વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મિત્ર પરિચય

( 625 ) મારાં સંસ્મરણો…..સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ ……. શ્રી નવીન બેન્કર

હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી મારા મિત્ર શ્રી  નવીન બેન્કરએ એમનાં અમદાવાદનાં ભૂતકાળનાં સંસ્મરણો વિષેનો એક સરસ લેખ ખાસ વિનોદ વિહાર માટે લખી એમના તારીખ ૧૨-૧૨-૫૦ના ઈ-મેલથી મોકલ્યો છે. આ માટે હું એમનો આભારી છું.
જે વાચકો અમદાવાદમાં રહેલા છે અને હાલ રહે છે એ સૌને આ લેખમાં વિશેષ રસ પડશે.

આજે તો અમદાવાદના રસ્તાઓ ઉપર મોટર ગાડીઓ ખુબ દેખાય છે અને સાઈકલ સવારો દિવસે દિવસે ખુબ ઓછા થતા જાય છે.

આજથી ૫૦ વર્ષ પહેલાનું અમદાવાદના રસ્તાઓ ઉપરનું ચિત્ર કઇંક જુદું જ હતું. શાળા,કોલેજ, નોકરી તથા એક જગાથી બીજી જગાએ જવા માટે સાઈકલ એ ઘર ઘરનું અગત્યનું વાહન હતું. મને બરાબર યાદ છે કે ત્યારે સાઈકલનું ખુબ જતન કરવામાં આવતું.નવી સાઈકલ જોતરાય એ વખતે અને દશેરાના દિવસે સાઈકલને કંકુનો ચાંલ્લો કરી ફૂલનો હાર પહેરાવવામાં આવતો.

શ્રી બેન્કરે ભૂતકાળમાં એમની સાઈકલ પ્રત્યે એમને કેવો લગાવ હતો એ વિષે લખ્યું છે:

“૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી.આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતાં જે આનંદ નથી આવતો એ સાયકલ ચલાવતાં આવતો હતો.”

મને આશા છે, શ્રી બેન્કરે ભૂતકાળમાં અમદાવાદની સાંકડી શેરીની પોળનું એમનું જીવન, એમની સાયકલ અને કુટુંબીજનો વિષે એમના આ રસસ્પદ લેખમાં જે સરસ શબ્દ ચિત્રો ઉપજાવ્યાં છે એને માણવાની મજા પડશે.

શ્રી નવીન બેન્કર નો પરિચય.

અગાઉ વિનોદ વિહારની નીચેની બે પોસ્ટમાં શ્રી નવીનભાઈ બેન્કર નો વિશદ પરિચય કરાવવામાં આવ્યો છે .

 

નવા વર્ષ ૨૦૧૫ની અનેક શુભેચ્છાઓ સહીત,

વિનોદ પટેલ 

—————————————————–

( 531 ) મળવા જેવા માણસ ….. શ્રી શકુર સરવૈયા…..પરિચય ..શ્રી પી.કે.દાવડા

શ્રી પી.કે.દાવડા ની પરિચય શ્રેણી મળવા જેવા માણસ માં તેઓએ એક નવો પરિચય ઉમેર્યો છે અને એ છે એમના ભૂતકાળના સહાધ્યાયી મિત્ર શ્રી  . શ્રી શકુર સરવૈયાનો.

એમના ઈ-મેલમાં શ્રી દાવડા લખે છે …

મિત્રો,

આજના મળવા જેવા માણસ શ્રી શકુર સરવૈયા, બ્લોગ જગતમાં ઓછા જાણીતા પણ મોટા ગજાના કવિ અને ગઝલકાર છે. હું અને શકુરભાઈ એક જ શાળાના વિદ્યાર્થીઓ છીએ.

શ્રી શકુરભાઈ ના બ્લોગ બઝ્મે વફા ની હું અવાર નવાર મુલાકાત લેતો હોઉં છું એટલે એમના સાહિત્ય ના શોખ નો પરિચય એમાં પોસ્ટ થતી ગઝલો વિગેરે સાહિત્ય સામગ્રી વાંચવાથી મને હતો જ  .

ઘાટકોપર,મુંબઈ થી મધ્યમ વર્ગના સામાન્ય માનવી તરીકે શરૂઆત કરી અને હાલ ન્યુ જર્સીમાં એક ફાર્મસી સ્ટોરના માલિક તરીકે અમેરિકામાં વ્યવસાય સાથે સાહિત્ય શોખને પણ તેઓ પોષી રહ્યા છે.

શ્રી દાવડાજીએ કરાવેલ એમના મિત્ર શ્રી સરવૈયા નો પરિચય ખુબ રસસ્પદ  છે  .

વી.વી. ની આજની પોસ્ટમાં આ મળવા જેવા માણસનો પરિચય પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

==================================

મળવા જેવા માણસ…. શ્રી શકુર સરવૈયા…..પરિચય ..શ્રી પી.કે.દાવડા 

sAKUR-1

     (શકુરભાઈ એમના માનીતા પક્ષી સાથે)              

શકુરભાઈનો જન્મ ૧૯૩૯ માં મુંબઈના એક ઉપનગર ધાટકોપરમાં થયો હતો.એમના પિતાની ધાટકોપરના મુખ્ય માર્ગ ઉપર વાસણોની બે નાની દુકાનો હતી.એમની માલિકીની દસ ભાડુતો વાળી એક પતરાંની ચાલ હતી. પ્રત્યેક ભાડુતપાસેથી મહિને દસ રૂપિયા ભાડું આવતું.

શકુરભાઈનું શાળાનું ભણતર ધાટકોપરની પ્રખ્યાત શાળા રામજી આસરવિદ્યાલયમાં થયેલું. મારૂં પણ શાળાનું ભણતર એ જ શાળામાં થયું હતું. શકુરભાઈજ્યારે નવમા ધોરણમાં હતા ત્યારે અમારી એક શિક્ષિકા વત્સલા મહેતાએશકુરભાઈનો ગુજરાતી સાહિત્યમાં રસ ઓળખી લઈને એમને લખવા માટેપ્રોત્સાહન આપ્યું. શાળાના વાર્ષિક મેગેજીન ‘પૂષા’ માં બે વાર એમના લેખછપાયા. દશમાં ધોરણમાં યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં એમને બીજું ઈનામ મળેલું.

શાળાનો સમય છોડી, શકુરભાઈ સાહિત્યનાં વાંચન, કવિસમેલનોમાં શ્રોતા તરીકેહાજરી આપવી, વાસણની દુકાને પિતાની મદદમાં રહેવું વગેરે પ્રવૃતિઓમાંબાકીનો સમય પસાર કરતા. ખાનદાનીના સંસ્કાર એમને નાનપણમાં જ મળીગયેલા. એકવાર એમના પિતાએ એમને એમના એક ભાડુતને ત્યાં ભાડું વસુલકરવા મોકલેલા. ભાડુતને ત્યાં ગયા તો ખબર પડીકે ભાડુતની નોકરી છૂટી ગયેલીએટલે ભાડું આપી શક્યા ન હતા. શકુરભાઈએ એમના પિતાને આ વાત કરી તોએમના પિતાએ કહ્યું કે એમને આપણા કરિયાણાવાળા પાસેથી જોઈતું અનાજઅપાવી દેજે, અને નોકરી ન મળે ત્યાં સુધી ભાડું માગવા ન જતો.

૧૯૫૮ માં SSC પરીક્ષા પાસ કરી મુંબઈની ખાલસા કોલેજમાં વિજ્ઞાનની શાખામાંF.Y. Sc.  અને Int. Sc. નો કોર્સ કર્યો. Int. Sc. માં ખૂબ જ સારા માર્કસ આવ્યાએટલે મુંબઈની ભારતભરમાં પ્રખ્યાત UDCT માં એડમીશન મળ્યું. અહીંથીએમણે ૧૯૬૫ માં B.Pharm. ની ડીગ્રી મેળવી.  

કોલેજ અભ્યાસના આ વર્ષો દરમ્યાન પણ એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વધતો જરહ્યો. એમની પ્રથમ કવિતા નવનીત સામયિકમાં છપાઈ, અને ત્યારથી એમનુંસર્જન સમયાંતરે પ્રગટ થતું રહ્યું. આ ગાળા દરમ્યાન એ સમયના જાણીતાકવિઓ અને લેખકોને મળવાનો અને એમની સાથે મૈત્રી બાંધવાનો સિલસિલોપણ શરૂ થઈ ગયો, જેમા રાજેન્દ્ર શાહ અને સિતાંસુ યશચંદ્ર જેવા જાણીતાસાહિત્યકારોનો પણ સમાવેશ થઈ જાય છે.

એમનો સાહિત્યમાં રસ માત્ર ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રત્યે સિમીત ન રહી,બંગાલી અને અંગ્રેજી સાહિત્યમાં પણ એમનું વાંચન જારી રહ્યું. કોલેજનાદિવસોમાં જ ખાસ બંગાલી ભાષા શીખવાના વર્ગોમાં જોડાઈને એમણે બંગાલીભાષા શીખી લીધી હતી.

૧૯૬૫ માં B.Pharm. ની ડીગ્રી મેળવી થોડા સમય માટે તેઓએ ૧૫૦ રૂપિયાપગારની Medical Reprentative તરીકે નોકરી કરી, અને ત્યારબાદ ૧૯૬૬ થી૧૯૭૨ સુધી અલગ અલગ કંપનીઓમાં Manufacturing ક્ષેત્રમાં નોકરી લીધી.

૨૬ વર્ષની વયે શકુરભાઇના લગ્ન હવ્વાબેગમ સાથે થયા. આ વડિલોએ નક્કીકરેલા લગ્ન હતા. ૧૯૬૭ અને ૧૯૭૨ વચ્ચે એમને ત્યાં સલીમ અને સાહીર બેપુત્ર અને એક પુત્રી નસીમ નો જન્મ થયો.

                            (સરવૈયા દંપતિ)

(સરવૈયા દંપતિ)

૧૯૭૨ માં એમના મિત્રો પ્રતાપ ભટ્ટ, અશ્વિન શાહ, અરૂણ ઠાકર અને પ્રવીણભાયાણીના આગ્રહથી સહકુટુંબ અમેરિકા આવ્યા અને કામય માટે અમેરિકામાંસ્થાયી થયા. પ્રતાપ ભટ્ટે એમને સ્પોન્સોર કરેલા. અમેરિકામાં ન્યુયોર્કમાં આવ્યાપછી તરત જ એમને એક ડ્રગ સ્ટોરમાં નોકરી મળી ગઈ. ત્યારબાદ ૧૯૮૪ માંન્યુયોર્ક અને ન્યુજર્સીની અલગ અલગ ફાર્મસીઓમાં નોકરી કરી.

વેપારીના પુત્ર હોવાથી એમના લોહીમાં વેપારી મનોવ્રતિ તો હતી જ એટલે૧૯૮૪ માં એમણે ન્યુયોર્કમાં SHERMAN PHARMACY ખરીદી લીધી અનેઅલ્લાહની મહેરબાનીથી આજે ૭૫ વર્ષની વયે પણ એમના કુટુંબની મદદથી એફાર્મસી ચલાવે છે. શકુરભાઈના ત્રણે સંતાનો સલીમ, સાહિર અને નસીમ ત્રણે અલગ અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ ડીગ્રીઓ ધરાવે છે.                               

  (શકુરભાઈની શર્મન ફાર્મસી)

(શકુરભાઈની શર્મન ફાર્મસી)

વિજ્ઞાનના વિષયમાં અભ્યાસ કર્યો, Pharmacy જેવી લાઈનમાં વ્યવસાય કર્યોછતાં સાહિત્યની દુનિયામાં એમણે જે પ્રગતિ કરી એ આશ્ચર્યજનક છે. અત્યારસુધીમાં એમના ત્રણ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે અને બે થોડા સમયમાં જપ્રસિધ્ધ થશે. એમના બધાજ પુસ્તકો ગીત, કવિતા, ગઝલ અને અછંદાસકાવ્યોના છે. ‘ઘરની સાંકળ સુધી’ કવિતા સંગ્રહમાં એમની આસરે ૧૧૪વિચારપ્રેરક કવિતાઓ છે, જ્યારે ‘બે દમ ચલમના’ નામના ગઝલ સંગ્રહમાં,વાંચતાં જ ગમી જાય એવી ૧૦૧ ગઝલ છે. આ લેખની મર્યાદામાં રહી હું એ પાંચેપુસ્તકોનું વિવેચન ન કરી શકું છતાં એમની ગઝલોની થોડી પંક્તિઓ નમુનાતરીકે રજુ કરૂં છું. ‘બે દમ ચલમના” ની પહેલી ગઝલમાં જ શકુરભાઈ કહે છે,

“મારી કલમની વાત છે, બળતી ચલમની વાત છે,

 બે દમ ભરો ને પરમ સુખ, ઊંડા મરમની વાત છે.”

અને ભાઈ ખરેખર મેં એ ચલમ હાથમાં પકડી ત્યાં જ મને તો નશો ચડી ગયો. 

શકુરભાઈની ગઝલો ચોટીલી છે, થોડા સરળ શબ્દોમાં સ્પષ્ટ વાત કહી દે છે, કશુંગોળ ગોળ નહિં.

“ ચાંદ કાઢો ચાંદનીમાંથી પછી બાકી શું રહે? વાત કાઢો ખાનગીમાંથી બાકી શુંરહે?

  જીંદગી આખી વિચારીને હવે થાકી ગયો છું, મન કાઢો માનવીમાંથી બાકી શુંરહે?” 

આત્મવિશ્વાસથી ભરેલા શકુરભાઇ કહે છે,

“કામ મારૂં છે જ આવું

-પી.કે. દાવડા

( 528 ) શ્રી મુર્તઝા પટેલની ત્રણ ટૂંકી પણ ચોટદાર વાર્તાઓનો આસ્વાદ

Murtza patel -2

મુર્તઝા પટેલ અમદાવાદના છે અને અમદાવાદમાં શિક્ષણ લીધું છે . છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યવસાય અર્થે નાઈલને કિનારે પીરામીડોના દેશ કેરો, ઈજીપ્તમાં સપરિવાર રહે છે.

વતન તરફનો તેઓનો લગાવ અવારનવાર એની મુલાકાત લઈને અનેક મિત્રોને મળીને તેઓ બતાવતા હોય છે .

મુર્તઝા પટેલ નીચેના બે ગુજરાતી બ્લોગોના સંપાદક છે

 એમના બ્લોગોની મુલાકાત લીધા પછી તમને લાગશે કે મુર્તઝાભાઈ વેપાર અને માર્કેટિંગમાં નિષ્ણાત તો છે જ પણ એની સાથે  ગુજરાતી ભાષા ઉપરની એમની પકડ ધ્યાન ખેંચે એવી છે.

મુર્ત્ઝાભાઈની લખાણની શૈલી અને શબ્દોની રમત એમની આગવી છે જે મને  ખુબ ગમે છે .આપને પણ એમની  વાર્તાઓ-રચનાઓ  વાંચવાથી એની સહેજે પ્રતીતિ થશે .કહે છે ને કે જેવું શીલ એવી શૈલી.

એમના બ્લોગ નાઈલને કીનારેથીમાંથી મને ગમેલી ત્રણ  વાર્તાઓનો  વી.વી.ના વાચકોને આજની પોસ્ટમાં આસ્વાદ કરાવતાં આનંદ થાય છે.

આ વાર્તાઓમાં માણસોના સંબંધોમાં એક બીજા પ્રત્યે માનવતા ભર્યું વર્તન દાખવવાનો સુંદર યાદ રાખવા જેવો  સંદેશ છે .માણસે વિજ્ઞાનની મદદથી ગ્રહો ઉપર તો વિજય મેળવ્યો છે પરંતુ અહમ પ્રેરિત પૂર્વગ્રહોને જીતી શક્યો નથી.આની સાબિતી માનવોના એક બીજા પ્રત્યેના રોજ બ રોજના સંબંધોમાંથી મળી રહે છે. 

મને આશા છે આપને મુર્ત્ઝાભાઈની આગવી શૈલીમાં લખાયેલી આ પ્રેરક વાર્તાઓ મારી જેમ આપને પણ ગમશે.

મુર્ત્ઝાભાઈ મારા નેટ મિત્ર હોવાની સાથે મારા ફેસ બુક મિત્ર પણ છે. હું એમને કદી રૂબરૂ મળ્યો નથી પણ એમના બ્લોગ અને ફેસબુક ઉપરનું સાહિત્ય વાંચ્યા અને માણ્યા બાદ મને લાગ્યું છે કે આ મળવા જેવો જ નહીં પણ માણવા જેવો પણ માણસ છે .  

વિનોદ પટેલ

  ====================================

ચેપ્ટર ચાચા !

શહેરમાં કૉલેજનું ભણતર પૂરું કરી, ફાઈનલ પરીક્ષા આપી એ લબરમૂછિયો છોકરો પોતાના ગામમાં પાછો ફરી રહ્યો છે. તેનામાં…

એક તરફ નવો જોશ છે, જોમ છે, હોંશ છે. કાંઈક કરવાની આશાઓ છે. ને બીજી તરફ કૉલેજમાં ન ભણાવાયેલી મજબૂરી છે, મજદૂરી છે, મોંઘવારી છે, મારામારી છે.

ટ્રેઈનમાં પણ જનરલ ડબ્બે જ મુસાફરી કરવાની હોવાથી ઉપડવાના અડધો કલાક પહેલા જ તેણે સ્ટેશન પર આવી જગ્યા રોકી લીધી છે. બારી પાસેની એક સીટ પર તેની સાથે બેગ પણ ગોઠવાયેલી છે. (કોઈક બીજું આવી આ જગ્યા પચાવી પાડે એ બીકે…સ્તો !)

ટ્રેઈન ઉપાડવાની થોડીક જ મિનીટ પહેલા એક બુઝુર્ગ ચાચા એક હાથે લાકડી પકડી તેની નાનકડી ટ્રંક સાથે સામેની સીટ પર ગોઠવાય છે. અને એ સાથે અત્યાર સુધી જગ્યા રોકી બેઠેલો મજૂર જેવો છોકરો ગાયબ થાય છે. ગાડી બધી રીતે, બધી બાજુથી ‘ગરમી’ સાથે હકડેઠઠ ભરાઈ ચુકી છે.

સમય પસાર કરવા એ ચાચા આ કોલેજીયન સાથે ‘આમ બાંતે’ કરવાનો પ્રયત્ન કરે છે. અડધો કલાકમાં તો, શહેરમાં ભણતી તેની પૌત્રીનાં લક્ષણોથી થઇ, કોલેજના આધુનિક શિક્ષણ પર ચર્ચા કરી ચુક્યા છે. (સાથે સાથે તેની ડૂચેદાર પીછોડીમાંથી સૂકાયેલી ખજૂર અને પતાસું પણ ઓફર કરી ચુક્યા છે.)

પણ સફરને સફરિંગ ગણી ચુકેલો આ કોલેજીયન કોઈની સાથે બહુ બોલતો નથી, કશુયે લેતો નથી. એ તો માત્ર પાછુ વાળે છે, તેના અડધો સે.મીનાં હોઠોની મજબૂરીવાળું તેનું અકારણ સ્મિત. (કેમ જાણે તેનામાં એ ‘બુઝુર્ગ ચાચા’ તરફ છૂપો અણગમો છે, દબાવાયેલી કોમી નફરત છે.?!?!?!)

ચાચાની અઢી કલાકની મુસાફરી હવે પુરી થવામાં જ છે. એમનું ડેસ્ટીનેશન આવવાને બસ થોડી મિનીટ્સ જ બાકી છે. એટલે તેઓ કોલેજીયનને ઉપર મુકાયેલી બેગ નીચે ઉતારી આપવા અરજ કરે છે. કોલેજીયન મહાપરાણે ઉભો થઇ પતરાની હળવી પેટીને અવાજ સાથે નીચે (ધીમેથી) પટકે છે. (કેમ ગુસ્સાથી વજન ન વધે?!?!? !!!)

