વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: વિશેષ વ્યક્તિ

( 635 ) સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને એમનાં પ્રેરક વિચાર મોતી

Swami Vivkanand

(૧૨ જાન્યુઆરી૧૮૬૩૪ જુલાઇ૧૯૦૨)

“ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

સ્વામી વિવેકાનંદ   

૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતીનો દિવસ.

૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ અને ૪થી જુલાઈ ,૧૯૦૨ ના રોજ બેલુર મઠ ખાતે એમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો.

માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !

આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,

ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.  

હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ,

ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.   

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. 

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. 

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

swamiji10એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. 

સ્વામી વિવેકાનંદ વિશે વધુ જાણવા માટે 

વિકિપીડિયાની આ લીંક પર ક્લિક કરો.

સમાધી લીધી એ પહેલાંના સ્વામીજીના શબ્દો

Before his Mahasamadhi he had written to a Western follower:

 “It may be that I shall find it good to get outside my body,to cast it off like a worn out garment. But I shall not cease to work.I shall inspire men every where until the whole world shall know that it is one with God.”

સ્વામી વિવેકાનંદ વિષે આખો અંગ્રેજી લેખ નીચેની લીંક ઉપર વાંચો.

http://www.belurmath.org/swamivivekananda.htm

 

સ્વામી વિવેકાનંદનાં વિચાર મોતીઓની માળા 

સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો ,પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે . એમાંથી કેટલાક પસંદગીનાં પ્રેરક વિચાર મોતીઓ અહીં મુક્યા છે. 

ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ. ક્રોધ  કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.

 પ્રથમ  તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે. 

દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે. 

વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલેથી જ  હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણે જ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ. 

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકશો . 

જુના ધર્મોએ કહયું , ‘જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે ,’જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. 

કરોડો રૂપિયા ખોવોયેલા કદાચ પાછાં મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહિ આવે. 

પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાઈ થી જાગ્રત કરી શકાય છે.

પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે. 

નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. 

જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. 

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે. 

કદી પણ કોઈને મનથી, વચનથી, વિચારથી દુઃખી ના કરશો . સમસ્ત પ્રકૃતિના જીવો પ્રત્યે દયા દાખવવી એજ અહિંસા છે અને અહિંસા જ પરમ ધર્મ છે. 

રોજ રાત્રે સુતા પહેલાં પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરો કે હે પ્રભુ આજના દિવસ દરમ્યાન મારાથી કોઈને પણ વાણી કે વર્તનથી તકલીફ થઇ હોય તેને માટે હું માફી માંગું છું, મને માફ કરજો અને ફરી કદી ના થાય તે માટે સદબુદ્ધિ આપજો

સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે .આ સમયે પ્રકૃતિમાં સત્વગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે શ્રેષ્ઠ સમય છે. 

શ્વાસ જયારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણાંમાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે  અને બંનેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું.આપણે જયારે શાંત હોઈએ અને બંને નસકોરાંમાંથી સરખો શ્વાસ લેતા હોઇએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ તેમ માનવું. 

પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે. 

જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે. 

કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. 

દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે. 

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. 

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે.

સ્વામી વિવેકાનંદ 

નીચેની પી.ડી.એફ.ફાઈલ ઉપર સ્વામીજીના વધુ પ્રેરક વિચારો  

સ્વામી વિવેકાનંદની રામ કૃષ્ણ પરમહંસ સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરી

સ્વામી વિવેકાનંદ અમદાવાદમાં આવ્યા હતા 

ઘણા ઓછાને ખબર હશે કે સ્વામી વિવેકાનંદ અમદાવાદમાં આવ્યા હતા 

સ્વામી વિવેકાનંદે ઈ.સ.૧૮૯૧માં અમદાવાદની સફર કરી હતી અને કોટ વિસ્તારમાં ખાડિયાની અમૃતલાલની પોળમાં આવેલી લાલશંકરની હવેલીમાં સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિએ રોકાણ કર્યું હતું.સ્વામી વિવેકાનંદ જુલાઈ-૧૮૯૦થી ડિસેમ્બર-૧૮૯૨ દરમિયાન હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર કરી હતી.તેઓ ક્યારેક વિવેકાનંદ’, ક્યારેક સચ્ચિદાનંદતો ક્યારેક વિવિદિશાનંદજેવાં વિભિન્ન નામો ધારણ કરીને ઓળખ છુપાવતા હતા.

પરિભ્રમણ દરમિયાન અજમેર, રાજસ્થાન થઈને ગુજરાતમાં ઈ.સ.૧૮૯૧ના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં પ્રવેશ્યા હતા.અમદાવાદમાં થોડા દિવસો વિવેકાનંદે ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબ જજ અને સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી રેલવે સ્ટેશનની બહાર નીકળતા હતા ત્યારે એક પ્રભાવશાળી સંન્યાસી(વિવેકાનંદ) પીપળાના વૃક્ષ નીચે બેઠા છે તે જોવે છે, લાલશંકર ત્યાં પહોંચે છે અને સ્વામી વિવેકાનંદ સાથે સંવાદ કરે છે.

વિવેકાનંદના જ્ઞાાનથી સમાજ સુધારક લાલશંકર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પ્રભાવિત થયેલા લાલશંકર ઉત્સુકતા સાથે વિવેકાનંદને પોતાના ઘેર પધારવાનું નિમંત્રણ પાઠવે છે.જૈન મંદિરા, મસ્જિદોની કલા સમૃદ્ધિ અને વૈભવ-વારસાથી પ્રભાવિત થઈને અમદાવાદમાં અંદાજે ૧૧ દિવસ પસાર કરીને વઢવાણ તરફ પ્રયાણ કર્યું હતું. 

સ્રોત — સંદેશ સમાચાર 

સ્વામી વિવેકાનંદ નું શિકાગોમાં આપેલ ઐતિહાસિક પ્રવચન 

સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. ત્યાં એમણે Sisters  and Brothers of America થી શરૂઆત કરતા જ આખા હોલમાં મીનીટો સુધી તાળીઓનો થયો હતો. 

11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!સાથે શરૂ કર્યુ.

આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ 

 વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!અને જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.

ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી. 

નીચેના વિડીયોમાં સવામી વિવેકાનંદના એ ઐતિહાસિક સંબોધનને સાંભળો.

Swami Vivekananda Speech at Chicago – Welcome Address 

( 621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર -પરેશ શાહ

એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી

Pandit Omkarnath Thakur

Pandit Omkarnath Thakur

મહાત્મા ગાંધી ફિલ્મ અને સંગીતથી દૂર રહ્યાની બાબતથી દેશ અને દુનિયા અજાણ નહોતાં, તેમને એનું ખેંચાણ પણ નહોતું, બીજું તેમની પાસે અનેક મોટા કાર્યો હતાં, છતાં તેમણે એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયનને વખાણ્યું હતું. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે “પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી. પંડિત ઓમકારનાથના ગાયન અને વ્યક્તિત્વનો આવો પ્રભાવ હતો. બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી, એમ પુસ્તક ‘સૂર અને સ્વર’ લખેલું મળે છે. ગતકાળના પ્રખ્યાત અભિનેતાઓ અને રાજ, શમ્મી, શશી જેવા હોનહાર પુત્રોના ઍક્ટર-નાટ્યસર્જક પિતા પૃથ્વીરાજ કપૂર તેમના ગાયનના ઘેલા ચાહક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે ‘પંડિતજી એટલું અદ્ભુત ગાય છે કે તેમના ગીતોને સાંભળવા જ નહીં, પણ આંખથી જોવા પણ જોઈએ.’ પંડિતજી ગાયનમાં અભિનય કે નાટકીયતા પર પણ ભાર મૂકતા હતા.

અહીં આ મહાન ગાયક અને સંગીતમાર્તંડ, સંગીતના શાસ્ત્રજ્ઞને યાદ કરવાનો અવસર એટલે આવ્યો છે કે તેમનો દેહવિલય ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭ના દિવસે થયો હતો. આ મહિનો તેમને અંજલિપૂર્વક યાદ કરવાનો છે. તેઓ સંગીતના જગતમાં જે સ્થાને પહોંચ્યા ત્યાં પહોંચવા પહેલા તેમને આંખમાંથી આંસુ પડાવે અને હૈયું વલોવી નાખે એવો સંઘર્ષ કર્યો હતો. તેમનો કિશોરકાળ તેમને માણવા મળ્યો જ નહોતો એમ કહી શકાય. તેમની લાઈફ-સ્ટોરી કોઈ એક વ્યક્તિના ભાગ્યમાં સિદ્ધિઓ અને નામના કેવી રીતે આવી મળે છે અને કસોટીની એરણે કંચન જ ચડે એની વાત કહે છે. 

તેમનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત પાસેના જહાજ નામના ગામમાં ૨૪ જૂન, ૧૮૯૭ના દિવસે થયો હતો. જહાજ ગામ ખંભાતથી પાંચ કિલોમીટરના અંતરે અને આણંદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે. ઓમકારનાથ ચોથું સંતાન હતા. તેમને બે મોટાભાઈઓ, નાનો ભાઈ અને એક બહેન હતાં. તેમના જન્મ વખતે મોટાભાઈ બાલકૃષ્ણ ૧૨ વર્ષના, 

રવિશંકર ચાર વર્ષના અને બહેન પાવર્તી આઠ વર્ષનાં હતાં. સરકારી (એ વખતે રાજાઓની) ચાકરી કરનારા કુટુંબમાં જન્મેલા ઓમકારનાથના દાદા પંડિત મહાશંકર નાનાસાહેબ પેશ્ર્વાના લશ્કરમાં હતા તો પિતા ગૌરીશંકર વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડના માતા મહારાણી જમનાબાઈના લશ્કરમાં બસો સશસ્ત્ર ઘોડેસવારોની ટુકડીના કમાન્ડર હતા, પણ ‘અલવણીબાબા’ નામના યોગીના સંપર્કમાં આવીને ગૌરીશંકરે નોકરી છોડી સંન્યસ્ત ગ્રહણ કરી લીધું, પિતા પ્રણવના ઉપાસક બન્યા એટલે સંતાનો ઉછેરવાની અને ઘર ચલાવવાની બેવડી જવાબદારી માતા ઝવેરબાના માથે આવી. પિતાની આ અવસ્થામાં ચોથા સંતાનનો જન્મ થતા તેમનું નામ ઓમકાર રાખવામાં આવ્યું હતું. ગૌરીશંકરે ઘર છોડ્યું નહોતું, પણ ઘરસંસારમાં તેમનું મન નહોતું. ઝવેરબાને સંયુક્ત કુટુંબની જવાબદારી ઉપાડવાની હતી તે સાથે જેઠના મિજાજને અને વડીલોના અપમાનોને સાંખવાના હતા. સંતાનોને પ્રેમ આપવાનો સમય તેમની પાસે ક્યાંથી હોય? માતા શારીરિક અને માનસિક ગજબની ખુમારીવાળાં હતાં, તેમની મહેનત કરવાની વૃત્તિ અને પિતાના સાહસના ગુણ ઓમકારનાથના લોહીમાં આવ્યા હતા. ઉપરાંત પિતા પાસેથી પ્રણવ-ઉપાસનાનો પાસ પણ મેળવ્યો હતો. એ વખતના બહુ ઓછા સંગીતકારો-ગાયકો-કળાકારો શરીરની સુદૃઢતા પ્રત્યે ધ્યાન આપતા હતા જ્યારે ઓમકારનાથ નિયમિતપણે વ્યાયામ અને સૂર્યનમસ્કાર કરતા હતા જે તેમણે ગામા પહેલવાન પાસેથી શીખ્યા હતા. વળી તેઓ ખાનપાનમાં બહુ જ કડક હતા ચુસ્ત શાકાહારી હતા અને પોતાના આરોગ્ય પ્રત્યે બહુ સભાન રહેતા. વર્ષો સુધી સ્વીમિંગ અને રેસલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ઓમકારનાથે જીવનભર શિસ્તભર્યું જીવન વીતાવ્યું હતું. પિતાએ નોકરી છોડતા ઘરની આર્થિક સ્થિતિ કથળી એટલે પિતા કુટુંબને લઈને પગપાળા ભરુચ આવીને વસ્યા હતા. પંડિતજીનો જન્મ જ આવા સંજોગોમાં થયો હતો. પિતા તો પછી નર્મદાકિનારે સાધનામાં લાગી ગયા. માતાએ રસોઈ કરવાનું કામ કરવા માંડ્યું. પિતા પાસે અનેક યોગિક શક્તિ હોવાનું ઓમકારનાથજી કહેતા. પિતાએ પોતાના મૃત્યુનો સમય ભાખ્યો હતો અને મૃત્યુ અગાઉ પંડિતજીની જીભ પર એક મંત્ર લખી આશીર્વાદ આપ્યા હતા. ઓમકારનાથ ૧૪ વર્ષના હતા ત્યારે પિતા દેવલોક થયા હતા.

કપરી સ્થિતિમાં પંડિતજી રાંધણકળા શીખી ગયા અને તેમણે એક વકીલને ત્યાં રસોઈ કરવાનું કામ કર્યું હતું. સાથે પિતાની સેવા કરવા તેમની ઝૂંપડીએ પણ જતા. પંડિતજીએ વખત પડતા મિલ મજૂર તરીકે કામ કર્યું હતું ઉપરાંત નાનાં મોટાં કામો કરી માતાને આર્થિક ટેકો આપવાના પ્રયાસ કર્યા હતા. મિલ કામદાર તરીકે કામ કરતા ત્યારે વાંકડિયા ઝુલ્ફાવાળા હેન્ડસમ, હોંશિયાર અને હાર્ડ વર્કિંગ છોકરા પર મિલમાલિક ફિદા થઈ ગયા અને પંડિતજીને દત્તક લેવા વિચાર્યું પણ માતાએ એમ કહીને ના પાડી ક્ે ‘મારો દીકરો કોઈ પૈસાવાળાનો દત્તક દીકરો શું કામ બને? એ તો મા સરસ્વતીની કૃપાથી બહુ મોટી કિર્તી-નામના મેળવવાનો છે.’ છેવટે માતાના એ શબ્દો ખરા પડ્યા પણ.

વિમલકુમાર મોહનલાલ ધામીએ લખેલા પુસ્તક ‘સૂર અને સ્વર’માં નોંધાયું છે કે પંડિતજીનો અવાજ પહેલેથી મધુર, ભજનો ગાતા, તેમની દસ વર્ષની વયે રામલીલાના એક સંચાલકે તેમનો અવાજ સાંભળીને લક્ષ્મણની ભૂમિકા માટે રોકી લીધા. ચાર મહિના તેમાં કામ કરીને પંડિતજીને ૩૨ રૂપિયાનું વેતન મળ્યું એ માતાને આપી દીધું હતુું. તેમના આવા અવાજ પર ખુશ થઈને શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજી નામના એક પારસી ધનાઢ્યે તેમને અને તેમના નાના ભાઈ રમેશચંદ્રને સ્પોન્સર કરતા બેઉ બંધુઓ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની નિગેહબાની હેઠળ ચાલતા ગાંધર્વ મહાવિદ્યાલયમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી. છ વર્ષના શિક્ષણમાં ગુરુ-શિષ્યનો નાતો પિતા-પુત્ર સમાન બન્યો હતો. ૧૯૧૬માં પંડિત પલુસ્કરે લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કરતા તેમણે ૨૦ વર્ષના પંડિત ઓમકારનાથ ઠાકુરને પ્રિન્સિપલ તરીકે મુક્યા. વર્ષો પછી ઑગસ્ટ ૧૯૫૦માં બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં મ્યુઝિક ફેક્લ્ટી શરૂ કરવામાં આવી ત્યારે પંડિત ઓમકારનાથજી ઠાકુર તેના પહેલા ડીન બન્યા હતા.

આ ઠાકુર અટકની પણ એક કથા છે, જે મૂળ સુરતના પણ અધ્યાપન કાર્ય અંગે વડોદરા પાસે સાવલીમાં વસતા પ્રોફેસર અને કવિ જયદેવ શુક્લે કહી હતી કે પંડિતજી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જબરદસ્ત ચાહક હતા અને તેમનાથી પ્રભાવિત પણ હતા. એ અસરમાં તેમણે ઠાકુર શબ્દને અટક તરીકે અપનાવી લીધો હતો. જયદેવભાઈના કહેવા અનુસાર પંડિતજી પ્રણવરંગના ઉપમાને કાવ્યો-ગીતો લખી તેને કમ્પોઝ પણ કરતા હતા. કવિ શુક્લનું કહેવું છે કે પંડિતજી ગ્વાલિયર ઘરાણાના સૌથી પહેલા એવા ગાયક છે જેમણે તેમની ગાયકીમાં ગ્વાલિયર ઘરાણાને યથાવત્ રાખી તેને કિરાણા ઘરાણાનો પાસ આપ્યો હતો જેથી તેમનું ગાયન વધુ મધુર બન્યું હતું. વળી અન્ય ગાયકો બે તાનપુરાનો સંગાથ મેળવતા પણ પંડિતજી ચાર તાનપુરાનો ઉપયોગ કરતા જેથી તેમના ગાયન-માધુર્યમાં અજબનું ઊંડાણ જણાતું-અનુભવાતું. સંગીતમાં એક મુકામ હાંસલ કર્યા બાદ પણ તેમણે પોતાની નાદોપાસના થંભાવી નહોતી. તેમણે અપ્રચિલત, ઓછા પ્રચલિત રાગોમાં ગીતો કમ્પોઝ કરી તેને સ્ટેજ પરથી ગાવાની હિંમત કરી હતી.

૧૯૨૨માં ઓમકારનાથજી સુરતના ધનાઢ્ય શેઠ પ્રહ્લાદજી દલસુખરામ ભટ્ટના પુત્રી ઈંદિરાદેવીને પરણ્યા હતા. ઘરસંસાર સુખી હતો. લગ્ન બાદ પંડિતજી ભરૂચમાં સ્થાયી થયા હતા. સંગીતમાંથી થતી આવકમાંથી ઘરનું ગાડું ગબડતું હતું. ૧૯૨૪માં તેમને પહેલીવાર નેપાળ જવાની તક મળી. નેપાળના મહારાજા વીર શમશેર જંગબહાદુર સંગીત જલસા ગોઠવતા હતા. નાનાભાઈ રમેશચંદ્ર સાથે પંડિતજી નેપાળ ગયા અને ત્યાં તેમણે શાહી ઘરાણાને જીતી લીધું. તેમને ૫,૦૦૦ રૂપિયાનો રિવૉર્ડ મળ્યો તે સાથે મહારાજાએ તેમને ૩,૦૦૦ રૂપિયાના માસિક પગારે દરબારી સંગીતકાર તરીકે નોકરીની ઑફર કરી પણ અલગારી સંગીતસાધકે તે નકારી કાઢી હતી. ૧૯૩૦થી તેમને સતત નેપાળનું આમંત્રણ મળવા લાગ્યું હતું. આ આવક પણ તેમણે માતાના ચરણે ધરી દીધી હતી.

પંડિતજી સંગીત કાર્યક્રમો, સંગીત વિષયક લેક્ચરો વગેરે માટે વિદેશ જતા થયા, ફ્લોરેન્સ ગયા, પછી જર્મની, હોલૅન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, લંડન, વેલ્સ, સ્વીત્ઝર્લૅન્ડ વગેરે સ્થળોનો પ્રવાસ કરીને નામના મેળવી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં કિંગ અમાનુલ્લા ખાન સમક્ષ પણ ગાયન કર્યું હતું. લંડનમાં તેમને મિત્રોએ કહ્યું કે પંચમ કિંગ જ્યોર્જની સમક્ષ ગાવાની તક માગવાની અરજ કરવા જણાવીને કહ્યું કે તેઓ તમને ‘રાવબહાદુર’નો ઈલ્કાબ આપશે. કલાકાર હૃદય ઉકળી ઉઠ્યું અને ના પાડી દીધી. વિદેશ પ્રવાસમાં તેઓ રશિયા જતા હતા ત્યારે સુવાવડમાં બાળકની સાથે ઈંદિરાદેવીનું અવસાન થયાનો સંદેશો મળતા દુ:ખી હૃદયે દેશમાં પાછા ફર્યા હતા. આઘાતથી એટલા બેબાકળા થઈ ગયા હતા કે હંગામી ધોરણે તેમને વિસ્મૃતિનો રોગ થયો હતો. તેઓ પત્નીને બહુ ચાહતા હતા એટલે તેમણે ફરી લગ્ન કરવાનું નકારી કાઢ્યું હતું અને એ માટે તેમના ઈષ્ટદેવ ભગવાન રામનો દાખલો આપ્યો હતો.

પંડિતજીને અનેક શિષ્યો હતા અને બધા જ શિષ્યો પ્રખ્યાત થયા. તેમનાં કેટલાક નામોમાં ડૉ. પ્રેમલતા શર્મા, યશવંતરાય પુરોહિત, બલવંતરાય ભટ્ટ, કનકરાય ત્રિવેદી, શિવકુમાર શુક્લ, ફિરોજ કે. દસ્તુર, બીજોનબાલા ઘોષ દસ્તીદાર, ડૉ. એન. રાજમ, રાજભાઉ સોનટક્કે, શ્રીમતી સુભદ્રા કુલશ્રેષ્ઠ, અતુલ દેસાઈ, પી. એન. બર્વે, કુમારી નલિની ગજેન્દ્રગડકર અને સુરતના મહાદેવ શર્મા શાસ્ત્રીનો સમાવેશ થાય છે. સાહિત્યકાર-નાટ્યકાર પ્રાગજી ડોસા પણ પંડિતજીના શિષ્યગણમાં હતા.

જયદેવ શુક્લે બીજી એક અજબ વાત કહી હતી કે એકવાર સુરતમાં વરસાદ ન પડયો, લંબાઈ ગયો ત્યારે કિલ્લાના મેદાનમાં પંડિતજીએ આખો દિવસ મલ્હાર રાગના જુદા જુદા પ્રકારો ગાયા કર્યા હતા અને મોડી સાંજે વરસાદ પડ્યો હતો, આ વાત સિદ્ધહસ્ત સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માએ કોઈ ઠેકાણે નોંધી છે. ખાસ વાત એવી છે કે ગ્વાલિયર ઘરાનાની ગમકની તાનો સાથે કિરાના ઘરાનાના ઉમદા સ્પર્શને કારણે તેમના ગાયનનું માધુર્ય મીઠું અને પંડિતજીના સમકાલીનો કરતા જુદું છે. નિલાંબરી, કોમલ રિષભ આશાવરી, માલકૌંસ તો એમને ગમતા રાગ એટલે એવું મન મૂકીને ગાતા કે શ્રોતા દંગ રહી જતો. એ સાથે તેમનું બહુ જાણીતું ભૈરવીમાં ગાયેલું ‘જોગી મત જા…’ ગીત તો દરેક વખતે ફરમાઈશ દ્વારા ગવાયાના દાખલા છે. ‘વંદેમાતરમ’ની પણ કાયમની ડિમાન્ડ હતી જે તેઓ પ્રચલિત ઢાળ મૂકીને પોતાની રીતે કંમ્પોઝ કરેલું એ ગાતા અને દેશના દુશ્મનો પણ વાહ પોકારી ઉઠતા હતા. તેમણે ખાસ પ્રચલિત નહીં એવા ચંપક અને સુહા-સુહાગ રાગ પણ વારંવાર ગાયા છે.

ઓમકારનાથજીએ સંગીત વિષયક કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં સંગીતાંજલિ, સ્વરશાસ્ત્ર, રાગશાસ્ત્ર, પ્રણવભારતી, રસશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. વળી તેમણે ૧૯૪૨માં મુંબઈ છોડ્યું અને વિદ્યાલય બંધ કર્યું. સુરત આવી વસ્યા હતા. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત નેપાળના રાજાએ ‘સંગીત મહોદય’, કાશી સંસ્કૃત વિદ્યાલયે ‘ગાનસમ્રાટ’, બંગાળે ‘સંગીત સમ્રાટ’, પંડિત મદનમોહન માલવિયાએ ‘સંગીત પ્રભાકર’ અને ભારત સરકારે ‘પદ્મશ્રી’ આપ્યો હતો. ૧૯૬૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી ‘ડિ લિટ’ અને ૧૯૬૪માં કલકત્તા યુનિ. તરફથી ‘ડોક્ટર્સ ઑફ લેટર્સ’ની પદવી અપાઈ હતી તેમ જ રવીન્દ્રભારતી યુનિ.એ પણ તેમને કલામાં માનદ્ ડિગ્રી આપી હતી. એક આડવાત રવીન્દ્રભારતીની માનદ્ ડિગ્રી મેળવવામાં ગુજરાતના સપૂતો કદાચ આગળ છે, ગયા વર્ષે વિખ્યાત પેઈન્ટર અને સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને, તેનાા કેટલાંક વર્ષ અગાઉ નાટ્ય-સાહિત્ય સર્જક જ્યોતિ ભટ્ટને અને એ પહેલા ચં. ચી મહેતાને આ બહુમાન મળ્યું હતું. પત્નીના મૃત્યુ ઉપરાંત સ્વજનોની કાયમી વિદાયથી શોકમય રહેનારા પંડિતજીને અગાઉ ૧૯૫૪માં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ તેમાંથી સાજા થઈ ગયા હતા પછી મુંબઈમાં જુલાઈ ૧૯૬૫માં લકવાનો ગંભીર હુમલો થયો હતો તેમાંથી તબિયતમાં આંશિક રીતે સુધારો થયો હતો. ૧૯૬૬માં તેમને લકવાનો વધુ ગંભીર હુમલો થયો તેને કારણે આખું શરીર ઝલાઈ ગયું અને તેમની સ્મરણશક્તિને પણ હાનિ પહોંચી હતી. તેમના જીવનના છેલ્લાં વર્ષો દયાજનક વીત્યા હોવાનું ડૉ. એન. રાજમ લખે છે. વધુમાં તેઓ લખે છે કે ‘એકલતામાં જીવન જીવતા અને ૬૫ વર્ષની પાકટ વયે તેમને ઝાડુ મારતા અને પોતાની રસોઈ બનાવતા જોવા ખરેખર બહુ દયાજનક હતું. છેલ્લે તો પથારીવશ રહ્યા હતા

અધ્યાત્મને સંગીત સાથે જોડવાનો પંડિતજીનો અભિગમ

પંડિત ઓમકારનાથ ઠાકુર જેટલા સંગીતમગ્ન હતા એટલા જ ધામિર્ક-આધ્યાત્મિક પણ હતા. ધામિર્ક વિધિ-વિધાનમાં પૂરી સમર્પિતતા સાથે સામેલ થતા. એમના સુરતના નિવાસ દરમિયાન સુરતના સમર્થ યજુર્વેદ પંડિત સ્વ. ચન્દ્રકાંત શુક્લ સાથે એમનો નિકટનો સંબંધ હતો. પ્રત્યેક નવરાત્રિમાં નવે નવ દિવસ શુકલજીએ ઓમકારનાથજીના ઘરે ચંડીપાઠ માટે જવાનું રહેતું, પણ પંડિતજી અનોખા યજમાન હતા. પોતે હાર્મોનિયમ લઈને શ્રવણ કરવા બેસતા. પંડિતજી હાર્મોનિયમ પર મધ્ય સપ્તકના પંચમનો સૂર લગાડી એમાં જ આખો ચંડીપાઠ કરવાનો આગ્રહ રાખતા. સંગીતના અને પંડિતજીના ચાહક શુક્લજીને આ રીતે પાઠ કરવામાં સામાન્ય કરતા બમણો સમય લાગતો અને આમ નવેનવ દિવસ કરાતું. આધ્યાત્મને સંગીત સાથે જોડવાના પંડિતજીના આ અભિગમને શુક્લજી પણ અનહદ પ્રેમથી સાથ આપતા.

સૌજન્ય-શ્રી પરેશ શાહ, મુંબઈ સમાચાર ,

સાભાર-ડો.કનકભાઈ રાવલ

============================================

પંડિત ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાયેલું એક ગુજરાતી મીરા ભજન 

રાજા તારા ડુંગરિયા પર બોલે જીણા મોર

મોર જ બોલે બપૈયા બોલે , કોયલ કરે કલશોર  

નીચેના વિડીયોમાં એનો આસ્વાદ માણો.

મત જા ઓ જોગી -રાગ ભૈરવી -પંડિત ઓમકારનાથ ઠાકુર

Pt Omkarnath Thakur- Raag Bhairavi,’Jogi Mat Ja’

યુ-ટ્યુબ વિડીયોની આ લીંક ઉપર પંડિત ઓમકારનાથ ઠાકુરને વિવિધ  રાગ ઉપર ગાતા સાંભળી શકાશે.

 ગુગલમાંથી પ્રાપ્ત નીચેની લીંક ડો. કનકભાઈ એ મોકલી છે.

એમાં પંડિતજીનાં કેટલાંક જાણીતાં ગાયનોનો પણ સમાવેશ થાય છે.

સંગીત રસિયાઓ એનો પણ લાભ લઇ શકે છે. 

( 611 ) ટ્રેજેડી કિંગ દિલિપકુમારનો ૯૩ મા વર્ષમાં પ્રવેશ …..

૧૧મી ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ટ્રેજેડી કિંગ દિલિપકુમારનો  જન્મ દિવસ હતો. આ દિવસે ભરપુર જીવન જીવી જન હૃદયમાં એનું સ્થાન સ્થાયી કરનાર આ લોક પ્રિય અદાકારે ૯૨ વર્ષ પૂરાં કરીને ૯૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

મોહમદ યુસુફ ખાન ઉર્ફે દિલિપ કુમારનો જન્મ ૧૧મી ડીસેમ્બર ૧૯૨૨ ના રોજ  હાલ પાકિસ્તાનમાં આવેલ પેશાવર ખાતે થયો હતો. અવિરત ૬૦ સફળ ફિલ્મોમાં અનોખો અભિનય કરીને દિલિપ કુમારે અનેક રસિકોના મનમાં જગ્યા બનાવી છે .નવોદિત કલાકારો માટે તો દિલીપકુમાર એક જીવતી જાગતી પાઠ શાળા સમાન છે.

બોલીવુડનાં ઇતિહાસમાં  એક વખત એવો હતો જ્યારે સીને જગતમાં રાજકપૂર, દિલીપકુમાર અને દેવાનંદનું નામ ઘેર ઘેર ગુંજતું હતું. 

શરૂઆતના તબક્કામાં અંદાઝ, આન, દેવદાસ અને મુગલે આઝલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા દિલિપકુમારે ગંગા જમના, મધુમતી અને નયાદૌર જેવી ફિલ્મોથી લોકોના હૃદયમાં અમિટ છાપ ઉભી કરી દીધી હતી.

દિલીપકુમારની સ્ક્રીન કેમેસ્ટ્રી એટલી અદ્દભૂત હતી કે કોઈપણ ચાહક તેમની ફિલ્મ અનેકવાર જોવા માટે પ્રેરાતો. દિલીપકુમાર અને દર્દનો સંગમ લોકોને એટલો પસંદ પડી ગયો હતો કે લોકો હંમેશાં એમને દુ:ખમાં ડૂબેલા પ્રેમી તરીકે જોવા ઈચ્છતા હતા.એમની અદાકારીની સચ્ચાઈ પ્રેક્ષકોનાં મનને અને આંખોને ભીંજવી દેવાની ક્ષમતા રાખતી હતી . 

વૈજંતિમાલા સાથે દિલિપકુમારની જોડીએ અનેક ફિલ્મો કરી અને બોલીવુડમાં આ જોડીએ એક નવા યુગનો પ્રારંભ થયો હતો.એ બન્નેની યાદગાર અદાકારી ની હિન્દી ફિલ્મ  ગંગા જુમના  લોકોને ખુબ જ પસંદ પડી હતી .

એક વખતે દિલીપકુમારનું નામ ઘણી બધી હિરોઇનો સાથે જોડવામાં આવતું હતું. જેમકે, કામિની કૌશલ, મધુબાલા, વૈજંતિમાલા વગેરે… પરંતુ તેઓ કોઇની સાથે જીવનભર સ્થાઇ ના થઇ શક્યા .

પરંતુ 1966 માં ૪૪ વર્ષના દિલિપકુમારના લગ્ન એમનાથી અડધી ઉંમરનાં એટલે કે ૨૨ વર્ષનાં સાયરાબાનુ સાથે થયાં હતાં ( ૬૬-૪૪-૨૨ = દરેકમાં ૨૨ વર્ષનો તફાવત !). આ કાયમી જોડીએ બોલીવુડમાં એક સુંદર દંપતીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે .સાયરાબાનુ અને દિલિપકુમારે એકસાથે કિલ્લા ફિલ્મમાં કામ કર્યું હતું.

દેવદાસની સફળતા સાથે દિલિપકુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર તરફથી દિલિપ કુમારનું સન્માન કરવામાં આવ્યું હતું અને ૧૯૯૪માં તેમને નિશાને ઈમ્તિયાઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દિલિપકુમારની પ્રસિદ્ધિ અને અભિનયની ચરમસીમા એટલી હદે વધી ગઈ કે તેમને ઈન્ડસ્ટ્રીઝમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ એવોર્ડસ મળ્યા જેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. દિલિપકુમારની પસંદગી મુંબઈના પ્રતિષ્ઠત વ્યક્તિ તરીકે કરવામાં આવી અને તેમને મુંબઈ શહેરના શેરીફ પણ બનાવવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા પણ એમને સન્માનિત કરી પદ્મભૂષણનો એવોર્ડ દિલીપકુમારન આપવામાં આવ્યો હતો.

લોકોના હૃદયમાં દિલીપકુમારે આજે જે જગા બનાવી છે એની પાછળ એમનો સખત પરિશ્રમ,કાર્ય નિષ્ઠા અને ઇમાનદારીની કિંમત ઓછી ન આંકી શકાય.

થોડા સમય પહેલાં અવસ્થાને કારણે તેમને છાતીમાં દુઃખાવો ઉપડતાં મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકોમાં તેમના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલિપ સાબ વતી ટ્વિટરમાં આ વાત ખોટી છે એવો રદીયો આપ્યો હતો.

આવા લોક પ્રિય ટ્રેજેડી કિંગ જ્યારે એમના ૯૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ પ્રસંગે એમને હાર્દિક  અભિનંદન અને એમના દીર્ઘાયુ માટે અનેક શુભ કામનાઓ .

દિલીપકુમારની જીવનની તવારીખ રજુ કરતા  નીચેના વિડીયો દ્વારા એમને અંજલિ અર્પીએ. 

Dilip Kumar complets 92!! 

 

થોડા દિવસો પહેલાં દિલીપકુમારની આત્મકથા – Autobiography ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું એ પ્રસંગનો વિડીયો .

 Dilip Kumar Reveals His Biography

 

ભોજપુરી હિન્દી ભાષામાં ઉતરેલી દિલીપકુમાર-વૈજયંતીમાલા ની અદાકારી વાળી અને એમના દિગ્દર્શન હેઠળ બનેલી હિન્દી ફિલ્મ ગંગા જમુના ભૂતકાળમાં એક બ્લોક બસ્ટર ફિલ્મ હતી.આ ફિલ્મમાં ગંગા તરીકેનો દિલીપકુમારનો એક દેહાતી તરીકેનો અભિનય જોઇને તમે ખુશ થઇ જશો.

થોડો સમય કાઢીને આ ફિલ્મ અચૂક જુઓ અને આ ફિલ્મી લીજેંડ દિલીપકુમારની સ્મૃતિને તાજી કરો.  

Ganga Jumna Hindi Film -Dilipkumar & Vaijyanti Mala