Tag Archives: ફેસ બુક માંથી
હૃદયકુંજ 🌍 દિલીપ ભટ્ટ
[ અભિયાન, સાપ્તાહિક ]
કંઈ દુઃખ નથી – નું સુખ બહુ મોટું સુખ છે

આપણને એવો સમય મળે અને ત્યારે મળે જ્યારે આપણે પ્રવૃત્ત હોઈએ કે ખરેખર આપણી સ્થિતિ શું છે તો એની મઝા જુદી છે. આની શરૂઆત બહુ ઉપરના માળેથી કરવાની જરૂર નથી.
શિયાળો શરૂ થયો છે ને સામેના રસ્તાના કિનારે એક માજી મીઠાં મધુરા બોર વેચવા બેઠા છે. બોરનો ઢગલો જાણે લાલ ચટ્ટાક માણેકની મહોલાત ! એમના રામ તો આવનારા ગ્રાહકના સ્વાંગમાં છે. એમણે આ જિંદગીના વરસો પસાર કર્યા હોય. તડકા-છાંયા જોયા હોય.પણ છાંયો એમની સાથે નથી રહ્યો. તડકો જ તડકો છે. બોર વીણતા હશે ત્યારે જે એકાદ કંટક વાગે એનાથી અધિક તો એને જિંદગીએ જ દંશ આપ્યા હશે. આનાથી વિપરીત પણ હોય. બે છોકરાઓને પરણાવીને ઘર વહુઓને સોંપીને એયને સવારે વગડામાં એકલા જ નીકળી પડતા હોય. એ એમનો આનંદ હોય. અને બોર વીણી-વેચીને જે બે પૈસા મળે એ સંતાનોના સંતાનોને માટે વાપરતા હોય. વહુદીકરાને આધીન થવાને બદલે પોતાનું ચપટીક કમાઈ લેવાનું ગૌરવ એમને પ્રિય હોય. તેઓ જ્યાં છે ત્યાં પોતે ઠીક જ છે એમ માનતા હોય તો એના જેવું તો બીજું સુખ શું હોય ! અને કદાચ સુખ ન હોય તો પણ કંઈ દુઃખ નથી – નું સુખ પણ એક મોટું સુખ છે.
જે કાફલામાં નીકળીએ એની સાથે તો ચાહો તો પણ ન રહી શકાય, સહુનો આગળ-પાછળનો ક્રમ થાય. ક્યારેક ક્યાંક રોકાઈ જવાય ને કાફલો તો આગળ નીકળી જાય. પગમાં તાન ચડે તો વળી ખુદ અધિક આગળ નીકળે. આ આગે-પીછે પણ સ્થળ અને કાળને સાપેક્ષ. ફૂટપટ્ટી બદલાવો તો માપ ન બદલાય પણ જિંદગીમાં તો દરેક અલગ કે નવી ફૂટપટ્ટીએ માપ જુદા જુદા આવે. એમાંય માપનાર પ્રમાણે પણ માપ બદલાય. કોને માનીને ચાલશો ? એકવાર જેને પોતાની જિંદગી પારકી ફૂટપટ્ટીએથી તોળતા રહેવાની ટેવ પડી ગઈ એને તો આ ભવમાં પોતાનું ખરું માપ કદી હાથ ન લાગે. પોતાની જિંદગીને બીજાઓના ત્રાજવે જેઓ માપતા રહે છે તેમને પોતાનું વજન તો ભલે ન મળે પણ આ મહાન અને રળિયામણી વ્યક્તિગત જિંદગીની આનંદલ્હાણ પણ પ્રાપ્ત થતી નથી; તેમને મળે છે અકારણનો અસંતોષ.
અસંતોષ આપણા મનને ‘જે નથી’ તેના પર કેન્દ્રિત કરીને ‘જે છે’ એનો આનંદ પણ ઉડાડી દે છે. સરવાળે જિંદગી નથી-નથી-થી ઉભરાઈ જાય છે. ‘છે’ થી છલકાતી જિંદગી જ માણવા જેવી હોય છે. કેટલાક લોકો બીજાઓની લાઈફને પોતાની લાઈફમાં જીવવા ચાહતા હોય છે જે અસંભવ અને ભ્રામક છે. આ પ્રવૃત્તિ તમને પાષાણ યુગમાં લઈ જાય છે. ઉપાસના ચાહે દેવોની હોય કે કોઈ સત્ વિચારની – એ તો જ તપ બને જો એ ભવિષ્યને અજવાળી આપે.
જિંદગી એક ઉપાસના છે, આનંદોપાસના. બધા જ દોડે છે તો સુખ પાછળ, તેમાંના કેટલાક શાંતિને સુખ માને છે ને કેટલાક માત્ર સમૃદ્ધિને જ સુખ માને છે.શાંતિનું સુખ વર્તમાનનું સુખ છે અને સમૃદ્ધિનું સુખ ભવિષ્યનું સુખ છે. શાંતિ માધ્યમ પણ છે, સમૃદ્ધિ સુધી પહોંચવાનું કારણ કે સંપત્તિ સહિતના કોઈ પણ સર્જનમાં શાંતિ ઉદ્દીપક વિભાવના છે. શરૂઆત સુખથી ન હોય, શાંતિથી જ હોય. આપણે ત્યાં ગુજરાત અને ગુજરાતીમાં સુખાકારીનું જે ત્રિપદીય લોકસૂત્ર છે તે સુખ, શાંતિ અને સમૃદ્ધિનું છે, પણ એનો ક્રમ ખોટો છે. ક્રમ ખરેખર તો શાંતિ, સમૃદ્ધિ અને સુખ – એમ હોવો જોઈએ.
