વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મિચ્છામી દુકડમ

( 516 ) “મિચ્છામી દુક્કડમ :” ….ક્ષમાપના…. સૌએ અપનાવવા જેવી ભાવના

mahaavir-sandesh

 જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો અંતિમ દિવસ  મિચ્છામી દુક્કડમ :  એટલે કે અન્યોન્ય ક્ષમાપના માટેનો દિવસ છે .

આ દિવસની મહત્તા દર્શાવતો મારો એક લેખ ” મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ ‘વિનોદ વિહારમાં અગાઉ તારીખ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૨ ની પોસ્ટમાં મુકાયો હતો એમાં સહેજ સાજ ફેરફાર કરી આજની પોસ્ટમાં મુક્યો છે .

આશા છે આ પોસ્ટ માંના વિચારો આપને ગમશે અને મનનીય જણાશે .

વિનોદ પટેલ

============================

મિચ્છામી દુક્કડમ ….ક્ષમાપના….સૌએ અપનાવવા જેવી ભાવના

વિનોદ પટેલ

ગણેશચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ દર વર્ષે મોટે ભાગે સાથો સાથ આવતા તહેવારો છે .

ગણેશચતુર્થીથી એક સપ્તાહનો ગણેશોત્સવ ઘણાં સ્થળોએ ખુબ ધામધૂમ થી ઉજવાય છે . ગણપતિ બાપ્પા મોરિયા .. જેવા નાદો તેમ જ અવનવા કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠે છે . ધાર્મિક જનો વિઘ્નહર્તા દેવ ગણપતિનું,સ્થાપન,અર્ચન અને પૂજન કરે છે .

પર્યૂષણ પર્વ પણ જૈન સમાજનો એક સપ્તાહનો ધાર્મિક ઉત્સવ છે. આ પર્વના છેલ્લા દિવસે જૈન બંધુઓ અને ભગિનીઓ દેરાસરોમાં સાંજે પ્રતિકમણ બાદ એક બીજાને મિચ્છામી દુક્કડમ : પાઠવે છે .

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.

ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે.

ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા

૨.અપરાધ ક્ષમા

૩.વિપાક ક્ષમા

૪.વચન ક્ષમા અને

૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી અનુભવતો જ હોય છે.આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે. ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો ફાયદો છે ?    

જૈન ધર્મની આ ઉમદા પરંપરા અપનાવીએ અને  મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી  કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે  માફી માગીએ.કેટલો સરસ મિચ્છામી દુક્કડમ  નો સંદેશ છે !

અંતે ,

પેનથી નહીં, પ્રેમથી

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી

શબ્દોથી નહીં,સ્નેહથી

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ 

વિનોદ પટેલ ,સાન ડિયેગો

Ganesh

વેબ ગુર્જરી અને શ્રી મહેન્દ્રભાઈ  શાહના સૌજન્યથી લાભ લ્યો
 ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન  જોવાનો -નીચેની લીંક ઉપર ક્લિક કરીને.

ગણેશ ચતુર્થીને અનુલક્ષીને મહેન્દ્ર શાહનાં ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન