વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મળવા જેવા માણસ શ્રેણી

1082- મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ …પરિચય

ફ્રીમોન્ટ,કેલીફોર્નિયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાની પરિચય શ્રેણી ‘મળવા જેવા માણસ’ લેખ માળાના ૫૧મા મણકા તરીકે એમણે ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતાં ‘નીરવ રવે ‘ બ્લોગનાં બ્લોગર મારાં આદરણીય સહૃદયી મિત્ર શ્રીમતી પ્રજ્ઞા વ્યાસનો સચિત્ર પરિચય કરાવ્યો છે.

શ્રી દાવડાજીના બ્લોગ “દાવડાનું આંગણું” માં તેઓએ આ પરિચય લેખ પોસ્ટ કર્યો છે.શ્રી દાવડાજી  તરફથી ઈ-મેલમાં મળેલ આ પરિચય લેખને વિનોદ વિહારમાં આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

પરિચયકાર … શ્રી પી.કે.દાવડા  

Mr.and Mrs Pragna Ju. Vyasa

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.                 

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો.

                                     (શાળાના સમયે)

અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેધાણીનાં પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

                                   (લગ્ન પછી)

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

                       

                                 (નિવૃતિનો સમય)

                 

                                       (સહ કુટુંબ)

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે.

પ્રજ્ઞાબહેન કહે છે, ‘સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમાં રહો, સ્નેહ રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત્ત માત્ર !’

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૦ જુલાઈ, ૨૦૧૭)

====================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫માં જન્મ દિવસે અગાઉ વિનોદ વિહારમાં પ્રસિધ્ધ અભિનંદન / પરિચય લેખ

નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ
વેળાએ અભિનંદન / એમનો પરિચય

( 499 ) મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

 ગુજરાતી બ્લોગ વિશ્વમાં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનું નામ એક ભાષા પ્રેમી કુશળ બ્લોગર તરીકે ખુબ જાણીતું છે .

જુ’ભાઈની એમના બ્લોગ નેટ-ગુર્જરી તેમ જ સહ સંપાદિત બ્લોગ વેબ ગુર્જરી તથા ફેસ બુક દ્વારા એમની સંપાદન કળા અને સાહિત્ય પ્રીતિની મને જાણ હતી જ .

શ્રી પી.કે.દાવડાજી એ એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં લખેલ એમના જીવન વિશેના પરિચય લેખથી જુગલકિશોરભાઈ ના જીવન સંઘર્ષના વર્ષો વિષેની નવી વિગતો  જાણવા મળતાં એમના માટે વિશેષ માન ઉત્પન્ન થયું .

શ્રી જુ’ભાઈ ના આજ સુધીના વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક ઉત્થાન અને સર્વોદયને વરેલી લોકભારતી  જેવી આદર્શ સંસ્થાઓ  તથા  ન.પ્ર.બુચ ,દર્શક જેવા આદર્શ ગુરોઓએ અગત્યનો ફાળો આપ્યો.છે .

જુ’ભાઈને ખુબ જ ભૌતિક સંપતિ સંપાદન નહી કરવાનો કોઈ અફ્સોસ નથી પણ સામાજિક સેવાઓ દ્વારા એમણે  જે અંતરની -આંતરિક  સંપતિ સંપાદન કરી છે એની એમને ખુશી અને સંતોષ છે .નિવૃતીના સમયમાં પણ ગુજરાતી બ્લોગોના માધ્યમથી ભાષાની સેવામાં ગળાડૂબ રહીને ખુબ જ પ્રવૃત રહે છે .

શ્રી જુગલકીશોરભાઈ વ્યાસ ખરેખર એક જાણવા , માણવા અને મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .

વિનોદ પટેલ

======================================================

 JU'BHAI-1

મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું. આ Formative વર્ષોમાં ધર્મમૂર્તિ માતા અને જ્ઞાનમાર્ગી પિતાજી, અને ઉમરાળા પંથકના ગાંધી કહેવાયેલા એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ, જે ‘મોટાભાઈ’ ના નામે જાણીતા હતા, તેમની એમના ઉછેરમાં બહુ મોટી અસર થઈ.

જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર ગામે ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી, S.S.C. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાને યાદ કરી જુગલકિશોરભાઈ કહે છે:

“શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧–૧૨ વરસની ઉંમરે (૧૯૫૫) દાખલ થઈને ત્યાં છ વરસ ગાળ્યાં, તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક, અને લોકશાળાના નિયમોને લઈને શાપુર કસોટી કરનારું બનેલું. પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ અને બુનિયાદી તાલીમનાં બહુ ગમતા અભ્યાસક્રમો અને પદ્ધતિઓએ મને તૈયાર કર્યો.”

શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર જિલ્લામાં આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ જોડાયા. અહીં ૧૯૬૨થી ૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી. આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે:

 “લોકભારતીમાં આવવાનું મોડું થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન હતો. પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ. ૨૫૦/– વાર્ષિક) મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ થયેલો. એમ એક બાજુ અણગમતા વિષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવનને પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો….ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે ખાતર–પાણી ને હવામાન–શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પાક મારે જીવન–ખેતરે પાક્યો તે બધો જ લોકભારતી–માડીના પ્રતાપે.”

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ
પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

(Net-ગુર્જરી માં મુકેલ લોકભારતી–સ્નાતકો (૧૯૬૫) સાથેનો ફોટોઅહીં ક્લિક કરીને જુઓ .)

સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય શીખવવા શિક્ષક તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન જરૂરિયાતોને પહોંચી વળવા એક કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચના પગારવાળી નોકરી સ્વીકારી. આ નોકરી કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી. આ સમયગાળા અને ત્યાર બાદના વ્યાવસાયિક જીવન અંગે એમના જ શબ્દોમાં કહું તો,

“ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે તેવી ઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાની – સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડા ગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત છાત્રાલયનું તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું. ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વિભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાં મદદનીશ તરીકે પણ કામ કર્યું. છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢશિક્ષણ વિભાગના શ્રમિક વિદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ કાર્યક્રમ અધીકારીરૂપે અને પછી નિવૃત્તી સુધીનાં ૧૨ વરસ નિયામક તરીકે કામગીરી કરી.”

ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે,

“મજૂર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ કરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થિક વેદનાને શીતળ લેપ કરી આપ્યો. દિવસરાત જોયા વિના મજૂરો સાથે કામ કરવા મળ્યું. આંગણવાડી માટે આધારસાહિત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું. ઉપરાંત, મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ ચાલી શકે તેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. આ કામનો બદલો ભારત સરકારમાંના શ્રમિક–શિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો. અહીં મારા જીવનમાંના લોકભારતી અને મજૂર મહાજન બન્નેના વારસાનું સુંદર સંકલન હું કરી શક્યો.”

યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં ૧૯૬૭માં સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ જેમાં એમને સૌથી સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં એમને નવો ઢાંચો અને નવી પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું કાર્ય, એમના શબ્દોમાં,

“સાવ ઓછું ભણેલાં અનેક બહેનો–ભાઈઓને, સારા અને સફળ શિક્ષકો તરીકે તૈયાર કર્યા; આ જ શિક્ષકોએ, પછી તો ચાર્ટ વગેરે જેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ બચતમંડળો બનાવીને હજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીને પગભર થયાં….”

૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦ જેટલાં કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું.

બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા ખીલતી રહી જે આજે પણ લોકભારતીના મુખપત્ર “કોડિયું”ના સહતંત્રી તેમજ ગુજરાતી ભાષા પરિષદના જોડણી વિષયક પ્રચાર-પ્રસાર કાર્ય સુધી સક્રીય રહેવા પામી છે.

“શ્રમિક શિક્ષણની દિશામા”, “એક ચણીબોરની ખટમીઠી”, “ઔષધીય ગાન ભાગ ૧-૨”, “સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ” અને “મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની આત્મકથા” જેવા પુસ્તકોનું લેખન-સંપાદન તેઓએ કર્યું છે. એટલું જ નહિ, “શ્રમિક શિક્ષણ”, “નૉળવેલ”, “આયુક્રાંતિ” જેવાં સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે.

બ્લૉગ-જગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા લોકો હશે. શરૂઆતમાં “ગાંધીદર્શન” અને “મારા ગુરુવર્યો” નામના બ્લૉગ્સનું સંચાલન કર્યા બાદ આજે પોતાનું આગવું “નેટ ગુર્જરી” અને સહિયારી સાઇટ “વેબ-ગુર્જરી” નામના બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.

વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો સર્વે થયો ત્યારે સેંકડો ગુજરાતી બ્લૉગમાં પ્રથમ ૧૦ બ્લૉગમાં તેમનો બ્લૉગ ‘નેટગુર્જરી’ પસંદગી પામ્યો હતો જ્યારે ઇન્ડિબ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી બ્લૉગ્સમાં તેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો.

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

 

જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી લેવાનું શક્ય નથી. સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અને કવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો બીજાં બે પાનાં ઉમેરવા પડે. એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ લેવી રહી.

-પી. કે. દાવડા

===================================

જેમની નિશ્રામાં શ્રી જુ’ભાઈને શિક્ષણ અને કાર્યની તક મળી એ આદર્શ ગુરુ

ન.પ્ર.બુચની એક સુંદર કાવ્ય રચના
 
પંચાશીમે પડાવે   (સોરઠા)

ચાર  વીહું ને  ચાર  વરહું ઘોડો હાંકિયો,

“જીવાજી” અસવાર ! અવ ઘોડેથી ઊતરો.

થનગનતો તોખાર ગધ્ધાપચ્ચીસી તણો

ખેંચી ખેંચી  ભાર  હવે  થયો  છે ટારડુ.

હવે લાગતો થાક ઇંદરિયું  મોળી  પડી,

ઘોડાનો શો વાંક ? ચોરાશી પૂરાં કર્યાં.

લીધો–દીધો પ્રેમ વાટ વટ્યા હળવે મને,

પ્રેમ જ આપણ ક્ષેમ, એના ધરવ ન સાંભળ્યા.

આમ કહો તો એકલા દુનિયાને વહેવાર

પણ છૈયેં અન–એકલા સ્નેહાવરણ વચાળ.

જીવન સૌરભસાર “પુષ્પ” જમા મૂકી ગયું

સમરી વારંવાર ભર્યાં ભર્યાં મન રાખીએ.

જાવાને  તૈયાર,  રે’વામાં  વાંધો  નથી,

“જીવાજી”  અસવાર, હળવે હૈયે  હાલશું.

લગામ  રાખી  હાથ  હાંક્યે  રાખું ટારડું

નટનાગરના નાથ ! ઈશારે અટકી જશું.

–    ન.પ્ર.બુચ. તા. ૨૧–૧૦–૯૦.

————————–

તેમની નીચેની આજના રાજ નેતાઓ -હવામાં ઉડતા રાજ પક્ષીઓ  

વિશેની આ કાવ્યપંક્તીઓ પણ માણો :

રાજપક્ષી (સ્રગ્ધરા)

પ્હોંચે ઉદઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

(તા. ૧૬,૯,’૬૯ની ટપાલમાંથી)

ન.પ્ર.બુચ

ન.પ્ર. બુચ અને એમની રચનાઓ વિષે વધુ જાણો નેટ ગુર્જરીની નીચેની લીંક ઉપર ક્લિક કરીને

મારા ગુરુવર્યો…… જુગલકિશોર વ્યાસ 

===================================

શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં શ્રી જુગલકીશોરભાઈ નો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો .

 

 

 

 

 

 

 

 

( 495 ) મળવા જેવા માણસ …( ૨૫ )….શ્રી પી .કે. દાવડા ( પરિચય )

શ્રી પી.કે.દાવડા લિખિત “મળવા જેવા માણસ ‘ ની પરિચય લેખમાળામાં આજ સુધીમાં તેઓએ એમના પરિચિત ૨૪ વ્યક્તિઓના પરિચય કરાવ્યા છે .

શ્રી દાવડાજી સાથે મારે એકવાર ફોનમાં વાતચીત થઇ ત્યારે મેં એમને કહ્યું હતું કે તમે બીજા મિત્રોના પરિચય કરાવો છો તો તમારો પણ પરિચય જાણવા અમે આતુર છીએ.તમારો પરિચય પણ તમે લખી મોકલો તો ઘણું સારું . 

મને ખુશી છે કે મારી અને અન્ય મિત્રોની માગણીનો સ્વીકાર કરીને એમની “મળવા જેવા માણસ” લેખમાળાના  ૨૫ મા (રજત) મણકા તરીકે એમનો પરિચય એમણે એમની ઈ-મેલમાં મોકલ્યો છે .

મને એમનો અલપઝલપ પરિચય તો એમના લેખો,ઈ-મેલ અને ફોનની વાતચીત ઉપરથી તો હતો જ .ફોનમાં એમના જીવનમાં થયેલા માઠા અનુભવોની પણ ઘણી વાતો એમણે મને કરેલી .

એમના વિશેની ઘણી નવી માહિતી સાથેનો એમનો પરિચય એમના જ શબ્દોમાં એમણે જે લખી મોકલ્યો છે એને વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે . 

વિનોદ પટેલ

============================================

મારો પરિચય ……… પી .કે. દાવડા

 

P.K.DAVDA

P.K.DAVDA

મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતાં  આવડતું. ૧૯૪૧માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.

અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું. ૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમ-ખેમ બચી ગયું, બીજા અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું બધું આગમાં સ્વાહા થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો.

તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસાઈ કરી તેમને વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક નાનકડું ગામડું હતું અને એમાં અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો. ટ્રેનમાં મુલુંડથી ઘાટકોપર વીસ મીનિટ લાગતી. મને શાળામાં લઈ જવા અને ઘરે લાવવા એક નોકરનો બંદોબસ્ત કરેલો. મેં ત્રણ વર્ષ અંગ્રેજી શાળામાં અભ્યાસ કરેલો, એટલે મને ગુજરાતી શાળાને અનુકૂળ બનાવવા પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરેલી. ચોથા ધોરણમાં આવ્યા પછી બધું વ્યવસ્થિત થઈ ગયુ.

આઠમા ધોરણથી મેં શાળાની પ્રવૃતિઓમાં વધારે ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કર્યું. દશમા ધોરણમાં હું Captain of the School ચૂંટાયો અને શાળામાં પહેલીવાર ઊનાળાની રજાઓમાં બાળકોને રજડપાટમાંથી બચાવવા વિવિધલક્ષી “ગ્રીષ્મ પ્રવૃતિ”નું આયોજન કર્યું. આ પ્રવૃતિને લીધે મને સારી પ્રસિધ્ધી મળી. આ દરમ્યાન જ મને માઈક હાથમાં લઈ લોકોને સંબોધવાની પ્રેક્ટીસ થઈ.

૧૯૫૩ માં S.S.C. પરિક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને મુંબઈની ખાલસા કોલેજમાં Science Branch માં દાખલ થયો. ઈંટર સાયન્સમાં પુરતા માર્કસ ન મળવાથી મને મુંબઈ કે મહારાષ્ટ્રની બાકીની ત્રણ એંજીનીઅરીંગ કોલેજોમાં એડમીશન ન મળ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં Faculty of Technology & Engineering માં સિવીલ એંજીનીઅરીંગમાં એડમીશન લીધું. પ્રથમ ત્રણ વર્ષ ફર્સ્ટ ક્લાસ અને છેલ્લા વર્ષમાં ડીસ્ટીંક્શન સાથે, યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવી, ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી મેળવી, ભણતર પૂરૂં કર્યું.

૧૯૫૩ થી ૧૯૬૧ નો સમય ગાળો મારા માટે ખૂબ જ પ્રતિકૂળ હતો. ૧૯૫૩ માં મારા બાપુજીને ધંધામાં ન પૂરી શકાય એટલું મોટું નુકશાન થયું (આજના હિસાબે ત્રીસ કરોડ રૂપિયા), એમની પેઢીએ દેવાળું કાઢ્યું. જાહોજલાલીવાળું અમારૂં કુટુંબ રાતોરાત ગરીબ થઇ ગયું. જાહોજલાલીના સમયમાં મારી બાએ સારા એવા ઘરેણાં કરાવેલા. આ ઘરેણાં વેંચીને આઠ વર્ષ સુધી કુટુંબનું ભરણપોષણ ચાલ્યું. મારૂં મેટ્રીક પછીનું શિક્ષણ અતિ ગરીબીમાં થયું. છેલ્લા વર્ષની છેલ્લી ટર્મની ફી ભરવા મારે મિત્રની મદદ લેવી પડેલી. ૧૯૫૩ પહેલા અને ૧૯૬૧ પછી મને આવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.

૧૯૬૧ થી ૧૯૭૧ સુધી મુંબઈની ખૂબ જ જાણીતી કંપની Larsen & Toubro Ltd. ના Construction વિભાગ Engineering Construction Corporation માં નોકરી કરી. અહીં મને વિશાળ કદના ઓદ્યોગિક પ્રોજેકટસનાં બાંધકામનો અનુભવ મળ્યો. બાંધકામમાં આંતર-રાષ્ટ્રીય કક્ષાની ટેકનિક્સ શિખવાના મોકા સાથે આ કંપનીના આંતર-રાષ્ટ્રીય ભાગીદારો, જાપાની, ઈટાલીઅન, જર્મન, સ્વીસ અને અમેરિકન એંજીનીઅરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ૧૯૬૪ માં જ્યારે ભારતમાં પહેલીવાર જ PERT/CPM વિષય દાખલ કરવા PERT ના શોધક ચાર્લસ જોન્સ અને CPM ના શોધક ડો. સ્ટીવ ડીંબીકી ભારત આવેલા ત્યારે National Institute of Industrial Engineering (NITIE) એ આખા દેશમાંથી માત્ર ૧૮ જણને વિવિધ ક્ષેત્ર(રેલ્વે, એરલાઇન્સ, સ્ટીલ ઉદ્યોગ, માઈન્સ, કનસ્ટ્રક્શન વગેરે) માંથી ટ્રેનિંગ માટે પસંદ કરેલા, તેમાં મારી પસંદગી થઈ હતી.

Mr.P.K.Davda & Mrs. Chandralekha P.Davda- Young age photo

Mr.P.K.Davda & Mrs. Chandralekha P.Davda- Young age photo

 

૧૯૭૦ માં મારા લગ્ન એક હોમિયોપેથી ડોકટર ચંદ્ર્લેખા સાથે થયા. નોકરીમાં અનેક શહેરોમાં બદલી થતી, એમાંથી બચવા અને એક જ શહેરમા સ્થાયી થવા મેં ૧૯૭૨માં Larsen & Toubro Ltd. માંથી રાજીનામું આપ્યું અને P.K.DAVDA, Counsulting Structural Engineer નામ રાખી, સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતના ત્રણ ચાર વર્ષ કઠણાઈઓ ભોગવી પણ પછી ખૂબ જ સફળતા મળી. ૧૯૭૭ માં Govt. of India ની Ministry of Finance તરફથી મને પ્રોપર્ટીના વેલ્યુઅર તરીકેનું લાઈસેંસ મળ્યું. ૧૯૮૫ સુધી Structural Engineer  અને Valuer બન્ને વિભાગોમાં કામ સંભાળ્યું. ૧૯૮૫ માં Structural Engineer તરીકેની પ્રેકટીસ બંધ કરી. ૧૯૯૪ માં મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો, ૧૯૯૮માં મારી દિકરી પણ વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ. ૨૦૦૦ માં મેં વેલ્યુઅર તરીકેની પ્રક્ટીસ પણ બંધ કરી, નિવૃતિ લીધી.

મારી પ્રોફેશનલ પ્રેકટીસ દરમ્યાન મેં Hospitals, Schools, Religious Places વગેરેને વિના વળતરે સેવાઓ આપેલી જેને લીધે મારા Social Contacts નો વ્યાપ વધ્યો હતો.

દિકરો M.S.(Computer Science) અને દિકરી Ph.D.(Pharmacy-PK/PD) કરી અમેરિકામાં જ સ્થાયી થઈ ગયા. ચારેક વાર હું અને મારી પત્ની બાળકોને મળવા અમેરિકા ફરી ગયા. બાળકો પણ દર વર્ષે ભારત આવી અમને મળી જતા. આખરે ૭૬ વર્ષની વયે આ ફેરા હવે નહિં ફાવે સમજી ૨૦૧૨ ના જાન્યુઆરીમાં કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા.

૧૯૫૩ માં  શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એક પણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા લખેલા નહિં. જાન્યુઆરી ૨૦૧૦ માં  કોમપ્યુટરમાં ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમાં  “ઘર બેઠે ગિરધારી” નામે એક કવિતા લખી. લગભગ એ જ ગાળામાં , મને બ્લોગ એટલે શું એની  જાણ થઈ હતી, એટલે મેં શરૂઆત કરવા, આ કવિતા “રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશ શાહને મોકલી આપી. એમણે એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના “રીડ ગુજરાતી”મા મુકી. સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.

આ સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકના “ગુજરાતિ”, “બ્લોગની જાણ થઈ.  હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા આ બ્લોગ્સમાં  મૂકવાનું શરૂ કર્યું. જાતે જ પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને આ બ્લોગ વધારે માફક આવ્યો. મોટા ભાગના લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા. આ બ્લોગને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર), શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ, બહેન પારૂ કૃષ્ણકાન્ત અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા ૧૫૦ પોસ્ટ થઈ ગઈ.

આ સમયગાળા દરમ્યાન કેટલાક લેખ અને કાવ્યો અન્ય લોકોએ પોતાના બ્લોગમાં રીબ્લોગ કર્યા.  જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યારી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી બ્લોગમાં મૂકતો રહ્યો. મારા બ્લોગના કોઈપણ બે લખાણ ના વિષયમાં  ક્યાંયે દૂર દૂરનો પણ સંબંધ ન હતો. મનમાં  આવે એ વિષય પર, મનમાં  આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં, કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ જતું કે મેં કેવું લખ્યું છે. મારા બધા જ લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એ વાતનું હું ખાસ ધ્યાન રાખતો.

કેટલાક મિત્રો મારૂં નામ પૂછે છે. મારૂં નામ પુરૂષોત્તમ છે, પણ શાળાના સમયથી જ મારા શિક્ષકો અને મિત્રો “પીકે” કહીને બોલાવતા. આજે મને પુરૂષોત્તમ નામે ભાગ્યે જ કોઈ ઓળખે છે એટલે મેં મારી ઓળખ જાળવવા “પીકે દાવડા” ચાલુ રાખ્યું. ૧૯૬૧ પછી, હું એંજીનીઅર હોવાથી, મારી બીજી ઓળખ “દાવડા સાહેબ” તરીકે બની, જે પહેલી ઓળખ કરતાં પણ વધારે પ્રચલિત છે. હવે તો મારી આ ઓળખ મેં પણ સહજપણે સ્વીકારી લીધી છે.

૨૦૧૨ના જન્યુઆરીમાં  હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખવાનું ચાલુ રાખ્યું. અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમાં થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો. આમાંના લગભગ બધા જ બ્લોગ જગતમાં ખૂબ જાણીતા છે. “અક્ષરનાદ” ના શ્રી જીગ્નેશ અધ્યારૂ, “ગદ્યસૂર” અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક શ્રી સુરેશ જાની, “વિલિયમ્સ ટેલ્સ” ના શ્રી વલીભાઈ મુશા, “આકાશ દીપ” ના શ્રી રમેશ પટેલ, “ચંદ્ર પુકાર”ના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, “વિનોદ વિહાર” ના શ્રી વિનોદભાઈ પટેલ, “હાસ્ય દરબાર” ના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, “વિજય નું ચિંતન જગત” ના શ્રી વિજય શાહ, “શબ્દોનું સર્જન” ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરી”ના શ્રી જુગલકિશોર વ્યાસ, અને “નિરવ રવે”ના બહેન પ્રજ્ઞા વ્યાસ. આ બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાહ આપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે, નહિં તો કદાચ થાકી જઈ ને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.

બ્લોગ્સે મને નિવૃત્તિમાં  પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામાં  મારી એકલતા દૂર કરવાનું માધ્યમ આપ્યું છે. ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે સંપર્ક કરાવ્યો છે. અનેક લોકો મને માનથી  દાવડા સાહેબ કહી સંબોધે છે. જીવનના ૭૯ મા વર્ષમા આનાથી વિશેષ જોઈએ પણ શું?

-પી. કે. દાવડા

====================================== 

 

વિનોદ વિહારમાં પ્રગટ થયેલા શ્રી પી .કે .દાવડા ના કેટલાક લેખો ,કાવ્યો વી. સાહિત્ય સામગ્રી

વાંચવા માટે આ લીંક ઉપર ક્લિક કરો .

 

( 483 ) મળવા જેવા માણસ… શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા…..પરિચય ….આલેખન …શ્રી પી.કે.દાવડા

 શ્રી .પી.કે.દાવડા એ આ પહેલાં એમના ‘મળવા જેવા માણસ’ ની  પરિચય શ્રેણીની લેખ માળામાં જે ૨૧ જણના પરિચય લેખો લખ્યા છે તેઓ બધા પુરુષો હતા .

આ પરિચય લેખ માળામાં ૨૨મો લેખ લખીને પ્રથમવાર  તેઓએ એક મહિલા શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા  નો સરસ પરિચય કરાવ્યો છે .

આ લેખ એમણે મને ઈ-મેલથી મોકલ્યો એને વી.વી.ની આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

————————————————————-

શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા   

paru-kપારૂબહેનનો જન્મ ૧૯૬૮ માં અમદાવાદમાં સુખી, સંસ્કારી અને આદર્શવાદી અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા નરેન્દ્ર્ભાઈની ટેલીફોન ખાતામાં નોકરી હતી. માતા જ્યોતિબહેન ઉપરાંત કુટુંબમાં નાની બહેન કાનનનો સમાવેશ થતો હતો. બન્ને દિકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે માતા-પિતાએ શક્ય એ બધું જ કર્યું.પારૂબહેને અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી “અમૃત જ્યોતિ” અંગ્રેજી મીડિયમની શાળામાં દાખલ થઈ વિદ્યાપ્રાપ્તિની શરૂઆત કરી. આ શાળા, એ વખતની સામાન્ય શાળાઓ કરતાં અલગ હતી. અહીં ભણતર ઉપરાંત બાળકની પ્રતિભા નિખારવા (Personality Development) ઉપર ખાસ લક્ષ આપવામાં આવતું. આ શાળામાં રહી, માત્ર ૧૨ વર્ષની વયે પારૂબહેને વિવિધ પ્રાર્થના અને શ્ર્લોકોની સાથેસાથે ઈશાવાસ્ય અને ભૃગુવલ્લી જેવા ઉપનિષદ કંઠસ્થ કર્યા હતા અને બીજી પ્રવૃત્તિઓ જેવીકે મેડિટેશન, યોગા, હોર્સ રાઈડિંગ , સ્કેટિંગ , ડાન્સિંગ, ડ્રામેટીક્સમાં પણ નિપૂર્ણતા મેળવી. ૯ મા ધોરણમાં ભારત નાટ્યમનો સાત વર્ષનો કોર્સ પૂર્ણ કરીને અમદાવાદના ટાગોરહોલ માં આરંગેત્રમ કર્યું. સાથે સાથે કરાટે શીખવાનું પણ ચાલુ કર્યું પણ તેમાં બહુ ફાવટ ન આવવાથી એક વર્ષ કરીને છોડી દીધું .

પારૂબહેનને વાંચનનો ખુબજ શોખ હતો. એમણે સ્કૂલ લાઈબ્રેરીની અનેક બુક્સ વાંચી નાખી હતી, એટલું જ નહિં પણ ઘરે અને પડોશમાં આવતા તમામ ન્યુઝ પેપર અને મેગેઝીન પણ વાંચતા.૧૨ માં ધોરણમાં એમના પિતાની બદલી વડોદરા ખાતે થઈ. વડોદરામાં ૧૨માં ધોરણ સાયન્સનો અભ્યાસ પૂરો કરી વડોદરાની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં એડમીશન લીધું. અહીં એમણે ઈતર પ્રવૃતિમાં સ્વીમીંગ શીખી લીધું. કોલેજમાં એમણે ચાઇલ્ડ ડેવેલપમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું અને ફાઈનલ વર્ષમાં યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા.

 

કોલેજના વર્ષો દરમ્યાન વિવિધ પ્રોજેક્ટ્સ , assingnments અને પરીક્ષાઓમાં અતિ ઉજ્જ્વલ દેખાવને કારણે પ્રોફેસરો, HOD અને ડીન ઉપર એક આગવી છાપ છોડી. હજી ભણવાનું પુરૂં નહોતું થયું તે દરમ્યાન એક અનોખો બનાવ બન્યો. વડોદરાની મેડિકલ કોલેજમાંથી M.D.(Skin & VD) ડીગ્રી મેળવેલા ડો. ક્રિષ્ણકાંતને પારૂબહેન ગમી ગયા. ડોકટરનો અને પારૂબહેનના કુટુંબનો પારીવારિક સંબંધ તો હતો, તેથી વાત આગળ વધારવામાં બહુ અડચણ ન આવી. ભણવાનું ચાલુ હતું છતાંયે સગપણ અને લગ્ન થઈ ગયા. ગ્રેજ્યુએટ લેવલનું ભણવાનું તો પુરૂં થયું, પણ પ્રોફેસરો, ડીન વગેરેના અતિ આગ્રહ છતાં, પરિણીત જીવનની કેટલીક મર્યાદાઓને માન આપી, એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમીશન ન લીધું. ફેકલ્ટી તો પારૂબેનને વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ આપી ઈંગ્લેંડ મોકલવા પણ તૈયાર હતી, પણ એમણે એ ઓફર નકારી દીધી.

 

લગ્નબાદ એમના સસરા અને એમના પતિના જોબ અલગ અલગ શહેરોમાં હોવાથી, શરુઆતના બે વર્ષ રાજકોટમાં પતિ-પત્નીએ Nuclear Family નું જીવન ગુજાર્યું. એ દરમ્યાન એમને રાજકોટની પ્રખ્યાત શાળા એમ.વી.ધુલેશિયા સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરીની સામે ચાલીને ઓફર આવી, જે એમણે સહર્ષ સ્વીકારી. એ સમયગાળા વિશે પારૂબહેન કહે છે, “નવું ઘર , નવી જવાબદારી , નવી જોબ, નવો ઉમંગ અને ઉત્સાહ, બધુંય સાથે નીભાવાનું મુશ્કેલ તો હતું પણ અમે બેજ હતા , હોમ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટના નવા નવા experiment થતા ગયા અને ધીરેધીરે ફાવી ગયું.સ્કૂલમાં પણ ખુબ મન લગાવીને કામ કરતી. અહી લાઈબ્રેરી ખુબ મોટી હતી તે ઉપરાંત કોઈ પણ બુક ઓર્ડર કરીને મંગાવાની છૂટ હતી. શીખેલું બધુજ અમલમાંમુકવાના પૂર્ણ પ્રયાસ સાથે નવા નવા સુજાવ અને પ્રવૃતિઓ આપતી રહેતી. અહી મારા વાંચનનો શોખ કામ લાગતો હતો recent advances in education અંગે ખુબ નવું નવું વાંચી અને અમલમાં મુકવાના પ્રયાસ કરતી રહેતી, અને તે બધું સ્કુલ મેનેજમેન્ટને યોગ્ય લાગતું અને તેથી યથા યોગ્ય બદલાવ થતા ગયા, અને ત્યાંપણ મારી એક સરસ ઈમેજ ઘડાતી ચાલી.”

 

ત્યારબાદ એમની દિકરી ૠજુતાનો જન્મ થયો અને એમના સસરાની નિવૃતિને લીધે Nuclear family નું Joint family માં પરિવર્તન થયું . તે અંગેની સર્વે જવાબદારીઓ તેઓએ હંમેશા ખુબજ મનથી લાગણી અને પ્રેમથી નીભાવી છે .  આ સમય દરમ્યાન તેમના પતિ ડો ક્રિષ્ણકાંતને આગળ અભ્યાસ અર્થે લંડન જવાનું પણ ગોઠવાયું સંજોગોને વશ થઈ પારૂબહેને શાળામાંથી એક વર્ષ માટે છૂટ્ટી લીધી. એક વર્ષ પછી પાછી જોબ ચાલુ થઇ ગઈ, સ્કુલમાં પણ નવી નવી જવાબદારીઓ સોંપાતી ચાલી અને પ્રગતિ ચાલુ રહી, સ્કુલની પણ અને એમની પણ! સ્કુલનેમાટે જરૂરી એવા સેમિનાર્સ , ટ્રેનીંગ વર્કશોપ્સ, ડિસટન્ટ લર્નીંગ કોર્સ વિગેરે એમણેસફળતાપૂર્વક પુરા કર્યા. આ દરમ્યાન કોમપ્યુટર વાપરવાનું પણ શીખી લીધું.

 

સ્કુલ ની પ્રગતિ ખુબ ઝડપી હતી નવા કેમ્પસ અને નવા નવા સેક્શનસ બનતા જતા હતા અને નવી નવી જગ્યાએ પારૂબેન નું પોસ્ટીંગ થતું હતું.  છેવટે ICSE બોર્ડની S N Kansagra સ્કુલમાં સ્થાયી જવાબદારી મળી . મોટી દીકરી ઋજુતા પછી નાનો દીકરો હેતવ હતો. બંને સંતાનો ICSEબોર્ડની ગુજરાતની બેસ્ટ S N Kansagra   સ્કુલમાં અતિ ઉત્તમ દેખરેખ હેઠળ ભણતા હતા.

 

સ્કુલમાં પારૂબેનનું કાર્ય ક્ષેત્ર વિસ્તરતું જતું હતું , ટીચિંગ , પ્લાનીંગ , ટીચર્સ ટ્રેનીગ , coordinating વગેરે વગેરે . સન 2005 માં સ્કુલ તરફતી તેઓનું સન્માન  કરવામાં આવ્યું . હેમુ ગઢવી હોલ માં 2500 માણસો વચ્ચે ખુબજ યાદગાર ફંન્કસન કરવામાં આવ્યું તે તેમના જીવનનું અમુલ્ય સંભારણું બની રહ્યું. Principal ની પોસ્ટ માટે જરૂરી MEd ની ડીગ્રી માટે તેનો 2 વર્ષ નો કોર્સ કરવા માટે તેમને સ્કુલ તરફથી સિંગાપોર મોકલવાનું નક્કી થયું. ખર્ચ બધો સ્કુલ ભોગવવાની હતી પરંતુ ઘર કુટુંબ અને સંતાનોની જવાબદારી ને કારણે તે શક્ય બન્યું નહિ. થોડા સમય બાદ શાળામાં children with special needs માટે નવું section ચાલુ થયું અને એમાં std 1 to 10 ના coordinator તરીકે જવાબદારી મળી, તે ખુબ મન લગાવીને છેલ્લે સુધી નિભાવી. ૧૯ વર્ષ સ્કુલમાં કામ કરી આખરે એમણે તંદુરસ્તી અને કુટુંબની જવાબદારીને લક્ષમાં લઈ રાજીનામું આપ્યું. 

 

પારૂબહેનના માતા-પિતાએ પોતાની બે દિકરીઓને જે રીતે ઉછેરેલી અને જે જાતનું શિક્ષણ આપેલું, એનું જ અનુકરણ કરીને પારૂબહેને એમની દીકરી ઋજુતા અને દીકરા હેતવના સંસ્કારો અને શિક્ષણ ઉપર પુરતું લક્ષ આપ્યું. આજે દિકરી Dentist છે અને દીકરો ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે.

 

પતિની અને બાળકોની પ્રગતિ માટે એમણે હંમેશાં પોતાની કેરીઅરના કોરે મૂકી છે. ડો ક્રિષ્ણકાંત પંડ્યા ખુબજ એક્ટીવ academician અને સફળ ડોક્ટર છે. International કોન્ફરન્સમાં એમના પેપર present થાય છે. આજે એમનું કલીનીક ૧૫૦૦ sq.ft. ની જગ્યામાં, લેટેસ્ટ લેઝર મશીન્સ, ૧૨ વેલ ટ્રેઇન્ડ અને ક્વોલિફાઇડ સ્ટાફ સાથેનું આખા ગુજરાતના one of the best dermatology અને cosmetology માટેનું ક્લીનીક ગણાય છે.

આવી high pressure વાળી કારકીર્દીમાં પણ પારૂબેન એમના સાહિત્ય પ્રત્યેના પ્રેમથી અળગા રહી શક્યા નથી. એમના મોટા ભાગના લખાણનો વિષય, પછી એ લેખ હોય કે કવિતા, પ્રેમ રહ્યો છે. એમની કવિતાઓમાં એમનો પતિ પ્રત્યેનો પ્રેમ નજરે ચડ્યા વગર રહેતો નથી. એક્વાર તો મજાકમાં મેં એમના એક કાવ્યના પ્રતિભાવમાં લખેલું, “એક રાધા, એક મીરા અને એક પારૂ; ત્રણે કૃષ્ણના દિવાના.” અનેક બ્લોગ્સમાં એમની રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. એમના લખાણો “પિયુની” ઉપનામથી પ્રગટ થયા છે. એમના પોતાના બ્લોગનું નામ પણ એમણે “પિયુનીનો પમરાટ”  રાખ્યું છે. કૌટુંબિક જવાબદારીને લઈ થોડા સમયથી એ બ્લોગ્સ શાંત છે.

 

પારૂબહેનને જાણવા માટે તમારે ‘પિયુની’ ની કવિતાઓનો આસ્વાદ લેવો પડશે .

પારૂબેનના પોતાના શબ્દોમાં તેમની કાવ્યમય ઓળખ  નીચેની

                                                          લીંક ઉપર ક્લીક કરીને વાંચી શકાય છે .

“જીવન પિયુનીએ એવું જીવ્યું”                             

  

તેઓ પોતાની ફિલસુફી અને જીવન મુલ્યો વર્ણવતા કહે છે , 

कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। 

“મનુષ્યનો તેના નિયત કર્તવ્ય અને કર્મ કરવાનો અધિકાર છે,     પરંતુ તે કર્મના ફળ ઉપર તેનો અધિકાર નથી, માટેજ તેણે  પોતાની જાતને કદી પણ તેના કર્મોના ફળનું કારણ માનવી નહિ. તેણે ફળ પ્રતિ આસક્તિ રાખ્યા વગર કર્મ કરતા રહેવું જોઈએ. આવા નિષ્કામ કર્મ મનુષ્યને નિ:સંદેહ મુક્તિના માર્ગ પ્રતિ દોરી જાય છે.”   

“શ્રીમદ ભગવદ ગીતાના આ શ્લોકને સમજીને અમલમાં મુકવાની કોશિશ કરું છું. આત્માને પરમાત્મા સમજીને દરેક વર્ગના લોકો સાથે સદભાવ અને પ્રેમભર્યો વ્યહવાર રાખવાની કોશિશ કરું છું. સમાજના ગરીબ, દુ:ખી અને નિ:સહાય અને જરૂરીઆતમંદ લોકોને થાય તેટલી મદદ કરીને પોતાની જાતને પરમકૃપાળુ પરમાત્માનું વહાલું સંતાન સમજી અને નસીબદાર માનું છું.”

પી. કે. દાવડા

( 460 )“મળવા જેવા માણસ……… શ્રી પ્રવીણ શાસ્ત્રી ………પરિચયકાર …. શ્રી . પી.કે.દાવડા

મારા બ્લોગ જગતમાં પ્રવેશ પછી જે કેટલાંક સાહિત્ય રસિક મિત્રો સાથે નજીકનો પરિચય થયો છે એમાં સહૃદયી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી પણ એક છે .

એમના બ્લોગ પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી  માં પ્રગટ થતી એમની વાર્તાઓ ,હાસ્ય લેખો વિગરેમાં એમની વિશિષ્ટ પ્રકારની રમુજી લેખન શૈલી આપણને સહેજે આકર્ષે એવી બળુકી હોય છે જે મને ગમે છે . એમની કૃતિઓમાં એમના જીવનના અનુભવો જણાતા હોય છે .

શ્રી પ્રવીણ શાસ્ત્રી વિનોદ વિહારના વાચકો માટે નવું નામ નથી .અગાઉ આ બ્લોગની ઘણી બ્લોગ પોસ્ટમાં એમની વાર્તાઓ/હાસ્ય કૃતિઓ મેં સાનંદ પ્રગટ કરી છે

છેલ્લે, વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 446 ) માં એમના એક સરસ હાસ્ય લેખ સાથે એક વિડીયો પણ મુક્યો છે જેમાં તેઓ એમની એક  રચના રજુ કરતા જોઈ શકાય છે .

શ્રી શાસ્ત્રી જેવા જ મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ  એમની ” મળવા જેવા માણસ ” નામની એમની મિત્રોની પરિચય શ્રેણીની માળામાં ૧૬ મો મણકો ઉમેરીને એમના એક લેખમાં શ્રી પ્રવીણ શાસ્ત્રીનો સુંદર પરિચય કરાવ્યો છે . આ લેખમાં શ્રી શાસ્ત્રી વિષે એમના સાહિત્યના પ્રદાન ઉપરાંત એમના જીવનનાં બીજાં અજાણ પાસાંઓનો પણ દાવડાજીએ અભ્યાસપૂર્ણ પરિચય કરાવ્યો છે .

શ્રી પી.કે.દાવડાજીના  શ્રી શાસ્ત્રી વિશેના આ લેખને આ બન્ને મિત્રોના આભાર સહીત આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

===========================================================

 “મળવા જેવા માણસ……… શ્રી પ્રવીણ શાસ્ત્રી ………પરિચયકાર …. શ્રી  . પી.કે.દાવડા

Pravin Shastri

Pravin Shastri

પ્રવીણભાઈનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના દાદા ઘેલાભાઈ શાસ્ત્રી કર્મકાંડી બ્રાહ્મણ હતા અને એક મધ્યમવર્ગી સંયુક્ત કુટુંબના વડા હતા. પ્રવીણભાઈના પિતા મગનલાલભાઈનું કુટુંબ અને કાકા મોહનલાલભાઈનું કુટુંબ બધા એક જ ઘરમાં સંયુક્ત કુટુંબ તરીકે રહેતા. પિતા અને કાકા એમ બન્ને કુટુંબો વચ્ચે પુત્ર સંતાનમાં માત્ર પ્રવીણભાઈ જ હોવાથી એમને ખૂબ લાડકોડમાં ઉછેરવામાં આવ્યા. કુટુંબ એમના પ્રત્યે કાયમ over protective રહ્યું, જે ક્યારેક ક્યારેક એમની પ્રગતિ માટે બાધારૂપ બની જતું. પિતા અને કાકા બન્ને શિક્ષક તરીકે શાળામાં નોકરી કરતા હોવાથી,મર્યાદિત આવકમાં કુટુંબનું ગાડું ચાલતું.

