વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: વ્યક્તિ

( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ

Sardar Vallbhbhai- Quote

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

૩૧મી ઓક્ટોબર , એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર

વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીનો દિવસ છે .

સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે.સ્વ.વલ્લભભાઈની નેતુત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં સરદારના હુલામણા નામથી સંબોધાય છે.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિષે વિગતે માહિતી વિકિપીડિયા ની આ લીંક ઉપર ક્લિક કરીને વાં ચી શકાશે.

 

સરદાર પટેલ – આઝાદ ભારતના ઘડવૈયા :: વક્તા ડૉ. શરીફા વીજળીવાળા,

જાન્યુઆરી ૧૮, ૨૦૧૦, મહુવા.-વિડીયો દર્શન

ડૉ. શરીફા વીજળીવાળાએ  મહુવા ખાતે જાન્યુઆરી ૧૮, ૨૦૧૦ નાં રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ ઉપર જે માહિતીપૂર્ણ પ્રવચન આપ્યું  હતું એની વિડીયો લીંક આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી હતી .

આ વિડીયો નીચેના શબ્દો સાથે યુ-ટ્યુબ પર તારીખ 28 સપ્ટે, 2014 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે .

જે વ્યક્તિ વગર અખંડ ભારતનું સ્વપ્ન કદાચ સાકાર જ ન થયું હોત, જે વ્યક્તિની દૂરંદેશી નજરને જો સત્તાનો દોર અપાયો હોત તો વર્તમાન ભારતને કોરી ખાતા કાશ્મીર જેવા પ્રશ્નોનું અસ્તિત્વ જ ન હોત. અને જેમના જીવન પર જાણી-જોઇને પડદો પાડી રાખવામાં આવ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિષે આપણા મનમાં અનેક પ્રશ્નો હોવાના.

જે સમયગાળામાં માત્ર નહેરુ વંશના જ ગુણગાન ગવાતા હોય, ગાંધીને માત્ર લાભ ખાતર જ વટાવાતા હોય એવા જમાનામાં જીવનારાઓને તો સરદાર માટે થોડાક વધારે પ્રશ્નો થવાના. આજે આપણી સામે જે અખંડ ભારત છે તે સરદારની મુત્સદ્દીગીરી અને દ્રઢ વહીવટી કુનેહને કારણે છે એ વાત નિર્વિવાદ હોવા છતાં સરદારની આટલી બધી અવગણના શા માટે? પ્રથમ પ્રધાનમંત્રી તરીકે નહેરુની પસંદગી થયા પછી પચ્ચીસ વર્ષે રાજગોપાલાચારીએ એવું શા માટે કહ્યું કે નહેરુને વિદેશ-પ્રધાન બનાવ્યા હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત.

સરદાર પોતાના પાકા અનુયાયી હતા અને વધુ કાબેલ મુત્સદ્દી હતા એવું જાણવા છતાં શા માટે ગાંધીજીએ વારંવાર નહેરુને જ ટેકો આપ્યો? કયા સંજોગોમાં સરદારે ભારતના ભાગલા સ્વીકાર્યા? ટુકડે-ટુકડામાં વિભાજીત ભારતને સરદારે કઈ રીતે એક અને અખંડ બનાવ્યું? શું સરદાર મુસ્લિમ વિરોધી હતા ખરા? બધાને ડારે તેવું વ્યક્તિત્વ ધરાવતો ચરોતરનો આ પાટીદાર શું સાવ શુષ્ક માણસ હતો?

આ બધા પ્રશ્નોના જવાબ ડૉ. શરીફા વીજળીવાળાના આ અભ્યાસ પૂર્ણ રસપ્રદ વક્તવ્યમાંથી મળે છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના જીવન અને કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડતો આ વિડીયો જોવાનું ચૂકવા જેવું નથી .એમાં સરદારના જીવનનાં ઘણાં નવાં પાસાંઓ ઉપર તેઓએ માહિતી આપી છે.

Sardar Patel – Architect of Independent India: A Speech by Dr. Sharifa Vijaliwala on 18/01/2010

Statue of Unity

The Statue of Unity is a planned 182 metres (597 ft) monument of Vallabhbhai Patel that will be created directly facing theNarmada Dam, 3.2 km away on the river island called Sadhu BetT near Vadodara in Gujarat . It would be the world’s tallest statue.

StatueofUnity

ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરીને વિડીયોમાં સરદારના વિક્રમી સ્ટેચ્યુ વિષે જાણો.

The total cost of the project is estimated to be about 2063 crore(US$330 million) by the government, and 2980 crore (US$480 million) according to the lowest bid (from Larsen and Toubro) for the design, construction and maintenance.

Read more details on this link.

તાંજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ પત્રકારોને જે માહિતી આપી છે એ મુજબ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના  આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર જાણીતી કંપની એલ એન્ડ ટીને આપીને સરદારની જન્મ જયંતી ના પ્રસંગે આ મોટા પ્રોજેક્ટનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.એમના કહેવા પ્રમાણે આ સ્ટેચ્યુનું બધું કામ ૪ વર્ષમાં પુરું થઇ જશે.આમ થતાં , કૃષિ, જળવ્યવસ્થાપન, સરદાર સાહેબના જીવન કવન પર શોધ-સંશોધન અને પ્રવાસન આકર્ષણ કેન્દ્ર સગવડતાઓ સાથે સ્થાનિક યુવા રોજગાર નિર્માણ અને વિસ્તારના સર્વગ્રાહી વિકાસનો પ્રોજેક્ટ બની રહેશે.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આ પ્રોજેક્ટ અંગે નિવેદન કરતાં નીચેના વિડીયોમાં નિહાળો  .

દેશ આઝાદ તો થયો પણ દેશને વિભાજીત કરતાં અનેક રજવાડાંને એમની આગવી કુનેહ થી એક કરવાનું જે કાર્ય સરદારે કરી બતાવ્યું એના માટે દેશ હમ્મેશાં એમનો ઋણી રહેશે.

ભારતની એકતા અને અખંડતાના પ્રતિક સમી દુનિયાની સર્વોચ્ચ પ્રતિમાનું કામકાજ હવે શરુ થઇ રહ્યું છે એ ઘણી આનંદની વાત છે .સરદાર પટેલના કાર્ય માટે એ શ્રેષ્ઠ અંજલિ રૂપ ગણાશે.

૩૧મી ઓક્ટોબર સરદારની જન્મ જયંતી છે એ વખતે જ  એમના સ્ટેચ્યૂનું કામકાજ શરુ થાય છે એ કેવો શુભ સંજોગ છે !

જય ગુજરાત, જય સરદાર.

 

(565 )”આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. ડો. વર્ગીસ કુરિયન

kuriyn

“આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. સતરંગી….રશ્મિન શાહ

અમેરિકાના એક મેગેઝિને હમણાં કરેલા એસેસમેન્ટ મુજબ ‘અમૂલ’બ્રાન્ડ એક હજાર કરોડની માર્કેટવેલ્યૂએ પહોંચી ગઈ છે. એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ એવા અમૂલના જનક ડો. વર્ગીસ કુરિયનને દુનિયા આખી ‘ધ મિલ્કમેન’ તરીકે ઓળખે છે, પણ ખુદ કુરિયન મજાકમાં કંઈક આવું જ કહેતા : “આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”

એક માણસ જેણે જિંદગીમાં ક્યારેય ગુજરાત જોયું નહોતું. એક માણસ જેણે ક્યારેય ડેરી ઇન્ડસ્ટ્રીમાં આવવું નહોતું. એક એવો માણસ કે જે ઢંગથી ગુજરાતી તો શું હિન્દી પણ બોલી નહોતો શકતો. એક એ માણસ જેણે પોતાની જિંદગીમાં ગાયના છાણને તો શું પોતાના ઘરના કચરાને પણ સાફ નહોતો કર્યો અને એક એવો માણસ કે જેનું કેરેક્ટર નિભાવવા માટે આજે સેલ્યુલોઇડના ધુરંધરો પણ હોડમાં ઊતર્યા છે. આ માણસનું નામ છે ડો. વર્ગીસ કુરિયન.વર્ગીસ  કુરયનની જો સીધા, સાદા અને સરળ શબ્દોમાં ઓળખાણ આપવાની હોય તો કહી શકાય કે એ ભારતના ડેરી ઉદ્યોગના આધુનિક યુગ પુરુષ છે. દૂધ સાથે તેમને ક્યાંય સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો અને એમ છતાં પોતાના પર જ્યારે એ જવાબદારી આવી ત્યારે તેમણે એ કામ અદ્ભુત અને અવિસ્મરણીય રીતે પૂરું પાડયું.

અંગ્રેજો દ્વારા ઊભી કરવામાં આવેલી ડેરીની સામે ઊભા રહેવું, અભણ અને અમુક અંશે રૃઢિગત માન્યતાને વળગી રહેલા ખેડૂત કે માલધારીઓને સમજાવવા અને તેમના હકને જાળવવાનો પ્રયાસ કરતાં કરતાં પણ પોતાનું કામ કરાવવું. બધા એક થઈ જાય એ પછી એક નામ નીચે કામ કરવા માટે મનાવવા અને એ મનાવ્યા પછી એક એવી બ્રાન્ડ બનાવવી, જે બ્રાન્ડ એશિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જાય. એક એવી બ્રાન્ડ કે જેનો કોઈ એક માલિક નથી, જેની કોઈ કંપની નથી, જેના કોઈ ડિરેક્ટર નથી અને એમ છતાં પણ એ બ્રાન્ડની માર્કેટવેલ્યૂ ૧૦૦૦ કરોડ રૃપિયાની આંકવામાં આવે છે. આ બ્રાન્ડ એટલે અમૂલ અને અમૂલ એટલે એકમેકના સાથથી અને સહકારથી બનેલી દેશની પહેલી સહકારી બ્રાન્ડ, જેનું આયુષ્ય અને કદ આ સ્તરે વિસ્તરશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી.

કોણ છે આ કુરિયન?

આઝાદી પહેલાં કેરળમાં જન્મેલા વર્ગીસ કુરિયનના ફેમિલીની હિસ્ટ્રી જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિએ જો ધાર્યું હોત તો તે ચોક્કસપણે અલમસ્ત પગાર સાથેની સરકારી નોકરી કરી શક્યા હોત. પપ્પા સિવિલ સર્જ્યન અને મમ્મી પણ વેલ એજ્યુકેટ. સ્વાભાવિક છે કે વર્ગીસના જિન્સમાં પણ ભણતર અને હોશિયારીના એ જ ગુણ આવ્યા હતા. બીએસસી કર્યા પછી તેમને ભારત ગવર્નમેન્ટની સ્કોલરશિપ મળી અને એ સ્કોલરશિપ સાથે તેમણે અમેરિકા જઈને મિકેનિકલ એન્જિનિરિંગ કર્યું. એ પૂરું કર્યા પછી તેમને તેમના જ સગા મામાએ સાવ ખૂણામાં કહેવાય એવા આણંદ ગામે મોકલી દીધા. આણંદમાં પણ તેમણે આવીને સરકારી નોકરી કરવાની હતી. એવી સરકારી નોકરી કે જે કરવા માટે દેશનો એક પણ એન્જિનિયર તૈયાર નહોતો. ખુદ ર્વિગસ કુરિયન કહી ચૂક્યા છે, “એ દિવસોમાં તો મને બધા એવું કહેતાં કે તારા મામા તારી સાથે કઈ વાતની દુશ્મની કાઢે છે કે તને ખેડા જિલ્લામાં મોકલી દીધો. વાત ખોટી નહોતી એ લોકોની. ધાર્યું હોત તો તે મને દિલ્હીમાં જ સરકારી નોકરી અપાવી શક્યા હોત. વાતાનુકૂલિત વાતાવરણ એ નોકરી કરવામાં મને તકલીફ પણ ન પડી હોત પણ મારા માટે એ બધાં કરતાં મહત્ત્વનું એ હતું કે મને જોબ મળી અને એ મારે કરવી હતી, કહોને કરવી પડે એમ હતી.”

વર્ગીશ કુરિયનને જે સ્કોલરશિપ મળી હતી એ સ્કોલરશિપની ખાસિયત જાણવા જેવી છે. સ્કોલરશિપ લેનારા સ્ટુડન્ટે ભારત સરકાર જ્યાં પણ મોકલે ત્યાં પાંચ વર્ષ માટે જોબ કરવાની હતી, જો એ જોબ કરવા તૈયાર ન હોય તો તેણે ભારત સરકારે કરેલો ખર્ચ પરત કરવાનો હતો. વર્ગીસ કુરિયન પર કરવામાં આવેલો ખર્ચ એ પરત કરી શકે એમ હતા નહીં. પૈસાની કોઈ તંગી નહોતી પણ વાત સિદ્ધાંતની હતી અને સિદ્ધાંત કે આપેલાં વચનને તોડવાં અને છોડવાં માટે તેમને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ મળવાનો નહોતો. કુરિયનને આણંદ જોબ કરવા ન આવવું પડે એ માટે તેમનાં આન્ટીએ પણ પ્રયાસ કર્યા હતા, પણ એ સમયે મામાએ બે લાઇનમાં માત્ર એટલું કહ્યું હતું, “જો આપ કોઈનું સારું ઇચ્છતા હો તો આ બાબતમાં તમે વચ્ચે નહીં બોલો. બસ, શાંતિથી વિચારો.”

પાંચ વર્ષ ડેરીમાં કામ કરવાની જવાબદારી સાથે ખેડા જિલ્લાના આણંદ શહેરમાં ઊતર્યા પછી ડૉ.વર્ગીસ કુરિયનને એ સમજાયું હતું કે તેની તકલીફો દેખાય છે એના કરતાં વધુ વિકરાળ અને વધુ વિકટ છે. રહેવા માટે ઘર નહોતું અને ડેરી ઇન્ડસ્ટ્રીને ઉપયોગી કહેવાય એવાં મશીન બધાં જ ખતમ થઈ ગયાં છે. જૂજ લોકોને ખબર છે કે એ મશીન ઊભાં કરવામાં વર્ગીસ કુરિયને એન્જિનિયર નહીં પણ રીતસર મિકેનિકની જેમ કામ કર્યું હતું. એ કામ પૂરાં થયાં પછી બીજી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. મશીન ચલાવવા માટે દૂધ લઈ ક્યાંથી આવવું?

દૂધ માટેની કેવી દ્વિધા?

આ એ સમયની વાત છે કે જે સમયે દૂધની ડેરી, સહકારી ડેરીનો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. માલધારી અને ખેડૂતો પોતાનું દૂધ પોતાની રીતે વેચી લેતા અને કાં તો મુંબઈની એક એવી ડેરીને માલ વેચી દેતા કે જે એક રૃપિયામાં માલની ખરીદી કરતી અને એમાંથી પાંચ રૃપિયા બનાવતી. ડૉ.વર્ગીસ કુરિયનને માલ આપવા કોઈ તૈયાર ન થાય. જો કોઈ ભૂલેચૂકે પણ તૈયાર થાય તો બીજા

જઈને સમજાવી આવે કે પેલી ડેરીવાળા નારાજ થશે, એવું કરવાનું રહેવા દે. રીતસર વર્ગીસ કુરિયરને ઘરે ઘરે જઈને દૂધ આપવા માટે ભીખ માગી છે. દૂધ એને આપવાનું હતું, જેને દૂધ સાથે કોઈ નિસબત નહોતી. દૂધ એવી વ્યક્તિ વેચવાનું હતું જેને દૂધનું શું કરવું એની ગતાગમ નહોતી. વર્ગીસ કુરિયને કહ્યું હતું, “મારા માટે મારાં મશીન ચલાવવાનું કામ મહત્ત્વનું હતું. એ મશીન જેમાં દૂધ પેસ્ચ્યુરાઇઝ (જંતુમુક્ત કરવાની એક ટેક્નોલોજી) થવાનું હતું, પણ એ કરવા જતાં મારે કોઈ જાતની એવી અસુરક્ષિત ભાવના પણ નહોતી ફેલાવવી જેનાથી કોઈનું અહિત થઈ જાય.”

જો તમારી ભાવના સારી હોય તો તમને કોઈ થંભાવી શકે પણ અટકાવી ન શકે. આ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ સાચું છે કે તમે જ્યારે કોઈના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધતા હો ત્યારે તમારા કામને આગળ ધપાવવાનું કામ કરવા માટે કોઈને કોઈનો સાથ મળી જતો હોય છે. કેટલાક સ્થાનિક લોકોની મદદથી વર્ગીસ કુરિયનનો હેતુ લોકો સુધી પહોંચ્યો પણ માર્કેટિંગનો પ્રશ્ન હજુ અકબંધ હતો એટલે કુરિયને માલ ડેરી સુધી લાવવા માટે સહકારી ક્ષેત્રની નીતિ અપનાવી અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ નામની એક એવી સહકારી સંસ્થા બનાવી જે દૂધ વેચવાનું કામ કરવાની હતી. માલ વેચાશે એવો વિશ્વાસ આવ્યો એટલે પહેલાં પાંચ લિટર અને પછી પચાસ લિટર અને પછી પાંચ ગામનું દૂધ આવવા લાગ્યું. શરૃઆતમાં દૂધ ક્યાં વેચીશું એવો પ્રશ્ન હતો, જે એ પછી એ સ્તરે પહોંચ્યો કે આટલું દૂધ ક્યાં વેચીશું અને આ પ્રશ્નમાંથી જ અમૂલની બીજી પ્રોડક્ટ બનવી શરૃ થઈ. બહુ જૂજ લોકોને ખબર છે કે આજે અમૂલનું જે ખારાશવાળું બટર ખાઈએ છીએ એના જનક પણ ર્વિગસ કુરિયન છે. એ બટર શોધાયું એ પહેલાં આપણા દેશમાં સફેદ માખણ ખાવાની જ પ્રથા હતી, પણ અમેરિકામાં એક વાર ચાખેલા પેલા ખારાશવાળા પીળા રંગના બટરમાં વધુ થોડા સારા ફેરફાર કરીને વર્ગીસ કુરિયને એ બનાવ્યું. બટરની સાથે અમૂલ ગુજરાતની બોર્ડર છોડીને દેશભરમાં ફેલાવવાનું શરૃ થયું અને પછી વર્ગીસ કુરિયન એક એન્જિનિયરમાંથી ‘ધ મિલ્કમેન’ બની ગયા. વર્ગીસ કુરિયનને તેમણે કરેલાં કામોના કારણે ‘ધ મિલ્કમેન’ કહેવામાં આવતા. એક વખત વર્ગીસ કુરિયને સ્ટેજ પરથી જ મજાક કરતાં કહ્યું હતું, “અંગ્રેજીમાં સાંભળવું સારું લાગે, બાકી ગુજરાતીમાં તો હું એક દૂધવાળો જ કહેવાઉં…”

એક એવો દૂધવાળો જેણે એક બ્રાન્ડની માર્કેટવેલ્યૂ એક હજાર કરોડ સુધી પહોંચાડી દીધી.

કોણ બનવા માગે છે કુરિયન?

ડૉ .વર્ગીસ કુરિયનના જીવનકાર્ય પરથી આ અગાઉ ‘મંથન’ નામની ફિલ્મ બની ચૂકી છે, જેમાં કુરિયનનું કેરેક્ટર ગિરિશ કર્નાડે કર્યું હતું. એ ‘મંથન’ ફિલ્મ ખુદ વર્ગીસ કુરિયને લખી હતી. હવે ફરીથી ડૉ.વર્ગીસ કુરિયનની લાઇફ પરથી ફિલ્મ બનવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેના માટે એકતા કપૂરનું નામ સૌથી આગળ છે. એકતા પોતાની ફિલ્મમાં વર્ગીસ કુરિયનના કેરેક્ટર માટે આમિર ખાનને લેવા માગે છે. એકતા ઉપરાંત કુરિયનની લાઇફ પર જો બીજા કોઈને ફિલ્મ બનાવવાની ઇચ્છા હોય તો એ પરેશ રાવલ છે. પરેશ રાવલની ઇચ્છા એવી પણ છે કે એ પોતે ‘ધ મિલ્કમેન’ વર્ગીસ કુરિયનનું કેરેક્ટર કરે.

caketalk@gmail.com

સૌજન્ય સંદેશ.કોમ 

(536 ) પ્રેરણા મૂર્તિ –શ્રી રોટલાવાળા બાપા ……. શ્રીમતી માયા રાયચુરા

 

શ્રીમતી માયાબેન રાયચુરા

શ્રીમતી માયાબેન રાયચુરા

મુંબઈ , બોરીવલીમાં સપરિવાર રહેતાં એક ગૃહિણી માયાબેન રાયચુરાએ પોરબંદરમાં રહેતા એમના પૂજ્ય સસરાજી વિષે સરસ પરિચય લેખ “પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા” મોકલ્યો છે .આ લેખને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.

માયાબેનનો જન્મ અમદાવાદમાં થયો છે .કોલેજનો અભ્યાસ એમણે એચ.એ. કોમર્સ કોલેજમાં કરેલ છે.લગ્ન પછી તેઓ એક ગૃહિણીની ફરજો બજાવતાં બજાવતાં એમના બ્લોગ stop.co.in  મારફતે એમના સાહિત્યના શોખને પોષી રહ્યાં છે . માયાબેનને શાયરીનો પણ શોખ છે .આ રહ્યો એનો એક નમુનો :

કોઈ પૂછે કેમ છો ?

કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે ,

દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે ,

નયનોની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે ,

છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે .

એમના સસરાજીનું આખું નામ તો  રસીકભાઈ ગોરધનદાસ રાયચુરા છે પરંતુ ભાવનગર અને આજુબાજુના ગામોમાં તેઓ રસીકબાપા રોટલાવાળા તરીકે ઓળખાય છે.એમની સેવાનો લાભ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે લોકો લઈ ચુકયા છે.

 મને માયાબેનનો અને એમની મારફતે એમના પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા નો પરિચય આકસ્મિક રીતે જ થયો હતો .

 ૭૫ વર્ષની ઉંમરે મેં વિનોદ વિહાર બ્લોગ સપ્ટેમ્બર ૨૦૧૧માં શરુ કર્યો એની એક પોસ્ટ વાંચીને માયાબેને એમના પ્રતિભાવમાં લખ્યું ;

‘નિવૃત્તિના સમય નો સદ ઉપયોગ .સુંદર કાર્ય . આપ વડીલ છો તેથી વંદન સહીત આપને શુભેચ્છાઓ પાઠવું છું .

મારા સસરા પણ આપની ઉમરના છે અને દર્દીઓ ને જમાડવાનું સેવા નું કાર્ય પોરબંદરમાં કરે છે . મને આપની પ્રવૃત્તિ ખુબ ગમી . જય શ્રી કૃષ્ણ”

મને એમના સસરા વિષે જાણવાનું કુતુહલ થતાં મેં માયાબેનને લખ્યું :

‘આપના સસરા આ ઉમરે પણ કાર્યશીલ છે અને પોરબંદરમાં દર્દીઓને જમાડવાનું પુણ્ય કામ કરી રહ્યા છે એ બદલ એમને મારા અભિનંદન અને એમની નિરામય જિંદગી માટે મારી શુભેચ્છાઓ અને જય શ્રી કૃષ્ણ એમને પહોંચાડશો.આપના સસરા વિષે વધુ જાણવાની ઈચ્છા છે.તો ફુરસદે જણાવવા વિનંતી છે.”

એના જવાબમાં માયાબેને એમના બ્લોગમાં જુન, ૧૧,૨૦૧૧  ના રોજ ફાધર્સ ડે ના નિમિતે પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા ના હેડિંગથી લેખ લખ્યો હતો એની લીંક મોકલી હતી .

ત્યારબાદ મારાથી  આ વાત ભુલાઈ ગઈ હતી . તાંજેતરમાં તેઓ ફેસબુક મિત્ર બનતાં મને એમના સસરા રોટલાવાળા બાપા વાળી વાતનું સ્મરણ થતાં એમને ફરી એમના લેખની લીંક મોકલવા વિનંતી કરી . 

એના જવાબમાં સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૪ ના ઈ-મેલમાં માયાબેને લખ્યું  ;

‘‘પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપાના લેખની લીંક મોકલી છે .અને એક દુખદ સમાચાર છે કે અમારા વહાલા બાપુજી (સસરાજી) ૧૩-૩-૨૦૧૪ માં શ્રીજી ચરણ પામ્યા છે .પણ એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યા છે . વડીલ ,આપ શ્રી ને વંદન સહીત જય શ્રી કૃષ્ણ. 

ફાધર્સ ડે નિમિત્તે ૧૪મી જુન ૨૦૧૧ ના રોજ એમના સસરાજી વિષે એમણે  લખેલ નીચેના લેખમાં એમના બાપુજી (સસરાજી) પ્રત્યેનો આ કુટુંબ વત્સલ માયાબેનનો પ્રેમ વર્તાઈ આવે છે .

 

પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા  ……માયા રાયચુરા

Rotlawala Bapa

 

ફાધર્સ  ડેના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનોના જ  નહી પણ આખા  પોરબંદર માં અને આજુબાજુના  ગામડાઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે 

અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતાં હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના એક વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યા છે.

તા.૨૫.૪.૧૯૮૭થી એમણે પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગાવ્હાલાઓને ભોજન શોધવા જવું પડે નહી તે માટે હોસ્પિટલની અંદર જ સવાર સાંજ બંને ટાઈમ ભોજન પુરું પાડવાનો મહાયજ્ઞ એમણે આરંભ્યો હતો.

માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે  ૨૫  વરસ થી   કાંઈ  પણ બદલા ની  આશા વીના  રોજ સવારે  વહેલા ઉઠી  રસોઈ  બનાવી   પોરબંદર  ના સરકારી  દવાખાના  માં  દર્દી ઓ ને  અને  તેમની સાથે  રહેતી  વ્યક્તિ  ને જમાડે .  જરૂરિયાત  વાળા ને  દવા  ની પણ મદદ કરે . રસીકબાપા દરરોજ સવારે સાડાત્રણ વાગ્યે ઉઠી જાય છે અને ૮૨ વર્ષની ઉંમરે પણ દોઢ કલાક ચોપાટી ઉપર મોર્નિંગવોક કરે છે. ત્યારબાદ સરકારી હોસ્પિટલની સામેના કવાર્ટરને જ નિવાસસ્થાન બનાવીને રહેતા આ સજ્જન રસોઈ બનાવવાની શરૃઆત કરી દે છે. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી હોસ્પિટલની અંદર જ તૈયાર થયેલી રસોઈ લાવીને દર્દીઓને પોતાના હાથેથી જ જેટલી માત્રામાં ભોજન જોતું હોય તેટલી માત્રામાં આપે છે. તેમના આ યજ્ઞ માં આહુતિ આપવા અનેક કાર્યકરો પણ જોડાયા છે.  જેનું કોઈ  ન હોય  તેવી  મૃત વ્યક્તિ  ના  અંતિમ સંસ્કાર  પણ જાતે  કરે .  દીલમાં  દયા નો દરિયો વહે .કોઈ ના પણ માટે  કાંઈ પણ મદદ  કરવા  હંમેશા તૈયાર .સેવાના  ભેખધારી આ  જીવતા  બાપા  ને   નાના મોટા બધા જ  ઓળખે .

કોઈ ની  પાસે  ક્યારેય ન માંગવું  એ  એમનો  નિયમ . કોઈ પણ  કપરા  સંજોગોમાં  એમણે  સેવા છોડી નહી.ટાઢ , તાપ કે  વરસાદ ની ઋતુ  માં પણ  ખુલ્લા પગે   સેવા કરતા રહે  .કંટાળો કે થાક  નું   નામ નહી.દવાખાનામાં  લીમડા ના  ઝાડ  નીચે  એમની બેઠક .બધા ત્યાં  મળવા આવે .દરેક ની તકલીફ  દુર કરે .

થોડા વરસો  પહેલાં એમના જીવન સાથી   શ્રીજી ચરણ  પામ્યા .તેમનો પણ આ સેવા  યજ્ઞ  માં મોટો ફાળો હતો .  એમની  મા ની  સેવા  એમણે  શ્રવણ ની જેમ કરી . એમના બા  બીમાર થયાં , તેમને  દવાખાનામાં દાખલ કર્યા ત્યારે  બાની સેવા કરતાં  કરતાં બીજા દર્દીઓ નું  દુઃખ  દર્દ જોયા .એમનું હ્રદય  દુખી  થયું  અને  મનમાં  આ ગરીબ  દુખી લોકો ની સેવા  કરવાનાં મનમાં બીજ  રોપાયાં . થોડા સમય  પછી  એમની બા ના મૃત્યું પછી   સેવા ની શરૂઆત કરી .  

ધીરે  ધીરે   સેવા રૂપી   છોડ   વિકાસ  પામતો ગયો   .ઘણી અડચણો  સહેવા  છતાં યે  હિમ્મત  થી આગળ  વધ્યા . પ્રભુની  પણ આ  સેવા કાર્યમાં  કૃપા છે .  આજે  એમની આયુ ૮૧  વર્ષ ની છે   .હવે  ઉમર  ના કારણે  થોડી તકલીફ  પડે  એ  સ્વાભાવિક  છે  પણ   હવે  ગામ ના  સેવાભાવી  લોકો  એમના  કામમાં  મદદ કરે છે .

પોતાનાં  સંતાનો કે પરિવાર જનો   ને તો સૌ  કોઈ મદદ  કરે  પણ  પારકા  ને  પણ  પોતાનાં  ગણી વ્હાલની  વર્ષા  કરે   એવા આ   સંત  શ્રી રસિકભાઈ  રોટલા વાળા  બાપાને એમના સેવા કાર્ય  માટે  અમારાં  કોટી કોટી વંદન.

તમને લાગશે કે   હું એમને  કેવી રીતે ઓળખું  તો મારે  એ જ કહેવાનું  કે   બધાના  રોટલા વાળા બાપા   અમારા વ્હાલા  બાપુજી  છે . અમને અમારા  આ બાપુજી ઉપર  ગર્વ  છે .

ફાધર્સ ડે  ના નિમિત્તે  બાપુજી ને  કોટી કોટી વંદન .

માતૃ દેવો ભવ .    પિતૃ દેવો ભવ .

માયા  સુધીર  અને  કાના  ના જય શ્રી કૃષ્ણ.

નોંધ :-

કોઈ લોભ લાલચ કે દ્રવ્ય સહાય ની આશા થી આ પોસ્ટ મેં નથી મૂકી .કોઈ પણ જાત ની ગેર સમજ ન કરવા વિનંતી.

ફક્ત અમારા બાપુજી પ્રત્યે ના પ્રેમ અને ગૌરવે આ પોસ્ટ મુકવા વિવશ બનાવી છે અને તે જ પ્રેમ અને ગૌરવ આપ સર્વે મિત્રો ની સાથે શેર કરવા ચાહું છું.

ચાલો ,આજે ફાધર્સ ડે ના દિવસે મારું પ્રિય  ગીત આપ સૌ ની સાથે શેર કરું છું .

યે તો સચ હૈ કી ભગવાન હૈ ,હૈ મગર ફિર ભી અનજાન હૈ , ધરતી પે રૂપ માબાપ કા વિધાતા કી પહેચાન હૈ .

https://www.youtube.com/watch?v=2eJvS_YPnWc

-માયા રાયચુરા

  

માયાબેનએ ફરી ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ એક બીજી પોસ્ટમાં એમના પૂજ્ય સસરાજીની ઝુંપડામાં રહેતાં બાળકોના શિક્ષણ અંગેની એક વધુ સેવા વિષે એમના બ્લોગમાં આ પ્રમાણે લખ્યું .

 

રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )

 

અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપા પૂ. શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે .  પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં  રહેતા લોકો ના બાળકો  ની દશા અને એમનું જીવન જોઈ બાપા નું દિલ દ્રવી ઉઠયું .કોઈ ને ના સુઝ્યું એવું કામ એમણે અંતકરણ  ની પ્રેરણા થી શરુ કર્યું .

આ ગરીબ બાળકો ને અક્ષર જ્ઞાન આપવા માટે તેમણે કમર કસી અને અથાગ પ્રયત્નો બાદ શાળા શરુ કરી.  આજે તેમાં સો બાળકો શિક્ષણ મેળવે છે .તેમને યુનીફોર્મ , પુસ્તકો ,દફતર જેવી જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે . સેવા ભાવી લોકો નો સાથ સહકાર પણ મળતો  રહે છે .સવારે દૂધ અને પોષ્ટિક નાસ્તો પણ આપવા માં આવે છે અને બપોરે જમવા ની પણ સગવડ બાળકો માટે કરેલ છે . થોડા સમય માં તો આ બાળકો ના વાણી વર્તન અને દશા બધુ જ બદલાઈ ગયું છે .મેં મારી  નજરે એની પ્રતીતિ કરેલ છે .

નીચે તસ્વીરમાં બાપુજીની સાથે શાળા ના બાળકો નો ફોટો છે . કિલ્લોલ કરતા બાળકોને  જોઈને  અને કવિતાઓ બોલતાં આ નાનાં ભૂલકાઓ વહાલાં લાગે એવાં છે .

 Rotlavala bapa and School boys

એમના માતા પિતા હવે નિશ્ચિંત મનથી કામ પર જાય છે ,મન માં એક સંતોષ લઇ ને કે હવે અમારા બાળકો રસ્તે રખડશે નહી અને ભણી ગણી એ એમનું જીવન સુંદર બનાવશે .

બાપુજી ને એમના આ સત્કાર્ય માટે  અમારાં વારંવાર વંદન.બાપુજી ના પગલે ચાલવાની ઈચ્છા ધરાવતી એમની પુત્ર વધુ અને દીકરા ને પ્રભુ શક્તિ આપે એવા આશીર્વાદ બાપુજી પાસે ઇચ્છતી  એમની દીકરી જેવી પુત્ર વધુ માયા  ના જય શ્રી કૃષ્ણ .

એક બીજી પોસ્ટમાં એમણે લખ્યું :

 ૩-૫-૨૦૧૩ ના મારા દીકરા ના લગ્ન હતા .પણ એ પહેલાં ના બે દિવસ એટલેકે  તા ૧-૫-૨૦૧૩ ના રોજ મારા સસરાજી નો જન્મ દિવસ  હતો .અમે ખુબ ખુશી થી એમનો ૮૩ મો  જન્મ દિવસ મનાવ્યો .તેઓ  શ્રી પોરબંદર માં ભૂખ્યા જનો ના જઠરાગ્ની ઠારવા ની સેવા આનંદ થી નિસ્વાર્થ ભાવે કરે છે અને તેજ કારણે ૨૭ વરસ થી પોરબંદર ની બહાર ગયા નથી .પણ   પૌત્ર ના લગ્ન પ્રસંગે જરૂર આવશે એમ વચન આપેલું જે એમણે નિભાવ્યું .

-માયા રાયચુરા

=============

ઉપર શરૂઆતમાં માયાબેને જણાવ્યું છે એમ એમના વહાલા બાપુજી (સસરાજી) પ્રેરણામૂર્તિ રોટલાવાળા બાપા તારીખ ૧૩-૩-૨૦૧૪ ના રોજ  પોરબંદરમાં  ૨૭ વર્ષ સુધી મુક રીતે સેવા બજાવી ૮૫ વર્ષની ઉંમરે શ્રીજી ચરણ પામ્યા છે . પરંતું એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યાં છે અને મળતાં જ રહેશે .

આજે ઘણે સ્થળે રોટલાવાળા બાપા જેવા માણસાઈના દીવાઓ પ્રસિદ્ધિની કશી જ પરવા કર્યા વિના એમની સેવાની જ્યોતને જલતી રાખી પ્રકાશ ફેલાવી રહ્યા છે જેની કોઈને જાણ પણ હોતી નથી .આવી પ્રેરણામૂતિઓના સેવા કાર્યને બિરદાવવાની એક ફરજ બની રહે છે .

એક સંત જેવું જીવન જીવી ગયેલ પોરબંદરના  રોટલાવાળા રસિક બાપા ને

વંદન સાથે હાર્દિક શ્રધાંજલિ .

વિનોદ પટેલ

  

 

 

 

( 521) પદ્મશ્રી ડૉ.સુનિલ કોઠારીને અર્પણ થયો ૨૦૧૨નો રણજીતરામ સુવર્ણચંદ્રક ( સંકલિત અહેવાલ )

ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ , તરફથી ઇ. સ. ૨૦૧૨નો શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ અમદાવાદ ખાતે ૮૦ વર્ષના ભારતીય ક્લાસિકલ ડાન્સ ક્રિટિક ડો .સુનિલ કોઠારીને અર્પણ કરવામાં આવ્યો હતો .તેઓ મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે  પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે .

Dr Sunil Kothari

Dr Sunil Kothari

શ્રી કોઠારીનો અંગ્રેજીમાં પરિચય આ લીંક ઉપર વાચો .

રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ૧૯૨૮ થી દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.

૧૯૨૮માં આ ચન્દ્રક પહેલીવાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અર્પણ થતો હતો. . છેલ્લો ૨૦૧૧ નો ચંદ્રક ધીરેન્દ્ર મહેતાને અર્પણ થયો હતો .

એક શિરસ્તા પ્રમાણે દર વર્ષે કોઈ ને કોઈ શ્રેષ્ઠ સાહિત્યકારને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.પરંતુ, આ વખતે એક ક્લાસિકલ નૃત્યના ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર અને પ્રદાન કરનાર ડૉ. સુનીલ કોઠારી જેવી બહુમુખી પ્રતિભાને આ સન્માન મળ્યું છે.

મારા મિત્ર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જર ઉપર અમદાવાદથી એમના સ્નેહી શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જરએ આ સુવર્ણ ચન્દ્રક અર્પણ પ્રસંગનો અહેવાલ મોકલ્યો છે એને ઈ-મેલમાં મારી જાણ માટે મોકલવા માટે એમનો અને શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર નો પણ આભારી છું .

‘ગુજરાતીલેક્સિકોન’ ના  પ્રતિનિધિ તરીકે એમણે આ સમારંભમાં હાજરી આપી હતી . 

શ્રી ઉપેન્દ્રભાઈના આ અહેવાલને વિનોદ વિહારના સાહિત્ય રસિક વાચકોની જાણ માટે આજની પોસ્ટમાં નીચે સહર્ષ પ્રસ્તુત કરું છું. 

આ અહેવાલમાં શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર લખે છે :

 
આદરણીય મહાનુભાવો
 
નમસ્કાર. 
 
અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો – સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ ગઈ કાલે સાંજે યોજાયો.
 
સમારંભની વિગત આ મુજબ છેઃ
 
ગુજરાત સાહિત્યસભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો 
 
શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો કાર્યક્રમ. 
 
સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ 
 
સાંજના ૫-૩૦ વાગ્યે 
 
સ્થળ 
 
શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ ,ગુજરાત વિશ્વકોષ ,રમેશપાર્ક સોસાયટી પાસે,
 
ઉસ્માનપુરા અમદાવાદ. 
 
♦●♦♦
 
કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોઃ 
 
પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ, જાણીતા આર્કિટેક્ટ શ્રી બી.વી. દોશી, ખ્યાતનામ નૃત્ય સાધિકા સુશ્રી કુમુદિનીબેન લાખિયા તથા કવિશ્રી પ્રફુલ્લ રાવલ
 
કાર્યક્રમમાં શહેરના ૧૦૦થી વધુ સાહિત્ય અને કલારસિકો શ્રી સુનિલભાઈ કોઠારીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા પઘાર્યા હતા.
 
‘ગુજરાતીલેક્સિકોન’ તરફથી હું ગુર્જર ઉપેન્દ્ર ત્યાં હાજર રહ્યો હતો અને શ્રી સુનિલભાઈને મળીને અભિનંદન તથા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. 
 
કાર્યક્રમની ઝલકઃ 
 
ક્લાસિકલ ડાન્સ ક્રિટિક સુનિલ કોઠારીને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાના પ્રસંગે નૃત્યસાધિકા કુમુદિની લાખિયાએ તેમનો વિશેષ પરિચય આપ્યો હતો.

મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ; પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો આપનાર સુનિલ કોઠારીને ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે ૮૩મો રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત વિશ્વકોષ ખાતે સોમવારે એનાયત કરવામાં આવ્યો હતો. 

જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીએ જણાવ્યું કે સુનિલ કોઠારી ઊડતો માણસ છે. તેમની ભાળ મેળવવી મુશ્કેલ છે. આજે દિલ્હી તો કાલે પેરિસ. જો કે એક પગ તો અમદાવાદમાં હોય જ. જો કે ડાન્સમાં સ્થિર થવું પડે તે સાધના તેમણે સારી રીતે પાર કરી છે. સ્વૈરવિહારી આ માણસમાં કુદરતના ભાવ છે. 
 
 
પદ્મશ્રી સુનિલભાઈ કોઠારીના ઉદ્ગારોઃ  
 
ડૉ . સુનીલ કોઠારી

ડૉ . સુનીલ કોઠારી

મારી પસંદગી માટે હું આભારી છું.

રણજિતરામ એવોર્ડ મારા માટે એક નોબેલ પ્રાઈઝ સમાન છે. ગુજરાતી સાહિત્ય અને અસ્મિતા માટે આજીવન કામ કરનાર રણજિતરામની યાદમાં આ એવોર્ડ અપાય છે. આ વર્ષે તે માટે મારી પસંદગી થઈ છે તે બદલ હું હદયના ઉમળકા સાથે આ માટે આભાર માનું છું. ૧૯૬૪માં મેં એમ.એ. અને સી.એ. પછી મારે ડાન્સમાં જ આગળ વધવું હતું એટલે ૧૯૭૭માં નૃત્યનાટકો અને રસસિદ્ધાંત પર પીએચ.ડી. કર્યુ. પછીથી મારી આ ડાન્સયાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરત ચાલુ છે. 

 
 
ફોટોસ્મૃતિઃ 
 


Inline image 3Inline image 2
 
આભારઃ
ઉપેન્દ્ર ગુર્જર

 

( 491 ) ૯૨ વર્ષની વાચનયાત્રાના તેજીલા શબ્દવીર મહેન્દ્રભાઈ મેઘાણી…………સંજય શ્રીપાદ ભાવે

ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું નામ અજાણ્યું નથી .

આજે પાર વગરનાં અખબારો , સામયિકો અને પુસ્તકોમાં પુષ્કળ ગમે અને ના ગમે એવું ઢગલાબંધ

સાહિત્ય ખડકાય છે .એમાંથી ઉત્તમ સાહિત્ય ખંતપૂર્વક શોધી શોધીને લોકો પાસે ટૂંકાવીને મુકતા રહેવાનું

કામ આજે એમની ૯૨ વર્ષની ઉંમરે પણ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી એક મિશનરીની જેમ કરી રહ્યા છે .

આવા ખંતીલા સાહિત્ય પ્રેમીએ શરૂઆતમાં મિલાપ માસિક દ્વારા અને ત્યારબાદ દાયકાનું યાદગાર

વાચન, અર્ધી સદીની વાચન યાત્રા વિગેરે પ્રકાશિત પુસ્તકો બધાને પોસાય એવી કિંમતે બહાર પાડી

સંસ્કાર યુક્ત જીવન લક્ષી સાહિત્ય પીરસતા રહીને અમુલ્ય સેવા કરી રહ્યા છે .

આવા ૯૨ વર્ષના યુવાન શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી વિશેનો શ્રી સંજય શ્રીપાદ ભાવે લિખિત લેખ શ્રી વિપુલ

કલ્યાણી, ઓપીનીયન મેગેઝીન અને લેખકના આભાર સાથે વી.વી. ના વાચકો માટે પોસ્ટ કરતા આનંદ

થાય છે .

આશા છે આ લેખ સૌ માટે પ્રેરણારૂપ બનશે .

વિનોદ પટેલ

=========================================

 

૯૨ વર્ષની વાચનયાત્રાના તેજીલા શબ્દવીર મહેન્દ્રભાઈ મેઘાણી…………

સંજય શ્રીપાદ ભાવે

 

૯૨ વરસે પણ કાર્ય રત શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

૯૨ વરસે પણ કાર્ય રત શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

આજે (20 જૂન 2014) બાણુંમો જન્મદિવસ ઉજવી રહેલા લોકોત્તર વાચનપ્રસારક મહેન્દ્ર મેઘાણી એક નવું પુસ્તક ‘દર્શક સાથે વિચારયાત્રા’ તૈયાર કરી રહ્યા છે. દર્શકની જન્મશતાબ્દીએ તેમનાં ચૂંટેલાં ચિંતનાત્મક લખાણોનાં સો પાનાંના પુસ્તક માટેનું છેલ્લું પ્રૂફ મહેન્દ્રભાઈ વાંચી રહ્યા છે. હંમેશની જેમ તેની લાખ નકલો છપાવીને ઘરે ઘરે પહોંચાડવાનો ઉમંગ છે. હાથ પર બીજું કામ છે તે ગયા છ મહિના દરમિયાન પ્રકાશિત થતી રહેલી ‘મિલાપની વાચનયાત્રા’ શ્રેણીનાં તેરમાથી સોળમા ક્રમનાં પુસ્તકો તૈયાર કરવાનું.

મહેન્દ્રભાઈ બંને કામ માટેની કાચી સામગ્રી દીકરીને ત્યાં પહેલી એપ્રિલે અમેરિકા ગયા ત્યારે લઈને ગયા હતા. અત્યારે મનરોના ઘરે પરોઢે પાંચ વાગ્યે ઊઠીને દિવસના છ-આઠ કલાક કામ કરે છે. બાકીના સમયમાં આંખોને વધુ કામ માટેનો આરામ આપવાનું, વાંચવાનું, થોડું ચાલવાનું. શક્ય હોય ત્યારે અમેરિકા જેના માટે જાણીતું છે તે જાહેર ગ્રંથાલયો કે પુસ્તકભંડારોમાં મ્હાલવાનું !

ગુજરાતીમાં બધાને જ ઉત્તમ, આનંદદાયી, સંસ્કારક્ષમ અને વૈવિધ્યપૂર્ણ વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્દ્રભાઈએ ભાવનગરના લોકમિલાપ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. ’પુણ્યનો વેપાર’ કરવા માટે આ ધંધામાં પડ્યા હતા, એટલે નહીં નફો, નહીં નુકસાન જેવી આર્થિક ગોઠવણ ‘પૂરતાં શાકરોટલા મળે’ એવી કુનેહથી કરી હતી. બીજા પ્રજાસત્તાક દિવસથી પચાસ વર્ષ દરમિયાન આપણો સાહિત્ય વારસો, મેઘાણી સાહિત્ય, ચંદનનાં ઝાડ, કાવ્યકોડિયાં અને ખિસ્સાપોથીઓ જેવી યોજનાઓ થકી દરેક પ્રકારનું સરસ ગુજરાતી સાહિત્ય ઘરેઘરે પહોંચ્યું. તમામ પ્રકાશનોમાં એવું જ સાહિત્ય હોય કે જેના વિષયો અને નિરુપણમાં અદનો માનવી કેન્દ્રમાં હોય.

નવી સદીથી ‘અરધી સદીની વાચનયાત્રા’ તેમ જ રોજેરોજની અને કેટલાક લેખકો સાથેની વાચનયાત્રા જેવી પુસ્તકમાળાઓથી મહેન્દ્રભાઈ નવી પેઢીમાં પણ ઠીક જાણીતા થયા. ઓછા જાણીતા મહેન્દ્ર મેઘાણી એટલે ગરીબો માટે દિલ કપાતું હોવાથી વર્ષો લગી ચપ્પલ નહીં પહેરનારા પ્રકાશક. થેલીમાં જુદી જુદી સાઇઝનાં ચપ્પલ ભરીને અડવાણે પગે મજૂરી કરતી બહેનોને એ પહેરાવતા. સાયકલ અને એસ.ટી. બસ સિવાય કોઈ વાહનનો ઉપયોગ ન કરતા. આજે પણ અમદાવાદ હોય ત્યારે બગીચામાં ચાલતાં ચાલતાં ઉપાડાય એટલો કચરો ઉપાડે છે.

વર્ષો સુધી દરરોજ ઘરની ઘંટીએ જુદાં જુદાં અનાજ દળીને ખુદના શરીરની અને પરિવારના મહિલા વર્ગની સંભાળ લેનારા, તેમનાં સંતાનોનાં મમ્મી. ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી એનાં બિસ્કિટ બનાવડાવવાની ગુજરાતમાં પહેલ કરનારા મહેન્દ્રભાઈ. બહેનોનાં સમય-શક્તિ રોટલા વણવામાં જતાં હોવાથી તેમનો વિકાસ રુંધાય છે એવી સમજથી પુરુષોએ દળેલાં ઘઉંના લોટની સારી જાતની બ્રેડ બેકરીમાં બનાવડાવીને ખાવી જોઈએ એવું ય તે માનતા.

ભાવનગરમાં પુસ્તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા. દેશવિદેશમાં પુસ્તકમેળા કરતા. આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ નિમિત્તે પુસ્તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી. એટલે લોકમિલાપે એર ઇન્ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્તકો ખરીદો, તમારી દુનિયાભરની ઑફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો. મહેન્દ્રભાઈની પુસ્તક-પસંદગી, શાખ, રજૂઆત અને સાચકલાઈના કીમિયાથી આ સૂચન અમલમાં મૂકાયું !

નાગરિક મહેન્દ્રભાઈ સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા અને માનવ અધિકારના પ્રખર પુરસ્કર્તા છે. પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રૉયલ્ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્યા હતા. ઉત્તમ સંકલન સામયિક ‘મિલાપ’ (1950-78)ના પ્રકાશક-સંપાદક તરીકે કટોકટીમાં શાસનની સેન્સરશીપ સામે લડ્યા હતા. ઓરિસ્સાના ખ્રિસ્તી ધર્મગુરુ ગ્રેહામ સ્ટેઇન્સ અને તેના બે કિશોર દીકરાને હિંદુ ધર્મઝનૂનીઓએ 1999ના જાન્યુઆરીમાં બાળી નાખ્યા. તેનાં પત્ની ગ્લૅડિસ સ્ટેઇન્સ પ્રત્યે સંવેદન વ્યક્ત કરવા મહેન્દ્રભાઈએ તેને પુસ્તકો મોકલ્યાં.

‘બુક અને બૅલેટ’થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ એવી સોળ પાનાંની ખિસ્સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. હમણાંની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.

ઇશાવાસ્ય ઉપનિષદનો બીજો જ શ્લોક કહે છે કે કામ કરતાં કરતાં સો વર્ષ જીવો.

એ ઈશવચન આજે જાણે મહેન્દ્રભાઈ માટે છે.

====================================

આભાર-સૌજન્ય…. શ્રી વિપુલ કલ્યાણી….ઓપીનીયન મેઝીન

==============================================

દુખદ અવસાન – સ્વ. નાનકભાઈ મેઘાણી ને શ્રધાંજલિ 

Nanak Meghani

Nanak Meghani

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ભાઈ અને  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના એક બીજા સુપુત્ર

નાનકભાઈ ઝવેરચંદ મેઘાણીએ (ઉ.વ. 82) તારીખ , 20 જૂલાઈ 2014ના  રોજ

સવારે 8.30 વાગે,આપણી વચ્ચેથી શાંતિપૂર્ણ રીતે ચિર-વિદાય લીધી છે.

સ્વ. નાનકભાઈએ પણ પિતાને પગલે ચાલીને પુસ્તકોનો જબ્બર

પ્રસાર કરીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે .

અમદાવાદમાં  ‘ગ્રંથાગાર’ નામની એમની પુસ્તકો વેંચવાની ‘હાટ’ ભાષા પ્રેમીઓ,

લેખકો માટે  બેસવાનું ઠેકાણું રહેતું.

ઝવેરચંદ મેઘાણીના આ મુઠ્ઠી ઊંચેરા સુપુત્રે પણ શ્રી મહેન્દ્ર ભાઈની જેમ મન

મુકીને પુસ્તક પ્રસાર અને પ્રચાર દ્વારા વાચકોમાં વાંચનનું પ્રસારણ કર્યું છે.

પ્રભુ સ્વ. નાનકભાઈ ના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને એમના

અવસાનથી પડેલી ખોટને સહન કરવાની શક્તિ બક્ષે .

સ્વ. નાનાક્ભાઈ મેઘાણી ને હાર્દિક શ્રધાંજલિ

(448) અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ …….. લેખક- શ્રી પી.કે.દાવડા

 

મારા ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી મિત્ર શ્રી પી.કે.દાવડાએ મોકલેલ લેખ, “ અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ”ને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે . 

ગુજરાતના એક સપૂત મહાત્મા ગાંધીની વિચક્ષણ આગેવાની હેઠળ દેશ આઝાદ થયો અને એના બીજા સપૂત સરદાર વલ્લભભાઈએ એમની કુનેહ અને સમજાવટની નીતિ અપનાવી દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને એક અખંડિત રાષ્ટ્રમાં ફેરવી નાખ્યો .  

આ લેખમાં દર્શાવેલી હકીકતો વાંચતાં સરદાર વલ્લભભાઈ પટેલને લોહ પુરુષ કેમ કહેવાય છે એનાં કારણો સહેજે સમજાઈ જશે . 

સરદાર વિષે ખંતથી ઊંડો અભ્યાસ કરીને તૈયાર કરેલ આ લેખ મોકલવા માટે શ્રી પી.કે. દાવડાનો હું આભાર માનું છું . 

વિનોદ પટેલ

————————————————————————

Nehru-Gandhi- Sardar

 

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ  ……..            લેખક- શ્રી પી.કે.દાવડા 

 

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાં મોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંઘ પણ બનાવી શકો છો. 

આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. 

એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામાં દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમાં જોડાઈ જવામાં જ એમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આગવી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમાં જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે. 

મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામાં ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં. 

જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડાઓ માં વહેંચાઈ જાત. 

આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.  

૫મી જુલાઈ, ૧૯૪૭ના દિવસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સરદારને સોંપવામાં આવ્યું. સરદારે વી. પી. મેનન અને લૉર્ડ માઉંટબેટનની મદદથી રાજાઓ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી. એમણે રાજાઓને કહ્યું કે રક્ષાખાતું, વિદેશખાતું અને સંચાર વ્યવસ્થા (ટપાલ અને રેલવે) આ ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દ્યો અને બાકીનાં ખાતાંઓનો વહિવટ તમે જ ચલાવો. 

આઝાદીની શરૂઆતમાં જ સરદારની ઇચ્છા રાજાઓ સાથે અથડામણમાં આવવાની ન હતી. રાજાઓમાં પણ સરદારે દેશપ્રેમની ભાવના જગાડી અને એમના હિતોનું પોતે ધ્યાન રાખશે એવી ખાતરી આપી. 

ત્રણ રાજ્યોને છોડી બાકીનાં રાજ્યો સરદારની વાત માની ગયાં. સરદારે જરા પણ સમય ગુમાવ્યા વગર બધાં સાથે કરાર કરી લીધા. આટલું મોટું કામ સરદારે ૫મી જુલાઈ,૧૯૪૭ અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના ગાળામાં કરી લીધું. જયારે જ્યારે કંઈ અડચણ આવી ત્યારે સરદારે ત્વરિત નિર્ણયો લીધા, જરૂર પડી ત્યાં નેહરુને વિશ્વાસમા લીધા. નેહરુ નહિ માને એવું લાગ્યું ત્યાં ત્યાં સીધા ગાંધીજી પાસેથી મંજૂરી લઈ લીધી. ક્યારેક લૉર્ડ માઉંટબેટનને વચ્ચે રાખી નેહરુને મનાવી લીધા. 

૧૬મી ડીસેંબર, ૧૯૪૭ના રોજ સરદારે એક નિવેદન દ્વારા રજવાડાંઓનો આભાર માન્યો. ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ની એક પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જાગૃત પ્રજા અને રાજાઓના સહકારથી આ બધું શક્ય થયું છે . 

સરદારની આ સફળતા પાછળ એક કારણ એ હતું કે રાજાઓને વિશ્વાસ હતો કે સરદાર વચનના પાકા છે. બીજા રાજદ્વારી લોકોની જેમ વચન આપી ફરી જાય એમાંના સરદાર ન હતા. એમણે એમનાં સાલિયાણાંનો હક્ક બંધારણ દ્વારા આપ્યો એટલું જ નહિ પણ યોગ્ય રાજાઓને રાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરે સ્થાને નિમ્યા. રાજ્ય સોંપી દીધા પછી પસ્તાવાનો વારો ન આવે એ બાબત પ્રત્યે સરદારે ખાસ ધ્યાન આપ્યું. 

વી.પી.મેનનની સલાહથી સરદારે પહેલાં માત્ર ત્રણ બાબતો કેન્દ્રને સોંપવાની વાત કરી, કારણ કે સરદાર જાણતા હતા કે એક વાર આ ત્રણ વિષયમાં ભારત એક રાષ્ટ્ર બની જાય, ત્યાર બાદ બધું આપોઆપ થાળે પડશે. 

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બધાં રજવાડાં તો ભારતમાં જોડાઈ ગયાં પણ જૂનાગઢે મુસીબત ઊભી કરી. જૂનાગઢની ૮૫ ટકા વસ્તી હિન્દુ હતી પણ નવાબ મુસ્લિમ હતા. જૂનાગઢ ચારે તરફથી તો ભારત સાથે ભળેલાં રાજ્યોથી ઘેરાયેલું હતું, માત્ર વેરાવળ બંદર દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમા રહી શકે એમ હતું. શાહ નવાબ ભુટ્ટો નામના પ્રધાનની ચડામણીથી નવાબે ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવા માટેના કરાર કરી લીધા. 

પ્રજામાં ખળભાટ મચી ગયો. સરદારે ભારતીય સેનાને જૂનાગઢને ચારબાજુથી ઘેરી લઈ નાકાબંધી કરવાનો હુકમ આપી દીધો. સરદારે વી.પી. મેનનને મોકલી, નવાબને સખત ચેતવણી આપી. નવાબ પોતાના કુટુંબ અને લઈ જવાય એવી મિલકત લઈ પાકિસ્તાન નાસી ગયા. સરદારની મંજૂરી લઈ શામળદાસ ગાંધી અને અન્ય નેતાઓએ આરજી હકુમતના નામે સરકારની સ્થાપના કરી જૂનાગઢ પર ચડાઈ કરી. દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનની મદદ માંગી, પણ પાકિસ્તાને કોઈ મદદ મોકલી નહિ. આખરે ૨૭મી ઓકટોબરે ભુટ્ટોએ ભારત સરકારને જૂનાગઢનો કબજો લેવાનો સંદેશો મોકલ્યો અને પોતે પાકિસ્તાન નાસી ગયા. સરદારે ત્યાંની પ્રજાનો મત લઈ, જૂનાગઢનો વિલય ભારતમાં કરી દીધો. 

જૂનાગઢના પ્રશ્નનો નિકાલ લાવી સરદારે હૈદરાબાદ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. અહીં પણ ૮૬ ટકા પ્રજા હિન્દુ હતી પણ નિઝામ મુસ્લિમ હતા. નિઝામની ઇચ્છા ભારત અને પાકિસ્તાનની જેમ ત્રીજું સ્વતંત્ર રાજ્ય રચવાની હતી. હૈદરાબાદ પણ ચારે તરફથી ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું અને એનું કોઈ બંદર પણ ન હતું. સરદારની સંમતિથી નિઝામ સાથે વાટાઘાટ કરવાનું કામ લૉર્ડ માઉંટબેટનને સોંપાયું. સરદાર સમજતા હતા કે માઉંટબેટન વચ્ચે હશે તો આંતરાષ્ટ્રીય દબાણ નિવારી શકાશે. તે સિવાય નિઝામના મુખ્ય સલાહકાર વોલ્ટર મોંક્ટન માઉંટબેટનના મિત્ર હતા. 

જુલાઈ, ૧૯૪૭માં નિઝામ સાથે વાટાઘાટો શરૂ થઈ, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકી નહિ. ૨૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે માઉંટબેટનને એક પત્ર દ્વારા જણાવ્યું કે નિઝામને જણાવી દો કે અન્ય રાજ્યો જે શરતે ભારતમાં જોડાયાં છે તે જ શરતે હૈદરાબાદે ભારતમાં જોડાવું પડશે. માઉંટબેટન સાથેની વાટાઘાટ નિષ્ફળ ગઈ. 

છેવટની વાટાઘાટો સરદારે પોતાના હાથમા લીધી. નિઝામના નજ્દીકી ગણાતા રજાકાર કાસિમ રિઝવી સરદારને મળવા આવ્યા. રિઝવીએ ધમકી આપી કે જો ભારત સરકાર દબાણ કરશે તો હૈદરાબાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેશે. સરદારે સણસણતો જવાબ આપતાં કહ્યું, જો તમારે આપઘાત કરવો હોય તો તમને કોણ રોકી શકે? 

થોડા સમય બાદ, સરદારે નેહરુને જણાવ્યું કે નિઝામે વિના શરતે ભારતમાં વિલય થવાનું કબૂલ કરવું જોઈએ. સરદારે ભારતની સેનાને તૈયાર રહેવા જણાવ્યું. નેહરુ આનાકાની કરતા હતા પણ સરદાર મક્કમ હતા. ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ભારતની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો. ત્યારના ગવર્નર જનરલ

સી. રાજગોપાલાચારીએ સરદારના હુકમને કાયદેસર કરવા કેબિનેટની મિટિંગ બોલાવી અને મંજૂરીની મહોર મારી દીધી.

એક અઠવાડિયામાં હૈદરાબાદ કબજે કરી લેવામાં આવ્યું. 

કાશ્મીરનો પ્રશ્ન જરા અલગ હતો. અહીં મુસ્લીમોની સંખ્યા વધારે હતી પણ રાજા હિંદુ હતા. કશ્મીરની સીમાઓ ભારત અને પાકિસ્તાનને સરખી લાગતી હતી. જે આધાર ઉપર ભાગલા પાડવામા આવ્યા હતા, એ આધાર પ્રમાણે કશ્મીરના મહારાજા જો પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરે તો ભારત વાંધો ન લેત. પણ નિઝામની જેમ મહારાજા પણ સ્વતંત્ર રાજ્યનાં સપનાં સેવતા હતા. તક જોઈને પાકિસ્તાને કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા ડરીને નાસી જવાની તૈયારીમાં હતા. સરદારે તરત વી.પી. મેનનને મોકલી પરિસ્થિતિ સંભાળવા કહ્યું. મેનને મહારાજાને કુટુંબ સાથે જમ્મુ ચાલ્યા જવાનું કહ્યું, અને દિલ્હી જઈ સરદારને પરિસ્થિતિની જાણ કરી. સરદારે નેહરુ અને માઉંટબેટનને ભારતીય સેના મોકલવા સલાહ આપી. માઉંટબેટને કહ્યું કે મહારાજા ભારતમા વિલયના દસ્તાવેજ પર સહી ન કરે ત્યાં સુધી આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ જશે.

સરદારે તરત વી.પી.મેનનને મોકલી મહારાજાના દસ્તખત મેળવી લીધા. તેમ છતાં નેહરુ પૂરી રીતે તૈયાર નહોતા. સરદારે કહ્યું કે હવે કાશ્મીરનું રક્ષણ કોઈ પણ ભોગે ભારતે કરવું જ જોઈએ, નહિ તો બીજા પ્રદેશોનો ભારત પરથી વિશ્વાસ ઊઠી જશે. ભારતીય સેનાની અજોડ કારવાઈથી હુમલાખોરો પીછેહઠ કરવા લાગ્યા. સરદાર કાશ્મીરનું ભૌગોલિક મહત્ત્વ સમજ્તા હતા એટલે કાશ્મીરનો મુદ્દો પોતે જ ઉકેલવા માગતા હતા પણ નેહરુએ ઇચ્છા વ્યક્ત કરી કે આ પ્રશ્નનો ઉકેલ મને કરવા દો. સરદાર સંમત થયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.

ભારતના ઇતિહાસમાં સરદારનું નામ ભારતના ટુકડા થતા બચાવનાર તરીકે અને અખંડ ભારતનું નિર્માણ કરનાર તરીકે સદા અમર રહેશે. 

-પી. કે. દાવડા, ફ્રિમોન્ટ ,કેલીફોર્નીયા