Tag Archives: ભૂપેન્દ્રસિંહ રાઓલ.મિત્ર પરિચય
શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલનું વતનનું ગામ માણસા મારા વતનના ગામ ડાંગરવાની નજીકમાં જ આવેલું છે.અમારા ગામની અડધી વસ્તી રાજપૂતોની છે, એટલે એ ડાભીના ડાંગરવાથી પણ ઓળખાય છે. તેઓ કદાચ આ જાણતા હશે.
શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોગ કુરુક્ષેત્રમાં એમના લેખો હું રસથી વાચું છું.એમના લેખોનું વિષય વૈવિધ્ય અને સ્પષ્ટ વિચારો રસસ્પદ હોય છે.બ્લોગનું નામ મને ખુબ ગમ્યું.આ નામ વાંચતાં જ મહાભારતનો શ્લોક “ધર્મ ક્ષેત્રે ,કુરુક્ષેત્રે “યાદ આવી જાય .એમના કુરુક્ષેત્ર બ્લોગમાં વિચારોનું ઘમસાણ યુદ્ધ જ જોવા મળે છે ને !
શ્રી. ભૂપેન્દ્રસિંહના બ્લોગ કુરુક્ષેત્રની મુલાકાતથી એમનો થોડો પરિચય જાણ્યો હતો પરંતુ શ્રી દાવડાજીની “મળવા જેવા માણસ “શ્રેણીમાં એમનો વિગતવાર પરિચય વાંચીને આનદ થયો .
આજની પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ “મળવા જેવા માણસ -શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ”પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
વિનોદ પટેલ
મળવા જેવા માણસ -શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ
પરિચયકાર –પી.કે.દાવડા

શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ
શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૫૭માં મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં થયો હતો. એમનું વતનનું ગામ માણસા છે, જે હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. આઝાદી પહેલા માણસા ત્રીજા વર્ગનું રજવાડું ગણાતું અને એના રાજકર્તા પાટણના સ્થાપક વનરાજ ચાવડાના વંશજો હતા. આમ વનરાજ ચાવડાના સીધા વંશજ એવા ભૂપેન્દ્રસિંહ માણસા રાજવીના ભાયાત ગણાય. એમના દાદા શ્રી. મોતીસિંહજી જુના કડાણા સ્ટેટના દીવાન સાહેબ હતા, જ્યારે પિતાશ્રી રતનસિંહજી વકીલ હતા અને વિજાપુરમાં વકીલાત કરતા. માતા ત્રિકમકુંવરબા શાળાના શિક્ષણથી વંચિત હતા.
ભૂપેન્દ્રસિંહનો ઘોરણ ૧ થી ૪ સુધીનો અભ્યાસ નડિયાદની ન્યુ શોરોક પ્રાથમિક શાળામાં થયેલો. પાંચમાં ધોરણનો અભ્યાસ વિજાપુરની પ્રાથમિક શાળામાં કરેલો. ધોરણ ૬ થી ૧૦ સુધીનો અભ્યાસ વિજાપુરની આશ સેકન્ડરી હાઈસ્કૂલમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી ધોરણ ૧ થી ૪ ફક્ત બે જ વર્ષમાં પાસ કરી નાખેલા અને ત્યાર પછી માધ્યમિક સ્કૂલમાં પણ હંમેશાં ત્રીજો ચોથો નંબર આવતો. ગુજરાતી, ઇતિહાસ અને ભૂગોળ એમના પ્રિય વિષય હતા. ૧૧ માં ધોરણમાં વડોદરાની એચ. જે. પરીખ હાઈસ્કૂલમાં હતા, અને અહીંથી ૧૯૭૨ માં એમણે SSC ની પરીક્ષા પાસ કરી.
શાળાજીવનના સંભારણામાં તેઓ કહે છે:
“તમામ શિક્ષકો ખૂબ સારા મળેલા. પુરાણી સાહેબ નિસ્વાર્થભાવે સાર્વજનિક અખાડામાં સવારે બોલાવી કુસ્તી અને દેશી વ્યાયામ શીખવતા. શાળા અભ્યાસ દરમ્યાન ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે પાઠ આવે તેના લેખકનો પરિચય અને એમના સર્જન કૃતિઓ વિષે માહિતી ટૂંકમાં અપાતી. હું તે લેખકના તમામ પુસ્તકો, નવલકથાઓ, વાર્તા સંગ્રહો વિજાપુરની સાર્વજનિક લાઇબ્રેરીમાંથી લાવીને વાંચી જતો. આમ સૌથી પહેલા મેં ક.મા. મુનશી પછી ર.વ. દેસાઈ, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય જેવા અનેક નામી-અનામી સાહિત્યકારોને વાંચી નાખેલા. આ બધું સાહિત્ય શાળા અભ્યાસ દરમ્યાન દસ ધોરણ સુધીમાં વાંચીને પૂરું કરેલું.”
“અગિયારમાં ધોરણમાં હતો ત્યારે બરોડામાં બહુચરાજી રોડ પર આવેલા રજનીશ સ્વરૂપમ ધ્યાન કેન્દ્રમાં બુધ અને શનિ-રવિ ઓશો રજનીશજીના પ્રવચનોની કેસેટ મૂકતા, તે સાંભળવા જતો. આમ ઓશો રજનીશને વાંચવાનું વ્યસન લાગેલું. ઓશોના લગભગ તમામ પુસ્તકો વાંચી નાખ્યા હશે.”
ભૂપેન્દ્રસિંહ SSC પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રી-યુનિટમાં કૉમર્સ વિભાગમાં દાખલ થયા. અહીં જાણીતા સાહિત્યકાર સુરેશ જોષી ગુજરાતીનો ક્લાસ લેતા. ત્યાર બાદ કૉમર્સ ફેકલ્ટીમાં દાખલ થઈ B. Com. ની ડિગ્રી મેળવી. કૉલેજના આ વર્ષો દરમ્યાન એમનો ઘણોખરો સમય હંસા મહેતા લાઇબ્રેરીમાં જતો.” તેઓ કહે છે કે, “મૂળ સાહિત્યનો જીવ એટલે કોઈ સારા સાહિત્યકાર લેખકની કૃતિ હાથમાં આવી જાય તો એક બેઠકે પૂરી.”

(રજવાડી સાફા સાથે ભૂપેન્દ્રસિંહ)
B.Com. ની પરીક્ષા પસાર કરી ભૂપેન્દ્રસિંહ માતા-પિતા પાસે માણસા પાછાં ફર્યા અને આઠ વર્ષ સુધી ઘરની ખેતી સંભાળી અને ક્રોસ બ્રીડ ગાયોની પણ દેખરેખ કરી. દરમ્યાનમાં ૧૯૮૨ માં એમના દક્ષાકુમારી સાથે લગ્ન સાથે થયા. આ એમની પસંદગી સાથેના એરેન્જડ મૅરેજ હતા. ૧૯૯૨ માં પત્ની સાથે વડોદરા પાછાં ફરી અને વીડીઓ શુટિંગ અને ફોટોગ્રાફી ને વ્યવસાય તરીકે અપનાવેલો.
ભૂપેન્દ્રસિંહ અને દક્ષાકુમારીના ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહ એમ ત્રણ પુત્ર છે. ભૂપેન્દ્રસિંહને દીકરી ન હોવાનો થોડો અફસોસ હતો પણ થોડા મહિના પહેલાં પુત્ર યુવરાજસિંહને ત્યાં પૌત્રી તનીષાનો જન્મ થવાથી એમની એ ખોટ પણ પૂરી થઈ ગઈ.

(ભૂપેન્દ્રસિંહ અને દક્ષાકુમારી)
૨૦૦૫ માં એમના સાસરિયાએ Sponser કરેલા Visa ઉપર ભૂપેન્દ્રસિંહ અમેરિકામાં સ્થાયી થયા. હાલમાં એમના ત્રણે પુત્ર સહિત સમગ્ર કુટુંબ અમેરિકામાં જ સ્થાયી છે. અમેરિકામાં આવ્યા બાદ એમણે અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી. હવે એ અમેરિકાના નાગરિક બની ગયા છે. એમના બચપણથી લાગેલા સાહિત્યના રસને હંમેશાં જાળવી રાખ્યો. અહીં અમેરિકામાં ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં નિયમિત હાજરી આપી અનેક સાહિત્ય રસિક મિત્રો સાથે દોસ્તી કરી લીધી. ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ અમેરિકાના તેઓ સભ્ય છે.
ગુજરાતી બ્લોગ જગતમાં ભૂપેન્દ્રસિંહ રાઓલ નામ ખૂબ જ જાણીતું છે. બ્લોગીંગની પ્રવૃતિ વિષે તેઓ કહે છે:
“ઘેર ઘેર ફરી સમાજસેવા કરવી બધા માટે શક્ય નાં હોય. ૨૦૧૦મા બ્લોગ બનાવી લખવાનું શરુ કર્યું છે. અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખીને લોકોને વિચારતા કરવાનું ધ્યેય છે.બ્લોગ કુરુક્ષેત્રમાં ૪૨૪ લેખો લખીને મૂક્યા છે. ૩,૬૭,૮૧૬ હિટ્સ મેળવીને બ્લોગ ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યો છે.”
ભૂપેન્દ્રસિંહના તેજ તરાર લખાણો વાંચવા તમારે કુરુક્ષેત્રની મુલાકાત http://raolji.com/ લિંક વાપરી લેવી પડશે.ફેસબુકના ગુજરાતી સમૂહમાં પણ ભૂપેન્દ્રસિંહનું નામ ખૂબ પ્રસિદ્ધ છે. ફેસબુકમાં એમના ૫૦૦૦ મિત્રો સાથે અનેક ફોલોઅર્સ છે.
ભૂપેન્દ્રસિંહ પોતાને હિંદુ નાસ્તિક કહે છે. તેઓ કહે છે, “હિંદુ કોઈ ધર્મ નહિ જીવન જીવવાનો એક તરીકો છે. હું ઈશ્વર વગેરેમાં માનતો નથી, રીઅલીસ્ટીક એપ્રોચ ધરાવું છું. વાસ્તવવાદી અને માનવતાવાદી એવા મને હ્યુમન બિહેવીઅર અને ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાન ઉપર આધારિત લેખ લખવાનું ગમે છે.”
એમના બે પુસ્તકો બહાર પડ્યા છે :
(૧) કુરુક્ષેત્ર મારા વિચારોનું અને (૨) માનવ મન એક ચક્રવ્યૂહ.
‘માનવ મન એક ચક્રવ્યૂહ’ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા લેખક જય વસાવડાએ લખી છે, અને આ પુસ્તક નવભારત સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન ઉપર આધારિત છે.
-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા
વાચકોના પ્રતિભાવ