વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સંકલન

1331 – સ્વાગત નવા વર્ષનું ..૨૦૨૦… / સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં …

 

NY2020-1

મારું નવા વર્ષનું એક કાવ્ય,થોડું મઠારીને ..

સ્વાગત નવા વર્ષનું.- ૨૦૨૦

 

સમય સરિતા વહેતી જ રહેતી હંમેશ,

યાદો પાછળ મૂકી,વર્ષ એક થયું પસાર,

નવા અરમાનો,અનેક સંકલ્પો મનમાં ધરી,  

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

સ્વાગત કરીએ આ નવલા વર્ષનું પ્રેમથી.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને,નવેસરથી,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

વિનોદ પટેલ

 

NY2020-2

નવા વરસે…..એક પ્રાર્થના…..

કુન્દનિકા કાપડીઆ

હે પ્રભુ,

અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,

અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો,

અમારા હાથ તારાં સેવા કર્મ કરો,

અમારૂં મન તારાં ચરણોના ચિંતનમાં રહો,

અમારૂં શિર તારા નિવાસ સ્થાન રૂપ જગતને પ્રણામ કરવામાં રહો,

અમારી દ્રષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.

ભાગવત

[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]

સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં…

હૅપી ન્યુ યર. કૅલેન્ડરનું પાનું ફેરવાયું અને લો નવું વર્ષ હાજર. કૅલેન્ડરનાં ફેરવાતાં પાનાંની સાથે આપણી જિંદગીનાં પાનાં પણ ફેરવાતાં જાય છે. કૅલેન્ડરની છપાયેલી તારીખમાં ફેરબદલ શક્ય નથી. જિંદગી જીવવાની ફિલસૂફીમાં ફેરબદલને સતત અવકાશ છે.

સતત એટલે કાયમી, નિરંતર, લગાતાર, હંમેશાં. આ બધા જ શબ્દો આપણી રોજબરોજની જિંદગી સાથે વણાઈ ગયા છે. શબ્દોની સાથે પ્રયત્ન પણ વણાઈ જતો હોય છે. કોઈ પણ કામ પાછળ થતા સતત પ્રયત્નો માણસને થકવી નાખે છે. સતત પ્રયત્ન છતાં ઘણી વાર પરિણામ ન મળતું હોય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે.

સતત પ્રયત્નશીલતાનો થાક ઘણી વાર શરીર કરતાં મગજ પર વધારે સવાર થઈ જતો હોય છે. એક વાર મગજમાં ઘૂસી જાય કે હવે આ કામ નહીં થાય મારાથી. હવે આ સંબંધ નહીં સચવાય. પછી મગજ આ વિચાર પર પોતાનો કબજો જમાવીને બેસી જાય છે. આ વિચાર આપણી પર એટલો બધો હાવી થઈ જાય કે આપણે વધુ પ્રયત્ન કરતા રોકાઈ જઈએ છીએ. પ્રયત્નનાં હથિયાર આપણે હેઠાં મૂકી દઈએ છીએ.

માણસનું જીવન સતત વહેતું રહે છે. જિવાતી જિંદગીમાં સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. સંબંધ બંધાઈ ગયા પછી એને ટકાવી રાખવા આપણે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જીવનમાં કશી ગૅરન્ટી નથી કે કશું સ્થાયી નથી. જીવન પરિવર્તનશીલ છે.

 સંબંધમાં બંધાયા પછી એ કેટલા ટકશે એ કોઈ કહી ન શકે. પણ આપણા સતત પ્રયત્નો સંબંધને ટકાવી રાખે છે. આપણે કાયમી સંબંધમાં બંધાઈએ છીએ એ છતાં એ સંબંધ જેમ-જેમ જૂનો થતો જાય એમ વાસી બનતો જાય છે અને આપણે તાજગી શોધવા ફાંફાં મારીએ છીએ.

 એકધારા કામનો આપણને કંટાળો આવવા લાગે છે એવા સમયે મગજને આરામની જરૂર હોય છે. મગજને કંઈક જુદો અનુભવ આપવાની જરૂર હોય છે. અમુક લોકો સતત કામ કરવામાં એટલા બધા પૅશનેટ હોય છે કે પ્રયત્નશીલ રહેવાનું તેમનું જોમ હંમેશાં તીવ્ર હોય છે. એવી જ રીતે સંબંધોની બાબતે આવા લોકો ખૂબ જોમ લગાડીને એને ટકાવી રાખવાની જહેમત કરતા રહે છે.

 આ પ્રકારના લોકો જીવનને અને કામને સામાન્ય લોકો કરતાં જુદી રીતે જુએ છે અને મૂલવે છે. આ પ્રકારના લોકો નક્કી કરેલા લક્ષ્‍ય સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. એમાં સફળતા ન મળે તો ફરી પોતાની એનર્જી કામે લગાડી દોડવા લાગે છે. હાર શબ્દ કદાચ તેમની જીવન ડિક્શનરીમાં નથી હોતો. હારને આ લોકો પોતાના મગજ પર હાવી નથી થવા દેતા. એવું નથી કે તેમને હાર મળતા આ લાકો નિરાશ કે હતાશ નથી થતા, પણ આ પ્રકારના લોકો હતાશાને ખંખેરીને ફરી હિંમત ભેગી કરે છે.

 સતતનું સાતત્ય જાળવવું ખૂબ કઠિન હોય છે. દીવાને અખંડ રાખવો હોય તો એમાં સતત ઘી પૂરવું પડે. આપણા પ્રયત્નને અખંડ રાખવા હોય તો જાત હોમી દેવી પડે. ઘણી વાર છેલ્લો પ્રયત્ન દરવાજાની ખુલ જા સિમ સિમ જેવી ચાવી સમાન સાબિત થતો હોય છે.

સંબંધની માયાજાળ પણ ગજબની છે. જે આપણી પાસે છે એની સાથે આપણે ખુશ નથી અને જે આપણી પાસે નથી એની સાથે આપણે ખુશ રહેવાનાં સપનાં જોઈએ છીએ. કાયમી અને જૂના થયેલા સંબંધોમાં આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ અને નવા સંબંધ તરફ ઘસડાયા કરીએ છીએ. થોડા વખત પછી એ નવો સંબંધ પણ વાસી થઈ જશે અને આપણે ફરી કોઈ નવા સંબંધ તરફ દોટ મૂકીશું. આ દોટ નિરંતર ચાલુ રહે છે. આવી નિરંતરતા જોખમી સાબિત થાય છે. જીવનમાં એક વાત નક્કી છે કે નક્કી કશું જ નથી. અને જ્યારે કશું નક્કી ન હોય ત્યારે નક્કી પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

પણે માત્ર જીવીએ છીએ. આપણે સતત જીવતા નથી હોતા. જીવવાના આપણા પ્રયત્ન અમુક સમય પછી ફીકા પડી જાય છે. એ સમયે આપણે આપણી જાતને સતત જીવવા માટે, સતત પ્રયત્નશીલ રહેવા માટે, સતત સંબંધ ટકાવી રાખવા માટે હૅપી ન્યુ યર કહેવું પડે. જીવનમાં નવીનતા આવે એટલે એક્સાઇટમેન્ટ, ઉત્સાહ વધી જાય. અને આપણે દિલોજાનથી કામ કરવા લાગીએ. દિલોજાનથી બધું ટકાવી રાખવા પ્રયત્ન કરીએ. નવીનતા બહાર નહીં, આપણી અંદર જ હોય છે. નવીનતા જૂના સંબંધને છેતરી નવા સંબંધમાં શોધવાની નથી. નવીનતા જૂના સંબંધ રિવાઇન્ડ કરીને શોધવાની છે.

 જૂનું વર્ષ જરા રિવાઇન્ડ કરી બધી જ હતાશાને ખંખેરી સતત પ્રયત્નશીલ રહેવાના નિર્ધાર સાથે જાતને હૅપી ન્યુ યર કહીએ.

 મલ્ટિટાસ્કિંગમાં પુરુષો પણ છે પાવરધા

મલ્ટિટાસ્કિંગ એટલે કે એકસાથે અનેક કામ કરવામાં મહિલાઓની મૉનોપોલી રહી છે. વહેલી સવારે ઊઠીને સંતાનોને સ્કૂલમાં મોકલવાં, હસબન્ડનું ટિફિન બનાવવું, રસોઈ, વડીલોની દેખભાળ, બહાર જઈને કામ કરવું અને ઍાફિસમાંથી પરત ફર્યા બાદ બાળકોને હોમવર્ક કરાવવું. ઓછા સમયમાં વધુ કામ કરવામાં મહિલાઓની તોલે કોઈ ન આવે એવું અત્યાર સુધી માનવામાં આવતું હતું. તાજેતરમાં આ માન્યતાને ખોટી ઠેરવતો રિપોર્ટ સામે આવ્યો છે.

 

પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ વન જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મહિલાઓ મલ્ટિટાસ્કર નથી, હાર્ડ વર્કિંગ છે. મહિલાઓની કાર્યક્ષમતા વિશે રિસર્ચ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે તેઓ ઘણાંબધાં કામ કરવામાં પાવરધી છે, પરંતુ તેને મલ્ટિટાસ્કર ન કહી શકાય. મલ્ટિટાસ્કિંગની વ્યાખ્યા જુદી છે. એમાં જગલિંગ કરી કામો પતાવવાનાં નથી હોતાં. મલ્ટિટાસ્કિંગમાં ફોકસ, ડેડલાઇન અને સક્સેસનો રોલ મહત્ત્વનો છે. દાખલા તરીકે કોઈ પુરુષ ડ્રાઇવિંગ કરતાં-કરતાં તેના હાથ નીચે કામ કરતી વ્યક્તિને ફોનના માધ્યમથી ઇન્સ્ટ્રક્શન આપે, ઑફિસ પહોંચતાં સુધીમાં ટેબલ પર રિપોર્ટ તૈયાર હોય એને મલ્ટિટાસ્ક કહેવાય. અહીં ફોકસ (રોડ પર અને ફોન પર), ડેડલાઇન અને સક્સેસ ત્રણેય જોવા મળે છે. સ્ટડી કહે છે કે મલ્ટિટાસ્કિંગમાં મહિલાઓ નહીં, પણ પુરુષો એક્સપર્ટ છે.

સૌજન્ય ..Dailyhunt

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચક મિત્રો,સ્નેહી જનો નવા વર્ષ 2020 માં તન,મન,ધનથી ખુશ રહે એવી અનેક પ્રેમભરી શુભેચ્છાઓ.

 વિનોદ પટેલ ,

સાન ડીયેગો , કેલીફોર્નીયા

તા. જાન્યુઆરી ૧,૨૦૨૦

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

કવી ઉશનસ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1266 હૈયામાં હામ હોય તો હેમ મળે!… મુકેશ પંડ્યા

સૌજન્ય- મુંબઈ સમાચાર

દિવ્યાંગ ચંદીપસિંહ ની પ્રેરક કથા  

હૈયામાં હામ હોય તો હેમ મળે! ….કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

ઘણા લોકોને પોતાના નસીબને કોસવાની આદત હોય છે, ફલાણાએ સાથ ન આપ્યો એટલે હું નિષ્ફળ ગયો- આ એમનું પેટન્ટ વાક્ય હોય છે. ઘણા એવા હોય છે જે એમ વિચારતા હોય છે કે કોઇનો સાથ નથી તો શું થયું? મને ભગવાને બે હાથ તો આપ્યા જ છે ને. આવા લોકો કોઇના પણ સહકાર વિના પોતાના હાથને જ જગન્નાથ માનીને હસ્તરેખાઓને પણ બદલી નાખવામાં પાવરધા હોય છે. જોકે, ઘણા એવાય હોય છે જેની પાસેથી ભગવાને બે હાથ પણ છીનવી લીધા હોય છે, છતાંય આ લોકો એવું કામ કરી જાય છે કે હાથવાળાય પોતાના હાથ ઘસતા રહી જાય અને આ લોકો મેડલ લઇ જાય અને એ પણ પાછો હેમ એટલે કે સોનાનો. આનો અર્થ એવો થયો કે સફળતા મેળવવા કોઇના સાથ કે હાથની નહીં,પણ હૈયે હામ અને દિલમાં લગન હોવી જરૂરી છે. આજે આપણે પણ એવા એક પુરુષની વાત કરવી છે જેને હાથ નથી છતાંય બેઉ હાથે (સોરી. બેઉ પગે) સોનું (મેડલ) ઉલેચી રહ્યો છે.

જી… હાં, ચંદીપસિંહ સુદાન નામનો એક હસતો રમતો છોકરો ૧૧ વર્ષની ઉંમરે જ બે હાથ ગુમાવી બેઠો. જમ્મુમાં એના ઘરની ઉપરથી પસાર થતાં ખુલ્લા વાયરને ભૂલથી અડી બેઠો. લગભગ ૧૧,૦૦૦ વોલ્ટ જેવા હાઇવોલ્ટેજ કરંટ ધરાવતા વાયરને અડવું એટલે મોતને આમંત્રણ. જોકે તે આ પ્રચંડ વીજપ્રવાહના ખોફ છતાંય બચી તો ગયો, પણ અંગે અંગમાં બળતરા વ્યાપી ગઇ હતી. તબીબી ભાષામાં જેને ફોર્થ ડીગ્રી બર્ન કહેવાય એ રીતે એ દાઝ્યો હતો એટલે તેના બે હાથમાં ઘણો ચેપ ફેલાયો હતો.

આવી પરિસ્થિતિમાં તેનો જીવ બચાવવા ડૉક્ટરો પાસે તેના બેઉ હાથ કાપી લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો ન હતો. ૨૦૧૧ની બનેલી આ ઘટનાને વાગોળતા તેના પિતા સુરિન્દર સિંહ જણાવે છે કે, ‘ચંદીપે હોસ્પિટલના બિછાને ઓપરેશન થઇ ગયા પછી મને કહ્યું હતું કે ડૉક્ટરને કહો કે મારી આંગળીઓ પર સખત દબાણ આવી રહ્યું છે, હાથે બાંધેલો પાટો થોડો ઢીલો કરે. પણ એને ક્યાં ખબર હતી કે તેના બેઉ હાથ કાપી નાખવામાં આવ્યા છે’

ખરેખર જ્યારે ચંદીપને ખબર પડી કે તેણે બે હાથ ગુમાવ્યા છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો હતો. એ ખૂબ રોયો હતો. એ દિવસો હતાં જ્યારે ચંદીપ શાળામાં ખેલકૂદ ક્ષેત્રે પણ સફળતાપૂર્વક આગેકૂચ કરી રહ્યો હતો. દોડ-સ્પર્ધા, ફૂટબોલ અને સ્કેટિંગમાં તેને ખૂબ રસ હતો. જોકે, તેને તેના કુટુંબ અને મિત્રોનો ખૂબ સહકાર મળ્યો. તેના મા-બાપ અને સગાવહાલાં તેને હંમેશાં કહેતાં રહેતાં કે જે બની ગયું છે એના વિશે ક્યારેય વિચારવું નહીં. ભૂતકાળ ભૂલીને હવે જે પરિસ્થિતિ છે એનો સહજતાથી સ્વીકાર કરીને આગળ વધવું જોઇએ. અમે સતત તારી સાથે છીએ.

ચંદીપના માબાપે તેને કંઇ પણ કરવાની છૂટ આપી હતી. તે જે પણ કાર્ય કરવા માગતો એમાં તેમનો પૂરો સહકાર રહેતો. ચંદીપ કહે છે કે તેને તેના મિત્રોનો પણ ઘણો સાથ-સહકાર મળ્યો. ઘણા એવા હોય છે કે દાઝ્યા પર ડામ દે, પણ તેના મિત્રોએ તેને ક્યારેય એવી લાગણી થવા જ ન દીધી કે તેણે બે હાથ ગુમાવ્યા છે.

દરેકના સાથ સહકારથી ચંદીપે તેની જિંદગીનો બીજો અધ્યાય શરૂ કર્યો. ચંદીપના જ શબ્દોમાં કહીએ તો, ‘મારા કુટુંબીઓ અને મિત્રોએ મારા માટે એટલું બધું કર્યુ હતું કે મને પણ વિચાર આવતો કે મારે પણ બદલામાં એવું કાંઇક કરવું જોઇએ જેથી આ બધા લોકો મારા માટે ગર્વ અનુભવે. હું શું કરી શકું એવું વિચારતો હતો અને એક દિવસ મને સ્કેટિંગ ક્ષેત્રે આગળ વધવાનો વિચાર આવ્યો. ઘણા લોકો એમ કહેતા કે સ્કેટિંગ કરવામાં શરીરની સમતુલા જાળવવી ઘણી જરૂરી છે અને બે હાથ વગર આ સમતુલા જાળવી શકાય નહીં. જોકે, મેં આ વાતને એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને સ્ક્ેટિંગ ક્ષેત્રે કંઇક કરી બતાવવાનું નક્કી કર્યું.

સાચે જ, ચંદીપે સ્કેટિંગ ક્ષેત્રે ઘણું કરી બતાવ્યું. તેના હાથ ભલે ન હતાં, હૈયૈમાં હામ તો હતી જ. એ હિંમત અને લગનથી આગળ વધ્યો ને, રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બની ગયો. અત્યારે તો એ ૧૦૦ મીટરની પેરા-સ્કેટિંગ સ્પર્ધા માત્ર ૧૩.૯૫ સેક્ધડમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૫માં ચંદીપને ઉત્તરાખંડમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મળ્યો. અરે થોભો, આશ્ર્ચર્યની વાત તો એ છે કે આમાં સધળા સ્પર્ધકો તેના જેવા વિકલાંગ નહીં , પણ બે હાથવાળા ધરાવતા સામાન્ય લોકો હતાં.

જોકે સંદિપ માત્ર સ્કેટિંગમાં જ નહીં અન્ય રમતોમાં પણ ખૂબ આગળ વધ્યો. ટાએકવૉન્ડો જેવી માર્શલ આર્ટ ધરાવતી રમત એ ધગશથી શીખ્યો. આ રમતમાં પગને સામેવાળાના માથા સુધી ઉછાળીને, હવામાં ફંગોળાઇને અને પોતાની જાતને સમતુલિત રાખીને સામેવાળાને મહાત કરવાનો હોય છે. પણ ચંદીપ જેનું નામ. એણે તો આ રમતને પણ પડકાર સમજીને સ્વીકારી લીધી. સ્વીકારી લીધી તો ભલે સ્વીકારી લીધી, પણ તેમાં બબ્બે સુવર્ણ પદક પણ જીતી બતાવ્યા. હાં.. જી એણે તાજેતરમાં જ સાઉથ કોરિયા ખાતે

યોજાયેલી કિમયોન્ગ ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં બબ્બે સુવર્ણ ચંદ્રક મેળવીને જાણે નવા વર્ષની સોનેરી શરૂઆત કરી હતી. આટલું જ નહીં આની પહેલાં વિયેટનામમાં યોજાયેલી એશિયન ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં અને નેપાળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રિય ટાએકવૉન્ડો ચેમ્પિયનમાં પણ એ સુવર્ણ ચંદ્રકો જીતી ચૂક્યો છે. લ્યો બોલો, હાથેથી ચીજ-વસ્તુઓને ઉલેચતા ઘણા લોકોને તમે જોયા હશે, પણ આપણો આ વીરલો જાણે પગેથી સોનું ઉલેચી રહ્યો છે.

ચંદીપ સિંહ પોતાના રોજિંદા કામો પણ પગેથી ખૂબ સારી રીતે કરી રહ્યો છે . એટલું જ નહીં એ લેપટોપ અને મોબાઇલ પણ પગેથી ખૂબ સારી રીતે ઓપરેટ કરી શકે છે. આંતરરાષ્ટ્રિય દોડવીર મિલ્ખાસિંહે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘ જ્યારે ચંદીપ મારી ઓફિસમાં આવ્યો. ત્યાં મે એને લેપટોપ અને મોબાઇલ પગેથી ચલાવતા જોયો, હું તો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયો.’

ઉલ્લેખનીય છે કે મિલ્ખાસિંહ, મિલ્ખા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ચંદીપને બે કૃત્રિમ હાથ બેસાડી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ સંદર્ભમાં ચંદીપ જોડે મળવાનું થાય છે.

મિલ્ખાસિંહ કહે છે કે, ‘અમે તેને આવા હાથ બેસાડી આપવા તત્પર છીએ જેથી તેની આગામી જિંદગી થોડી સરળતાથી પસાર થાય. આ હાથ બેસાડવાનો ખર્ચ ૪૦થી ૫૦ લાખ છે. અમે અમારાથી બનતા પ્રયત્નો તો કરીએ જ છીએ, સાથે આમ લોકોને પણ બનતી મદદ કરવાની અપીલ કરી છે.’

ચંદીપ અત્યારે ૧૯ વર્ષનો છે. મતદાન કરવાની ઉંમરે પહોંચેલા ઘણા યુવાનો કોઇ હસ્તરેખાશાસ્ત્રી પાસે પોતાનું ભવિષ્ય કેવું છે એ જાણવા હથેળી બતાવતાં હોય છે, જ્યારે ચંદીપે આ જ ઉંમરમાં આપણા લોકપ્રિય શાયર બરકત વિરાણી ‘બેફામ’ની લોકપ્રિય શાયરીની એક લાઇન, કે ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ ને ખરેખર સાર્થક કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે જીવનની સફળતા એ કોઇ હાથ કે તેની હસ્તરેખાઓની મોહતાજ નથી હોતી.

ચંદીપને આ નવા વર્ષમાં બે કૃત્રિમ હાથ જલદીથી મળી જાય એવી શુભેચ્છા.

સૌજન્ય… મુંબઈ સમાચાર .કોમ 

ચંદીપસિંહની પ્રેરક કથા વિડીયોમાં …

Asian championship Gold medal ..Taekwondo/international/Indian team player/india vs koera

Chandeep Singh – Official full documentary”

Chandeep Singh વિશેના અન્ય વિડીયો અહીં ક્લિક કરીને જુઓ 

1096 – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૦ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ 

૨૮મી ઓગસ્ટ ૨૦૧૭ એ મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના નામથી નવાજ્યા હતા એ સ્વ.ઝવેરચંદ મેઘાણી ની ૧૨૦ મી જન્મ જયંતી છે.

સ્વ. મેઘાણીનાં જીવન કાર્યો અને એમના સાહીત્ય પ્રદાનને યાદ કરી આજની પોસ્ટમાં એમને હાર્દિક સ્મરણાંજલિ  આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તુત સામગ્રી આપને ગમશે એવી આશા છે…. વિનોદ પટેલ .  

ઝવેરચંદ મેઘાણી

 જન્મની વિગત …૨૮ ઓગસ્ટ ૧૮૯૭ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત

મૃત્યુની વિગત – ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ)બોટાદ, ભાવનગર, ગુજરાત

મૃત્યુનું કારણ -હ્રદય રોગ

રાષ્ટ્રીયતા -ભારતીય

અભ્યાસ -બી.એ. (સંસ્કૃત)

વ્યવસાય -સાહિત્યકાર (કવિ, લેખક)

ખિતાબ -રાષ્ટ્રીય શાયર

જીવનસાથી -દમયંતીબેન, ચિત્રદેવી

માતા-પિતા -ધોળીબાઈ-કાળીદાસ

વેબસાઇટhttp://jhaverchandmeghani.com/

 

ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમરની વધુ વિગતો વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

 

ઝવેરચંદ મેઘાણીની મારી પસંદગીની ત્રણ  કાવ્ય રચનાઓ ..

૧.મન મોર બની થનગાટ કરે …

આ ગીત રવીન્દ્રનાથ ટાગોરના મૂળ કાવ્ય ” Navi Varsha ” નો ઝવેરચંદ મેઘાણી એ `મન મોર બની થનગાટ કરે’ એ નામે ૧૯૪૪ માં કરેલ ભાવાનુવાદ છે.

મન મોર બની થનગાટ કરે … ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં આ ગીતને જાણીતા ગુજરાતી લોક ગાયક ઓસમાન મીરએ ગાયું હતું. નીચેના વિડીયોમાં ગુજરાતી જલસો-૨૦૧૭ વખતે એમના કંઠમાં આ ગીતને સાંભળો.

Mor Bani Thanghat Kare by Osman Mir | Goliyon Ki Raasleela Ram-Leela | Gujarati Jalso 2017

૨. ઘણ રે બોલે ને એરણ સાંભળે

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો….. જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…. જી.
એ જી સાંભળે વેદનાની વાત
વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હો… જી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને માનવાર;
પાંચ-સાત શુરાના જયકાર
કાજ ખુબ ખેલાણા સંહાર:
હો એરણ બની ! -ઘણ રે બોલે ને
પોકારે પૃથ્વીનાં કણ કણ કારમાં હો… જી.
પોકારે પાણીડાં પરવારનાં હો… જી.
જળ-થળ પોકારે થરથરી
કબરૃની જગ્યા રહી નવ જરી ;
ભીંસોભીંસ ખાંભીયું ખુબ ભરી
હાય, તોય તોપું રહી નવ ચરી :
હો એરણ બેની! – ઘણ રે બોલે ને
ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો… જી.
ધમણ્યું ધખે રે ધખતા પ્હોરની હો… જી.
ખન ખન અંગારે ઓરાના ઓરણા,
કસબી ને કારીઘર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા –
તોય પૂરા રોટા નવ શેકાણા
હો એરણ બની ! -ઘણ રે બોલે ને

મેઘાણીના આ  ગીતનો શ્રી મધુસુદન કાપડીયાએ કરેલ સુંદર રસાસ્વાદ નીચેના વિડીયોમાં..

 

૩.હાય રે હાય કવિ !

આ કાવ્યમાં જે પરિસ્થિતિ સ્વ.મેઘાણીએ રજુ કરી છે એ આજે પણ એટલી જ નજરે જોવા મળે છે. એવી પરિસ્થિતિમાં એક કવિને કાવ્ય રચવાનું  કેમ  ગમે એવો એમનો પ્રશ્ન વણ ઉકલ્યો જ રહ્યો છે! 

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ? 

 

ગુજરાત સાહિત્ય અકાદમી- સર્જક અને સર્જન-ના આ વિડીયોમાંથી ઝવેરચંદ મેઘાણી વિષે જાણો

 

વિકીપીડીયાની આ લીંક પર ઝવેરચંદ મેઘાણીની કેટલીક ચૂંટેલી  સાહિત્ય રચનાઓ, નવલકથાઓ  વી.વાંચો અને માણો

શ્રેણી ..ઝવેરચંદ મેઘાણી .. એમનું સાહિત્ય

 

1062 – મોબાઇલ ….. કડવું છે પણ સત્ય છે.

મોબાઇલ અને ઇન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ નહીતર ભસ્માસુરની જેમ આપણે પણ ખતમ થઇ જશુ.

મોબાઇલ …કડવું છે પણ સત્ય છે.સમય કાઢીને અવશ્ય વાંચશો.

આજના વિદ્યાર્થીઓના હાથમાં મોબાઇલ જોઇને વિષ્ણુપુરાણમાં આવતી ભસ્માસુર રાક્ષસની કથા યાદ આવે છે.

ભસ્માસુર રાક્ષસે આકરુ તપ કરીને ભગવાન શીવ પાસેથી એવુ વરદાન પ્રાપ્ત કર્યુ કે એ જેના માથા પર હાથ મુકે એ બળીને ભસ્મ થઇ જાય. ભસ્માસુરે આ વરદાન બીજાને ભસ્મ કરવા માટે મેળવ્યુ હતું પણ પોતે મેળવેલા વરદાનથી એ જ બળીને ભસ્મ થઇ ગયો. ભગવાન વિષ્ણુએ મોહીની રુપ લઇને ભસ્માસુર પાસે નૃત્ય કરાવ્યુ અને નૃત્ય કરતા કરતા ભસ્માસુરે પોતાના હાથ પોતાના જ માથા પર મુક્યા અને એ બળીને ભસ્મ થઇ ગયો.

આ જ ઘટનાને મોબાઇલ યુગ સાથે સરખાવીએ તો તપ કરીને (સંશોધન કરીને) માનવ જાતે મોબાઇલ રુપી વરદાન મેળવ્યુ. આ વરદાનથી પોતાની જાતને વધુ મજબુત કરવાની હતી એના બદલે મોબાઇલના મોહીની રુપમાં ભાન ભુલેલા માણસે પોતાની જાતને જ ખતમ કરી નાંખી છે.

આજની યુવા પેઢી મોબાઇલનો એવો શીકાર બની ચુકી છે કે એને પોતાની કારકીર્દી કે ભવિષ્યની કોઇ જ ચિંતા નથી. હમણા જાહેર થયેલા ધો.10 અને ધો.12ના પરિણામો ઘણું કહી જાય છે. થોડા વિદ્યાર્થીઓ બહુ સારા ટકા લાવે છે પણ શાળાઓ દ્વારા એને એટલા હાઇલાઇટ કરવામાં આવે છે કે માંડ માંડ પાસ થયેલા વિદ્યાર્થીઓની બહુ મોટી સંખ્યા દબાઇ જાય છે. ભારત પાસે યુવાનોનો ઢગલો છે પણ અપવાદોને બાદ કરતા બાકીના બધા ઢગલાના ઢ જેવા છે.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વળી મોબાઇલની શું જરુર પડે ? એને એવો તે ક્યો ધંધો કરવાનો છે કે મોબાઇલ વગર ન ચાલે ? અરે કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે જે એક કરતા વધુ મોબાઇલ રાખે છે. આ મોબાઇલનો જીવન ઘડતર માટે ઉપયોગ થયો હોય તો કોઇ જ વાંધો નથી પણ મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઇલની મોહિની જાળમાં ફસાઇને એના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે.

અપવાદને બાદ કરતા કોઇ વિદ્યાર્થીઓને પોતે જે ભણે છે એનું પણ જ્ઞાન નથી. માત્ર એકાદી નાની ચોપડી વાંચી પરીક્ષા આપે અને પાસ થઇ જાય. કોઇ પ્રોજેક્ટ કરવાનો હોય તો ગુગલની મદદથી કોઇનો પ્રોજેક્ટ ઉઠાવીને કોપી પેસ્ટ કરે. પોતાનું નવું કંઇજ નહી. સાવ રમતમાં ને રમતમાં એમ જ જીવન પસાર થાય છે. બસ મોજ જ કરવી છે. બાપા બિચારા રાત-દિવસ મહેનત કરીને દિકરા કે દિકરીના ઉજ્જ્વળ ભવિષ્યના સપના જોતા હોય અને આ બાપ કમાઇના બાબુડીયાવ જલસા કરતા હોય. બાપો બિચારો કામ કરી કરીને બેન્ડ વળી જાય અને આ મહારાજાઓ મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા જાય.

કોલેજના ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય એના કરતા વધુ વિદ્યાર્થીઓ કોલેજેની બહાર બાઇક પર બેઠા હોય અને બધા પોત પોતાના મોબાઇલમાં બીલ ગેટસ કરતા પણ વધુ વ્યસ્ત હોય. સાવ વાહીયાત વીડીયો, ફોટો કે મેસેજ વાંચવામાંથી અને ફોરવર્ડ કરવામાંથી ફુરસદ જ નથી મળતી કે બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત થાય.

સ્ટીવ જોબ્સે આઇફોન અને આઇપેડની ભેટ આપી પણ બહુ ઓછાને ખબર હશે એ સ્ટીવ જોબ્સે એમના સંતાનો માટે આ સાધનો વાપરવા પર પ્રતિબંધ મુક્યો હતો. સ્ટીવના એક મિત્રએ જ્યારે આ બાબતે સ્ટીવને પુછ્યુ ત્યારે એણે કહેલું કે આઇપોડ અને આઇપેડ મેં સારા હેતુથી જ સમાજમાં મુક્યા છે પણ મને ખબર છે કે આ રાક્ષસ યુવા પેઢીની આંતરીક શક્તિઓને ખતમ પણ કરી શકે છે એટલે મેં મારા સંતાનો માટે એનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી હતી.

મિત્રો, આપણે ઉપયોગ બંધ નથી કરવો પણ મર્યાદાઓ તો સમજીએ. કોઇપણ બાબત મર્યાદાથી બહાર જાય એટલે એ ઝેર બની જાય છે. મોબાઇલ અને ઇન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ નહીતર ભસ્માસુરની જેમ આપણે પણ ખતમ થઇ જશુ.

લેખક- શૈલેશ સગપરીયા સાહેબ

Source-

http://jentilal.com/excessive-use-of-mobile-phone/#.WTg742jyuyI

સાથે સાથે જાણીતા પત્રકાર અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નો મોબાઈલ વિશેનો આ લેખ પણ વાંચવા જેવો છે.

કઈ ઉંમરે બાળકોને મોબાઇલ વાપરવા આપવો જોઈએ?

 

 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે!

માત્ર યંગસ્ટર્સ જ નહીં, નાનાં બાળકો પણ હવે ‘મોબાઇલ એડિક્ટ’ થવા લાગ્યાં છે.

મા-બાપ માટે સૌથી અઘરો સવાલ એ બની ગયો છે કે એનો દીકરો કે દીકરી કેવડાં થાય ત્યારે તેને મોબાઇલ અપાવીએ!

નાની ઉંમરે મોબાઇલ વાપરવા લાગતાં બાળકોની માનસિકતા નોર્મલ રહેતી નથી.

આ અંગે થયેલા અભ્યાસો સ્પષ્ટ રીતે જણાવે છે કે, બી કેરફુલ.

આખો લેખ  વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરશો.

http://www.chintannipale.com/2017/06/05/06/45/3933

 

એક મિત્રએ મોકલેલ વોટ્સ એપ પર ફરતું નીચેનું ચિત્ર લોકોના મોબાઈલના ગાંડા ક્રેઝ વિષે ઘણું કહી જાય છે.

“A picture is worth a thousand words”

નવી શાયરી

ઉમ્રે દરાજ સે માંગ કે
લાયે થે ચાર દિન…
દો ફેસબુક મેં કટ ગયે
દો મોબાઈલ-વોટ્સએપ મેં…..
– બહાદુર શાહ ‘ડફર.’

1050-અજોડ – અદ્વિતીય ગુજરાતી ગઝલ સમ્રાટ… અમૃત ‘ઘાયલ’

અજોડ – અદ્વિતીય ગુજરાતી ગઝલ સમ્રાટ… અમૃત ‘ઘાયલ’

<br />અજોડ - અદ્વિતીય ગુજરાતી ગઝલ સમ્રાટ... અમૃત ‘ઘાયલ'

      ‘નીરખી શબ્‍દ, આંખ ઠારૂં છું,

      જિંદગી મોજથી ગુજારું છું,

      એટલે તો શ્વસું છું હું ઘાયલ,

      હું સતત સોચું છું, વિચારૂં છું.’

      શબ્‍દનાં આજીવન ઉપાસક – આરાધક અને શબ્‍દની સાથે જીવનાર ઘાયલ સાહેબ ખુદને શબ્‍દ સાધક પણ કહેતા હતા. કોઇ અલૌકિક શકિતનાં સહારે – જ આ શબ્‍દની સાધના – આરાધના થતી એવું તેઓનું માનવું હતું.

      ‘સૂરથી શબ્‍દનો, શબ્‍દથી સૂરનો,

      મોક્ષ જાણે અહીં થાય છે હરઘડી

      મોજથી પીઉં છું: મારી જાણે બલા,

      કોણ મુજને સતત પાય છે હરઘડી.’

      ખુદના જીવનમાં પોતે સંતુષ્‍ટિથી જીત્‍યાને જીવન – મૃત્‍યુ વચ્‍ચેની લડાઇ વખતે તેઓનાં શબ્‍દો કંઇક આ પ્રમાણે હતા.

      ‘જીવનમાં એક કરતાં પણ અધિક બહુમાન પામ્‍યો છું,

      મને તો એમ કે હું મૃત્‍યુંજય વરદાન પામ્‍યો છું,

      વિચારૂં છું – છતાં એકાન્‍તમાં તો એમ લાગે છે,

      ઘણું જીવી ગયો છું પણ સતત અવસાન પામ્‍યો છું.’

      તેમની ભાષા સમૃધ્‍ધિ વિશે ‘સ્‍વામી આનંદ’એ ઇ.સ. ૧૯૭૩ ભૂમિપુત્રમાં ખાસ ઉલ્લેખ કરેલો કે ઘાયલ સાહેબ સાથેની એક મુલાકાત દરમિયાન ભાષા પ્રયોગ અંગે એમણે કરેલી વ્‍યાખ્‍યા તેમને સોંસરી ઊતરી ગયેલી જેમાં કહેલું કે, ‘હું મોટે ભાગે ચોખલિયા સાક્ષર વર્ગની અણમાનીતી એવી ગઝલ શૈલીમાં મારા મનના ભાવ – આવેગની અભિવ્‍યકિત શોધતો હોઉ છું. મારા છૂટેદોર અવલોકનોમાં સાક્ષરી ચીલાઓની ઘૂંસરી ન સ્‍વીકારતા ગુજરાતી, હિન્‍દી, ફારસી, સંસ્‍કૃત કશાનો ટાળો કર્યા વગર જે કોઇ ભંડોળનો શબ્‍દ હૈયે ચડે કે ઊગે તેને જોતરી લઇને ધસ્‍યો જાઉં છું. અને તેની જિંદગી જનતાની જીભને ભળાવું છું. જનતાની જીભે વસે તે શબ્‍દ સાચો ને નરવો. એ જ પ્રાણદાયી ભાષા ખોરાક છે ને જનસમાજ શરીર, સારો, નબળો ચાહે તે ખોરાક શરીરમાં નાંખો, શરીર ખપનો હોય તેટલો પચાવી લેશે અને મળ તેટલો કાઢી નાખશે.’

      અમૃત ઘાયલ સાહેબનાં સમગ્ર ગઝલસંગ્રહ ‘આઠોં જામ ખુમારી’ નામે પ્રગટ થયેલ જેમાં તેમની સમગ્ર ગઝલયાત્રાનો સમન્‍વય છે. પ્રવિણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત આ ગ્રંથ ન માત્ર એક ગઝલસંગ્રહ પરંતુ તેમના મુક્‍તકો – ગઝલો અને સમગ્ર રચનાઓને આપણી સમક્ષ ધરે છે. આ પુસ્‍તક ગુજરાતી ગઝલનો સીમાસ્‍તંભ કહી શકાય. મકરંદ દવે એ આ ગઝલસંગ્રહનાં પ્રકાશનને ગુજરાતી કવિતાના પ્રાંગણમાં એક વિશેષ ઘટના બતાવી હતી. જેમાં…

      ‘ચટકીલો ચાકમચૂર ભર્યો, આ રંગ કસુંબી ઘાયલનો,

      વિદ્રોહી, વેધૂકો, વિફર્યો આ રંગ કસુંબી ઘાયલનો,

      લે આવ તને જીવનને તાલે – તાલે આજ ઝુલાવી દે,

      દરવેશી નૂરમનૂર નર્યો, આ રંગ કસુંબી ઘાયલનો.’

      રૂસ્‍વા મઝલુમી ‘ઘાયલ’ સાહેબને ફક્‍ત શાઇર શિરોમણી જ ન ગણતા – એક મહાન ઇન્‍સાન – માણસ માનતા હતા. તેમની નજરે ઘાયલસાહેબ સૂફી સંત હતા અને આવા મહાન સર્જકનું – તેમની સર્જન પ્રતિભાનું – અભિવાદન કરવું એ આપણી ગુજરાતી સંસ્‍કૃતિનું, ગરવી ગુર્જર ગિરાનું, ગુજરાતની ગઝલનું, સરવાળે ગુજરાતની સાહિત્‍ય અસ્‍મિતાનું જ સન્‍માન કરવું ગણતા… ઘાયલ સાહેબનું એક મુક્‍તક…

      ‘બસ, આમ આનબાનથી જિવાય તો ય બસ,

      અંઘેરો ફફડતા, શાનથી સિવાય તોય બસ,

      આ જામમાં છે એથી વધારે ન જોઇએ,

      આ જામમાં છે એટલું પિવાય તોય બસ…!’

      જિંદગીના મેળામાં ને ધમસાણમાં એ બરાબર મેદાને પડે છે પણ તમામ પાછળ પેલા વેરાગી એકતારો વાગતો સંભળાય છે કોઇ જાતની આશા, નિરાશા કે હતાશા કે હારજીતના સુખ – દુઃખને ધૂળ ખંખેરીએ એમ ખંખેરી હરહંમેશ હર હાલમાં ખુશરહેનાર હતા.

      ‘વલણ હું એક સરખું રાખું છું આશા – નિરાશામાં,

      બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં,

      સદા જીતું છું એવું કૈં નથી, હારૂં છું બહુધા પણ,

      નથી હું હારને પલટવા દેતો હતાશામાં.’

      ઘાયલ સાહેબની સાથે મારે તો પત્ર વ્‍યવહારનો નાતો રહેલો નાનપણમાં એ સમયે શબ્‍દની એટલી ઊંડાઇ – ગહેરાઇ મને પણ ખબર ન હતી કે ન હોતી એટલી પરિચીત શબ્‍દોથી પણ એમનો એક શેર એમના પત્રમાં લખી મોકલાવેલ ને મેં જીવનમંત્ર બનાવ્‍યો…

      ‘રસ્‍તો નહીં જડે તો રસ્‍તો કરી જવાના,

      થોડા અમે મુંઝાઇ મનમાં મરી જવાના !

      નિજ મસ્‍ત થઇ જીવન આ પૂરું કરી જવાના,

      બિંદુ મહીં ડૂબીને સિન્‍ધુ તરી જવાના !

      કોણે કહ્યું કે, ખાલી હાથે મરી જવાના !

      દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.’

      એમને પોતાના જીવનમાં બહોડા અનુભવો – સંઘર્ષો વેઠયા. એમના શબ્‍દમાં તેમના જીવન સંઘર્ષની ઝાંય પડે ઝાંખી દેખાય આવે પરંતુ ખુમારી – આનબાન – શાન સાથે જીવેલા વ્‍યકિત આમ તો તખલ્લુસ ‘ઘાયલ’ એટલે જ સમજી શકાય કે આ ‘ઘાવ’ કેવા – કેટલા હશે કે તેઓ કાયમ ઘાયલ જ રહ્યા. ને નામ અમૃત એમની એક રચના…

      ‘મિલાવ હાથ રોપિયે નવી નકોર જિંદગી,

      ખપે નહી કઠોર કે હવે નઠોર જિંદગી – મિલાવ હાથ…’

      તથા અન્‍ય રચનામાં…

      ‘કશું ના નડયું આજ આヘર્ય વચ્‍ચે,

      અચાનક જડયું આજ આヘર્ય વચ્‍ચે,

      અમે શોધમાં જેની ભટક્‍યા જીવનભર,

      એ પગમાં પડયું આજ આヘર્ય વચ્‍ચે.’

      આ પણ જિંદગીમાં જીવનભરના સંઘર્ષ બાદ આヘર્ય વચ્‍ચે અચાનક મળી આવતા અનુભવની વાત એમની ગઝલોમાં જીવન અને મૃત્‍યુ વિેશનું ચિંતન વારંવાર પડધાય પરંતુ એમણે કયાંય જીંદગીના રોદણા નથી રોયા, જીંદગી જીવવા માટે છે રોદણા રોવા, બડાપા મારવા કે માથાકુટવા માટે નથી જીવન અને મૃત્‍યુ વિશેનુ જે ચિંતાન મનન કર્યુ એમાંથી એમણે જવાનોને એક દિશા ચિંધેલ હતી.

      ‘તને કોણે કહી દીધુ મરણની બાદ મુકિત છે

      રહે છે કેદ એની એ ફકત દિવાલ બદલે છે’

      ‘મૃત્‍યુ’ પર એમના ઘણા શેર છે. મૃત્‍યુ વિશે એમની વિભાવના અલગ હતી. જીવનની અંદર મૃત્‍યુ જેવી કોઇ ચીજ જ નથી. આ તો માત્ર વષાો બદલવાની વાત છે. આપણે ડરીએ છીએ કારણ કે આપણે જીવવુ હોય છે મૂળ તો જિજી વિષા આપણને ડરાવે છે. બાકી તો મોત મંગલતત્‍વ છે

      ‘મળવા આવ્‍યુ છે ભલે આવ્‍યુ, મિલન કરવા દે,

      ધન્‍ય અસ્‍તિત્‍વ અને ધન્‍ય જીવન કરાવા દે,

      આંગણે સામેથી આવી અને ઉભુ છે તો,

      મોતથી આ હસી હસી ધુન કરવા દે,’

      સતત જીવનમાં સર્વ મુશ્‍કેલીઓ-મુસીબતોનો હસતા ચહેરે સામનો કરનાર ઘાયલ સાહેબે મોતનો સામનો પણ આજ રીતે કરવા આપેલ શેર.

      જિંદગી પેઠે જ ‘ઘાયલ’ મોતનો,

      આવશે તો ટાણે કરશુ સામનો.

      સતત ખુમારીથી જીવનારને ખુમારીનું બીજુ નામ એવા ઘાયલ સાહેબે તા.રપ-૧ર-ર૦૦રમાં આ ફાની દુનિયાને અલવિદા કહી પરંતુ તેઓ આપણા માનસમાં અજર-અમર છે. ગુજરાતી ગઝલ વિશ્વના આ વિરલ તારલાનું તેજ કાયમ ઝગમગતુ રહેશે. તેઓ સ્‍થૂળ શરીરથી વિદાય પામ્‍યા પણ તેમનો શબ્‍દ દેહ આપણા હૃદયમાં સદાય જીવતુ ધબકતુ રહેશે.

      એમને મળેલા અનેક સન્‍માનોમાં ૧૯૯ર-૯૩માં શેખાદુમ આબુવાલા એવોર્ડ, રણજીતરામ સુર્વણચંદ્રક (૧૯૯૩) ગુજરાત સાહિત્‍ય અકાદમી એવોર્ડ (૧૯૯૪) અને ૧૯૯૭માં કલાપી એવોર્ડ મુખ્‍ય છે.

      ‘હું નથી આ પાર કે તે પારનો,

      મુકત યાત્રી છુ હું પારાવારનો,

      વૃદ્ધ છુ કિન્‍તુ નીરસ કે જડ નથી,

      રૂક્ષ છું પણસ્ત્રોત છુ રસધારનો.’

      અંતે એક એમની રચના કે,

      ‘કેમ ભૂલી ગયા? દટાયો છું,

      આ ઇમારતનો હુંય પાયો છું.

      હું હજી પૂર્ણ ક્‍યાં કળાયો છું,

      અડધો પડધો જ ઓળખાયો છું.

      મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,

      શૂન્‍ય કરતાં તો હું સવાયો છું.’

      આવા આપણા ગુજરાતી રાજવી કવિ… ગઝલગઢ ગુજરાતી ગઝલના મિજાજ શહીદે ગઝલ તથા ગઝલ સમ્રાટ અજોડ અદ્વિતીય ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહને કોટિ કોટિ વંદન…

      અજોડ ગુજરાતી ગઝલ સમ્રાટ… ઘાયલ

            ᅠ:  આલેખન  :

      વનિતા રાઠોડ

      આચાર્યા શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. ૯૩,

      રાજકોટ.

      મો. ૮૧૫૫૦ ૫૦૧૦૨

Source- http://www.akilanews.com/08052017/main-news/1494218294-104612

==================================

સ્વ.અમૃત ઘાયલ

ગઝલકાર સ્વ. અમૃત ‘ઘાયલ’નો ગઝલ- વૈભવ.

…….એમના જ અક્ષરોમાં 

( 1033 ) “એક મુલાકાત ” અને “અભ્યાસ” કાર્યક્રમ મારફતે પ્રતિલિપિની સાહિત્ય સેવા

માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું પ્રતિલિપિ.કોમ બેંગ્લોર સ્થિત સોશિયલ ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ / નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે. હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓના સાહિત્યને પ્રોત્સાહન આપે છે.

પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થઇ એ પછી આજ સુધી પ્રતિલિપિએ ગુજરાતી ભાષાના અનેક લેખકોને જે રીતે ઉત્તેજન આપી સુંદર સાહિત્ય સેવા બજાવી છે અને એની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે એ માટે એની ઉત્સાહી ટીમને અભિનંદન ઘટે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 1006 માં પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ(વિડીયો)નો ઉપયોગ કરી શરુ કરેલ “એક મુલાકાત “પ્રોગ્રામમાં શ્રી જય વસાવડા અને શ્રી સૌરભ શાહની મુલાકાતના વિડીયો રજુ કર્યા હતા.

પ્રતિલિપિની પ્રસ્તુતી ‘એક મુલાકાત’ને મળેલી સફળ શરૂઆત બાદ હવે પ્રતિલિપિ ઉભરતા અને નવોદિત લેખકો માટે એક ઓનલાઇન વિડીયો ટ્યુટોરીઅલ કાર્યક્રમ – ‘અભ્યાસ’ દર શુક્રવારે સુ.શ્રી બ્રિન્દા ઠક્કર દ્વારા રજુ થઇ રહ્યો છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ એમના ઈ-મેલથી મોકલેલ “એક મુલાકાત” અને “અભ્યાસ” પ્રોગ્રામના વિડીયોમાંથી કેટલાક વિડીયો આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યા છે જે નવોદિત લેખકો માટે ખુબ પ્રેરક અને પ્રોત્સાહક બનશે એવી આશા છે.

“એક મુલાકાત ” કાર્યક્રમ

પ્રતિલિપિના આ ” એક મુલાકાત”કાર્યક્રમમાં આમંત્રિત ગરવા ગુજરાતીઓના મુખેથી જ એમની જિંદગીને જાણવાની, જીતવાની, માણવાની અને અનુભવોની વાતો તમારા દિલને સ્પર્શી જશે.

શ્રી અનિલ ચાવડાની અભિવ્યક્તિ/અનિલ ચાવડા સાથે એક સુંદર મજાની વાતચીત ~
https://www.youtube.com/watch?v=fufNgftiytU

IAS ઓફિસર શ્રી ભાગ્યેશ જ્હા સાથે એક નાનકડી મુલાકાત
https://youtu.be/dKFEy-jB1xw?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ ની મુલાકાત
ગુજરાતી સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ આ મુલાકાતમાં પ્રકાશ પાડે છે.
https://youtu.be/IHYFWx76dq4?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

“અભ્યાસ” પ્રોગ્રામ

“અભ્યાસ” પ્રોગ્રામમાં સાહિત્યના નીવડેલા સાહિત્યકારો એના વિવિધ સ્વરૂપો વિષે ઉભરતા લેખક અને કવિને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

‘અભ્યાસ’ અંક-1 “ગઝલ વિશે”-શ્રી હિતેન આનંદપરા.
આ અંકમાં ગઝલ એટલે શું અને પદ્યના આ પ્રકારને લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/vSma_3LGgX8

અભ્યાસ અંક – 2, ગઝલના પ્રકારો વિશે..શ્રી હિતેન આનંદપરા.
ગઝલના પ્રકારો વિશે અને તે અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. ‘અભ્યાસ’ના આ અંકના માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/ignH47lpe8Y

શ્રી રાજુલ ભાનુશાલી : કવિતા વિશે
https://youtu.be/ZMoSIUuT5Ws

શ્રી કિશોર વ્યાસ : વાર્તાનાં સ્વરૂપો વિશે
https://youtu.be/oszlWSuQvNI

શ્રી કામિની મહેતા : ટૂંકી વાર્તા વિશે
ટૂંકીવાર્તામાં વિષય વસ્તુનું પ્રયોજન અને પાત્ર નિરૂપણ, માર્ગદર્શક શ્રી કામિની મહેતા પાસેથી શીખીએ …
https://youtu.be/edG1LxZ0F50

યુ-ટ્યુબની આ લીંક પર બીજા મુલાકાતના વિડીયો જોવા મળશે.

https://www.youtube.com/channel/UC0uTNjyOnBzxV-Bm5pMDmqA

પ્રતિલિપિ.કોમ સાથે હું ૨૦૧૪થી -એની શરૂઆતથી જ લેખક તરીકે જોડાયો છું.આ વેબ સાઈટ ઉપર આજદિન સુધી મુકાએલ મારી સાહિત્ય રચનાઓ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

http://gujarati.pratilipi.com/vinod-patel