બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અણમોલ ભેટ છે.બાળકના આગમનથી કુટુંબ સંપૂર્ણ બને છે. એક બાળકનું કુટુંબમાં આગમન એક આનંદનો અવસર બની જાય છે.
બાળક અને એને જન્મ આપનાર માતાનો સંબંધ ગર્ભાધાનના સમયથી જ શરુ થાય છે.માતા માટે તો બાળક એના શરીરનો જ એક હિસ્સો છે.
માતાના ઉદરમાં નવ માસ દરમ્યાન દિવસે દિવસે ગર્ભ એક બાળકનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરે છે એ આ વિડીયોમાં સરસ સમજાવવામાં આવ્યું છે.
9 Months In The Womb:કુદરતનો અજબ કરિશ્મા A Remarkable Look At Fetal Development Through Ultrasound By PregnancyChat.com
નવ માસ માટે ઉદરમાં બાળકનો ભાર ઉઠાવીને અને પ્રસુતિની અસહ્ય પીડામાંથી પસાર થયા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે અને સૌ પ્રથમ વાર જ્યારે આ જનની એના શરીરના જ અંશ સમા બાળકનું મુખ જુએ છે ત્યારે એનું બધું જ દુખ એ ભૂલી જાય છે.એના મુખ પર આનંદ અને સંતોષનું સ્મિત ઝળકી ઉઠે છે.આ ક્ષણથી જ માતા અને બાળક આજીવન પ્રેમના બંધનથી બંધાઈ જાય છે.માતા પિતા અને કુટુંબીજનો અને મિત્રોમાં બાળકના જન્મથી આનંદની લહેર ફેલાઈ જાય છે.
વૃદ્ધ દાદા-દાદી માટે તો આ બાળક એમની મૂડીના વ્યાજ સમું વ્હાલું બની જાય છે.બાળકની સાથે બાળક બની કુટુંબમાં નાવાન્તુક મહેમાન સમા બાળકને પ્રેમથી એમના વધતા જતા કુટુંબમાં આવકારે છે. એમના માટે આ ખુશીનો માહોલ બની જાય છે.
બાળ વિકાસ
જેમ એક છોડ દિવસે દિવસે વધી વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે એમ એક બાળક દિવસે દિવસે વધતું જાય છે .
બગીચાના એક ફૂલ છોડ પર જેમ એક કળીમાંથી દિવસે દિવસે એક પૂરું ખીલેલું સુંદર ફૂલનું સ્વરૂપ લે છે એમ જ બાળકનો દિવસે દિવસે શારીરિક અને માનસિક વિકાસ થતો રહે છે .બાળકની જનની આ વિકાસને આશ્ચર્ય અને ખુશી મિશ્રિત લાગણીથી નિહાળતી રહે છે .
કુટુંબ રૂપી બગીચાની માળી રૂપી માતા એના બાળક રૂપી ફૂલને દિવસે દિવસે વધતું અને ખીલતું જોઇને આનંદથી હરખાઈને ખીલી ઉઠે છે.માતાનો બાળક પ્રત્યેનો લગાવ અને આનંદ અદભુત હોય છે કે જેની કિંમત પૈસામાં કદી થઇ ના શકે.
બાળ સંભાળ અને માતા
બાળકની સંભાળ રાખનાર માતા માટે જોવા જેવા ત્રણ વિડીયો …..
જે કુટુંબમાં પતી-પત્ની વચ્ચે વિચાર, વાણી અને વર્તનમાં સુમેળ હોય એ લગ્ન જીવન સફળ થતું હોય છે .સમાજ જીવનમાં થતાં બધાં લગ્નો સફળ નથી હોતાં. જ્યારે પતી-પત્ની વચ્ચે વિચારોનો મેળ નથી પડતો ત્યારે બન્ને વચ્ચે ચકમક ઝરે છે ,ઝગડા થાય છે અને એથી છેવટે ઘણાં લગ્નો ડાયવોર્સમાં પરિણામે છે.
જ્યારે એ કુટુંબમાં ચાર-પાંચ વર્ષનું બાળક હોય ત્યારે પતી-પત્ની વચ્ચે થતી આવી અવાર નવારની તકરારો અને ડાયવોર્સની એના કુમળા મગજ ઉપર રોજે રોજ વિપરીત અસર થતી રહે છે એ અગત્યની વાત તકરારી યુગલો ભૂલી જાય છે.પાંચ કે ૬ વર્ષનું બાળક આપણે માનીએ છીએ એવું અબુધ નથી હોતું. એ ઘણું ઘણું વિચારતું અને બરાબર સમજતું હોય છે કે પેરન્ટસ વચ્ચે શું ચાલી રહ્યું છે.
આજના આ વિડીયોમાં એક ૬ વર્ષની નાજુક બાળકી એની ડાયવોર્સી માતાને એક ફીલસુફની અદાથી જે સલાહ આપે છે એ ખરેખર અદ્ભુત છે.એની માતાને એ જે કહે છે અને જે રીતે કહે છે એ સાંભળીને તમને નવાઈ લાગશે કે એના કુમળા મગજમાં શું શું ચાલી રહ્યું હશે .
આ બાળકીના શબ્દો સાંભળીને આપણને થાય કે આવડી નાની છોકરીમાં જે સમજણ છે એ એનાં મા -બાપમાં જો હોત તો કદાચ એમણે ડાયવોર્સ ના લીધા હોત. આપણને આ બાળકી ઉપર સહાનુભુતિ થઇ આવે છે કે આ નિર્દોષ છોકરીનો શું દોષ કે જેથી એનાં મા -બાપના પ્રેમથી એ વંચિત રહી .આ ૬ વર્ષની બાળકીના શબ્દોની પસંદગી,એનું શબ્દ ભંડોળ એક અભ્યાસુ પુખ્ત વયની વ્યક્તિના જેવું સબળ છે.
આજના આ પ્રેરક વિડીયોમાં ડાયવોર્સી માતાને સલાહ આપતી બાળકીને સાંભળીને જેને ભગવાને બાળકોની અમુલ્ય ભેટ આપી છે એવાં અવાર નવાર ઝગડતાં રહેતાં પરિણીત નાસમજ યુગલોએ ઘણું શીખવા જેવું છે એમ તમને નથી લાગતું ?
A 6 year old girl give her mom a wake up calls a lesson of life after her parents been divorced
હવે નીચે એક બીજો વિડીયો જુઓ.
એમાં બે નાજુક બાળક બેલડાં -TWINS- સંગીતના તાલે આઈરીશ નૃત્ય કરી રહ્યાં છે એ જોઇને તમે પણ ખુશ ખુશ થઇ જશો!
આ બાળકીઓના હસતા મુખના અલોકિક આનંદને નિહાળીને તમારો દિવસ સુધરી જશે !
RISH DANCING TWINS ARE ABSOLUTELY ADORABLE!
બાળકોનો જ્યારે આવા હસી ખુશીના વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો જ એમના મગજનો જોઈએ એવો સુંદર વિકાસ થાય છે.
બાળ માનસશાસ્ત્રીઓના મતે બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો એના મગજનો ૮૦ ટકા ભાગ વિકસિત થઇ ચુક્યો હોય છે. ત્રણ વર્ષના બાળકને જો માતા-પિતાનો પ્રેમ અને આદર્શ સંભાળ અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તો આ બાળકની વિકસિત થયેલી ગ્રહણ શક્તિ અદભૂત પરિણામો કરી બતાવે છે અને એનાં મા-બાપને ગૌરવ અપાવે છે .
બાળકોનાં મા-બાપ ( મમ્મી -ડેડી ) જાતે રસ લઈને જો નાનાં બાળકોના હાથમાં એને રસ પડે એવી વાચન સામગ્રી મુકી પહેલેથી જ એનામાં વાંચવાનો જો રસ ઉત્પન્ન કરે તો એમનામાં વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો અજબ વિકાસ થતો હોય છે. નાનપણમાં વાંચેલી વાર્તાઓ અને પ્રેરક પુસ્તકોનો બાળકના ભાવી જીવનમાં પણ ઉંડો પ્રભાવ પડતો હોય છે.
આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું ભારતમાં બીજા દેશોની સરખામણીએ બાળકો માટે પુરતી વાચન સામગ્રી ઉપલબ્ધ છે ખરી ?
આ વિષયની સુંદર છણાવટ કરતો દિવ્ય ભાસ્કરમાં વાંચેલો શ્રી કાંતિ ભટ્ટનો એક લેખ “બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા? ” આજની પોસ્ટમાં મુક્યો છે એ ખુબ મનનીય છે.
આ લેખ વાંચ્યા પછી મને હાસ્ય દરબારમાં રી-બ્લોગ થયેલ સુ.શ્રી હીરલ શાહનો લેખ “અચરજ અપાર “યાદ આવી ગયો.
યુ.કે.માં સ્થાઈ થયેલ સુશિક્ષિત હિરલ અને એમના પતિ મિલન ખુબ રસ લઈને પુસ્તકોની મદદથી અને અન્ય રીતે પુરતો સમય આપી એમની બે-અઢી વર્ષની દીકરી જીનાને ઉછેરી રહ્યાં છે.
હિરલે તો આ માટે એની સારા પગારની જોબ પણ છોડી છે.નાનકડી જીનામાં એની ઉંમરને આંબી જતી કલ્પનાશક્તિ ખરેખર અચરજ પમાડે એવી વિકસી છે. હીરલના લેખનો આ એક પ્રસંગ એની પ્રતીતિ કરાવશે.જીનાનું હુલામણું નામ “ટબૂક” બૂક સાથે કેવું સંલગ્ન છે !
“ટબૂકને બે-ત્રણ વાર એવા અનુભવ થયેલા કે ડૅડીને કીધું હોય કે મારી સાથે ગા.ને ડૅડીને ના આવડતું હોય એટલે ડૅડીને મમ્મી પાસે ક્લાસ લેવા મોકલે.
ગઇકાલે એક બુક લઇને મિલન પાસે આવી, કહે આ વાંચ તો, બીજી જ સેકન્ડે, ઓહ, પણ તને ફાવશે વાંચતા? મિલન કહે, સંભળાવું વાંચીને? હા, આખી બુક (૮-૧૦ પાનાંની ચિત્રો સાથેની બુક) વાંચી એટલે ટબૂકબેન કહે, વાહ, ડૅડી, ગુડ જોબ, તને તો આવડે છે. ફાવી ગયું ને!”
આજની પોસ્ટમાં પ્રસ્તુત “બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?” એ મૂળભૂત પ્રશ્ન અંગે આપનાં મંતવ્યો જરૂર લખશો.
વિનોદ પટેલ
બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?
– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?
બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.
બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.
અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.
હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.
સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.
જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.
ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.
આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે?બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.
તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘
10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.
ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.
સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે. ‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.
મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.
ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.
છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!
વાચકોના પ્રતિભાવ