વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: બોધ કથા

1151 – પથ્થર અને મૂર્તિ … એક બોધકથા ….

માઈકલ એન્જેલોના જીવનનો એક પ્રસંગ … એક બોધકથા

Moses ( Art of Michelangelo)

માઈકલ એન્જેલો મહાન શિલ્પી થઈ ગયા. તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં સુવિખ્યાત છે.

એકવાર તેઓ રસ્તામાંથી પસાર થતા હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી , જેને જોઈએ તે લઈ જઈ શકે છે.

માઈકલ એન્જેલોએ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અને હથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં તેઓ લાગી ગયા.

ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? માઈકલ એન્જેલોએ કહ્યું કે, ‘હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.’

ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.

માઈકલ એન્જેલોનું માતા મેરી અને ઈશુનું પ્રખ્યાત શિલ્પ

જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતા કે, ” અદ્ભુત…! અદ્ભુત…! એન્જેલો અદ્ભુત…!”

કોઈએ પૂછ્યું :”  એક બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે તમે ઉપજાવી? ”

ત્યારે માઈકલ એન્જેલોએ કહ્યું કે :

“મેં આંમાં કશું નવું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં તો મૂર્તિની આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે.વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવી !’

( સૌજન્ય- હિરેન રાવલ- ફેસબુક પરથી સાભાર )

આ કથાનો બોધ પાઠ…

દરેક મનુષ્યનું પણ આવા એક બેડોળ પથ્થર જેવું જ છે. આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું પડ્યું હોય જ છે .આપણે પણ આ બેડોળ પથ્થરમાં છુપાએલ મૂર્તિની જેમ મહાન બની શકીએ જેમ ઇતિહાસમાં ઘણા બધા લોકો મહાન બન્યા છે એમ.

ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના વધારાના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! સારા આચાર અને વિચારોના ટાંકણાથી એ સૌ દુર્ગુણોનો વધારાનો પથ્થર જ્યારે તમે દુર કરશો ત્યારે જ તમારામાં છુપાએલ સુંદર વ્યક્તિત્વ રૂપી મૂર્તિ આપોઆપ માઈકલ એન્જેલોની સુંદર મૂર્તિની જેમ બહાર દેખાઈ આવશે.!!

====================

માઈકલ એન્જેલો નો પરિચય ….સૌજન્ય- વિકિપીડિયા

Michelangelo Merisi

Michelangelo- FAMOUS Sculpatures

 

( 822 ) ક્યારેક ગુસ્સાને બદલે દયાની લાગણી અનુભવવી જોઇએ… બોધ કથા …..આશુ પટેલ

 

ક્યારેક ગુસ્સાને બદલે દયાની લાગણી અનુભવવી જોઇએ

 

એક ઝઘડાખોર અને કટકટિયા વૃદ્ધની મૂછો પર તેના પૌત્રે ગંદો ગુંદર ચીપકાવી દીધો ત્યારે…

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

એક વૃદ્ધ માણસનો સ્વભાવ બહુ ખરાબ હતો. તેને કોઇની સાથે ફાવતું નહોતું અને દરેક વાતમાં કે સ્થિતિમાં તે વાંધાવચકા કાઢતો રહેતો હતો. તેના એવા સ્વભાવને કારણે તે સગાંવહાલાં અને મિત્રો-પરિચિતોમાં અપ્રિય થઇ પડયો હતો તેનો દીકરો પણ તેનાથી કંટાળીને અલગ રહેવા ચાલ્યો ગયોે હતો.

તે વૃદ્ધ થોડા મહિનાઓના અંતરે પોતાના પુત્રને ઘરે જતો હતો, પણ તે એક બે દિવસ રોકાતો હતો એ દરમિયાન પણ તેની કટકટ ચાલુ રહેતી હતી એટલે તેનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તેના આગમનથી અકળાઇ જતા હતાં.

એક વાર તે વૃદ્ધ પોતાના પુત્રના ઘરે રોકાવા ગયો. તે એક દિવસ જ રોકાવાનો હતો, પણ એટલા સમયમાં તેને ઘણા વાંધા પડયા. તેણે પોતાના નાનકડા પૌત્રને પણ કોઇ વાતે ધમકાવી નાખ્યો.

પૌત્રને દાદા પર ગુસ્સો આવ્યો એટલે બપોરે તે વૃદ્ધ જમીને થોડી વાર સૂઇ ગયો એ વખતે પૌત્ર તેની મોટી મૂછો પર પારદર્શક ગુંદર લગાવી ગયો. તે ગુંદરમાંથી સખત વાસ આવતી હતી.

વૃદ્ધ જાગ્યો ત્યારે તેને લાગ્યું કે બેડરૂમમાંથી કંઇક ગંદી વાસ આવી રહી છે. તેણે પોતાના પુત્રને કહ્યું કે તારો આ બેડરૂમ ગંધાય છે. તને કે તારી પત્નીને સાફસફાઇની પડી જ નથી. તમે બેય આળસુના પીર છો.

વૃદ્ધ તીવ્ર વાસથી અકળાઇને લિવિંગ રૂમમાં ગયો તો ત્યાં પણ એ ગંદી ગંધ આવતી હતી. અકળાઇને તે દીકરાના ઘરના બધા રૂમમાં ફરી વળ્યો. બધા રૂમમાંથી વાસ આવતી હતી.

તે વૃદ્ધ કંટાળીને પુત્રના ઘરની બહાર નીકળ્યો તો પુત્રના ઘરની બહાર નાનકડા બગીચામાંથી પણ એ ગંધ આવતી હતી. સાંજ સુધીમાં તે બેવકૂફ વૃદ્ધ એવા તારણ પર આવી ગયો કે આખી દુનિયા જ ગંધાઇ રહી છે.

કોઇ બે બદામનો એકટર આખા દેશને અસહિષ્ણુ કહે ત્યારે હાય વોય કે ગાળાગાળી કરવાને બદલે આ વાર્તા યાદ કરશો તો તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

સૌજન્ય- મુંબઈ સમાચાર .કોમ 

 

(545) વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા

 એક નેટ મિત્રના ઈ-મેલમાં એક નાની અંગ્રેજી વાર્તા વાંચવામાં આવી . આ વાર્તા અસરકારક જણાતાં એનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કરીને વાચકોને વાંચવા અને વિચારવા માટે  આજની પોસ્ટમાં રજુ કરી છે . ક્યાંક વાંચેલું યાદ આવે છે :

  જિંદગીની આ સ્થિતિ સૌથી કરુણ છે : વડીલો વિનાનું ઘર અને ઘર વિનાના વડીલો .  

એ જ મતલબનું એક બીજું અવતરણ છે કે

માતા-પિતાને બે વખત આંખમાં આંસું આવે છે ,  જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે દીકરો તરછોડે ત્યારે .”  

આ ટૂંકી પણ હૃદયસ્પર્શી બોધ કથામાં પોતાના ઘર વિનાની અને દિકરાથી તરછોડાયેલી સમાજની અનેક માતાઓમાં ની એક માતાની  કરુણ કથની છે .

આશા છે આ બોધકથા આપને ગમશે.

