‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? વિ.જાણવા મારા રેશનાલીસ્ટ મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના બ્લોગ ‘અભીવ્યક્તી’ માં પ્રગટ નીચેનો લેખ’‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો” જરૂર વાંચશો.
‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણમેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
દુનિયાની સૌથી જૂની લોકશાહી ભારતમાં આ લખાય છે ત્યારે હવે પછીના પાંચ વર્ષ માટે દેશના વહીવટની લગામ જનતા કોના હાથમાં સાંપશે એ નક્કી કરવા માટેનું બહુ અગત્યનું સામાન્ય ચુંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે.
મતદાન એવું સામૂહિક ગુપ્તદાન છે જે પરિણામ પછી ગુપ્ત ના રહે -છેલવાણી
ગઝલના જાણકારો કહે છે કે શેરની પહેલી પંક્તિમાં ‘દાવો’ હોય અને બીજી પંક્તિમાં ‘દલીલ’! દા.ત. કૌન ના મર જાયે ઐસી સાદગી પે અય ખુદા (દાવો) લડતે હૈં ઔર હાથ મેં તલવાર ભી નહીં! (દલીલ). ઇલેક્શન વખતે શાસકપક્ષ ચૂંટણી લડવામાં દાવો કરે અને વિપક્ષો લડીને અને પ્રજા વોટ આપીને સામી દલીલ કરે. દાવાદલીલના ‘દંગલ’માં નાગરિક પાસે મૂર્ખની જેમ હસવા સિવાય અને વિદ્વાનની જેમ ગંભીર ચહેરે વોટ આપવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. પેશ છે કેટલુંક મૌલિક, કેટલુંક ઉછીનું ચુનાવી હ્યુમર. ચૂંટણી પર એની અસર પડશે એવો ‘દાવો’ નથી, પણ ટુચકાઓમાં દર્દભરી ‘દલીલ’ ચોક્કસ છે.
પત્રકાર : નેતાજી, તમારો દીકરો સરકારી નોકરી શોધતો હતો. હવે શું કરે છે? નેતા : કાંઈ નથી કરતો. પત્રકાર : એટલે? નેતા : મંત્રી બની ગયો છેને?
જ્યોતિષી બોલ્યો, ‘બાળકો ભલે બહેરાં અને મૂગાં હોય, પણ તમે ‘મૂંગા’ બાળકનું નામ ‘સરકાર’ રાખજો. બહેરાનું નામ પ્રજા!
બાળક : પપ્પા, રાજકારણી એટલે શું? પિતા : બેટા, રાજકારણી એટલે પોતાની જીભ હલાવી શકતું માનવીય મશીન! બાળક : અને નેતા એટલે? પિતા : નેતા એટલે ભૂતપૂર્વ રાજકારણી જેણે પોતાની જીભને હલતી રોકવાની કળા શીખી લીધી છે!
ઉમેદવાર વોટ માગવા ગયો તો એક મતદારે એને કહ્યું, ‘સોરી, હું તો વિરોધપક્ષને જ મત આપીશ, કારણ કે મારા પપ્પા પણ વિપક્ષને જ મત આપતા, મારા દાદા પણ વિપક્ષને જ મત આપતા.’ ઉમેદવારે સમજાવ્યું, ‘એમાં શું લોજિક છે? જો તમારા પપ્પા મુરઘીચોર હોત, તમારા દાદા પણ મુરઘીચોર હોત તો તમે પણ મુરઘીચોર બની જાત?’ મતદારે કહ્યું, ‘ના, તો હું સરકારમાં હોત!’
એક નેતાએ એના પ્રદેશની પ્રગતિ, વિકાસ, ભવિષ્યના પ્લાન વિશે લાંબું ભાષણ આપ્યું. એક કલાક સુધી ‘આવનારી પેઢી માટે મને મત આપો, આવનારી પેઢી તમારા નિર્ણય પર અટકેલી છે વગેરે કહ્યું. સભામાંથી કોઈએ ઊભા થઈને કહ્યું, ‘ઝટ પતાવો નહીં તો આવનારી પેઢી તમને સાંભળવા આવી પહોંચશે!’
એક ઉત્સાહી પત્રકારે મંત્રીને કહ્યું, ‘સાહેબ તમારા વિશે મેં ઘણું સાંભળ્યું છે.’ મંત્રીએ તરત કહ્યું, ‘સાંભળ્યું હશે, પણ પુરવાર કાંઈ નહીં કરી શકો!’
ડોક્ટર : ‘મુબારક હો નેતાજી, તમારી પત્નીએ જોડકાં બાળકોને જન્મ આપ્યો!’ નેતા : ‘શક્ય જ નથી! ફરીથી કાઉન્ટિંગ કરો. ત્રણથી ઓછા હોય જ નહીં! આમાં વિરોધીઓની ચાલ છે!’
હરિશંકર પરસાઈ નામના વ્યંગકારે અદ્ભુત કટાક્ષો લખ્યા છે. તેમણે 1978માં એક વ્યંગકથા લખેલી : ‘એક કવિ સરકારી ઓફિસર પણ હતા. એની અંદરનો ઓફિસર જ્યારે રજા પર જાય ત્યારે એ કવિ બની જાય અને કવિ સૂઈ જાય ત્યારે ઓફિસર જાગી જાય. એકવાર પોલીસના ગોળીબારમાં 10-12 લોકો મરી ગયા. કવિની અંદરનો ઓફિસર રજા પર ઊતરી ગયો અને કવિહૃદય ઊછળી પડ્યું! સરકાર વિરુદ્ધ એક ઉગ્ર કવિતા લખી નાખી. મુખ્યમંત્રીએ કવિતા વાંચી તો ભડકી ગયા. હવે પેલા કવિની અંદરનો ઓફિસર પાછો જાગ્યો અને ડરી ગયો કે સરકારી નોકરી ચાલી જશે તો? કવિ દોડીને મુખ્યમંત્રીના પગે પડ્યો, રડતાં રડતાં માફી માગવા માંડ્યો, મુખ્યમંત્રીએ કહ્યું, ‘આ એ કવિ ન હોઈ શકે જેણે પેલી કવિતા લખેલી!’ *** ત્રણ મંત્રીઓ પાર્ટીમાં દારૂ પીને ટુન્ન થઈ ગયા. એકે કહ્યું, ‘હું આ રાજકારણથી તંગ આવી ગયો છું. આટલી મહેનત કરીએ, ભાષણો આપીએ, બદલામાં થોડાક ફાયદો લેવા જઈએ તો લોકો ગાળો આપે. હું રાજકારણ છોડવા માગું છું અને નવી જગ્યાએ જઈને પૈસા કમાવા માગું છું અને દોસ્તો, તમે પણ મારી સાથે આવો, સૌને ફાયદો થશે.’ બીજા નેતાએ પૂછ્યું, ‘ક્યાં? કયો ધંધો?’ પહેલા નેતાએ કહ્યું, ‘આફ્રિકાની જમીનમાં ખૂબ સોનું છે. જ્યાં હાથ નાખો ત્યાં સોનું પડ્યું છે. બસ આપણે ત્યાં જવાનું અને સોનું ઉઠાવી લેવાનું છે!’ ત્રીજાએ કહ્યું, ‘ના. ના. આમાં એક પ્રોબ્લેમ છે.’ ‘શું પ્રોબ્લેમ છે? મફતમાં સોનું મળતું હોય તો…’ ત્રીજા નેતાએ કહ્યું, ‘અરે! સોનું ઉપાડવા માટે વાંકા વળવું પડશેને?
ઇન્ટરવલ દુર્યોધન કે દલ મેં શામિલ, સત્તા કે ભૂખે પાંડવ, ચીર દ્રૌપદી કા ઇસ યુગ મેં, ભીમ સ્વયં હી હરતા હૈ! – ચિરંજિત (1980)
એક નેતા ચૂંટણીપ્રચારમાં એક ગામથી બીજા ગામે ભાગદોડ કરી રહ્યા હતા. એક સભા પહેલાં પત્રકારે એમને પૂછ્યું કે રાજ્યની વિકટ પરિસ્થિતિ વિશે શું કહેશો?’ નેતા તાડૂક્યો, ‘અત્યારે હેરાન ન કરો. હું ભાષણ આપવા જઈ રહ્યો છું. અત્યારે વિચારીને બોલવાનો સમય નથી.’
હિન્દી વ્યંગકાર શરદ જોષીએ છેક 1990માં લખેલું : નેતા શબ્દ બે અક્ષરોથી બને છે ‘ને’ અને ‘તા’. નેતાનો અર્થ છે નેતૃત્વ કરવાની તાકાત. એકવાર ‘નેતા’ નામમાંથી ‘તા’ અક્ષર ખોવાઈ ગયો. એ માત્ર ‘ને’ બનીને રહી ગયો. નેતા પરેશાન, કારણ કે ‘તા’ વિના એને કોઈ નેતા માને નહીં. સી.બી.આઇ., સી.આઇ.ડી., રો જેવી એજન્સીઓએ શોધ્યો પણ ‘તા’ મળ્યો જ નહીં. વિરોધીઓ મજાક કરવા માંડ્યા કે આ નેતા તો નેતા જ નથી, કારણ કે ‘તા’ નથી. નેતા દોડીને એક ઉદ્યોગપતિ પાસે ગયા અને કહ્યું તમારી પાસે ઘણી તિજોરીઓ છે અને એના પર ‘તાલા’ છે. તો ‘તાલા’માંથી ‘તા’ આપી દો. મને જરૂર છે. શેઠિયાએ કહ્યું, ‘એ વાત સાચી જે મારે ‘તા’ કરતાં ‘લા’ની વધારે જરૂર પડે. હું ‘લા’, ‘લા’ કહીને તિજોરીઓ ભરું છું. ‘દે’, ‘દે’, તો મારે કરવાની ઇચ્છા જ નથી, પણ જો મારા તાલામાંથી તમને ‘તા’ આપું તો મારી તિજોરીનું શું? ઇન્કમટેક્સવાળા મારી તિજોરી ખોલીને લૂંટી લેશે.’ નેતાએ ખૂબ મનાવ્યા પણ શેઠજી ન માન્યા. પછી નેતા હારી ગયા એટલે કોઈ એને બોલાવે નહીં, સત્તા કે માન નહીં. પછી નેતાને એક આઇડિયા આવ્યો, એમણે એમનાં ‘જૂતાં’માંથી ‘તા’ અક્ષર ચોરી લીધો. ‘ને’ સાથે જૂતાં ‘તા’ જોડીને ‘નેતા’ શબ્દ ફરીથી બનાવી લીધો હવે ફરી પ્રોપર નેતા હતા. સભા ગજવે, દાવાઓ કરે, પણ પ્રોબ્લેમ એક જ થયો કે ‘તા’ અક્ષર જૂતાંમાંથી આવે, એટલે નેતા જ્યાં જાય ત્યાં વાસ આવે અને લોકો પોતાનાં જૂતાં હાથમાં લઈને ભાગવા માંડે કે આ નેતા અમારાં જૂતાં ચોરી ન લે! પણ આશા છે કે ક્યારેક ફરીથી નેતાનો ‘તા’ ખોવાઈ જશે ત્યારે પ્રજા ‘જૂતાં’ ઉઠાવીને એમની તરફ જશે અને લોકતંત્રની રક્ષા કરશે’
વ્યંગ કે રાજકીય સેટાયરમાં સરકારોને હલાવવાની અને પ્રજાને ઢંઢોળવાની તાકાત હોય છે. ચીપ બિકાઉ ચુનાવપ્રચાર અને દારૂણ દાવાદલીલો વચ્ચે પણ નાગરિકો જાગે, બોલે, હક માગે એ આશા સાથે છેલ્લે એક લઘુકથા :
એક સ્ત્રીની કુંડળી જોઈને જ્યોતિષીએ કહ્યું, ‘મુબારક હો! તમે પ્રેગ્નન્ટ છો, પણ એમાં એક બૂરા સમાચાર છે અને બીજા સારા. બૂરા સમાચાર એ છે તમને જોડિયાં બાળકો થશે. એક બાળક મૂંગું હશે અને બીજું બાળક બહેરું!’ સ્ત્રી રડી પડી, ‘જો આ બૂરા સમાચાર હોય તો હવે સારું શું થશે?’ જ્યોતિષી બોલ્યો, ‘બાળકો ભલે બહેરાં અને મૂગાં હોય, પણ તમે ‘મૂંગા’ બાળકનું નામ ‘સરકાર’ રાખજો. બહેરાનું નામ પ્રજા! મૂંગી પ્રજા વિરોધ નહીં કરે અને બહેરી સરકાર સાંભળશે નહીં. બેઉ સુખેથી જીવશે!’ વ્યંગ, મૂંગી પ્રજાનો એ આક્રોશ છે, જે બહેરી સરકારોના કાનના પડદા ફાડી શકે!
એન્ડ ટાઇટલ્સ નેતા : મેં ભલાઈ ખાતર રાજકારણ છોડ્યું છે! પત્ની : કોની ભલાઈ?
હાઈકુ એ જાપાની કવિતાનો અતિ ટૂંકો ખુબ પ્રતિષ્ઠા પામેલો કાવ્ય પ્રકાર છે. હાઈકુમાં પાંચ, સાત અને પાંચ (૫,૭,૫) અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓ હોય છે.હાઈકુની આ ત્રણ પંક્તિઓ સંક્ષિપ્ત હોવા છતાં મર્મ સભર હોય છે.આ કાવ્ય પ્રકારમાં જાણે કે વિચારોના ગાગરમાં સાગર સમાવવાનો હોય છે. ભારતની ચુંટણીના માહોલમાં મારી કેટલીક હાઈકુ રચનાઓ નીચે પ્રસ્તુત છે.
પાંચ વરસે, મતો માગે,જીત્યા કે, ભૂલાય બધું !
=====
ચુંટણી આવી, પ્રચારની સુનામી, ફસાઈ પ્રજા !
=====
નેતાઓ આવે, મતોની ભીખ,જીત્યા, કરી લો મજા !
=====
મન કી બાત, નેતા પાસે સાંભળી, હવે પ્રજાની !
=====
ચુંટણી ટાણે, વચનો આપ્યાં,પછી, પાળવાં કોને !
=====
ખંધા નેતાઓ ભોળી જનતા,અને બોદાં વચનો
વિનોદ પટેલ
સુજ્ઞ વાચક મિત્રોને ઉપરના હાઈકુ રચનાઓમાં બીજા ચુંટણીલક્ષી હાઈકુ રચનાઓ ઉમેરવા માટે સંપાદક તરફથી ઈજન છે.
ભૂગર્ભ એટલે જેના ગર્ભમાં પૃથ્વી રહેલી છે. સંભવ એટલે સદા અસ્તિત્વવાળા. પુરુષ એટલે 9 દ્વારવાળી શરીરરૂપી પુરીમાં રહેનારા. રુદ્ર એટલે દુષ્ટોને રડાવનાર અથવા સંહાર સમયે સર્વ પ્રાણીઓને રડાવનારા. યમ એટલે સર્વને પોતપોતાના કામમાં જોડનારા. મહેન્દ્ર એટલે મોટા ઈન્દ્ર, ઉપેન્દ્ર એટલે ઈન્દ્રના નાના ભાઈ, પાવન ટલે પવનને પવિત્રતા આપનારા. અશોક એટલે ક્ષુધા-તૃષા, જરા-મૃત્યુ, શોક-મોહરૂપી છ ઊર્મિઓથી રહિત. શ્રીમાન એટલે સદાય સર્વપ્રકારની લક્ષ્મીવાળા. દમ એટલે શિક્ષા કરવા યોગ્યને શિક્ષા કરનારા, માનદ એટલે અભિમાનીઓનું માન તોડનારા, સર્વને આત્માભિમાન દેનારા…! આવા કેટલાય શબ્દો વિષ્ણુસહસ્ત્રનામમાં આપવામાં આવ્યા છે.
સંસ્કૃત શબ્દોનો રોમાન્સ આજીવન છૂટતો નથી. ઉંમર વધે છે એમ એમ દરેક શબ્દની આભા અને પ્રભા વધતી જાય છે અને આપણી સમજદારી નવું નવું અર્થઘટન કરતી રહે છે. નારાયણને સમર્પણામિ સ્તુતિમાં એક વાક્ય આપણે જીવનભર રટતા રહ્યા છે, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’માં આગળ, ‘ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ…’ આવે છે. તમે વિદ્યા પણ છો અને દ્રવ્ય પણ છો. વિદ્યા અને ધનને માતા અને પિતાની જેમ અલગ કરવામાં આવ્યાં છે? એ એકબીજાનાં પૂરક છે કે બે વિપરીત પરિબળો છે? વિદ્યાના જેટલું જ દ્રવ્ય મહત્વપૂર્ણ હતું એ મોટી ઉંમરે સમજાય છે. ભગવાનને દ્રવ્ય સ્વરૂપે જોઈને પૂજા કરવી એ પણ એક નવો આયામ છે!
વિનોબા ભાવે સંત-સુરભિ, ભાગ-2માં દક્ષિણના વિખ્યાત ધર્મસ્થાન તિરુપતિની વ્યુત્પિત્ત સમજાવે છે. તિરુ એટલે લક્ષ્મી! મૂળ શ્રીપતિનું તમિળ એ તિરુપતિ છે. વિનોબા માર્મિક કટાક્ષ કરે છે : મોટા ભાગના લોકોની નજર એ નામમાં આવેલી તિરુ (લક્ષ્મી) પર હોય છે. બહુ થોડા લોકોને એના પતિની જરૂર હોય છે.
ભર્તૃહરિના વૈરાગ્ય શતકમાંથી સંસ્કૃત શબ્દો મળતા રહે છે, એવા શબ્દો તો આજે નષ્ટપ્રાય થઈ ગયા છે અથવા અદૃશ્ય થઈ ગયા છે. ક્ષત્રિય એટલે યોદ્ધો, પણ ક્ષત્રિય એટલે વિદ્વાન. અજ્ઞ એટલે અજ્ઞાની…. કાકા કાલેલકરે ‘સદાબોધશતકમ્’માં કેટલાક શબ્દોનાં સમાસ-સંધિ છૂટાં પાડીને સમજાવ્યા છે. અજ્ઞઃ એટલે? જાનાતિ ઈતિ જ્ઞઃ અજ્ઞઃ ! હાથીને માટે દ્વિપ શબ્દ વપરાય છે. બંનેથી પીતો હોય એ દ્વિપ છે. દ્વાભ્યાં (શુંડ્યા, મુખેન ચ… સૂંઢ અને મુખથી પણ) પિબતિ ઈતિ દ્વિપઃ ! પદ્દમ અને કૈરવ બંને કમળ છે પણ બંને વચ્ચે તાત્ત્વિક ફર્ક છે. પદ્દમ એટલે સૂર્યથી વિકસતું કમળ, જ્યારે કૈરવનો અર્થ થાય છે, ચંદ્રથી વિકસતું કમળ ! દુર્ગનો વ્યુત્પત્તિ અર્થ થાય છે : દુખેન ગમ્યતે અત્ર ઈતિ. દુર્ગમ-સ્થાન, જ્યાં દુઃખથી જવાય છે. શંકરમાં શમ્ + કર છે, જે જોડવાથી શંકર બને છે. માત્ર શમનો અર્થ કલ્યાણ થાય છે. જે મૌન રાખતો હોય એ મુનિ છે. ઐશ્વર્યમાં ઈશ્વરસ્થ ભાવ છે, સ્વામિત્વ, વૈભવની કલ્પના છે. ધી એટલે બદ્ધિ અને બુદ્ધિ ચલાવનાર એ ધીર છે. પ્રારબ્ધમનો અર્થ જરા રસિક છે. પ્રારબ્ધમ એટલે શરૂ કરેલું. મૃદંગની વ્યુત્પત્તિમાં અસલ ભાવ આવી જાય છે. મૃદંગ એટલે માટીના અંગ-વાળા, જે મૃદંગ અથવા માટીના અંગવાળા છે એને લોટ મળવાથી એ મીઠું મીઠું બોલતા રહે છે.
સંસ્કૃત સાહિત્યનો મહાસમુદ્ર એટલો વિરાટ છે કે જુદી જુદી શાખા-પ્રશાખાઓ અને વિધાઓમાંથી શબ્દો મળતા રહે છે. સંસ્કૃત શબ્દભંડાર કદાચ વિશ્વમાં અગ્રિમસ્થાને હશે કારણ કે ઉપસર્ગ-વિસર્ગ વાપરીને એક જ શબ્દમાંથી સેંકડો શબ્દો બનાવી શકાયછે. યોગ જેવા શબ્દને અભિયોગથી યોગાભ્યાસ સુધી સેંકડો સ્વરૂપોમાં ફેરવી શકાય છે.
ગતિ શબ્દ પાયામાં હોય અને પ્રગતિ, વિગતિ, અવગતિથી ગતિરોધ જેવા શબ્દ સુધી સેંકડો શબ્દો બનતા રહે છે. ઘણા શબ્દો એવા છે કે એકથી વધારે ઉપસર્ગો જોડી શકાય છે. ઘણા એવા પણ શબ્દો છે જે વપરાશ ન હોવાથી ખોવાઈ રહ્યા છે અને ઘણા સજીવન થઈ રહ્યા છે.
નાટ્યશાસ્ત્ર વિશે રસિકલાલ છો. પરીખની એક પુસ્તિકા છે, જેમાં વિશદ માહિતી આપવામાં આવી છે. આહાર્ય એટલે કૃત્રિમ. આમાં મેક-અપ અને નેપથ્યની વેશભૂષા આવી જાય છે અને આને આહાર્યાભિનય કહેવામાં આવે છે.
નાટકની દુનિયામાં હાવ, ભાવ અને હેલા એવો શબ્દપ્રયોગ થતો રહે છે. ભાવ એટલે મનની સ્થિતિ, ભાવના, હાવ એટલે સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. હેલા એટલે તીવ્ર સંભોગેચ્છા અને એ વ્યક્ત કરતી ચેષ્ટાઓ અને રતિક્રીડા. આ શૃંગારરસના શબ્દો છે. આને સ્ત્રીઓ માટે સ્વભાવજ અર્થાત્ સ્વભાવમાંથી જન્મેલી વૃત્તિઓ ગણવામાં આવે છે.
નાટ્યવિશ્વમાં સંસ્કૃત ભાષામાં ખીલે છે. નટો છે અને સામાજિકો છે. પ્રાશ્નિકો છે, સૂત્રધાર છે, પારિપાર્શ્વક છે, વિટ છે, વિદૂષક છે. એક્ટિંગના કેટલા પ્રકારો છે?
આંગિક, વાચિક, આહાર્ય (પુટ-ઑન) અને સાત્ત્વિક, એમ ચાર પ્રકારના અભિનયો છે. જેને આપણે એક્ટિંગ કહીએ છીએ એ માત્ર આંગિકમાં આવી જાય છે. ઑડિટોરીઅમ અથવા પ્રેક્ષાગૃહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે : લંબચોરસ (વિકૃષ્ટ), ચોરસ (ચતુરસ્ર) અને ત્રિકોણ (ત્રસ્ત્ર), સંસ્કૃત ભાષાનો વૈભવ સમજવો હોય તો ભરતમુનિએ માથાથી પગ સુધી બુદ્ધિપૂર્વક હલાવીચલાવી શકાય એવાં અંગો-અવયવોની ક્રિયાઓ માટે અલગ-અલગ નામો આપ્યાં છે. આંગિક અભિનય કેવી રીતે કરી શકાય? એ સૂચિ : આંખની કીકીઓની 11 પ્રકારની ક્રિયાઓ, પોપચાંની 9 ક્રિયાઓ, ભાવની 7 ક્રિયાઓ, નાકની 6 પ્રકારની ક્રિયાઓ, ગાલની 6 પ્રકારની ક્રિયાઓ, અધર અથવા નીચલા હોઠની 6 પ્રકારની ક્રિયાઓ, ચીબુક અથવા હડપચીની 6 પ્રકારની ક્રિયાઓ, ગ્રીવાની 9 પ્રકારની ક્રિયાઓ…! આ સૂચિ પૂર્ણ નથી. આ સૂચિ માત્ર ચહેરાના કેટલાક હિસ્સાઓ વિશે જ છે. પૂરા શરીરની અન્ય આંગિક ક્રિયાઓ વિશે જુદા અધ્યાયો છે !
શિક્ષણના વિશ્વમાં સંસ્કૃત પાસે કેવું વૈવિધ્ય હતું એ માટે માત્ર થોડા શબ્દપ્રયોગો પર્યાપ્ત છે. ઉપનયન એટલે શિષ્યને ગુરુની પાસે લઈ જવો. ગુરુકુળ શબ્દમાં વિદ્વાન આચાર્ય અને એમના શિષ્યમંડળનો સમાવેશ થતો હતો. અંતેવાસી શબ્દ પણ આ જ કક્ષાનો છે. જે ગુરુની પાસે વસે છે એ અંતેવાસિન છે. આચાર્ય શિષ્યને સંબોધન કરતા ત્યારે ‘સોમ્ય’ શબ્દ વપરતા અને શિષ્યો આચાર્યને આદરપૂર્વક ‘ભગવાન્’ કહેતા. આચાર્ય શબ્દનો અર્થ થતો હતો આચાર ગ્રહણ કરાવનાર વ્યક્તિ.
એક ઉપનિષદ્દમાં પિપ્પલાદ ઋષિનો ઉલ્લેખ આવે છે, જે પીપળનું ફળ ખાઈને જીવતા રહેતા હતા માટે એમનું નામ પિપ્પલાદ પડ્યું હતું. માત્ર અમુક વિદ્યાઓ જાણનાર મંત્રજ્ઞ કહેવાતો હતો, સાચો જ્ઞાની એ આત્મજ્ઞાની હતો.
ગ્રેજ્યુએટને માટે સ્નાતક શબ્દ વપરાતો હતો અને આ શબ્દને સ્નાન સાથે સંબંધ હતો. સ્નાતક એટલે સ્નાન કરેલો. સ્નાતક થઈ ગયા પછી એક પ્રકારનું સ્વલ્પવિરામ આવી જાય છે?
ક્લોઝ અપ :
અહં બ્રહ્માસ્મિ, એટલે હું પોતે જ બ્રહ્મ હોઉં, હું પોતે જ ઈશ્વર હોઉં, તો પછી મને મરજીમાં આવે તેમ આચરવાનો પરવાનો મળી જાય છે. ઘણા… આવો અર્થ માનનારા વેદાન્તીઓનો ઉપહાસ કહે છે…
અબ્દુલના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.
આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટિક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે, વિટામિન સી અને આયર્ન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે. બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે; જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે.
આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતાં. સવિતાબહેન અંદાજે ૪૦ વર્ષની વયનાં આનંદી સ્વભાવનાં અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ. સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતું. સવિતાબેનના આ નાનકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા.
એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો. બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં. અબ્દુલ પથારીમાં પડ્યો હતો. માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેનને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ.
પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયું. કારણકે, અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજિત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે, આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.
પણ હવે મોટુ સંકટ હતુ – અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ. અનેક પ્રશ્નો ખડા થયા. જેમકે શહેરમાં કોણ હાથ ઝાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ.
પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસૂઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો. એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ.
હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઊતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તકમાંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો.
આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળીને તેમનો આભાર ન માની શક્યો કારણકે, તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયાં. ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી.
પણ મને ખૂબ આનંદ છે કે, સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતાં તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ. આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ – આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે. (આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)
કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ” ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે. ”
હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રશ્નનો જવાબ જાણવા સુશ્રી જીગીષા જૈન નો આ લેખ વાંચવો જ જોઈએ.
હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને ?…જિગીષા જૈન
હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ષણ દેખાય નહીં તો? આ પરિસ્થિતિને સાઇલન્ટ હાર્ટ-અટૅક કહે છે. ભારતમાં ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જે ઘાતક અને ગંભીર સમસ્યા છે
મહેતા પરિવારના પંચાવન વર્ષના વડીલને છેલ્લા બે દિવસથી ખૂબ અળખામણું લાગતું હતું. બેચેની થતી હતી અને અંદરથી કંઈ સારું નથી એમ લાગતું હતું. ઘરના બધાએ કહ્યું કે આવું તો થાય, થોડી ઊંઘ બરાબર કરો તો બધું જતું રહેશે. થાક એકદમ લાગવા લાગ્યો હતો તો તેમને થયું કે તેમની શુગર ઓછી થઈ જતી હશે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમને ડાયાબિટીઝ હતો અને દવાઓ ખાતાં-ખાતાં ક્યારેક એવું થતું કે શુગર એકદમ વધી કે ઘટી જતી. આવા સમયે થાક લાગતો. તેમને થયું કે શુગરની જ તકલીફ હશે એટલે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ.
ડૉક્ટરે પૂછ્યું, ‘છાતીમાં દુખાવો કે શ્વાસમાં કોઈ તકલીફ થઈ રહી છે?’
મહેતાભાઈએ કહ્યું, ‘ના, કશું નથી. બસ, થાક થોડો લાગતો હતો તો થયું કે બતાવી આવીએ.’
ડૉક્ટરે તપાસ કરી અને લાગ્યું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. ટેસ્ટમાં ખબર પડી કે મહેતાભાઈને હાર્ટ-અટૅક આવ્યો હતો. કોઈ પણ લક્ષણ બતાવ્યા વગર મહેતાભાઈને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમનો તરત ઇલાજ શરૂ થયો. મેડિસિન આપવામાં આવી. દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા. બાયપાસ પણ થઈ ગઈ, પરંતુ હજી જોઈએ એવી રિકવરી આવી નથી એનું કારણ એ હતું કે તે અટૅકના બે દિવસ પછી હૉસ્પિટલમાં પહોંચ્યા અને તેમના મોડા હૉસ્પિટલ પહોંચવા પાછળ જવાબદાર તેમનો સાઇલન્ટ હાર્ટ-અટૅક હતો. હાર્ટ-અટૅક જે કોઈ પણ લક્ષણ વગર આવ્યો હતો. જો વ્યક્તિને કંઈ થાય જ નહીં તો તેને ખબર કેમ પડે કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. છતાં ડૉક્ટર તેમને નસીબદાર ગણાવતા હતા, કારણ કે આ પરિસ્થિતિમાં જેમને પણ સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકોમાંથી પચીસ ટકા લોકો હૉસ્પિટલ પહોંચી શકતા જ નથી, સીધા જ મૃત્યુ પામે છે.
સાઇલન્ટ હાર્ટ-અટેક પોતે જ એક મોટી બલા છે. ઘાતક રોગોમાં સૌથી પહેલો નંબર હાર્ટ-અટૅકનો આવે છે, પરંતુ એમાં પણ વધુ ઘાતક અને ગંભીર કંઈ છે તો એ છે સાઇલન્ટ હાર્ટ-અટૅક. હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રfનનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે અને શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો આદર્શ રીતે શરીર કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા જતાવે છે કે કઈ તકલીફ છે.
હાર્ટ-અટૅકનાં પણ ખાસ ચિહ્નો છે. જેમ કે એનાં ક્લાસિક ચિહ્નોમાં છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવો મુખ્ય છે. આદર્શ રીતે અટૅક આવે એ પહેલાં પણ અમુક ચિહ્નો સામે આવે છે અને અટૅક આવ્યા પછી તો તરત જ દુખાવો અને શ્વાસની તકલીફ દેખાય એટલે વ્યક્તિ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગે છે. જોકે સાઇલન્ટ હાર્ટ-અટૅક એને કહે છે જેમાં અટૅકનાં આ મુખ્ય ચિહ્નો જોવા મળતાં જ નથી. ઊલટું કોઈ પણ ચિહ્નો જોવા મળતાં નથી. ખબર જ નથી પડતી દરદીને કે તેને અટૅક આવ્યો છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે. આ ખરેખર ગંભીર તકલીફ છે.’
કોના પર રિસ્ક?
આમ તો સાઇલન્ટ હાર્ટ-અટૅક તેને પણ આવી શકે છે જેના શરીરમાં દુખાવાને સહન કરવાની કૅપેસિટી ઘણી વધારે હોય. આપણે ત્યાં એવા લોકો છે જેમને વાગે તો અસર જ નથી થતી, કારણ કે તેમની સહનશક્તિ ખૂબ વધારે હોય છે. એટલે તેમને અહેસાસ જ નથી થતો કે આ પેઇન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બાકી સૌથી વધુ રિસ્ક કોના પર છે એ વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સાઇલન્ટ હાર્ટ-અટૅક થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં જેમને હાર્ટ-અટૅક આવે છે તેમના ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હોય છે. ખાસ કરીને જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય અને એ પણ કન્ટ્રોલમાં ન રહેતો હોય તો સાઇલન્ટ હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિના શરીરમાં ન્યુરોપથીની તકલીફ સર્જાય છે. એટલે કે વ્યક્તિની નસો ડેમેજ થાય છે જેને લીધે શરીરમાં જે પણ ઈજા થાય એ બાબતે મગજ સુધી એનો સંદેશો પહોંચતો નથી અને એને કારણે મગજ કોઈ રીઍક્શન જ આપતું નથી. તેની સંવેદના જ મરી જાય છે. એને કારણે કોઈ લક્ષણો જોવા મળતાં નથી. તકલીફ તો થઈ જ છે, ડૅમેજ થઈ જ રહ્યું છે; પરંતુ લક્ષણો દ્વારા સમજી શકાતું જ નથી. આ પરિસ્થિતિ સમજીએ એના કરતાં પણ વધુ ગંભીર છે.’
નુકસાન
હાર્ટ-અટૅક થયા પછી તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ઇલાજ કરવાનો હોય છે એ ત્યારે જ વધુ અસરકારક નીવડે છે જ્યારે તમે વહેલાસર હૉસ્પિટલમાં પહોંચો. આ બાબતે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જેમને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકો હૉસ્પિટલમાં મોડા પહોંચે છે. તેમનો રેગ્યુલર ઇકોકાર્ડિયોગ્રામ કઢાવીએ ત્યારે ખબર પડે છે કે તેમને અટૅક આવ્યો હતો. ત્યારે એ જોવામાં આવે છે કે તેમના હાર્ટને કેટલું ડૅમેજ થયું છે અને એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે. સંપૂર્ણ ઇલાજ કર્યા છતાં પણ આ દરદીઓમાં એવી રિકવરી જોવા મળતી નથી જે તાત્કાલિક ઇલાજ મેળવનાર દરદીમાં જોવા મળે છે. આ સૌથી મોટી તકલીફ છે, કારણ કે ભવિષ્યમાં આ દરદીઓને વધુ નુકસાન વેઠવું પડે છે.’
રોકી શકાય?
જે રોગનું કોઈ લક્ષણ જ નથી એને રોકવો અશક્ય જ છે, પરંતુ એ ન થાય એ માટે અમુક પ્રયત્નો કરી શકાય. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સૌથી મહkવની વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાને ડાયાબિટીઝથી જ બચાવે, પરંતુ જો તે એનો ભોગ બની જ ચૂક્યો હોય તો ડાયાબિટીઝને શરૂઆતી સ્ટેજમાં જ સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરે. જો એ શરૂઆતી સ્ટેજ જતું રહ્યું હોય અને ડાયાબિટીઝ વ્યક્તિને છે જ તો એ બાબતે અત્યંત સજાગ રહે કે તેનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં રહે. ડાયાબિટીઝ જેટલો કન્ટ્રોલમાં નહીં રહે એટલી તકલીફની શક્યતા વધવાની જ છે. માટે જરૂરી છે કે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે. જે લોકો શિસ્તબદ્ધ છે અને શુગર એકદમ કન્ટ્રોલમાં રહે છે એમને આ તકલીફ નથી થતી.’
માઇલ્ડ અને સાઇલન્ટમાં ફરક
હાર્ટ-અટૅક આવે પણ લક્ષણો જ દેખાય નહીં એનો અર્થ શું એ થાય કે અટૅક એટલો માઇલ્ડ છે કે ખબર જ ન પડી? ના, માઇલ્ડ અટૅકમાં પણ એવું થતું હોય છે કે દરદીને ખાસ ખબર પડતી નથી કે તેને અટૅક આવ્યો છે. જોકે માઇલ્ડ અટૅક અને સાઇલન્ટ અટૅકમાં ફરક છે. સાઇલન્ટ અટૅકનો મતલબ એ જ કે વ્યક્તિને ચિહ્નો કોઈ દેખાતાં નથી. જોકે અટૅક તો સિવિયર કે માઇલ્ડ બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે જ સાઇલન્ટ અટૅક આવતી વ્યક્તિઓમાં પચીસ ટકા વ્યક્તિઓ હૉસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતી, ત્યાં જ ઢળી પડે છે જેનો અર્થ એ કે અટૅક એટલો સિવિયર હતો કે જીરવી જ ન શક્યા; પરંતુ લક્ષણો જ નહોતાં એટલે ખબર જ ન પડી.
જો તમે જીવવાનો વિચાર ન છોડો તો
હાર પણ તમારી નજીક ફરકતાં વિચારશે.
આ શબ્દો
છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધી ચાફેકરના.
નિધી ચાફેકર…નામ જાણીતુ લાગે છે? કદાચ એ નામ પરિચિત ના પણ લાગે પણ ૨૦૧૬ ની ૨૨મી માર્ચે બ્રસેલ્સના ઝેવેન્ટેમ એરેપોર્ટ પરના આતંકી હુમલાથી તો આપણે માહિત છીએ જ. એ સમયે થયેલા આતંકી હુમલામાં ૩૨ વ્યક્તિઓએ જાન ગુમાવી અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. નિધી ચાફેકર બ્રસેલ્સથી ઇન્ડીયા પરત થતી જેટ ઍરવેઝની ઇનફ્લાઇટ મેનેજર હતી.
એક બોમ્બ બ્લાસ્ટથી ચોતરફ વેરાયેલા વિનાશ અને ઍરપોર્ટના ભેંકાર ખંડીયેર વચ્ચે બીજા એક વધુ બોમ્બ બ્લાસ્ટના લીધે ફૂટબોલની જેમ ફંગોળાયેલી નિધીનું શરીર ધડાકાના લીધે દાઝીને કાળુ પડી ગયું હતું. શરીર પણ ઉભા થવા સાથ નહોતું આપતું. નિધીના શરીરમાં લોખંડના ૪૭ જેટલા ટુકડા તો પ્રથમ સર્જરી સમયે જ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી બારેક સર્જરીમાં લોખંડની ઝીણી ઝીણી અસંખ્ય કરચો કાઢવામાં આવી. પચ્ચીસ ટકાથી પણ વધુ જેટલા બળી ગયેલા શરીર પર સ્કિન ગ્રાફ્ટીંગ સર્જરી પણ થઈ. કાનમાં બોમ્બના ટુકડા ઘૂસી ગયા હોવાથી કાનનો પડદો ફાટી ગયો હતો. ભાનમાં આવે ત્યારે યાદદાસ્ત પણ સાથ આપતી ન હતી. સર્જરી દરમ્યાન અનેક વાર થયેલા ઇન્ફેક્શનના લીધે કદાચ સૌએ એના જીવવાની આશા છોડી દીધી હતી.
એવા સંજોગોમાં પણ ડોક્ટરોના પ્રયાસો અને અર્ધ ચેતનાવસ્થામાં પણ સતત હકારાત્મક અભિગમ અને લડી લેવાના દ્રઢ મનોબળથી નિધીએ મોતના આ જંગ સામે વિજય પ્રાપ્ત કર્યો. આજે પણ એની એક આંખમાંથી લોખંડનો ટુકડો નિકળ્યો નથી. જ્યારે સંપૂર્ણ હોશો-હવાસ મેળવ્યા ત્યારે નિધી આપમેળે ચાલી પણ શકતી નહોતી. ગગનમાં ઊંચી ઊડાન ભરનાર નિધી વૉકરના સહારે આવી ગઈ હતી.
એ પોતાના અનુભવને આધારે કહે છે કે,
‘આપણને ઉભા કરવા માટે દવાઓ માત્ર ૨૦ ટકા અને ૮૦ ટકા આત્મબળ–વ્યક્તિનો પોતાનો હકારાત્મક અભિગમ જરૂરી છે. જીવવાની જિજીવિષામાંથી જીતવાની જિજીવિષા ઉત્પન્ન થાય છે.’ ‘There is no gain without pain”. આ વિશ્વમાં હું એકલી જ નથી.
જેને ઇશ્વરના આ આશીર્વાદ મળ્યા હોય. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને ધૈર્ય, શૌર્ય અને શક્તિના ઇશ્વરદત્ત આશીર્વાદ મળેલા જ હોય છે. જરૂર છે માત્ર એને પારખવાની. સમસ્યાઓ આવે છે આપણને તોડી નાખવા નહીં, પણ જોડી રાખવા. આપણને આપણી જાતની ઓળખ આપવા , આપણી જ શક્તિઓથી જાત જોડે જોડી રાખવા. જ્યારે મુશ્કેલીઓ આપણને તોડવા કટીબદ્ધ થાય છે ત્યારે આપણે એની સામે લડવા કેટલા કટીબદ્ધ છીએ એના પર આપણી જીત નિર્ભર છે.
જ્યારે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વાત આવે છે ત્યારે જો એમ વિચારીએ કેહવે શું થશે એના બદલે એમ વિચારીએ કે શું નહી થઈ શકે? બધુ જ શક્ય છે. મનમાં જો સંભવત શક્યતાઓને પ્રાધાન્ય આપવા માંડીએ તો આખું બ્રહ્માંડ આપણી પડખે આવીને ઊભું રહેશે. સતત પોતાની જાતને એક વિશ્વાસ-એક ખાતરી આપતા રહો કે આજે જે પરિસ્થિતિ છે એ કાલે રહેવાની નથી. પગ નીચે દરિયાનું મોજું આવ્યું છે એ માત્ર પગ ભીના કરીને પાછુ વળી જવાનું છે. જરૂર છે એ સમયે પગ નીચેથી સરકતા પાણીની સાથે વહી જવાના બદલે સ્થિરતાથી જાતને જમીન સાથે જકડી રાખવાની.
જીવનમાં જેટલો જરૂરી છે પ્રેમ, વિશ્વાસ, સંબંધોની સાર્થકતા એનાથી વધુ જરૂરી છે આત્મબળ.
વાચકોના પ્રતિભાવ