ધાર્મિક અને સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હોવાથી, નાની વયે જ રામાયણ, મહાભારત અને ભાગવતની વાતો બા અને દાદા પાસેથી સાંભળવા મળેલી. પિતાએ નાનપણમાં જ જીવનની વાસ્તવિકતાના પાઠ ભણાવેલા અને કાકાએ સંગીતમાં રસ લેતા કરેલા. શાળાના ભણતરમાં કોઈ મુશ્કેલી ન જણાઈ. શાળામાં અભ્યાસ સાથે સાથે વક્તૃતવ કળા, અભિનય, ચિત્રકળા અને લેખન કળા, વગેરેમાં પણ આગળ પડતો ભાગ લીધો. નવમા ધોરણમાં આવ્યા બાદ નીચલા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી કમાવાનું પણ શરૂ કરી દીધું. નાનપણથી વાંચનનો શોખ કેળવેલો. કોઈપણ એક લેખક પસંદ કરી એમના બધા પુસ્તકો વાંચી લેવાની આદત એમણે નાનપણથી કેળવી.

એ સમયની જ્ઞાતિની પ્રથા અનુસાર ૧૬ વર્ષની વયે, ૧૯૫૫ માં, એમનું વેવિશાળ યોગીની સાથે કરવામાં આવ્યો, અલબત ભણવાનું ચાલુ જ રહ્યું. ૧૯૫૭ માં એસ.એસ.સી.ની પરિક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. એ જ વર્ષે એમની પહેલી નવલિકા “પાગલની પ્રેયસીઓ” નવવિધાન માસિકમાં એમના ફોટા સાથે પ્રગટ થઈ, અને ત્યારબાદ એક પછી એક વાર્તાઓ સાપ્તાહિક અને માસિકોમાં પ્રગટ થતી રહી.

૧૯૫૭ માં પિતા નિવૃત થયા અને કાકાને લકવો થઈ ગયો. આવી કઠીન પરિસ્થિતિમાં પણ એમણે ફ્રીશીપ મેળવી લઈ અને ટ્યુશનો કરી, આગળ ભણવાનું ચાલુ રાખ્યું. એમનો વધુ પડતો સાહિત્ય શોખ, વિજ્ઞાનના વિષયોવાળા ભણતરમાં નડતર રૂપ થયો, અને પ્રવીણભાઈ ઈન્ટર સાયન્સમાં નાપાસ થયા. એમણે નક્કી કર્યું કે આ સાહિત્યનો છંદ એમને પોષાય એવો નથી, અને એમણે લખવા-વાંચવાનું બંધ કરી અભ્યાસ ઉપર જ ધ્યાન કેંન્દ્રીત કર્યું. આખરે ૧૯૬૨ માં બી.એસસી. કરી જે સ્કૂલમાં ભણેલા ત્યાં જ શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. સમયનો તકાદો હતો કે કુટુંબને પાછું આર્થિક રીતે પગભેર કરવા વધારે આવકવાળી નોકરી શોધવી. સુરતની બહાર વલસાડની અતુલ અને વડોદરાની સારાભાઈમાં ૧૬૦-૧૮૦ રૂપિયા પગારવાળી નોકરી મળતી પણ હતી, પણ કુટુંબનો એકનો એક દિકરો એકલો બહારગામ કેમ રહી શકે? વળી ત્યાં બીજું ઘર ભાડે રાખીને રહેવું પડે તો બે કુટુંબનું ભરણ-પોષણ આટલી રકમમાં શી રીતે થાય? આખરે ૧૯૬૩ મા લગ્નબાદ ઉધનામાં બરોડા રેયોનમાં નોકરી સ્વીકારી પત્ની સાથે ઉધના રહેવા ગયા. ૧૯૬૪ માં પુત્રી દિપ્તી અને ૧૯૬૬માં પુત્ર કર્મેશનો જન્મ થયો.

જીવનમાંપ્રગતિ કરવાનો તલસાટ મનમાં કાયમા રહેતો હોવાથી, ૧૯૬૭ માં ઈંગ્લેન્ડમાં Employment Voucher માટે અર્જી કરી અનેતે મંજૂર થઈ ગઈ, પણ કુટુંબ રજા નહિં આપે એવી ખાત્રી હોવાથી બે મહિના સુધી ચુપચાપ બેસી રહ્યા. દરમ્યાનમાં એમના એક સગા યુ.કે. થી આવ્યા હતા, એમને આ વાતની જાણ થઈ. એમણે કહ્યું કે આ વાઉચર તારી જગ્યાએ બીજાને મોકલનારા એજંટો તને આના દસ હજાર રૂપિયા આપીને ખરીદી લેશે. કુટુંબને આ વાતની જાણ થઈ અને કાકાની દરમ્યાનગીરીથી એમને ત્રણ-ચાર વર્ષમાં પાછા આવી જવાની શરતે યુ. કે. જવાની રજા આપી. એ નક્કી પાછા આવી જાય એટલા માટે એમના દિકરી અને દીકરાને ભારતમાં જ રોકી લીધા.

૧૯૬૮ માં પ્રવીણભાઈ એમની પત્ની સાથે લંડન ગયા અને સદભાગ્યે એમને બ્રીટીશ રેલ્વેની રીસર્ચ લેબમાં નોકરી મળી ગઈ. આ નોકરીમાં, Perks તરીકે, વર્ષમાં યુરોપ પ્રવાસ માટે પાંચ પાસ મળતા. બે વર્ષમાં એમણે લગભ આખું વેસ્ટર્ન યુરોપ ફરી લીધું. એમણે જોયું કે જીવનમાં પ્રગતિ કરવા માત્ર બી.એસસી. ની ડીગ્રી પૂરતી નથી. એમણે નોકરી કરતાં કરતાં Wandsworth Technical College, London માં Advance Spectroscopy નો ..કોર્ષ કર્યો, જે એમના શબ્દોમાં એમને જીવન-ભર દાળ-રોટલા માટે કામ લાગ્યો.

કદાચ ઈંગ્લેંડ કરતાં અમેરિકામાં સફળતા માટે વધારે અવકાશ હોય એમ વિચારી એમણે અમેરિકાના વિઝા માટે અરજી કરી. તે સમયે Professional Third Preference Visa મળતા હતા. રેલ્વેમાં રીસર્ચના અનુભવને લક્ષમાં લઈને એમને વિઝા મળી ગયા, અને ૧૯૭૦ માં પ્રવીણભાઈ અમેરિકા આવ્યા. આવીને બે દિવસમાં જ એક ટેકનીશીયનની નાની નોકરી શોધી કાઢી. અમેરિકામાં તો જોવા જેવું ઘણુંબધું છે, એટલે એમણે ૩૦૦ ડોલરમાં તદ્દન ભંગાર જેવી કાર ખરીદી, અને શનિ-રવિની રજાઓમાં નજીકના સ્થાનો જોવાના શરૂ કરી દીધા. તેમને યાદ હતું કે ચાર વર્ષમાં ભારત પાછા આવી જવાનું મા ને વચન આપીને ભારત છોડ્યું હતું, એટલે વચન પાળવા ચાર વર્ષને અંતે ભારત પાછા ફર્યા. પાછા ફરતાં નક્કી કર્યું કે ભવિષ્યમાં અમેરિકામાં સ્થાયી થઈશ તો તે કુટુંબ અને સ્વજનોના હિતમાં જ હશે.

