“પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી.” મહાત્મા ગાંધી
વિશ્વભરમાં સંગીતની દુનિયામાં એમના શાસ્ત્રીય સંગીતથી સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે.
ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની પણ એમના સંગીતથી કેવો પ્રભાવિત થયો હતો એને ઉજાગર કરતો પ્રસંગ એક મિત્રના વોટ્સેપ સંદેશમાં વાંચ્યો .મને ગમેલ આ કિસ્સો મિત્રના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
*ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ. *
*આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..*
*સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર જૂની સંસ્કૃતિની મજાક કરતાં બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, ‘મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?’*
*ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે… *
*ઠાકુરે કહ્યું, ‘કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. *
*સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. *
*પરંતુ, સંગીતનું જે થોડું ઘણુ જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું…’*
*મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, ‘જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.’*
*ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. *
*વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો. *
*મદારી બીન વગાડે અને અવસ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.*
;*બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.*
*મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું. *
*ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.*
*ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર – નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ. *
*ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી પડી છે કે તે જડ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે. *
*ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા*
બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી.
ગુજરાતના આ પ્રતિભાવંત વિશ્વ વિખ્યાત સંગીતજ્ઞનો જન્મ તારીખ ૨૪ જૂન ૧૮૯૭ ના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં થયો હતો.
તેઓ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાના વિષ્ણું દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી.તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ના સંગીત વિભાગ ના પ્રથમ કુલપતિ હતા.
સન્માન
-૧૯૫૫ માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી
-નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય
-કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી
-૧૯૪૩ માં ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક
-૧૯૬૩ માં વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સ ની પદવી.
-૧૯૯૭માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ બહાર પાડવામા આવી.
એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી
Pandit Omkarnath Thakur
મહાત્મા ગાંધી ફિલ્મ અને સંગીતથી દૂર રહ્યાની બાબતથી દેશ અને દુનિયા અજાણ નહોતાં, તેમને એનું ખેંચાણ પણ નહોતું, બીજું તેમની પાસે અનેક મોટા કાર્યો હતાં, છતાં તેમણે એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયનને વખાણ્યું હતું. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે “પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી. પંડિત ઓમકારનાથના ગાયન અને વ્યક્તિત્વનો આવો પ્રભાવ હતો. બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી, એમ પુસ્તક ‘સૂર અને સ્વર’ લખેલું મળે છે. ગતકાળના પ્રખ્યાત અભિનેતાઓ અને રાજ, શમ્મી, શશી જેવા હોનહાર પુત્રોના ઍક્ટર-નાટ્યસર્જક પિતા પૃથ્વીરાજ કપૂર તેમના ગાયનના ઘેલા ચાહક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે ‘પંડિતજી એટલું અદ્ભુત ગાય છે કે તેમના ગીતોને સાંભળવા જ નહીં, પણ આંખથી જોવા પણ જોઈએ.’ પંડિતજી ગાયનમાં અભિનય કે નાટકીયતા પર પણ ભાર મૂકતા હતા.
અહીં આ મહાન ગાયક અને સંગીતમાર્તંડ, સંગીતના શાસ્ત્રજ્ઞને યાદ કરવાનો અવસર એટલે આવ્યો છે કે તેમનો દેહવિલય ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭ના દિવસે થયો હતો. આ મહિનો તેમને અંજલિપૂર્વક યાદ કરવાનો છે. તેઓ સંગીતના જગતમાં જે સ્થાને પહોંચ્યા ત્યાં પહોંચવા પહેલા તેમને આંખમાંથી આંસુ પડાવે અને હૈયું વલોવી નાખે એવો સંઘર્ષ કર્યો હતો. તેમનો કિશોરકાળ તેમને માણવા મળ્યો જ નહોતો એમ કહી શકાય. તેમની લાઈફ-સ્ટોરી કોઈ એક વ્યક્તિના ભાગ્યમાં સિદ્ધિઓ અને નામના કેવી રીતે આવી મળે છે અને કસોટીની એરણે કંચન જ ચડે એની વાત કહે છે.
તેમનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત પાસેના જહાજ નામના ગામમાં ૨૪ જૂન, ૧૮૯૭ના દિવસે થયો હતો. જહાજ ગામ ખંભાતથી પાંચ કિલોમીટરના અંતરે અને આણંદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે. ઓમકારનાથ ચોથું સંતાન હતા. તેમને બે મોટાભાઈઓ, નાનો ભાઈ અને એક બહેન હતાં. તેમના જન્મ વખતે મોટાભાઈ બાલકૃષ્ણ ૧૨ વર્ષના,
રવિશંકર ચાર વર્ષના અને બહેન પાવર્તી આઠ વર્ષનાં હતાં. સરકારી (એ વખતે રાજાઓની) ચાકરી કરનારા કુટુંબમાં જન્મેલા ઓમકારનાથના દાદા પંડિત મહાશંકર નાનાસાહેબ પેશ્ર્વાના લશ્કરમાં હતા તો પિતા ગૌરીશંકર વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડના માતા મહારાણી જમનાબાઈના લશ્કરમાં બસો સશસ્ત્ર ઘોડેસવારોની ટુકડીના કમાન્ડર હતા, પણ ‘અલવણીબાબા’ નામના યોગીના સંપર્કમાં આવીને ગૌરીશંકરે નોકરી છોડી સંન્યસ્ત ગ્રહણ કરી લીધું, પિતા પ્રણવના ઉપાસક બન્યા એટલે સંતાનો ઉછેરવાની અને ઘર ચલાવવાની બેવડી જવાબદારી માતા ઝવેરબાના માથે આવી. પિતાની આ અવસ્થામાં ચોથા સંતાનનો જન્મ થતા તેમનું નામ ઓમકાર રાખવામાં આવ્યું હતું. ગૌરીશંકરે ઘર છોડ્યું નહોતું, પણ ઘરસંસારમાં તેમનું મન નહોતું. ઝવેરબાને સંયુક્ત કુટુંબની જવાબદારી ઉપાડવાની હતી તે સાથે જેઠના મિજાજને અને વડીલોના અપમાનોને સાંખવાના હતા. સંતાનોને પ્રેમ આપવાનો સમય તેમની પાસે ક્યાંથી હોય? માતા શારીરિક અને માનસિક ગજબની ખુમારીવાળાં હતાં, તેમની મહેનત કરવાની વૃત્તિ અને પિતાના સાહસના ગુણ ઓમકારનાથના લોહીમાં આવ્યા હતા. ઉપરાંત પિતા પાસેથી પ્રણવ-ઉપાસનાનો પાસ પણ મેળવ્યો હતો. એ વખતના બહુ ઓછા સંગીતકારો-ગાયકો-કળાકારો શરીરની સુદૃઢતા પ્રત્યે ધ્યાન આપતા હતા જ્યારે ઓમકારનાથ નિયમિતપણે વ્યાયામ અને સૂર્યનમસ્કાર કરતા હતા જે તેમણે ગામા પહેલવાન પાસેથી શીખ્યા હતા. વળી તેઓ ખાનપાનમાં બહુ જ કડક હતા ચુસ્ત શાકાહારી હતા અને પોતાના આરોગ્ય પ્રત્યે બહુ સભાન રહેતા. વર્ષો સુધી સ્વીમિંગ અને રેસલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ઓમકારનાથે જીવનભર શિસ્તભર્યું જીવન વીતાવ્યું હતું. પિતાએ નોકરી છોડતા ઘરની આર્થિક સ્થિતિ કથળી એટલે પિતા કુટુંબને લઈને પગપાળા ભરુચ આવીને વસ્યા હતા. પંડિતજીનો જન્મ જ આવા સંજોગોમાં થયો હતો. પિતા તો પછી નર્મદાકિનારે સાધનામાં લાગી ગયા. માતાએ રસોઈ કરવાનું કામ કરવા માંડ્યું. પિતા પાસે અનેક યોગિક શક્તિ હોવાનું ઓમકારનાથજી કહેતા. પિતાએ પોતાના મૃત્યુનો સમય ભાખ્યો હતો અને મૃત્યુ અગાઉ પંડિતજીની જીભ પર એક મંત્ર લખી આશીર્વાદ આપ્યા હતા. ઓમકારનાથ ૧૪ વર્ષના હતા ત્યારે પિતા દેવલોક થયા હતા.