પણ ત્યાં જ….

” બેટે, મૈ ઝ્યાદા પઢા-લિખા તો નહિ હૂં, પર કંઈ ચીઝોકો સમજ સકતા હૂં. અલ્લાહને તો હંમ સબકો ઇન્સાનિયત સે હી બનાયા હૈ. ન જાને કહાં સે હમ સબકે બીચ ક્યોં હેવાનિયત ગઈ હૈ?!?!? મોહબ્બત કા જવાબ મોહબ્બત નહિ રહાં. સફર કે દૌરાન તુમ્હે યું દિલ બંધ રખે હુવે દેખકર હંમે ભી અપની જવાની કે દિન યાદ આ ગયે.

માફ કરના બેટે…પર જવાની યુંહીં બેકાર ચલી જાયેગી, અગર યેહ દિલ ઇસ તરહ સે હંમેશા બંધ હી રહા તો…જિન્હોને હંમે પરાયા કર દિયા હૈ વોહ સબ વહાં ગદ્દીઓ પર બૈઠે તમાશા દેખ રહે હૈ ઔર હમ ઇસ તરહ ગાડીયોંમેં તમાશા બન બૈઠે હૈ…સમજના ઝરૂરી હૈ કી મોહબ્બત ઔર સિયાસત સાથ સાથ નહિ ચલ સકતે. સિયાસત ઉનકે લિયે છોડ દો. અપના કામ તો મોહબ્બત બાંટના હૈ…દિલ કો છૂના હૈ…”

થોડી વાર પછી કોલેજીયનને હવે…

એક તરફ સ્ટેશનનાં દરવાજે ટીકીટ ચેકર સાથે ન સ્વીકારાયેલી સૂકી ખજૂર-પતાસું વહેંચતા નીકળતા ‘પ્યારા ચાચા’ દેખાઈ રહ્યા છે…..ધીમે ધીમે..!! ને બીજી તરફ તેની આંખોમાં પસ્તાવાનાં આંસૂ ઉતરી રહ્યાં છે….ધીમે ધીમે…..

કોલેજના ૩ વર્ષમાં જે પાઠ ન ભણવા મળ્યો એનું પહેલું ‘ચેપ્ટર-ચાચા’ આ રીતે ખુલેલું જોઈ એ કોલેજીયન ખીલી રહ્યો છે.

– કથાકિરણ: આલોક પાંડે.

સૌજન્ય : નાઈલને કિનારેથી 

====================

 “માનવતાનો માત્ર એક જ રંગ હોય છે. : ટ્રાન્સપેરન્ટ !”

હાથમાં લાકિંમતી લેધર-હેન્ડબેગ, બોડી પર પ્રિશિયસ પરફ્યુમ, ચેહરા પર વિવિધ મેકઅપનો થપેડો લઇ એ ભરાવદાર પ્રૌઢા બાઈ તેના બોર્ડીંગપાસ પર લખેલા નંબર મુજબ પ્લેનની સીટ પાસે આવી ગઈ.

“વોટ?!?!?! મને આવા એક હબશી પાસે બેસવાનું?” – બોલતા જ એ બાઈના મગજમાં ક્યાંકથી ભરાયેલો ગુસ્સો પણ આ સાથે આ રીતે અચાનક બહાર દેખાઈ ગયો. ત્યાં હાજર રહેલાં સૌ કોઈ સ્તબ્ધ.

“હું મારી સફર આવા કાળિયા પાસે બેસી ગુજારવા નથી માંગતી. પ્લિઝ મને કોઈક બીજી જગ્યા આપી દો.”- તેની આવી બૂમ સાથે એર-હોસ્ટેસ પણ હવે ત્યાં આવી ગઈ અને વિફરેલ બાઈને શાંત પાડવા લાગી. પણ ગુસ્સાનો પારો આ બેલગામ ઇંગ્લિશ બેગમ પારા પર વધતો ચાલ્યો.

“મેમ ! આમ તો અહીં ઈકોનોમી ક્લાસની બધી જ સીટ્સ બૂક થઇ ચુકી છે. અને અત્યારે કોઈપણ પોતાની સીટ બદલવા તૈયાર નથી. હા! ફર્સ્ટ-ક્લાસની માત્ર એક સીટ ખાલી છે. જો એ અમે મેનેજ કરવાની કોશિશ કરી શકીએ. પણ એ માટે અમને અમારા કેપ્ટનને પૂછવું પડશે.” – એર-હોસ્ટેસે તેની કસ્ટમર-સર્વિસનો નુસ્ખો કામે લગાડયો.

આ ભરાવદાર ગોરી બાઈ તેની હેન્ડબેગ સાથે હજુયે ત્યાં જ ઉભી રહી. જ્યારે પેલા હબશી ભાઈ પર શું વીતી હશે એ તો એ જ જાણે.

ખૈર, થોડી સેકન્ડ્સમાં એર-હોસ્ટેસની વ્યવસ્થામાં હવે ફ્લાઈટનો કેપ્ટન પણ જોડાઈ ગયો. તેના અનુભવ પરથી એણે પરિસ્થતિનો તાગ પણ મેળવી લીધો અને આવતાની સાથે જ તેની કસ્ટમર-સર્વિસનું કેપ્ટનાસ્ત્ર બાણ પણ છોડ્યું……

“મેડમ! આઈ એમ વેરી સોરી. અમારા દરેકેદરેક મુસાફર અમારા માટે ઘણાં માનનીય છે. એટલે તમને આ રીતે તકલીફ ન પડવી જોઈએ. આમ તો ઈકોનોમી ક્લાસની દરેક સીટ્સ ભરાઈ ચુકી છે. જ્યારે ફર્સ્ટ-ક્લાસમાં માત્ર એક જ સીટ ખાલી છે. એટલે હવે એ સીટ માટે અમે આ હબશીભાઈને ત્યાં બેસવાની અરજ કરીએ છીએ. એટલા માટે કે અમે અનુભવીએ છીએ કે આપના શબ્દોથી એ પણ માનસિક રીતે ખૂબ ઘવાયો છે.

આ બાઈ કાંઈક બોલવા જાય એ પહેલા જ કેપ્ટને પેલા હબશીભાઈને હાથના ઇશારા વડે ત્યાંથી ઉઠીને તેની પાછળ ચાલી આવવા જણાવી દીધું. ઈકોનોમી ક્લાસના સૌ મુસાફરોના હાથ આવી ‘ફર્સ્ટક્લાસ’ કપ્તાની અસર હેઠળ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયા.

મોઘમ મોરલો: “માનવતાનો માત્ર એક જ રંગ હોય છે. : ટ્રાન્સપેરન્ટ !”

——————————————————————

‘લોંગ ડિસ્ટન્સ’ કોલ!!!!

એક વૈભવી ફાર્મ-હાઉસમાં એ ડોસા-ડોસી એકલાં રહે છે. તેમના બે દિકરાંવ આ ફાર્મ-હાઉસની ‘રખેવાળી’ તેઓને સોંપી પરદેશમાં રહે છે.

વહેલી સવારે ડોસો ‘મોર્નિંગ વોક’ કરી ઘરમાં પ્રવેશે છે. ને ત્યાંજ રાહ જોતી ડોસી હળવેકથી સોફા પરથી ઉભી થાય છે, અને જણાવે છે: “કહું છું…..નાનકાનો ‘લોંગ ડિસ્ટન્સ’ ફોન હતો…”

“કેમ? આમ અચાનક આજે ફોન કર્યો એણે? ઓલરાઈટ તો છે ને? મારા બચ્ચાંવ?…. એની વાઈફને તો કાંઈ…?”- ડોસાજી ચિંતાની પોટલી ખોલે છે….

“અરે હા ભ’ઈ હા…એ બધાં જ મઝામાં હશે….”

–ડોસીમા હાશકારો મુકે છે, અને ડોસાના કપાળેથી નીતરતો પસીનો લૂંછવા હાથ ઉંચો કરે છે.

“તો પછી આટલાં દિવસો બાદ એણે ફોન કેમ કર્યો?” – ડોસો હજુયે રઘવાટે પૂછી લે છે.

“એ મને બોલ્યો કે ‘હેલ્લો, મમ્મા… I Love you… આજે મધર્સ ડે છે ને… બસ એટલે તારી યાદ….’

– તે ત્યાંજ ડોસો હવે ડોસીની આંખોમાંથી સરી પડેલા ટીપાં લૂંછવા ‘શોર્ટ ડિસ્ટન્સ’ વાળો હાથ ઉંચો કરે છે…

સૌજન્ય–. નાઈલને કિનારેથી

=======================================================

દુનિયાની એક અજાયબી ,ઈજીપ્તના પીરામીડોને હાથમાં પકડીને ઉભેલા ખુશખુશાલ મુર્તઝા પટેલ

દુનિયાની એક અજાયબી ,ઈજીપ્તના પીરામીડોને હાથમાં પકડીને ઉભેલા ખુશખુશાલ મુર્તઝા પટેલ

વર્ષો અગાઉ જ્યારે પહેલીવાર કેરો આવ્યો ત્યારે એક એક દોસ્તે પૂછ્યું કે “વ્હાય ડીડ યુ કમ ટુ કેરો?”- ત્યારે સિમ્પલી જવાબ આપ્યો:“બિકોઝ માય ‘મમી’ વોઝ કોલિંગ.”

હજારો વર્ષોવાળા ઈજીપ્તના પિરામીડઝ માટે લાખો લોકોએ કરોડો પાનાં ભરી લખ્યું છે ,ને લખી રહ્યાં છે. જ્યારે જ્યારે મને અહીં કાંઈક ખોવાયેલી ફીલિંગ્સ આવે છે, ત્યારે પિરામીડઝની પાસે પહોંચીને એની ભવ્યતા જોઈ લઉં છું, તેની દિવાલને ચૂમી લઉં છું, તેના મસમોટા પથ્થર પર જઈ બેસી જાઉં છું. 

