વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સંદેશ

1263 બાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે …ગીતા માણેક

સૌજન્ય- સંદેશ/ઈ-વિદ્યાલય

બાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે …ગીતા માણેક

જીવનની સંધ્યા સારી વીતે એવી ઝંખના હોય તો તૈયારી તો સવારથી જ કરવી પડે.

     અમારા એક વડીલ એ વખતે અમને બાળકોને કહેતાં કે વૃદ્ધ બનવાની તાલીમ લો. એ વખતે ગુસ્સો પણ આવતો અને ક્યારેક હાસ્યસ્પદ પણ લાગતું. જીવનમાં બર્થ-ડે ઉમેરાતા જાય, વાળમાં સફેદી આવવા માંડે, દાંત પડવા માંડે, આંખે મોતિયો આવી જાય. આ બધું તો આપોઆપ થાય એમાં તાલીમ શું લેવાની?

     પરંતુ જેમ સમજણ આવતી ગઈ ત્યારે એ વડીલની વાતોનો અર્થ સમજાવા માંડયો. સામાન્યતઃ ઉંમર વધતી જાય એટલે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિઝ જેવાં રોગ પ્રવેશવા માંડે છે. જો કે આજના જમાનામાં તો આ બધા રોગને આવવા માટે વૃદ્ધત્વ સુધી રાહ જોવી નથી પડતી. આ બધું આગોતરું તો નહીં જ પણ સિનિયર સિટીઝન થયા પછી પણ ન આવે એ માટેની તાલીમ બાળપણથી જ મળવી જોઈએ. મતલબ કે બાળપણ અને યુવાનીમાં સ્વાસ્થ્યના મહત્ત્વની સાથે સાથે એને જાળવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું જળવાઈ રહે. આપણી દાદીઓ કહેતી મૂળો મોગરી અને દહીં બપોર પછી નહીં. અથવા દૂધપાક પછી છાશ પીવા મળતી નહીં કારણ કે દહીં અને દૂધ વિપરીત આહાર કહેવાય. સ્વાસ્થ્ય સાચવવાના આવા મૂળભૂત નિયમો અજાણતાં જ મનમાં કોતરાઈ જતા. શરીર એ ભલે પ્રકૃતિ તરફ્થી મળેલી ફ્રી ગિફ્ટ હોય પણ સ્વાસ્થ્યની જાળવણી તો આપણે જ કરવી પડે એ પ્રવચનો આપીને નહીં પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા કરાવી લેવામાં આવતું.

     વ્યાયામશાળામાં જઈને કસરત કરવી, ઘરમાં સૂર્યનમસ્કાર કરવા કે પછી જુદી-જુદી શારીરિક પ્રવૃત્તિઓ દૈનિક જીવનનો ભાગ હતી. આ બધા થકી એક સ્વસ્થ શરીરનો મજબૂત પાયો બંધાતો અને એ આદત બની જતી. શરીર સ્વાસ્થ્યના આ પાઠ બાળપણમાં જ શીખીને એને અમલ કરનાર વ્યક્તિનાં શરીરને નિશ્ચિતપણે વૃદ્ધાવસ્થા મોડી આવવાની. આવી વ્યક્તિનું ઉંમર વધ્યા પછી પણ આરોગ્ય સારું રહે અને પરિણામે પરાધીનતા ન આવે.

  તો થઈને આ બાળપણથી જ વૃદ્ધ થવાની તાલીમ!

     વૃદ્ધત્વ આકરું ન બને એ માટે બાળપણ અને યુવાનીમાં જ બચત કરવાનો પાઠ ભણાવવો આવશ્યક બને છે. આજે બધી જ ચીજવસ્તુઓ લોન પર ઉપલબ્ધ છે. શિક્ષિત યુવાવર્ગના પગાર તો તોતિંગ હોય છે. પણ એક મોટો હિસ્સો હપ્તાઓ ભરવામાં નીકળી જાય છે. એ સિવાય લક્ઝરીઝને આપણે જરૂરિયાતો ગણવા માંડયા છીએ. લેટેસ્ટ મોબાઈલ, કાર, ઉપકરણો આ બધું અનિવાર્ય થઈ ગયું છે. આપણા બાપદાદાઓ ન છૂટકે કરજો લેતા હતા. આમાં કંજૂસાઈની વાત નથી, પણ આપણી ચાદર પ્રમાણે પગ લાંબા કરવાનું દેશી ગણિત છે.

     જુવાનીમાં જ્યારે કમાણી કરવાની ક્ષમતા વધુ હોય ત્યારે આવકનો એક હિસ્સો બચાવવો જોઈએ એ આપણે વડીલોને જોઈને શીખતા. બચતનો આ પાઠ બાળપણથી શીખવ્યો હોય તો જિંદગીના અંતિમ હિસ્સામાં પોતાની બચતના જોર પર સ્વમાનભેર જીવી શકાય!

     લેખની શરૂઆતમાં જે વડીલની વાત કરી હતી તેઓ કાયમ કહેતા કે, પોતાની જાત સાથે સમય વીતાવવાની ટેવ પાડો. સામાન્યતઃ આપણે સતત કોઈની કંપનીમાં રહેવાનું પસંદ કરીએ છીએ. એકલા પડતાં જ અસ્વસ્થ થઈ જઈએ છીએ. પરંતુ ઉંમર વધતાંની સાથે જ જીવનસાથી, હમઉમ્ર મિત્રો કે સ્નેહીઓને આપણે સ્મશાનમાં વળાવવા જવું પડે એવું બને, સંતાનો પોતાપોતાના સંસારમાં રચ્યાપચ્યા હોય ત્યારે કેટલી એકલતા સાલે છે! બાળપણથી જ પોતાની જાત સાથે થોડો સમય વીતાવવાની તાલીમ મળી હોય તો વૃદ્ધાવસ્થામાં એકલતા ભેંકાર નથી લાગતી.

     નિવૃત્તિ પછીના ખાલીપામાં ઘણાં લોકો પોતાના માટે અને પરિવારજનો માટે મુસીબત બની જતા હોય છે. જે મળે તેની પાસે કયાં તો ભૂતકાળના પ્રસંગોનું કંટાળી જવાય એટલી વાર બયાન કરતા રહે છે અને નહીં તો બીમારીના રાગ આલાપતા રહે છે અથવા સંતાનોના જીવનમાં ચંચૂપાત કરતા રહે છે. રસ તરબોળ રહી શકાય એવો એકાદ શોખ હોય તો પોતાની જિંદગી મજેથી વીતે જ પણ પરિવારજનોને ય નડતરરૂપ ન બનીએ. એ શોખ સંગીત, વાંચન, બાગકામ, ચિત્રકામ કે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિ હોઈ શકે. આ શોખ સિત્તેર વર્ષે કેળવવામાં મુશ્કેલી પડે. એના માટે તો સાત કે સત્તરમા વર્ષથી શરૂઆત કરવી પડે.

      આપણે કોણ જાણે ક્યારે અને કેમ માનતા થઈ ગયા છીએ કે, ધર્મ અને આધ્યાત્મ વૃદ્ધાવસ્થાનો ટાઇમપાસ છે. એક જમાનામાં બાળકોને ભગવદગીતાના શ્લોક પાકા કરાવવામાં આવતા અને આવા ગ્રંથ શીખવા-સમજવા માટે પાઠશાળામાં મોકલવામાં આવતા. અનાસક્તિનો પાઠ સાઠ વર્ષ પછી શીખવા બેસીએ તો પાકા ઘડે કાંઠા ચડે ખરાં? પરંતુ મારા આ શરીર સહિત જગત આખું મિથ્યા છે એવી થોડીક પણ સમજણ બાળપણમાં જ બુદ્ધિમાં પ્રવેશી ચૂકી હોય તો સંતાનોને પાંખ આવતાં જ્યારે તેઓ ઊડવા માંડે ત્યારે છેવટના વરસો તેમના ઝુરાપામાં ન વીતે.

    જીવનની સંધ્યા સારી વીતે એવી ઝંખના હોય તો તૈયારી તો સવારથી જ કરવી પડે.

ઈ-વિદ્યાલયમાં આ જ લેખ-વિડીયો સાથે …

બાળકો,વાલીઓ અને શિક્ષકો અને શિક્ષણના મુક્ત મંચ સમા ઈ-વિદ્યાલયનું ૭૫+વર્ષે ઉત્સાહથી સંચાલન કરી રહેલ મિત્ર શ્રી સુરેશ જાનીએ ઈ-વિદ્યાલયમાં આ જ લેખને અંતે વિડીયો મુકીને બાળકો માટે આ લેખની ઉપયોગીતા ખુબ વધારી છે.

વિડીયો સાથેનો આ લેખ વાંચવા આ લીંક પર ક્લિક કરો.

ઈ-વિદ્યાલયની આ વેબ સાઈટના જુદા જુદા વિભાગો પર જાણીતા લેખકો અને શિક્ષણ શાત્રીઓએ લખેલ બાળકો માટે ખુબ ઉપયોગી અને પ્રેરક લેખો પોસ્ટ કરવામાં આવે છે. આપનાં બાળકો અને  મિત્રોને આ લેખો,વિડીયો અને અન્ય માહિતી વાંચવા પ્રેરી ઈ-વિદ્યાલયના સંચાલકોને ઉત્સાહિત કરવા આગ્રહ ભરી વિનતી છે. 

વિનોદ પટેલ 

1075- ના, સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે… :મધુવનની મહેકઃ સંતોષ દેવકર

નાના માણસની મોટી વાતો  ..

ના, સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે
મધુવનની મહેકઃ સંતોષ દેવકર

 

‘સાહેબ બીજો બૂટ.’

ને મારા બીજા પગનો બૂટ બૂટપોલિશવાળાને આપ્યો. પોલિશ તો જાણે એ રીતે કરતો હતો કે બૂટ નહિ પણ હોય કોઈ અમૂલ્ય વસ્તુ ! બૂટને હાથમાં એ રીતે પકડી રાખ્યું હતું જાણે નાનું બાળક ન હોય ! ખૂબ જ વ્હાલપૂર્વક મારા બૂટને એક હાથે પકડી રાખી બીજા હાથે બ્રશ ફેરવતા એ પોલિશવાળા ભાઈને હું એકીટશે જોઈ રહયો.

એક બ્રશ, બીજુ બ્રશ, ત્રીજુ બ્રશ બૂટ પર એ રીતે બ્રશ ફેરવતો જાણે આખી દુનિયાના દર્શન બૂટની ચમકમાં કરતો હોય. મને નવાઈ લાગી. કોઈ બૂટ પોલિશવાળાને પ્રથમ વખત આટલી એકાગ્રતાપૂર્વક કામ કરતો જોયો. પ્રથમ કોઈ મલમ જેવું બૂટ પર લગાવ્યું. પછી એક પછી એક બ્રશ ફેરવતો ગયો. ને બૂટને ચમકાવતો ગયો. બસ એક જ ધ્યેય હતું તેનું. મારા બૂટને ચમકાવવાનું. બૂટની ચમક માટે તેણે પોતાની પાસે હતું એટલું બધું જ ખર્ચી નાખ્યું. વાપરી નાખ્યું. એક જ લક્ષ્ય, બૂટ ચમકવો જોઈએ. એટલી બધી એકાગ્રતા કે એ પણ ભાન ન રહયું કે આસપાસ કોણ છે, શું કરે છે, શું બોલે છે ? બસ, એક જ ધૂન બૂટ ‘બોલવા’ જોઈએ.

‘લો સાહેબ, બીજો બૂટ તૈયાર’. કહીને એણે મારી એકાગ્રતા તોડી. મને પણ તે જ વખતે ભાન થયંુ કે હું બૂટપોલિશવાળાને આટલું ધ્યાનપૂર્વક નિહાળી રહયો છું.

‘કેટલા પૈસા થયા ?’

‘સાહેબ, પંદર રૂપિયા.’

મેં વીસની નોટ કાઢીને આપી. એણે પાંચ રૂપિયા પાછા આપવાનો પ્રયત્ન કર્યો.

‘રહેને દો.’ મેં કહયું પોલિશ કરવાની એમની તન્મયતા પર હું વારી ગયો હતો.

‘નહી ંસાહેબ.’

‘અરે.. રાખો હું ખુશીથી આપું છું.’

‘નહિ સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે.’

એણે પાંચ રૂપિયા મને એમ કહીને પાછા આપ્યા. હું આઘાત સાથે આશ્ચર્ય અનુભવી રહયો. પ્રમાણિકતા તેના રગેરગમાં વ્યાપેલી દેખાઈ. રાજી ખુશીથી આપેલા પાંચ રૂપિયા તેણે પ્રમાણિકતાપૂર્વક મને પરત કર્યા.

‘વધુ રૂપિયા લેવાની ટેવ પડી જશે’- આ વાકય એ મારા મનોજગતનો કબજો લઈ લીધો.

મહેનત કરતાં વધુ રૂપિયા લેવાની ટેવ પડે તો … !

સામાન્ય બૂટ પોલિશવાળાએ જીવનનું સત્ય સમજાવી દીધંુ. જરૂર કરતાં વધુ શા માટે ? જેટલું જરૂર છે તેટલું જ જોઈએ.

આ પોલિશવાળો ગાંધીજીના અગિયાર મહાવ્રતોથી તદ્ન અજાણ હતો. માત્ર મહેનતનું ખાતો, હરામનું અવગણતો ને પ્રલોભનથી દૂર રહેતોે.

વૈષ્ણવજન તો તેને રે કહીએ….. ગાંધીજીનું પ્રિય ભજન આપણે ગાઈએ છીએ. બૂટ પોલિશવાળાએ આ ભજન સાચા અર્થમાં પચાવ્યું હતું.

પરધન નવ ઝાલે હાથ રે….. કોઈ નિશાળમાં ભણવા ગયો નહોતો.

‘એક દિવસમાં કેટલા કમાઈ લો છો ?’ મને પૂછવાનું મન થયું.

‘સાહેબ, ઘરમાં પાંચ જણાનું ગુજરાન ચાલે તેટલું મળી રહે છે.’

આજે પ્રમાણિક, મહેનતુ, અલોભી માણસો મળવા મુશ્કેલ છે. ત્યારે બૂટ પોલિશવાળા ભાઈ લીમડામાં એક ડાળ મીઠી જેવા લાગ્યા.

દિલ એક મંદિર, કામ હી પૂજા આ મોટાભાગે સ્વીકારાયેલો મંત્ર છે. વ્યકિત મંદિરે ન જાય તો ચાલે, યાત્રા ધામે ન જાય તો ચાલે, નદીએ ન્હાવા ન જાય તો ચાલે, પરંતુ જે કામ હાથ પર લીધું છે તે નિષ્ઠાપૂર્વક કરે તો તે તેની પૂજા જ છે. પોતાને સોંપેલું કામ અથવા પોતે સ્વીકારેલું કામ એ એક સાધના જ છે. મહાન પુરુષો કામને પૂજા સમજીને વર્તે છે. કામને સત્ય, નિષ્ઠા, પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક કરે તો એ જ પૂજા ભકિત બની રહે છે.

નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરવું એ એક પ્રકારનું તપ છે. માણસ પોતા માટે વેઠે તે તાપ અને બીજા માટે સહન કરે તે તપ. પોતાના કાર્યને પૂજામાં પરિવર્તિત કરનારા સફ્ળતાને વરે છે.

હું ગણગણતો રહયો, જરૂર કરતાં વધુ પૈસો કોણ લે ?

મિસરી

“ જો કામ દુનિયાકો

નામુમકિન લગે

વહી મૌકા હોતા હૈ

કરતબ દિખાને કા “

(ફ્લ્મિ-ધૂમ-૩).

http://sandesh.com/to-know-me-more-per-lead/

( 1023 ) મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે? ….ટેક ઓફઃ શિશિર રામાવત

મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?

ટેક ઓફઃ શિશિર રામાવત  

‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’

 

સરસ સવાલ છે. જિનિયસ લોકો, સફ્ળ માણસો, બીજાઓ માટે રોલમોડલ બની ચૂકેલી વ્યકિતઓનું રોજિંદુ શેડયુલ કેવું હોય છે? એમનું જાગવાનું-સૂવાનું-કામ કરવાનું ટાઈમટેબલ કેવું હોય છે? મેસન કરી નામના એક અમેરિકન પત્રકાર-લેખકના મનમાં આ પ્રશ્ન પેદા થયો. એણે જુદાં જુદાં ક્ષેત્રોની પ્રેરણારૂપ વ્યકિતઓની લાઈફ્સ્ટાઈલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. જે કંઈ માહિતી મળતી ગઈ તે એણે પોતાના બ્લોગ પર શેર કરવા માંડયું. ત્યાર બાદ આ જ વિષય પર એક પુસ્તક લખ્યું – ‘ડેઈલી રિચ્યુઅલ્સઃ હાઉ આર્ટિસ્ટ્સ વર્ક’. ૧૬૧ જેટલા લેખકો, ચિત્રકારો, સંગીતકારો, ચિંતકો, વૈજ્ઞાાનિકો, ગણિતશાસ્ત્ર્રીઓ અને રાજકીય વ્યકિતઓની વાતો એણે આ પુસ્તકમાં વણી લીધી છે.

સફ્ળ માણસોની કામ કરવાની આદત, રિલેકસ થવાની આદત અને અન્ય લાક્ષણિકતાઓમાં કયાંક એની સફ્ળતાની એકાદ-બે ચાવી છુપાયેલી હોવાની. પુસ્તક વિદેશી છે એટલે એમાં જે લોકો વિશે વાત થઈ છે તે પણ વિદેશી છે. એમાંના અમુકના નામ અને કામ તમને કદાચ અજાણ્યા લાગે તો લાગવા દેજો. મહત્ત્વ એમના વિશેની વિગતોનું છે.

એક સવાલ અવારનવાર પૂછાતો હોય છે કે દિવસનો કયો સમય વધારે ક્રિયેટિવ ગણાય? સવાર કે રાત? આનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મહાત્મા ગાંધીના ઘનિષ્ઠ ગણાતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ નોંધ્યું છે તે પ્રમાણે, ગાંધીજી સવારે ચાર વાગે ઉઠી જતા. પછી હાથ-મોં ધોઈને પ્રાર્થના કરવા બેસે. નાસ્તો કરીને ફરવા નીકળે ને ત્યાર બાદ કામે લાગી જાય. નવેક વાગે તેલમાલિશ કરાવે. માલિશ કરાવતી વખતેય કામ તો ચાલુ જ હોય. પછી સ્નાન કરે. સ્નાન બાદ અગિયાર વાગે ભોજન લઈ એક વાગ્યા સુધી કામ કરે. બપોરે એકથી બેની વચ્ચે સૂઈ જાય. (ગાંઘીજી ગમે તેમ તોય કાઠિયાવાડી તો ખરા જ ને!) બે વાગે ઉઠીને શૌચક્રિયા કરવા જાય. ત્યાર બાદ પેટ પર માટીનો પાટો બાંધીને આરામ કરે. સૂતાં સૂતાં કામ તો જોકે ચાલતું જ હોય. ચાર વાગે કાંતવા બેસે. પછી લખવા-વાંચવાનું શરૂ થાય. સાંજે પાંચ વાગે તો વાળુ એટલે કે રાત્રિભોજન કરી લે. પછી ફરી પાછા લખવા બેસવાનું. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ ને પછી રાત્રે સાડાનવની આસપાસ સૂઈ જવાનું. જરૂર પડ્યે ગાંઘીજી મધરાતે બે વાગે ઉઠીને કામ આરંભી દેતા. 

 ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ સવારે સાડાસાતે ઊઠીને બે કલાક સુધી પથારીમાંથી ઊભા ન થતા. બ્રેકફાસ્ટ કરવો, મુખ્ય છાપાં અને પત્રો વાંચવા તથા એકાધિક સેક્રેટરીઓને સૂચનાઓ  કે ડિકટેશન આપવું – આ બધું જ તેઓ આ બે કલાક દરમિયાન પથારીમાં જ પડયા પડયા કરી નાખતા. તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સવારે સાત વાગે ઊઠીને, વેઈટ્સ અને કાર્ડિયો જેવી એકસરસાઈઝ પતાવીને નવ વાગતા પહેલાં પોતાની ઓફ્સિ પહોંચીને કામ શરૂ કરી દેતા. રાતે ફેમિલી સાથે ડિનર કર્યા બાદ કેટલીય વાર તેઓ પાછા ઓફ્સિ આવી જતાં અને રાતના દસેક વાગ્યા સુધી કામ કર્યા કરતા.

એનેલિટિકલ સાઈકોલોજિના જન્મદાતા ગણતા કાર્લ જંગનું સ્પષ્ટ કહેવું હતું કે, ‘દિવસના મહત્ત્વના કામકાજ તો શરીર-મન થાકે એ પહેલાં જ પતી જવાં જોઈએ. થાકીને ચૂર થઈ ગયો હોય, કંટાળેલો હોય, એનાં તન-મનને આરામની જરૂર હોય છતાંય ઢસરડો કરતો હોય એ માણસ નક્કી મૂરખ હોવાનો.’ મોઝાર્ટ સવાર છ વાગે ઊઠીને રાત્રે એક વાગ્યા સુધી મ્યુઝિક લેસન, કોન્સર્ટ, મિટિંગ વગેરેમાં બિઝી રહેતા. આઈરિશ કવિ-લેખક જેમ્સ જોય્સ સવારે દસ વાગે ઊઠતા. એક કલાક સુધી પથારીમાં જ પડયા રહેતા. પછી ઊઠીને નહાતા, શેવિંગ કરતા અને પિયાનો વગાડવા બેસતા. આ બધા કાર્યક્રમ પતે પછી બપોરે તેમને લખવાનો મૂડ ચડતો. અમેરિકન લેખક જોન અપડાઈક શિસ્તપૂર્વક વહેલી સવારે લખવા બેસી જતા. તેઓ કહેતા, ‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’