કપરી સ્થિતિમાં પંડિતજી રાંધણકળા શીખી ગયા અને તેમણે એક વકીલને ત્યાં રસોઈ કરવાનું કામ કર્યું હતું. સાથે પિતાની સેવા કરવા તેમની ઝૂંપડીએ પણ જતા. પંડિતજીએ વખત પડતા મિલ મજૂર તરીકે કામ કર્યું હતું ઉપરાંત નાનાં મોટાં કામો કરી માતાને આર્થિક ટેકો આપવાના પ્રયાસ કર્યા હતા. મિલ કામદાર તરીકે કામ કરતા ત્યારે વાંકડિયા ઝુલ્ફાવાળા હેન્ડસમ, હોંશિયાર અને હાર્ડ વર્કિંગ છોકરા પર મિલમાલિક ફિદા થઈ ગયા અને પંડિતજીને દત્તક લેવા વિચાર્યું પણ માતાએ એમ કહીને ના પાડી ક્ે ‘મારો દીકરો કોઈ પૈસાવાળાનો દત્તક દીકરો શું કામ બને? એ તો મા સરસ્વતીની કૃપાથી બહુ મોટી કિર્તી-નામના મેળવવાનો છે.’ છેવટે માતાના એ શબ્દો ખરા પડ્યા પણ.
વિમલકુમાર મોહનલાલ ધામીએ લખેલા પુસ્તક ‘સૂર અને સ્વર’માં નોંધાયું છે કે પંડિતજીનો અવાજ પહેલેથી મધુર, ભજનો ગાતા, તેમની દસ વર્ષની વયે રામલીલાના એક સંચાલકે તેમનો અવાજ સાંભળીને લક્ષ્મણની ભૂમિકા માટે રોકી લીધા. ચાર મહિના તેમાં કામ કરીને પંડિતજીને ૩૨ રૂપિયાનું વેતન મળ્યું એ માતાને આપી દીધું હતુું. તેમના આવા અવાજ પર ખુશ થઈને શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજી નામના એક પારસી ધનાઢ્યે તેમને અને તેમના નાના ભાઈ રમેશચંદ્રને સ્પોન્સર કરતા બેઉ બંધુઓ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની નિગેહબાની હેઠળ ચાલતા ગાંધર્વ મહાવિદ્યાલયમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી. છ વર્ષના શિક્ષણમાં ગુરુ-શિષ્યનો નાતો પિતા-પુત્ર સમાન બન્યો હતો. ૧૯૧૬માં પંડિત પલુસ્કરે લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કરતા તેમણે ૨૦ વર્ષના પંડિત ઓમકારનાથ ઠાકુરને પ્રિન્સિપલ તરીકે મુક્યા. વર્ષો પછી ઑગસ્ટ ૧૯૫૦માં બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં મ્યુઝિક ફેક્લ્ટી શરૂ કરવામાં આવી ત્યારે પંડિત ઓમકારનાથજી ઠાકુર તેના પહેલા ડીન બન્યા હતા.
આ ઠાકુર અટકની પણ એક કથા છે, જે મૂળ સુરતના પણ અધ્યાપન કાર્ય અંગે વડોદરા પાસે સાવલીમાં વસતા પ્રોફેસર અને કવિ જયદેવ શુક્લે કહી હતી કે પંડિતજી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જબરદસ્ત ચાહક હતા અને તેમનાથી પ્રભાવિત પણ હતા. એ અસરમાં તેમણે ઠાકુર શબ્દને અટક તરીકે અપનાવી લીધો હતો. જયદેવભાઈના કહેવા અનુસાર પંડિતજી પ્રણવરંગના ઉપમાને કાવ્યો-ગીતો લખી તેને કમ્પોઝ પણ કરતા હતા. કવિ શુક્લનું કહેવું છે કે પંડિતજી ગ્વાલિયર ઘરાણાના સૌથી પહેલા એવા ગાયક છે જેમણે તેમની ગાયકીમાં ગ્વાલિયર ઘરાણાને યથાવત્ રાખી તેને કિરાણા ઘરાણાનો પાસ આપ્યો હતો જેથી તેમનું ગાયન વધુ મધુર બન્યું હતું. વળી અન્ય ગાયકો બે તાનપુરાનો સંગાથ મેળવતા પણ પંડિતજી ચાર તાનપુરાનો ઉપયોગ કરતા જેથી તેમના ગાયન-માધુર્યમાં અજબનું ઊંડાણ જણાતું-અનુભવાતું. સંગીતમાં એક મુકામ હાંસલ કર્યા બાદ પણ તેમણે પોતાની નાદોપાસના થંભાવી નહોતી. તેમણે અપ્રચિલત, ઓછા પ્રચલિત રાગોમાં ગીતો કમ્પોઝ કરી તેને સ્ટેજ પરથી ગાવાની હિંમત કરી હતી.
૧૯૨૨માં ઓમકારનાથજી સુરતના ધનાઢ્ય શેઠ પ્રહ્લાદજી દલસુખરામ ભટ્ટના પુત્રી ઈંદિરાદેવીને પરણ્યા હતા. ઘરસંસાર સુખી હતો. લગ્ન બાદ પંડિતજી ભરૂચમાં સ્થાયી થયા હતા. સંગીતમાંથી થતી આવકમાંથી ઘરનું ગાડું ગબડતું હતું. ૧૯૨૪માં તેમને પહેલીવાર નેપાળ જવાની તક મળી. નેપાળના મહારાજા વીર શમશેર જંગબહાદુર સંગીત જલસા ગોઠવતા હતા. નાનાભાઈ રમેશચંદ્ર સાથે પંડિતજી નેપાળ ગયા અને ત્યાં તેમણે શાહી ઘરાણાને જીતી લીધું. તેમને ૫,૦૦૦ રૂપિયાનો રિવૉર્ડ મળ્યો તે સાથે મહારાજાએ તેમને ૩,૦૦૦ રૂપિયાના માસિક પગારે દરબારી સંગીતકાર તરીકે નોકરીની ઑફર કરી પણ અલગારી સંગીતસાધકે તે નકારી કાઢી હતી. ૧૯૩૦થી તેમને સતત નેપાળનું આમંત્રણ મળવા લાગ્યું હતું. આ આવક પણ તેમણે માતાના ચરણે ધરી દીધી હતી.
પંડિતજી સંગીત કાર્યક્રમો, સંગીત વિષયક લેક્ચરો વગેરે માટે વિદેશ જતા થયા, ફ્લોરેન્સ ગયા, પછી જર્મની, હોલૅન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, લંડન, વેલ્સ, સ્વીત્ઝર્લૅન્ડ વગેરે સ્થળોનો પ્રવાસ કરીને નામના મેળવી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં કિંગ અમાનુલ્લા ખાન સમક્ષ પણ ગાયન કર્યું હતું. લંડનમાં તેમને મિત્રોએ કહ્યું કે પંચમ કિંગ જ્યોર્જની સમક્ષ ગાવાની તક માગવાની અરજ કરવા જણાવીને કહ્યું કે તેઓ તમને ‘રાવબહાદુર’નો ઈલ્કાબ આપશે. કલાકાર હૃદય ઉકળી ઉઠ્યું અને ના પાડી દીધી. વિદેશ પ્રવાસમાં તેઓ રશિયા જતા હતા ત્યારે સુવાવડમાં બાળકની સાથે ઈંદિરાદેવીનું અવસાન થયાનો સંદેશો મળતા દુ:ખી હૃદયે દેશમાં પાછા ફર્યા હતા. આઘાતથી એટલા બેબાકળા થઈ ગયા હતા કે હંગામી ધોરણે તેમને વિસ્મૃતિનો રોગ થયો હતો. તેઓ પત્નીને બહુ ચાહતા હતા એટલે તેમણે ફરી લગ્ન કરવાનું નકારી કાઢ્યું હતું અને એ માટે તેમના ઈષ્ટદેવ ભગવાન રામનો દાખલો આપ્યો હતો.
પંડિતજીને અનેક શિષ્યો હતા અને બધા જ શિષ્યો પ્રખ્યાત થયા. તેમનાં કેટલાક નામોમાં ડૉ. પ્રેમલતા શર્મા, યશવંતરાય પુરોહિત, બલવંતરાય ભટ્ટ, કનકરાય ત્રિવેદી, શિવકુમાર શુક્લ, ફિરોજ કે. દસ્તુર, બીજોનબાલા ઘોષ દસ્તીદાર, ડૉ. એન. રાજમ, રાજભાઉ સોનટક્કે, શ્રીમતી સુભદ્રા કુલશ્રેષ્ઠ, અતુલ દેસાઈ, પી. એન. બર્વે, કુમારી નલિની ગજેન્દ્રગડકર અને સુરતના મહાદેવ શર્મા શાસ્ત્રીનો સમાવેશ થાય છે. સાહિત્યકાર-નાટ્યકાર પ્રાગજી ડોસા પણ પંડિતજીના શિષ્યગણમાં હતા.
જયદેવ શુક્લે બીજી એક અજબ વાત કહી હતી કે એકવાર સુરતમાં વરસાદ ન પડયો, લંબાઈ ગયો ત્યારે કિલ્લાના મેદાનમાં પંડિતજીએ આખો દિવસ મલ્હાર રાગના જુદા જુદા પ્રકારો ગાયા કર્યા હતા અને મોડી સાંજે વરસાદ પડ્યો હતો, આ વાત સિદ્ધહસ્ત સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માએ કોઈ ઠેકાણે નોંધી છે. ખાસ વાત એવી છે કે ગ્વાલિયર ઘરાનાની ગમકની તાનો સાથે કિરાના ઘરાનાના ઉમદા સ્પર્શને કારણે તેમના ગાયનનું માધુર્ય મીઠું અને પંડિતજીના સમકાલીનો કરતા જુદું છે. નિલાંબરી, કોમલ રિષભ આશાવરી, માલકૌંસ તો એમને ગમતા રાગ એટલે એવું મન મૂકીને ગાતા કે શ્રોતા દંગ રહી જતો. એ સાથે તેમનું બહુ જાણીતું ભૈરવીમાં ગાયેલું ‘જોગી મત જા…’ ગીત તો દરેક વખતે ફરમાઈશ દ્વારા ગવાયાના દાખલા છે. ‘વંદેમાતરમ’ની પણ કાયમની ડિમાન્ડ હતી જે તેઓ પ્રચલિત ઢાળ મૂકીને પોતાની રીતે કંમ્પોઝ કરેલું એ ગાતા અને દેશના દુશ્મનો પણ વાહ પોકારી ઉઠતા હતા. તેમણે ખાસ પ્રચલિત નહીં એવા ચંપક અને સુહા-સુહાગ રાગ પણ વારંવાર ગાયા છે.
ઓમકારનાથજીએ સંગીત વિષયક કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં સંગીતાંજલિ, સ્વરશાસ્ત્ર, રાગશાસ્ત્ર, પ્રણવભારતી, રસશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. વળી તેમણે ૧૯૪૨માં મુંબઈ છોડ્યું અને વિદ્યાલય બંધ કર્યું. સુરત આવી વસ્યા હતા. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત નેપાળના રાજાએ ‘સંગીત મહોદય’, કાશી સંસ્કૃત વિદ્યાલયે ‘ગાનસમ્રાટ’, બંગાળે ‘સંગીત સમ્રાટ’, પંડિત મદનમોહન માલવિયાએ ‘સંગીત પ્રભાકર’ અને ભારત સરકારે ‘પદ્મશ્રી’ આપ્યો હતો. ૧૯૬૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી ‘ડિ લિટ’ અને ૧૯૬૪માં કલકત્તા યુનિ. તરફથી ‘ડોક્ટર્સ ઑફ લેટર્સ’ની પદવી અપાઈ હતી તેમ જ રવીન્દ્રભારતી યુનિ.એ પણ તેમને કલામાં માનદ્ ડિગ્રી આપી હતી. એક આડવાત રવીન્દ્રભારતીની માનદ્ ડિગ્રી મેળવવામાં ગુજરાતના સપૂતો કદાચ આગળ છે, ગયા વર્ષે વિખ્યાત પેઈન્ટર અને સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને, તેનાા કેટલાંક વર્ષ અગાઉ નાટ્ય-સાહિત્ય સર્જક જ્યોતિ ભટ્ટને અને એ પહેલા ચં. ચી મહેતાને આ બહુમાન મળ્યું હતું. પત્નીના મૃત્યુ ઉપરાંત સ્વજનોની કાયમી વિદાયથી શોકમય રહેનારા પંડિતજીને અગાઉ ૧૯૫૪માં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ તેમાંથી સાજા થઈ ગયા હતા પછી મુંબઈમાં જુલાઈ ૧૯૬૫માં લકવાનો ગંભીર હુમલો થયો હતો તેમાંથી તબિયતમાં આંશિક રીતે સુધારો થયો હતો. ૧૯૬૬માં તેમને લકવાનો વધુ ગંભીર હુમલો થયો તેને કારણે આખું શરીર ઝલાઈ ગયું અને તેમની સ્મરણશક્તિને પણ હાનિ પહોંચી હતી. તેમના જીવનના છેલ્લાં વર્ષો દયાજનક વીત્યા હોવાનું ડૉ. એન. રાજમ લખે છે. વધુમાં તેઓ લખે છે કે ‘એકલતામાં જીવન જીવતા અને ૬૫ વર્ષની પાકટ વયે તેમને ઝાડુ મારતા અને પોતાની રસોઈ બનાવતા જોવા ખરેખર બહુ દયાજનક હતું. છેલ્લે તો પથારીવશ રહ્યા હતા
અધ્યાત્મને સંગીત સાથે જોડવાનો પંડિતજીનો અભિગમ
પંડિત ઓમકારનાથ ઠાકુર જેટલા સંગીતમગ્ન હતા એટલા જ ધામિર્ક-આધ્યાત્મિક પણ હતા. ધામિર્ક વિધિ-વિધાનમાં પૂરી સમર્પિતતા સાથે સામેલ થતા. એમના સુરતના નિવાસ દરમિયાન સુરતના સમર્થ યજુર્વેદ પંડિત સ્વ. ચન્દ્રકાંત શુક્લ સાથે એમનો નિકટનો સંબંધ હતો. પ્રત્યેક નવરાત્રિમાં નવે નવ દિવસ શુકલજીએ ઓમકારનાથજીના ઘરે ચંડીપાઠ માટે જવાનું રહેતું, પણ પંડિતજી અનોખા યજમાન હતા. પોતે હાર્મોનિયમ લઈને શ્રવણ કરવા બેસતા. પંડિતજી હાર્મોનિયમ પર મધ્ય સપ્તકના પંચમનો સૂર લગાડી એમાં જ આખો ચંડીપાઠ કરવાનો આગ્રહ રાખતા. સંગીતના અને પંડિતજીના ચાહક શુક્લજીને આ રીતે પાઠ કરવામાં સામાન્ય કરતા બમણો સમય લાગતો અને આમ નવેનવ દિવસ કરાતું. આધ્યાત્મને સંગીત સાથે જોડવાના પંડિતજીના આ અભિગમને શુક્લજી પણ અનહદ પ્રેમથી સાથ આપતા.
વાચકોના પ્રતિભાવ