થોડા સમયમાં જ પત્ની અને બાળકો સાથે પ્રવીણભાઈ અમેરિકા પાછા ફર્યા. નાની મોટી લેબોરેટરીઓમાં નોકરી કરી, ભાગીદારીમાં કારોબાર પણ કરી જોયો પણ ખાસ કાંઈ ગાંઠે પડ્યું નહિં, માત્ર ગુજારો થયો. નશીબ જોગે એમને Engelhard Corporation માં R & D Lab માં સારી નોકરી મળી ગઈ. પગભેર થતાં જ કુટુંબને થાળે પાડવાનું શરૂ કર્યું. ૧૯૭૬ માં બા ગુજરી ગયા એટલે પિતાશ્રીને અમેરિકા લઈ આવ્યા. પછી તો સિલસિલો શરૂ થઈ ગયો, મોટી બહેન અને એના બે દિકરા, સાસુ-સસરા અને ત્યારબાદ અનેક કુટુંબીઓ સ્વકલ્યાણ અર્થે અમેરિકા આવ્યા. આ બધા સ્થાયી થાય ત્યાં સુધીની જવાબદારી પ્રવીણભાઈએ નિભાવી. બસ જાણે કે એમના જીવનનો એ એક લક્ષ્ય જ ન હોય? આ જવાબદારી નિભાવવા સ્થાયી નોકરી ખૂબ જરૂરી હોવાથી Engelhard Corporation ની નોકરી ચીવટપૂર્વક જાળવી રાખી આખરે ૨૦૦૯ માં ૭૦ વર્ષની ઉંમરે નિવૃત થયા.

આટ આટલા સ્વજનોને પગભેર થવામાં મદદ કર્યા બાદ આજે પ્રવીણભાઈ મહેસુસ કરે છે કે “સ્વજનો આવ્યા અને અંગત વિકાસ માટે વિખરાતા ગયા. સ્વજનોની શૃંખલા સર્જાતી રહી અને વિખરાતી રહી, હવે હું ઘણાં મોટા ટોળામાં એકલો છું” એમની આ લાગણી માટે હું આજના સમયમાં આવેલા સામાજીક પરિવર્તનને કારણભૂત ગણું છું.

નિવૃતિએ એક શૂન્યાવકાશ ઊભો કર્યો. ઈન્ટર સાયન્સમાં નાપાસ થવાથી પોતાની પ્રિય સાહિત્ય પ્રવૃતિને એમણે ત્યાગી દિધેલી એ પાછી મનમાં સળવળાટ કરવા લાગી. ૪૦-૪૫ વર્ષથી ન તો ગુજરાતીમાં વાંચ્યું હતું કે ન લખ્યું હતું. અરે કોઈ ગુજરાતી નાટક કે સિનેમા, હોલમાં કે ટી.વી. માં, પણ જોયા ન હતા. ભારતના ૪૦-૪૫ વર્ષાના ઈતિહાસથી પણ લગભગ અપરિચિત થઈ ગયા હતા. કંઈક વાંચવાની ઈચ્છા થતાં નજીકમાં આવેલી “ગુજરાત દર્પણ” માસિક દ્વારા ચાલતી લાયબ્રેરીમાં ગયા. “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષભાઈ શાહ સાથે અનાયાસે મુલાકાત થઈ. વાતચીતમાં સુભાષભાઈએ જાણી લીધું કે પ્રવીણભાઈ યુવાનીમાં વાર્તાઓ લખતા. એમણે આગ્રહ કર્યો, “ફરી લખો, હું છાપીસ.” બસ થઈ ગઈ શરૂવાત. ઓક્ટોબર ૨૦૦૯ થી શરૂ થયેલી આ યાત્રા આજે ૨૦૧૪ માં પણ વણથંભી આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત દર્પણમાંજ લગભગ ૮૦ વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી છે. દરમ્યાનમાં એમની એક નવલકથા “શ્વેતા” ૨૦૧૧ માં પ્રગટ થઈ ચૂકી છે. “ગુજરાત દર્પણ” સિવાય “તિરંગા ઈન ન્યુ જર્સી” માસિકમાં પણ એમની વાર્તાઓ નિયમિત રીતે પ્રગટ થાય છે.

૨૦૧૨ માં એમણે બ્લોગ્સની વિશાળ પહોંચ વિષે વિચારીને પોતાનો એક બ્લોગ શરૂ કર્યો, અને પોતાની વાર્તાઓ અમેરિકા બહારના ગુજરાતિઓ સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. (http://pravinshastri.wordpress.com/). ૨૦૧૩ માં એમના બ્લોગમાની એમની એક વાર્તાથી પ્રભાવિત થઈ, એમને ટેલીફોન કર્યો. વાચચીત દરમ્યાન એમની નમ્રતા અને એમના Downt to earth વર્તનથી પ્રભાવિત થઈ મેં એમની સાથે મિત્રતા વધારી. આજે મારા મિત્રવર્ગમાં એમનું નામ જડાઇ ગયું છે.

પ્રવીણભાઈની વાર્તાના પાત્રો એટલા વાસ્તવિક છે કે મને એ જ સમજાતું નથી કે ૪૦-૪૫ વર્ષ ગુજરાતથી બહાર રહ્યા છતાં એ ગુજરાતના સામાન્ય ઘર અને ગામનું આટલું આબેહૂબ વર્ણન કેવી રીતે કરી શકે છે? પ્રવીણભાઈ તો કહે છે કે, “બે તૃતિયાંશ જીવન અમેરિકામાં વીત્યું છે. અમેરિકામાં આપણા ભારતીય સમાજના રંગો નિહાળ્યા છે અને અનુભવ્યા છે. મારી મોટાભાગની વાર્તાઓ આપણી જ જૂદી જૂદી પેઢી ના અમેરિકન જીવનશૈલી પર સર્જાયલી છે. બસ એ વાસ્તવિકતા ના માનસિક રૂપરંગ બદલાતા જાય. કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ માનસપટ પર સર્જાય. હું દરેક પાત્ર ભજવતો બહુરૂપીઓ બની જાઉં અને જે અનુભવું તે વાત કે વાર્તા બની જાય.”

પ્રવીણભાઈ કહે છે કે તેમની ૨૦૦૯ પછીની લેખન પ્રવૃતિના આડકતરા લાભ તરીકે એમને અનેક મિત્રો મળ્યા છે, જેમાં એ મારો પણ સમાવેશ કરે છે.” હું પ્રવીણભાઈની અદેખાઈ એટલા માટે કરૂં છું કે મારી પાસે એમની કલ્પના શક્તિના દસમાં ભાગની પણ કલ્પના શક્તિ નથી.

પી. કે. દાવડા