એક અજીબ એહસાસ છે આ જગ્યાએ. આપણે માણસો ઘણી અજાયબ વસ્તુઓ બનતી જોતા આવ્યા છે, ને જોતા રહીશું, પણ એ જ બે પગવાળાં માનવો એ જ આ સુપર-હાઈપર પિરામીડઝ બનાવ્યાં છે!?!?! એ હજુયે માની શકાતું નથી.

હાળું ‘ઈમ્પોસિબલ’ શબ્દ અહીં કેમ સાચો પડી જતો લાગે છે?!?!? 

મુર્તઝા પટેલ

સંપર્ક :

ઇ-મેલનું સરનામું:  netvepaar@gmail.com

( 526 ) હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા

શ્રી પી..કે.દાવડાજી તરફથી એમની” મળવા જેવા માણસ” ની પરિચય શ્રેણીમાં ઈ-વિદ્યાલયના સર્જક હીરલબહેનનો પરિચય કરાવતો લેખ ઈ-મેલમાં મળ્યો એને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે .

આ અગાઉ વી.વી. ની પોસ્ટ નમ્બર ૪૩૦માં હિરલ શાહના ઈ-વિદ્યાલયના વિચાર ઉપર વધુ પ્રકાશ પાડીને એમનો પરિચય કરાવતો મારો એક લેખ હિરલ શાહ અને એમના સ્વપ્નનું સર્જન ઈ-વિદ્યાલય ( એક પરિચય ) એ નામે પ્રગટ થયો હતો .આ લેખને અહીં ક્લિક કરીને વાંચો .

ઈ-વિદ્યાલયની શરૂઆત વખતે શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રો સાથે મને પણ આ યજ્ઞ કામમાં થોડી ઘણી આહુતિ આપવાની તક મળી હતી. આ વખતે મને બેન હિરલ અને એની ઈ-વિદ્યાલય માટેની ધગશનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારબાદ એના ઈ-મેલ મળતા એથી પરિચય વધુ બળવત્તર થતો રહ્યો.

વિનોદ પટેલ

======================================================

હીરલ શાહ…..મળવા જેવા માણસ ….પરિચય …પી.કે.દાવડા  

HIRAL SHAH  MILAN SHAH

હીરલબહેનનો જન્મ ૧૯૮૦ માં અમદાવાદમાં થયો હતો. માતા-પિતાને વરસોની ઈંતેજારી બાદ સંતાન પ્રાપ્તિ થઈ એટલે દીકરીને પુષ્કળ લાડમાં ઉછેરી. હીરલબેનના પિતાએ ઈલેક્ટ્રીકલ એંજીનીઅરીંગના ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો, પણ બાંધકામના વ્યવસાયમાં કાર્યરત હતા. હીરલબેનના માતાએ ઈતિહાસનો વિષય લઈ બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

હીરલબહેનનો બાળમંદિરથી ૧૨ મા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ અમદાવાદના નવરંગપુરાની એક ગુજરાતી માધ્યમની શાળામાં થયો.અભ્યાસમાં તેજસ્વી હોવાથી કોઈ મુશ્કેલી ન આવી. અભ્યાસ ઉપરાંત શાળાની ઈત્તર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહથી ભાગ લીધો. સામાન્ય અભ્યાસ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી હીંદી, સંસ્કૃત અને ડ્રોઈંગ જેવી પરીક્ષાઓમાં પણ ભાગ લઈ સફળતા મેળવી. ગણિતના શિક્ષક શ્રી યજ્ઞેશભાઇની ઘણીવાતોએ એમના માનસપટ પર ઉંડી અસર છોડી.

મધ્યમવર્ગી કુટુંબ હોવા છતાં મા-બાપ હીરલની ઈતર પ્રવૃતિના ખર્ચની બાબત આનાકાની ન કરતા. એમના પિતા કહેતા, “આ બધા અનુભવો તને ઘણું શીખવશે. જરૂર પડશે તો અમે વધારે મહેનત કરીશું,” ધાર્મિક કુટુંબમાં જન્મેલી હીરલ ૧૦મા ધોરણ સુધી રોજ સવારે દેરાસર અને સાંજે પાઠશાળામાં જતી. વેકેશનમાં પણ તે પ્રવૃત્તિમય રહેતી. ઘણીવાર વેકેશનમાં પણ આવતા ધોરણના પુસ્તકો ખરીદીને અગાઉથી વાંચી અને સમજી લેવાની એની આદત એને વર્ગમાં આગળ રહેવામાં મદદરૂપ થતી. ૧૦મા ધોરણમાં સારૂં પરિણામ આવવાથી માતા-પિતાએ હીરલને લ્યુના સ્કૂટર ભેટ તરીકે આપેલું અને ત્યારે ઉત્સાહમાં હિરલે ભણી ગણીને ખૂબ પૈસા કમાઈ પિતાને કાર ભેટ આપવાનું વચન આપેલું.

૧૨મા ધોરણમાં થોડા ઓછા માર્કસ આવવાથી હીરલબહેનને એંજીનીઅરીંગના ડીગ્રી કોર્સમાં એડમીશન ન મળ્યું. એમણે તરત બીજો રસ્તો વિચારી લીધો અને એંજીનીઅરીંગના ડીપ્લોમા કોર્સમાં એડમીશન લઈ લીધું. સારા નશીબે ડીપ્લોમાના આખરી વર્ષમાં એમનો ગુજરાતમાં ચોથો નંબર આવ્યો. નિયમ અનુસાર પ્રથમ છ વિદ્યાર્થીઓને ફ્રી સીટ સાથે ડીગ્રી કોર્ષના બીજા વર્ષમાં એડમીશન મળે એટલે હીરલબહેનને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના ડીગ્રી કોર્ષમાં એડમીશન મળી ગયું. આ અભ્યાસ એમણે સ્કોલરશીપ અને ફેલોશીપ મેળવી પુરો કર્યો. આ અભ્યાસ દરમ્યાન હીરલબહેન પાંચમા સેમીસ્ટરમાં હતા ત્યારે એમના પિતાને એક ગંભીર અકસ્માત નડ્યો. ત્યારે આર્થિક મુશ્કેલીઓ વેઠીને હીરલબહેને B.E. ની ડીગ્રી ડીસ્ટીંકશન સાથે મેળવી.

ભણતર પૂરૂં થયું કે તરત જ એમને નિરમા કોલેજમા વિઝીટીંગ લેકચરરની નોકરી મળી. થોડા સમય બાદ એક નાની સોફટ્વેર કંપનીમાં  નોકરી મળી.આ સમય દરમ્યાન પૂજ્ય અજય સાગરજી મહારાજ સાહેબનો પરિચય થયો અને એમની પાસેથી જીવન ઘડતર માટે ઘણું ઉપયોગી ભાથું બાંધ્યું.

૨૦૦૬માં એમને બૅંગલોરમાં મલ્ટી નેશનલ કંપની લ્યુસન્ટ ટેકનોલોજીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ જ સારા પગારની જોબ મળી. હવે એમનું મમ્મી-પપ્પા માટે કાર ખરીદવાનું સ્વપ્ન સાકાર થતું લાગ્યું, સાથે સાથે એમની બહેન અને ભાઇની કારકિર્દી માટે પણ મદદરૂપ થવાની તક મળી. અહીં એક વરસમાં જ એમનું  સિનિયર સોફ્ટવેર એન્જીનિયર તરીકે પગાર વધારા સાથે પ્રમોશન થયું.

એમની બૅંગલોરમાં જોબ પોસ્ટીંગ દરમ્યાન હીરલબહેન, મિલન શાહના પરિચયમાં આવ્યા અને આ દોસ્તી પ્રેમલગ્નમાં પરિણમી. મિલનભાઇ પૂનાની સિમેન્ટેક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. ૨૦૦૮ માં લગ્ન  જોબમાં ખલેલ ન પડે એટલે મિલનભાઇએ પોતાની નોકરી છોડી. પણ ઘણાં પ્રયત્નો બાદ હીરલબેનની ના છતાં મંદીના મોજા નીચે, મિલનભાઇનું નવી જોબનું લોકેશન પૂના જ રહ્યું. હીરલબહેન પૂના જાય તે પહેલાં  જ મિલનભાઈને ઓન-સાઈટ એસાઇન્મેન્ટ માટે યુ.કે. જવાનું થયું. હવે હીરલબેને પોતાની નોકરી છોડીને મિલનભાઈ સાથે યુ. કે. પ્રયાણ કર્યું. આ બધું લગ્ન પછીનાએક વર્ષમાં જ બન્યું.

યુ. કે. માં બન્ને પાસે વર્ક પરમીટ હતી એટલે હીરલબહેને પણ એક સ્ટાર્ટઅપ કંપનીમાં R & D માં નોકરી લીધી. અહીંના હવામાન અને નોકરીની દોડધામની હીરલબહેનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એમણે વિચાર્યું, “કારકિર્દી માટે જિંદગી નથી પણ જિંદગી માટે કારકિર્દી છે”, આથી એમણે કારકિર્દીમાંથી વિરામ લીધો.

પ્રવૃતિ વગર બેસી રહેવાનું હીરલબહેનના સ્વભાવમાં નથી. નોકરી છોડ્યા બાદ તરત તેઓ યુ.એસ.એ. ની ઈ-જૈના લાયબ્રેરીની એજ્યુકેશન કમિટીમાં મેમ્બર બનીને પુસ્તક સંપાદન અને અનુવાદના કામમાં લાગી ગયાં .http://www.jainlibrary.org/  અને લીડ્સમાં જૈન સત્સંગ અને ઉત્સવોમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું. સાથે સાથે ઇ-વિદ્યાલય અંતર્ગત યુ-ટ્યુબચેનલ પર ગણિત અને ગુજરાતી વિષયના વિડીયો બનાવવા શરુ કર્યા.

દરમ્યાન પ્રેગનન્સી વખતે ડોકટરી સલાહ મુજબ અમદાવાદ માતા-પિતા સાથે રહેવા જતાં રહ્યાં  . મા-બાપ પાસે ફરી લાડ-કોડમાં સમય પસાર કરી દીકરી જિના ના જન્મ બાદ યુ. કે. પાછા આવી ગયાં .

ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને પણ મથામણ કર્યા કરતાં. એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. તેઓ વિચારે છે કે સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યારે નસીબ થશે? બધાને એક સમાન ભણતર કેવી રીતે મળે? અંગ્રેજીમાં તો ઘણું સહજતાથી ઉપલબ્ધ છે પણ ઉંચા સ્વપ્ના સેવતા, ગુજરાતી માધ્યમમાં ભણતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે?  આ પ્રશ્નોના જવાબરૂપે એમણે વિચાર્યું કે ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું. ૨જી ઓકટોબર ૨૦૧૩માં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-વિદ્યાલયને નેટજગત પર ગુંજતુ કર્યું. આ કામ હજી શરૂઆતની સ્થિતિમાં છે, એમ છતાં એક વર્ષમાં સાડા ચાર લાખ લોકોએ મુખ્ય વેબ સાઈટ  http://evidyalay.net/ અને બે લાખ લોકોએ યુ ટ્યુબમાં મૂકાયલા વિડીયોસની મુલાકાત લીધી છે.

e -vidyalay

 ઈ-વિદ્યાલયનો લોગો

આ લીંક ઉપર ક્લિક કરીને  ઈ-વિદ્યાલયની મુલાકાત લેવા પહોંચી જાઓ.  

ઇ-વિદ્યાલય યુ-ટ્યુબ ચેનલને યુટ્યુબ-એજ્યુકેશન વિભાગમાં સમાવવામાં આવી છે. જે ગુજરાતી ભાષાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ છે. આ કાર્યને સફળ બનાવવા એમણે સૌને આગળ આવી શક્ય હોય તે મદદ કરવાની અપીલ કરી છે.

જિનાની દેખભાળને વધારે મહત્વનું ગણી હમણાં નોકરીમાં ન જોડાવાનો નિર્ણય લીધો હોવાથી, ઘરે બેસીને M.B.A. નો અભ્યાસ અને શોખ ખાતર હાઈડ્રોફોનિક ખેતીમાં સમયનો સદઉપયોગ કરે છે.

hIRAL SHAH-2

           (હીરલબહેન, પતિ મિલન અને પુત્રી જિના સાથે)

–પી. કે. દાવડા

( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત

૧૧મી જુલાઈ ૨૦૦૬ ના રોજ આતંકવાદીઓએ  ફક્ત ૧૧ મીનીટોમાં જ મુંબઈના સાત પરાઓની ટ્રેઇનોમાં હારબંધ બોમ્બ બ્લાસ્ટ કરીને મોટો આતંક ફેલાવી દીધો હતો .આ આતંકી હુમલામાં ૨૦૯ નિર્દોષ કમનશીબ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા અને ૭૦૦ લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી .

આજની પોસ્ટમાં મુકેલ પાંડીચેરીનાં સુ.શ્રી જયશ્રીબેનના લેખમાં ઉપરની મુંબઈની આતંકી હુમલાની કરુણ ઘટનામાં એક  સિદ્ધિબેનનો કેવી રીતે ચમત્કારીક બચાવ થયો એનું એમના પત્રમાં વર્ણન કર્યું છે એ પત્ર વાંચવા જેવો છે.

એમના આ અદ્ભુત બચાવ માટે ગાયત્રી મંત્ર ઉપરની એમની અપાર ભક્તિ અને શ્રધા કારણભૂત છે એમ સિદ્ધિબેન માને છે .પત્રમાં તેઓ લખે છે:

“આવા કપરા સંજોગોમાં અમારા ઘરમાં નાનપણથી ગાયત્રીમંત્ર નો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે. એટલે મેં આંખો મીંચી દીધી અને મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું.


‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’


દાદાજીએ આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાવ્યો હતો.

‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ (જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી.)

ઘણા લોકોના જીવનમાં આવા અણીને સમયે બચાવ થયાના બનાવો બનતા હોય છે. માણસના જીવનમાં બનતા આવા બનાવોમાંથી માણસ વિચારમાં પડી જાય છે અને એના અંતરમાં પડેલી ભગવાન પ્રત્યેની શ્રધા બળવત્તર બનતી હોય છે .

વિનોદ પટેલ

====================================

 

જેને રામ રાખે …..સત્ય ઘટના. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત
 

સિદ્ધિ, મારી ભત્રીજી, મુંબઈના ઝેવિયર ઈન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્પ્યુનિકેશન [Xavier Institute of Communication ] માં બ્રોડકાસ્ટ અને ફોટો જર્નાલીઝમ [broadcast and photo journalism] નો કોર્સ કરી રહી છે. અમારું સંયુક્ત કુટુંબ હોઈ હું પણ ભાઈ-ભાભી સાથે જ રહું છું. ભાઈની દીકરીઓ રિદ્ધિ, સિદ્ધિ મારી દેખરેખમાં જ મોટી થઈ. ભાઈ, ભત્રીજીઓ સાથે તો મને ફાવે જ પણ મારી ભાભી સાથેય મને બહેનપણાં. કોઈ કહી જ ન શકે કે આ નણંદ-ભોજાઈ છે. બધાં જ અમારી બેલડીનાં વખાણ કરે અને ઉદાહરણ આપે કે નણંદ-ભોજાઈ હો તો આવાં હોજો. ભાઈ, ભાભી, બંને મારાથી નાના પણ અમારો ઉંમરભેદ બહુ વરતાય નહીં.

પાંચ વર્ષ પહેલાં રિદ્ધિ પરણીને મલાડમાં (મુંબઈ) સેટલ થઈ. સુખી સંસારમાં એના દિવસો આનંદથી પસાર થાય છે. ત્રણ વર્ષનો એનો દીકરો યશ, કે.જીમાં ભણે છે અને આખા ઘરને આનંદ-કિલ્લોલથી ભર્યું ભર્યું રાખે છે. સિદ્ધિને અહીંનું ભણવાનું પૂરું થયું અને હવે એણે મુંબઈની ઝેવિયર કૉલેજમાં એડમિશન લીધું. વળી ઈશ્વરકૃપાથી કૉલેજની પાસેના જ કોલાબા વિસ્તારમાં એને સ્ટુડન્ટ પેઈંગગેસ્ટ તરીકે રહેવાનું ઠેકાણું પણ મળી ગયું.

તે દિવસે, એટલે કે 11મી જુલાઈના દિવસે રાબેતા મુજબ સિદ્ધિ કૉલેજ ગઈ હતી. ત્યાંથી સાંજના એ રિદ્ધિને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાની હતી એ અમને ખબર હતી.

સાંજના સાડા સાતના સુમારે મેં સમાચાર સાંભળવા ટી.વી. ચાલુ કર્યું અને ‘આજ તક’ ની ચેનલ પર મુંબઈના ટ્રેનોમાં બૉમ્બ બ્લાસ્ટ થયા છે એ સાંભળ્યું. એમાં એક ટ્રેનમાં મલાડ સ્ટેશન પર બ્લાસ્ટ થયાનું સાંભળ્યું એટલે અમને ફાળ પડી. તરત જ રિદ્ધિને મલાડ ફોન જોડ્યો. એણે કહ્યું : ‘રિદ્ધિ મારે ત્યાં નહીં આવી શકે કારણકે ઘણી ટ્રેનોમાં બ્લાસ્ટ થયું છે. એક બ્લાસ્ટ મલાડ સ્ટેશન પર પણ થયું છે. મેં સિદ્ધિને થોડીવાર પહેલાં એના મોબાઈલ પર કૉન્ટેક્ટ કર્યો ત્યારે એ ટૅક્સીમાં બેસીને કોલાબા પાછી જઈ રહી હતી. ઈશ્વરકૃપાથી એ સહીસલામત છે, માટે તમે એની ચિંતા ના કરતાં.’ અમે કૃતજ્ઞતાપૂર્વક પ્રભુનો પાડ માન્યો. રાતના મોડેથી સિદ્ધિનો ફોન આવ્યો. બે-ત્રણ કલાક સુધી મોબાઈલની લાઈનો બંધ કરી દેવામાં આવી હતી એટલે એ અમને કોન્ટેક્ટ નહોતી કરી શકી. એણે કહ્યું, ‘ફોઈ, મમ્મી, પપ્પા, હું ‘ગાયત્રી’ કૃપાથી તદ્દન હેમખેમ છું. આજે શું શું બન્યું અને કેવી કેવી ઘટનાઓ ઘટી એ વિષે હું તમને સવિસ્તર પત્ર લખીને કાલે સવારે સ્પીડ પોસ્ટમાં મોકલી દઈશ.’ અમને હાશ થઈ.

ત્રીજે દિવસે સવારના, એટલે કે 13મી એ સ્પીડ પોસ્ટમાં એનો પત્ર આવ્યો જે અમે બધાંએ રોમાંચિત થઈને ફરી ફરી વાંચ્યો. આ રહ્યો એનો પત્ર :

પૂજ્ય ફોઈ તથા ડીયર મમ્મી, પપ્પા,

રાતના તમને કહ્યું તે પ્રમાણે હું તરત જ તમને પત્ર લખવા બેસી ગઈ.

આજે સવારે, એટલે કે 11મી જુલાઈના દિવસે હંમેશની જેમ હું બપોરના કૉલેજ ગઈ હતી. સાંજના દીદીને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાનું હતું એટલે જરા એકસાઈટેડ હતી. કૉલેજમાં પ્રોફેસરનું લૅકચર એટલું બોરિંગ હતું કે ન પૂછો વાત. નૉર્મલી અમારો કલાસ ઘણો જ એક્ટિવ અને પ્રશ્નો પૂછી પૂછીને પ્રોફેસરનો દમ કાઢી નાખે એવો છે. તે દિવસે બધા જ જાણે ઘેનમાં હતા. કોઈ સવાલ-જવાબ કરતું ન હતું અને પ્રોફેસરનો મોનોટોનસ અવાજ એકસરખો કાન પર અથડાયા કરતો હતો.

