આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર, હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એમના નીચેના લેખમાં એમની રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.
આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.
વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ
ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.
આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે બાળઉછેરનાં પુસ્તકો તે સમયમાં ખાસ પ્રગટ થતાં નહીં હોય ને બહાર પડ્યાં હશે તો પણ ફટકારવા આડે એ બંને પિતાશ્રીઓને એ વાંચવાનો સમય નહીં મળ્યો હોય. જોકે ચિનુના બાપા તેને બૂટે ને બૂટે મારતા. ને મારા બાપા મને ચંપલથી મારતા.
મને પ્રમાણમાં ઓછું વાગતું. ચિનુની ખબર નથી, પણ મને તો મારા બાપા કયા કારણે મારે છે એની ખબર પણ પડતી નહીં ને વધુ માર પડે એ બીકે માર મારવાનું કારણ જાણવાની હિંમત પણ મેં કરી ન હતી. અલબત્ત બંનેના પિતાઓની મહત્ત્વાકાંક્ષાઓ અલગ અલગ હતી. ચિનુના બાપુજી તેને આઇ.એ.એસ. ઓફિસર બનાવવા માગતા હતા ને મારા ફાધર મને વનેરુમાંથી એક નોર્મલ છોકરો બનાવવા ઇચ્છતા હતા. આઇ.એ.એસ. થવા માટેતો અમુક બૌદ્ધિક આંક જરૂરી હોય છે.
જ્યારેવનેરુને સામાન્ય માણસ બનાવવાની મહત્ત્વાકાંક્ષા જરા પણ વધારે નહીં હોય. છતાં બંને બાપા નિષ્ફળ નીવડ્યા. ફુલ્લી ફેલ થયા. જોકે ચિનુ છેલ્લાં કેટલાંય વરસથી SPIPAના આઇ.એ.એસ.ના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેના બાપુજી હયાત હોત તો આ જાણીને ખુશ થયા હોત. બાપાઓ નાની વાતે રાજી થતા હોય છે. હા, ચિનુ મારાથી બે માર્ક આગળ હતો. S.S.C.માં ગુજરાતી વિષયમાં મારા પાંત્રીસ માર્ક હતા ને તેના સાડત્રીસ. અમે બંને સર એલ. એ. શાહ આર્ટ્સ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં તે ભાગ્યે જ દેખા દેતો.
આચાર્યશ્રી એમ. એમ. ઠાકોર સાહેબે કૉલેજના વિદ્યાર્થીઓને મિત્રતાના દાવે એકવાર હળવાશથી કહ્યું હતું કે,
‘વહાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, એક વાત યાદ રાખજો. આપણી કોલેજની સામે મ્યુનિસિપાલિટીએ હમણાં જ બગીચો બાંધ્યો છે અને શહેરીજનો આપણી કોલેજને કારણે એને લો-ગાર્ડનને બદલે લવ-ગાર્ડન કહે છે. તમે પણ ફ્રી પિરિયડમાં ત્યાં જવું હોય તો જજો. પણ એક વાત યાદ રાખજો આપણી પાસે મેટરનિટી હોસ્પિટલની સગવડ નથી.’
હા, અમારા બંનેમાં એ બાબતે સામ્ય છે કે અમે ઘણી કોલેજો બદલી હતી. મેં વિદ્યાર્થી તરીકે ને તેણે એક પ્રોફેસર લેખે અડધો-પોણો ડઝન કોલેજોને લાભ આપ્યો હતો. એ તો યુવાન કવિઓને કવિતા પણ શીખવતો. ***
અમારી કૃતિઓ છપાવવા ને એ દ્વારા નામ કમાવા અમે બંને સરખાં હવાતિયાં મારતા. ‘કુમાર’ કે ‘અખંડઆનંદ’ જેવાં સામયિકો તો અમારી સામે આંખ ઊંચકીને જોતાં સુધ્ધાં નહીં. શું થાય! પણ ચિનુ મારે ત્યાં સાઇકલ લઇને આવે.પછી અમે મેગેઝિનના તંત્રીની ઓફિસે પહોંચી જઇએ. અમે આને મૃગયા કહેતા. ભક્તિમાર્ગ કાર્યાલય મારા ઘરથી બહુ નજીક. ત્યાંથી ‘વિશ્વવિજ્ઞાન’ પ્રગટ થાય.
એના સંપાદક રમણ નાવલીકર અમને કામના માણસ તરીકે બરાબરના ઓળખે. ઑફિસની બાજુની એક ઓરડીમાં રમણભાઇ, તેમનાં પત્ની ને બે-અઢી વર્ષની નાનકડી દીકરી રહે. અમે જઇએ એટલે ગંજીફરાક ને પટાવાળો લેંઘો પહેરીને શાક સમારતા બેઠેલા પતિને આનંદથી તેમની પત્ની કહી દે કે પેલા બે આયા છે તે બકુડીને રાખશે, તમે જઇને ખંખોળિયું કરી આવો. અમારા નામની બહેનને ખબર નહોતી. અને આજ્ઞાંકિત પતિ અડધાં સમારેલ શાકની થાળી ને શાક માંડ કપાય એવું બુઠ્ઠું ચપ્પુ મારા હાથમાં મૂકીને ને રમાડવા માટે દીકરી ચિનુને સોંપીને સ્નાન કરવા જાય.
અમે બંને ઓશિયાળા ચહેરે એકબીજા સામે જોતા અમને સોંપાયેલ કામ કરીએ.લાલચ એટલી જ કે ‘વિશ્વવિજ્ઞાન’નો સંપાદક અમારી રચના સહાનુભૂતિથી વાંચે ને આવતા કે પછીના અંકમાં છાપે-સભાર પરત ન કરે. લેખક થવા માટે અમે આવી લાચારી પણ વેઠી છે.
***
ચિનુને લાભશંકરનો પરિચય મેં કરાવેલો. આદિલ મન્સૂરીને લઇને તે મારા ઘેર બે-ત્રણ વાર આવેલો, પણ એ છોકરડો આદિલ મારા સ્મરણમાં નથી. તેના પાલડી ગામ વાળા ઘેર ગયાનું કે તેનાં માતા-પિતાને મળવાનું બન્યું નથી. ચિનુની મધર બંદૂક રાખતી, પણ મા જ્યારે એ બંદૂક સાફ કરવા, સર્વિસ કરવા બહાર કાઢતી ત્યારે ચિનુ ઘરની બહાર સરકી જતો. એનું કારણ એ કે ગુજરાતી સાહિત્યે એક સશક્ત સર્જક વગર ચલાવી લેવું ન પડે.
ચિનુએ તેની આત્મકથા ‘જલસા અવતાર’માં નોંધ્યું છે કે તેની મા ધનાઢ્ય કુટુંબની એકમાત્ર સંતાન હતી તો પણ ચિનુના બાપુજીથી તે બહુ બીતી. પણ પછી બાપુજીના અવસાન બાદ સ્પ્રિંગ ઉપરથી દબાણ ખસી ગયું. એની મધર ઘેર આવતા બધા કવિઓને નખશિખ ઓળખતી ને જે તે કવિ વિશેનો પોતાનો મત મોઢામોઢ પ્રગટ કરતી. આદિલ મન્સૂરીને તો જોતાં વેંત ચોપડાવતી: ‘સાલા મિયાં, તેં જ મારા દીકરાને બગાડ્યો.’
આનો અર્થ એ થયો કે બગડવાની બાબતમાં ચિનુ ચંદ્રકાન્ત બક્ષી જેવો સ્વાવલંબી નહોતો, કોઇની મદદની તેને જરૂર હતી. નાટ્યકાર સુભાષ શાહને તે ગિલિન્ડર કહેતી. (માં કભી જૂઠ નહીં બોલતી, સુભાષ પ્લીઝ ટેઇક ઇટ ઇઝી).
***
મિત્રો, એ તમે જોયુંને કે લેખક બનવા માટે અમે બંનેએ કેવાં કેવાં ‘તપ’ કરેલાં! એ વાત જવા દો. (જોકે ‘એ વાત જવા દો’ કવિમિત્ર અનિલ જોશીનો તકિયા કલામ છે. તે કોઇ અગત્યની વાત કર્યા પછી તરત જ આ વાક્ય બોલે છે). હા, પણ એ વાત જવા દેવા જેવી નથી કે અમે બંને જોતજોતામાં મહાન સર્જક તો બની ગયા. અલબત્ત અમે બંને મહાન સર્જકો છીએ એ હકીકતની અમારા બે સિવાય કોઇને આજેય ખબર નથી. હશે. સો-દોઢસો વરસ પછીય કોઇને આ માહિતી મળશે તો પણ અમે અમારું લખ્યું ને રમણ નાવલીકરની બેબલીને રમાડ્યું વસૂલ માનીશું.
***
ચિનુ અને વિનુ એકબીજાના ગાઢ મિત્ર હતા એટલે તો અમારી વચ્ચે નાની મોટી માલ વગરની વાતમાં ઠેરી જતી. 30મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ.2016ની તેની વર્ષગાંઠ નિમિત્તે વિનુ-ચિનુની જુગલબંધીના કાર્યક્રમનો પ્રસ્તાવ લઇને તે મારી પાસે આવ્યો. હુકમ કર્યો કે આપણે બંને સ્ટેજ પર સાથે બેસીને, ‘તને સાંભરેરે, મને કેમ વિસરેરે’ની વાતો કરીશું. મેં તરત જ હા પાડી. પણ એક ઓડિટ કાઢ્યું:
‘ચિનિયા, આ કાર્યક્રમ તારા જન્મદિન નિમિત્તે છે એટલે તારું નામ પહેલું હોય, ‘ચિનુ-વિનુની જુગલબંધી.’ મારી સામે એઝ યુઝવલ, સ્થિર આંખે જોઇ તે ડોમિનેટિંગ અવાજે બોલ્યો. ઉંમરમાં તે મારા કરતાં લગભગ દોઢ વર્ષ નાનો હોવા છતાં સર્જક લેખે દોઢેક કિલોમીટર મોટો હોવાથી મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. એનું બીજુંને મોટું કારણ એ કે મારો ચિનિયો ભારે રીસાળ.
તેની આગળ જીદ કરવા જતાં કાર્યક્રમનાં કાગળિયાં ફાડીને ચાલવા માંડે. બાળક આગળ બાળક થવું વિનુને કેમનું ગમે! અહીં જેવા સાથે તેવા થવાય એવું ન હતું. પણ તે ઉદાર ઘણો. હા, એક વાર તેને મેં દુભવેલો ખરો. જેના ઘાની વાત તેણે આત્મકથામાં એક જ વાક્યમાં નોંધી છે. તેણે બીજાં લગ્ન કર્યાં એ સામે મારો ખાસ વાંધો ન હતો. (કયા મોઢે હું વાંધો ઉઠાવું?). પણ બીજાં લગ્ન કરવા માટે તે ઇર્શાદ એહમદ બની ગયો એ મને જરાય નહોતું ગમ્યું. મારા ભાગનો અડધો ચિનુ ગુમાવવાનું મને પાલવ્યું ન હતું.
આ કારણે થોડા ગુસ્સામાં અને વધારે તો વેદનાથી એક લેખ મેં મારી કોલમમાં ફટકારેલો, જાણે હું ચિનુને ફટકારું છું. લેખનું શીર્ષક હતું: ‘જૂની કહેવત છે. ‘શીરા માટે શ્રાવક બનવું.’ નવી કહેવત: ‘બિરિયાની માટે ઇર્શાદ થવું.’ મારો આ પ્રહાર વાંચતી વખતે ચિનુને ચચરેલો,પણ એ લખતી વેળાએ ચિનુના વિનુને એ કેટલો ચચર્યો હતો એની તો ખુદ ચિનુને પણ એ સમયે જાણ નહોતી. બાય ધ વે, મારી નાની સગ્ગી બહેનનું નામ પણ હંસા હતું.’
જોકે આ જ ચિનુને તેની પત્ની હંસાએ સાચા પ્રેમ અને ફટકિયા પ્રેમ વચ્ચેનો ભેદ, ચિનુને સાચકલો પ્રેમ આપીને સમજાવેલો, ને ચિનુએ શબ્દોમાં અપરાધભાવ ભીની આંખે વ્યક્ત કરીને પોતાને તુચ્છ લાગ્યો હોવાનું આત્મકથામાં કબૂલ્યું છે. હું સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ ચિનુને ગમ્યું નહોતું. આ ગુના માટે મારી જોડે થોડોક સમય બોલવાનું પણ તેણે બંધ કર્યું હતું ને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિષદ માટે મને રૂપિયા 51 લાખનું મોટું ડોનેશન આપ્યું ત્યારે ચિનુએ મને અણગમાથી જાહેરમાં કહેલું કે ‘લ્યા વિનોદ ગાયને દોહીને કૂતરાંને પાવાનો કોઇ અર્થ ખરો?’
એના મરવાના થોડા વખત પહેલાં તેણે મારા બરડા પર પ્રેમથી ધબ્બો મારતાં કહ્યું કે મારી ગાયને દોહીને-વાળી કહેવત સાચી પડીને! લાગે છે કે ચિનુ દૂ…રનું જોઇ શકતો હોવો જોઇએ. તે જ્યોતિષ સારું જોતો હતો. એક પોતાનું ભવિષ્ય બાદ કરતાં ઘણાનું તેણે ભાખેલ ભવિષ્ય લગભગ સાચું પડતું. એક પોતાની કુંડળી જોવામાં તે માર ખાઇ ગયો. તેને તો 94 વર્ષ જીવવાનું વચન ખુદ તેના ગ્રહોએ આપ્યું હતું- પછી એ ફરી ગયા!’
***
તેનો શુક્ર ઘણો બળવાન હતો. તે જાહેરમાં કહેતો કે ગુજરાતી સાહિત્યના કોઇ પણ સર્જક કરતાં આ ચિનુ મોદીએ બહુ જલસા કર્યા છે. કદાચ આ વિધાન જ તેને નડ્યું છે, આ જલસા અવતારે ઘણાં બધાંનાં મનમાં ઇર્ષ્યાભાવ પેદા કર્યો. ‘ચિનુ ભાઇ’ સાબ બહુ લિસ્સો’ કહેનાર આપણે તેનાથી જરાય ઓછા લિસ્સા નથી, પણ વાત જાણે એમ છે કે તકના અભાવે આપણામાંના કેટલાક પોતાનું ચરિત્ર્ય ટકાવી શક્યા છે. બાકી વિનુમાં પણ ચિનુ કાયમ લાગ જોઇને બેઠેલો હોય છે.
જોકે ગુજરાતી છાપાઓની કૉલમ્સ વાંચતાં તેમજ શોકસભાના અહેવાલો જોતાં સમજાય છે કે ચિનુની સર્જકતાને બદલે વધારે મહિમા તેની ઇતર પ્રવૃત્તિઓનો વધારે થયો છે. કોઇ એક યુનિવર્સિટી તૈયાર કરી શકે એનાથી વધુ યુવાન શક્તિશાળી કવિઓ ચિનુએ એકલા હાથે તૈયાર કરી આપ્યા છે. સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં તેણે તગડું કામ કર્યું છે. તે નાટકો પણ ઝડપથી લખી શકતો. એક વાર થોડા યુવાન છોકરા-છોકરીઓ જ ચિનુને ઘેરી વળ્યાં. કહે: ‘ચિનુકાકા, અમારે ઝડપથી ભજવવા માટે એક એકાંકી નાટક જોઇએ છે. ચિનુના હાથમાં ગુજરાતના માહિતી ખાતાનો અંક હતો.
તેણે એક દીકરીના હાથમાં અંક મૂક્યો. કહ્યું: ‘ગમે તે પાનું ખોલ ને જે વંચાય એ બોલ. એના પર હું એકાંકી લખી આપીશ.’ દીકરીએ અંકની વચ્ચેનું એક પાનું ખોલ્યું. બોલી: ‘ઝાલ્યાં ન રહ્યાં.’ બીજે દિવસે ચિનુલાલે આ જ વિષય ‘ઝાલ્યાંન રહ્યાં’ પરનું નાટક છોકરાંના હાથમાં મૂકી દીધું. બાય ધ વે, આવી વિરલ ટેલેન્ટ ઉર્દૂ વાર્તાકાર સહાદત હસન મન્ટોમાં હતી. પણ ચિનુની આવી બધી પોઝિટિવ વાત લખવામાં આપણો T.R.P. તે કંઇ વધતો હશે? – જવા દો એ વાત.
પણરહી રહીને અત્યારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘શીલ અને સાહિત્ય’ની વાત કરતાં તેમણે એકવાર કહ્યું હતું કે,
‘આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઇએ છીએ ત્યારે માટલું કેટલું મજબૂત ને ટકાઉ છે એ તપાસવા આપણે માટલા પર ટકોરા મારીએ છીએ, કુંભારના માથા પર નહીં. (તેજીને તો બસ, એક જ ટકોરો પૂરતો છે).’
*** યાદ આવ્યું: મારી ચિતા પર વૃક્ષ કાપીને તેનાં લાકડાં ગોઠવશો નહીં, કદાચ આવતા જન્મે મને પંખીનો અવતાર મળે તો હું માળો ક્યાં બાંધીશ?’
– ચિનુ મોદી
તેને ચિનુ મોદી થઇને બળવું નહોતું તેમજ ઇર્શાદ એહમદ બનીને દટાવું નહોતું એટલે તો તેણે દેહદાન કર્યું-કેવો ચતુર વાણિયો! –વિનોદ ભટ્ટ
ચિનુ મોદીની એક રચના …
વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો…
૧૬ મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ જેમણે દુખદ વિદાય લીધી અને જેમનો દેહ ૧૭ મી ઓગસ્ટના રોજ પંચ મહાભૂતમાં ભળી ગયો એ ભારતના 13 મા લોકપ્રિય વડા પ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાઈ એક વિચક્ષણ અને કાર્યદક્ષ રાજકીય નેતા હોવા ઉપરાંત એક સારા કવિ પણ હતા. આ હકીકતને બહું ઓછા લોકો જાણતા હશે.અટલજીની કવિતાઓ ઘણા કવિ સંમેલનોમાં કવિઓમાં પ્રચલિત બની હતી.
આજની પોસ્ટમાં એમનાં કેટલાંક હિન્દી કાવ્યો વાચકોના આસ્વાદ માટે મુક્યાં છે જે અટલજીની કવિત્વ શક્તિનાં દર્શન કરાવે છે.
૧.
आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अंधियारा सूरज परछाई से हारा अंतरतम का नेह निचोड़ें- बुझी हुई बाती सुलगाएँ। आओ फिर से दिया जलाएँ
हम पड़ाव को समझे मंज़िल लक्ष्य हुआ आंखों से ओझल वतर्मान के मोहजाल में- आने वाला कल न भुलाएँ। आओ फिर से दिया जलाएँ।
आहुति बाकी यज्ञ अधूरा अपनों के विघ्नों ने घेरा अंतिम जय का वज़्र बनाने- नव दधीचि हड्डियां गलाएँ। आओ फिर से दिया जला
૨.
टूट सकते हैं मगर हम झुक नहीं सकते
सत्य का संघर्ष सत्ता से न्याय लड़ता निरंकुशता से अंधेरे ने दी चुनौती है किरण अंतिम अस्त होती है
दीप निष्ठा का लिये निष्कंप वज्र टूटे या उठे भूकंप यह बराबर का नहीं है युद्ध हम निहत्थे, शत्रु है सन्नद्ध हर तरह के शस्त्र से है सज्ज और पशुबल हो उठा निर्लज्ज
किन्तु फिर भी जूझने का प्रण अंगद ने बढ़ाया चरण प्राण-पण से करेंगे प्रतिकार समर्पण की माँग अस्वीकार
અગાઉ વિનોદ વિહારનીપોસ્ટ નંબર ( 465 )/ 1-6-2014માં મુકેલ અટલજી ના હિન્દી કાવ્ય ‘’ કૌરવ કૌન , કૌન પાંડવ ? ” અને આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ પણ કાવ્યના ચિત્ર નીચે મુક્યો છે .આશા છે આપને એ ગમશે.
અટલજીના આ કાવ્યનો ગુજરાતી અનુવાદ… વિનોદ પટેલ
આ કાવ્યમાં સાંપ્રત રાજકારણ અને ગરીબો પ્રત્યેની અટલજીના દિલમાં રમતી ઊંડી સંવેદનાનાં દર્શન થાય છે.એમની આ કવિતા બહું જ અર્થપૂર્ણ અને સમયોચિત છે . આજના સમયને પણ એ લાગુ પડે છે. જાણે કે આ કાવ્ય દ્વારા હાલના રાજકીય નેતાઓને તેઓ ટકોરા બંધ સંદેશ આપે છે કે દેશમાં હજુ કેટલું બધું કરવાનું બાકી છે .
સ્વ. અટલજી પાર્લામેન્ટમાં કોઈ મુદ્દો સમજાવતી વખતે એમની કવિતાને સ્પીચમાં સરસ વણી લેતા હતા. આ વિડીયોમાં અમેરિકા પાકિસ્તાનને શસ્ત્ર સરંજામ આપી એની સાથે જે સમજુતી કરી હતી એની સામે દેશમાં જે વ્યાપક રોષ હતો એ આ કાવ્યમાં રાષ્ટ્રીય સંકલ્પને જોશથી રજુ કરતા અટલજીને જોઈ શકાય છે.
Vajpayee Forever : The Poet Prime Minister
Atal Bihari Vajpayee’s captivating poems:
Famous poem of Atal Bihari Vajpayee
Remebering one of Atal Bihari Vajpayee’s famous poems
અટલજીએ આ કાવ્યની રચના જવાહરલાલ નહેરુના અવસાન વખતે એમને શોકાંજલિ આપતાં કરી હતી .પરંતુ આ કાવ્ય આજની તારીખે અટલજીને માટે પણ આબાદ લાગુ પડે છે.
ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.
પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺
સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …
હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.
આદરાંજલી. ….. અંકિત ત્રિવેદી.
કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!
વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…!
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!
એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા ?’
એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’
આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ?
એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!
જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…!
હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે…
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…
ઓન ધ બીટ્સ
“ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણહોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્નીકરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.
Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube
વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.
આતાજીનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની ભાનુમતીબેન વિશેના આતાજી ના લેખોમાંથી તારવીને લેખિકા શ્રીમતિ પૂર્વી મલકાનએ લખેલ એક સુંદર અને મુલ્યવાન લેખ આતાવાણી બ્લોગમાં પ્રસિદ્ધ થયેલ છે.
આ લેખમાં આતાજીએ ધર્મપત્ની સ્વ.ભાનુમતીબેન સાથેનાં સ્મરણો એમની જાણીતી શૈલીમાં આલેખ્યાં છે અને એ રીતે એમનાં સ્વર્ગસ્થ પત્નીને હૃદયથી અંજલિ આપી છે.
ધર્મપત્નીના અવસાન પછી એકલતા અનુભવતા આતાજીના મનની વ્યથાનો અંદાજ એમણે રચેલ નીચેની પંક્તિઓ માંથી આવે છે.
“ સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નઈ સાચો હતો સંઘાથ ઈ હવે માણેક વેર્યે નઈ મળે.”
भानु भानु पुकारू में मनसे पर, भानु आ नहीं सकती जन्नतसे भानु के वियोगमे जुरता रहेता
यह भानु का हिम्मत – ‘आता’
આ લેખ આતાજીની સ્મૃતિમાં એમને ભાવાંજલિ રૂપે અહીં વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.
-વિ.પ.
કેશોદ જિલ્લો, જુનાગઢ .
આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી. તેના મધુરાં રમુજી સ્મરણો હું યાદ કરું છું અને આપને વાંચવા આપું છું .
એક દિવસ મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાયા, તે દરમ્યાનમાં તેની કામઢી અને પ્રેમાળ દીકરી ભાનુમતીને જોઈ મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (તમારો આતો ) સાથે સગપણ થાય તો મારા ભાભી (મારી મા) રાજીની રેડ થઇ જશે ને મનેય ખુબ યશ મળશે. આમ વિચારી મારા કાકાએ ઘરધણી જાદવજી પુરુષોત્તમભાઈ વ્યાસને વાત કરી કે જો આ છોકરીનો વેવિશાળ કરવું હોય તો આપને અનુરૂપ મારો એક ભત્રીજો યોગ્ય છે. મારા કાકાની વાત સાંભળીને જાદવજીભાઈ વ્યાસે કહ્યું કે હું આપને વિચારીને કહીશ.
મારા ગામ દેશીંગામાં રહેતા સુથાર લાલજી લખમણનું સાસરું કેશોદમાં હતું. આ લાલજીભાઈની વાત મેં આતાવાણીમાં “ગોમતી માનો લાલો ગાંડો થયો“ એ શીર્ષક નીચે લખી છે. લાલાભાઈના સસરાને અને આ જાદવજીભાઈ વ્યાસને બહુ ગાઢ સબંધ હતાં. એક વખત લાલાભાઈની સાસુ એક દિવસ ઓચિંતા મારા ઘરે દેશીંગા આવ્યાં ત્યારે સાથે સાથે મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં, કેમકે તેમણે ઘર અને વરનું નિરિક્ષણ કરવાનું હતું. આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું દૂધ લાવેલો તે ગડગડાટ પી ગયો. આ દૃશ્ય છોકરીઑ એ જોયું એ જોઈ એમને બહુ અચંબો થ્યો. પછી તો ધામેધૂમે મારા લગ્ન ભાનુમતી સાથે થયાં, ને તે સાથે હેમતભાઈ લાડીને લઈને ઘેર આવ્યાં. કેશોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી. આવીને તેણે મારી મા પાસેથી ફટફટ કામ શીખવા માંડ્યુ. મારી મા એ સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે તેથી પશુઓ કેવું ઘાસ ખાઈ શકે એ ઓળખતા શીખવ્યું. ગાયો ભેંસોને દોહતા શીખવ્યું, ને મારા મિત્ર પરબતભાઈની વહુ રાણીબેને કાંપો વાળતાં શીખવ્યું. આમ ભાનુમતી અમારા ઘરની રીતે ઢળવા લાગ્યાં.
આ આખો રસસ્પદ લેખ આતાવાણી બ્લોગ ના હેડરના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને વાંચો.
સ્વ.આતાજી ની એક હિન્દી રચના ..( એમના ફેસબુક પેજ પરથી )
जब रूह बदनसे निकले या परवर दिगार जब मुझ पर नज़अका आलम हो. मेरा रूह जिसमसे रिहा होनेकी तैयारी कर रहा हो. तब इतना करम करना! क्या करना ? इतना तो करना यारब जब रूह बदनसे निकले आला ख़याल हो दिलमे जब रूह बदनसे निकले १ आसोंका महीना हो बरखाकी कमी ना हो गैरोंकी ज़मी ना हो जब रूह बदनसे निकले २ भादरका किनारा हो समशान विराना हो नरसिका तराना जब रूह बदनसे निकले ३ मेरी बीबी पासमे हो बच्चों भी साथमे हो बिछाना घासमे हो जब रूह बदनसे निकले ४ केशंगका सरपे दस्त हो मेरा मन भजनमे मस्त हो सब आस मेरी नस्त हो जब रूह बदनसे निकले ५ “आता ” कि है ये अर्ज़ी जो आपका है क़र्ज़ी फिर आपकी जो मर्ज़ी जब रूह बदनसे निकले ६
ગુજરાતના ચેપ્લિન બનીને લોકોને ૧૦૦-૧૫૦ ફિલ્મો અને ૧૦૦થી વધુ નાટકોમાં ખડખડાટ હસાવનાર પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી ઉર્ફે પી. ખરસાણીનું અવસાન અમદાવાદ ખાતે ૨૦ મે ૨૦૧૬ના રોજ થયું હતું.પી.ખરસાણી ૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવ્યા હતા.હવે એમના ભાતીગર જીવન નાટક પર સદાનો પડદો પડી ગયો છે.
આ અભિનેતા એમની પાછળ લીલી વાડી મૂકી ગયા છે.એમને 4 પુત્રો અને 2 પુત્રીઓ છે અને તેમના પૌત્ર પોત્રીઓએ પણ અભિનય જગતમાં નામ કાઢ્યું છે.
મોરારીબાપુના અસ્મિતાપર્વ દરમિયાન પી. ખરસાણીને નટરાજ પુરસ્કાર એનાયત થયો હતો. તેમના જીવન પરનું પુસ્તક પી. ખરસાણીનો વેશ ૩૦ જૂન ૨૦૧૫ના રોજ પ્રગટ થયું હતું.
ફેબ્રુઆરી ૨૦૧૫માં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન યોજિત એક સમારંભમાં ગુજરાતી થીએટર અને ગુજરાતી નાટકોના પ્રખ્યાત કોમેડી કલાકાર સ્વ.પી.ખરસાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું એ પ્રસંગનો વિડીયો આ રહ્યો …..
પી. ખરસાણી વિષે મુંબઈ સમાચાર.કોમમાં પ્રગટ શ્રી સંજય છેલ નો એક સરસ લેખ ગુજરાતીના ચાર્લી ચેપ્લિનની ગુડબાય! લેખકના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
‘ઘણાં નાટકોમાં રોલ કર્યા,દિગ્દર્શન કર્યાં,નિર્માણ પણ કર્યાં. નાટકોમાં વિવિધ રોલ કરતાં કરતાં ખરી જિંદગીમાં ક્યારેક મીરાંનો રોલ કરી ઝેરનો કટોરો પીવો પડ્યો છે.ક્યારેક ભીષ્મની બાણશય્યા ઉછીની લઇ તેની પર પણ સૂવું પડ્યું છે.ઘણી વખત ઓડિયન્સની તાળીઓના ગડગડાટ અને સીટીઓ સાંભળ્યાં છે.તો ઘણી વાર ખાલી સીટોને કલ્પનાથી ભરીને પણ નાટકો કર્યાં છે.ક્યારેય કોમર્શિયલ ન થઇ શક્યો પણ ઇમોશનલ હોવાનો ઠાઠ ભોગવ્યો છે.’
આ ઇમોશનલ શબ્દો કોઇ બહુ મોટા હોલીવૂડનાં ફિલ્મસ્ટાર કે બ્રોડવે-લંડન થિયેટરનાં નાટકવાળાનાં નથી પણ અમદાવાદની વીંછીની પોળમાં આજીવન વસેલા સાવ સાદા સૌમ્ય સજ્જન કલાકારનાં છે. ‘કદાચ, હતાં’ એમ લખવા માટે કલમ ઉપડતી નથી.
૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવી ગયેલા હાસ્ય કલાકારને ઉદાસ, રડમસ શબ્દોથી અંજલિ આપવાનું પાપ નથી કરવું. જી હાં, ગુજરાતી ફિલ્મોમાં અને અમદાવાદ-ગુજરાતનાં નાટકોનાં પ્રાણલાલ ખરસાણી ઉર્ફે પી. ખરસાણી હવે ગયા. એમનું કદ નાનું-નામ મોટું – કામ એનાથીયે મોટું.
ગુજરાતી ફિલ્મોનાં ચાહકો એમને ‘બટકો’ કહેતાં. જેની એન્ટ્રી પર જ લોકો હસવા માંડતાં એવા પી. ખરસાણીએ પોતાની બોલવાની-હસવાની સ્ટાઇલથી ગુજરાતનાં લાખો-કરોડો લોકોને ૧૦૦-૧૫૦ ફિલ્મો અને ૧૦૦થી વધુ નાટકોમાં ખડખડાટ હસાવ્યાં છે. ભૂખ, ગરીબી, શોષણ અસમાનતાથી ખદબદતાં આઝાદી પછીના કપરા સમયગાળામાં કોઇને હસાવવું – સામાન્ય પબ્લિકને હસાવવી એના જેવું પુણ્યનું કામ કદાચ કોઇ નહીં હોય.
વાચકોના પ્રતિભાવ