજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું!
બીજો પ્રસંગ મોરારજીભાઇની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવંત શુકલ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવિત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુંબઇમાં મોરારજીભાઇને નિવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઇ ગુસ્સે થયા અને એમણે મહારાજને અપમાનિત કર્યા. બંને વચ્ચે બોલવાનો સંબંધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઇન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઇ ઉપવાસ પર ઊતર્યા. એમની સભા સામે ‘જનતા કરફ્યુ’નું એલાન થયું. મહારાજ અમદાવાદથી દૂર જ રહ્યા. મોરારજીભાઇના ઉપવાસ છોડાવવામાં તેઓ મદદરૂપ થાય તેમ હોવા છતાં મહારાજ મોરારજીભાઇને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યારે વર્ષો પછી મોરારજીભાઇનો વિનયપૂર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભિજાત્ય પ્રગટ કરીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. બંને મહાનુભાવો વચ્ચે ફરીથી સુમેળ થયો. પરિણામે મોરારજીભાઇએ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેનું ઉદ્્ઘાટન મહારાજ પાસે જ કરાવ્યું! એ પદયાત્રામાં મ.જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું છે. મહારાજને એમના પર ઘણો પ્રેમ હતો.
પરમ દિવસે મહાશિવરાત્રિ આવે છે. દેશી તિથિ પ્રમાણે એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે. પદયાત્રામાં એ દિવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો કારણ કે એ મારી પણ જન્મતિથિ છે. આદરણીય મોરારિબાપુની જન્મતિથિ પણ એ જ છે. મહારાજે એક સૂત્ર આપણને આપ્યું છે: ‘ઘસાઇને ઊજળાં થઇએ.’ સુરતમાં રિંગ રોડના એક ક્રોસિંગ પર મારા આગ્રહથી એ શબ્દો મહારાજના નામે વર્ષો પહેલાં કોતરાયા હતા. કદાચ આજે પણ એ વાંચવા મળશે. જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા.
પાઘડીનો વળ છેડે
પ્રિય ગુણવંતભાઇ શાહને સપ્રેમ:
પૂ. દાદાના સાંનિધ્યમાં
આપણે સાથે કરેલી પદયાત્રાની
મધુર સ્મૃતિમાં.
મ. જો. પટેલ
નોંધ: ‘સંતોની છાયામાં’ લે. મ. જો. પટેલ (26, ચાંપાનેર સોસાયટી, અમદાવાદ-13, મૂલ્ય રૂ.50/-) પુસ્તક મોકલતી વખતે લેખકે કરેલા હસ્તાક્ષર સાથે લખાયેલા શબ્દો મને છેક 1957ના વર્ષમાં તાણી ગયા!
Blog:http://gunvantshah.wordpress.com
=================================================
“નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે.આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. “
“ખેડૂતનું જીવન અત્યંત પવિત્ર જીવન છે, કારણ તેનો ઇશ્વર સાથે ડગલે ને પગલે સંબંધ આવે છે…ઋષિઓના મનમાં ખેતી માટે ભારે પ્રેમ હતો. ‘ઋષભ’ (બળદ) અને ‘ઋષિ’ એ બંને શબ્દો મૂળમાં લગભગ સરખા જ અર્થના છે.
બંનેમાં ‘ઋષ’ એ જ ધાતુ છે. ઋષભ હળની આગળ ચાલે અને ઋષિ હળની પાછળ ચાલે, એટલો જ એ બેમાં તફાવત. “
–વિનોબા ભાવે ના ” મધુકર ” નિબંધ સંગ્રહમાંથી – ડો.ગુણવંત શાહ
ડો. ગુણવંત શાહના બ્લોગ TAHUKO માંથી મને ગમેલો આ લેખ ઉપનિષદના ઋષિ કેવા હતા? ઋષિ વિનોબા જેવા હતા! એમના આભાર સાથે નીચે ક્લિક કરીને વાંચશો .
વાચકોના પ્રતિભાવ