પહેલા પદ દ્વારા બીજા અને બીજા પદ દ્વારા ત્રીજા પદ સુધી પહોંચવાનું છે જે સ્વભાવે મનુષ્ય અને જીવમાત્રનું મનથી ઘડાયેલું લક્ષ્ય હોય છે. પરંતુ વિદ્વાનોએ એના પછીનું ચતુર્થ પદ પણ ઉમેર્યું તે છે આનંદ. સુખ આલંબિત છે, આનંદ નિરાલંબિત છે. સુખને આધાર અને કારણ જોઈએ, આનંદ સહજાનુભવ છે. સહજાનંદ અતિશય મધુર અને પરમ શબ્દ છે.બીજાઓને પોતાના જીવનના નમૂનેદાર રોલ મોડેલ તરીકે સ્વીકારવાની વાત મોટિવેશનલ વક્તાઓ કરે છે તે સામાન્યતામાંથી માણસને ઊભો કરવા માટે છે.
માત્ર એક રન વે છે પછી એ છોડીને તમારે ઊંચી ઉડાન આરંભવાની હોય છે. જે છે તે સ્વયંમાં જ છે એને બાહ્યાધારો એ સ્વત્ત્વને અનાવરણિત કરવામાં મદદ કરે એટલું જ. જ્ઞાન વૃક્ષ પાસે નથી, એ તો બુદ્ધમાં અને પ્રબુદ્ધમાં હોય છે. પરંતુ બુદ્ધને પિપ્પલક વૃક્ષનું આલંબન ક્ષણ માત્ર માટે ઠીક લાગ્યું એનાથી વૃક્ષ બોધિવૃક્ષ થયું. બુદ્ધ તો બુદ્ધ જ છે. બુદ્ધને વૃક્ષતળે પવનની એક આછી અમથી લહેર જ બસ થઈ રહે. એથી વધુ આલંબનની એને શી તમા ?
આપણે જે મહાકાય મંદિરો અને તીર્થો વિકસાવ્યા તે છે તો ભીતરના આનંદને પ્રગટાવવાના આલંબન જ. એ સર્વસ્થળે જનારાઓમાં હજારોમાં કોઈ એકને હોય છે આનંદની તરસ, બાકી તો બધા સુખની યાચના માટે જ ટોળે વળેલા હોય છે. સંસારના સર્વ ધર્મમાં આ જ સ્થિતિ છે. ધર્મ ખરેખર તો ધર્મથીય વધુ ઊંચે જતા શીખવે છે પણ એ તો બધાને ન શીખવું હોય. તેઓ માને છે કે દુઃખ નિરુપાય નથી ને ધર્મ એક માત્ર એનો ઉપાય છે. અને એમ માનનારાઓનો તો કોઈ ઉપાય નથી.આ સંસારમાં કેટલા બધા લોકો એવા છે જેને કોઈ દુઃખ નથી. તેઓ જ ખરેખર તો સુખની પાઠશાળા છે.
આ મનુષ્યત્વની ઊંચી અવતારી જાતિ છે. તેઓ કંઈ એકલ-દોકલ નથી. આખી પૃથ્વી પર પ્રચ્છન્ન રીતે ફેલાયેલા છે. તેઓ દેખાવે પણ દરિદ્ર ન લાગે કારણ કે તેમના ચહેરા પર પરિતોષની આભા હોય છે. એક પ્રકારનો ઉજાસ જે આપણા જન્મના પ્રથમ સપ્તાહે માતાના ચહેરા પર હોય છે. અથવા એવો રંગ જે કેસૂડા ખિલે એ પહેલાં પલાશની ડાળીઓમાં છૂપાયેલો હોય છે. કોઈ મુગ્ધાની કેશલતાની અમસ્તા જ લહેરાતી લટનો લય તેમની વાણીમાં હોય છે. આપણે છેલ્લા બસો વરસમાં મનુષ્ય તરીકે વ્યક્તિગત જરૂરિયાતોની અભિવૃદ્ધિ જ કરતા આવ્યા છીએ. એને કારણે સુખના આલંબનો જ એટલા વધતા રહ્યા છે કે હવે તો મનુષ્ય એમાં નિત્યનૂતન ઉમેરણ કરતા જ રહે છે.
દુઃખ આગંતુક હોય તે હોય પણ ઊભા કરેલા દુઃખ ટકાઉ હોય છે. જેનું આગમન હોય એનું નિર્ગમન પણ હોય એ સંજોગોનો ઉપકાર છે. એટલે આવનારા દુઃખ તો આવે ને જાય પણ ઊભા કરેલા દુઃખને દૂર કરવામાં તો એક વિરાટ સૈન્યની શક્તિ પણ ઓછી પડે.
સૌજન્ય …
વાચકોના પ્રતિભાવ