ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું નામ અજાણ્યું નથી .
આજે પાર વગરનાં અખબારો , સામયિકો અને પુસ્તકોમાં પુષ્કળ ગમે અને ના ગમે એવું ઢગલાબંધ
સાહિત્ય ખડકાય છે .એમાંથી ઉત્તમ સાહિત્ય ખંતપૂર્વક શોધી શોધીને લોકો પાસે ટૂંકાવીને મુકતા રહેવાનું
કામ આજે એમની ૯૨ વર્ષની ઉંમરે પણ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી એક મિશનરીની જેમ કરી રહ્યા છે .
આવા ખંતીલા સાહિત્ય પ્રેમીએ શરૂઆતમાં મિલાપ માસિક દ્વારા અને ત્યારબાદ દાયકાનું યાદગાર
વાચન, અર્ધી સદીની વાચન યાત્રા વિગેરે પ્રકાશિત પુસ્તકો બધાને પોસાય એવી કિંમતે બહાર પાડી
સંસ્કાર યુક્ત જીવન લક્ષી સાહિત્ય પીરસતા રહીને અમુલ્ય સેવા કરી રહ્યા છે .
આવા ૯૨ વર્ષના યુવાન શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી વિશેનો શ્રી સંજય શ્રીપાદ ભાવે લિખિત લેખ શ્રી વિપુલ
કલ્યાણી, ઓપીનીયન મેગેઝીન અને લેખકના આભાર સાથે વી.વી. ના વાચકો માટે પોસ્ટ કરતા આનંદ
થાય છે .
આશા છે આ લેખ સૌ માટે પ્રેરણારૂપ બનશે .
વિનોદ પટેલ
=========================================
૯૨ વર્ષની વાચનયાત્રાના તેજીલા શબ્દવીર મહેન્દ્રભાઈ મેઘાણી…………
સંજય શ્રીપાદ ભાવે

૯૨ વરસે પણ કાર્ય રત શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી
આજે (20 જૂન 2014) બાણુંમો જન્મદિવસ ઉજવી રહેલા લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્ર મેઘાણી એક નવું પુસ્તક ‘દર્શક સાથે વિચારયાત્રા’ તૈયાર કરી રહ્યા છે. દર્શકની જન્મશતાબ્દીએ તેમનાં ચૂંટેલાં ચિંતનાત્મક લખાણોનાં સો પાનાંના પુસ્તક માટેનું છેલ્લું પ્રૂફ મહેન્દ્રભાઈ વાંચી રહ્યા છે. હંમેશની જેમ તેની લાખ નકલો છપાવીને ઘરે ઘરે પહોંચાડવાનો ઉમંગ છે. હાથ પર બીજું કામ છે તે ગયા છ મહિના દરમિયાન પ્રકાશિત થતી રહેલી ‘મિલાપની વાચનયાત્રા’ શ્રેણીનાં તેરમાથી સોળમા ક્રમનાં પુસ્તકો તૈયાર કરવાનું.
મહેન્દ્રભાઈ બંને કામ માટેની કાચી સામગ્રી દીકરીને ત્યાં પહેલી એપ્રિલે અમેરિકા ગયા ત્યારે લઈને ગયા હતા. અત્યારે મનરોના ઘરે પરોઢે પાંચ વાગ્યે ઊઠીને દિવસના છ-આઠ કલાક કામ કરે છે. બાકીના સમયમાં આંખોને વધુ કામ માટેનો આરામ આપવાનું, વાંચવાનું, થોડું ચાલવાનું. શક્ય હોય ત્યારે અમેરિકા જેના માટે જાણીતું છે તે જાહેર ગ્રંથાલયો કે પુસ્તકભંડારોમાં મ્હાલવાનું !
ગુજરાતીમાં બધાને જ ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ અને વૈવિધ્યપૂર્ણ વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરના લોકમિલાપ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. ’પુણ્યનો વેપાર’ કરવા માટે આ ધંધામાં પડ્યા હતા, એટલે નહીં નફો, નહીં નુકસાન જેવી આર્થિક ગોઠવણ ‘પૂરતાં શાકરોટલા મળે’ એવી કુનેહથી કરી હતી. બીજા પ્રજાસત્તાક દિવસથી પચાસ વર્ષ દરમિયાન આપણો સાહિત્ય વારસો, મેઘાણી સાહિત્ય, ચંદનનાં ઝાડ, કાવ્યકોડિયાં અને ખિસ્સાપોથીઓ જેવી યોજનાઓ થકી દરેક પ્રકારનું સરસ ગુજરાતી સાહિત્ય ઘરેઘરે પહોંચ્યું. તમામ પ્રકાશનોમાં એવું જ સાહિત્ય હોય કે જેના વિષયો અને નિરુપણમાં અદનો માનવી કેન્દ્રમાં હોય.
નવી સદીથી ‘અરધી સદીની વાચનયાત્રા’ તેમ જ રોજેરોજની અને કેટલાક લેખકો સાથેની વાચનયાત્રા જેવી પુસ્તકમાળાઓથી મહેન્દ્રભાઈ નવી પેઢીમાં પણ ઠીક જાણીતા થયા. ઓછા જાણીતા મહેન્દ્ર મેઘાણી એટલે ગરીબો માટે દિલ કપાતું હોવાથી વર્ષો લગી ચપ્પલ નહીં પહેરનારા પ્રકાશક. થેલીમાં જુદી જુદી સાઇઝનાં ચપ્પલ ભરીને અડવાણે પગે મજૂરી કરતી બહેનોને એ પહેરાવતા. સાયકલ અને એસ.ટી. બસ સિવાય કોઈ વાહનનો ઉપયોગ ન કરતા. આજે પણ અમદાવાદ હોય ત્યારે બગીચામાં ચાલતાં ચાલતાં ઉપાડાય એટલો કચરો ઉપાડે છે.
વર્ષો સુધી દરરોજ ઘરની ઘંટીએ જુદાં જુદાં અનાજ દળીને ખુદના શરીરની અને પરિવારના મહિલા વર્ગની સંભાળ લેનારા, તેમનાં સંતાનોનાં મમ્મી. ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી એનાં બિસ્કિટ બનાવડાવવાની ગુજરાતમાં પહેલ કરનારા મહેન્દ્રભાઈ. બહેનોનાં સમય-શક્તિ રોટલા વણવામાં જતાં હોવાથી તેમનો વિકાસ રુંધાય છે એવી સમજથી પુરુષોએ દળેલાં ઘઉંના લોટની સારી જાતની બ્રેડ બેકરીમાં બનાવડાવીને ખાવી જોઈએ એવું ય તે માનતા.
ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા. દેશવિદેશમાં પુસ્તકમેળા કરતા. આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી. એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો. મહેન્દ્રભાઈની પુસ્તક-પસંદગી, શાખ, રજૂઆત અને સાચકલાઈના કીમિયાથી આ સૂચન અમલમાં મૂકાયું !
નાગરિક મહેન્દ્રભાઈ સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા અને માનવ અધિકારના પ્રખર પુરસ્કર્તા છે. પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. ઉત્તમ સંકલન સામયિક ‘મિલાપ’ (1950-78)ના પ્રકાશક-સંપાદક તરીકે કટોકટીમાં શાસનની સેન્સરશીપ સામે લડ્યા હતા. ઓરિસ્સાના ખ્રિસ્તી ધર્મગુરુ ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે કિશોર દીકરાને હિંદુ ધર્મઝનૂનીઓએ 1999ના જાન્યુઆરીમાં બાળી નાખ્યા. તેનાં પત્ની ગ્લૅડિસ સ્ટેઇન્સ પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા મહેન્દ્રભાઈએ તેને પુસ્તકો મોકલ્યાં.
‘બુક અને બૅલેટ’થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. હમણાંની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.
ઇશાવાસ્ય ઉપનિષદનો બીજો જ શ્લોક કહે છે કે કામ કરતાં કરતાં સો વર્ષ જીવો.
એ ઈશવચન આજે જાણે મહેન્દ્રભાઈ માટે છે.
====================================
આભાર-સૌજન્ય…. શ્રી વિપુલ કલ્યાણી….ઓપીનીયન મેઝીન
==============================================
દુખદ અવસાન – સ્વ. નાનકભાઈ મેઘાણી ને શ્રધાંજલિ

Nanak Meghani
શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ભાઈ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના એક બીજા સુપુત્ર
નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીએ (ઉ.વ. 82) તારીખ , 20 જૂલાઈ 2014ના રોજ
સવારે 8.30 વાગે,આપણી વચ્ચેથી શાંતિપૂર્ણ રીતે ચિર-વિદાય લીધી છે.
સ્વ. નાનકભાઈએ પણ પિતાને પગલે ચાલીને પુસ્તકોનો જબ્બર
પ્રસાર કરીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે .
અમદાવાદમાં ‘ગ્રંથાગાર’ નામની એમની પુસ્તકો વેંચવાની ‘હાટ’ ભાષા પ્રેમીઓ,
લેખકો માટે બેસવાનું ઠેકાણું રહેતું.
ઝવેરચંદ મેઘાણીના આ મુઠ્ઠી ઊંચેરા સુપુત્રે પણ શ્રી મહેન્દ્ર ભાઈની જેમ મન
મુકીને પુસ્તક પ્રસાર અને પ્રચાર દ્વારા વાચકોમાં વાંચનનું પ્રસારણ કર્યું છે.
પ્રભુ સ્વ. નાનકભાઈ ના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને એમના
અવસાનથી પડેલી ખોટને સહન કરવાની શક્તિ બક્ષે .
સ્વ. નાનાક્ભાઈ મેઘાણી ને હાર્દિક શ્રધાંજલિ
વાચકોના પ્રતિભાવ