અમુક ક્રિયેટિવ વ્યકિતઓ માટે ચાલવા જવાની એકસરસાઈઝ બહુ જ અગત્યની હોય છે. પગની મૂવમેન્ટ્સ એમના દિમાગને ગતિશીલ રાખે છે. સોરેન કિકેગાર્ડ નામના ડેનિશ ચિંતકને ચાલતાં ચાલતાં અચાનક કંઈક નવો વિચાર આવતો તો તેઓ ઝપાટાબંધ ઘર તરફ્ પાછા પાછળ વળી જતા અને વોકિંગ સ્ટિક અને છત્રી સમેત સ્ટડીરૂમમાં ધસી જઈને ફ્ટાફ્ટ લખવા બેસી જતા. બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સ સવારે નહીં પણ બપોરે ચાલવા નીકળતા. મહાન જર્મન કમ્પોઝર અને પિયાનિસ્ટ બીથોવન પણ જમ્યા બાદ પગ છૂટો કરવા નીકળતા. તેઓ ખિસ્સામાં કાગળ અને પેન્સિલ અચૂક રાખતા કે જેથી અચાનક કોઈક ધૂનની પ્રેરણા મળે તો એના નોટેશન્સ ટપકાવી શકાય. ક્રિયેટિવ અથવા ‘ઊંચા માંહૃાલા’ વિચારો કયારેક દિમાગમાંથી સાવ છટકી જતાં હોય છે એટલે તે નાસીને અદશ્ય થઈ જાય અથવા ભુલાઈ જાય તે પહેલાં નોંધી લેવા જોઈએ!

પોતે રોજ કેટલું લખે છે એનો લેખકે હિસાબ રાખવો જોઈએ? નોબલ પ્રાઈઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વે રોજ પોતે કેટલા શબ્દો લખ્યા એનો રીતસર ચાર્ટ બનાવતા, કે જેથી ખુદને ઉલ્લુ બનાવી ન શકાય! બી.એફ્. સ્કિનર નામના અમેરિકન લેખક-સાઈકોલોજિસ્ટ લખવા બેસે ત્યારે રીતસર ટાઈમર સેટ કરતા અને પછી કલાક દીઠ કેટલા શબ્દો લખ્યા એનો નિયમિત ચાર્ટ બનાવતા.

સમજદાર જીવનસાથી કે પાર્ટનર પર પણ કયારેક ઘણી વાતો નિર્ભર કરતી હોય છે. માનસશાસ્ત્રના પિતામહ એવા સિગ્મન્ડ ફ્રોઈડની પત્ની માર્થા એમની ખૂબ સેવા કરતી. ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢીને બ્રશ પર લગાડવાનું કામ સુદ્ધાં સિગ્મન્ડ ફ્રોઈડ જાતે ન કરતા. ફ્રોઈડ નસીબદાર ગણાય. બાકી કંકાસણી પત્નીના પતિઓએ પણ ઉત્તમ સર્જન કર્યા હોવાના ઘણા દાખલા છે. અંગ્રેજ લેખિકા જેન ઓસ્ટિન પરણ્યાં નહોતાં. પણ એમની બહેન કસાન્ડ્રા ઘરનું તમામ કામ પતાવી નાખતી કે જેથી જેન પોતાની તમામ શકિત લખવામાં પરોવી શકે.

મહાન કલાકારોમાંથી કેટલાકનું એક કોમન લક્ષણ મર્યાદિત સામાજિક જીવન છે. ફ્રેન્ચ લેખિકા- ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વા કયારેક કોઈ પાર્ટીમાં ન જતાં, કોઈ આમંત્રણ ન સ્વીકારતાં કે ન લોકો સાથે સાથ હળતાંભળતાં. એમણે પ્રયત્નપૂર્વક આ પ્રકારની લાઈફ્સ્ટાઈલ વિકસાવી હતી. ચિત્રકાર પિકાસો દોસ્તોને હળવામળવા માટે અડધો રવિવાર અલાયદો રાખતા. બાકીના દિવસોમાં માત્ર કામ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં.

