વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: વાર્તા

1319 – સમયની ખરી ચાલ બાબત ખબર ક્યાં!…સત્ય કથા …ડો. શરદ ઠાકર

Dr. Sharad Thakar with PM Modi

Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 28 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.

સમયની ખરી ચાલ બાબત ખબર ક્યાં!…સત્ય કથા …ડો. શરદ ઠાકર

હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.

મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.

‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.

‘થેન્કયુ! થેન્કયુ! ક્યાંથી જડ્યો?’ ડૉ. ભટ્ટે પૂછ્યું.

‘તમારા બૂટની અંદરથી.’

‘પણ બૂટમાં તો મોજાં હોવા જોઇએ!’

‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.

‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’

‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.

વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.

પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.

‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.

પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.

અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.

પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’

‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.

***

તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.

એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.

‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘

(સત્ય ઘટના)

(શીર્ષક પંક્તિ: ડૉ.કેતન કારીયા)

https://gujaratiliterature.wordpress.com/2011/06/14/180511/

1286- બે પ્રેરક સામાજિક વાર્તાઓ …સંકલિત

મિત્રો એમના વોટ્સેપ સંદેશમાં અવાર નવાર સાંપ્રત સમયના સમાચાર,વિડીયો, ટૂંકાં સુવાક્યો વી. ઉપરાંત ઉત્તમ ગમે એવી સાહિત્ય સામગ્રી મોકલતા હોય છે.

આજની પોસ્ટમાં આવા વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત મને ગમેલી બે ટૂંકી વાર્તાઓ વાચકોને માટે પ્રસ્તુત કરું છું.

આ સામાજિક વાર્તાઓમાં જીવન ઉત્કર્ષ માટેનો જે સુંદર સંદેશ છે એ આપને ગમશે.

વિનોદ પટેલ

જીવનની PHD …જય લીમ્બાચીયા

જીવનની પી.એચ.ડીની ડીગ્રી પ્રાપ્ત એક વૃદ્ધ માજીની વાત 

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !

બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !

પુત્ર વધુ બોલી “ બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! ”

માજી બોલ્યા “ શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !”

બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !

અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી, સમજુ પત્ની સમજી ગઈ !

બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !

લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !

બેલ મારી તો માજીનો અવાજ સંભળાયો “ કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! ”

દરવાજો ખુલ્યો તો ૯મા માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ની આશ્ચર્ય પામી ગયા.

ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા “ પાણી પાણી —– ” ગીત સાથે ઝૂમી રહ્યા હતા !

પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યાં ..
“ બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ, વાંધો નહિ, ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !”

આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ, તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !

સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ, તમારી પી.એચ.ડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

-Jay Limbachiya

સૌજન્ય.. ..  પ્રતિલીપી.કોમ  

 

ચિત્ર સૌજન્ય .. ગુગલ ઈમેજ 

પીઝઝાના એ આઠ ટુકડા……….

જીવનનો અર્થ સમજાવતી વાર્તા ...

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા, કામવાળી બે દિવસ નહિ આવે…

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને…તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયાનું???

કામવાળી:

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,
બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,
દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,
50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,
60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,
25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,
50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો
અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા, બુક અને પેન્સિલ લેવા માટે કચરા

પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું????

મન માં જ વિચાર આવવા લાગ્યા….

તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો…

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

‪#‎પહેલો‬ ટુકડો છોકરા ની શર્ટ નો,
‪#‎બીજો‬ ટુકડો દીકરી ની મીઠાઈ નો,
‪#‎ત્રીજો‬ મંદિર માં પ્રસાદ નો,
‪#‎ચોથો‬ ભાડા નો,
‪#‎પાંચમો‬ ઢીંગલી નો,
‪#‎છઠ્ઠો‬ બંગડી નો,
‪#‎સાતમો‬ જમાઈ ના બેલ્ટ નો
અને ‪#‎આઠમો‬ બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.

પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

1282-બેટા …હું લપસી ગયો છું… પણ પડ્યો નથી..

એક મિત્રએ એના વોટ્સ એપ સંદેશમાં કોઈ અજ્ઞાત લેખકની સુંદર વાર્તા મોકલી છે. એમના આભાર સાથે વાચકોને માટે શેર કરું છું.

આ વાર્તા ” બેટા …હું લપસી ગયો છું… પણ પડ્યો નથી…”  જરુર વાંચશો.

ગાડી ને વરસાદી વાતવરણમાં પાર્કિંગમાંથી મેં બહાર કાઢી…

અમારા વર્કશોપ સુપરવાઇઝર દવે સાહેબ ને…જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો ધીમા પગે…વરસાદ મા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા…

મેં કારને બ્રેક મારી.. દવે સાહેબ ને કહ્યું ”કાકા…ગાડી મા બેસી જાવ…તમે કહેશો ત્યાં ઉતારી દઇશ…”

કાર..રસ્તા વચ્ચે દોડતી હતી…

મેં આગળ કહ્યું ”કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર હવે આરામ કરવા ની નથી..?”

ધીરૂ પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..કાકા ધીરે થી બોલ્યા….

”બેટા જરૂરિયાત વ્યક્તીને કા તો લાચાર બનાવે છે..અથવા..આત્મનિર્ભર થતાં શીખવાડે છે…
જીવવું છે..તો રડી..રડી…યાચના..અને યાતના ભોગવીને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો.”

મતલબ હું સમજ્યો નહીં…દવે કાકા આપની ઉમ્મર…?

”બેટા…. મજબૂરી માણસ ને વગર ઉમ્મરે ઘરડું કરી નાખે છે…પણ હું ઉમ્મર લાયક હોવા છતાં…યુવાન જેવું કામ કરૂં છું.કારણ.. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે…અથવા તમારૂ મનોબળ અને જે મારી પાસે છે..મારે 72 પુરાં થયાં ”દવે સાહેબ મીઠું સ્માઈલ આપતાં બોલ્યા…

મારાથી બોલાઈ ગયું  ” સાહેબ…દીકરા પાસે અમેરિકા જતા રહો….આ ઉંમરે શાંતીથી જીવો.”

દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા…

”કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા….

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ…

અર્થ : સંસાર સ્વાર્થથી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ.”

કાકાની હસતી આંખો પાછળ દુઃખનો દરિયો છલકાતો હતો…

”બેટા.. મારે પણ ફેક્ટરી હતી.ભૂલ માત્ર એટલી કરી…મેં મારા પુત્ર ને ખોટા સમયે…વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો.યુવાનીના થનગનાટમાં ખોટા નિર્ણયો લેવાથી…એક દિવસ ફેક્ટરીને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો.!

એકાદ વર્ષ પછી અમેરિકા થી ફોન આવ્યો…પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું?

મેં કહ્યું ”બેટા …હું લપસી ગયો છું …પણ પડ્યો નથી.તને એક વર્ષે તારા બાપાની યાદ આવી… એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો.ફોન મુક..શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો.”

તારા કાકીએ મારી સામે દયાની નજરે જોયું…

મેં..તારી કાકીને કહ્યું .”અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય.એને તો ફક્ત બે હાથ જ છે.દેવા વાળો મારો મહાદેવ છે જેને હજારો હાથ છે.”

”દવે કાકા…તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ.. ખરી ?”

”જો બેટા… બધા લેણાદેણી ના ખેલ છે.મારી પાસે પૂર્વજન્મનું કંઈક માંગતો હશે…તો…લઇ ગયો..કેમ લઈ ગયો તેનું દુઃખ નથી… આમે ય  …તે હક્કદાર અને મારો વારસદાર હતો પણ લેવા ની રીત, સમય અને વર્તન યોગ્ય ન હતું.”

બસ બેટા ગાડી આ મંદિર પાસે ઉભી રાખ…ભોળે ભંડારી ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો.”

”હવે…બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે…તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો ભોળો ભંડારી સારો…”

દવે..કાકા ને ગાડી બંધ કરી..મેં હાથ પકડી..મંદિર સુધી લઇ જવા પ્રયતન કર્યો.પણ દવે કાકા બોલ્યા..

”બેટા… હું ઘણા વખતથી કોઈ નો હાથ પકડતો નથી કારણ કે ….પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી…વગર કારણે જયારે છોડી દે છે એ સહન નથી થતું તેના કરતાં ધીરૂ અને સંભાળીને પણ આપણા પગે ચાલવું.”

એ ફરીથી હસતાં હસતાં બોલ્યા ”બેટા.. હું લપસી ગયો છું ..પણ હજુ પડ્યો નથી….
મારો….મહાદેવ છે ને…એ નહીં પડવા દે…ચલ બેટા…હર.. હર મહાદેવ.”

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ અને પોતાની મક્કમ પણ ધીરી ગતિ થી ચાલતા દવે કાકાને હું જોઈ રહ્યો.

મિત્રો….

દુઃખએ અંદરની વાત છે.સમાજને તેનાથી મતલબ નથી….સમાજને હંમેશા હસતો ચેહરો ગમે છે.ગમે તેટલું દુઃખ પડે…અંદર થી તૂટી જશો તો ચાલશે….પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તીત્વ રાખજો.સમાજ નીચોવી નાખવા બેઠો છે….

તૂટેલી ભગવાન ની મૂર્તિને તો લોકો ઘરમાં પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે.રડવું હોય તો ભગવાન સામે રડી.લેજો..બધાના ખભા એટલા મજબૂત નથી હોતા…

જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણ નું પાત્ર જોઈએ તેમ…આપણી આંખનાં આંસુ ઝીલવા..સજ્જન માણસનો ખભો જોઈએ .સમાજ અને કુટુંબમાં મંથરા..અને સકુની મામા ઘણા ફરે છે ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા.

મેં ગાડી ચાલુ કરી….થોડો ફ્રેશ થવા FM રેડિયો ચાલુ કર્યો….

કિશોરકુમારનું ગીત……વાગતું હતું..

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો દોષ કોને દેવો.

એક પિતાએ તેના પુત્ર ના નામે દોલત લખતાં પહેલાં કહેલા  શબ્દો..યાદ આવ્યા..

”બેટા….હું તારા ઉપર આંધળો વિશ્વાશ મુકું છું,જવબદારી તારી છે…મને આંધળો સાબિત ન કરવાની.જીંદગીમાં બધી ચાલ..ચાલજો..પણ કોઈનો વિશ્વાસ તોડતા નહીં….કારણ કે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મુકેલ વિશ્વાસ  જ તેની મરણ મૂડી હોય છે….અને એ ગુમાવ્યા પછી …મોતની રાહ જોવા સિવાય…તેની પાસે કશુ બચતુ નથી.”

સંકલન .. વિનોદ પટેલ  

1279 ‘’અદ્દલ મારા જેવી જ છે’’ … વાર્તા …સ્નેહા પટેલ … એક નવો પરિચય

વાચક મિત્રો,

મહિલા ગૌરવ એવોર્ડ -2016 ‘ સાથે સ્નેહા પટેલ

વિનોદ વિહાર માટે એ આનંદના સમાચાર છે કે અમદાવાદમાં રહેતાં  જાણીતાં લેખિકા અને કવયિત્રી સુ.શ્રી. સ્નેહા પટેલ‘’અક્ષિતારક’’ એ એમની સાહિત્ય રચનાઓ સાથે સૌ પ્રથમ વાર પધારી રહ્યાં છે.વિનોદ વિહારમાં એમનું હાર્દિક સ્વાગત છે.

વિનોદ વિહાર માટે એમણે ખાસ બે લેખો અને એક કાવ્ય મોકલેલ છે એટલું જ નહિ પણ એમના બ્લોગ અક્ષિતારક  માંથી જે કોઈ સાહિત્ય રચના ગમે એને વિ.વિ.ના વાચકો માટે પોસ્ટ કરવાની સંમતી આપી છે એ બદલ એમનો આભારી છું.

સુ.શ્રી સ્નેહા પટેલનો પરિચય

અમદાવાદમાં રહેતાં સ્નેહા પટેલ એક પ્રોફેશનલ લેખિકા છે.નીચેનાં પ્રકાશનોમાં એમની નિયમિત કોલમમાં તેઓ લખે છે.

૧.ફૂલછાબ દૈનિક પેપર, રાજકોટમાં ‘નવરાશની પળ’

૨.ખેતીની વાત, માસિક મેગેઝિન, રાજકોટમાં ‘મારી હયાતી તારી આસ – પાસ

૩ .શ્રી ખોડલધામ સ્મૃતિ મેગેઝિન, રાજકોટમાં ‘આચમન’

૪. પટેલ સુવાસ, અમદાવાદ

૫.ગુજરાત ગાર્ડી ‘ મહિલા ગૌરવ એવોર્ડ -2016 ‘ યન દૈનિક પેપર, સુરતમાં ‘સ્માઈલ પ્લીઝ”

તેઓ કહે છે ..

”મારા વિશે બે જ લાઇનનો પરિચય બહુ થઈ પડે આમ તો કે,

‘નદી જેવી બિન્દાસ વહુ છું

હા પણ

વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’

સ્નેહાબેનનાં છાપાઓની કૉલમનાં 6 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. (૧) વાત થોડી હૂંફની (૨) વાત બે પળની અને (૩) વાત દીકરીની – દીકરીએ જ સાસરે કેમ જવાનું ? (4) વાત@હ્રદયકોમ પ્રથમ (5) વાત ચપટી’ક સુખની અને (6) આક્ષિતારક (કાવ્ય સંગ્રહ).આ બધા પુસ્તકોની બીજી આવૃત્તિ ટૂંકા ગાળામાં જ થઈ ચૂકી છે.

સ્નેહાબેનનો વધુ વિગતે પરિચય એમના જ શબ્દોમાં એમના બ્લોગ અક્ષીતારકમાં ”મારા વિષે થોડુંક ”લીંક પર ક્લિક કરીને વાંચો.

https://akshitarak.wordpress.com/about-me/

આજની પોસ્ટમાં સ્નેહાબેનએ મોકલેલ એમની વાર્તા ” અદ્દલ મારા જેવી જ છે ‘’  એમના આભાર સાથે પ્રસ્તુત છે.

સ્નેહાબેન પટેલ એક સમાજ અભિમુખ લેખિકા છે.સ્નેહાબેનની વાર્તાઓ એટલે સામાજિક સંબંધોના તાણાવાણાઓથી ગુન્થાએલી એક રંગીન ખુબસુરત જાજમ.એમની વાર્તાઓમાં સમાજ માટે કોઈ ને કોઈ પ્રેરક સંદેશ છુપાએલો જોવા મળે છે.

વિનોદ વિહારના સુજ્ઞ વાચકો માટે સ્નેહાબેનની અન્ય ગમતી સાહિત્ય રચનાઓનો આસ્વાદ અવાર નવાર કરાવતા રહીશું.

વિનોદ પટેલ    

અદ્દલ મારા જેવી જ છે ….વાર્તા … સ્નેહા પટેલ 

આરોહી આજે ખૂબ ખુશખુશાલ હતી. એની દીકરી અન્વેષા આજે સ્કુલમાં વાર્ષિક ફંકશનમાં યોજાયેલ દોડની સ્પર્ધામાં ૮૬ સ્પર્ધકોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવી શકેલી. એ બદલ એને સ્કુલ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અન્વેષાના સફેદ ઝગ ફ્રોક ઉપર એના ગળામાં લાલ સાટીનની રીબીનમાં પીળો ચંદ્રક વીંટીમાં જડેલા હીરા જેવો ચમકી રહયો હતો. બે ગાલ પર હાથ મૂકીને આંખો અહોભાવમાં પહોળી કરીને આરોહી એકીટશે એની લાડકવાયીને જોઇ રહી હતી. આમ જ ભાવાવેશમાં એની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા એની પણ એને ખબર નહતી રહી.

અન્વેષા અચાનક હસી પડી અને એની મમ્મીના આંસુ પોતાની તર્જની પર લઈને રાજકુમારની જેમ ફિલ્મી અદામાં બોલી,

‘ આ બહુ જ મૂલ્યવાન મોતી છે માતા, એને જમીન પર ના પાડો.’

અને આરોહી ભફ્ફાક.. દેતાં’કને હસી પડી. પ્રેમથી અન્વેષાનો કાન ખેંચીને બોલી,

‘ચાલ હવે ચિબાવલી, ચૂપ થઈ જા તો. એ તો તું જ્યારે મા બનીશ અને તારું સંતાન આવી સિધ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તને આ લાગણી સમજાશે.’

અને અન્વેષાનું કપાળ પ્રેમથી ચૂમતાં બોલી,

‘સાવ મારી પર જ ગઈ છે, હું પણ સ્કુલમાં કાયમ આમ જ પ્રથમ નંબર લાવતી હતી.’

અને વળતી પળે જ માતાના પ્રેમ ઝરણમાં નહાતી અન્વેષાના મોઢામાં કાંકરો આવી ગયો હોય એવી લાગણી ઉભરાઈ. જો કે એણે પોતાની લાગણી બહુ જ સફળતાથી છુપાવી લીધી એથી આરોહીને એના વિશે કશું જાણ ના થઈ.

થોડા સમય પછી,

અન્વેષા એના મિત્રો સાથે કાશ્મીર બાજુમ ટ્રેકીંગ પર નીકળી પડી હતી. નેટ પર જોઇ જોઇને બધી જ જગ્યાનું પૂરેપૂરું એનાલીસીસ કરીને જોઇતા પૈસા, સામાન અને બધી જ સાવધાનીનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. માત્ર એક ખભા પર પાછળ લટકાવવાની બેગ લઈને એ સાહસયાત્રા પર નીકળી પડી. લગભગ આઠ દિવસનો પ્રોગ્રામ હતો અને એનું પૂરું સંચાલન અન્વેષાના હાથમાં. મુસાફરીમાં અનેક જગ્યાએ એની અનેક વખત કસોટી થઈ અને આપસૂઝથી અન્વેષા એમાંથી આસાનીથી બહાર પણ નીકળી ગઈ.

સાહસયાત્રા પરથી પાછી આવ્યા પછી થાક ઉતારીને બીજા દિવસે અન્વેષા પૂરાં ઉત્સાહથી પોતાની કહાની મમ્મી પપ્પાને સંભળાવી રહી હતી. કેવી કેવી મુશ્કેલીઓ આવી એનો એ લોકોએ કેવી રીતે સામનો કર્યો, ક્યાં ક્યાં કેવી અગવડ પડી – કેટલી ય જરુરિયાતની વસ્તુઓ વગર પણ ચલાવ્યું અને એ બધી જગ્યાને કેવી રીતે પોતાના એસ. એલ. આરમાં યાદગીરીરુપે કંડાર્યુ એ બધાની માહિતી આપતી હતી અને અચાનક એના પપ્પા અશ્વીન બોલી ઉઠ્યો,

‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અમે પણ આવી યાત્રાઓ બહુ જ કરતાં હતાં. અસ્સલ મારી પર જ ગઈ છે મારી ઢીંગલી.’

અને અન્વેષાના મોઢામાં ફરીથી ક્વીનાઈનની ટીક્ડી ઘોળાઈ ગઈ. આજે એની સહનશક્તિ એનો સાથ છોડતી જણાઈ અને એના મોઢામાંથી શબ્દો ફૂટી નીકળ્યાં,

‘મમ્મી – પપ્પા, નાનપણથી મારી દરેક સફળતા, હોંશિયારીમાં તમે લોકો તમારી જ સફળતા અને સ્માર્ટનેસ કેમ શોધો છો?’

‘મતલબ ?’ આરોહી અને અશ્વીન અચાનક જ આવા વિચિત્ર અને અણધાર્યા પ્રશ્નથી ચોંકી ગયા.

‘મતલબ એ જ કે મારી કોઇ પણ સિધ્ધી હોય ભલે દોડવાની હોય કે આવી રીતે ટ્રેકીંગની હોય કે પછી કપડાંની પસંદગી હોય કે મેથ્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાની – દરેક વાતનો અંત તો ‘અસ્સલ મારી પર ગઈ છે’થી જ હોય છે. માન્યું કે સંતાનોમાં એમના માતા પિતાના અનેક ગુણ હોય જન્મજાત જ હોય પણ એની પાછળ તમે મારી હોંશિયારીની કોઇ કદર ના કરો કાં તો નજરઅંદાજ કરીને બધો જશ પોતાના માથે જ લઈ લો છો એ વાતની તમને ખબર જ નથી હોતી. મારે તમારા મોઢે સાંભળવું હોય છે કે,

‘અન્વેષા બેટા, તું બહુ જ સાહસી છો, હોંશિયાર છું, તાકાતવાન છું. તારી સાથે આટલા બધા મજબૂત હરીફો હોય છે એનાથી ગભરાયા વિના હિંમત રાખીને તું એમનાથી આગળ નીકળી જાય છે એ ખરેખર કાબિલે તારીફ કામ છે, આટલી નાની ઉંમરમાં તેં તારામાં આટલા બધા ગુણ વિક્સાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એના બદલે કાયમ મને તમારા તરફથી ‘તું તો અસ્સલ મારા પર જ ગઈ છું’ જેવી એકની એક રેકોર્ડ જ સાંભળવા મળે છે.માન્યું કે તમારા જીન્સ મને મળ્યાં છે પણે બધાંને સમજીને મેં મારી રીતે મારામાં એ બધાને ડેવલોપ કરવામાં બહુ મહેનત કરી છે.તમારા જેવી ભલે ને વીસ વીસ ટકા માનો અને મને મારી પોતાની જેવી બાકીના સાઈઠ ટકા તો માનો. કાયમ સરખામણી કરવાનો આ સ્વભાવ ત્યજી દો પ્લીઝ.’

‘હા દીકરા , તારી વાત સાચી જ છે. નાનપણથી અમે અમારા સંતાનોમાં અમારા અંશ અને ગુણ જ શોધતા ફરીએ છીએ અને બીજાંઓ અમારી કમજોરી અમારા સંતાનોમાં શોધીને એક વિચિત્ર આનંદ મેળવે છે. પણ આજે તેં જે વાત કહી એ વાત તો અમારા હરખઘેલાં વાલીઓને ખ્યાલ જ માં નથી આવતી કે,’અમારું સંતાન ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, એના આજુબાજુના વાતાવરણમાંથી જાતે બધું શીખતું થયું છે, એની પોતાની પણ એક આઈન્ડેટીટી છે. અમને માફ કરજે દીકરાં. આજે તેં અમારી આંખો ખોલી દીધી.વી આર રીઅલી પ્રાઉડ ઓફ યુ. અમારું સંતાન આટલું વિચારશીલ છે એનો અમને ખૂબ જ આનંદ છે.’

અને અશ્વીને અન્વેષાના કપાળ પર ચુંબન અંકીત કરી દીધું.

અન્વેષાની આંખમાંથી એની જાણ બહાર આંસુ વહી રહ્યાં હતાં.

-સ્નેહા પટેલ

 

સ્નેહાબેન –કવયિત્રી તરીકે

નીચેના વિડીયોમાં જાણીતા કવિ શ્રી તુષાર શુક્લા સાથે લેખિકા/કવયિત્રી સ્નેહા એચ.પટેલ ડીડી-૧ પર કાવ્ય પઠન કરતા જોઈ /સાંભળી શકાશે.

સ્નેહાબેનએ ઈ-મેલમાં મોકલેલ એમની એક સુંદર કાવ્ય રચના  

પ્રથમ જાતને એ પજવવાનું હોય,

પછી ભીતરે ક્યાંક ઠરવાનું હોય !

 

પ્રથમ બારણાંએ ઊઘડવાનું હોય,

પછી બહાર એણે નીકળવાનું હોય !

 

ઉપર એક પગથિયું જ ચડવાનું હોય,

પછી બે પગથિયાં ઉતરવાનું હોય !

 

સ્વયંને સમર્પિત કરવાનું હોય,

ન બનવાનું ક્યારેક બનવાનું હોય !

 

લખીને ભૂંસી પાછું લખવાનું હોય,

પ્રથમ નિજ આંખે ઊકલવાનું હોય !

 

ઘૂંટણ સુધી આવી જતા બેઉ પગ,

આ ઠંડીમાં એવું થથરવાનું હોય !

 

કશું આપણી બે ય વચ્ચે નથી,

અને હોય છે તે સમજવાનું હોય !

 

છૂટીને ય છૂટી શકાતું નથી,

ન મળવાનું જાણે કે મળવાનું હોય !

 

તમોને જે દુ:ખ્યા કરે છે ભીતર,

એ મારામાં આવી વિકસવાનું હોય !

 

-સ્નેહા પટેલ

‘અક્ષિતારક’ પુસ્તક – પેજ :9

1272 – જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં શકતી…સત્ય ઘટનાત્મક વાર્તા..ડૉ. શરદ ઠાકર

Dr. Sharad Thaker

‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓથી ગુજરાતી સાહિત્યમાં એમનો આગવો વાચક વર્ગ ઊભો કર્યો છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી અને સંવેદનશીલ પ્રસંગોને આવરી લઈને ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી અને રસાળતાથી રજુ કરે છે

ડો.શરદ ઠાકર વ્યવશાયએ એક ડોક્ટર છે.એમની વાર્તાઓ એમના અનુભવોમાંથી પ્રાપ્ત સત્ય કથાઓ ઉપર મુખ્યત્વે આધારિત હોઈ વાચકના દિલને એ સીધી સ્પર્શી જાય છે.આ વાર્તા પણ એનું એક ઉદાહરણ છે.

વિદેશમાં રહેતા એન.આર.આઈ.ડોકટરોમાંથી કેટલાક ડોકટરો વતન પ્રેમી પણ હોય છે અને દેશમાં વસતા ગરીબ દર્દીઓની સેવા કરવા આતુર હોય છે.આ સત્ય ઘટનાત્મક વાર્તામાં ડો.ઠાકર એવા કેટલાક દેશ પ્રેમી અને સેવા ભાવી ડોકટરોની વાત લઈને આવ્યા છે.

આ પ્રેરક વાર્તા આપને વાંચવી જરૂર ગમશે.
વિનોદ પટેલ

જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી..સત્ય ઘટનાત્મક વાર્તા … ડો. શરદ ઠાકર

તારીખ 6 જાન્યુઆરી, 2019. અમેરિકાથી ઊડેલું વિમાન અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું અને અંદરથી ગોરા, અર્ધ ગોરા અને ઘઉંવર્ણા પ્રવાસીઓ બહાર ઠલવાયા. ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એ સામાન્ય રીતે એન.આર.આઇ.ના આગમનનો સમય ગણાય છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં અગિયાર મહિના પરસેવો પાડીને થાક ઉતારવા માટે આપણા ગુજરાતીઓ વતનમાં પધારે છે. છઠ્ઠી તારીખે વિમાનમાંથી ઊતરેલા પ્રવાસીઓમાં પાંચ પ્રવાસીઓ એવા હતા જે પોતાનો થાક ઉતારવા માટે નહીં, પરંતુ થાક વધારવા માટે પધાર્યા હતા.

એમાં એક આપણા ગુજ્જુ ડૉક્ટર હતા. ડૉ. શીતલ પરીખ. ડૉ. શીતલભાઈ અમદાવાદમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઘણાં વર્ષોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સિનસિનાટી ખાતે આવેલી બાળકો માટેની હોસ્પિટલમાં હાડકાંના વિભાગમાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ સારું કમાયા છે. વિશાળ બંગલામાં રહે છે, ડોલરની દીવાલો છે અને ઐશ્વર્યની છત છે. સુખી થવા માટે હવે એમણે વધારે કશું જ કરવાની જરૂર નથી, પણ આજથી છ વર્ષ પહેલાં એમના દિમાગમાં અજંપાનો કીડો સળવળ્યો. જે દેશે મને ડિગ્રી આપી, ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, પરદેશમાં જઈને પૈસા કમાવાની આવડત આપી એ દેશ માટે મેં શું કર્યું?

  • અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે?

આ અજંપો એમની છાતીમાં શારડીની જેમ ઘૂમરાતો હતો ત્યાં જ અનાયાસે જવાબ જડી ગયો. અમદાવાદ ખાતે આવેલી હેલ્થ એન્ડ કેર સંસ્થાના મોભી ડૉ. ભગતસાહેબનો સંપર્ક થયો. ડૉ. ભગત ભારે જાલિમ માણસ છે. જાતે તો જિંદગી સેવામાં ખર્ચી નાખી, પણ જે એમના સંપર્કમાં આવ્યા તેમને પણ સેવામાં જોતરી દીધા. એમાં આ ડૉક્ટર શીતલ પણ ઉમેરાઈ ગયા.

‘આપણા ગુજરાત રાજ્યમાં હાથ-પગનાં વાંકા વળેલાં હાડકાંની જન્મજાત ખોડ ધરાવતાં અસંખ્ય બાળ વિકલાંગો છે. એ બધાં અત્યંત ગરીબ પરિવારોમાં જન્મ્યાં છે. કોઈના હાથ વળેલા છે તો કોઈના પગ વળેલા છે. આ બાળકોનું જીવન નર્કસમાન બની ગયું છે. તમે એમના માટે કંઈ કરી શકશો?’ ભગતસાહેબે પૂછ્યું.

ડૉ. શીતલે જવાબ આપ્યો, ‘હું એકલો તો કંઈ ન કરી શકું, પણ જો મારી સાથે કામ કરતા નિષ્ણાત ડૉક્ટરો સહકાર આપે તો ઘણું બધું કરી શકાય.’

ડાૅ. શીતલે એમનું કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતા બધા ડૉક્ટરો અલગ અલગ દેશોમાંથી આવેલા હતા. એક પણ ડૉક્ટર ભારતીય ન હતો. એમને મનાવવાનું કામ અઘરું હતું. ભારતની ગરીબી, ગંદકી, કોલાહલભર્યું વાતાવરણ, બેફામ ટ્રાફિક અને માણસોનાં ટોળેટોળાં! અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં બેક્ટેરિયારહિત વાતાવરણમાં સાફસૂથરા દર્દીઓ ઉપર ઓપરેશન કરવા ટેવાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટરો ગુજરાતના ગરીબ, ગંદા, અશિક્ષિત અને અભાગી દર્દીઓને સાજા કરવા માટે હજ્જારો માઇલનો પ્રવાસ કરીને અમદાવાદ આવવા તૈયાર થાય ખરા? અને જો થાય તો એમની ફી કેટલી માગે?

ડૉ. શીતલને એમનું કામ કરવા દઈને થોડી વાર આપણે ભગતસાહેબની ગતિવિધિ તરફ ધ્યાન આપીએ. ભગતસાહેબે સૌથી પહેલાં એમની સાથે જોડાયેલા ઓર્થોપેડિક સર્જનોને ભેગા કર્યા. ડૉ. કેતન દેસાઈ, ડૉ. દેવમુરારિ, ડૉ. મૌલિન શાહની સાથે મંત્રણા કરી. એક્શન પ્લાન તૈયાર કર્યો. શક્ય તેટલા દર્દીઓ સુધી વાત પહોંચાડી. ઝૂંપડાંઓમાં આશાનો સૂરજ ઝળહળવા મંડ્યો. મગન, વિઠ્ઠલ, રઘુ, ચીમન, બબલી, મંગુ, ચંપા આ બધાં અભાગી બાળકોનાં માવતરોની આંખો ચમકી ઊઠી. બધે વાત ફેલાઈ ગઈ. અમેરિકાથી મોટા ડૉક્ટરો આવશે અને આપણાં છોકરાઓ અને છોકરીઓનાં ઓપરેશનો કરીને એમને સાજાં-સારાં કરી આપશે. પછી એ બાળકો પોતાના પગ પર ટટ્ટાર ઊભાં રહીને ચાલી શકશે. લોકો તેની હાંસી કરે છે તે બંધ થઈ જશે. આ કૂબડાંઓને કન્યાઓ મળશે અને કુબજાઓને વર મળી જશે. વાતાવરણ બંધાઈ ગયું.

અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે? ભોજનનો પ્રબંધ કેવો હશે? તમારા ઓપરેશન થિયેટરનું અંદરનું વાતાવરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હશે કે નહીં? ઓપરેશન માટે વપરાતાં સાધનો, દવાઓ તથા ઇમ્પ્લાન્ટનો ખર્ચો કોણ ભોગવશે? દર્દીઓનું શારીરિક આરોગ્ય કેવું હશે? એમનું શૈક્ષણિક સ્તર અને સમજદારીની કક્ષા કેવી હશે?

ડૉ. ભગતસાહેબ તરફથી સાંપડતા જવાબો મૂંઝવી નાખે તેવા હતા. દર્દીનાં મા-બાપ તદ્દન ગરીબ હશે. દર્દીઓ (બાળકો) મહિનાઓથી નહાયા ન હોય તેવાં ગંદાં હશે. પોષણનો અભાવ. ભાષાનું અજ્ઞાન. વાણી-વર્તનની શુદ્રતા. પણ અમારા તરફથી તમને પૂરો સહકાર મળી રહેશે. ઉતારાની વ્યવસ્થા, ભોજનપ્રબંધ, ઓપરેશન થિયેટરનું સ્તર શ્રેષ્ઠ કક્ષાનું આપીશું. અમારા ડૉક્ટરો, નર્સ બહેનો તથા અન્ય કર્મચારીઓ ખડેપગે સેવામાં હાજર રહેશે, પણ એક વાતની ચોખવટ કરી લઉં. તમને કે તમારા ડૉક્ટર મિત્રને ફી પેટે એક પૈસો પણ નહીં આપી શકું. જો સેવા કરવાનો સંતોષ લેવો હોય તો આવજો; તો જ આવજો અને હું વિશ્વાસ અપાવું છું કે એમાં કચાશ નહીં રહે.

ડૉ. શીતલનો જવાબ આવી ગયો, ‘અમે આવીએ છીએ.’ આ ઘટના 2013ની. એ પછી સતત પાંચ વર્ષથી ડૉક્ટર શીતલ પરીખ અમેરિકાથી ઊડીને, એમના નિષ્ણાત સર્જનમિત્રોને લઈને અમદાવાદ આવતા રહ્યા છે અને સેવાઓ આપતા રહ્યા છે. આ છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક વાર તેઓ આવી ગયા. એમની સાથે આવેલા ડૉક્ટરો કોઈ રેંજીપેંજી ન હતા. ડૉક્ટર મિસિસ વેન્ડી, ડાૅ. એન્ડ્રિયા ચાન, ડૉ. ડોમિનિક લેરોન, ડૉ. મિકાહ શિન્કલેર, આ બધાં એવાં નામો છે, જેમનું અમેરિકામાં માત્ર મુખદર્શન કરવું હોય તો પણ તગડી ફી ચૂકવવી પડે અને તે પણ ડોલરની કરન્સીમાં.

કોઈ અમેરિકામાં જન્મેલું હતું તો કોઈ કેનેડામાં. ડો. એન્ડ્રિયા ચાઇનીઝ મૂળની હતી. તો ડૉ. મિકાહ ફિલિપાઇન્સથી અમેરિકા ગયેલા હતા. આ બધાં ડૉ. શીતલ પરીખના પ્રેમના તાંતણે બંધાઈને અમદાવાદ આવી પહોંચ્યાં. આવતાં પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી, ‘વિમાનની આવવા-જવાની મુસાફરીનો ખર્ચો અમે જાતે ભોગવીશું.’ ડૉ. શીતલે કહ્યું.

‘રહેવાનું કોઈ મધ્યમ કક્ષાની હોટલમાં રાખીએ તો ફાવશે? કે કોઈ ડૉક્ટરના બંગલામાં ગોઠવીએ?’

સામૂહિક ઉત્તર મળ્યો, ‘રહેવાનું મોંઘામાં મોંઘી હોટલમાં રાખીશું. એનું બિલ જાતે ભોગવીશું.’

એમ જ થયું. મહેમાનોને રિસીવ કરવા ગયેલા ભગતસાહેબે પૂછ્યું, ‘લંચ, ડિનર અને બ્રેકફાસ્ટનું શું કરીશું?’

ફરીથી કોરસ ગુંજી ઊઠ્યું, ‘સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનું જમણ સ્વખર્ચે હોટલમાં જ કરી લઈશું. આખો દિવસ તો ઓપરેશનો ચાલતાં હશે એટલે લંચ માટે બહાર જવા જેટલો સમય નહીં રહે.’

એનો તોડ ભગતસાહેબ પાસે હતો. બપોરે દોઢ વાગ્યે, બે વાગ્યે કે અઢી વાગ્યે જ્યારે ઓપરેશનોમાં ઇન્ટરવલ પડે ત્યારે બધા મહેમાનોને સંસ્થાના જ એક રૂમમાં શુદ્ધ ભારતીય ભોજન જમાડવાનું ગોઠવી દીધું.

તારીખ 7મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તો પતાવીને ડૉક્ટરો કામ પર ચડી ગયાં. કુલ 155 દર્દીઓને તપાસ્યા. એમાંથી 45 બાળકોને ઓપરેશન માટે અલગ તારવ્યાં. આ એવાં બાળકો હતાં જેમની ડિફરમિટી ખૂબ વધારે હતી. એ પછી ઓપરેશનોનો સિલસિલો શરૂ થયો. એક એક ઓપરેશન કલાકો સુધી ચાલનારું અને થકવી નાખનારું હતું. ભગતસાહેબે સંસ્થાના ઓપરેશન થિયેટરને વર્લ્ડ ક્લાસનું બનાવી દીધું હતું.

ડૉ. પ્રકાશ ભટ્ટ બધી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સ્થાનિક સર્જનોની ટીમ અમેરિકાથી આવેલાં સર્જનોને મદદ કરી રહી હતી. સતત 10થી 12 કલાક સુધી ઓપરેશનો ચાલતાં રહ્યાં. દૂર દૂરનાં ગામડાંઓમાંથી આવેલાં સાવ ચીંથરેહાલ માવતરો પોતાનાં ખોડખાંપણવાળાં બાળકોને અજાણ્યાં ડૉક્ટરોના હાથમાં સોંપીને થિયેટરની બહાર બેસીને ભીની આંખે ઈશ્વરને પૂછી રહ્યા હતા, ‘હે ભગવાન! આ સપનું છે કે સાચું? અમારાં સંતાનોને જોઈને અમારા જ ગામના લોકો હાંસી ઉડાવતા હતા ત્યારે આ દેવતાઈ લોકો કોના મોકલ્યા અહીં આવી પહોંચ્યાં છે?’

આ ગરીબ બાળ વિકલાંગોની સારવાર માટે જેટલો ખર્ચ કરવો પડ્યો એ તમામ ખર્ચ સંસ્થાએ જાતે જ ભોગવ્યો. મોંઘી-મોંઘી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, રહેવાનો તથા ભોજનનો ખર્ચ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતનું ડ્રિલ મશીન આ બધું દાતાઓનાં ખિસ્સાંમાંથી આવી ગયું.

હું જ્યારે આ પરદેશી પંખીડાંઓને મળ્યો ત્યારે તેઓ થાકીપાકીને પછી પણ પ્રસન્ન જણાતાં હતાં. મેં પૂછ્યું, ‘તમે આ અભણ બાળકો અને એમનાં મા-બાપો સાથે વાતચીત કેવી રીતે કરી શક્યાં? એમને તો ગુજરાતી પણ શુદ્ધ બોલતા આવડતું નથી?’

ડૉ. વેન્ડીએ જવાબ આપ્યો, ‘જગતમાં સૌથી અસરકારક ભાષા ઇશારાઓની જ હોય છે અને જે વાત વાણીથી નથી બોલી શકાતી તે આંખો બોલી નાખે છે.’

જ્યારે મેં મહેમાનોનો આભાર માનતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર! મારા ગરીબ દેશનાં અત્યંત ગરીબ બાળકો માટે તમે ઈશ્વર બનીને આવ્યાં છો. એમની પાસે આભાર માનવા જેટલા શબ્દો નથી. એ બધાં વતી હું તમારો આભાર માનું છું.’

ડૉ. મિકાહ ભીના અવાજમાં બોલી ઊઠ્યા, ‘મિત્ર, જે વાત તમે શબ્દોમાં કહી એ જ વાત એ બાળકોની આંખોમાં ઊભરાયેલાં આંસુઓએ અમને જણાવી દીધી છે.’

(આવતા વર્ષે પણ ડૉ. શીતલ પરીખ ફરીથી આવવાના છે. ખોડખાંપણવાળાં બાળકોનાં મા-બાપ સંપર્ક સાધી શકે છે.)

drsharadthaker10@gmail.com

સૌજન્ય … દિવ્ય ભાસ્કર … ડો.શરદ ઠાકર 

વાર્તા લેખક ડો. શરદ ઠાકર ની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.

1255- સીક્કાની બીજી બાજુ …વાર્તા ….લેખિકા …આશા વીરેન્દ્ર

સીક્કાની બીજી બાજુ…વાર્તા ….–આશા વીરેન્દ્ર

વસુન્ધરા હજી પંદરેક દીવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પીતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી.

લીફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દુબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.

‘શું નામ તારું?

‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.

‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.

કોના ઘરે?’

‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દીવસ–રાત.’

વસુન્ધરાના મગજ પર બાળમજુરી નાબુદીની ધુન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જુએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જુએ તો, એની આંતરડી કકળી ઉઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે ફુલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલીકોની વીરુદ્ધ ફરીયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીનેય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મીશનનાં શ્રીગણેશ કરી દીધાં.

રવીવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વીચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.

‘તમે જ મીસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પુછ્યું.

‘જી, આવોને અન્દર…’

‘ના, ઉભા ઉભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલીન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વીનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પુછવું છે કે આ ઉમ્મરની વ્યક્તીને કોઈના સહારાની જરુર હોય કે નહીં?’

શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મુંઝાયેલી હતી ત્યાં મી. રાવે આગળ ચલાવ્યું : 

‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરીયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરીક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શીખામણના બે શબ્દો તમને કહી શકું?’

‘જી, જરુર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.

‘જુઓ બહેન, સીક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નીર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’

એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળીયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પુછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.

એક સાંજે હજી તો ઓફીસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.

‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પીતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મીત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.

‘એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધીકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વીષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરુરીયાતમન્દોને પડખે ઉભા રહ્યા. અમેરીકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’ 

બીજે દીવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :

‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સીડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લુંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરીયાદ કરી મંગાની નોકરી છાડાવી; તોય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’

વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઉભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મુકી કહ્યું :

‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ બહેન. આ ગુનેગારને એની ભુલનું પ્રાયશ્ચીત્ત કરવાનો મોકો આપજે.’

મંગાને હાથે માથ ફેરવતાં એણે પુછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા? મંગાએ આંસુ લુછતાં ‘હા’ પાડી.

–આશા વીરેન્દ્ર

(‘શ્રી. આદુરી સીતારામ મુર્તી’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે..
તા. 16 માર્ચ, 2018ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી વાર્તા).

સર્જક–સમ્પર્ક :
આશા વીરેન્દ્ર,
બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર,વલસાડ– 396 001 

ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137 ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય …શ્રી ઉત્તમ ગજ્જર 

સન્ડે ઈ.મહેફિલ માંથી સાભાર 

વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com