એ પુસ્તકમાંથી મને ગમેલી ત્રણ પ્રાર્થનાઓ કુન્દનિકાબેનના આભાર સાથે વાચકોને માટે અત્રે પ્રસ્તુત કરું છું. વિ.પ.
૧. મને શીખવ હે પ્રભુ
મને શીખવ હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ.
– કુન્દનિકા કાપડીયા
૨. પ્રાર્થના
કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી. પણ તું મારી વ્યથા જાણે છે.
મારી સાથે કોઇ બોલનાર હોય કે ન હોય પણ હું તારી સાથે તો વાત કરી શકું તને સમયની કાંઇ કમી નથી તું નિરાંતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું.
બીજું કોઇ મને ચાહે કે ન ચાહે તું તો મને ચાહે જ છે.
મને હિમ્મત આપ, ભગવાન! શોકની આ ગલીમાંથી પસાર કરી મને જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઇ જા. મારે માટે તેં જે નિર્માણ કર્યું હોય, તે આનંદથી સ્વીકારી શકું એવા સમર્પણભાવમાં મને લઇ જા.
મારી પીડાઓને વાગોળવામાંથી, મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ.
હું મારા દુઃખમાં રાચવા લાગું અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું – એવું બને તે પહેલાં મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ, મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર.
– કુન્દનિકા કાપડીયા
૩. જન્મ દિવસની પ્રાર્થના
આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો
પણ આ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માંગુ છું.
લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે
પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં
મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય
એ હું માંગુ છું.
જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ
નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી –
એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.
જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને
તમારા માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.
જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.
પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.
હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત. પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.
પ્રાર્થના એ આપણી નૈતિક ભાવનાને પ્રબળ કરતો, જાગૃત રાખતો એક મનનો ખોરાક છે. જગતના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે.
શ્રુતિમાં પણ કહ્યું છે કે :
“ઈશ્વર એક જ છે ,પરંતુ એના ભક્તો એમની ચિત્તવૃત્તિ અનુસાર એને જુદા જુદા નામ સ્વરૂપથી એની ઉપાસના કરે છે .”
દરેક માણસમાં ભગવાન રૂપી ચૈતન્ય શક્તિ બિરાજે છે .આપણે જ્યારે કોઈને નમસ્તે કહીએ છીએ ત્યારે નમસ્તે નો અર્થ એ છે કે હું તારામાં રહેલા ભગવાનને નમન કરું છું.
મન રૂપી આરસી પર અનેક દુષણો રૂપી ધૂળ એકઠી થાય છે ત્યારે એનું સ્વરૂપ ચોખ્ખું જોઈ શકાતું નથી.આ આરસી પર એકઠી થતી ધૂળ વારંવાર ખંખેરીને એને સ્વચ્છ રાખવી જોઈએ .પ્રાર્થના એ તો આવી વારંવાર જામી જતી ધૂળને ખંખેરવા માટેની એક મોર પીંછની સાવરણી છે.
હું જ્યારે પ્રાર્થમિક શાળામાં હતો ત્યારે કવિ દલપતરામ રચિત પ્રાર્થના ગીત “ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ”ગવડાવવામાં આવતું હતું.આ પ્રાર્થના હજુ પણ મને ગમે છે.અમારાં બાળકોને પણ એની પ્રથમ ચાર પંક્તિઓ ગવડાવેલી છે.
ઓ ઇશ્વર ભજીએ તને …. કવિ દલપતરામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
જ્યારે હાઈસ્કુલમાં હતો ત્યારે દલપતરામના જ સુપુત્ર કવિ નાન્હાલાલ દલપતરામ લિખિત પ્રાર્થના “પ્રભુ અંતર્યામી… અને અસત્યો માંહેથી..” પ્રાર્થનામાં ગાતા હતા. આજે પણ મને એ એટલી જ પ્રિય છે.આ પ્રાર્થના ગીતની માત્ર થોડી જ પંક્તિઓ લોકોમાં પ્રચલિત અને જાણીતી છે,આખી પ્રાર્થના બહુ થોડા લોકોએ જ વાંચી હશે.
આખી પ્રાર્થના નીચે પ્રસ્તુત છે. એનો યુ-ટ્યુબ વિડીયો પણ નીચે મુક્યો છે એમાં શાળાના બાળકોને આ પ્રાર્થના ગાતા સાંભળી શકશો.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું, મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું, દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો, પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે, તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે, અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે, અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો, ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો, ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે, વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો, નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો, નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
વાચકોના પ્રતિભાવ