સો વાતની એક વાત. ઉત્તમ સર્જન કરવા માટે કોઈ એક જડબેસલાક પદ્ધતિ કે નિયમો હોતાં નથી. સર્જનશકિત ધરાવતા સફ્ળ માણસો પોતાની તાસીર પ્રમાણે ખુદની પદ્ધતિ વિકસાવી લેતા હોય છે.

shishir.ramavat@gmail.com

Sandesh – Ardh Saptahik purti – 25 Jan 2017

સૌજન્ય- સંદેશ.કોમ 

આ જ લેખક નો પ્રતિલિપિ.કોમ પર પોસ્ટ થયેલો વિખ્યાત પંજાબી સાહિત્યકાર અમૃતા પ્રીતમ ના જીવન પર આધારિત એક બીજો રસસ્પદ લેખ 

જે ગૂંચવાય છે એ સંબંધ નથી ….શિશિર રામાવત 

( 504 ) ૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૪ – ભારતના ૬૮મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ

PM’s address to the nation on 15th August

PM’s address to the nation on 15th August

PM MESSAGE

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર જોગ પ્રેરક સંદેશ

નીચેની યુ-ટ્યુબ વિડીયોની લીંક ઉપર ક્લિક કરીને સાંભળો .

PM Narendra Modi’s Independence Day Speech at Red Fort

 

૧૫ મી ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ ભારતને અંગ્રેજી શાશનમાંથી મુક્ત થઈને

એક સાર્વભૌમ સ્વતંત્ર બન્યાને ૬૭ વર્ષ પુરાં થયાં .

ભારતના આ ૬૮ મા સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશના ૧૫ મા વડા પ્રધાન તરીકે

ઐતિહાસિક લાલ કિલ્લા ઉપરથી દેશ અને પરદેશમાં રહેતા કરોડો ભારતીયો જોગ આપેલા પ્રેરક

સંદેશમાં શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે ઘણી નવી મુદ્દાની વાતો અને સૂચનો કર્યા.

એમનો આ સંદેશ  બધી રીતે ધ્યાન ખેંચે એવો છે .

દેશમાં પાયાનાં પરિવર્તનો લાવવા માટે એમણે સરસ ભાવી બ્લુ પ્રિન્ટ રજુ કરી .

એમની ઈચ્છિત યોજનાઓનો અમલ થાય અને એમાં સૌનો સહકાર પ્રાપ્ત થાય એવી આશા રાખીએ .

સૌનો સાથ સૌનો વિકાસ

દેશના સર્વાંગી વિકાસ માટેના શ્રી મોદીએ સેવેલાં સ્વપ્નો સાકાર બને એવી આજના

દિવસે આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ .

Arvind ghosh-2

 

૧૫મી ઓગસ્ટ એ મહર્ષિ અરવિંદ ઘોષ નો પણ જન્મ દિવસ છે . તેઓ યોગી બન્યા એ પહેલાં

દેશની આઝાદી માટે એક સક્રિય સેનાની હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. એમણે આગાહી

કરી હતી કે ૧૫મી ઓગસ્ટને દિવસે જ દેશ આઝાદ બનશે અને એ સાચું પણ પડ્યું.

આવા એક મહા યોગી મહર્ષિ અરવિંદને આજના એમના જન્મ દિવસે હાર્દિક પ્રણામ .

સૌ વાચક મિત્રોને ……

 ભારતના ૬૮ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ  

વિજયી વિશ્વ તિરંગા પ્‍યારા… ઝંડા ઉંચા રહે હમારા

થોડો સમય લઈને ૧૫મી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે દિલ્હી દુરદર્શએ તૈયાર કરેલ એક સરસ

બે કલાકનો વિડીયો પણ નીચેની લીંક ઉપર ક્લિક કરીને જોવા જેવો છે. એના અંતે વડા પ્રધાનનો સંદેશ છે .

 

Happy independence day

ભારત માતાકી જય,  ….વન્દે માતરમ 

વિનોદ પટેલ, ૧૫ મી ઓગસ્ટ,૨૦૧૪

 

 

 

 

 

 

( 455 ) ખુશ રહો….. સફળ થાઓ……( ચિંતન લેખ )…….. બકુલ બક્ષી

પ્રેરણાત્મક પુસ્તકોના લેખકોમાં ઝિગ ઝિગલર એક અત્યંત જાણીતું નામ છે. એમના પુસ્તક ‘સમથિંગ ટુ સ્માઈલ એબાઉટ’માં જીવનના ઉતાર ચડાવ સામે કેવો અભિગમ અપનાવવો તેનું માર્ગદર્શન અપાયું છે.

આપણી વિચારશૈલી બદલાય તો સમસ્યાઓનો હસતે મોઢે સામનો થઈ શકે છે. ખુશમિજાજ વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનો સ્વભાવ નથી બદલતી જેથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે.

બીજા સાથે સરખામણી કરતા રહેશો તો એમનાથી આગળ ક્યારેય નહીં વધી શકો. ધ્યેય સમકક્ષ થવાનો નહીં પરંતુ આગળ વધવાનો રાખો. સમયને જે મેનેજ કરી શકે છે તેને સમયનો અભાવ નથી નડતો. પ્રતિભાશાળી હોવા કરતાં સમયનો સદુપયોગ કરનાર વધારે સફળ થાય છે. આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ તેના કરતાં આપણા માટે બીજાઓ શું વિચારે છે તે મહત્વનું છે.

બીજાઓની નજરમાં જો આપણે સક્ષમ છીએ તો એ આપણને આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે. કોઈનું નેતૃત્વ લેતાં પહેલાં પોતાની જાતને મેનેજ કરતાં શીખવું જરૂરી છે. જો તમે પોતાની સ્થિતિથી સંતુષ્ટ નથી તો ચિંતા કે ફરિયાદ કરવા કરતાં સ્થિતિને સુધારવાના પ્રયાસ જરૂરી છે. જે કરવાની ઈચ્છા છે એને ભવિષ્ય પર ન છોડી આજથી જ શરૂઆત કરી છે.

કોઈપણ ઉંમરે મોડું નથી હોતું. ચિંતન કરનાર સારું વિચારે છે પણ આ વિચારોને અમલમાં મૂકવા માટે મહેનત જરૂરી છે. ધીમી ગતિની પ્રગતિ પણ એક સ્થળે રોકાઈ જવા કરતાં સારી છે, લોકો તમારા વિચારો નહીં પણ કાર્યથી તમારું મૂલ્યાંકન કરે છે માટે નક્કર કામ પર વધારે ધ્યાન આપો. તમને લાગે કે તમારું સ્વપ્ન સાકાર કરવાની તમારામાં શક્તિ છે તો એને વળગી રહો. પરિસ્થિતિ અનુકૂળ ન હોય પણ તમારી ઈચ્છાશક્તિ બળવાન હશે તો ધીરેધીરે બધું બદલાવા માંડશે.

ખુશ રહેનારા શું નથી એની ફરિયાદ કરવી છોડી દઈ જે છે તેને માણવા પર વધારે ધ્યાન આપે છે. માનવ સ્વભાવ જે જોવા માંગતો હોય તેને જ જુએ છે. નકારાત્મક વિચારો ધરાવશો તો બધું ખરાબ દેખાશે. ડીગ્રી મેળવવાથી ભણતર ભલે પુરું થતું હોય પણ અભ્યાસ કોઈપણ ઉંમરે પુરો થતો નથી.

દરેક વ્યક્તિમાં સફળતાનાં બીજ રહેલાં છે. સફળ વ્યક્તિ બીજાને કંઈક આપે છે અને ઘણું જતું કરે છે. બીજાની ભૂલ પર એવી પ્રતિક્રિયા આપો જાણે એ ભૂલ તમે પોતે કરી હોય અને તમારા ઉપરી પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો. જો ખુશમિજાજ રહી શકશો તો બીજાઓનું પ્રોત્સાહન મળતું રહેશે અને પ્રગતિમાં મદદરૂપ થશે.

bakulbakshi@hotmail.com 

સાભાર…..  દિવ્ય ભાસ્કર … નવી નજરે…. બકુલ બક્ષી……

 

———————————————-    

Click here to read Biography of  ZIG ZIGLAR  on Wikipedia

——————————————————

 આ જોડકણાં જેવું ગીત આમ કાવ્યની દૃષ્ટિએ તો સામાન્ય છે.પણ એનો સંદેશ ખૂબ સરસ છે .

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે..
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

–અજ્ઞાત

———————————

સાભાર -શ્રી દિલીપ સોમૈયા -એમના ઈ-મેલમાંથી