વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મધર્સ ડે

( 903 ) મધર્સ ડે … માતૃ દિન પ્રસંગે માતાને અંજલિ / બે વાર્તાઓ

આજે ૮ મી મે નો દિવસ મધર્સ ડે નો દિવસ છે.દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે-માતૃ દિન-ઉજવાય છે અને એ રીતે જન્મ દાતા માતાનું સન્માન કરવામાં આવે છે.

મારા જીવનમાં મારી માતાનું સ્થાન અવિસ્મરણીય છે.આજે મધર્સ ડે ના દિવસે દર વર્ષની જેમ એમના પ્રેમાળ અને ત્યાગમય જીવનને યાદ કરી આજની પોસ્ટમાં એમને ભાવભીની સ્મરણાંજલિ અર્પું છું.

પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલ (અમ્મા)ને કાવ્યાંજલિ 

SRP-MODHER'S DAY-2

               સ્વ.માતુશ્રી શાંતાબેન રે.પટેલ(અમ્મા)                 

 માતૃ વંદના… અછાંદસ રચના

ઓ મા સદેહે હાજર નથી એ કેમે કરી મનાય ના,

સ્મરણો તમારાં અગણિત છે,જે કદી ભૂલાય ના.

કોઈની પણ મા મરશો નહી એવું જગે કહેવાય છે,

જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે.

માનવીના હોઠ પર સુંદર શબ્દ જો હોય તો તે મા,

વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા.

સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો,

ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો.

ભજન,ભક્તિ વાચન અને યાદ આવે એ રસોઈકળા,

ખુબ પરિશ્રમી હતી તમારી રોજે રોજની દિનચર્યા.

કર્તવ્ય પંથે અટલ રહીને,સૌની ચિંતાઓ માથે લઇ,

અપૂર્વ ધીરજ બેશબ્દ રહીને વેદનાઓ સહેતી રહ્યાં.

પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી,

ગુલાબો ખીલવી ગયાં ,અમ જીવન પંથમાં પ્રેમથી.

ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળ પથ્થરે,

લેપ હૃદયમાં કરી એનો, સુગંધ માણી રહ્યાં અમે.

પ્રેમ,નમ્રતા,કરુણા,પ્રભુમય જીવનને હું વંદી રહ્યો,

દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારીથી જીવી રહ્યો.

શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના,

અલ્પ આ શબ્દોથી માતા,કરું હૃદયથી વંદના.

વિનોદ પટેલ, મધર્સ ડે, ૫-૮-૨૦૧૬

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની પ્રેરક જીવન ઝરમર

માત્ર એક જ અક્ષરના શબ્દ “મા” માં જન્મથી મૃત્યુને આવરી લેતી કેટલી કેટલી વાર્તાઓ સમાઈ ગઈ હોય છે ! મા એટલે જાણે કે માઈક્રોફિક્શનથી માંડી લાંબી નવલકથાનું વાર્તા સ્વરૂપ.મારાં પૂજ્ય માતુશ્રી ની આ જીવન ઝરમર એનું એક ઉદાહરણ છે.

મારાં પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલની

પ્રેરક જીવન ઝરમર

મધર્સ ડે ને અનુરૂપ બે વાર્તાઓ 

મમત્વ નો મહાસાગર … એક લઘુ કથા ….. યશવંત કડીકર

દીકરો અમેરિકાથી આવ્યો હતો.એની સાથે એના મિત્રો મળવા દોડી આવેલા.ઘરમાં ધાંધલ-ધમાલ મસ્તીનું એક રૂડું તોફાન સર્જાયું હતું.

મા ના હરખનો પાર ન હતો. “શું કરું?”…શું ના કરું?ની દ્વિધામાં મા ઘેલીઘેલી થઇ ગઈ હતી. મા એ બધાને જમવા બેસાડ્યાં. ખૂબ પ્રેમથી મા એ ભાવતા ભોજન બનાવેલા. રખેને દીકરાને કાંઈ ઓછું ન આવી જાય એ માટે તેના સ્વાદની પૂરેપૂરી તકેદારી રાખી હતી.

આ મા ને જાને આજે સર્વસ્વ મળ્યું હતું. સમજોને કે જાણે ઘરે પ્રભુ પધાર્યા હતાં.

દીકરો અને તેના મિત્રો વાતો કરતા કરતા જમ્યે જતા ને મા આગ્રહ કરીને પીરસતી રહેતી. દરેક કોળીયે મા નો પ્રેમ પણ જમી રહ્યો હતો. મિત્રો પણ માતૃત્વના અમી-સિંચનને માણી રહ્યા હતાં.

જમ્યા બાદ મા એ કબાટમાંથી ઈસ્ત્રીબંધ રૂમાલ હાથ લુછવા આપ્યો. પુત્રે હાથમાં લઇ તો લીધો. પણ ગડી ખોલતા જ તેની આંખોમાંથી ચોધાર આંસુઓ ટપકવા લાગ્યા. પેલો રૂમાલ પણ ભીંજાવા લાગ્યો.

માને થયું ‘આમ કેમ? શું મારા દીકરાને કાંઈ ઓછું આવ્યુ?…જમવામાં સ્વાદ ના મળી શક્યો?, એના મિત્રોને સાચવી ન શકાયાં?….ક્યાં અડચણ આવી?’- પોતાના દીકરાની આંખોમાં આંસુ જગતની કઈ મા જોઈ શકે?

દીકરો ડૂસકાં ભરતા બોલ્યો: “મા ! મને આ ઈસ્ત્રીબંધ રૂમાલ ના જોઈએ. મને તો તારા આ સાલ્લાનો પાલવ આપ જેનાથી હું કાયમ મારા હાથ લૂંછતો આવ્યો છું.”

મા-દીકરો રડતા રડતા એકબીજાને ખૂબ પ્રેમથી ભેંટી પડ્યા. જગતની કોઈ તાકાત તેમને છુટા પાડવા શક્તિમાન નહોતી. અને એ આંસુઓની પાછળ ઘૂઘવાતો હતો મમત્વનો મહાસાગર….

શ્રી યશવંત કડીકર

 

મધર્સ ડે ને અનુરૂપ એક હૃદય સ્પર્શી વાર્તા

(ભાવાનુવાદ) …. વિનોદ પટેલ

(નેટ પર એક માતાની મમતાને ઉજાગર કરતી એક અંગ્રેજીમાં વાર્તા વાંચી જે દિલને સ્પર્શી ગઈ.એનો ભાવાનુવાદ કરીને એ હૃદય સ્પર્શી વાર્તા અત્રે પ્રસ્તુત છે.—વિ.પ.)

બાલિકાનો ડ્રેસ 

હું જ્યારે એની નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે એક નાનકડી નિર્દોષ બાળાએ આંખમાં આંસુઓ સાથે મને પૂછ્યું:

મેમ,તમને મારો આ ડ્રેસ કેવો લાગ્યો,તમને ગમે છે ?મારી મમ્મીએ આ ડ્રેસ ખાસ મારા માટે જ બનાવ્યો છે .”

મેં કહ્યું :”વાહ, સૌને ગમે એવો બહુ જ સુંદર ડ્રેસ છે.પણ ડોલી મને કહે તું કેમ રડે છે,તારી સુંદર આંખોમાં આંસુ કેમ છે?”

રુદનથી કંપતા અવાજ સાથે બાળાએ જવાબ આપ્યો “આન્ટી, મારા માટે આ ડ્રેસ બનાવ્યા પછી મારી મમ્મી દુર ચાલી ગઈ છે.”

મેં એને આશ્વાસન આપતાં કહ્યું :”આવી નાની છોકરીને વધુ રાહ જોતી મુકીને કોઈ માતા લાંબો સમય બહુ દુર ના જતી રહે,આટલામાં જ ક્યાંક હશે,થોડી વારમાં જ આવી જશે, રાહ જો,રડીશ નહિ .”

ના મેમ,તમે સમજ્યા નહિ.” આંખમાંથી વહેતાં આંસુ સાથે બાળાએ કહ્યું “મારા ડેડી કહે છે કે જ્યાં મારા દાદા ગયા છે ત્યાં એ ઉપર સ્વર્ગમાં હવે એમની સાથે રહે છે.”

મને હવે સમજાયું કે એ શું કહી રહી હતી,અને એ કેમ રડતી હતી.”

મને આ બાળા પ્રત્યે સહાનુભુતિની લાગણી થઇ આવી. નીચે નમીને મેં એને બે હાથે ઊંચકી લીધી.દુર સ્વર્ગમાં ગયેલી એની મમ્મી માટે એના રડવામાં હું પણ અનાયાસે જોડાઈ ગઈ.

ત્યારબાદ આ છોકરીએ એકાએક જે કર્યું એ મેં જ્યારે જોયુ એ મને સ્હેજ વિચિત્ર લાગ્યું.

બાળકીએ એકાએક રડવાનું બંધ કરી મારાથી બે ડગલા દુર જઈને ગાવા લાગી.એટલા ધીમા અવાજથી ગાઈ રહી હતી કે કાન ધરીએ તો માંડ એ સંભળાય.ઝાડની ડાળીએ એક નાનું પક્ષી જાણે મુક્ત મને ગાઈ ના રહ્યું હોય એવા મીઠા મધ જેવા અવાજે એ ગાઈ રહી હોય, એવી ત્યારે મને અનુભૂતિ થઇ આવી.

બાળકીએ ગાવાનું પૂરું કર્યું અને મને સમજાવવા લાગી કે “મારી મમ્મી દુર ચાલી ગઈ એ પહેલાં એ હંમેશાં મારી આગળ ગાતી હતી અને મારી પાસેથી  એણે એક વચન લીધું હતું કે કોઈ વાર જ્યારે હું રડવાનું શરુ કરું ત્યારે રડવાનું અટકાવીને આ ગીત ગાવું.”

એના બે નાજુક હાથ મારી આગળ પહોળા કરી સસ્મિત આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે કહેવા લાગી “જુઓ મમ્મી  કહેતી હતી એ સાચું પડ્યું ને,ગાયા પછી મારી આંખોમાં હવે જરાએ પાણી છે!” એના હોઠ પર સ્મિત જોઈને મારો દિવસ જાણે કે સુધરી ગયો.

હું ત્યાંથી જ્યારે જવા કરતી હતી ત્યારે આ નાનકી છોકરીએ

મારો હાથ પકડી અટકાવી મને કહે :”ઓ મેમ,તમે એક મિનીટ માટે ઉભા રહો તો તમને હું કશુક બતાવવા માગું છું”

“બેશક,જો હું ઉભી રહી,બોલ તું મને શું બતાવા માગે છે?” 

એના ડ્રેસની એક જગાએ આંગળી ચીંધી,આ બાલિકાએ કહ્યું :”આ જ જગા છે જ્યાં મારી મમ્મીએ ડ્રેસ બનાવીને ત્યાં એના હોઠોથી વ્હાલથી ચુંબન કર્યું હતું.ડ્રેસ પર બીજી જગા બતાવી કહે:”અને પછી અહી ચુંબન કરેલું અને પછી અહીં…અહીં …”એમ બતાવતી ગઈ.

મારી મમ્મીએ પછી મને કહ્યું હતું :”બેટા,હું તારા ડ્રેસ પર આ બધાં ચુંબન એટલા માટે કરું છું કે જ્યારે જ્યારે પણ તું  રડવાની ભૂલ કરી બેસું ત્યારે દરેક પ્રસંગે એનું એક એક ચુંબન તને શાંત્વન આપતું રહેશે.”

આ છોકરીના નાજુક મુખેથી આ બધી વાત સાંભળી મારા અંતરમાં અનુભૂતિ થઇ કે હું એના ડ્રેસને નહી પણ એની ભીતર રહેલી એક વ્હાલસોઈના માતાને સાક્ષાત સ્વરૂપે જોઈ રહી હતી.આ એક એવી માતા હતી જે જાણતી હતી એ એની વ્હાલી દીકરીથી દુર જઇ રહી છે અને જ્યારે એને કોઈ વાતે દુખ પહોંચશે અને રડી પડશે એ વખતે એને ચૂમી લેવા માટે એ હાજર નહિ હોય.એટલા માટે એણે એક પરી જેવી સુંદર દીકરી પ્રત્યેનો એનો બધો જ પ્રેમ એના ડ્રેસમાં જુદી જુદી જગાઓએ ચુંબનો કરીને ઠાલવ્યો હતો જે ડ્રેસ આ બાલિકાએ ગર્વથી પરિધાન કર્યો હતો.

એ વખતે હું એક સાધારણ ડ્રેસ પરિધાન કરીને ત્યાં ઉભેલી એક નાની બાલિકાને નહિ પણ એ ડ્રેસ મારફતે એક માતાના પ્રેમના કવચથી વીંટળાઈએલી એક નશીબદાર બાલિકાને જોઈ રહી હતી !

(ભાવાનુવાદ – વિનોદ પટેલ )

Happy Mother's Day 2016

 

 

( 714 ) સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે- માતૃદિન મુબારક

Happy mothers day

આજે ૧૦મી  મે ૨૦૧૫ નો દિવસ મધર્સ ડે નો દિવસ છે .

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાતા માનું સન્માન કરવાના હેતુથી મધર્સ ડે- માતૃ દિન ઉજવાય છે.

માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ .

આ દિવસે સંતાનો પોતાની માતાને યાદ કરી એના ઉપકારો અને ત્યાગ માટે જુદી જુદી રીતે માતાને અંજલી આપશે .

મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં . મને એમના તરફથી જે અપાર પ્રેમ પ્રાપ્ત થયો હતો એ ભૂલ્યો ભૂલાય એમ નથી.

SRP-MODHER'S DAY-2

સ્વ. શાંતાબેન રેવાભાઈ પટેલ (અમ્મા )

એમના પ્રેરક જીવનની ઝાંખી કરાવતો પ્રતિલિપિમાં પ્રકાશિત નીચેનો લેખ અને એ લેખના અંતે મુકેલ “માતૃ વંદના “નામના મારા એક સ્વ-રચિત કાવ્ય દ્વારા એમને નત મસ્તકે સ્મરણાંજલિ આપું છું.

પૂજ્ય માતુશ્રી સ્વ.શાંતાબેન પટેલ (અમ્મા)ની જીવન ઝરમર અને કાવ્યાંજલિ — વિનોદ પટેલ
http://www.pratilipi.com/read?id=5748225885601792

હે મા ,તેરી સુરત સે અલગ  ……  ભગવાન કી સુરત ક્યા હોગી !

અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર 708 માં જણાવ્યા મુજબ ફેસ બુક પર મારું એક નવીન પેજ “મોતી ચારો” શરુ કરવામાં આવ્યું છે.

આ મોતી ચારોના પેજ ઉપર તારીખ ૫-૮-૨૦૧૫ થી તારીખ ૫-૧૦-૨૦૧૫ ની ત્રણ પોસ્ટમાં મધર્સ ડે વિશેના લેખો , કાવ્યો, વિડીયો,ચિત્રો વી. આ પ્રસંગને ઉજાગર કરતી રસસ્પદ સામગ્રી પોસ્ટ કરી છે એને નીચેની લીંક ઉપર વાંચવા વિનંતી છે . 

https://www.facebook.com/groups/moticharo428/

 Mother’s Day Special – Meri Pyari Maa –

Bollywood Memorable Moms – Audio Jukebox

આ યાદગાર ઓડિયો સાંભળવા નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો

Mothers Day special

Happy Mother’s Day to all mother’s in the world and to those who have passed and still remain in our hearts! Today is the day mother’s should be cherished, appreciated and loved.

Mom – (Mother’s Day)

( 451) માતૃભક્તિ….. (સંકલિત) / આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ… ( મધર્સ ડે –ભાગ-૨ )

 

મિત્ર પી.કે.દાવડાએ એમના ઇમેલમાં મહા પુરુષોના માતૃ ભક્તિના નીચેના પ્રથમ બે પ્રસંગો ઈ-મેલથી મોકલ્યા છે. એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

માતૃભક્તિ

૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા . પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમાં  પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા . સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું.

આને કહેવાય માતૃભક્તિ.

-પી. કે. દાવડા

——————————————————–

ગાંધીજીની માતૃભક્તિ.

ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે એમનાં માતા પૂતળીબાઇએ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી: “માંસ,મદિરા અને પરસ્ત્રીસંગથી દૂર રહેવું “ ગાંધીજીએ આ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણેંપાલન કર્યું હતું.

-પી. કે. દાવડા

—————————————————-

નેપોલિયનનીમાતૃભક્તિ 

નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુધ્ધ્કેદીને એની પાસે પકડી લાવ્યા અને કહ્યું:”આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેંડ ભાગી જવા ઇચ્છતો હતો.”

નેપોલિયને કહ્યું:

“દોસ્ત, જે પ્રિયતમાને મળવા માટે તું ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપામાં બેસી પાર કરવાનું સાહસ ખેડવા તૈયાર થયો હતો, એના માટે મને ઇર્ષ્યા થાય છે.”

“ના,મહારાજ !” કેદીએ કહ્યું:”હું તો મારી વૃધ્ધ માતાને મળવા જતો હતો.”

આ સાંભળતાં જ નેપોલિયને પોતાના સૈનિકોને કહ્યું:

“આ કેદીને હમણાં ને હમણાં જ આપણા વહાણમાં બેસાડો ને નજીકમાં જ કોઇ અંગ્રેજ વહાણ દેખાતું હોયતો એને ઇંગ્લેંડ પહોચાડવાની વ્યવસ્થા કરો. મા પ્રત્યેના પ્રેમની વાત આવતાં જ ને પોલિયન જેવા શિસ્તના આગ્રહી સેનાપતિએ પણ યુધ્ધ્કેદીને સજા કરવાને બદલે માફી આપી અને ઉપરથી મદદ કરી.—અજ્ઞાત

—————————————————————————-

ફાધર વાલેસની માતૃભક્તિ

આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો.તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:

”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”

એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :

”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”

ફાધર વાલેસની નિર્મળ માતૃભક્તિનું આ કેટલું પ્રેરણાદાયક ઉદાહરણ કહેવાય!

—વિનોદ પટેલ

વિનોદ વિહારની એક પોસ્ટ  “ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ” માંથી 

——————————————————————— 

આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ

હાસ્ય લેખિકા કલ્પના દેસાઈએ એમના હાસ્ય લેખો માટે નો નવો બ્લોગ ‘લપ્પન–છપ્પન’  નામે શરુ કર્યો છે .આ બ્લોગની ‘મધર્સ ડે’ ની એક નાનકડી ભેટ તરીકે “આંધળી માનો મોબાઈલ “ નામનો રમુજી લેખ એમણે ઈ-મેલથી મોકલ્યો છે .

મધર્સ ડે પ્રસંગને અનુરૂપ આ લેખ મને ગમી જતાં આપને પણ વાંચવા માટે પોસ્ટ કરેલ છે .

કલ્પનાબેન દેસાઈ એમના ઈ-મેલમાં લખે છે ….

મિત્રો,

‘મધર્સ ડે’ પર એક નાનકડી ભેટ.

ઠેર ઠેર દેખાતી મોબાઈલ માતાને તો તમે જોઈ જ હશે.

આજે ‘લપ્પન–છપ્પન’માં માનો વારો.

આંધળી માનો મોબાઈલ 

‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ.  

( આખો હાસ્ય લેખ નીચેની લિન્ક ઉપર ક્લિક કરીને વાંચો )

લિન્ક છે:લપ્પન–છપ્પન’………જીવનના આનંદની ગુરુચાવી

વાંચીને અહીં જણાવશો.

આભાર.

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com 

રવિવાર, ૧૧ મે ૨૦૧૪ 

———————————————-