મેં ઘડિયાળમાં જોયું-નાની સોય ચાર પર અને મોટી સોય ત્રણ પર જાણે સ્થિર થઈ ગઈ હતી. ત્રણ પરથી ખસતી જ ન હતી. અમારી કૉલેજ એની અંગ્રેજી ઢબની બાંધણી માટે પ્રચલિત છે. એની મોટી મોટી બારીઓમાંથી આસપાસની લીલોતરી દેખાય છે અને આંખોને અત્યંત રાહત આપે છે. મને દોડીને ખુલ્લા આકાશમાં, લીલાં લીલાં ઝાડોની વચ્ચે જઈને ખુલ્લામાં શ્વાસ લેવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. છેવટે મારી સોય છ પર આવી અને સાડાચારનો બેલ વાગ્યો. હું કોઈની પણ રાહ જોયા વગર સડસડાટ બહાર નીકળી ગઈ. મોટે ભાગે લેકચર પછી અમે બહેનપણીઓ મળીને શું શું અસાઈમેન્ટ છે, કૉમ્પ્યુટર પર શું ટાઈપ કરવાનું છે, શું ફીડ કરવાનું છે, કેટલી પ્રિન્ટઆઉટ કાઢવાની છે એની ચર્ચા કરતાં બીજો અડધો પોણો કલાક કાઢી નાખતાં. પણ આજે મને કોઈની સાથે પણ વાત કરવાની ઈચ્છા ન થઈ.

હું તરત જ મારી કોલાબાની રૂમ તરફ ચાલવા માંડી. તમે તો જાણો છો કે મારું રહેઠાણ તાજ હોટલની પછવાડે છે. આમ તો હું કૉલેજથી રૂમ પર જાઉં ત્યારે આંખો અને કાન ખુલ્લા રાખીને જોઉં, જાતજાતના અવાજ સાંભળું, ભાતભાતના લોકોને જોઉં, અહીં નિરીક્ષણ કરું, ત્યાં કંઈ સારું દેખાય તો ઊભી રહું, કદી કદી નાની નાની દુકાનોમાંથી ઉપયોગી કે બિનઉપયોગી વસ્તુઓ પણ ખરીદું. ફૂટપાથ પર વેચવાવાળાઓની ભીડને ચીરતી આનંદથી ઘેર પહોંચું અને કૉફી બનાવીને પીઉં. પણ તે દિવસે મને કશું જ જોવાનું ગમતું ન હતું, જરાય મજા પડતી ન હતી. મારા આખા શરીરમાં એક જાતની અસ્વસ્થતા પ્રસરી રહી હતી. મને થયું કે આ પેલા કંટાળાજનક લેક્ચરની અસર હશે. ચાલ, જરા ગેટવે ઑફ ઈન્ડિયા પાસે જાઉં, ત્યાંની સમુદ્રની તાજી હવામાં મને સારું લાગશે. પણ ત્યાંય મને ચેન ન પડ્યું. જાણે કોઈ માથામાં હથોડાના ઘા કરી રહ્યું હતું, અકળામણ તો એવી થતી હતી કે જાણે હમણાં ઊલટી થઈ જશે.

આવા કપરા સંજોગોમાં આપણા ઘરમાં નાનપણથી ગાયત્રીમંત્ર નો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે. એટલે મેં આંખો મીંચી દીધી અને મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું.


‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’


દાદાજીએ આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાવ્યો હતો.

‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ (જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી.)

મને જરા ઠીક લાગ્યું. વિચાર આવ્યો કે મને આટલું અસુખ લાગે છે તો ચાલને દીદીને ત્યાં મલાડ જલદી પહોંચી જાઉં. આજે યશનો જન્મદિવસ પણ છે. દીદીના આલીશાન બંગલામાં, એની પ્રેમભરી કાળજીથી તથા યશની નિર્દોષ કિલકિલાટીથી મને આનંદ મળશે. એટલે મેં એક સ્ટોરમાંથી યશને ભાવતી કીટકેટની ચૉકલેટનો ડબ્બો લીધો અને ચર્ચગેટ સ્ટેશન તરફ ચાલવા માંડી.

સાંજના પાંચ વાગીને પાંચ મિનિટ થઈ હતી. તે તો ઑફિસો અને સ્કૂલો છૂટવાનો સમય. ભીડનું તો પૂછવું જ શું ? એ માનવમહેરામણમાંથી જેમતેમ કરીને ટિકિટબારીએ પહોંચી અને મલાડની ફર્સ્ટ કલાસની ટિકિટ લઈને પ્લૅટફોર્મ પર આવી. દૂરથી મને ઈન્ડિકેટર વંચાતું ન હતું એટલે મેં કોઈને પૂછ્યું, ‘બોરીવલી સ્લો ક્યા પ્લેટફોર્મ પરથી જશે ?’ જવાબ મળ્યો : ‘પ્લેટફોર્મ નંબર ત્રણ.’ હું ત્યાં પહોંચી. મારા હાથમાં બહુ સમય ન હતો. ટ્રેન ભરચક હતી. આમેય આ સમયે ટ્રેનો એટલી ચિક્કાર હોય છે કે લોકો બારણાંના સળિયા પકડીને ફૂટબોર્ડ પર લટકતા લટકતા મુસાફરી કરતા હોય છે. હું લેડિઝ કમ્પાર્ટમેન્ટના ફર્સ્ટકલાસના ડબ્બા પાસે આવી. આખો ડબ્બો ચિક્કાર ભરાયેલો હતો. કેટલીય બહેનો ઊભી ઊભી સફર કરવાની તૈયારીમાં હતી. –

ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં પણ ! હું જરા આગળ વધી. બાજુનો જેન્ટસ કમ્પાર્ટમેન્ટ પ્રમાણમાં ઘણો ખાલી હતો. હું એમાં ચઢી ગઈ અને બારી પાસેની એક સીટ પર ગોઠવાઈ ગઈ. ત્યાં તો મોટી ઉંમરના એક ભાઈ આવ્યા અને કહ્યું, ‘દીકરી, અત્યારે આ કમ્પાર્ટમેન્ટમાં ભલે તને જગ્યા મળી ગઈ પણ આગળ જતાં આ ડબ્બો પુરુષોથી એટલો ચિક્કાર ભરાઈ જશે કે તને ઈચ્છિત સ્ટેશને ઊતરવા માટે ધક્કામુક્કી કરીને બારણા સુધી પહોંચવું પડશે. કદી કદી તો લોકો પોતાને જ્યાં ઊતરવાનું હોય છે ત્યાં ઊતરી જ શકતા નથી. માટે મારું માન અને બાજુના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં જા. એટલીસ્ટ તને પુરુષોના હડદોલા નહીં ખાવા પડે.’ એક તો મને આમેય સારું નહોતું લાગતું ત્યાં વળી આ સજ્જનની કાળજીભરી સલાહ સાંભળીને મને અંદરથી ગુસ્સો આવ્યો છતાંય કમને ઊઠીને જલદી જલદી બાજુવાળા લેડીઝ કંપાર્ટમેન્ટમાં જઈને જેમ તેમ કરીને એક ખૂણામાં ઊભી રહી.

સવા પાંચ થયા અને ટ્રેન ઊપડી. મેં મનમાં ગણતરી કરવા માંડી કે મલાડ પહોંચતાં મને કેટલો સમય લાગશે. એક પછી એક સ્ટેશનો પસાર થવા લાગ્યાં. લોકલ ટ્રેન હતી એટલે દરેક સ્ટેશને લોકો ઊતરતા હતા અને એનાથી બમણા લોકો ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતા હતા. દાદર સ્ટેશન ગયું અને મારા માથામાં જાણે શૂળ ઊપડ્યું. મેં પાછો ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દીધો. મોબાઈલ ફોન પર દીદી સાથે વાત કરવાની કોશિશ કરી પણ ‘નેટવર્ક બીઝી’ જોઈને ફોન મૂકી દીધો. લગભગ પોણા છ થયા હતા. મારા મનમાં દ્વિવિધા થવા લાગી, ‘હું શું કરું, આગળના સ્ટેશને ઊતરી જાઉં ? મલાડ પહોંચવાને હજુ બીજો અડધો કલાક લાગશે. ત્યાં જવાથી મને કેટલું સારું લાગશે. યશનો જન્મદિવસ પણ છે. બીજે દિવસે કૉલેજ પણ મોડી છે, વળી મારે દીદી પાસેથી પૈસા પણ લેવાના છે. ભગવાન મને માર્ગદર્શન આપ અને મેં પાછો મંત્ર-જાપ શરૂ કર્યો. આમને આમ બીજાં બે-ત્રણ સ્ટેશનો પસાર થઈ ગયાં. ટ્રેન બાંદ્રા સ્ટેશન પસાર કરી ચૂકી હતી અને ખાર સ્ટેશનના પ્લેટફોર્મ પહોંચવાની તૈયારીમાં હતી. મને પોતાના પર ચીઢ ચઢી. આમ તો હું મક્કમ સ્વભાવની અને જે ધાર્યું હોય તે કરીને જ જંપવાવાળી, મને સમજ ન પડી કે આવું કેમ થાય છે ? મંત્રજાપથી પણ મને કેમ શાંતિ મળતી નથી ? આવી ડામકડોળ સ્થિતિમાં કેમ આવી પડી છું ?

ત્યાં તો ખાર સ્ટેશન આવ્યું અને ટ્રેન થોભતાં જ હું એમાંથી કૂદી પડી, જાણે કોઈ ભૂત પાછળ ન પડ્યું હોય ! મને પોતાને જ પોતાના આવા વર્તન માટે નવાઈ લાગી. આવી અસ્વસ્થ હાલતમાં હું કેટલીય વાર દીદીને ત્યાં મલાડ ગઈ હતી અને સાજી થઈને પાછી આવી હતી. આજે કેમ આમ ? મને કોઈ કારણ જડતું ન હતું પણ અંદરથી એવી સ્ફુરણા થતી હતી કે પાછી ઘર ભેગી થઈ જા. હું સ્ટેશનેથી બહાર નીકળી અને પસાર થતી એક ખાલી ટૅક્સીમાં બેસી ગઈ.

સાંજના 6.25 થયા હતા. ટૅક્સીમાં મારો મોબાઈલ રણકવા લાગ્યો. દીદીને ખબર હતી કે હું એને ત્યાં જવાની હતી અને તે પણ ટ્રેનમાં જ. મેં મોબાઈલ કાને માંડ્યો ત્યાં તો દીદીનો ચિંતાતુર અવાજ સાંભળ્યો, ‘સિદ્ધિ, તું ક્યાં છો ? ટ્રેનમાં તો નથી ને ?’ એના અવાજમાં ભય અને ચિંતા ભારોભાર ભર્યાં હતાં. મેં તરત જ જવાબ આપ્યો, ‘ના દીદી, હું ટૅક્સીમાં છું. કોલાબા પાછી જઈ રહી છું.’

‘સારું થયું, હમણાં જ સમાચાર સાંભળ્યા કે મલાડ સ્ટેશન પર ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે.’ એનો અવાજ તરડાઈ ગયો અને સંભળાતો બંધ થઈ ગયો. હું ડઘાઈ ગઈ. મારી આંખે અંધારાં આવ્યાં. મને કંઈ જ સમજ નહોતી પડતી. એક ઠેકાણે સિગ્નલ આગળ ટૅક્સી ઊભી રહી અને મેં કોઈને જોરજોરથી કહેતાં સાંભળ્યો, ‘બોરીવલી લોકલના ફર્સ્ટકલાસના કંપાર્ટમેન્ટમાં મલાડ સ્ટેશન પર બૉમ્બ બ્લાસ્ટ થયો.’ તે વખતે સાંજના 6.40 થયા હતા. હું હતપ્રભ થઈ ગઈ. મેં તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ લાઈન જ મળતી નહોતી. બધા મોબાઈલ રુટ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. બધે અંધાધૂંધીનું વાતાવરણ છાઈ ગયું હતું.

મારા મનમાં વિચાર આવ્યો કે ઈશ્વરની મારા પર કેટલી કૃપા ! જે ફર્સ્ટકલાસના ડબ્બામાં હું બેસવાની હતી તેમાંથી પેલા સજ્જને મને બીજે મોકલી અને તે છતાં મને એટલો અજંપો અને અકળામણ આપ્યાં કે મને ટ્રેન છોડીને ઊતરી જ જવું પડ્યું ! અને એ જ ટ્રેનમાં ફર્સ્ટકલાસના ડબ્બામાં બૉમ્બ વિસ્ફોટ થયો. મને પેલા સજ્જનનો વિચાર આવ્યો. શું થયું હશે એમનું ? હૃદયમાંથી એક પ્રાર્થના એમના માટે ફૂટી નીકળી. ‘હે ઈશ્વર, તેઓ જ્યાં હોય ત્યાં એમને સલામત રાખજે.’ બીજો વિચાર એય આવ્યો કે સજ્જનના રૂપમાં સાક્ષાત ભગવાન પોતે પધાર્યા હતા કે શું ? એ જે હોય તે. મારું હૃદય કૃતજ્ઞતાથી ગદગદિત થઈ ઊઠ્યું.

ફોઈ, હું રૂમ પર પહોંચી અને પહેલું કામ અગરબત્તીઓ સળગાવીને ઈશ્વરનો ઉપકાર માનવાનું કર્યું. કેવી અદ્દભુત એમની લીલા ! ગાયત્રીમંત્રનું કવચ મારી સતત રક્ષા કરી રહ્યું હતું તે મને હવે સમજાયું.

આ અનુભવે મને અંદરથી હચમચાવી મૂકી છતાં એક જાતની શક્તિ અને સમજણ આપ્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે ગાયત્રી જાપમાં કેટલી શક્તિ છે ! માટે જ તો કહ્યું છે ‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ અને કૃતજ્ઞતાપૂર્વક મેં પાછો મંત્ર જાપ શરૂ કર્યો : ‘ૐ ભૂર્ભુવ: સ્વ:| તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ| ધિયો યો ન: પ્રચોદયાત્|’

તા. ક. : આ પત્ર છેક રાતના બાર વાગે પૂરો કર્યો. સવારે તમને સ્પીડ પોસ્ટથી મોકલી આપીશ. જેથી તમને સત્વરે બીજે દિવસે મળી જાય. અસ્તુ સૌને ખૂબ ખૂબ વ્હાલ.  

તમારી સિદ્ધિનાં
વંદન.

——————————————-

શ્રી ભુપેન્દ્ર જસ્રાનીના ઈ-મેલમાંથી સાભાર

=========================================

આપણા જાણીતા અને માનીતા ૯૩ વર્ષના આતાવાણી બ્લોગના બ્લોગર અને સૌના માનીતા મિત્ર, ફીનીક્સ, એરીજોનાના સાવજ શ્રી હિંમતલાલ જોશી-આતાજીને મને ઈ-મેલમાં મળેલ કોઈ લેખ ,કાવ્ય કે વાર્તા જે મને ગમ્યો હોય એ એમને વાંચવા માટે ફોરવર્ડ કરતો હોઉં છું અને દરેક ઉપર એમના મજાના જવાબો તેઓ લખતા હોય છે .

એ રીતે ઉપરની મુંબઈની બોમ્બ બ્લાસ્ટની સત્ય ઘટના પણ એમને વાંચવા મોકલી હતી .

એના જવાબમાં એમણે એમની એક ઈ-મેલમાં એમના જીવનમાં બનેલ આવો એક જાત અનુભવ એમની આગવી નીખાલસ શૈલીમાં મને લખી મોકલ્યો હતો .આ સત્ય ઘટના અન્ય મિત્રોને પણ વાંચવા  માટે ,આતાજીના આભાર સાથે નીચે રજુ કરેલ છે .

પ્રિય વિનોદભાઈ

 

સિદ્ધિનો કાગળ વાંચ્યો  .આ વાંચીને મને એક મારો એક અનુભવ યાદ આવ્યો  .એમાં પણ પરમેશ્વરે  કેવી  કૃપા વરસાવી  હતી !

 

પહેલા હું મારા ઘર નજીકના સીનીયર સેન્ટરમાં જતો .  ‘ નજીક હોવાથી ચાલીને આવજા કરતો  . એ વખતે મારી પત્ની  અશક્ત ખુબ હતી  . જમીન ઉપર પડી જાય તો પણ પોતાની જાતે કદાપી  બેઠી ન થઇ શકે  .મૂળ એનો બહુ ઉત્પાતિયો જીવ .  મારી ના પાડવા છતાં  કંઈ ને કઈ  કામ કરતી રહે  . 

 લોન્ડ્રી મશીનમાં કપડા નાખી  હું સીનીયર સેન્ટરમાં જતો અને સેન્ટરમાંથી  સીધો  ખરીદી કરવા બસમાં બેસીને જાઉં  . બધું કામ પતાવતાં  મને  છ કલાક જેટલો સમય થઇ જાય  .

 

સેન્ટરમાંથી જયારે હું બસમાં બેસવા આવતો હતો ત્યારે  અચાનક મને બેચેની વર્તાવા લાગી  .એટલે મેં નક્કી કર્યું કે ખરીદી કરવા નથી જવું પણ ઘરે જતા રહેવું છે  અને આરામ કરવો છે  .

 

જોકે  ખરીદી કરવાનું બહુ જરૂરી હતું છતાં  હું ખરીદી કરવા ના ગયો  .આરામ કરવાના હેતુથી  ઘરે આવ્યો  .ઘેર આવી પથારીમાં મારી વાઈફને ન જોઈ એટલે હું આકુળ વ્યાકુળ થઇ ગયો   . હું બેક યાર્ડમાં ગયો  અને ત્યાં જોયું તો મારી વાઈફ   કાંકરાવાળી જમીન ઉપર પડી હતી  .કપડાં સૂકવવા માટે  ગએલી  અને પડી ગએલી .જો હું મોડો પહોંચ્યો હોત તો  મને કદાચ મારી વાઈફનો મૃત દેહ જોવા મળત  .

 

પરમેશ્વરે મને પ્રેરણા કરી અને ખરીદી કરવાને બદલે હું ઘરે આવ્યો   .

જેને રામ રાખે એને કોણે મારી શકે !

Ataai

પરિચય – આતાઈ નો અને એમના સાહિત્યનો

૯૩ વર્ષના સદા બહાર મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી- આતાઈ

૯૩ વર્ષના સદા બહાર મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી- આતાઈ

આતાજીનો પરિચયઅતાઈ કથા માટે અહીં ક્લિક કરો.

આતાજીના લેખો વી. નો આસ્વાદ આતાજીના આતાવાણી બ્લોગની આ લીંક ઉપર માણો.

તેમની રચનાઓ ‘ હાસ્ય દરબાર’ પર , તેમના બીજા પોઝ સાથે અહીં ક્લિક કરી માણો. 

૯૨ વર્ષીય બ્લૉગર શ્રી હિંમતલાલ જોશી-આતાજી નું વેબ ગુજરાતી દ્વારા સન્માન

અહીં ક્લિક કરી વાંચો..

આતાજીનો જીવન મંત્ર


sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta 

Teachers open door, But you must enter by yourself.
વિનોદ વિહારની આજની ૫૦૦ મી પોસ્ટ મારા આવા  અનોખા મિત્ર
આદરણીય આતાજીને સપ્રેમ અર્પણ છે .

==================================================================

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે? એ નામનું ધીરા ભગતનું
આ રહ્યું આખું એ સરસ ભજન

“જેને રામ રાખે રે” 

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?

અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.

ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,

થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;

તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.

નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,

ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;

અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.

બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,

પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;

બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

ગજ કાતરણી લઈને બેઠા દરજી તો દીનદયાલ,

વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ;

ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે.

ધીરા ભગત

===================================

ઉપરની બે સત્ય ઘટનાઓ જેવી કોઈ તમારા જીવનમાં પણ જો બની હોય તો આપના પ્રતિભાવમાં એને જરૂર જણાવશો

વિનોદ પટેલ

 

( 499 ) મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

 ગુજરાતી બ્લોગ વિશ્વમાં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનું નામ એક ભાષા પ્રેમી કુશળ બ્લોગર તરીકે ખુબ જાણીતું છે .

જુ’ભાઈની એમના બ્લોગ નેટ-ગુર્જરી તેમ જ સહ સંપાદિત બ્લોગ વેબ ગુર્જરી તથા ફેસ બુક દ્વારા એમની સંપાદન કળા અને સાહિત્ય પ્રીતિની મને જાણ હતી જ .

શ્રી પી.કે.દાવડાજી એ એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં લખેલ એમના જીવન વિશેના પરિચય લેખથી જુગલકિશોરભાઈ ના જીવન સંઘર્ષના વર્ષો વિષેની નવી વિગતો  જાણવા મળતાં એમના માટે વિશેષ માન ઉત્પન્ન થયું .

શ્રી જુ’ભાઈ ના આજ સુધીના વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક ઉત્થાન અને સર્વોદયને વરેલી લોકભારતી  જેવી આદર્શ સંસ્થાઓ  તથા  ન.પ્ર.બુચ ,દર્શક જેવા આદર્શ ગુરોઓએ અગત્યનો ફાળો આપ્યો.છે .

જુ’ભાઈને ખુબ જ ભૌતિક સંપતિ સંપાદન નહી કરવાનો કોઈ અફ્સોસ નથી પણ સામાજિક સેવાઓ દ્વારા એમણે  જે અંતરની -આંતરિક  સંપતિ સંપાદન કરી છે એની એમને ખુશી અને સંતોષ છે .નિવૃતીના સમયમાં પણ ગુજરાતી બ્લોગોના માધ્યમથી ભાષાની સેવામાં ગળાડૂબ રહીને ખુબ જ પ્રવૃત રહે છે .

શ્રી જુગલકીશોરભાઈ વ્યાસ ખરેખર એક જાણવા , માણવા અને મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .

વિનોદ પટેલ

======================================================

 JU'BHAI-1

મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું. આ Formative વર્ષોમાં ધર્મમૂર્તિ માતા અને જ્ઞાનમાર્ગી પિતાજી, અને ઉમરાળા પંથકના ગાંધી કહેવાયેલા એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ, જે ‘મોટાભાઈ’ ના નામે જાણીતા હતા, તેમની એમના ઉછેરમાં બહુ મોટી અસર થઈ.

જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર ગામે ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી, S.S.C. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાને યાદ કરી જુગલકિશોરભાઈ કહે છે:

“શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧–૧૨ વરસની ઉંમરે (૧૯૫૫) દાખલ થઈને ત્યાં છ વરસ ગાળ્યાં, તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક, અને લોકશાળાના નિયમોને લઈને શાપુર કસોટી કરનારું બનેલું. પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ અને બુનિયાદી તાલીમનાં બહુ ગમતા અભ્યાસક્રમો અને પદ્ધતિઓએ મને તૈયાર કર્યો.”

શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર જિલ્લામાં આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ જોડાયા. અહીં ૧૯૬૨થી ૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી. આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે:

 “લોકભારતીમાં આવવાનું મોડું થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન હતો. પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ. ૨૫૦/– વાર્ષિક) મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ થયેલો. એમ એક બાજુ અણગમતા વિષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવનને પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો….ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે ખાતર–પાણી ને હવામાન–શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પાક મારે જીવન–ખેતરે પાક્યો તે બધો જ લોકભારતી–માડીના પ્રતાપે.”

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ
પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

(Net-ગુર્જરી માં મુકેલ લોકભારતી–સ્નાતકો (૧૯૬૫) સાથેનો ફોટોઅહીં ક્લિક કરીને જુઓ .)

સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય શીખવવા શિક્ષક તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન જરૂરિયાતોને પહોંચી વળવા એક કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચના પગારવાળી નોકરી સ્વીકારી. આ નોકરી કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી. આ સમયગાળા અને ત્યાર બાદના વ્યાવસાયિક જીવન અંગે એમના જ શબ્દોમાં કહું તો,

“ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે તેવી ઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાની – સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડા ગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત છાત્રાલયનું તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું. ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વિભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાં મદદનીશ તરીકે પણ કામ કર્યું. છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢશિક્ષણ વિભાગના શ્રમિક વિદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ કાર્યક્રમ અધીકારીરૂપે અને પછી નિવૃત્તી સુધીનાં ૧૨ વરસ નિયામક તરીકે કામગીરી કરી.”

ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે,

“મજૂર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ કરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થિક વેદનાને શીતળ લેપ કરી આપ્યો. દિવસરાત જોયા વિના મજૂરો સાથે કામ કરવા મળ્યું. આંગણવાડી માટે આધારસાહિત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું. ઉપરાંત, મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ ચાલી શકે તેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. આ કામનો બદલો ભારત સરકારમાંના શ્રમિક–શિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો. અહીં મારા જીવનમાંના લોકભારતી અને મજૂર મહાજન બન્નેના વારસાનું સુંદર સંકલન હું કરી શક્યો.”

યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં ૧૯૬૭માં સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ જેમાં એમને સૌથી સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં એમને નવો ઢાંચો અને નવી પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું કાર્ય, એમના શબ્દોમાં,

“સાવ ઓછું ભણેલાં અનેક બહેનો–ભાઈઓને, સારા અને સફળ શિક્ષકો તરીકે તૈયાર કર્યા; આ જ શિક્ષકોએ, પછી તો ચાર્ટ વગેરે જેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ બચતમંડળો બનાવીને હજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીને પગભર થયાં….”

૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦ જેટલાં કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું.

બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા ખીલતી રહી જે આજે પણ લોકભારતીના મુખપત્ર “કોડિયું”ના સહતંત્રી તેમજ ગુજરાતી ભાષા પરિષદના જોડણી વિષયક પ્રચાર-પ્રસાર કાર્ય સુધી સક્રીય રહેવા પામી છે.

“શ્રમિક શિક્ષણની દિશામા”, “એક ચણીબોરની ખટમીઠી”, “ઔષધીય ગાન ભાગ ૧-૨”, “સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ” અને “મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની આત્મકથા” જેવા પુસ્તકોનું લેખન-સંપાદન તેઓએ કર્યું છે. એટલું જ નહિ, “શ્રમિક શિક્ષણ”, “નૉળવેલ”, “આયુક્રાંતિ” જેવાં સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે.

બ્લૉગ-જગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા લોકો હશે. શરૂઆતમાં “ગાંધીદર્શન” અને “મારા ગુરુવર્યો” નામના બ્લૉગ્સનું સંચાલન કર્યા બાદ આજે પોતાનું આગવું “નેટ ગુર્જરી” અને સહિયારી સાઇટ “વેબ-ગુર્જરી” નામના બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.

વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો સર્વે થયો ત્યારે સેંકડો ગુજરાતી બ્લૉગમાં પ્રથમ ૧૦ બ્લૉગમાં તેમનો બ્લૉગ ‘નેટગુર્જરી’ પસંદગી પામ્યો હતો જ્યારે ઇન્ડિબ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી બ્લૉગ્સમાં તેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો.

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

 

જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી લેવાનું શક્ય નથી. સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અને કવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો બીજાં બે પાનાં ઉમેરવા પડે. એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ લેવી રહી.

-પી. કે. દાવડા

===================================

જેમની નિશ્રામાં શ્રી જુ’ભાઈને શિક્ષણ અને કાર્યની તક મળી એ આદર્શ ગુરુ

ન.પ્ર.બુચની એક સુંદર કાવ્ય રચના
 
પંચાશીમે પડાવે   (સોરઠા)

ચાર  વીહું ને  ચાર  વરહું ઘોડો હાંકિયો,

“જીવાજી” અસવાર ! અવ ઘોડેથી ઊતરો.

થનગનતો તોખાર ગધ્ધાપચ્ચીસી તણો

ખેંચી ખેંચી  ભાર  હવે  થયો  છે ટારડુ.

હવે લાગતો થાક ઇંદરિયું  મોળી  પડી,

ઘોડાનો શો વાંક ? ચોરાશી પૂરાં કર્યાં.

લીધો–દીધો પ્રેમ વાટ વટ્યા હળવે મને,

પ્રેમ જ આપણ ક્ષેમ, એના ધરવ ન સાંભળ્યા.

આમ કહો તો એકલા દુનિયાને વહેવાર

પણ છૈયેં અન–એકલા સ્નેહાવરણ વચાળ.

જીવન સૌરભસાર “પુષ્પ” જમા મૂકી ગયું

સમરી વારંવાર ભર્યાં ભર્યાં મન રાખીએ.

જાવાને  તૈયાર,  રે’વામાં  વાંધો  નથી,

“જીવાજી”  અસવાર, હળવે હૈયે  હાલશું.

લગામ  રાખી  હાથ  હાંક્યે  રાખું ટારડું

નટનાગરના નાથ ! ઈશારે અટકી જશું.

–    ન.પ્ર.બુચ. તા. ૨૧–૧૦–૯૦.

————————–

તેમની નીચેની આજના રાજ નેતાઓ -હવામાં ઉડતા રાજ પક્ષીઓ  

વિશેની આ કાવ્યપંક્તીઓ પણ માણો :

રાજપક્ષી (સ્રગ્ધરા)

પ્હોંચે ઉદઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

(તા. ૧૬,૯,’૬૯ની ટપાલમાંથી)

ન.પ્ર.બુચ

ન.પ્ર. બુચ અને એમની રચનાઓ વિષે વધુ જાણો નેટ ગુર્જરીની નીચેની લીંક ઉપર ક્લિક કરીને

મારા ગુરુવર્યો…… જુગલકિશોર વ્યાસ 

===================================

શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં શ્રી જુગલકીશોરભાઈ નો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો .