વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: પિ.કે.દાવડા

(697 ) સરસ્વતી ….. કાવ્ય ……. પી .કે. દાવડા/ સ્વ. ડો.ચંદ્રલેખાબેન દાવડાને હાર્દિક શ્રધાંજલિ

માણસના જન્મ અને મૃત્યુની તારીખ એ એના હાથની વાત નથી . કુટુંબમાં કોઈ જન્મ થાય ત્યારે આનંદ છવાઈ જાય છે જ્યારે મૃત્યુ દ્વાર ઉપર દસ્તક દે છે ત્યારે સ્વજનોને અંદરથી હચમચાવી જાય છે. મારા એક મુક્તકમાં મેં આ જ વાત કહી છે. 

આમ તો જગતમાં રોજ લાખ્ખો લોકો મૃત્યુથી મરતાં હોય છે ,

ઘરે મૃત્યુ જ્યારે આવે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા જણાય છે

એક બીજાની હૂંફમાં જીવન સંધ્યાનો સમય સારી રીતે પસાર કરી રહેલ કોઈ બુઝર્ગ પતી-પત્નીમાંથી એક જણ અણધાર્યું આ જગતમાંથી વિદાય લઇ લે છે ત્યારે જીવિત રહેનાર પાત્રના જીવનમાં જે ખાલીપો વર્તાય છે એ તો જેને એનો અનુભવ થયો હોય એ જ ખરેખર જાણી શકે. રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે!

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયામાં એમના પુત્ર સાથે નિવાસ કરતા મારા ૭૬ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડાના જીવનમાં એક મહિના અગાઉ આવો એક અણધાર્યો આઘાતજનક બનાવ બની ગયો.

ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા સપ્તાહમાં એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેન સાથે શ્રી દાવડાજી એમનાં સગાં સંબંધીઓને મળવા અને અન્ય અંગત કામો પતાવવા ટૂંક સમય માટે મનમાં ખુબ ઉમંગ અને આનંદ સાથે મુંબઈ અને કલકત્તા ગયા હતા.

કમનશીબે તારીખ ૧૬ મી માર્ચ ૨૦૧૫ ની વહેલી સવારે એમના જન્મ દિવસે જ ડો.ચંદ્રલેખાબેન દાવડાનું હાર્ટ એટેકને લીધે વાતો કરતાં કરતાં જ કલકત્તા ખાતે અચાનક અવસાન થયું હતું. ખુબ આનંદથી પત્ની સાથે વતન ગયેલા શ્રી દાવડા તારીખ ૨૨ મી માર્ચે  દુખી હૃદય સાથે અમેરિકા પરત આવી ફ્રીમોન્ટના એમના નિવાસે  જ્યારે એકલા ઘરમાં પ્રવેશ કર્યો હશે ત્યારે એમના મનની શી સ્થિતિ હશે એની કલ્પના કરી શકાય એમ છે.

ખેર, મૃત્યુ તો એક દિવસ સૌના જીવનમાં વહેલા માંડું આવવાનું જ છે. જીવનની આ એક ફેરવી ના શકાય એવી કરુણ હકીકત છે.

તારીખ ૧૬મી એપ્રિલે ડો.ચંદ્રલેખાબેન દાવડાના સ્વર્ગવાસી થયાને એક મહિનો પૂરો થાય છે .

આ એક મહિના પછી એમનાં સ્વ.પત્નીની માસિક પુણ્ય તિથીએ શ્રી દાવડાજીના મનના ભાવોને આબાદ ઝીલતી એક કાવ્ય રચના એમણે  વિનોદ વિહારમાં પ્રગટ કરવા માટે એમના ઈ-મેલમાં મને મોકલી છે . આ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે. 

Chandrakala Davda

સ્વ. ડૉ.ચંદ્રલેખાબેન દાવડા

સરસ્વતી

નથી  ચૂંટ્યા ફૂલો વન વન જઈને જીવનમાં ,

નથી   ક્રીડા કીધી ફરફર થતી તુજ લટ થકી ,

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે  હાથ પકડી,

નથી ગાયાં ગીતો મધુર સ્વરમાં  પ્રણયનાં ,

નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં,

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,

છતાં આજે આવે પળપળ મને યાદ તુજની?

સદા વહેતી રહેજે સરસ્વતી સમી આજીવનમાં

-પી.કે.દાવડા

======================

શ્રી.પી.કે.દાવડા જ્યારે ઇન્ડિયા જવાની તૈયારી કરતા હતા ત્યારે ફેબ્રુઆરી ૯, ૨૦૧૫ ના રોજ એક ઈ-મેલમાં અને ફોન દ્વારા એમને મેં શુભેચ્છા પાઠવી હતી.એમાં મેં એમને હળવા થઇને પરત આવવાનું કહ્યું હતું.એ વખતે મને સ્વપ્ને પણ ક્યાં ખબર હતી કે તેઓ ભારે હૃદયે અમેરિકા પરત ફરવાના છે ! ભાવિની ભીતરમાં શું છુપાયું છે એ ક્યાં કોઈને ખબર હોય છે !

P.K.DAVDA

P.K.DAVDA

તારીખ ૧૬મી માર્ચે જ્યારે એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેનનું ઓચિંતું અવસાન થયું ત્યાર બાદ શ્રી દાવડાએ એમના સૌ આત્મીય મિત્રોને ઈ-મેલ લખી આ દુખદ બનાવની જાણ કરી હતી.

આ ઈ-મેલ વાંચતાં એ વખતે એમના હ્રદય મનની સ્થિતિનું દર્શન થાય છે.આ રહ્યો દરેક વાંચનારના હૃદયને સ્પર્શી જાય એવો  ખાલીપો શીર્ષક સાથેનો એમનો ઈ-મેલ ..

મિત્રો જોગ,

ખાલીપો

૧૬ મી માર્ચ ૨૦૧૫ ની વહેલી પરોઢે, ૩-૩૪ વાગે અચાનક જ મારા જીવનની બધી ઊર્જાઓ અદૃષ્ય થઈ ગઈ અને જીવનમાં ઠાંસોઠાંસ ખાલીપો ભરાઈ ગયો. અચાનક જ, છેલ્લા ૪૫ વર્ષથી મારા જીવનનું અભિન્ન અંગ, મારી પત્ની ચાંદુ (ચંદ્રલેખા) કાર્ડિયાક એરેસ્ટનો શિકાર બની, આ લોક છોડી પરલોક ચાલી ગઈ. બીજી સવારે સગાં-સંબંધીઓએ મળી અંતિમ ક્રિયાઓને અંજામ આપ્યો. હજી સુધી આ બનાવની સંપૂર્ણ સમજ મારા દિલો-દિમાગમાં ઉતરી નથી.

જરાવાર માટે પણ એકલો પડું તો મન ભૂત-ભવિષ્યમાં ઝોલા ખાય છે. ૪૫ વરસ સુધી ભરાતા આવેલા પટારામાંથી અચાનક એક એક વસ્તુ ઉછળીને બહાર આવે છે, તો કયારેક ભવિષ્ય લાંબી જીભ કાઢીને સામે ઊભેલું નજરે પડે છે.

ઈશ્વર કૃપાએ કુટુંબ અને સમાજ અડીખમ  રીતે આ ક્ષણે તો સાથે ઊભા છે, દુખમાં સહભાગી છે, ભવિષ્ય માટે હૈયાધારણ આપે છે, પણ ખાલીપો એટલો બધો છે કે આ બધી સહાનુભૂતિની અનુભૂતિ આશ્વાશન આપી શકતી  નથી.

૧૯૭૦ ના ૧૨ મી ડીસેમ્બરે, કલકતાની હોમિયોપેથિક ડૉકટર ચંદ્રલેખા ઠક્કર સાથે મારા લગ્ન થયા. બહુ નાની વયે એણે એની માતા ગુમાવેલી, મૃત્યુ સમયે એની માતાની વય માત્ર ૩૮ વર્ષની હતી અને એનાથી નાના બે ભાઈ અને એક બહેનનું વાલીપણું એના માથે આવી પડેલું એટલે નાની ઉમ્મરે જ જવાબદારી ભર્યું વર્તન એના સ્વભાવમાં વણાઈ ગયેલું. પરિણામે ૪૫ વર્ષ સુધી અમારા ઘર અને અમારા બાળકો, એક પુત્ર અને એક પુત્રીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી એણે જ સંભાળી લીધેલી; મારૂં કાર્ય ધન કમાવા પુરતું મર્યાદિત રાખેલું. બાળકોનું છેક અમેરિકા સુધીના ઉચ્ચ અભ્યાસની દેખરેખ એણે જ રાખેલી. બદલામાં એને બાળકોએ અબાધિત પ્રેમ કર્યો.

આજે મને ખ્યાલ આવે છે કે મારા જીવનની મહાભારતમાં એ મારી સારથી હતી. એની સૂઝબુઝથી જીવનની ઝટીલ સમસ્યાઓ અમે ઉકેલી શક્યા. વિના શરતનો ત્યાગ એ એનો સ્વભાવ હતો. મારા બે બાળકો અને એના નાના ભાઈ બહેન એના જીવનમાં કેંદ્રબિન્દુઓ રહ્યા.

બધા પરિણીત યુગલોની જેમ અમારે પણ મતભેદ થતા પણ તે અરધા કલાક- કલાકથી વધારે ટકતા નહિં. એક મેક પ્રત્યે સન્માન અને લાગણી એ અમારા સંબંધોનો પાયો હતા.

હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલૂં ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.

-પી. કે. દાવડા  

શ્રી પી.કે.દાવડાના આ હૃદય દ્રાવક ઈ-મેલના જવાબમાં એમને દિલાસો આપતાં મારા ઈ-મેલમાં મેં આ પ્રમાણે લખ્યું હતું.

પ્રિય દાવડાજી,

શ્રીમતી ચંદ્રલેખાબેન દાવડાના અણધાર્યા અને અચાનક સ્વર્ગવાસના સમાચાર આપતો આપનો ઈ-મેલ દિલને આંચકો આપી ગયો. દુખી હૃદયે આખો ઈ-મેલ વાંચતાં આપની ખાલીપાની સંવેદનાઓ દિલને હલાવી ગઈ .આપની ભારત યાત્રા માટે નીકળવાના આગલા દિવસે જ આપણે ફોન ઉપર વાત કરી હતી ત્યારે મેં તમોને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે ક્યાં ખ્યાલ હતો કે તમને આવો દુખદ દિવસ જોવાનો આવશે ! ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !

હું પણ તમારી જેમ જ ખાલીપા અને ઝુરાપાના સ્ટેજમાંથી પસાર થયો છું એટલે આપની અત્યારની મનોસ્થિતિ મને બરાબર સમજાય છે. ૩૦ વર્ષના અમારા સુખી દામ્પત્ય પછી એમની ૫૪ વર્ષની ( મારી ૫૫ વર્ષની ) ઉંમરે એપ્રિલ ૧૯૯૨ માં મારાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો ત્યારનો એ ખાલીપાનો સમય યાદ આવી જાય છે.

પરંતુ દુઃખનું ઓસડ દહાડા છે. જેનો આપણી પાસે કોઈ ઉપાય નથી એવી પરિસ્થિતિમાં મન ઉપર કાબુ રાખી સંજોગોને અનુકુળ બની જીવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. That can not be cured,should be endured.બાકીની જિંદગી એકલા ગુજારવાની થાય એ કઠે તો ખરું પણ મનને નવી દિશાએ સકારાત્મક રીતે દોરી જીવવાનું જ રહ્યું.

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં

પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

– કરશનદાસ લુહાર

આપણા મૂર્ધન્ય “વૈશમ્પાયન”ના ઉપનામે ઓળખાતા કવી કરસનદાસ માણેકનું એક કાવ્ય યાદ આવે છે એમાં એ કહે છે “નીરવ જીરવી લેજે ઝુરાપા,જાનારાને જાવા દેજે”

જાનારાને જાવા દેજે:

એકલવાયું અંતર તારું

ચૂપ રહી ચીરવા દેજે !

જાનારાને જાવા દેજે !

લાવજે ના લોચનમાં પાણી;

ધ્રુજવા દેજે લેશ ન વાણી,

પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી

છાનોમાનો છેદાવા દેજે !

જાનારાને જાવા દેજે !

નીરવ જીરવી લેજે ઝુરાપા,

છોને પડે તારે કાળજે કાપા:

હૈયાની ધરતી તરસી, તારાં

શોણિતથી સીંચાવા દેજે !

જાનારાને જાવા દેજે !

ઝંખનાની કાળી ઘોર ગુલામી;

વહોરજે ના વેદનાઓ નકામી.

સપનાની તારી વાડી રૂપાળીને

સામે ચાલી વેડાવા દેજે !

જાનારાને જાવા દેજે !

એકલવાયું અંતર તારું

ચૂપ રહી ચીરવા દેજે !

જાનારાને જાવા દેજે !

કરસનદાસ માણેક

યરવડાની જેલમાં જ્યારે કસ્તુરબા હાર્ટ એટેકથી અવસાન પામ્યાં ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું ” બા મારામાં સમાઈ ગઈ છે ” એમ ચંદ્રલેખાબેન અક્ષર દેહે તમારી સાથે જ આજીવન રહેવાનાં છે.

તામારા ઈ-મેલના છેલ્લા પ્રેગ્રાફ્માં તમે જે લખ્યું છે એમા આપની સમજની પરિપક્વતા દેખાય છે.

“હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલી ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરેએ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.”

નેટ જગતમાં આપે અગણિત મિત્રો બનાવ્યા છે મારી સાથે એ બધા આપના આ ખાલીપાના સમયે આપની સાથે આપના દુઃખમાં સહભાગી છે.

પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ અર્પે અને આપને તથા આપનાં સૌ કુટુંબીજનોને આ અણધાર્યું આવી પડેલું દુખ સહન કરવાની શક્તિ આપે.

દિલાસા સહ,

વિનોદભાઈ પટેલ.

સાન ડીએગો,૩-૧૭-૨૦૧૫ 

 

સ્વ.ચંદ્રલેખાબેન પી. દાવડાને

હાર્દિક શ્રધાંજલિ  

 

 

( 615 ) મળવા જેવા માણસ…… શ્રી ચિંતન વૈષ્ણવ ….. પરિચય ….પી. કે. દાવડા

આજે ટેકનોલોજી રોજે રોજ હરણફાળ ભરી રહી છે .એ જે ઝડપથી આગળ વધે છે એ જોતાં આજની ટેકનોલોજીથી લેવાયલા નિર્ણયો આવતી કાલની ટેકનોલોજી ઉપર ખરા ઉતરશે ખરા ?

બસ આવા અનેક પ્રશ્નોની ચિંતા કરતા MIT ના ડો. ચિંતન વૈષ્ણવનો પરિચય શ્રી.પી.કે.દાવડાએ એમની જાણીતી પરિચય શ્રેણી મળવા જેવા માણસમાં કરાવ્યો છે.

શ્રી દાવડાજી એ ઈ-મેલમાં મોકલેલ ડો. ચિંતન વૈષ્ણવનો પરિચય લેખ એમના આભાર સહીત આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

ખાસ કરીને નવી પેઢીને શ્રી વૈષ્ણવની જીવન ઝરમરમાંથી ઘણું જાણવાનું મળશે અને એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે . 

વિનોદ પટેલ 

 

મળવા જેવા માણસ…… શ્રી ચિંતન વૈષ્ણવ ….. પરિચય ….પી. કે. દાવડા

ચિંતન વૈષ્ણવ

ચિંતન વૈષ્ણવ

ચિંતનભાઈનો જન્મ ૧૯૭૧ માં અમદાવાદમાં થયેલો. માતા-પિતા બન્ને ડોકટર હોવાથી પૈસે-ટકે સુખી કુટુંબ ગણાતું. ચિંતનભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ વડોદરાની એલેંબિક વિદ્યાલયમાં કરેલો અને અહીંથી જ એમણે ૧૯૮૬ માં SSC અને ૧૯૮૮ માં HSC ની પરિક્ષાઓ પાસ કરી. શાળામાં ચિંતનભાઈની ગણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી, પણ એમનું બારમા ધોરણમાં એમનું પરિણામ થોડું નબળું આવ્યું. આજે પાછું ફરીને જોતાં એમને લાગે છે કે કદાચ બારમા ધોરણમા અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃતિઓમા વધારે પડતો સમય આપવાથી આવું થયું હશે, દાખલા તરીકે એમણે ૧૯૮૭ માં જ ક્લાસિકલ સંગીતમાં B.A. ની ડીગ્રી મેળવી લીધેલી.

HSC માં ઓછા માર્કસ આવ્યા છતાં એમના માતા-પિતાએ ભવિષ્યનો વિચાર કરી એમને બેંગ્લોરની R.V. કોલેજમાં Electronics and Communicationsના કોર્સમા દાખલ કર્યા અને ૧૯૯૨ માં એમણે અહીંથી B.E. ની ડીગ્રી પ્રાપ્ત કરી. આજે પણ ચિંતનભાઈ માને છે કે ઘરથી દૂર બેંગલોરમાં ગાળેલા આ ચાર વર્ષ દરમ્યાન એમને જે ગુણીજનો અને વાતાવરણ મળ્યું કે તેણે જીવન વિષે વિચારવાની એમની દ્રષ્ટી જ બદલી નાખી.

બે વર્ષ ભારતમાં કામ કરી, ૧૯૯૪ માં ઉચ્ચ અભ્યાસ માટે ચિંતનભાઈ અમેરિકા આવ્યા અને અમેરિકામાં રહી એમણે ૧૯૯૬ માં M.S. in Electrical Engineering ની ડીગ્રી મેળવી. ડીગ્રી મેળવ્યા બાદ એમણે Lucent Technologies-Bell Laboratories માં નોકરી સ્વીકારી. મારો દિકરો ભાવેશ પણ આ જ કંપનીમાં કામ કરતો હતો. ચિંતનભાઈ અને ભાવેશ મિત્રો બની ગયા હોવાથી, મારો ચિંતનભાઈ સાથે આ સમય ગાળામાં પરિચય થયો. એ સમયે મારા અમેરિકામાં ટુંકા રોકાણ દરમ્યાન જ હું ચિંતનભાઈની કેટલીક ખાસીયતોથી પ્રભાવિત થયો હતો. એમની વાતચીતમાં ગંભીરતા, એમની મિત્રો પ્રત્યેની લાગણી, એમનો સંગીત પ્રેમ અને એમની Brain Storming ની આદતે મારૂં ખાસ ધ્યાન દોરેલું.

Chintan-2

 જાન્યુઆરી ૨૦૦૦ માં ચિંતનભાઈના લગ્ન હેતલ બુચ નામની ગુજરાતી યુવતી સાથે થયા. આજે ચૌદ વરસ પછી ચિંતમભાઈ કહે છે કે મારા જીવનમાં મળેલી અતિ પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિઓમાં હેતલ મોખરે છે. લગ્નબાદ અમેરિકા આવ્યા પછી તરત જ હેતલબેને પણ વધારે ભણવાનું શરૂ કરી દીધું અને Computer વિષયક M.S. ડીગ્રી મેળવી લીધી.. હાલમાં આ દંપતી પોતાની સાડાચાર વર્ષની પુત્રી સાન્વીના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે.

પુત્રી સાન્વી

પુત્રી સાન્વી

રીસર્ચ-ક્ષેત્રે અગ્રેસર એવી Bell Laboratory માં નોકરી કરવા છતાં પણ એકવાત ચિંતનભાઈને વારંવાર ખટકતી કે, ટેકનોલોજીમાં એટલી પ્રગતિ પછી પણ ગરીબી અને ભૂખમરા જેવી મૂળભૂત સમસ્યાઓનો હલ આપણે શામાટે લાવી શક્યા નથી? થોડા વિચાર પછી તેમને એમ સમજાયું કે આ પ્રશ્નનો જવાબ આપવા તેમણે engineering ઉપરાંત વિષયો સમજવા પડશે। આથી, 2003 માં આ સારા પગારની નોકરી છોડી એમણે 2005 સુધી SM in Technology and  Policy નો અભ્યાસ કર્યો અને 2005 થી 2009 સુધીTechnology, Policy, and  Management નો અભ્યાસ કરી Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ જ્ઞાન પ્રાપ્તિ યજ્ઞ દરમ્યાન પાંચ વર્ષ માટે ઘર ચલાવવા એમને અને એમની પત્નીને MIT ની Under Graduate Students Hostel ના વોર્ડન તરીકે કામ કરવું પડેલું. આ પરિસ્થિતીને પણ Positive દ્ર્સ્ટીથી જોતાં ચિંતનભાઈ કહે છે, “આ કામ કરતાં કરતાં મને યુવા માનસમાં ડોકિયું કરવાની તક મળી. મોટા ભાગના ગોરા વિદ્યાર્થીઓથી ભરેલી આ MIT ની હોસ્ટેલના ઇતિહાસમાં, અમે પહેલા જ અમેરિકામાં નહિં જન્મેલા, અને ગોરા નહિં એવા વોર્ડન હતા. પણ પ્રેમ અને સમજદારીથી અમે વિદ્યાર્થીઓનો સારો એવો પ્રેમ સંપાદન કરેલો.”

ચિંતન વૈશ્નવ MIT ની Sloan School  માં સીનીયર લેકચરર છે.તેમની રીસર્ચ મહદઅંશે બે વિષયો ઉપર કેન્દ્રિત છે. મુખ્યત્વે, તેઓ આર્થિક અને સામાજિકભીડમાં જીવી રહેલ વિસ્તારોની સમસ્યાઓ માટે ટેક્નોલોજી અને વ્યવાસ્થાત્મક ઉપાયો ઉપર શોધખોળ કરી રહ્યા છે.  તદોપરાંત, તેઓ ટેકનોલોજી માં આવતા ઝડપી ફેરફારો ને કાર્યકરો, પ્રશાશકો અને નિયમનકારો કઈ રીતે સમજી શકે તેનો અભ્યાસ કરી રહ્યા છે. તેમનું આ કામ ખેતીવાડી, ઈન્ટરનેટ અને ટેલીકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, અને શહેરીકરણ ને સમજવામાં ફાળો આપી શકે તેમ છે. ચિંતનભાઈ કહે છે કે તેમના કાર્યકાળદરમ્યાન સૌથી યાદગાર પ્રસંગ એ રહ્યો છે તેઓ MIT માં જે ક્લાસને ભણાવે છે તેમાં એક વાર રતન ટાટા આવેલા.

ચિંતનભાઈની હાલની પ્રવૃતિઓ માત્ર બે વસ્તુઓ ઉપર કેંદ્રીત છે. (૧)શિક્ષણ આપવું, અને લોકોને પોતાનું જીવન સુધારવાની શક્તિ પ્રદાન કરવા શોધખોળ કરવી. અને (૨) એમની આસપાસના લોકોને એમની શક્તિની ચરમ સીમા સુધી પહોંચવામાં મદદરૂપ થવું. સ્કોલરશીપ અંગેની લોકોની મૂળભૂત મુશ્કેલીઓનું સંકલન કરી સમાધાન શોધવા માટે પણ ચિંતનભાઈ કાર્યરત છે. ચિંતનભાઈ માને છે કે રચનાશક્તિ નો ધ્યેય જનકલ્યાણ છે.

ચિંતનભાઈ કહે છે એ ઈશ્વરનો આભાર માને છે કે ગાંધીજી સાથે નજીકનો સંબંધ ધરાવતા એમના નાના શ્રી પ્રતાપરાય તુલજાપ્રસાદ છાયાએ એમને પ્રમાણિકતા અને પરિશ્રમનું જે મહત્વ સમજાવેલું એનું એ પોતે કુતુહલ અને હિંમતથી અનુસરણ કરવાની કોશીશમાં રહ્યા છે.

-પી. કે. દાવડા

============================================

શ્રી પી.કે. દાવડાની  મળવા જેવા માણસ લેખમાળા પરિચય શ્રેણીમાં અગાઉના લેખો વાંચવા માટે શ્રી સુરેશ જાનીના પ્રતિષ્ઠિત બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ની નીચેની લીંક ક્લિક કરીને ત્યાં પહોંચી જાઓ .આ લીંક ઉપર તમને બીજા સેંકડો નામી વ્યક્તિઓનો પણ પરિચય મળશે.

( 599 ) બ્લોગ્સની આજકાલ …..પી.કે.દાવડા

આ અગાઉની પોસ્ટ નંબર ( 597 ) માં મારો એક લેખ +કાવ્ય  “મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે .” તમે વાંચ્યું.આ પોસ્ટમાં મેં મારા બ્લોગર તરીકેના ત્રણ વર્ષના અનુભવોનું તારણ એમાં રજુ કર્યું છે. 

એના અનુસંધાનમાં આજની પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા એ મોકલેલ લેખ બ્લોગ્સની આજકાલ “ એમના આભાર સહીત પ્રસ્તુત છે.

શ્રી દાવડાનો પોતાનો કોઈ બ્લોગ નથી પણ તેઓ વર્ષોથી ઘણા બ્લોગમાં એમના લેખો /કાવ્યો મોકલતા હોય છે. ઘણા બ્લોગર મિત્રો સાથે એમને નજીકનો સંબંધ છે. એમના આ લેખમાં બ્લોગ અને બ્લોગરો સાથેના એમના વર્ષોના અનુભવનું તારણ પ્રસ્તુત કર્યું છે .તમને એ જરૂર વાંચવું ગમશે.

એમનો આ ટૂંકો પણ મનનીય લેખ વાંચ્યા પછી તમે શ્રી દાવડાજીને ઓડિયો અને વિડીયોમાં એમની વિવિધ કૃતિઓને  રજુ કરતા સાંભળી/જોઈ શકશો.

વિનોદ પટેલ 

===================================

બ્લોગ્સની આજકાલ -શ્રી પી.કે.દાવડા

P.K.DAVDA

P.K.DAVDA

૨૦૦૫ની આસપાસ ગુજરાતી બ્લોગ્સની શરૂઆત થઈ.જોતજોતામાં  બ્લોગ્સ લોકપ્રિય થઈ ગયા. ૨૦૧૨ સુધીમાં તો બ્લોગ્સ લોકપ્રિયતાની પરાકાષ્ટાએ પહોંચી ગયા. Inverted Parabola ની આ ટોચ હતી. અહીંથી એની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી. 

આજની હકીકત કંઈક આવી છે. 

બ્લોગના સંચાલકો અને લેખકો ઈમેઈલથી વાચકોને આમંત્રણ મોકલે છે કે મારા બ્લોગ ઉપર પધારો. આમત્રંણને માન આપી કેટલાક લોકો બ્લોગમાં જઈ ચાંદલાના રૂપમાં કંઈપણ વાંચ્યા વગર Like નું બટન દબાવી આવે છે.એનાથી ‘મોટો ચાંદલો’ કરવો હોય તો ‘સરસ’, ‘બહુ સરસ’ કે કંઈક આવું પ્રતિભાવ રૂપે લખી આવે છે, એક પણ શબ્દ વાંચ્યા વગર. કેટલાક આમંત્રણ આપનારા ચાંદલો ન આપનારાને ફરી ફરી આમંત્રણના ઈમેઈલ મોકલ્યા કરે છે 

આવું કેમ છે ? ‘ફેસબુક’, ‘ટ્વીટર’ અને ‘વોટ્સએપ’,રીયલ ટાઈમ’ જાણવા જેવું બધું જ, અતિ ટુંકાણમાં જણાવી દે છે. આને લીધે વાંચકોની લાંબા લખાણ વાંચવાની આદતમાં ફેરફાર થવા લાગ્યા છે. Sweet & Short ના જમાનાએ પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. સાહિત્ય કરતાં માહિતીનું મહત્ત્વ વધવા લાગ્યું છે. મોબાઈલના નાનકડા સક્રીન પર લાંબા લખાણ વાંચવા સગવડભર્યા પણ નથી. ડેસ્કટોપ અને લેપટટોપ કરતાં મોબાઈલ ઉપર સરફીંગ કરવાવાળાની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. આજે સિનીયરો પણ સ્માર્ટ ફોન વાપરતા થઈ ગયા છે, એટલે તેઓ પણ પહેલાંની જેમ લેપટોપ લઈ લાંબાં લખાણો વાંચતા નથી 

બીજું એક કારણ એ પણ હોઈ શકે, કે અસલી (જુનું ) હતું તે બધું પીરસાઈ ચૂક્યું છે, નવામાં જુના જેવો સ્વાદ નથી, અને તેથી લોકો એના ઉપર નજર કરી લે છે; પણ ફરી ફરીને માણતા નથી, કે અન્ય લોકો સાથે એની ચર્ચા પણ કરતા નથી. બ્લોગ્સની સંખ્યા એટલી વધારે છે કે શું વાચવું, ક્યાં વાંચવું વગેરેમાં સમય વપરાઈ જાય છે અને પરિણામે વાંચવાનું જ રહી જાય છે. 

હજી પણ કેટલીક જગ્યાએ ઈંટરનેટનો ચાર્જ ડાઉનલોડના વોલ્યુમ પ્રમાણે (per MB) લેવામાં આવે છે. સારું શોધવામાં જ એટલા બધા પૈસા ખર્ચાઈ જાય છે કે પછી લાંબું વાંચવું પોષાતું નથી. 

હજી પણ જે મુદ્દાસર ટુંકમાં લખે છે, તેમનાં લખાણ વંચાય છે.

પી. કે. દાવડા,ફ્રીમોન્ટ,

-CA-USA

============================

ઓડિયો -વિડીયો પર શ્રી પી.કે.દાવડા 

નીચેની લીંક ઉપર ક્લિક કરી તમે દાવડાજી ના  “કવિતા” વિષય ઉપર પાંચ ઓડિયો સાંભળી શકશો. આ સાંભળીને ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકોની જૂની યાદો તાજી થશે.

શ્રી પિ.કે.દાવડાને આ ઓડિયો લીંક ઉપર સાંભળો . 

આ લીંક ઉપર શ્રી પી.કે.દાવડા ને વિડીયો માં સત્સંગ કરતા જુઓ/સાંભળો.

( 589 ) કવિતા અને ગઝલોમાં “જીવન”……-પી. કે. દાવડા

જીવન વિષે ઘણા લેખકો અને કવિઓએ ઘણું ઘણું લખ્યું છે. “જીવન શું છે ? “એ પ્રશ્ન ” હું કોણ છું ? ” જેવો ના સમજાય એવો એક કોયડો છે જેનો ઉકેલ શોધવો સહેલો નથી.

આજની પોસ્ટમાં શ્રી પી.કે.દાવડાએ મોકલેલ લેખ “કવિતા અને ગઝલોમાં “જીવન”એમના આભાર સહીત પોસ્ટ કરતાં આનંદ થાય છે.

આ લેખમાં એમણે જાણીતા કવિઓ/ગઝલકારો ની જીવન વિશેની કંડિકાઓ એકત્રિત કરીને મૂકી છે એ વાંચવી અને વિચારવી ગમે એવી છે.

આજની પોસ્ટના સંદર્ભમાં વી.વી. ની પોસ્ટ નંબર  (439 ) ” જિંદગી ” વિષય ઉપરની મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ — મારી નોધપોથીમાથી પણ વાંચશો.

આ પોસ્ટમાં મારી નોધપોથીમાં ટપકાવેલી જિંદગી વિષય ઉપરની કાવ્યમય સ્વરૂપમાં મારી કેટલીક સ્વ-રચિત વિચાર ક્ન્ડીકાઓ પ્રસ્તુત કરી છે. 

વિનોદ પટેલ 

=================================

કવિતા અને ગઝલોમાં “જીવન”-પી. કે. દાવડા 

P.K.DAVDA

P.K.DAVDA

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે. મને આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સૌથી વધારે ગમે છે.

 “સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બેનું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

“ઓ દોસ્ત, વહેતા જીવનની
 આ કોણ સિતાર સુણાવે છે?
 આ બેઠો છે ક્યાં બજવૈયો ?
 કૈં સૂર નથી, કૈં સાજ નથી.”

 અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

“મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.” 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

“જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
 છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે”

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

“મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
 જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

“જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,” 

આદિલ’ મન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

“પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.”

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

“બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.”

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

‘બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી” 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો” 

-પી. કે. દાવડા

( 572 ) આવો મિત્રો, વાતું કરીએ :શ્રી પી.કે.દાવડાની અનુભવ વાણી-ભાગ-૨

વાચક મિત્રો ,

આ પહેલાંની વી.વી. ની પોસ્ટ ( 571) આવો મિત્રો, વાતું કરીએ :શ્રી પી.કે.દાવડાની અનુભવ વાણી માં શ્રી પી.કે.દાવડાની લેખમાળાના બે મણકા વાંચ્યા હશે .આજની પોસ્ટમાં બાકીના ત્રણ વાંચો.

-વિનોદ પટેલ 

P.K.DAVDA

P.K.DAVDA

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો(3)

 

કુટુંબ

 

આપણે બાળઉછેર અને શિક્ષણની વાતો કરી લીધી, હવે આપણે કુટુંબની વાતો કરીએ.૫૦-૬૦ વર્ષ પહેલાં કુટુંબની વ્યાખ્યા માત્ર સંયુકત કુટુંબ પુરતી જ હતી. બધા સંતાનો અને એમનાં માતા પિતા એક જ છતની નીચે રહેતાં અને એક જ રસોડે જમતાં . દિકરીઓ પરણીને એમને સાસરે જતી રહેતી, પણ દિકરાઓ પરણ્યા પછી પણ મા-બાપ સાથે રહેતા. દરેક ભાઈના પોતાનાં સંતાન જન્મે પછી પણ તેઓ અલગ રહેવા જતા નહિં. આમ કુટુંબમાં સાસુ-સસરા, દિયર-જેઠ, નણંદ, દેરાણી-જેઠાણી અને કાકાઈ(cousins)ભાઈ-બહેનોનું એક પરિવાર, કુટુંબની વ્યાખ્યામાં આવતું. 

આ સંયુક્ત કુટુંબના ફાયદા અને ગેરફાયદા બન્ને હતા. પહેલાં આપણે ફાયદા જોઈએ. પહેલો ફાયદો તો આર્થિક બચતનો હતો. કેટલીએ સામાન્ય સગવડો- Common facilities- જેવી કે ઘરનું ભાડું, વીજળી, છાપું અને મેગેઝીન અને આવી કેટલીક બીજી ચીજોનો માથાદીઠ – per capita-ખર્ચ ઘણો ઓછો થઈ જતો. બીજો ફાયદો, કામની વહેંચણી- division of labour -નો હતો. કુટુંબની પ્રત્યેક વ્યક્તિ પોતાને લાયક કામની જવાબદારી ઉપાડી લેતી. આને લીધે એક જ વ્યક્તિને બધાં કામ કરવાં ન પડતાં . ત્રીજો  ફાયદો હળવા મળવા –socialisation- નો હતો. સમાજમાં એક બીજા સાથે હળીમળીને કેમ રહેવું એનો પાઠ શિખવા મળી જતો. એક બીજા પાસેથી અક્કલ હોશિયારી અને આવડત પોતાની મેળે આવી જતી. મુશીબતનો સામનો બધા ભેગા થઈને કરતા તેથી ઘણી રાહતની લાગણી થતી. 

હવે થોડા ગેરફાયદા પણ જોઈએ. વધારે લોકો એકઠાં રહેતાં હોવાથી મતભેદ થવાની શક્યતા વધારે રહેતી, પણ ઘરના વડિલો તટસ્થ રહી પરીસ્થિતિને સંભાળી લેતા. ઘરની વહુઓ અલગ અલગ પરીવારમાંથી આવેલી હોવાથી ક્યારેક ચડસા ચડસી- one upmanship -દેખાડવાની કોશીશ થતી પણ સમય વીતતાં બધું થાળે પડી જતું. કોઈકવાર બાળકો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન પણ ફરીઆદનું કારણ બનતું, પણ વડિલો વચ્ચે પડી તેનો અંત લાવતા. 

સમય વીતતાં ફેરફાર આવવા શરૂ થયા. બીજો પુત્ર પરણે એટલે પહેલો પુત્ર પોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહેવા જાય એવી પ્રથા શરૂ થઈ. કુટુંબના બાકીના સભ્યો Truncated સંયુક્ત કુટુંબની જેમ જ રહેતા. વાર તહેવારે અલગ રહેતા પુત્રો પોતાના પરિવાર સાથે મૂળ કુટુંબમા આવીને કાર્યક્રમમાં ભાગ લેતા, બદલામાં જરૂરત વખતે અલગ થયેલા કુટુંબને મૂળ કુટુંબની મદદ મળી રહેતી. 

ત્યારબાદનો તબ્બકો એટલે અત્યારની પરીસ્થિતી. બધા પરણેલા પુત્રો અલગ થઈ જાય અને મા-બાપ એકલા રહે. હજી સુધી તો પુત્રો આપસમાં સમજુતી  કરી મા-બાપની જરૂરીઆતો ઉપર ધ્યાન આપે છે, જો કે આમાં થોડા એવા પણ કીસ્સા બનવા લગ્યા છે કે મા-બાપ ઓશિયાળા થઈ જાય છે. આ વ્યવસ્થા –arrangement- માં શરૂઆતમાં તેમને ખપતી ગુપ્તતા-privacy મળે છે, પણ કેટલાક લાભ પણ ગુમાવવા પડે છે. પતિ-પત્ની વચ્ચે જ્યારે મનદુખ થાય ત્યારે સમજુતી કરાવી આપનાર વડિલો અને કુટુંબના બીજા સભ્યોની ગેરહાજરીનો અહેસાસ થાય છે. કુટુંબમાં  માંદગી વખતે એકલે હાથે પહોંચી વળવું ખૂબ અઘરૂં લાગે છે. બાળકો સાથે રમવા એમની ઉમ્મરના ભાંડુઓનો અભાવ બાળકોને કેટલું કઠે છે તે મેં નજરે જોયું છે. 

આ હપ્તામાં આપણે કુટુંબમાં આવેલા ફેરફાર જોયા, હવે આપણે આવતા હપ્તામાં લગ્ન-પ્રથામાં આવેલા ફેરફાર જોઈશું.

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૪)

 

લગ્નઃ 

કુટંબ વિષે આપણે વાતો કરી લીધી, હવે આપણે લગ્ન વિશે વાત કરીશું. આજથી આશરે ૬૦ વર્ષ પહેલાં લગ્ન મોટે ભાગે વડીલોએ નક્કી કરેલાં-Arranged Marriage- હતાં . બન્ને પક્ષના વડિલો બધું નક્કી કરી લેતા. છોકરા-છોકરી ને સગપણ થઈ ગયા પછી એક બીજાને જોવાના પણ મોકા શોધવા પડતા. પચાસેક વર્ષ પહેલાં આમાં થોડી છૂટ છાટ અપાઈ, સગાઈ પહેલાં બન્નેને પાંચ દશ મિનિટ માટે એકલા અલગ રૂમમાં વાતચીત કરવાની છૂટ મળી. ચાલીસેક વર્ષ પહેલાં બન્નેએ એકથી વધારે વાર મળવાનું, એ પણ ઘરથી બહાર, શરૂ કર્યું. 

જેમ જેમ વધારે સંખ્યામા છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંડી અને નોકરી પણ કરવા લાગી, તેમ તેમ મા-બાપનો “રોલ” ઘટવા લાગ્યો અને સ્વપસંદગીની પ્રથા શરૂ થઈ. આમાં પણ મોટે ભાગે મા-બાપની મંજૂરી જરૂરી હતી. ત્યાર બાદના તબકામાં મા-બાપની “ના” ને અવગણીને પણ લગ્નો થવા લાગ્યાં. આમાં થી કેટલાક કિસ્સાઓમાં મા-બાપ થોડા સમય બાદ આ સંબંધને સ્વીકારી લેતાં . 

આ બધાં લગ્નોમાં એક ખાસ વાત એ હતી કે સહજીવન લગ્ન બાદ જ શરુ થતું. લગ્નો વધારે ટકાઉ હતાં અને છૂટાછેડા સુધી વાત ભાગ્યે જ પહોંચતી. 

એકવીસમી સદીમાં આપણા સમાજમાં પણ યુરોપ-અમેરીકાની અસર લઈ આવી. દર ચારમાંથી એક લગ્ન છૂટાછેડા સુધી પહોંચે છે. લગ્નેત્તર સંબંધો-Live-in relationship- શરૂ થઈ ચુક્યા છે. Relationship, Couple, Dating વગેરે શબ્દો હવે સામાન્ય વાતચીતમાં વપરાવા લાગ્યા છે. મા-બાપ મુંગા રહીને યુવા-યુવતિઓનો સ્વછંદી વ્યહવાર સ્વીકારી લે છે. નોકરી માટે ઘરથી દૂર રહેનારા યુવાનો અને યુવતીઓમાં આ વધારે દેખાય છે. 

લગ્ન પ્રથા ભાંગી નથી પડી પણ એમાં રહેલી ગંભીરતા અને પવિત્રતા ઓછી થઈ રહી છે. આ વિષય ખૂબ જ સંવેદનશીલ-Sensitive હોવાથી અને આમાં પેઢીઓ વચ્ચે ખૂબ જ મતભેદ હોવાથી, મેં માત્ર ટુંકમાં આવેલા ફેરાફારની જ વાત કરી છે. આમ પણ આ લેખમાળા સમાજમા આવેલા પરિવર્તનની નોંધ લેવા માટે જ છે, નહિં કે જૂના-નવાની તુલના કરવા માટે. 

આવતા હપ્તામાં આપણે રિતરીવાજોમાં આવેલા બદલાવોની વાતચીત કરશું.

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૫)

 

રિતરીવાજઃ 

આ છેલ્લા હપ્તામાં આપણે કેટલાક રિતરીવાજોમાં  આવેલા બદલાવ વિષે વાત કરશું. 

સૌથી મોટો ફેરફાર આવ્યો છે છૂત- અછૂતની બાબતમાં . ૧૯૪૫ સુધી તો મને યાદ છે કે મારે સંડાસ જ્વું હોય તો એના માટે ખાસ અલગ રાખેલા વસ્ત્રો પહેરીને જવું પડતું. નીકળીને પાછા બાથરૂમમાં  એ વસ્ત્રો અલગથી મુકી રાખી, રોજીંદા વસ્ત્રો પાછા પહેરી લેવા પડતાં . હરિજનોને અડી જવાય તો નહાવું પડતું. માસિક ધર્મ પાળતી સ્ત્રીને ભૂલથી અડી જવાય તો પહેરેલા વસ્ત્રો સાથે નહાવું પડતું. માસિક ધર્મ પાડતી સ્ત્રીઓ ચાર દિવસ માટે અછૂત બની જતી, એને ખૂણો પાડવો પડતો, એના જમવાના વાસણો અને સુવાની પથારી પણ અલગ રહેતી. લગભગ આવી જ રીતે સુવાવડી સ્ત્રીને ૨૧ દિવસ અથવા ૪૦ દિવસ સુધી રહેવું પડતું. આજે આમાંનું કંઈપણ અસ્તિત્વમાં નથી. 

ગ્રહણ લાગે તે પહેલાં બધો રાંધેલો ખોરાક ફેંકી દેવામા આવતો, બધું પાણી ઢોળી દેવામાં આવતું. ગ્રહણ દરમ્યાન ભજન કીર્તન થતાં અને ગ્રહણ છૂટ્યા બાદ નહાઈને પછી જ ખાવા પીવાનું શરૂ થતું. આજે આમાંનું કંઈ પણ અસ્તિત્વમાં નથી. 

બેસતા વર્ષને દિવસે દૂર દૂર સુધીના વડિલોને પગે લાગવા જવાનો રીવાજ હતો. એક દિવસમાં આમ કરવું શક્ય ન હોય તો એક અઠવાડિયામાં પણ આ ફરજ નિભાવવી પડતી. આજે બે ચાર વડિલોને પગે પડી બાકીના લોકોને મોબાઈલ પર જ પ્રણામ કરી લેવામા આવે છે. 

અડોસ પડોશમાંથી જરૂરી ચીજો ઉધાર લેવામાં  આવતી અને ટુંકા સમયમાં પાછી આપી દેવામાં  આવતી, આને વાટકી વ્યહવાર કહેવાતો. ફલેટમાં  રહેવાવાળા હવે નાની નાની વાતો માટે પડોશીની ડોરબેલ વગાડતા નથી. 

નવરાત્રી દરમ્યાન ઘરોમાં અડોસ-પડોસની અને સગાં-સંબંધીઓની સ્ત્રીઓ માટે સાંજે રાસગરબાના કાર્યક્રમો યોજાતા અને કાર્યક્રમને અંતે લહાણીમાં ભેટ વસ્તુઓ અપાતી. આજે આ પ્રથા પણ દેખાતી નથી. 

નવરાત્રી દરમ્યાન નાની નાની છોકરીઓ પેટાવેલા દીવા સાથેનો ગરબો માથે મૂકી, એક એક ઘરના ઊંબરે “નામ શું?” કહીને ઊભી રહેતી. ઘરના લોકો નામ કહે એટલે પોતાના ભાઈને લાડ કરાવતી હોય એવા શબ્દોવાળા ગરબા ગાતી. બદલામાં ઘરના લોકો બધી છોકરીઓને ગરબામાં તેલ પૂરી આપતાં અને એક આનો બે આના ભેટમાં આપતાં . દર વર્ષે સાંભળીને મને એક બે ગરબાના શરૂઆતના બોલ યાદ રહી ગયા છે, “એક દડો ભાઈ, બીજો દડો ને ત્રીજે ચોથે હારજો…” અથવા “એકના એકવીસ રે ગોરી ગરબો આવ્યો, બેના બાવીસ રે ગોરી ગરબો આવ્યો..”

આજે આ છોકરીઓ જાય તો કદાચ તેમને માગવા વાળાની કક્ષામાં મૂકવામાં આવે. 

કોઈના ઘરમાં પણ પાપડ વણવાનો કાર્યક્રમ હોય તો અડોસ-પડોસની સ્ત્રીઓને આમંત્રણ અપાતાં અને પાપડ વણવા માટે આવેલા મહેમાનોને ચા-નાસ્તો કરાવી અને થોડા પાપડ ભેટમામાં આપવામાં  આવતા.

લીજ્જ્ત પાપડ આવ્યા પછી ઘરમાં પાપડ વણવાનું લગભગ બંધ જ થઈ ગયું છે. 

મરણ પ્રસંગે સાદડી ઓછામાં ઓછી ત્રણ દિવસ ચાલતી; વહેલી સવારથી સુર્યાસ્ત સુધી લોકો મળવા આવતા. સાદડીમાં બીડી-માચીસ અને વર્તમાન પત્રો રાખવામાં આવતાં . સ્ત્રીઓ કાળા સાડલા પહેરી, મરનારના ઘરે જઈ રડતી, અને પછી આશ્વાસનના બે શબ્દો બોલી પાછી જતી. ૨૦-૨૫ વર્ષ પહેલાં આમાં  સુધારો કરી, ચાર કલાકની પ્રાર્થના સભાઓ રાખવામાં  આવી. થોડા વર્ષો બાદ સમય ઘટાડીને બે કલાકનો અને ત્યારબાદ એક કલાકનો કરવામા આવ્યો. આજ કાલ મરણનોંધમાં પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યહવાર બંધ છે એમ પણ જોવા મળે છે. 

આમાંના મોટાભાગના રિતરીવાજ આજે લુપ્ત થઈ ગયા છે. એ સમયે સમાજને એક સૂત્રમાં બાંધી રાખવા કદાચ એ જરૂરી હશે, આજે ઘણા બધા સારા વિકલ્પો-substitute -મળી ગયા છે, અને જૂના રિતરીવાજ બિન જરૂરી સાબિત થયા છે. 

પેઢી દરપેઢી આવતા સામાજીક પરિવર્તનની નોંધ આટલા ટુંકાણમા લેવી શક્ય નથી. મેં માત્ર અત્યારની પેઢીને એમના દાદા-દાદીનો જમાનો કેવો હતો તેની ઝાંખી કરાવવાનો માત્ર પ્રયત્ન કર્યો છે. 

-પી. કે. દાવડા 

===================

વાચક મિત્રો,

મને આશા છે વી.વી. ની બે પોસ્ટમાં પ્રસ્તુત શ્રી પી.કે.દાવડા ની લેખ શ્રેણી “આવો મિત્રો વાતું કરીએ “ ના પાંચ ભાગોમાં એમણે રજુ કરેલી અનુભવ સિદ્ધ વાતો આપને રસ દાયક લાગી હશે. ખાસ કરીને આજની નવી પેઢીને એમાંથી ઘણું નવું જાણવા પણ મળ્યું હશે.

આ લેખ શ્રેણી વિષે આપના પ્રતિભાવો, વિચારો, પ્રતિભાવ પેટીમાં –Comment Box- માં અથવા તો ઈ-મેલ – vinodpatel63@yahoo.com – દ્વારા જરૂર જણાવશો.

વિનોદ પટેલ

  

( 571) આવો મિત્રો, વાતું કરીએઃ શ્રી પી.કે.દાવડા ની અનુભવ વાણી

P.K.DAVDA

P.K.DAVDA

મારા હમ રાહી , હમ ઉમ્ર મિત્ર શ્રી પી.કે.દાવડા એક સાહિત્ય રસિક જીવ છે .અહીં અમેરિકામાં આવ્યા પછી એમની નિવૃતિના સમયમાં એમના ૭૬ વર્ષના જીવનના અનુભવોના અર્ક જેવા લેખો લખી ઈ-મેલમાં મિત્રોને વાંચવા માટે અવારનવાર મોકલતા રહે છે .

હમણાં એમણે આવો મિત્રો વાતું કરીએ એ શીર્ષક નીચે પાંચ હપ્તાની લેખ માળા ઈ-મેલમાં મોકલી હતી .આ લેખમાળા મને ગમી ગઈ અને વાચકોને પણ એમાં રસ પડે એવી જણાતાં એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે.

શ્રી દાવડા આ લેખમાળા મોકલતાં લખે છે કે …..  

મિત્રો, આજથી પાંચ દિવસ, ટુકડે ટુકડે, મેં જે દિવસો જોયા છે એ દિવસોને યાદ કરી એનું આલેખન કરીશ. સ્થળ કાળ પ્રમાણે તમારા અનુભવો આનાથી જુદા પણ હશે, છતાં પણ એમા પાયાની સમાનતા મળી રહેશે. આઝાદી પહેલા જન્મેલા લોકોને મારી વાતોમાં વધારે સચ્ચાઈ દેખાશે –પિ.કે.દાવડા 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૧)

નાના નાના લેખની આ હારમાળામાં મારે મારી, તમારી અને આપણા બધાની વાતો કરવી છે. વાતો કરતી વખતે એ વાતનું વિષેશ ધ્યાન રાખવું છે કે એનાથી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે.

આઝાદીના ૬૭ વર્ષ બાદ મધ્યમ વર્ગ, અને સંપન્ન લોકો હવે લાંબું આયુષ્ય ભોગવતા થયા છે. કેટલાક લોકો “સો વરસના થજો” ના મળેલા આશીર્વાદને સાર્થક કરવા લગ્યા છે.

સામાન્ય ગણિત એવું છે કે ૨૫મા વર્ષે યુવક પિતા બની જાય છે. એટલે દર ૨૫ વર્ષે એક પેઢી આગળ વધે છે. આ હિસાબે ૧૦૦ વરસની જીવિત વ્યક્તિ, પોતાને જો પહેલી પેઢી ગણે તો પાંચમી પેઢી જોઈ શકે છે, અને ચોથી પેઢી સુધીના ફેરફાર જોઈ અને અનુભવી શકે છે.

છેલ્લા પચાસ વર્ષથી આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ તેની ઝડપ પહેલા કરતાં ખૂબ જ વધારે છે અને હજી વધારે થતી જાય છે, અને એટલે એક જ પેઢીમાં  અનેક સામાજીક ફેરફાર થઈ જાય છે. ચોથી પેઢી સુધીમાં તો એટલા બધા ફેરફાર થઈ ચૂક્યા હોય છે કે પહેલી પેઢીની વાતો દંતકથા જેવી લાગે!

હકીકત એવી છે કે પ્રત્યેક નાના-મોટા સામાજીક ફેરફાર વખતે થોડું ઘર્ષણ થાય છે અને કેટલાક સામાજીક ફેરફારો ઘર્ષણ સામે ટકી રહે છે અને સમાજ એનો સ્વીકાર કરી લે છે. બીજા નવા ફેરફાર આવે ત્યાં સુધીમા અગાઉના ફેરફારોને માન્યતા મળી ચૂકી હોય છે, અને તેથી સમાજમા કોઈ મોટું ઘર્ષણ થતું નથી. હા જરૂર આગલી પેઢીના મનમાં Residual અસર રહી જાય છે અને એ અસર એમની ભુતકાળની વાતો કરતી વખતે જોવા મળે છે.

આપણે ફક્ત કેટલાક દૂરગામી અસર કરવાવાળા ફેરફારની જ વાતો કરીશું. આમાંના ઘણા ફેરફાર આર્થિક સંજોગોને લીધે કેટલાક ખૂબ ગરીબ વર્ગ અને ખૂબ પછાત રહેલા ગામડા સુધી પહોંચ્યા નથી.

મુખ્યત્વે આપણે આ વિષયોની ચર્ચા કરશું.

(૧) બાળ ઉછેર

(૨) શિક્ષણ

(૩) કુટુંબ

(૪) લગ્ન

(૫) પારંપારિક રિતરીવાજો

હું જે વાતો લખું છું તે માત્ર સાંભળેલી વાતો નથી. મેં જોએલી અને અનુભવેલી વાતો જ અહીં લખી છે. આમાંની મોટા ભાગની વાતો કચ્છી-ગુજરાતી લોકોને લગતી છે, કારણ કે હું કચ્છી-ગુજરાતી વસ્તીમાં  વધારે સમય સુધી રહ્યો છું.

સાથે એ પણ ચોખવટ કરી લઉં કે મારો આશય પહેલા હતું તે સારૂં હતું અને હવે છે તે ખરાબ છે એમ કહેવાનો જરાપણ નથી. હું તો માત્ર શું હતું અને શું છે એને યાદ કરવાનો પ્રયત્ન કરી  રહ્યો છું.

 બાળઉછેર

આ વિભાગને ઘણા બધા પેટા વિભાગમા વહેંચી શકાય, પણ એમ ન કરતાં મારા મનમાં સંગ્રહાએલી યાદોને જે ક્રમમાં યાદ આવે તેમ વહેવા દઉં છું.

શરૂઆત સંયુક્ત કુટુંબના જમાનાથી કરું. આ જમાનામાં જન્મેલા બાળકને મા ના ખોળા ઉપરાંત દાદી, કાકી, મામી, માસી અને ફઈના ખોળા પણ મળતા. મેં નજરે જોયું છે કે જ્યારે બે ધાવણાં બાળકો વાળી બહેનો મળતી ત્યારે તે એક બીજાના બાળકને સ્તનપાન કરાવતી. આ બાળકો જ્યારે મોટા થતા ત્યારે તેમના વચ્ચે આત્મિયતા રહેતી. હજી પણ રાજસ્થાનમાં લોકો “આ મારો દૂધ ભાઈ છે”, એવી ઓળખાણ આપે છે. આમ અડોસ પડોસ ઉપરાંત સગા-સંબધિના બાળકોના સંપર્ક્મા આવવાથી બાળકોમા બહોળા સમાજમાં ભળવાની શક્તિ ખીલતી.

મોટાભાગની સ્ત્રીઓ જ્યારે ગૃહિણી(House maker)નો ભાગ ભજવતી, તે સમયની વાત કરીએ. બાળક જ્યારે પણ ઘરમા આવે ત્યારે તેને તેની મા મળતી, એને જે કહેવું હોય તે તરત કહી શકતો. વળી જો સંયુક્ત કુટુંબ હોય તો જે પહેલી વ્યક્તિ મળે તેની પાસે પોતાની જરૂરીઆત જણાવતો અથવા ફરીઆદ કરતો. આજે માતાઓ કામ પર જાય છે. શાળામાંથી બાળક ઘરે આવે ત્યારે ઘર ખાલી હોય છે, અથવા તો ઘરની નોકરાણી હોય છે. બે ત્રણ કલાક રાહ જોયા પછી એની મા ઘરે આવે છે, ત્યાં સુધીમાં એનો વાત કરવાનો ઉત્સાહ ઠંડો પડી ગયો હોય છે, અને જો થોડો ઘણો હોય તો પણ એની મા ખૂબ થાકેલી હોવાથી પુરતો પ્રતિસાદ આપી શક્તિ નથી. એની સાથે રમવા અથવા વેકેશન ગાળવા એના મામા-માસીના અને કાકા-ફઈના બાળકો હવે આવતા નથી.

ફરી થોડા પાછળ જઈએ. બાળક જ્યારે નાનું હોય ત્યારે એની માતાઓ થોડી થોડી વારે ચેક કરતી કે બાળક હંગ્યું-મુતરિયું તો નથી. જો પેશાબ કર્યું હોય તો તરત તેને સાફ કરી બીજા ધોયેલા બાળોતિયામાં  લપેટી લેતી. આમ માતાનો સતત બાળક સાથે સંપર્ક રહેતો. આજે સવારના નવડાવી,ત્રીસ રૂપિયે નંગ વાળું “ડાયપર” પહેરાવી દેવામાં આવે છે, તે છેક રાત્રે સૂવાડતી વખતે બદલવામાં આવે છે. દરમ્યાનમાં  બાળક અનેકવાર પેશાબ કરી ચુક્યું હોય છે જે “જેલ”માં સોસાઈ એના શરીરના સંપર્કમા રહે છે અને પરીણામે “નેપી રેશ” ની ક્રીમ લગાડવી પડે છે.

બાળકને ભૂખ લાગી હોય ત્યારે એ રડીને જણાવે છે અને મા પણ સમજી જઈને બાળકને સ્તનપાન કરાવતી. આજે કામ કરતી માતાઓ પંપની મદદથી પોતાનું દૂધ કાઢી, ફ્રીઝમાં મૂકી જાય છે અને આયા તેને નક્કી કરેલા સમયે સહેજ ગરમ કરી બોટલથી પાય છે. બાળક થોડું મોટું થાય એટલે એને ડબ્બાનું દૂધ અને “Formula Food” શરૂ કરી  દેવામાં આવે છે.

આમાંના કેટલાક ફેરફાર સમયની માંગને લીધે કરવામાં આવ્યા છે તો કેટલાક ફેરફાર Product ખપાવવા કરવામાં આવતી aggressive જાહેરાતોને લીધે અમલમાં આવ્યા છે. એક જમાનામા પાવડર મિલ્કની જાહેરાતો અને આજે થતી “ડાયપર” ની જાહેરાતો આના પુરાવા છે.

આ શૃંખલાના બીજા ભાગમા આપણે શિક્ષણક્ષેત્રે થયેલા ફેરફારની વાત કરશું

 આવો મિત્રો વાતું કરીએઃ મણકો(૨)

(પાંચ હપ્તાની આ લેખમાળાનો આ બીજો હપ્તો રજૂ કરૂં છું. આ મારા અંગત અવલોકનો છે, કોઈ શોધખોળનું પરિણામ નથી.)

આ શૃંખલાના પહેલા લેખમાં આપણે બાળઉછેરની વાત કરી. આજે આપણે શિક્ષણ ક્ષેત્રમાં આવેલા ફેરફારની વાતો કરશું. શિક્ષણક્ષેત્રે ફેરફારની શરૂઆત ૧૯૫૦ થી જ થઈ ગયેલી. ૧૯૫૦ સુધી મા-બાપ બાળકોને ઘરની નજીક હોય તેવી ગુજરાતી મિડિયમની શાળામાં દાખલ કરતા. ૧૧-૦૦ થી ૫-૦૦ ની આ શાળાઓમાં દાખલ કરાવવામા મા-બાપને જરા પણ મુશ્કેલી ન નડતી. આવી શાળાઓની ફી પણ ખૂબ ઓછી હતી અને એમાં પણ ગરીબ વિદ્યાર્થીઓને ફી માફ કરવામાં આવતી, અને એમને પુસ્તક-નોટબુક્સ Poor boys fund માંથી આપવામાં  આવતાં .

આવી શાળાઓમાં બાળકોને અક્ષર અને અંકગણિતનુ જ્ઞાન આપી, રોજી રોટી કમાવા માટે તૈયાર કરાતા. મેટ્રીક પાસ થયેલાનુ માન હતું, અને B.A. અને B.Sc. વાળા તો ખૂબ ભણેલા કહેવાતા. શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન થતું.

૧૯૬૦થી મા-બાપોએ બાળકોને અંગ્રેજી મિડિયમની શાળાઓ, જે મોટે ભાગે ખ્રિસ્તી ચર્ચ ચલાવતા,એમાં મોકલવાનું શરૂ કર્યું. પછીતો હિંદુ સંસ્થાઓએ અને ઉદ્યોગપતિઓએ પણ અંગ્રેજી શાળાઓ શરૂ કરી. આ શાળાઓ ઘરથી દૂર હોવાથી બસની સગવડ ઉમેરવામાં આવી. બે shifts માં શાળા ચલાવવા માટે ૧૧-૦૦ થી ૫-૦૦ ને બદલે શાળાને અનુકૂળ આવે એવા સમય નક્કી કરવામા આવ્યા. બાળકોને ઊંઘમાંથી ઊઠાડી ઝડપથી તૈયાર કરી સવારના ૭-૩૦ ની બસમાં ચડાવવાની જવાબદારી મા-બાપ ઉપર આવી પડી. આવી શાળાઓની ફી અને બસ ભાડાં સામાન્ય શાળાથી ઘણા વધારે છે. નવા પ્રકારના શિક્ષણને Total Personality Development નામ આપવામાં આવ્યું છે. મારા બાળકો આવી શાળામાં  ભણ્યા છે, અને એમને એનો ચોક્ક્સ ફાયદો પણ મળ્યો છે, જો કે હું ૫-૦ થી ૮-૦૦ રૂપિયા ફી વાળી અને ૧૧-૦૦ થી ૫-૦૦ વાળી શાળામાં  ભણ્યો છું.

આજે સારી શાળામાં  એડમીશન મેળવવાનું ખૂબ જ અઘરૂં થઈ ગયું છે. મોટાભાગની શાળાઓ ખૂબ મોટી રકમનું ડોનેશન લઈને એડમીશન આપે છે.૨૦૦૫ થી International Schools હોડ શરૂ થઈ છે. ત્યાં શું અને કેવી રીતે શિખવવામાં આવે છે તેની જાણકારી મારી પાસે નથી, પણ હું એટલું જાણું છું કે આવી સ્કૂલની વાર્ષિક ફી ચાર લાખ અને બાર લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

આ રીતે મારી પેઢીનો ૫-૦૦ રૂપિયા મહિને, મારી બીજી પેઢીનો ૫૦૦-૦૦ રૂપિયા મહિને અને મારી ત્રીજી પેઢી જો અહીં ભણતી હોત તો (હાલમા આ પેઢી અમેરિકામા ભણે છે) ૫૦,૦૦૦-૦૦ રૂપિયા મહિનાનો ખર્ચ ગણાય. આ લેખ માળામાં મારો પ્રયત્ન પેઢીઓ વચ્ચેનો આ ફરક દેખાડવાનો છે.

આજે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાની હોડ લાગી છે. લોકો કરજ કરીને પણ પોતાના સંતાનોને પરદેશ ભણવા મોકલે છે, જો કે આમાંના મોટા ભાગના અભ્યાસ પૂરો કરી ત્યાં જ સ્થાયી થઈ જાય છે.

આના પછીના લેખમાં આપણે કુટુંબ વિષે વાતો કરશું

-પી. કે. દાવડા

==============================

વાચક મિત્રો,

શ્રી દાવડાજીની આ લેખમાળાના બાકીના ત્રણ હપ્તા હવે પછીની પોસ્ટમાં મુકવામાં આવશે.આભાર.

વિનોદ પટેલ ,સંપાદક  

=============================