
આજે ૧ લી મે, ૨૦૧૪ એટલે આપણા વતન ગરવી ગુજરાતનો ૫૪મો જન્મ દિવસ .
આજથી ૫૪ પહેલાં ૧ લી મે ,૧૯૬૦ના રોજ , ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,
ગાંધી ભક્ત પૂજ્ય રવિશંકર મહારાજે મંગલ દીપ પ્રગટાવ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી .
પ્રથમ મુખ્યમંત્રી તરીકે , ડો જીવરાજ મહેતાએ શપથ લીધા અને અમદાવાદ રાજધાની બનાવી
૧૯૭૦માં સરકારે નવા સચિવાલયમાં કામ શરૂ કર્યું જેને હાલ વિસ્તારીને મોટું બનાવવામાં આવ્યું છે .
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે આગેવાન નેતા ભેટ આપેલ છે,
મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ .
ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને
એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે .
ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર ઉપરાંત મોરારજી દેસાઈ, વૈજ્ઞાની ડૉ.વિક્રમ સારાભાઈ અને ઉદ્યોગ વીર
ધીરુભાઈ અંબાણીની પણ ભેટ દેશને આપી છે ,જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.

ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એમના સતત વિક્રમી ૧૩ વર્ષની મુદત દરમ્યાન સુંદર રાજ્ય
વહીવટ કરીને ગુજરાતની સિકલ બદલી નાખી છે અને વિશ્વમાં ગુજરાતના નામને ગુંજતું કર્યું છે .

આ શ્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનના એક ઉમેદવાર તરીકે હાલ ચૂંટણી જંગ લડી રહ્યા છે .
વડા પ્રધાન પદે ચૂંટાઈ આવવાની એમના માટે પૂરી શક્યતાઓ દેખાય છે .
આપણે ગુજરાતના આ સપૂતની સફળતા માટે અને ગાંધી અને સરદાર પછી એક કાર્યદક્ષ સ્વચ્છ
દેશનેતા ગુજરાત દેશને ભેટ આપે એ માટે એમને શુભેચ્છાઓ પાઠવીએ.
વિનોદ પટેલ
————————————————–
મહેકતું ગુજરાત ….. કાવ્ય …. શ્રી રમેશ પટેલ
આજની ગુજરાતના 54 મા સ્થાપના દિનની પોસ્ટમાં કરોના ,કેલીફોર્નીયા નિવાસી કવિ મિત્ર શ્રી રમેશભાઈ
‘આકાશદીપ’ની ‘મહેકતું ગુજરાત’ નામની કાવ્ય રચના પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .
રમેશભાઈની આ ભાવવાહી ગીત રચનાને લેસ્ટર ,યુ.કે. નિવાસી શ્રી દિલીપ ગજ્જર અને એમના
સાથીઓએ રસીલા સૂરોમાં એક કલાત્મક ઓડિયોમાં ગુંજતું કર્યું છે .
આ ઓડિયોની વિશિષ્ટતા એ છે કે એમાં દિલીપભાઈએ ગુજરાતને લગતાં
રંગીન ચિત્રોને કલાત્મક સરસ મઢી લીધાં છે .
કવિ મિત્ર શ્રી રમેશ પટેલએ એમના આ સુંદર કાવ્યમાં આપણા ગરવી ગુજરાત અને
એના ખમીરવંતા ગુજરાતીઓની સુંદર પહેચાન કરાવી છે .
મહેકતું ગુજરાત
ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત
જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત
છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત
ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત
—રમેશ પટેલ ( આકાશદીપ )
——————
‘મહેકતું ગુજરાત’ Audio
રજૂઆત- ચેતુ ઘીયા શાહ, ગાયકો- દિલીપ ગજજર અને રોશની શેલત (અમદાવાદ )
સંગીતકાર- નારાયણ ખરે, અમદાવાદ, ગુજરાત
————————————–
આભાર- સૌજન્ય ….શ્રી રમેશ પટેલ ,આકાશદીપ
શ્રી દિલીપ ગજ્જર II લેસ્ટરગુર્જરી
આજના ગુજરાત દિનની ઉજવણીને અનુરૂપ કવિ રમેશ ગુપ્તા લિખિત ગુજરાતના
‘રાષ્ટ્રગીત’ જેવું આ ગુજરાતી ગીત મન્નાડે ના સુરીલા સ્વરે માણો .
પહેલી મે, ૨૦૧૪ ના ગુજરાતના ૫૪ મા જન્મ દિવસે
વિનોદ વિહારના તમામ વાંચકોને અભિનંદન.
ગુજરાત દિનની ઘણી ઘણી શુભેચ્છાઓ .
જય ભારત… જય ગુજરાત… જય જય ગરવી ગુજરાત
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