–વિનોદ પટેલ 

===================================================

વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા 
એક ભાઈ એમના પિતાના અવસાન બાદ એમની પત્નીની ઈચ્છાને માન આપી અને માતાની ઈચ્છાને અવગણીને માતાને શહેરના એક દુરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા .
જો કે કોઈ કોઈવાર આ ભાઈ વૃધ્ધાશ્રમની મુલાકાત લેતા અને માતાને મળતા હતા ખરા !
એક દિવસ વૃધ્ધાશ્રમમાંથી એનાં સંચાલિકા બેનનો ફોન આ ભાઈ ઉપર આવ્યો કે તમારી માતાની તબિયત બહુ ખરાબ થઇ ગઈ છે . જલ્દી અહીં આવી માતાને મળી જાઓ .
દીકરો એકલો માતાને મળવા વૃદ્ધાશ્રમમાં આવ્યો અને એણે જોયું કે માતા જીવનના છેલ્લા શ્વાસ લઇ રહ્યાં છે .ક્યારે મોત આવે એ કહેવાય નહિ એવી સ્થિતિમાં છે .  
દીકરાએ માની પથારી નજીક વાંકા વળી પૂછ્યું :
“બોલ મા, તારી છેલ્લી ઈચ્છા શું છે ? તારા ગયા પછી તારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ .” 
ઘડપણને લઈને જેનું શરીર લથડી ગયું છે એવી અશક્ત માતા ધીમા અવાજમાં દીકરાને કહે છે : 
“ બીજું તો કઈ નહી દીકરા, મારી આ રૂમમાં કે આખા વૃદ્ધાશ્રમમાં ગરમીમાં હવા માટે એક પણ પંખો નથી તો તું એ નંખાવી આપજે .”
આ સાંભળી દીકરાને આશ્ચર્ય થયું.એણે મા ને આશ્ચર્ય સાથે કહ્યું :
”આ બધો વખત તું અહી હતી અને હું તને મળવા આવતો હતો ત્યારે કોઈ વખતે તેં પંખાની ફરિયાદ કરી ન હતી અને હવે તારા જીવનની છેલ્લી ઘડીઓ બાકી છે અને તું કાયમ માટે વિદાય લઇ રહી છે ત્યારે આ વાત મને આજે જ કેમ કરે છે? “
માએ ધીમા સાદે જે જવાબ આપ્યો એમાં એના હૃદયમાં ઘણા વખતથી ઘૂંટાઈ રહેલું દર્દ બોલતું હતું .
મા એ કહ્યું :
” મેં તો ઉનાળાની ગરમીમાં આજ સુધી જેમ તેમ કરીને પંખા વિના ચલાવી લીધું પરંતુ હવે હું જાઉં છું ત્યારે તને અહીં પંખા નંખાવવા એટલા માટે કહું છે કે ભવિષ્યમાં જ્યારે તને તારાં સતાનો આ વૃધ્ધાશ્રમમાં મોકલશે ત્યારે મને બીક છે કે પંખા વિના એ વખતે તારાથી ગરમી સહન નહીં થઇ શકે !”
 અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ — વિનોદ પટેલ
=================================================
 

Gandhi-gujrati language

( 447 ) ”કુતરાનું ગુમડું” ……( વાર્તા ) ……. લેખક શ્રી આનંદરાવ લિંગાયત

 
અ anand-rao-lingayat-editor-gunjan-magazine-

Anandrao Lingayat-Editor-GUNJAN Magazine-

જાણીતા વાર્તા લેખક અને મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ એમની ઈ-મેલમાં મને મોકલેલ એક સત્ય ઘટનાત્મક સંવેદનશીલ વાર્તા  –  ”કુતરાનું ગુમડું” આજની પોસ્ટમાં રજુ કરી છે .

આ વાર્તા મોકલતાં તેઓ લખે છે  “મિત્રો, નાનપણમાં અનુભવેલી ઘટનાઓ હવે જુદી જ દ્રષ્ટીએ નજર આગળ આવે છે .આ સાથે મોકલેલ  ”કુતરાનું ગુમડું” ..એવી . એક ઘટના છે. “— આનંદ રાવ

લોસ એન્જલસ , કેલીફોર્નીયા નિવાસી શ્રી આનંદરાવ એમની ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ સાહિત્ય સર્જન અને

અન્ય સામાજિક સેવાના કામોમાં પ્રવૃતિશીલ છે .

છેલ્લા વીસેક વર્ષથી તેઓ ગુંજન નામનું સામયિક એકલે હાથે ચલાવી રહ્યા છે . એમના ત્રણ વાર્તા સંગ્રહોની

જાણીતા સાહિત્યકારોએ પ્રસંશા કરી છે .

અગાઉ વિનોદ વિહારની ૨૪મી ફેબ્રુઆરી ,૨૦૧૨ ની પોસ્ટમાં એમની એક વાર્તા ” હું ,કબીર અને મંગળદાસ ” 

સાથે શ્રી આનંદરાવનો પરિચય કરાવવામાં આવ્યો છે એને  અહીં ક્લિક કરીને વાંચો .

શ્રી આનંદરાવ માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પણ એમણે સ્થાપેલ મહાત્મા ગાંધી લેપ્રસી ફાઉંડેશન અન્વયે

ગુજરાતમાં રક્તપિત્તથી પીડિત લોકો તથા અપંગજનો માટે ઉમદા સેવા બજાવી રહ્યા છે.

અહીં અમેરિકાનો લગભગ ૪૫ વર્ષનો વસવાટ હોવા છતાં તેઓ પોતાના વતનના લોકોને ભૂલ્યા નથી અને

ભારતની અવાર નવાર મુલાકાત લઈને ગુજરાતના દુરના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સેવા સંસ્થાઓની

મુલાકાતો લઈને લોકસેવા માટે પણ સમય આપે છે.

વિનોદ પટેલ

————————————————————————————————————-

 ”કુતરાનું ગુમડું” ……( વાર્તા )   અંગે …….

ગુજરાતના નાનકડા ગામ સાવદામાં આનંદરાવનો જન્મ થયો છે .સન ૧૯૬૯માં અમેરીકા લોસ

એન્જેલસ,કેલિફોર્નિયામાં આવીને સ્થિર થયા એ પહેલાં ગુજરાતમાં ભાલ નળકાંઠા

વિસ્તારમાં શિક્ષક તરીકે એમણે કામ કર્યું છે .

એટલે એમને ગ્રામ્ય જીવનનો વિશદ અનુભવ છે  .  ”કુતરાનું ગુમડું” વાર્તામાં એમણે ગામની ભાગોળે આવેલ

બસ સ્ટેન્ડ ઉપર દુખી કુતરાની સારવાર કરતા જોડા સાંધનાર એક મોચીનું જે દ્રશ્ય જોયું એની વાત એમની

આગવી શૈલીમાં રજુ કરી છે .

વાર્તાને અંતે લેખક જે કહે છે . ” મોચીની સક્રિય “એમ્પથી ” અને મારી નિષ્ક્રિય ”  સિમ્પથી ” એ ઘણું સુચક છે .

કોઈ દુખી માણસ કે જનાવરને જોઈને હૃદયમાં માત્ર સહાનુભૂતિની લાગણી થાય એને સિમ્પથી કહેવાય અને જો

એને માટે હૃદયમાં એવી સંવેદના જાગે કે આ દુખ દુર કરવાના પગલાં લેવા સક્રિય બનીએ

તો એ એમ્પથી કહેવાય .

સહાનુભૂતિ-સિમ્પથી  નિષ્ક્રિય  હોય છે , એમ્પથી- સંવેદના સક્રિય હોય છે . એ બે માં આટલો ફેર છે.

કોઈએ સાચું કહ્યું છે .

 “ડૂબતી વ્યક્તિ સાથે સહાનુભૂતિ તેને ડૂબવા દેવામાં નહીં પરંતુ બચાવવા માટે દાખવવી જોઈએ”–અજ્ઞાત

આ  ”કુતરાનું ગુમડું” વાર્તાનો બોધપાઠ આ છે .

આ વાર્તા મોકલવા માટે હું શ્રી આનંદરાવનો આભાર માનું છું .

વિનોદ પટેલ

————————————————–

”કુતરાનું ગુમડું” ….. લેખક –શ્રી આનંદરાવ લિંગાયત

 

અમારા ગામની ભાગોળે  આવેલા બસ સ્ટેન્ડ ઉપર જે જોયેલું અને અનુભવેલું એની આ વાત છે. ગામડેથી શહેરમાં જવા માટે આ સ્ટેન્ડ ઉપરથી બસો મળતી. ધૂળના ગોટા ઉડાડતી બસ આવે એટલે અંદર ઘૂસવા પડાપડી થતી. ક્યારેક અંદર ઘૂસવા મળતું. નહીંતર કંડકટરની કૃપાથી સળિયો પકડીને બહારના પગથિયા ઉપર ઊભા ઊભા જ મુસાફરી કરવાની.

હાઇસ્કૂલ પાસ થયા પછી નોકરી મેળવવા માટે હું આકાશ પાતાળ એક કરતો હતો. ક્યાં ય કશો પત્તો લાગતો જ નહોતો. હાઇ સ્કૂલના શિક્ષણની કોઈ કિંમત જ નથી એ સત્ય ત્યારે જ સમજાયેલું. રોજી-રોટી કમાવાની મારી આ શરૂઆત હતી. સરકારી ખાતામાં નોકરી મેળવવા માટે કેવી કેવી ઓળખાણ અને લાગવગ જોઇએ તે પણ સમજાવા માંડ્યું હતું. ખાનગી વેપારીઓની દુકાનોમાં તો એમનાં સગાં સંબંધીઓ જ ભરાઈ ગયેલાં હોય. નોકરી માટેનાં બધાં બારણાં ખખડાવીને રોજ સાંજે ઘરે આવું ત્યારે માબાપ રાહ જોઈને બેઠાં હોય કે દીકરો પાંચ પૈસા કમાય એવી કોઈ નોકરીના સારા સમાચાર લાવ્યો છે કે ? પણ હું તો ભયાનક નિરાશા લઈને જ ઘરે આવતો. માએ પીરસેલી એ થાળીમાંથી શાક રોટલો ખાવાનું મન પણ ના થાય.

એ દિવસો પણ વીતી ગયા.

મને શહેરની એક ખાનગી શાળામાં નોકરી મળી ગઈ. ચાર ધોરણ સુધીની શાળા હતી. મને પગાર રોકડા રૂપિયામાં અપાતો પણ કાગળ ઉપર મારે ત્રણ ગણા પગાર ઉપર સહી કરી અાપવી પડતી. હું બહુ ખુશીથી સહી કરી આપતો  . … એમ જ ચાલે.

પેન્ટ, બુશશર્ટ, ચંપલ તથા ખિસ્સામાં રૂમાલ. આ મારો વટવાળો પોષાક. એ શર્ટને ‘બુશ-શર્ટ’ કેમ કહેતા હશે તે મને હજી પણ ખબર નથી. બસની રાહ જોતાં ક્યારેક કોઈક બાંકડા ઉપર બેસવાનું થાય તો રૂમાલ પાથરીને બેસતો. પછી જરૂર પડ્યે એ જ રૂમાલથી મોં અને ગરદન ઉપરનો પસીનો લૂછતો. આરોગ્યશાસ્ત્રનું કંઈ ખાસ ભાન નહોતું.

એક દિવસ હું એકાદ કલાક વહેલો બસ સ્ટેન્ડ ઉપર આવી ગયો. મારે થોડું કામ હતું. ચંપલ નવાં લીધેલાં હતાં. એની નીચે તળિયામાં ટાયરનાં સોલ નંખાવવાં હતાં. શહેરના ડામરના રસ્તા ઉપર તળિયાં વધારે ઘસાય. આ ટાયરનાં સોલ નંખાવવાથી ચંપલનું અાયુષ્ય લાંબું થતું.

બસ સ્ટેન્ડ પાસે બહુ મોટો, જૂનો લીમડો હતો. એના થડ સાથે કંતાનનો ટૂકડો બાંધી એના છાંયડામાં એક મોચી બેસતો. કામ ધંધો ના હોય એવા બીજા બેત્રણ માણસો પણ ત્યાં બેસીને મોચી સાથે ગામ ગપાટા કરતા હોય. ચાની એક લારી પણ હતી. એક લારી ઉપર પરચૂરણ વસ્તુઓ લઈને એક બાઈ બેસતી. સૌનું ગૂજરાન ચાલતું.

મોચી પાસે સૌથી વધારે કામ રહેતું. એની બાજુમાં બેચાર જૂનાં બૂટ ચંપલની જોડી પડી રહેતી. જુદી જુદી સાઈઝના ટાયરના ટૂકડા રાખતો. જોડાં પલાળીને પોચાં કરવા માટે પાણીની ડોલ પણ બાજુમાં પડી રહેતી. અને સાથે એનાં ઓજારો હોય. મારાં ચંપલ નીચે સોલ નાખવાના ભાવતાલ નક્કી થઈ ગયા. બન્ને ચંપલ એને સોંપીને હું ત્યાં છાંયડે ઊભો રહ્યો.

એટલામાં ત્યાંથી એક કૂતરું પસાર થયું. મોચીની નજર એના ઉપર પડી. બાજુમાં નવરા બેઠેલા એના મિત્રોને એણે કહ્યું : ‘અલ્યા, હાહરુ અા કૂતરું બે તૈણ મહિનાથી રિબાય છે. એના કાન પાછળનાં ગૂમડામાં જીવડાં પડી ગયાં છે. એને પકડીને એનો કંઈક ઇલાજ કરીએ. જાવ, એને પટાઈ ફોસલાઈને અહીં લઈ આવો.’

પેલા મિત્રોએ રોટલાના બેચાર ટૂકડા હાથમાં લીધા અને કૂતરા પાસે ગયા. એક ટૂકડો નાખ્યો. પછી બીજો જરા દૂર નાખ્યો. એમ નાખતા નાખતા એને છેક લીમડા પાસે લાવ્યા. ધીમે રહી મોચીએ કહ્યું : ‘હવે એ ભડકીને ભાગી ના જાય એ રીતે એકદમ ઝડપથી એના આાગલા અને પાછલા ટાંટિયા પકડીને નીચે પાડી બરાબર દાબી રાખો.’

તરત જ પેલા બન્ને જણાએ કૂતરાના પગ પકડીને નીચે પાડ્યું અને બરાબર દાબી રાખ્યું. કૂતરું બરાબરની રાડો પાડતું હતું. મોચીએ બાજુમાં પડેલા ટીનના ડબલામાંથી ઘાસતેલ લઈ એક ગાભો પલાળ્યો અને પેલા કીડા ઉપર ધીમે ધીમે એ ઘાસતેલ નીચોવ્યું. કીડા મરવા લાગ્યા. લીમડાની સૂકી સળી લઈને ધીમે ધીમે મોચીએ એ બધા કીડા નીચે ખેરવવા માંડ્યા. કીડા નીકળી ગયા પછી ફરી થોડું ઘાસતેલ ઘા ઉપર રેડ્યું અને એક મોટો ગાભો લઈ એ ઘા ફરતે પાટો બાંધી દીધો. હવે ઘા ઉપર માખીઓ પણ નહીં બણબણે. કૂતરાને જાણે હાશ થઈ. એની રાડારાડ ઓછી થઈ. એના પગ છોડ્યા એટલે તરત બેઠું થઈ ગયું. મોચીએ પોતાના ડબ્બામાંથી એને રોટલાનો મોટો ટૂકડો આપ્યો અને વહાલથી પંપાળ્યું. મોચીનો આભાર માનતો હોય એમ કૂતરાની પૂંછડી પટપટી.

મનમાં મને દયા આાવતી − ‘બીચારું કૂતરું’ અને નાકે રૂમાલ દાબીને આ બધું જોતો ઊભો હતો.

પછી તરત મોચીએ મારાં સોલ નાખી આપ્યાં. પૈસા ચૂકવી હું ચાલતો થયો.

બીજા દિવસે બસ પકડવા હું આવ્યો ત્યારે પેલું કૂતરું ત્યાં જ મોચી પાસે બેઠું હતું.

મોચીની સક્રિય ‘એમ્પથી’; મારી નિષ્ક્રિય ‘સિમ્પથી’ !

− આાનંદ રાવ

 સંપર્ક :

e.mail : gunjan_gujarati@yahoo.com

————————————–

શ્રી આનંદરાવ સાથેની એક યાદગાર તસ્વીર

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

આ ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું ક્યાં , ક્યારે અને ક્યા સંજોગોમાં મિલન થયું એની વાત અગાઉ વિનોદ વિહારની

પોસ્ટ નંબર ૨૮૨માં કરી છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન