વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: શૈલજા કાવઠે

1080 – ચશ્માં …… સામાજિક વાર્તા …….શૈલજા કાવઠે

સાભાર .. શ્રી વિક્રમ દલાલ – એમના ઈ-મેલમાંથી 

 

એક વૃદ્ધ પીતાના જીવનને સ્પર્શતી સામાજિક વાસ્તવિકતાને ઉજાગર કરતી

એક હૃદયસ્પર્શી વાર્તા  

ચશ્માં

          સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ ઝબકી જવાથી ઘરમાં બધાની ઉંઘમાં ખલેલ પડી. મીઠી નીન્દર ઉડી જતાં ચીડાયેલી રમા, “આ ઘરમાં કોઈ સુખે ઉંઘવાયે દેતું નથી” એમ બબડતી બબડતી રસોડા તરફ ગઈ.

          સામે સસરાને જોયાં. એ થોડા ગભરાયેલા અને ખસીયાણા પડી ગયા હતા. બોલ્યા, “વહુ બેટા, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ ટેબલ સાથે અથડાઈ પડ્યો”. રમા કાંઈ બોલ્યા વગર મોઢું ચડાવી કામે લાગી ગઈ.

          ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની તક્લીફ તરફ કાંઈ ધ્યાન ન આપ્યું. ઉલટાની મોઢું ચડાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાનો થઈ ગયો છે? આ આઘાતમાં બે-ચાર દીવસ તો ફરી ચશ્માંની વાત કાઢી ન શક્યા. પણ પછી ખુબ અગવડ પડતી હોવાથી એક દીવસ દીકરાને ક્હ્યું, “બેટા, મારી આંખો તપાસરાવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે”.

          પણ મનુ કાંઈ બોલે તે પહેલાં જ રમા બોલી, “આમ તો તમારે ઘરમાં જ રહેવાનું હોય છે ને? થોડા દીવસ કથા સાંભળવા ન જવાય તોયે શું બગડી જવાનું છે”?

          ચીમનકાકા સડક થઈ ગયા. વાત ટાળી દેતાં મનુ બોલ્યો, “આ રવીવારે કૉલેજમાંથી અજન્તા, ઈલોરા, દોલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે… …”

          “હા,હા, … … તું ને રમા પણ જરુર જઈ  આવો”.

          “પણ…થોડો ખર્ચ વધશે તેથી તમારા ચશ્માં આવતે મહીને બદલાવીશું તો ચાલશે ને”? મનુ થોડાક અપરાધી ભાવે બોલ્યો. ચીમનકાકાએ હા, હા કહીને જાતને સમ્ભાળી લીધી. પણ રમા ડબકું મુકતી ગઈ : “તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવે તો મફતમાં કામ પતી જશે”.

***

          દોલતાબાદનો કીલ્લો જોઈ બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. કીલ્લાના ભગ્નાવશેશ જોઈ મન ખીન્ન થઈ ગયેલું. એક વીદ્યાર્થી બોલ્યો, “આપણે વૃધ્ધ માબાપની પ્રેમથી સાર-સમ્ભાળ રાખીએ છીએ ને, તેવી જ રીતે પૌરાણીક અને ઐતીહાસીક દૃશ્ટીએ મહત્ત્વનાં સ્થળોની સમ્ભાળ ન લેવાવી જોઈએ?”

          ચર્ચા ચાલતી હતી. પણ મનુ શુન્યમનસ્ક થઈ ગયો.

          વીદ્યાર્થીના ભાવનાભર્યા શબ્દો, “માબાપની પ્રેમથી સાર-સમ્ભાળ”  એને ચુભી ગયા. પીતાએ પોતાને માટે શું શું નથી કર્યું? હતા તો એક પ્રાથમીક શાળાના શીક્ષક. માંડ પુરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો. એમને કેટલી કરકસર કરવી પડતી. એક ધોતીયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમાનો ઘરેણાંનો શોખ પુરો કરવા પોતાની જીન્દગી આખીની મામુલી બચત ખુશીથી આપી દીધી હતી… … અને એમની આવી ચશ્માં જેવી મામુલી આવશ્યકતા પુરી કરવામાં પણ મેં ગલ્લાં-તલ્લાં કર્યાં?…. સામે કીલ્લાની જગ્યાએ તેને પીતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વીના અથડાતા, કુટાતા.

          હરવા-ફરવામાંથી મનુનો રસ ઉડી ગયો. નાના નાના પ્રસંગોનો સન્દર્ભ નાહકનો પીતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.

          પ્રવાસેથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ બૅલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પીતાને આંખના ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માંગતો હતો. પણ બારણું ઉઘડતાંવેંત સામે પીતાની આંખો એક નવી સુન્દર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી : “કેમ પ્રવાસ મઝાનો રહ્યોને ? કોઈ તકલીફ તો નથી પડી ને? “

          પીતાની પ્રેમભરી પુછતાછ મનુના કાનથી ચીત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પીતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે? … … એ પુછ્યા વીના ન રહી શક્યો, “તમે ધર્માદા દવાખાને ગયા હતા”?

          “અરે, ના, એ તો પેલો આપણો પ્રકાશ જોશી, ઓળખ્યો ને? તારા કરતાં એક વરસ આગળ ભણતો હતો તે”?

          મનુને પ્રકાશ યાદ આવ્યો. એક બહુ જ ગરીબ વીદ્યાર્થી. ભણવામાં ખુબ હોશીઆર. પીતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા. “હા, હા,… પણ તેનું શું”?

          “સવારે ઘેર આવેલો. એ આંખોનો મોટો ડૉક્ટર થયો છે.  આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તો તુરત તેને ઓળખ્યો પણ નહીં. તેમાંથી ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો. હું ના ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રકાશ શાનો?” કહેતાં કહેતાં ચીમનકાકાનું ગળું ભરાઈ આવ્યું.

          પ્રકાશે અપાવેલ ચશ્માંથી પીતાને તો સાફ દેખાવા માંડયું જ હતું, પણ તેનાથી મનુની આંખો પણ સારી એવી ખુલી ગઈ!

(શ્રી. શૈલજા કાવઠેની મરાઠી વાર્તાને આધારે)   (વીણેલાં ફુલ – 8 પાના 69-70)

        A BITTER TRUTH