વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: બ્લોગ અને બ્લોગીંગ

( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શુ છે ? …..વિનોદ પટેલ

 આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે  બ્લોગ વિશ્વ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાય અર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણા ખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે એનું આ જ મુખ્ય કારણ છે .

 આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ + એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે. 

દરેક બ્લોગર મિત્રો એમની રીતે સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે .

મારા બ્લોગિંગના ત્રણ વર્ષના અનુભવ ઉપરથી મારે મન બ્લોગીંગ અને બ્લોગનું શું મહત્વ છે એને મારી નીચેની ત્વરિત અછાંદસ કાવ્ય રચનામાં પ્રસ્તુત કરેલ છે.

 બ્લોગ અને બ્લોગીંગ 

બ્લોગીંગ એ જન હિતાર્થે  કરવા જેવી  એક સેવા છે

જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

બ્લોગ મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું સાધન છે

સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો છે

સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

સાહિત્ય રસની તરસ છીપાવવા માટેની એક પરબ છે

ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

જીવન પોષક સાહિત્ય વાંચવા માટેનો એક ખજાનો છે

 ગુજરાતીને ગુજરાતીતા સાથે જોડતી કડી એક બ્લોગ છે

બ્લોગ એક મનોરમ્ય ગદ્ય પદ્ય ફૂલોની  ફૂલવાડી છે

સાહીત્ય બાગના ફૂલોની મહેંક ફેલાવતો એક પવન છે

મનને કોરતી એકલતા દુર કરવાનું અકસીર ઓસડ છે 

બ્લોગીંગને  એક  મેડીટેશન કહો યા તો એક યોગ છે

નિવૃતિનો સદુપયોગ કરવાની એક ઉત્તમ પ્રવૃત્તિ છે

ગદ્ય પદ્ય સર્જન અને વાંચન બાદની આનંદયાત્રા છે   

વિનોદ પટેલ

————————————————

મુંબાઈ,વાશીમાં રહેતા અને પત્રકારત્વ અને સામયિકોનો બહોળો અનુભવ ધરાવતા શ્રી જીતેન્દ્ર પાઢ અમેરિકા, પોર્ટ લેન્ડમાં રહેતા એમના પુત્રને ત્યાં અવાર નવાર આવતા હોય છે.

એમની અમેરિકાની ત્રીજી વારની યાત્રામાં એમની એકાંતની પળોમાં ઈન્ટરનેટ અને ગુજરાતી ભાષાના ઓન લાઈન સાહિત્ય -બ્લોગ વિશ્વ- નો અભ્યાસ કર્યા પછી એમના અનુભવની વાતો એમણે અક્ષરનાદ બ્લોગમાં પ્રકાશિત એમના એક લેખમાં કરી છે.

આજની પોસ્ટના સંદર્ભમાં અક્ષરનાદ અને લેખકના આભાર સાથે  એમનો લેખ નીચેની લીંક ઉપર વાંચવા જેવો છે.

વિદેશની અટારીએથી….. વેબ જગતનું વાંચન …..જિતેન્દ્ર પાઢ